Pincode -101 Chepter 48 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 48

પિન કોડ - 101

પ્રકરણ-48

આશુ પટેલ

કોલ સેંટરમાં જોબ પર જવા નીકળી રહેલા રાહુલનું ધ્યાન નતાશાની બેગ્સ પર પડ્યું. તેણે ફરી એક વાર સાહિલનો મોબાઈલ નંબર લગાવ્યો. આ વખતે સાહિલનો નંબર લાગ્યો ખરો, પણ રિંગ જ વાગતી રહી, સાહિલે કોલ રીસિવ ના કર્યો. રાહુલ સાહિલ પર અકળાઈ ગયો. તેણે સાહિલને વ્હોટ્સ એપથી મેસેજ મોક્લ્યો કે તારે કોલ રીસિવ ના કરવો હોય તો ભાડમાં જા. હવે હું તને ફરી વાર કોલ નહીં કરું, પણ આજે રાત સુધીમાં તારી ફ્રેંડનો સામાન ફ્લેટમાંથી ઉપડી જવો જોઈએ. તું તેને સામાન પકડાવી દે ત્યારે મને મેસેજ કરી દેજે. હું સવારે જોબ પરથી પાછો આવું ત્યારે તે છોકરીનો સામાન ફ્લેટમાં પડ્યો હશે તો તારી ખેર નથી એટલું સમજી લેજે.
* * *
‘વી હેવ ટુ એક્ટ વેરી ફાસ્ટ. આપણા યુનિટ આઠના સિનિયર ઇન્સ્પેક્ટર સચિન ગાયકવાડ અને સબ ઇન્સ્પેક્ટર મનોહર ભોંસલેનો ભોગ લેવાઈ ગયો છે અને આપણે બહુ ઝડપથી એક્શન નહી લઈએ તો અત્યંત ખતરનાક સ્થિતિ સર્જાઈ શકે છે. તાત્કાલિક શંકાસ્પદ વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન્સ હાથ શરૂ કરવા માટે આપણા ચુનન્દા અધિકારીઓને દોડાવો. ૧૯૯૩ની જેમ આ વખતે પણ મોટી માત્રામાં આરડીએક્સ શહેરમાં ઉતારાયું હોવાના ઇનપુટ્સ સેંટ્રલ આઈ.બી. તરફથી મળ્યા છે. અને થોડી વાર પહેલા સેંટ્રલ આઈ.બી.ના આઈજીપી પવન દિવાને નવી માહિતી આપી કે ગુજરાતના દરિયાકિનારે પણ આરડીએક્સ ઉતારાયું છે. આપણે કોઈ પણ હિસાબે ૧૯૯૩ના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ્સનુ પુનરાવર્તન થતું અટકાવવું પડશે.’ અંડરવર્લ્ડ ડોન ઈકબાલ કાણિયાએ મુમ્બઈમા ઉતારેલા આરડીએક્સ અને કાણિયાના શૂટરના હાથે માર્યા ગયેલા ક્રાઈમ બ્રાંચના બે અધિકારીના સંદર્ભમાં તાકીદે બોલાવેલી મીટિંગમાં મુંબઈના પોલીસ કમિશનર ઈલિયાસ શેખ, જોઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) અજય ત્યાગી, એડિશનલ કમિશનર (ક્રાઈમ) રાકેશ મિશ્રા, ડેપ્યુટી કમિશનર (ક્રાઈમ) મિલિન્દ સાવંત અને આસિસ્ટંટ કમિશનર સુહાસ કામ્બળેને ઉદ્દેશીને કહી રહ્યા હતા.
‘સર.’ જોઇન્ટ કમિશનર ત્યાગી, એડિશનલ કમિશનર મિશ્રા, ડેપ્યુટી કમિશનર સાવંત અને આસિસ્ટંટ કમિશનર કામ્બળેએ તેમના બોસનો આદેશ ઝીલવાના ટોનમાં એકસાથે કહ્યું.
