Satya na Prayogo Part-1 - Chapter-12 books and stories free download online pdf in Gujarati

સત્યના પ્રયોગો - ભાગ-1 - 12

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૨. નાતબહાર

માતાની આજ્ઞા અને તેના આશીર્વાદ લઈ, થોડા માસનું બાળક સ્ત્રીના સાથે મેલી હું હોંશે હોંશે મુંબઈ પહોંચ્યો. પહોંચ્યો તો ખરો, પણ ત્યાં મિત્રોએ ભાઈને કહ્યું કે, જૂન-જુલાઈમાં હિંદી મહાસાગરમાં તોફાન હોય છે ને મારી આ પહેલી જ દરિયાની સફર હોવાથી મને દિવાળી બાદ એટલે નવેમ્બર માસમાં મોકલવો જોઈએ. વળી કોઈએ તોફાનમાં કોઈક આગબોટ ડૂબી જવાની વાત પણ કરેલી. આથી મોટા ભાઈ અકળાયા. તેમણે એમ જોખમ ખેડીને મને તુરત મોકલવાની ના પાડી અને મને મુંબઈમાં મિત્રને ત્યાં મૂકી પોતે પાછા પોતાની નોકરીએ ચડવા રાજકોટ ગયા. એક બનેવીની પાસે પૈસા મૂકતા ગયા ને મને મદદ કરવાની કેટલાક મિત્રોને ભલામણ કરતા ગયા.

મુંબઈમાં મારા દિવસો લાંબા થઈ પડ્યા. મને વિલાયતનાં જ સ્વપ્નાં આવે.

દરમ્યાન નાતમાં ખળભળાટ ઊઠ્યો. નાત બોલાવવામાં આવી. મોઢ વાણિયો કોઈ હજુ સુધી વિલાયત નહોતો ગયો, અને હું જાઉં તો મારી હાજરી લેવાવી જોઈએ ! મને નાતની વાડીમાં હાજર રહેવા ફરમાવવામાં આવ્યું. હું ગયો. મને ખબર નથી કે મને એકાએક હિંમત ક્યાંથી આવી. મને હાજર રહેતાં ન સંકોચ થયો, ન ડર લાગ્યો. નાતના શેઠની સાથે કંઈક છેટેની સગાઈ પણ હતી. પિતાની સાથે તેમને સંબંધ સારો હતો. તેમણે મને કહ્યું :

‘નાત ધારે છે કે તેં વિલાયત જવાનો વિચાર કર્યો છે તે બરોબર નથી. આપણા ધર્મમાં દરિયો ઓળંગવાની મનાઈ છે. વળી વિલાયતમાં ધર્મ ન સચવાય એવું અમે સાંભળીએ છીએ. ત્યાં સાહેબ લોકોની સાથે ખાવુંપીવું પડે છે.’

મેં જવાબ આપ્યો, ‘મને તો લાગે છે કે વિલાયત જવામાં મુદ્દલ અધર્મ નથી. મારે તો ત્યાં જઈને વિદ્યાભ્યાસ જ કરવાનો છે. વળી જે વસ્તુઓનો આપને ભય છે તેનાથી દૂર રહેવાની મેં મારી માતુશ્રી પાસે પ્રતિજ્ઞા લીધી છે. એટલે હું તેથી દૂર રહી શકીશ.’

‘પણ અમે તને કહીએ છીએ કે ત્યાં ધર્મ ન જ સચવાય. તું જાણે છે કે તારા પિતાશ્રીની સાથે મારે કેવો સંબંધ હતો. તારે મારું કહેવું માનવું જોઈએ.’ શેઠ બોલ્યા.

‘આપની સાથેના સંબંધની મને ખબર છે. આપ વડીલ સમાન છો. પણ આ બાબતમાં હું લાચાર છું. મારો વિલાયત જવાનો નિશ્ચય હું નહીં ફેરવી શકું. મારા પિતાશ્રીના મિત્ર અને સલાહકાર જે વિદ્વાન બ્રાહ્મણ છે તેઓ માને છે કે મારા વિલાયત જવામાં કશો દોષ નથી. મારાં માતુશ્રી અને મારા ભાઈની આજ્ઞા પણ મને મળી છે.’ મેં

જવાબ આપ્યો.

