Shantnu - 1 books and stories free download online pdf in Gujarati

શાંતનુ - પ્રકરણ - 1

‘શાંતનુ’

- સિદ્ધાર્થ છાયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રસ્તાવના

એક દિવસ સવારમાં જ શ્રી સિદ્ધાર્થ છાયા નો ફોન આવ્યો કે મેંએક નવલકથા લખી છે જેની પ્રસ્તાવના તમારે લખી આપવાની છે. હું જરા સ્તબ્ધ થઇ ગઇ. મારા માટે તદ્દન નવી વાત હતી. હું વિવેચક નથી પણ, વાચક તરીકે મારા ‘શાંતનુ’ વિશેના અભિપ્રાયને ન્યાય આપવાનો તથા સિદ્રાર્થભાઇએ એક વાચકમાં મૂકેલાં વિશ્વાસને સાર્થક કરવાનો મેં પ્રત્યન માત્ર કર્યો છે.

સિદ્ધાર્થભાઇ સાથે મારો પરિચય ફેસબુક દ્ધારા થયો. એમની અને મારી કારકિર્દીની શરૂઆત લગભગ એક જ દિવસે થઇ એમ કહું તો ખોટું નથી. ૨૨ મી જૂન, ૨૦૧૩ નાં રોજ મારા પુસ્તક ‘મોકટેલ- ધ’ (ચાર સખીનું સહિયારું સર્જન) પ્રકાશિત થયું એ જ દિવસે સિદ્ધાર્થભાઇ નું પહેલું લેકચર ‘સની ડેયઝ’ પર નવસારીની સયાજી લાઇબ્રેરીમાં હતું. એ પછી એમની કલમે ગતિ વધારી અને આજે તેઓ ‘ગુજરાત ગાર્ડિયન’ દૈનિકમાં કોલમિસ્ટ છે. ત્રણ થી ચાર વેબસાઇટ પર તેઓ કન્ટેન્ટ રાઇટર તરીકે કાર્યરત છે અને એમની આજ દિન સુધીની સહુથી મોટી હરણફાળ એટલે કે આ નવલકથા, ‘શાંતનુ.’

‘શાંતનુ’ સાંપ્રત સમાજને પ્રતિબિંબત કરતી સરળ-સહજ વાત છે. નવલકથાનો નાયક ‘શાંતનુ’ સ્થિર, ગંભીર, સમજદાર અને સાચા અર્થમાં આધુનિક વિચાર ધરાવતો નાગર યુવાન છે. એનાં નાયિકા ‘અનુશ્રી’ પ્રત્યેના પ્રેમમાં સુક્ષ્મ ઊંડાણ છે. આજનાં બ્રેકઅપ-પેચઅપ જેવો છીછરો એનો પ્રેમ નથી એવું સતત આ નવલકથામાં દેખાઇ આવે છે. એમ છતાં પોતાની માની લીધેલી પ્રિયાને ભીને વસ્ત્રે જોઇને એની ભડકતી સાહજિક કામવાસના - વિકારો અને અનુશ્રીને કલ્પના જગતમાં રાખીને કરેલું સ્ખલન ખુબજ ખેલદિલી સાથે એ અનુશ્રી પાસે સ્વીકારે છે. એક પ્રમાણિક પ્રેમીની હિંમત અને સચ્ચાઇને આલેખવામાં સિદ્ધાર્થભાઇ સફળ રહ્યાં છે. આ કબુલાત શાંતનુનાં પાત્રને વધુ મજબુત બનાવે છે.

શાંતનુને પ્રેમ ન કરતી હોવાં છતાં નાયિકા અનુશ્રી શાંતનુની આકબુલાતને - પુરુષના સાહજિક સ્વભાવને મૈત્રીભાવે સ્વીકારી તેને માફ કરેછે. અહીં આજની સ્ત્રીઓનાં મનોભાવોને પણ ઉઘાડ મળ્યો છે.

સ્ત્રી-પુરુષની મિત્રતાને લઇને હંમેશા સમાજ એક શંકામાં જીવ્યો છેત્યારે સિદ્ધાર્થભાઇએ આ કથાનાં પાત્રો, શાંતનુ, અનુશ્રી, અક્ષય અનેસિરતદીપ દ્ધારા સ્ત્રી-પુરુષની નિખાલસ મૈત્રી દ્ધારા મિત્રતા કેટલી ઊંચીકક્ષાએ પણ પહોંચી શકે એવો સુંદર સંદેશ પણ આપ્યો છે.

વ્હોટ્‌સ એપ્પ, ફેસબુક અને ઇન્ટરનેટ ને કથામાં આવરી લઇનેનવલકથાને આધુનિક ઓપ પણ આપ્યો છે તો સામે પક્ષે, હજી સમાજમાંક્યાંક જૂની માનસિકતા પણ જીવે જ છે કે દીકરી પોતાની મરજી થી લગ્નકરે તો એનું કુટુંબ એને નથી સ્વીકારી શકતું એ પણ દર્શાવ્યું છે. જ્યાં એકબાજુ જૂૂની અને નવી પેઢી વચ્ચે સંઘર્ષ છે તો ક્યાંક સમજદારી પણ છે,શાંતનુનાં પિતા જ્વલંતભાઇ એનું સ્પષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ છે.