પોલીસ કમિશનર શેખે આગળ કહ્યું: ‘ઇકબાલ કાણિયાનો એક માણસ ઓમર હાશમી આપણા કબજામાં છે, પણ તેને આરડીએક્સ વિશે માહિતી હોય એવું લાગતું નથી એવું તેની પૂછપરછ કરનારા અધિકારીઓ કહે છે. તેઓ હજી તેની પાસેથી માહિતી કઢાવવાની કોશિશ કરી રહ્યા છે, પણ તેને નતાશા નાણાવટી નામની એક સંઘર્ષરત મોડેલ અને એક્ટ્રેસના અપહરણ સિવાય અને તે છોકરીની હત્યા કરીને તેની હત્યાને આત્મહત્યા ગણાવવાના કાવતરા સિવાય કદાચ બીજી કોઈ ખબર લાગતી નથી. કાણિયાના માણસો પોતાની ઓળખ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ તરીકે આપીને તે છોકરીને અંધેરીની એક હોટેલમાંથી ઊઠાવી ગયા છે. વાઘમારે તે છોકરીને ઊઠાવી ગયેલા ગુંડાઓની પાછળ છે. પણ અત્યારે મારી સૌથી મોટી ચિંતા એ છે કે કાણિયાના શૂટરે પોલીસ ટીમ પર હુમલો કરીને આપણા બે અધિકારીની હત્યા કરી નાખી એટલે આ વખતે કાણિયા બહુ મોટું કારસ્તાન ઘડી રહ્યો લાગે છે. સેંટ્રલ આઈ. બી. તરફથી જે માહિતી મળી છે એ સાચી નીકળી. કાણિયાએ આઈએસ સાથે હાથ મિલાવ્યા છે. તેના માણસ ઓમરે એ વાત સ્વીકારી છે. આપણે કોઈ પણ
હિસાબે આરડીએક્સનો ઉપયોગ થાય એ પહેલા આરડીએક્સ છુપાવાયુ છે એ જગ્યા સુધી પહોંચીને આરડીએક્સનો કબજો મેળવવો પડશે, નહીં તો અનર્થ થઈ જશે...’
સામાન્ય રીતે ઉપરી પોલીસ અધિકારીને તેમની નીચેના અધિકારીઓ માહિતી આપતા હોય છે, પણ અત્યારે અસામાન્ય સ્થિતિ સર્જાઈ હતી એટલે પોલીસ કમિશનર શેખ પોતાના જુનિયર અધિકારીઓને માહિતી આપી રહ્યા હતા. એ સાથે જ તેઓ તેમને આદેશ પણ આપી રહ્યા હતા. આરડીએક્સ વિશેની માહિતી તેમને સેંટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો તરફથી મળી હતી અને નતાશા નાણાવટી નામની છોકરી વિશેની માહિતી ડી.સી.પી. સાવંત તરફથી મળી હતી. મુંબઈના કાર્યદક્ષ પોલીસ કમિશનર શેખની આ ખાસિયત હતી. તેઓ અણધાર્યા સંજોગોમાં ખરા લીડરને છાજે એ રીતે વર્તતા હતા. બીજા અનેક પોલીસ કમિશનર્સ કરતા તેમની કામ કરવાની પદ્ધતિ જુદી હતી. મુંબઈમા ક્યાંય તંગદિલીભરી સ્થિતિ સર્જાઈ જાય તો તેઓ પોતે સીધા એ વિસ્તારમાં ધસી જતા હતા અને જ્યા સુધી પરિસ્થિતિ થાળે ના પડે ત્યા સુધી તેઓ એ વિસ્તારમા જ રહેતા હતા. તેમની અલગ રીતે કામ કરવાની પદ્ધતિને કારણે તેમણે મુંબઈમાં અનેક વાર કોમી રમખાણો થતા અટકાવ્યા હતા અને એક રાજકીય પક્ષને કારણે મરાઠી અને પરપ્રાંતી નાગરિકો વચ્ચે ફાટી નીકળેલી હિંસાને પણ ગણતરીના કલાકોમાં કાબૂમાં લઈ લીધી હતી.
પોલીસ કમિશનર શેખે પોતાની વાત પૂરી કરી એટલે જોઈન્ટ કમિશનર ત્યાગીએ કહ્યું: ‘મારું એક સૂચન છે, સર.’
