Kamini - 5 books and stories free download online pdf in Gujarati

કામિની - ૫

કામિની – ૫

સ્વાતિ શાહ

ઉદાસ બેઠેલી કામિની સામે જોઈ આનંદીબેન બોલ્યા , “ કેમ આમ ઉદાસ ચહેરે બેઠી છું ?” કામિનીની સજળ આંખે બોલી , “ મમ્મી મારો સમય પસાર નથી થતો . દિનરાત માલવ યાદ આવે છે .” આનંદીબેન બોલ્યાં , “ હું પણ સમજી શકું છું , તું જરા મન પ્રફુલ્લિત રાખીશ તો આવનાર બાળક ખુશ રહેશે .” તુરંત ફોન કરી માલવ સાથે વાત કરતાં કામિનીએ મનની વ્યથા કહી . માલવ બોલી ઉઠ્યો , “ કામિની તું નવરી છું . મારે હજાર કામ છે હવે આવી વાતો કરવા ફોન કરીશ નહિ . તું ગઈ પછી બે વાર તો તને મળવા આવી ગયો ! ચાલ પછી હું ફોન કરીશ.”

કામિનીના આવાં ફોનથી માલવ ઘણો અકળાઈ જતો . સવારથી તો દુકાનમાં બીઝી થઇ જતો પણ રાત પડે શું ? કામિની આસપાસ નહોવાથી એક તરફ રાહતનો અનુભવ થતો હતો .મનમાં વિચાર આવતો કે પ્રેમ કર્યાં વગર એક વરસ કેવી રીતે રહેવાય ? સ્વપ્નમાં હવે સુંદરીઓ આવતી . એક દિવસ મોહિતનો ફોન આવ્યો . મોહિતે અદિતિ પ્રેગ્નન્ટ છે અને તેને બેડરેસ્ટ ના સમાચાર આપ્યાં . માલવ બોલ્યો , “ અરે યાર , તો તું આખો સમય શું કરે છે ? અદિતિ તેના પિયર છે અને કામિની પણ . તો ચાલ કંઇ પ્રોગ્રામ બનાવીએ . ક્યારે મળે છે બોલ આજે રાતના મળવું છે ?” રાતે મળવાનું નક્કી કરી ફોન મુકાયો . રાત્રે મળ્યાં ત્યારે મોહિત બોલ્યો , “ચાલ કંઇ કોલેજનું રીયુનીયન ગોઠવીએ . લતેશ મળ્યો હતો તે પણ કહેતો હતો . આપણી પાસે તો હવે સમય જ સમય છે .”

વિકએન્ડ પર કોલેજનું રીયુનીયન ગોઠવાઈ ગયું . કોલેજનાં અભ્યાસ સાથે માલવને રત્ના સાથે ઘણી આંખ મિચોલી ખેલાતી . રત્ના ગોરી અને સારા શરીર સૌષ્ઠવ ધરાવતી હતી તેથી માલવની નજર એનાં ઉપર મંડાતી જેનો રત્નાને પણ ખ્યાલ . રીયુનીયન દરમ્યાન રત્ના માલવને મળતાં બોલી , “ માલવ , તું કઈ દુનિયામાં ખોવાઈ ગયો હતો ? સારું થયું આ બહાને આપણે મળ્યાં . તને મારી યાદ નહોતી આવતી ? હું તને બહુ યાદ કરતી . એકાદવાર તો થયું કે તારી દુકાન પર તને મળવા આવું .”

મ્યુઝીક અને ડાન્સ દરમ્યાન માલવ અને રત્ના ઘણાં નજીક આવી ગયાં . વાતવાતમાં માલવને જાણવા મળ્યું કે રત્ના એકલીજ રહેછે . પાર્ટી પતાવી ઘરે જતાં માલવે રત્નાને ઉતારવા જવાનું કહ્યું તો રત્નાએ સહર્ષ સ્વીકારી લીધું અને મનમાં બોલી , “ આવો લાભ લેવાં તો હું ગાડી લીધા વગર આવી !” ઘર પાસે ગાડી ઉભી રહી એટલે રત્નાએ માલવને કોફી પીને જવા આગ્રહ કર્યો . માલવને થયું,“ ચાલ થોડી મસ્તી વધારે . આમ પણ ઘરે શું મળવાનું છે ? મળ્યું છે તે માણી લઉં .” રત્ના સાથેનો રંગીન રાતનો કેફ ચઢાવી માલવ વહેલી સવારે ઘરે પહોંચ્યો .