અનુશ્રીનાં જીવનનાં ચડાવ-ઉતાર દ્ધારા આધુનિક નારી પડકારોઅને પ્રશ્નો વચ્ચે પણ પોતાની રીતે સફળતા મેળવી શકે છે અને સમાજમાંઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે છે એમ દર્શાવી નવલકથામાં સ્ત્રી સમસ્યા અને સ્ત્રી શક્તિ બન્ને પાસા વ્યક્તિ થયાં છે.

પ્રથમ નજરનાં પ્રેમની પોકળતા, વિદેશી વળગણમાં લપેટાયેલીનવી પેઢીની ઉદ્દંડતા, જૂની પેઢીની જૂની માનસિકતા સાથે ‘શાંતનુ’ માંએજ જૂની પેઢી નો વૈચારિક બદલાવ, મિત્રતાનું મુલ્ય, આધુનિક પેઢીનાક્રાંતિકારી વિચારોનો પરિચય થાય છે.

‘શાંતનુ’ થી શરુ થયેલું સાહિત્ય ખેડાણ, શ્રી સિદ્ધાર્થભાઇને ખુબસફળતા આપે અને સમાજને એક સક્ષમ લેખક મળે એવી શુભેચ્છાઓસાથે....

-ગોપાલી બુચ

૧લી માર્ચ, ૨૦૧૪

ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

શાંતનુની સફર

શાંતનુની સફર આજથી બરોબર એક વર્ષ પહેલાં શરુ થઇ હતી જ્યારે ‘સાર્થક પ્રકાશન’ નાં એક સમારંભ નાં અંતે મેં લોકપ્રિય નવલકથાકાર અને ગુજરાતનાં અગ્રણી અખબારો માંના એક અખબારમાં સહ-તંત્રી તરીકે કાર્યરત શ્રી. ધૈવતભાઇ ત્રિવેદી ની અતિશય લોકપ્રિય નીવડેલી ધારાવાહીનવલકથા ‘લાઇટ હાઉસ’ પર એમનો ઓટોગ્રાફ માંગ્યો હતો. ધૈવતભાઇએ ઓટોગ્રાફ આપતાં એમ લખ્યું કે હવે તમારી નવલકથા પર હું ઓટોગ્રાફમાંગું એવી શુભેચ્છા. એ સમારંભ થી ઘેર પાછાં ફરતાં આખે રસ્તે ધૈવતભાઇ ની આ વાત દિમાગમાં દોડતી રહી.

એક વાર્તા ઘણાં વખતથી મનમાં આકાર તો લઇ જ રહી હતી પણ એમ કહું તો જરાપણ ખોટું નહી હોય કે ધૈવતભાઇએ એ આઇડીયાનેએક ‘કીક’ આપી અને પહેલાં મનમાં અને પછી ધીરેધીરે મારાં કમ્પ્યુટરની વર્ડ ફાઇલમાં ‘શાંતનુ’ એ આકાર લેવા માંડ્યો. વાર્તા નાં નાયકને ‘શાંતનુ’નામ આપવું કદાચ ખુબ સહેલું હતું કારણકે હું પોતે બંગાળી નામોથી કાયમ આકર્ષણ અનુભવું છું અને મારાં પરિચયમાં એકવાર એક શાંતનુનામે બંગાળી વ્યક્તિ પણ આવ્યો હતો અને તરત જ નક્કી કર્યું કે નાયક નું નામ શાંતનુ જ રહેશે. નાયક નાગર રહેશે એ પણ મેં તે વખતે જનક્કી કર્યું હતું. એટલા માટે નહી કે હું પોતે નાગર છું.

નાગરોની ઇમેજ ગુજરાતીઓમાં ફક્ત ચોખલીયા કે કલાપ્રેમી કે પછીખુબ ભણેલા, અથવા તો સાવ દેશી ભાષામાં કહું તો ‘બોચીયા’ તરીકેની છે. હું પોતે નાગર હોવાં છતાં ઉપરમાં થી ફક્ત કલાપ્રેમી નો જ ગુણ ધરાવું છુંએટલે મેં મારાં હીરોને ફક્ત કલાપ્રેમી ન રાખીને એને અત્યંત રોમેન્ટિક અને દોસ્ત અને દોસ્તી માટે કશું પણ કરી છૂટનાર તરીકે દેખાડીને નાગરોનીટીપીકલ છબીને ભાંગવાનો જાણીજોઇને પ્રયાસ કર્યો છે. હું પોતે આ પ્રકારનો સ્વભાવ ધરાવતો હોવાથી તે ઉપરાંત શાંતનુની વાર્તા જો કે કાલ્પનિક હોવાંછતાં હું એની જગ્યાએ હોત તો શું કરત એમ વિચારીને જ આ પાત્રને ઘડ્યું છે. શાંતનુનાં પાત્રમાં મને નજીકથી ઓળખતાં મિત્રોને એમનો સિદ્ધાર્થ કે‘સીડ’ દેખાય તો એ લોકો જરાપણ ખોટાં નહી હોય.

