Pincode - 101 - 42 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 42

પિન કોડ - 101

પ્રકરણ-42

આશુ પટેલ

‘સર, એક બહુ ખરાબ ન્યૂઝ છે. ક્રાઈમ બ્રાંચના યુનિટ આઠની ટીમ ઓમર હાશમીને તેની વરસોવાની ઓફિસમાથી ઊંચકીને લઈને આવતી હતી એ વખતે ઇકબાલ કાણિયાના એક શૂટરે ટ્રાફિક સિગ્નલ પાસે ગોળીબાર કર્યો. એમાં સિનિયર ઈન્સ્પેક્ટર સચિન ગાયકવાડ અને સબ ઈન્સ્પેક્ટર મનોહર ભોંસલે માર્યા ગયા છે. વળતા ગોળીબારમાં પેલા શૂટરને પણ બે ગોળી વાગી છે અને તે બેહોશ હાલતમાં છે.’ ડીસીપી મિલિન્દ સાવંત મુંબઇના પોલીસ કમિશ્નર મોહમ્મદ ઈલિયાસ શેખને કહી રહ્યા હતા.
‘ઓહ નો!’ પોલીસ કમિશ્નર શેખ આઘાતથી બોલી ઉઠ્યા: ‘કાણિયાએ શું કરવા ધાર્યુ છે? તે આગળ બીજુ કઇ કરે એ પહેલા તેને ઊંચકી લો.’
‘સર.’ ડીસીપી સાવંતે કહ્યું.
‘આપણા માણસોએ રીઢા ગુંડાઓને એન્કાઉન્ટરમાં માર્યા હોત તો ઘણા હલકટ હ્યુમન રાઈટ્સવાળા એ રીતે ઊભા થઈ ગયા હોત કે એમની મા વિધવા થઈ ગઈ હોય! અત્યારે આપણાં બે ઓફિસર્સ માર્યા ગયા એ વખતે એ હરામીઓ મૂંગા મરી રહેશે. સાલા સૂવ્વરની ઔલાદ!’ કમિશ્નર શેખે આક્રોશ અને હતાશા અનુભવતા ટેબલ પર હાથ પછાડ્યો. શેખ સામાન્ય રીતે પોતાનો પિત્તો ગુમાવતા નહોતા, પણ સચિન ગાયકવાડ અને મનોહર ભોંસલે જેવા બે કાબેલ અધિકારી અંડરવર્લ્ડના શૂટરની ગોળીનો ભોગ બન્યા એ સમાચાર સાંભળીને તેઓ વિચલિત થઈ ગયા હતા.
‘સર.’ ડીસીપી સાવંતે કહ્યું. તેમને ગાયકવાડ અને ભોંસલેના કમોતના સમાચાર મળ્યા ત્યારે તેમના મનમાં કમિશ્નર શેખથી પણ વધુ આક્રોશની લાગણી જન્મી હતી, પણ તેમણે જાત પર કાબૂ મેળવવો પડ્યો હતો.
સાવંત, કાણિયાને કોઈપણ હિસાબે આજે જ શોધીને ઊંચકી લો. બધી તાકાત અજમાવી દો. આ વખતે કોઇ દંભી હ્યુમન રાઈટ્સવાળા વચ્ચે આવે તો એમને સાલાઓને પણ ઠોકી દો, પણ કાણિયાને આ વખતે મૂકવો નથી.’
ડીસીપી સાવંત કમિશનર શેખ સામે તાકી રહ્યા. તેમણે તેમનું આવું રૌદ્ર સ્વરૂપ ક્યારેય નહોતું જોયું. ડીસીપી સાવંતનું લોહી પણ ઉકળી રહ્યું હતું. પોલીસ અધિકારીઓના કરડા ચહેરાને કારણે લોકોને ખ્યાલ નથી આવતો હોતો, પણ એમનામાં પણ સંવેદનાઓ હોય જ છે. અને પોતાના માણસો માર્યા જાય ત્યારે તેમના મનમાં થોડી વાર માટે તો બદલાની ભાવના જાગી જ જતી હોય