Pincode -101 Chepter 33 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 33

પિન કોડ - 101

પ્રકરણ-33

આશુ પટેલ

સાહિલે બે લાખ રૂપિયા ભરેલા કવર પર હાથ ફેરવ્યો. તેને રોમાન્ચ થઈ આવ્યો. તેને માટે હજી એ વાસ્તવિકતા પચાવવાનું મુશ્કેલ થઈ રહ્યું હતું કે તેની જિંદગીમાં આટલી સરળતાથી આટલો મોટો અને અકલ્પ્ય વળાંક આવી રહ્યો છે. તેણે ઘણી વાર સાંભળ્યુ અને વાંચ્યુ હતું કે માણસનો સમય બદલાય છે ત્યારે તેણે કલ્પના પણ ના કરી હોય એટલી ઝડપે તે નીચેથી ઉપર પહોંચી જાય છે કે ઉપરથી નીચે પટકાય છે. હજી ગઈ રાતે જ ડ્રિન્ક લેતી વખતે તેણે નતાશાને કહ્યું હતું કે તું મને મળી એ પહેલા હું દરરોજ એવું વિચારતો હતો કે મને ક્યાંકથી માત્ર બે લાખ રૂપિયા મળી જાય તો પણ હું સબિત કરી બતાવું કે મારી વાતો હવાઈ કિલ્લા જેવી નથી. ત્યારે નતાશાએ તેને કહ્યું હતું કે બે લાખ રૂપિયા ભૂલી જા, હવે તારો સમય બદલાઈ જશે! રાજ મલ્હોત્રા જેટલો મોટો માણસ તને મળવા બોલાવે એ જ બતાવે છે કે તારો જોરદાર સમય શરૂ થઈ ગયો છે. માણસની જિંદગીમાં સમયથી મોટું કોઈ જ પરિબળ હોતું નથી. મોટા ભાગના કિસ્સાઓમા માણસનો ખરાબ સમય ચાલતો હોય તો કોઈ પાસે તેના માટે સમય ના હોય અને સારો સમય ચાલતો હોય તો તે માણસ પોતાના માટે સમય કાઢે એ માટે લોકો તેને મસકા મારતા હોય. એવા લોકોમાં પેલા માણસો પણ નફ્ફટાઈપૂર્વક સામેલ થઈ જાય જેમણે તે માણસને તેના ખરાબ સમયમાં બે મિનિટ મળવા માટે પણ સમય ના કાઢ્યો હોય અથવા તો હડધૂત કરીને કાઢી મૂક્યો હોય!
નતાશાએ ત્યારે જો કે સમયની સાથે ભગવાનને પણ સાંકળી લીધા હતા. તેણે કહ્યું હતું કે ઇશ્ર્વરની કૃપાથી કોઈ માણસનો સમય શરૂ થાય છે ત્યારે તે માણસ તેની આખી જિંદગીમાં ના વિચારી શકે કે કમાઈ શકે એટલું તેને મળી જાય છે અને ઉપરવાળો ખરાબ સમય આપે ત્યારે માણસ હજી કંઈ સમજી શકે એ પહેલાં તો તેની અબજો રૂપિયાની સંપત્તિ ધોવાઈ જાય છે. એ વખતે તેણે નતાશાને કહ્યું હતું: ‘બિયર પીવાને કારણે અત્યારે આટલો સારો મૂડ બન્યો છે ત્યારે મહેરબાની કરીને તારા ઉપરવાળાને વચ્ચે ના લાવ!’
સામે નતાશાએ પણ તેને એક વાર તો સંભળાવી દીધું હતું: ‘બેટમજી, આ તું મારી સાથે બેસીને બિયર પી રહ્યો છે એ પણ ઉપરવાળાની ઈચ્છાને આધીન છે!’ જો કે પછી તેણે ઉમેરી દીધું હતું: ‘અને એ ઉપરવાળો મને કહે છે કે હમણાં તું તારા દોસ્તને મારા કારણે હેરાન ના કરતી. એ સપાટી પરથી નાસ્તિક છે, પણ વાસ્તવમાં તે તારાથી પણ વધુ ધાર્મિક છે!’