કમિશનર શેખે તેમની સામે જોઈને આંખોથી જ પૂછી લીધું કે શું છે તમારુ સૂચન?
જોઈંટ કમિશનર ત્યાગીએ કહ્યું, ‘આપણે આખા શહેરમાં જ્યાં જ્યાં કોમ્બિંગ ઓપરેશન કરવા હોય એ તમામ જગ્યાઓએ એકસાથે જ આપણી જુદીજુદી ટીમ મોકલીએ અને એક જ સમય પર ઓપરેશન્સ હાથ ધરીએ નહીં તો ઉપરથી અવરોધ આવશે અને આપણે આપણા માણસોને કોમ્બિંગ ઓપરેશન્સ પડતા મુકાવીને પાછા બોલાવી લેવા પડશે!’
ત્યાગીએ નામ ના કહ્યું, પણ કમિશનર શેખ અને બીજા બધા અધિકારીઓ સમજી ગયા કે તેઓ કોના વિશે કહેવા માગે છે. એક બાજુ મુંબઈ પોલીસમાં પણ કાણિયાના વફાદાર કુત્તા સમા કેટલાક અધિકારીઓ હતા તો બીજી બાજુ કેટલાક હલકટ રાજકારણીઓ ઇક્બાલ કાણિયાને પોતાના જમાઈની જેમ સાચવતા હતા અને એમાંના કેટલાક તો મહારાષ્ટ્રના મંત્રીમંડળમાં સ્થાન મેળવીને લાલ લાઈટવાળી કારમાં ફરતા થઈ ગયા હતા. તેમણે ભારતના સંવિધાનને વફાદાર રહેવાના શપથ લીધા હતા પણ તેઓ દેશ કરતા કાણિયા પ્રત્યે વધુ વફાદારી નિભાવતા હતા. પોતાની મતબેંક સાચવવામાં અને કાણિયા પાસેથી કરોડો રૂપિયા મેળવવા માટે તેઓ પબ્લિક અને દેશ સાથે ઠંડે કલેજે ગદ્દારી કરી શકતા હતા. કમિશનર શેખે કહ્યું: ‘આ વિચાર મારા મનમાં પણ આવ્યો હતો અને એટલે જ મેં કહ્યું હતું કે આપણે બહુ ઝડપથી એક્શન લેવા પડશે. ત્યાગી તમે મિશ્રા, સાવંત અને કામ્બળેની સાથે બેસીને કયા કયા શંકાસ્પદ વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન્સ હાથ ધરવાનું છે એની યાદી બનાવો અને કયા વિસ્તારમા કઈ ટીમ મોકલવી છે એ વિચારીને તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવો. એ બધી ટીમમા ‘ક્લીન’ કર્મચારીઓ હોય એની ખાસ તકેદારી લેજો. અને એ બધી ટીમમાં પસંદ થયેલા તમામ સભ્યોને પણ જ્યાં કોમ્બિંગ ઓપરેશન્સ હાથ ધરવાના છે ત્યાં પહોંચ્યા પછી છેલ્લી ઘડીએ જ માહિતી આપો કે શા માટે કોમ્બિંગ ઓપરેશન્સ શરૂ કરવાનું છે...’
કમિશનર હજી બોલવાનુ પૂરું કરે એ પહેલા ડીસીપી સાવન્તના મોબાઈલ ફોનની રિંગ વાગી.
સાવંતે કમિશનર શેખ સામે જોયું.
કમિશનર શેખે તેમને ઈશારાથી જ કોલ રિસીવ કરવા કહ્યું.
ડીસીપી સાવંતે મોબાઈલ ફોન કાને માંડ્યો. સામેથી જે શબ્દો કહેવાયા એ સાંભળીને સાવંતનો ચહેરો ફિક્કો પડી ગયો. તેમણે કોલ ડિસ્કનેક્ટ કરીને ફોન પર મળેલી માહિતી કહી એ સાથે કમિશનર શેખે ઊંચા અવાજે કહ્યું: ‘ઓહ નો!’
ડીસીપી સાવંતને ફોન પર મળેલી માહિતી જાણીને બીજા બધા પોલીસ અધિકારીઓના ચહેરા પર પણ તંગદિલી ઊભરાઈ આવી.

(ક્રમશ:)