બીજે દિવસે રવિવારની રજા હતી એટલે મોડે સુધી ઉંઘવા મળી જવાનું હતું . સવારે જયારે કામિનીએ માલવ કેટલાં વાગે કલોલ પહોંચશે એ પૂછવા ફોન કર્યો તો માલવે સોહિણીભાભી દ્વારા કહેવડાવી દીધું કે આજે તે કલોલ નહિ જઈ શકે , મોડેથી ફોન કરશે . રત્નાના રૂપનો નશો આંજી માલવ ઉંઘતો રહ્યો . માલવ ની ભ્રમર વૃત્તિ થી પરિચિત સોહિણીને લાગ્યું,” કામિનીના કલોલ જવાથી કામિનીના કામણનો નશો માલવ પરથી ઓસરવા લાગ્યો છે. ભગવાન બચાવે .”

સાંજે માલવને ચા આપતી વખતે સોહીણીએ જરા ટકોર કરતાં પુછ્યું , “ માલવભાઈ કાલે કયા બાગમાં ફરી આવ્યાં ?” માલવ એ મોહિત સાથે હતો તેમ કહી વાત ઉડાવી દીધી . થોડો આરામ વધારે કરી લેવાના વિચાર સાથે પાછા રૂમમાં જઈ લંબાવી દીધું . પાછું રાત્રે રત્નાને ડીનર માટે લઈ જવાનું પ્રોમિસ આપ્યું હતું તે પાળવાની ઉત્સુકતા હતી .

રત્નાને પિતા તરફથી વારસામાં સારી મિલ્કત મળી હતી . સ્વભાવે સ્વછંદી હોવાને કારણે કોઈ એક વ્યક્તિ સાથે લગ્નકરી બંધાવું રત્નાને ખૂંટે બંધાવા જેવું લાગતું હોવાથી તે એકલી ઘર લઇ રહેતી હતી . દેખાવે રુપાળી એટલે મિત્રો ઝાઝાં . થોડાં સરકારી ઓફિસરોને પણ ઓળખતી એટલે લોકોના લાયઝન વર્ક કરી સંબંધ સાચવતી વળી જે આવક થાય તેમ માનતી .

હોટલમાં ડીનર લઈ કોફી રત્નાના ઘરે પીવાનું નક્કી કરી માલવ અને રત્ના ની રોમેન્ટિક રાત રહી . બીજે દિવસે દુકાન પર કામ કરતાં માલવને રત્ના સાથેના રોમાન્સના વિચાર પીછો છોડતાં નહોતાં . કામિનીએ બેવાર ફોન કર્યા પણ માલવ સાથે સંતોષકારક વાત નહોતી થઇ શકી . કામિનીએ બપોરે સોહીણીને ફોન કર્યો ને કહ્યું , “ ભાભી માલવને શું થયું છે ? મારી સાથે સરખી વાત નથી કરતાં ! ઉખડેલ ઉખડેલ લાગે છે . શું કંઇ પ્રોબ્લેમ થયો છે ? તમે જરા જાણીને મને કહોને . મારી મુંઝવણ વધતી જાય છે . હવે રાહ જોઉં છું ક્યારે ડીલીવરી થઇ જાય ને હું બાળકને લઇ અમદાવાદ આવી જઉં !” સોહીણીએ કહ્યું , “ કામિની તું ચિંતા ના કર તું માનેછે એવું કંઇ નથી . બધું ઠીક છે . તું તારી તબિયત અને આવનાર બાળક વિષે વિચાર .” સાંજે માલવ ઘરે આવ્યો ત્યારે સોહીણીએ જરા ટકોર્યો અને કામિનીને સાચવી લેવાં સમજાવ્યું .

