Pincode -101 Chepter 54 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 54

પિન કોડ - 101

પ્રકરણ-54

આશુ પટેલ

‘બહુ હોશિયાર લાગે છે તું!’ સબ ઇન્સ્પેક્ટરે કહ્યું અને અચાનક તેના તેવર બદલાઇ ગયા. તેણે ઊભા થઇને પોતાના વાળ વિખેરી નાખ્યા, પેન્ટમાં ખોસેલું શર્ટ બહાર કાઢી નાખ્યું અને ઝટકો મારીને પોતાના શર્ટના બે
બટન તોડી નાખ્યા. પછી તેણે બૂમ પાડી:
હરામખોર! તે ફરજ પરના પોલીસ અધિકારી પર હાથ ઉઠાવવાની હિંમત કરી? અને એ પણ પોલીસ સ્ટેશનમાં?’
યુવાન ગભરાઇ ગયો. તેને સમજાયું નહીં કે તે વરસોવામા તેની સોસાઈટી નજીકના વિસ્તારમા શંકાસ્પદ માણસોની અવરજવર વિશે માહિતી આપી રહ્યો હતો એ દરમિયાન આ અચાનક અધિકારી આવી રીતે કેમ વર્તવા માંડ્યો.
જોકે તે યુવાન તે સબ ઈન્સ્પેક્ટરને કઈ કહે એ પહેલા કેટલાક કોન્સ્ટેબલ્સ ધસી આવ્યા. તેમણે યુવાનને ફટકારવા માંડ્યો. એમાંના એકે બરાડો પાડ્યો: સાલા પોલીસ સ્ટેશનમાં આવીને સાહેબ પર હાથ ઉઠાવે છે!’ તેમણે તે યુવાન અધમૂઓ થઇ ગયો ત્યાં સુધી તેને ફટકાર્યો. યુવાન બોલવાની કોશિશ કરતો હતો, પણ ઝનૂને ચડેલા કોન્સ્ટેબલ્સ તેની કોઇ વાત સાંભળવા તૈયાર નહોતા. યુવાનની ભરપેટ ધુલાઇ ર્ક્યા પછી તેમણે તેનું ‘નિવેદન’ નોંધવા તેને સામે બેસાડ્યો.
યુવાને ખિસ્સામાંથી પોતાનો મોબાઇલ ફોન કાઢીને કોઇને કોલ કરવાની કોશિશ કરી. એક કોન્સ્ટેબલે તેનો ફોન આંચકી લીધો.
યુવાને કહ્યું, ‘મારે મારા ઘરે અને ઓફિસમાં કોલ કરવો છે.’
‘નાખી દો સાલાને લોકઅપમાં.’ પેલા સબ ઇન્સ્પેક્ટરે બૂમ પાડી. અને સાથે ઉમેર્યું : પોલીસ સ્ટેશનમાં ધસી આવીને ફરજ પરના પોલીસ અધિકારી પર હુમલો કરવાના અને તેની હત્યાનો પ્રયાસ કરવાના આરોપ ઠોકી દો.’
એક કોન્સ્ટેબલે તે યુવાનને બાવડેથી પકડ્યો અને તેને લઇને તે લોકઅપ તરફ ચાલતો થયો. અચાનક તે યુવાન પોતાનો હાથ છોડાવીને સબ ઇન્સ્પેક્ટર તરફ ઘસ્યો. તેણે તે સબ ઇન્સ્પેક્ટરને લાફો ઝીંકી દીધો અને પછી તેની ગળચી પકડી લીધી.
તેણે બરાડો પાડ્યો: ‘તારા જેવા અધિકારીઓ જ આ દેશની ઘોર ખોદવા બેઠા છે. હું તને છોડીશ નહીં.’
સબ ઇન્સ્પેક્ટર થોડી સેક્ધડ માટે ડઘાઇ ગયો, પણ પછી તે વિકૃત રીતે હસ્યો. આ દરમિયાન ચાર-પાંચ કોન્સ્ટેબલ્સ ધસી આવ્યા હતા અને તે યુવાન પર ફરી વળ્યા. પેલો યુવાન બૂમો પાડતો રહ્યો કે તમે એક સીધાસાદા માણસ પર અત્યાચાર કરી રહ્યા છો.
