Zanza Ane Jivan - 17 books and stories free download online pdf in Gujarati

ઝંઝા અને જીવન - 17

ઝંઝા અને જીવન

(લઘુનવલકથા)

ગણેશ સિન્ધવ

‘બાદલ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


સત્તર

પીટર અને મારિયા સુનિતાની ખબર પૂછવા માટે પહોંચ્યાં. એમને જોઈને સુનિતાનું હૈયું ભરાઈ આવ્યું. આ સમયે એને થોમસની યાદ આવી. થોમસ વિના એના માતાપિતા પણ એકલાં થઈ ગયાં છે. એમના દુઃખનો ખ્યાલ પણ સુનિતાની વેદના સાથે ભળેલો છે. થોમસ ગુમ થયા પછીના પાંચ માસ સુનિતાએ કઠોર યાતનામાં વિતાવ્યા છે. આ સમય દરમિયાન પીટર કે મારિયા તરફથી ફોન આવતા નહોતાં. થોમસના કોઈ સગા કે મિત્રોએ પણ ફોન કર્યો નહોતો. જાણે કે સુનિતા થોમસની દુશ્મન હતી. થોમસના સંબંધીઓ પણ એના વેરી બની ગયાં હતાં. આ વાતના રંજથી સુનિતાની વેદનામાં ઉમેરણ થતું હતું. સુનિતાનું રુદન પંદર મિનિટ સુધી એકધારું ચાલ્યું. એ મોટા સ્વરે રડતી હતી. પીટરે એના માથે હાથ મૂકીને છાની રહેવાને કહ્યું. પીટરની આંખમાં પણ આંસુડાં રેલાતાં હતાં. મારિયા રડતી હતી. અનુબહેન અને મધુસૂદન રડતાં હતાં. કોઈ કોઈને છાનાં રહેવા માટે બોલતાં નહોતાં. કૃપાશંકર, ઉષાબા અને કમલ મુખ્ય રૂમમાં બેઠાં હતાં. એમની આંખો પણ ભીની થઈ હતી.

સુનિતાની રૂમમાંથી બધા મુખ્ય રૂમમાં આવ્યાં. મારિયા આવીને ખુરશી પર બેઠી. એના ખોળામાં એનો પૌત્ર રોહન હતો. એને એ ધારીધારીને જોતી હતી.

મારિયાએ સુનિતાને કહ્યું, ‘‘મને તારા વિશે ખોટી અને ભ્રામક વાતો લ્યુસીએ કહી હતી. એની વાત પર મેં વિશ્વાસ રાખીને તને ફોન કર્યો નહોતો. એ મારી ભૂલ છે. તારા તરફથી થોમસ અંગેનો કોઈ ફોન આવતો નહોતો એથી લ્યુસીની વાતને સમર્થન મળતું હતું. બીજી તરફ પીટરની તબિયત સારી નહોતી. એ દવાખાનામાં હતો. મારે ત્યાં સતત હાજર રહેવું પડતું હતું. ગયા રવિવારે કૃપાશંકર દાદાએ થોમસ ગુમ થવા બાબતની વિગતે વાત કરી એથી સત્ય હકીકતનો ખ્યાલ અમને આવ્યો. મેં લ્યુસી પાસેથી સાચી વાત જાણવા પ્રયત્ન કર્યો. એથી મને ખબર પડી કે એની વાત વજૂદ વિનાની હતી.’’

મારિયાએ કરેલા ખુલાસાથી સુનિતાએ હળવાશ અનુભવી. સુવાવડના કષ્ટમાંથી એ સ્વસ્થ બની રહી હતી. એના રોહનનું લાલનપાલન કરવામાં એ રત બની છે. એનાં લાંબા દિવસો હવે ટૂંકા થવા લાગ્યા હતા. છિન્નભિન્ન અને ખખડી ગયેલા ખંડેરમાંથી એ બહાર આવી રહી હતી.

માતા માટે બાળકનો જન્મ એટલે હરખઘેલો ચમત્કાર. આવનાર બાળક એના માટે અણમોલ ખજાનો છે. એ ખજાનાની ઝવેરાતને સુનિતા જોતાં થાકતી જ ન હતી.