રાત્રે માલવ એ રત્નાને કોફીશોપ માં મળવા ફોન કર્યો તો રત્નાએ કીધું કે તે બીઝી છે હમણાં બેદિવસ મળી નહિ શકાય . માલવની તડપ વધી ગઈ અને રત્નાને તો એવુંજ જોઈતું હતું ... એજ રાત્રે કામિનીના પપ્પાનો ફોન આવ્યો કે કામિનીને લેબર પેઈન ઉપડ્યું છે ને હોસ્પિટલ લઈજાય છે . માલવ એનાં મોટાભાઈ અને સોહિણી તુરંત કલોલ જવા નીકળી ગયાં . કામિનીને નોર્મલ ડીલીવરી થઇ અને એક તંદુરસ્ત પુત્રનો જન્મ થયો . સોહિણી બાળકનું મોં જોતાં બોલી, “ આતો જુનિયર માલવભાઈ લાગે છે . અમારાં કુટુંમ્બનું તેજ , કુળદીપક છે .” માલવ હરખઘેલો થઇ બોલ્યો , “ કામિની આપણે બાબાનું નામ તેજ રાખીએ .” સૌએ સહર્ષ નામ સ્વીકારી લીધું . કામિની ઘડીકમાં તેજ ને જુવે ને ઘડીકમાં માલવને . મનમાં પ્રભુનો આભાર માની લીધો . માલવને એકાંતમાં મળવાની ઘડી અંગે વિચારતી હતી . હજી કામિની પિકચરમાં હીરો પોતાના સંતાનની માતા બનેલી હિરોઈનને કેવો પ્રેમ કરેછે તે સ્વપ્નમાં રાચતી હતી .

વિચાર પારખું સોહિણી બોલી ઉઠી , “ ચાલો ઘરે જઈ બધાં આરામ કરીએ હવે માલવભાઈ કામિની અને તેજ નું ધ્યાન રાખશે . બધાને આખીરાતનો ઉજાગરો છે .” કામિનીએ આંખથી સોહીણી નો આભાર માની લીધો . લેબર પેઈનના થાકને કારણે નિંદ્રાધીન કામિની સામે જોતો માલવ લાંબે પડખે થયો . ઘડીકમાં તેજ સામું તો ઘડીકમાં કામિની સામું જોઈ મલકાયા કરતો માલવ ઝોકે ચડયો .

બપોરનું જમવાનું પતાવી માલવ લોકો અમદાવાદ જવા રવાના થયાં . બીજે દિવસે માલવનું મન કામકાજમાં જરાપણ ના લાગ્યું . મગજમાં ઘડીકમાં કામિની તો ઘડીકમાં રત્ના હાવી થઇ જતાં ને ઘડીકમાં તેજનો ચહેરો દેખાતો . મગજ સુન્ન થઇ જતું . એ સાંજે રત્ના તેની દુકાન પર તેની ફ્રેન્ડ અમીને લઈને જઈ ચઢી . રત્નાને જોતાંજ માલવની આંખમાં સાપોલિયાં દોડવા લાગતાં . એ રાત રત્નાની રંગત માણી માલવ બીજે દિવસે કલોલ ગયો .

કામિની હવે તેજ સાથે અમદાવાદ જવાનાં દિવસ ગણવા લાગી . સોહિણીની મનોવ્યથા વધતી ચાલી . તેને માલવના ભટકી જવાનો ભય સતાવતો રહેતો . તેણે સાસુ ને કહ્યું , “ આપણે સવા મહિને કામિનીને લઇ આવીએ . હવે તેજ સાથે રહેવાની અધીરાઈ આવી છે . પપ્પાજી પણ પૌત્રનું મોં જોવા આતુર છે તો વિલંબ કેમ કરવો . નોર્મલ ડીલીવરી છે એટલે કામિની હરતીફરતી થઈગઈ છે .”

બસ નિર્ણય લેવાઈ ગયો ને સવા મહિને માલવ અને સોહિણી કામિનીને લઇ આવ્યાં . ઘરમાં ખુશાલીનો માહોલ સર્જાઈ ગયો . કામિની રુમમાં પ્રવેશી તો અસ્તવ્યસ્ત રુમની હાલત જોઈ જરા હબકાઈ ગઈ . તેજને સોહીણીને સોંપી બોલી , “ ભાભી હવે તમે તેજને રાખો . આ રુમની હાલતતો જુવો માલવે કરી છે ! હું બધું વ્યવસ્થિત કરી લઉં .” સોહિણી તરત બોલી , “ કામિની હવે હું તને તેજને મોટો કરવામાં મદદ કરીશ તું સંભાળ તારા વર અને ઘરને .” કામિનીને પણ થયું કે ભાભીને સંતાન નથી તો તેજ ને ઉછેરવામાં તેમને પણ સારું લાગશે અને પોતાને મદદ મળી રહેશે .