પેલા સબ ઇન્સ્પેક્ટરે કહ્યું: ‘સાલા પાકિસ્તાનની ઔલાદ. હવે જો તને તારી સાત પેઢી યાદ કરાવી દઉં છું.’
એ બિચારા યુવાનને કલ્પના પણ નહોતી કે તે જે શંકાસ્પદ લાગતા માણસો વિશે માહિતી આપી રહ્યો હતો એમાંના જ એક માણસ સાથે તે સબ ઈન્સ્પેક્ટર મેસેજથી વાત કરી રહ્યો હતો. અને પછી તેના પર ડોન ઇક્બાલ કાણિયાના ખાસ માણસનો કોલ આવ્યો હતો, એ કોલ કરનારા માણસે તે સબ ઇન્સપેક્ટરને કહ્યું હતું કે ઇક્બાલભાઈ કહે છે કે તે માણસને ‘ફિટ’ કરી દો!
* * *
‘સા’બને તુમકો અન્દર બુલાયા હૈ.’ બોરીવલી સ્ટેશન સામે બોરીવલી પોલીસ સ્ટેશનમાં ઝોન અગિયારના ડીસીપીની ચેમ્બર બહાર બેઠેલા રાહુલને કાને શબ્દો પડ્યા ત્યારે તેને થોડી વાર તો વિશ્ર્વાસ ના બેઠો કે તેણે ખરેખર એ શબ્દો સાંભળ્યા છે. ગોરાઈ પોલીસ સ્ટેશનમાં પેલા ઉદ્ધત અધિકારીને મળ્યા પછી તેને આશા નહોતી કે પોલીસ તેના દોસ્ત સાહિલને શોધવા માટે કઈ કરશે. એ અનુભવ પછી રાહુલ હતાશ થઈ ગયો હતો, પણ સાહિલની ચિંતા અને એક મિત્રની સલાહને કારણે તેણે આ વિસ્તારના ડેપ્યુટી પોલીસ કમિશનરને મળીને તેમની મદદ મેળવવા માટે ચાન્સ લેવાનુ વિચાર્યું હતું. આટલો સિનિયર પોલીસ અધિકારી મળશે કે કેમ એ વિશે જ તેને શંકા હતી એને બદલે તેના આશ્ર્ચર્ય વચ્ચે ડેપ્યુટી કમિશનરે તેને પંદર મિનિટમાં જ મળવા બોલાવી લીધો હતો.
‘સર, મારો દોસ્ત ગુમ થઇ ગયો છે.’ ધડકતા હૃદય સાથે ડેપ્યુટી કમિશનરની ચેમ્બરમાં પ્રવેશતા વેંત રાહુલે કહ્યું. સાહિલના ગાયબ થવાને કારણે રાહુલ સખત માનસિક તનાવ અનુભવી રહ્યો હતો એમાં વળી જિંદગીમા પહેલી વાર પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા આઈપીએસ અધિકારીની સામે જવાને કારણે તે નર્વસ થઈ ગયો હતો એટલે તે ડીસીપીનુ અભિવાદન કરવાનું ભૂલી ગયો. જોકે ડેપ્યુટી કમિશનરે તેને તેમની સામે ગોઠવાયેલી ખુરશીઓ તરફ ઈશારો કરતા કહ્યું: ‘બૈઠિયે.’
ડેપ્યુટી કમિશનરના વ્યવહારથી રાહુલને બહુ સારું લાગ્યું અને તે થોડો ભાવુક પણ થઈ ગયો. તેની આંખો ભીની થઈ ગઈ.
ડેપ્યુટી કમિશનરના ટેબલની સામે બેસતા તેણે પોતાની વાત દોહરાવી: ‘સર, મારો દોસ્ત બે દિવસથી ગાયબ થઈ ગયો છે.’
‘તમારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવી જોઇએ.’ ડેપ્યુટી કમિશનરે તેને સલાહ આપી.