નતાશા યાદ આવી એટલે સાહિલનો ઉન્માદ ઊતરી ગયો. તેણે ફરીવાર નતાશાનો નંબર લગાવી જોયો. અને ફરી વાર તેને પેલો રેકોર્ડેડ મેસેજ સાંભળાયો કે આ નંબરનો અત્યારે સંપર્ક થઈ શકે એમ નથી.
સાહિલ મૂંઝાઈ ગયો. અત્યારે તેના જીવનનો શ્રેષ્ઠ સમય આવ્યો હતો એ વાત તે નતાશા સાથે શેર કરવા ઈચ્છતો હતો અને નતાશાનો સંપર્ક થઈ શકતો નહોતો. બીજી બાજુ તેને નતાશાની ચિંતા સતાવી રહી હતી. તે સાડાબાર વાગ્યાથી નતાશાનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યો હતો પણ નતાશાનો સેલ નંબર લાગતો નહોતો. એક તો તે પેલા ઓમરને મળવા જવાની હતી અને ઉપરથી તેનો નંબર બંધ હતો. સાહિલને ઝુન્ઝલાહટની લાગણી થઈ આવી. તેને થયું કે રાજ મલ્હોત્રા તેને અડતાળીસ કલાક પહેલાં મળ્યા હોત તો આ સ્થિતિ જ ઊભી ન થઈ હોત.
માણસ અણગમતી, અણધારી કે અકળામણભરી સ્થિતિમાં મુકાય ત્યારે તેને અચૂક એકવાર ’જો’ અને ‘તો’ના વિચારો આવી જ જતા હોય છે. અત્યારે સાહિલ પણ એવું જ વિચારી રહ્યો હતો. આજે તેના સંઘર્ષનો અંત આવ્યો હતો એની ખુશી તે નતાશાની ચિંતાને કારણે માણી શકતો નહોતો. તેને થોડી થોડીવારે એવી તીવ્ર ઈચ્છા થઈ આવતી હતી કે તે જલદી નતાશાની સામે પહોંચી જાય અને તેને વળગીને કહે કે આજથી તારા અને મારા બંનેના સંઘર્ષનો અંત આવી ગયો છે.
જોકે ત્યારે સાહિલને ખબર નહોતી કે તેના સંઘર્ષનો અંત નહોતો આવ્યો, પણ તેની અને નતાશાની જિંદગીના રોલરકોસ્ટર રાઈડ જેવા તબક્કાની શરૂઆત થઈ હતી!
સેલ ફોનની રિંગ વાગી એટલે નતાશાએ એક ક્ષણ માટે એવી આશા સાથે હાશકારાની લાગણી અનુભવી કે સાહિલનો કોલ હશે, પણ સેલ ફોનના સ્ક્રીન પર ઓમર હાશમીનું નામ ફ્લેશ થયેલું જોઇને તે છળી ઊઠી. તેણે આગલા દિવસે પૃથ્વી થિયેટરથી ઓમર હાશમીની ઓફિસે જવાનું નક્કી કર્યું એ વખતે જ ઓમર હાશમીના વિઝિટિંગ કાર્ડમાંથી તેનો સેલ નંબર પોતાના સેલ ફોનમાં સેવ કર્યો હતો.
નતાશા પૂતળાની જેમ સ્થિર નજરે સેલ ફોનના સ્ક્રીન સામે જોતી રહી. નહોતી. તે ઓમર હાશમીનો કોલ રિસિવ કરવાની માનસિક સ્થિતિમાં નહોતી. તો ઓમર હાશમીનો કોલ ડિસકનેક્ટ કરવાનું પણ તેને ના સુઝ્યું. તેણે રિંગ વાગવા દીધી. સેલ ફોન શાંત થઇ ગયો. પણ થોડી સેકંડમાં તેને વ્હોટ્સ એપ પર ઓમરનો મેસેજ મળ્યો: વેઇટિંગ ફોર યુ.’