પીટરની તબિયત નરમ હોવાના કારણે એનાથી ખેતીના કામમાં ધ્યાન આપી શકાતું ન હતું. મારિયાના માથે ઘર સંભાળવાની જવાબદારી હોવાથી એ ખેતીનું કામ સંભાળી શકે તેમ નથી. સુનિતાને ફોન દ્વારા કહ્યું.

‘‘સુનિતા, તારે અહીં ફાર્મહાઉસમાં આવવું જરૂરી છે. અહીંની ખેતીનું કામ પીટર સંભાળી શકે તેમ નથી. તારે અહીં આવીને ખેતી સંભાળવી પડશે. તને ખેતીના કામનો અનુભવ નથી. એમાં તને પીટર માર્ગદર્શન આપશે. પોતાના માણસ વિના ખેતીમાં ભલીવાર ન આવે એનો ખ્યાલ અમને આવ્યો છે. જે મેનેજર ખેતીનાં કામો સંભાળતા હતા તે રાજીનામું મૂકીને ચાલ્યા ગયા છે. બધા કામો યંત્રો દ્વારા થાય છે. એના ઓપરેટર તરીકે હરમાન છે. એના કામનું સુપરવિઝન તારે કરવાનું છે. રોહન માટે આયાની અહીં સગવડ મળશે.’’

સુનિતા કહે, હાલ હું પીએચ.ડી.નો અભ્યાસ કરવા વિચારું છું. આમ છતાં રોહનને લઈને ફાર્મહાઉસ પર આવું છું. માય ઈન્લો ફાધર પીટર અને તમને મળીને વિગતે ચર્ચા કરીશ.

સુનિતાએ મારિયાનો ફોન આવ્યાની વાત મધુસૂદન અને અનુબહેનને કહી. ખેતીની જવાબદારી સંભાળવા માટે ફાર્મહાઉસ બોલાવ્યાની વાત કરી.

અનુબહેન કહે, ‘‘તને બોલાવતાં હોય તો તારે જવું જોઈએ. અમે બન્ને રાજી છીએ.’’

રોહનને લઈને સુનિતા ફાર્મહાઉસ પર પહોંચી. મારિયાએ રોહનને ઊંચકી લીધો. પીટરને નવી ચેતનાની અનુભૂતિ થઈ. મારિયાએ ફોનથી સુનિતાને જે વાત કહી હતી. એ સંદર્ભે પીટરે સુનિતાને કહ્યું.

‘‘બેટી, થોમસ ગુમ થયો એ બાબત તને જે કષ્ટ થયું છે. એવું જ દુઃખ અમને છે. તું અહીં અમારી સાથે રહીશ તો અમારું દુઃખ હળવું થશે. રોહન પ્રત્યે તને જે મમતા છે. એવું જ મમત્વ અમને છે. મને વારસામાં મળેલી હજારો એકર જમીન છે. એની ખેતી સંભાળવાનું કામ તારા દ્વારા થાય એમ હું ઈચ્છું છું. તારે પીએચ.ડી. કરવું હોય તો એમાં અમે અવરોધક બનીશું નહીં. તારે બીજા લગ્ન કરવાં હોય તોયે અમે બાધક બનીશું નહીં. અમે તને સહકાર આપીશું.’’