‘સર, હું ગોરાઇ પોલીસ સ્ટેશનમાં ગયો હતો, પણ ત્યાંના ડ્યુટી ઓફિસરે ફરિયાદ લેવાની ના પાડી અને મારી સાથે બહુ ખરાબ રીતે વાત કરી.’ રાહુલે ગોરાઇ પોલીસ સ્ટેશનમાં શું બન્યું હતું એની માંડીને વાત કરી.
‘હું ગોરાઇ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરને કહી દઉં છું કે તરત તમારી
ફરિયાદ નોંધી લે.’ ડેપ્યુટી કમિશનરે કહ્યું. તેમણે પોતાનો મોબાઇલ ફોન હાથમાં લીધો. કોલ
લગાવતા પહેલાં તેમણે પૂછ્યું: તમારા દોસ્તનું નામ શું છે?’
‘સાહિલ સગપરિયા. એ તેની ફ્રેન્ડને મળવા ગયો પછી પાછો આવ્યો જ નથી.’
‘તમે તેની ફ્રેન્ડના ઘરે તપાસ કરી?’ ડેપ્યુટી કમિશનરે પૂછ્યું.
‘ના, સર. તેની ફ્રેન્ડનું તો મુંબઇમાં કોઇ જ નથી. તે એન.આર.આઇ. છે. તે ક્યાંક પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી ત્યાં તેને વાંધો પડ્યો એટલે તે અડધી રાતે મારા ફ્લેટમાં આવી ચડી હતી. તે બન્ને માટે
મેં બોરીવલીના એક ગેસ્ટ હાઉસમા બુકિંગ કરાવી આપ્યું હતું. મેં ત્યા તપાસ કરી, પણ તે બન્ને ત્યા તો ગયા જ નથી. એ દિવસથી બન્નેનો કોઈ અત્તોપત્તો નથી.’
‘શું નામ છે તમારા દોસ્તની ફ્રેન્ડનું?’
‘નતાશા નાણાવટી. મોડેલિંગ અને નાટકોમાં નાના-મોટા રોલ...’
‘નતાશા નાણાવટી!’ ડેપ્યુટી કમિશનરને જાણે ઈલેક્ટ્રિક કરન્ટ લાગ્યો હોય એ રીતે તેમણે પ્રતિક્રિયા આપી.
બીજી સેક્ધડે તેમણે રાહુલ પર પ્રશ્ર્નોની ઝડી વરસાવી દીધી.
રાહુલ પાસેથી શક્ય એટલી બધી માહિતી મેળવીને થોડી મિનિટો પછી ડેપ્યુટી કમિશનરે
પોલીસ કમિશનરને કોલ કર્યો અને કહ્યું: સર,
નતાશા નાણાવટીનો બોયફ્રેન્ડ પણ બે દિવસથી ગાયબ છે!’
રાહુલ બાઘો બનીને ડેપ્યુટી કમિશનર સામે જોઈ રહ્યો. તેના મનમાં એક વિચાર વીજળીના ઝબકારાની જેમ પસાર થઈ ગયો કે સાહિલ તેની ફ્રેન્ડને કારણે કોઈ મોટી મુશ્કેલીમાં તો નહીં ફસાઈ ગયો હોય ને? સાહિલની ફ્રેન્ડનું નામ સામ્ભળીને ડેપ્યુટી કમિશનર ચોંકી ઊઠ્યા અને તેમણે તેમના બોસને કોલ કરવો પડ્યો!
રાહુલને ખબર નહોતી કે તેને અને એ આઈપીએસ અધિકારીને એક જ જગ્યાએ ભેગા કરવામાં સાહિલની ફ્રેન્ડ નતાશા નાણાવટી નિમિત્ત બની હતી. નતાશા નાણાવટીને કારણે જ એ આઈપીએસ અધિકારીએ ડીસીપી ક્રાઈમ જેવી હાઈ પ્રોફાઈલ પોસ્ટ ગુમાવીને ઝોન અગિયારના ડેપ્યુટી કમિશનર તરીકે ચાર્જ સંભાળવો પડ્યો હતો!

(ક્રમશ:)