સોહીણીએ માલવની મદદથી તેજ માટે લાવેલ વસ્તુઓ , બેબીકોટ બધું પેક મૂકી રાખ્યું હતું તે માલવ અને કામિનીએ ભેગામળી ગોઠવી દીધું . બધું પરવારી કામિની બેઠી ને તુરંત બોલી , “ હાશ , માલવ કેવું સારું લાગ્યું ઘરે તારી પાસે આવીને !” માલવ કંઇ બોલ્યો નહિ ખાલી એક સ્માઈલ આપી બોલ્યો , “ હું તેજને સોહિણી પાસેથી લઇ આવું . તેમને પણ કામ હશે .” કામિનીને સહેજ નિરાશા થઇ તેને ઈચ્છા હતી કે માલવ પોતાની સાથે થોડો સમય બેસે અને પોતાની લાગણી વ્યક્ત કરે . પણ કંઇ બોલી નહિ . પણ મનતો પેલા લક્કડખોદ જેવું જૂનાં પ્રેમ ભર્યા દિવસો વારંવાર મનમાં ડોકાચિયું કરીજતા . સમસમીને થોડીવાર બેસી રહી અને પછી હસતાં મોં એ રુમ બહાર આવી તેજ નો હવાલો લઇ લીધો .

રાત પડતાં રુમમાં તેજને ઉંઘાડી કપડાં બદલી માલવના આવવાની રાહ જોતી બેઠી . માલવ તો આવતાં વેંત તેજ પાસે . કામિની ફ્રેશ થઇ રુમમાં આવી તો તેને થયું હમણાં માલવની નજર પડશે ! માલવ તેજ પાસેથી ફ્રી થઇ પલંગમાં આવ્યો ને તેની નજર નાઈટીની અંદરના કામિનીના દેહ પર ગઈ . ડીલીવરી ને કારણે ફૂલીગયેલું પેટ અને અદોદડું થયેલું તેનું શરીર પારદર્શક નાઈટી માંથી તેની આંખ આગળથી ખસ્યું નહિ . એક ઉંડા નિસાસા સાથે બે મિનીટ પોતે બહુ થાકી ગયો છે કહી પડખું ફેરવી સૂઈ ગયો . કામિની પણ થોડી થાકેલી હતી પણ મલાવના બે પ્રેમભર્યા શબ્દની આશા હતી . રાતના તેજ બેચાર વાર દૂધ પીવા અને સુસુકરી રોવા લાગ્યો એટલે કામિની થયેલ દુઃખને ભૂલી તેજને સાચવવામાં લાગી .

સવાર પડતાં સોહીણીને તેણે કહ્યું , “ ભાભી હું ઘરકામ સંભાળું છું તમે તેજને સંભાળો . વળી માલવનું વર્તન પણ બદલાયું છે , શું કરું ?” સોહીણીએ કહ્યું , “ કામિની હવે તું પહેલાની કામિની થઇજા . તારી તબિયત સારી કર , શરીરનો ખ્યાલ રાખ . પછી જો બધું ઠેકાણે પડી જશે .” કામિનીને પણ ભાભીની વાત સાચી લાગી અને બીજાજ દિવસથી યોગા ક્લાસ , બેલેન્સ ડાયેટ બધું શરુ કર્યું . તેજ ખાલી પેટ ભરવા પૂરતો કામિની પાસે રહેતો .

સાંજે દુકાનેથી માલવે રત્નાને ફોન કર્યો અને આગ્રહ પૂર્વક મળવા એનાં ઘરે ગયો . રત્ના તો આની જ રાહમાં હતી . હરાયો માલવ રત્નાને કહેવા લાગ્યો કે , “ હવે કામિનીનું શરીર અદોદળું થઇ ગયું છે વગેરે હજી આગળ બોલે તે પહેલાં રત્ના બોલી , ક્મોન માલવ હું છું ને આપણા બે વચ્ચે હવે આવી વાત ના કર . બસ સમાઈ જા મારામાં હું તને બધી તૃપ્તિ આપીશ .” બદલામાં એને મોંઘી ગીફ્ટ જો મળતી હતી . માલવ સમયસર ઘરેતો પહોંચી ગયો ને તેજ સાથે રમવા લાગ્યો જેથી કામિનીને કોઈ વહેમના જાય .