છે. ક્યારેક એ ભાવના વધુ સમય સુધી પણ ટકી રહેતી હોય છે. ગુંડાઓ અને આતંકવાદીઓ કાનૂનની પરવા કર્યા વિના મન ફાવે એમ વર્તી શકે છે, પણ પોલીસ અધિકારીઓ ક્યારેક ઉશ્કેરાઈને જાહેરમાં ગુન્ડા પર હાથ ઉઠાવી બેસે કે દરેક વખતે કાનૂની આંટીઘૂંટી અજમાવીને છૂટી જતા ગુન્ડાને યા તો કોઇ આતંકવાદીને અસલી કે નકલી એન્કાઉન્ટરમાં ઢાળી દે ત્યારે મીડિયા અને ઘણા એકતરફી માનવાધિકારવાદીઓ તેમની ઊંઘ હરામ કરી દેતા હોય છે. એવા લોકો સામેનો રોષ કમિશ્નરના શબ્દોમાં વ્યક્ત થઈ રહ્યો હતો. તેમનો ચહેરો ક્રોધને કારણે લાલચોળ થઈ ગયો હતો.
‘ઓમર હાશમીને ક્યા રાખ્યો છે? તમે જાતે તેની પૂછપરછ કરો.’ કમિશ્નર શેખે કહ્યું.
‘સર.’ સાવંતે કહ્યું અને પછી વાઘમારે પાસેથી મળેલી માહિતી પણ આપી દીધી: બીજા પણ એક ખરાબ ન્યૂઝ છે. વાઘમારે પેલી છોકરીને હોટેલમાં પહોંચીને મળે એ પહેલાં જ કેટલાંક માણસો પોતાની ઓળખ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ તરીકે આપીને તે છોકરીને એમ્બ્યુલન્સમાં નાખીને લઈ ગયા.’
‘વોટ?’ કમિશ્નર અકળાઇ ઉઠ્યા.
‘સર, વાઘમારે એ એમ્બ્યુલન્સની પાછળ જ છે.’ સાવંતે કહ્યું.
‘ગિવ હિમ ફ્રી હેન્ડ. વાઘમારેને જે કરવું હોય એ કરવાની છૂટ આપી દો. મને આજે જ રિઝલ્ટ જોઈએ છે.’ કમિશનર શેખ ગુસ્સાને કારણે હજી ધ્રૂજી રહ્યા હતા.
* * *
‘તારા બાપે તને મારવાનો બંદોબસ્ત કરી રાખ્યો હતો એમાં અમારા બે અધિકારી માર્યા ગયા. હવે તું બહાર જઈશ તો કાણિયો તને ઠોકી દેશે અને તું અમને સહકાર નહીં આપે તો અમે તને એન્કાઉન્ટરમા ફૂંકી મારીશું, હરામખોર. એટલે સીધો બોલવા માંડ કે શું ચક્કર છે?’ મુંબઇ પોલીસની ક્રાઈમબ્રાંચનો એક અધિકારી ઓમરને કહી રહ્યો
હતો.
મોતને નજરે ભાળી ગયેલા ઓમરને શૂટ આઉટ વખતે પેન્ટમાં જ પેશાબ થઈ ગયો હતો અને હવે તેના પેન્ટમાંથી વાસ આવી રહી હતી.
ઓમરને સમજાઈ ગયું હતું કે ઈકબાલ કાણિયાએ તેને કહ્યું હતું એટલું બધું સહેલું નહોતું અને કાણિયાએ પોતાની પાછળ શૂટર મૂકી રાખ્યો હતો એ વાસ્તવિકતા પચાવવી પણ તેના માટે મુશ્કેલ થઈ ગઇ હતી. ઓમરને લાગ્યું કે મર્યા પછી જન્નત અને હૂર મળે કે ન મળે અત્યારે તો તે જહન્નમમાં પહોંચી ગયો હોય એવી હાલતમાં મુકાઈ ગયો હતો. તેને અફસોસ થઈ રહ્યો હતો કે તે કાણિયાના