નતાશા કૈ વિચારે એ પહેલા વળી બીજી થોડી સેક્ધડમાં તેને ઓમરનો બીજો મેસેજ મળ્યો, જેમાં ઓમરે વિનંતી કરી હતી કે જેમ બને એમ જલદી મારી ઓફિસે પહોંચજે. મારે ત્રણ વાગે જુહુમાં એક મીટિંગ માટે પહોંચવાનું છે.
ઓમરના મેસેજીસનો જવાબ આપ્યા વિના નતાશાએ પોતાનો સેલ ફોન સ્વિચ ઓફ્ફ કરી દીધો. જો કે એ પહેલા તેણે સાહિલને વધુ એક મેસેજ કરી દીધો જેમાં તેણે કહ્યું કે હું અહી હોટેલના રૂમમા જ છું. મારો મેસેજ મળે એટલે મને હોટેલના નંબર પર તરત જ કોલ કરજે.
જો કે એ વખતે તેણે વધુ એક ભૂલ કરી હતી. એ મેસેજ વ્હોટ્સ એપથી મોકલવાને બદલે તેણે એસએમએસથી મોકલ્યો. માણસ અચાનક કોઇ મુશ્કેલીમા મુકાઇ જાય ત્યારે સ્વસ્થ ચિત્તે વિચારવાનું તેના માટે મુશ્કેલ બની જતું હોય છે. અને અણધાર્યા સંજોગોમાં મુકાઇ ગયેલી વ્યક્તિ સ્વસ્થ રહીને વિચારી ના શકે ત્યારે તે પોતાની ભૂલો થકી સ્થિતિને વધુ વિકટ બનાવી દેતી હોય છે.
સેલ ફોન સ્વિચ ઓફ્ફ કર્યા પછી નતાશા ફરી વાર યંત્રવત્ બેસી રહી. અચાનક તેને એક વ્યક્તિની યાદ આવી. નતાશાએ હોટેલના ફોનનું રિસિવર હાથમાં લીધું અને એક નંબર લગાવ્યો. તેણે એ નંબર બહુ લાંબા સમયથી લગાવ્યો નહોતો, પણ તેને એ નંબર બરાબર યાદ હતો.
એ નંબર કનેક્ટ થયો અને સામેથી હલ્લો કહેવાયું, પણ નતાશાની જીભ ના ઉપડી. તેની જીભને જાણે લકવા થઇ ગયો. તેનું ગળુ ભરાઇ આવ્યું. નતાશા કંઇ બોલી શકી નહીં. અચાનક સામેથી હલ્લો’ હલ્લો’ કહી રહેલી વ્યક્તિએ કહ્યુ: નતાશા! નતાશા! મારી સ્વીટુ! કેમ છે બેટા તુ? તુ બોલતી કેમ નથી? મારી સાથે વાત કર, પ્લીઝ...’
નતાશાના મનમાં લાગણીઓનું વાવાઝોડુ ધસી આવ્યું. તેણે કેટલા લાંબા સમય પછી, બિલકુલ અજાણ્યા નંબર પરથી પોતાની મમ્મીને કોલ કર્યો હતો છતાં પણ તે તેનો અવાજ સાંભળ્યા વિના જ તેને ઉદ્દેશીને વાત કરી રહી હતી!
નતાશા પોતાના પર કાબૂ ના રાખી શકી. તેણે કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો અને તે નાના બાળકની જેમ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી.
એ જ વખતે તેના રૂમની ડોરબેલ વાગી. થોડી સેકંડ સુધી નતાશાએ દરવાજો ના ખોલ્યો એટલે ફરી વાર ડોરબેલ વાગી અને દરવાજે ટકોરા પણ પડ્યા. કોણ હશે એવી આશંકા અને અસહ્ય અસલામતીની લાગણી સાથે નતાશાએ આંસુ લૂછ્તા લૂછતા અને રૂદન પર કાબૂ મેળવવાની કોશિશ કરતા કરતા દરવાજો ખોલ્યો. એ સાથે તે હેબતાઇ ગઇ!

(ક્રમશ:)