દિવસો વહેતાં વાર ના લાગે . માલવને રત્ના નું મળવાનું વધતું ચાલ્યું , આબાજુ કામિની પોતાના શરીર પાછળ લાગેલી . નવ મહિનામાં જામેલું રાતોરાત તો ના ઉતરે . એક દિવસ કામિનીએ પાછી સોહીણીને વાત કરી , કામિનીને એક સોહીણીનો તો સહારો હતો . પણ ત્યાંથી હવે એકજ જવાબ મળતો , “ ધીરજ રાખ બધું ઠીક થઇ જશે .” તેજ પણ હવે ઉપરના દૂધ પર આવી ગયો હતો . તેથી કામિની થોડી વધારે ફ્રી અને સોહીણીતો ઓતપ્રોત થઇ તેજ ને સમય આપતી .

એવામાં સોહીણીને જરા તાવ આવ્યો . ડોક્ટરને બતાવ્યું તો ઘણાં ટેસ્ટનું લીસ્ટ આપ્યું . કામિની તેજ ને સાસુ અને બાઈ ને સહારે મૂકી સોહિણી ની સાથે ટેસ્ટ અને ડોક્ટર પાસે દોડાદોડ કરવાં લાગી . બધું નોર્મલ આવ્યું . બધાને હાશ થઇ . એક સવારે કામિની રસોડામાં હતી ને મોટાભાઈ દોડતાં આવ્યાં કે , “ સોહીણીને જુવોને હજી ઉઠી નથી . મારાં બોલાવે કોઈ પ્રતિભાવ નથી આપતી . ઘરનાં બધાં ભેગાં થઇ ગયાં , માલવે તુરંત ડોક્ટર બોલાવ્યાં અને ડોકટરે આવીને સોહીણી ને મૃત જાહેર કરી .

કામિનીને સંભળાવી મુશ્કેલ થઇ . આખા ઘરમાં કોણ કોને સંભાળે ! મોટીબહેન ના પહીંચે ત્યાં સુધી સોહીણીના શરીરને મોર્ગમાં રાખવાનું નક્કી થયું . બેલાએ બાઈની મદદથી તેજ ની જવાબદારી ઉપાડી . એક સગી બહેન જાય તેટલું દુઃખ કામિનીને થયું . માલવ પોતાની જાતને સંભાળે કે ભાઈ અને માતાપિતાને . મોટીબહેન આવતાં તેમણે બધાને સંભાળ્યા અને વિધિ પતાવી . દુઃખનું ઓસડ દહાડા . ઘરનાં બધાં વચ્ચે તેજ મોટો થઈરહ્યો હતો એટલે તેની પાછળ પણ સમય જતો . નિર્દોષ બાળક બધાને હસાવતો રમાડતો . મોટાબહેન ત્રણ મહિના રોકાયા . કામિનીને પણ તેમણે પોતાની જાત સંભાળી ઘરની જવાબદારી ઉપાડવા માનસિક રીતે તૈયાર કરી . માલવ હવે દુકાન સંભાળતો થઇ ગયો . આ બધી તકલીફોમાં કામિની પાછી થોડી શરીર પ્રત્યે ધ્યાન ઓછું આપવા લાગી .

ને જાગી માલવની ભ્રમર વૃત્તિ . હવે તો ટકોર પણ કોણ કરે ! એક સોહિણી હતી જે સંભાળતી હતી . એકવાર કામિની માલવના કપડાં ધોવા નાંખતી હતી તેવામાં તેની નજર માલવના શર્ટના કોલર પાછળ પડી . લીપ્સ્ટીક નો ડાઘ જોઈ કામિનીને તેની આંખ પર વિશ્વાસ ના પડ્યો. હાથ રુમાલમાં પણ સ્ત્રીનાં પરફ્યુમની સુગંધ . હવે શું ? લમણે હાથ દઈ બેઠી . માલવ ના ગુસ્સાથી તે પરિચિત હતી એટલે વાત કેમ વાળવી તે વિચારમાં આખીરાત પાસાં બદલ્યાં કર્યા. ઉંઘ થઇ વેરણ . આદત મુજબ મન કાઠું કરી નોર્મલ થઇ પણ ખાલી દેખાવ પૂરતી.

તેની આદત પ્રમાણે માથાબોળ નાહતી વખતે દ્રઢ નિશ્ચય કરી તેજને છાતી સરસો ચાંપીને રુમ બહાર આવી ....

જુવો હવે આગળ તમાચો મારી મોં લાલ રાખનાર કામિની શું કરે છે ... વાંચો કામિની -૬ .