‘પણ નાતનો હુકમ તું નહીં ઉઠાવે ?’

‘હું લાચાર છું. મને લાગે છે કે આમાં નાતે વચમાં ન આવવું જોઈએ.’

આ જવાબથી શેઠને રોષ ચડ્યો. મને બેચાર સંભળાવી. હું સ્વસ્થ બેસી રહ્યો, શેઠે હુકમ કર્યો :

‘આ છોકરાને આજથી નાતબહાર ગણવામાં આવશે. જે કોઈ તેને મદદ કરશે અથવા વળાવવા જશે તેને નાત પૂછશે, ને તેનો સવા રૂપિયો દંડ થશે.’

મારા ઉપર આ ઠરાવની કંઈ અસર ન થઈ. મેં શેઠની રજા લીધી. આ ઠરાવની અસર મારા ભાઈ ઉપર કેવી થશે એ વિચારવાનું હતું. તે ડરી જશે તો ? સદ્‌ભાગ્યે તે દૃઢ

રહ્યા ને મને લખી વાળ્યું કે, નાતના ઠરાવ છતાં પોતે મને વિલાયત જતાં નહીં અટકાવે.

આ બનાવ પછી હું વધારે અધીરો બન્યો. ભાઈના ઉપર દબાણ થશે તો ? વળી કંઈ બીજું વિઘ્ન આવશેતો ? આમ ચિંતામાં હું દિવસ ગુજારતો હતો તેવામાં ખબર સાંભળ્યા કે, ૪થી સપ્ટેમ્બરે ઊપડનારી સ્ટીમરમાં જૂનાગઢના એક વકીલ બારિસ્ટર થવા સારુ વિલાયત જવાના છે. જે મિત્રોને મોટા ભાઈએ મારા વિશે ભલામણ કરી હતી તેમને હું મળ્યો. તેમણે પણ આ સથવારો ન ચૂકવો એમ સલાહ આપી. સમય બહુ થોડો હતો. ભાઈને તાર કર્યો ને મેં જવાની રજા માગી. તેમણે રજા આપી. મેં બનેવીની પાસેથી પૈસા માગ્યા. તેમણે નાતના હુકમની વાત કરી. નાતબહાર થવું તેમને ન પરવડે. કુટુંબના એક મિત્ર પાસે હું પહોંચ્યો અને મને ભાડા વગેરેને સારુ જોઈતા પૈસા આપી ભાઈ પાસેથી તે મેળવી લેવના વિનંતી કરી. આ મિત્રે તેમ કરવા કબૂલ કર્યું, એટલું જ નહીં પણ મને હિંમત આપી. મેં

તેમનો આભાર માન્યો, પૈસા લીધા, ને ટિકિટ કઢાવી.

વિલાયત મુસાફરીનો બધો સામાન તૈયાર કરવાનો હતો. એક બીજા અનુભવી મિત્ર હતા તેમણે સામાન તૈયાર કરાવ્યો. મને બધું વિચિત્ર લાગ્યું. કેટલુંક ગમ્યું, કેટલુંક મુદ્દલ ન ગમ્યું. નેકટાઈ જે પાછળથી હું શોખે પહેરતો થઈ ગયો હતો તે તો જરાયે ન ગમે. ટૂંકું જાકીટ નાગો પોશાક લાગ્યો. પણ વિલાયત જવાના શોખ આગળ આવો અણગમો કંઈ જ વસ્તુ નહોતી. સાથે ભાતું પણ ઠીક બાંધ્યું હતું.

મારી જગ્યા પણ મિત્રોએ ત્રંબકરાય મજમુદાર (જે પેલા જૂનાગઢવાળા વકીલનું નામ

હતું)ની કોટડીમાં જ રોકી. તેમને મારે વિશે ભલામણ પણ કરી. તે તો પુખ્ત ઉંમરના અનુભવી ગૃહસ્થ હતા. હું અઢાર વર્ષનો દુનિયાના અનુભવ વિનાનો જુવાનિયો હતો.

મજમુદારે મારી ફિકર ન કરવા મિત્રોને કહ્યું.