ચક્કરમાં ક્યાં ફસાયો. જન્નતની હૂર તો મળે ત્યારે, અત્યારે તે મોડેલ કો-ઓર્ડિનેટર તરીકે ઘણી રૂપાળી છોકરીનો સૈયાસંગાથી બની શકતો હતો અને એવી છોકરીને ઐયાશીપ્રિય માણસો સુધી પહોંચાડીને કેટલાંય માણસોને ઈર્ષા આવે એવી આવક પણ મેળવી શકતો હતો એને બદલે તે પોલીસના હાથમાં પડીને જહન્નુમ જેવી યાતના અનુભવી રહ્યો હતો. તેના માટે આગળ ખાઈ અને પાછળ આગ જેવી સ્થિતિ હતી. આ સંજોગોમાં પોલીસને સહકાર આપવા સિવાય બીજો કોઈ છૂટકો નથી એ તેને સમજાઇ ગયું.
‘જલ્દી મોઢામાંથી ફાટ. તું સહકાર નહીં આપે તો અમે તને કોર્ટમાં લઈ જવાની ભૂલ નથી કરવાના, %%. ત્યાં તો તારા જેવા હલકટને કાનૂની આંટીઘૂંટી અજમાવીને છટકવાનો મોકો મળી જશે.’ પેલા અધિકારીએ તેના માથાના વાળ ઝનૂનપૂર્વક ખેંચતા કહ્યું. ઓમરના મોંમાથી ઉંહકારો નીકળી ગયો.
‘કહુ છું.’ ઓમર બોલ્યો.
‘બકવા માંડ, %%...’ પેલા અધિકારીએ કહ્યું.
‘કાણિયાએ મને નતાશા નાણાવટી નામની છોકરીને ફસાવવાનું કામ સોંપ્યુ હતું. તે છોકરીને ફસાવીને તેને એવી રીતે મારવાની હતી કે બધાને એમ જ લાગે કે તેણે આત્મહત્યા કરી લીધી છે. મેં એ છોકરીને મોડેલિંગના કોન્ટ્રેક્ટને બહાને મારી ઓફિસમાં બોલાવી હતી.’
‘એ છોકરીને શા માટે મારી નાખવાની હતી?’
‘એ છોકરીની કોઈ હમશક્લ છે. ભાઈજાન અને કાણિયાએ મને કહ્યું હતું કે આ છોકરીને ખતમ કરીને એવું સાબિત કરવાનું છે કે તેણે આત્મહત્યા કરી છે, પણ પોલીસને તેની
લાશ મળે ત્યારે પોલીસને એવું લાગવું જોઈએ કે
એ લાશ એ છોકરીની હમશક્લ મોહિની
મેનનની છે.’
‘ભાઈજાન કોણ?’
એ વખતે ઓમરને થયું કે કાણિયાથી તો હજી કદાચ બચી શકાશે પણ ભાઈજાન સાથે ગદ્દારી કરીશ તો એ કોઈ કાળે નહીં છોડે. એટલે તેણે વાત વાળવાની કોશિશ કરી: ‘કાણિયાનો રાઈટ હેન્ડ અય્યુબ છે એને અમે ભાઈજાન કહીએ છીએ.’
‘બેવકૂફ બનાવે છે સાલા %% ? અય્યુબ તો બટકો છે એટલે બધા તેને દેઢ ફૂટિયો કહીને બોલાવે છે.’ કહીને પેલા અધિકારીએ પોતાના બન્ને હાથ એકસાથે તેના બન્ને કાન પર જોરથી ફટકાર્યા. ઓમરને તમ્મર ચડી ગયા. તેને લાગ્યું કે તેના કાનમા તમરા બોલી રહ્યા છે. તે થોડી સેક્ધડ બાઘાની જેમ પેલા અધિકારીના ચહેરા સામે તાકી રહ્યો.
એ પછી તે અધિકારીએ જે કર્યું એનાથી ઓમરના મોતિયા મરી ગયા.

(ક્રમશ:)