સુનિતા કહે, ‘‘તમે બીજા લગ્નની વાત કરો છો એ અહીં અમેરિકાની રીત રસમ છે. તમને એ બાબત સહજ લાગે છે. એથી જ તમે મારી આગળ બીજા લગ્નનો ઉલ્લેખ કર્યો છે. તમારી એ વાતને હું સહજ સમજુ છું. થોમસ અને મારા લગ્નમાં તમે બન્ને હાજર હતાં. સગાસંબંધીઓ અને સમાજના લોકો હાજર હતા. તમારા એ બધાની સાક્ષીએ થોમસ સાથે મારા લગ્ન થયાં હતાં. એ બધાંથી વિશેષ અગ્નિની સાક્ષીએ અમે સપ્તપદીના સાત ફેરા ફર્યાં હતાં. હવે હું બીજા લગ્ન કરીશ નહીં. ભારતીય સંસ્કારની રસમ છે. હું સદૈવ થોમસની પત્ની થઈને રહીશ. થોમસની પ્રતીક્ષા કરીશ. મારે પીએચ.ડી.નો અભ્યાસ કરવો છે. એ અહીં ઘરે બેઠાં થઈ શકશે. મેં ઇન્ડિયન સમાજશાસ્ત્ર વિષય પસંદ કર્યો છે. પીએચ.ડી.નો અભ્યાસ પૂર્ણ થયા પછીથી આપણા હાઉસની ડાબી તરફ જે જમીન પડી છે. એ જગ્યાએ બિલ્ડિંગો ઊભાં કરીને એમાં અનાથાલય અને સ્કૂલ શરૂ કરીને કુંવારી માતાના બાળકોના શિક્ષણ, સંસ્કાર અને ઉછેરનું કામ કરવાની મારી મહેચ્છા છે. નિરાધાર અને તરછોડાયેલાં બાળકોનાં કલ્યાણનું કામ કરવા માટેની ભાવી યોજનામાં તમારા બન્નેનો સહયોગ અત્યંત જરૂરી છે.’’

પીટર કહે, ‘‘તારી મહેચ્છા પરોપકારી કામ કરવાની છે. એ કામ તું અહીં કરવા ઈચ્છે છે. એથી મને પ્રસન્નતાનો અનુભવ થયો છે.’’

મારિયા કહે, ‘‘અમારો પુત્ર થોમસ અને તે ઈન્ડિયામાં રહીને ગરીબોનાં કલ્યાણ માટે કામ કરવાનું વિચાર્યું હતું. એમાં પરિસ્થિતિ વિપરીત બની. એવું જ કામ તું અહીં કરવાનું કહે છે. એ અમારા બન્ને માટે આનંદની વાત છે. અમે તને સાથ આપીશું.’’

આ સમયે રોહન ઊંઘમાંથી જાગ્યો. એ રડવા લાગ્યો. એને મારિયાએ પોતાના ખોળામાં લીધો. દૂધ પાયું. રોહન એની દાદી સામે મોઢું મલકાવતો હતો. એ જોઈને સુનિતાને પોતીકાપણાનો અનુભવ થયો. એને ફાર્મહાઉસ પોતીકું લાગવા માંડ્યું.

અમેરિકાનું કેલીફોર્નિયા રાજ્ય પ્રાકૃતિક દૃષ્ટિએ ગુજરાત જેવું છે. ત્યાં સમુદ્ર છે, રણ છે, ડુંગરા છે, તાપ પડે છે, ટાઢ પડે છે. જમીન ફળદ્રુપ છે. પીટરના ફાર્મહાઉસ નજીક ઉત્તર દિશાએ વન છે, નદી છે. ત્યાનું કુદરતી સૌંદર્ય અનુપમ છે. આ વાતાવરણ સુનિતાને પસંદ છે. એના કવિતા કર્મ માટે પ્રેરણાત્મક છે.

ફાર્મહાઉસ પાસે હરમાન રહે છે. એ મેક્સિકોનો વતની છે. એ પીટરની ખેતી સંભાળે છે. એની પત્ની મરિયમ એને ખેતીના કામમાં મદદ કરે છે. તેમને બે બાળકો છે. એમીલિયા બાર વરસની છે. જોન સાત વરસનો છે મારિયાએ રોહનને સંભાળવાનું કામ મરિયમને સોંપતાં કહ્યું,

‘‘હવેથી તારે રોહનને સંભાળવાનો છે. તારે ખેતીના કામ માટે જવાનું નથી. સુનિતાને તેના અભ્યાસ સાથે ખેતીના કામનું નિરીક્ષણ કરવાનું હોવાથી એ રોહનના ઉછેરમાં પુરતું ધ્યાન ન આપી શકે, માટે તને રોહનની જવાબદારી સોંપું છું. સુનિતાએ ખેતીનું કામ સંભાળી લીધું છે. એ દરેક ખેતરને જોઈને પાકનું નિરીક્ષણ કરે છે. ફાર્મહાઉસ પર આવીને પીટરને અહેવાલ આપે છે. પીએચ.ડી.ના થિસિસનું કામ સમયસર પૂરું થાય એ માટે સુનિતા સજાગ છે.’’