દરેક વ્યક્તિને કોઇને કોઇવાર પ્રેમનું કાં તો એનું ફક્ત પ્રથમ આકર્ષણ હોય છે અથવા તો અમુકને એ પ્રેમ મળી શક્તો નથી હોતો. હું પોતે પણ આ બાબતે થી અછુતો નથી પણ જ્યારે તમને તમારી માની લીધેલી પ્રેમિકા તમારાં પ્રેમનો અસ્વીકાર કરે ત્યારે એ બાબતે નિરાશ થઇને કે દેવદાસ થઇને ન જીવતાં એની મિત્રતાનો સ્વીકાર કરીને એનાં દરેક સુખ દુઃખમાં એની પડખે ઉભાં રહેવાનો સંદેશ મેં મારાં વાચક મિત્રોને આપવાની અહિયાં કોશીશ કરી છે. જેમ શાંતનુ પોતે એક જગ્યાએ કહે છે કે “એનાંથી ઝીંદગી તો ખતમ નથી થતી ને?” એમ એનાં નકાર થી પોતાને પીડા આપવાને બદલે એનાં સુખ-દુઃખ નો અખંડ હિસ્સો બનીને તમે તમારાં જ લઇ જ લીધું છે ને ? પ્રેમ એ સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે. જો તમારો પ્રેમની સેવા જ કરો છો એવું મારું અંગતપણે માનવું છે. છેવટે આમ કરીને તો તમે એની સાથે રહેવાનું બહાનું જ લઇ જ લીધું છે ને? પ્રેમ એ સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે. જો તમારો પ્રેમ સાચો છે તો એ તમારી કહેવાતી પ્રેમિકાનાં કે તમારાં બદલાયેલાં સંજોગોનો મોહતાજ નથી કારણકે એ સતત હોવા ઉપરાંત લચીલી પણ છે બસ આ જ વાત મારે શાંતનુ દ્ધારા મારાં યુવાન મિત્રો અને સખીઓ ને કરવી છે.

મારી પોતાની ઝીંદગીમાં કોઇ સહોદર ન હોવાથી પ્રેમ ઉપરાંત ‘દોસ્તી’ નું મહત્વ પણ મારાં માટે ખુબ છે અને એથી જ મેં શાંતનુ સાથે અક્ષય અને સિરતદીપનાં પાત્રો પણ ઘડ્યાં છે પહેલાં શાંતનુ અને અનુશ્રી સાથે અને પછી એકબીજાં સાથે એવી મિત્રતા ઘડે છે જે ફરીથી કહું તો ખુબ લચીલી છે, અહીં વાતે વાતે ખોટું લાગી જાય એવાં મિત્રો નથી પરંતુ સાચી વાત મિત્રને એનાં મોઢા પર કહી દેતાં મિત્રોની વાત છે અને તેમ છતાં પેલી મિત્રતાની ગરમી તો પોતાનો સ્વભાવ છોડતી જ નથી. વાર્તા નાં પાછલાં હિસ્સામાં શાંતનુ અને અક્ષય તથા અનુશ્રી અને સિરતદીપ વચ્ચેનાં બે અલગ દ્રશ્યોથી મેં આ બાબતને કહેવાની કોશીશ કરી છે.

બે પેઢી વચ્ચે વિચારો ની કટોકટી હંમેશા રહી છે. ‘શાંતનુ’ નવલકથા માં આ બાબતે બન્ને બાજુઓ દેખાડવાની કોશીશ કરી છે. શરૂઆતમાં અનુશ્રી અને એનાં મોટાભાઇ સુવાસ વચ્ચે વિચારોનાં મનમેળનો અભાવ તો સામે પક્ષે શરૂઆતથી છેક અંત સુધી શાંતનુ અને એનાં ‘પપ્પા’ જ્વલંતભાઇ વચ્ચે સદાય રહેતી મૈત્રી ની વાત પણ કરી છે. આ ઉપરાંત માતાદિન, સત્યા અને દિપ્તી ઉપરાંત અનુશ્રીનાં મમ્મા નાં પાત્રો પણ સંજોગોને અનુરૂપ પોતાનો ભાગ ભજવે છે.

અને છેલ્લે શાંતનુ અને અનુશ્રી, આ વાર્તા નાં નાયક અને નાયિકા. બન્ને ને ખબર છે કે શાંતનુ અનુશ્રીને ચાહે છે અને ધમધોકાર ચાહે છે પણ જ્યારે સંજોગો શાંતનુની ચાહતને ન્યાય નથી આપતાં ત્યારે સંજોગોને દોષ ન આપતાં એનો સ્વીકાર કરીને આગળ વધે છે. એક પુરુષને એક સ્ત્રી અને એપણ પોતાને ગમતી સ્ત્રી પ્રત્યે થતું સાહજીક શારીરિક આકર્ષણ પણ એક

સ્ત્રી સહજતાથી આ જમાનામાં સ્વીકારી શકે છે એ વાત પણ મેં અહીં કરવાની કોશીશ કરી છે. શારીરિક આકર્ષણ બાબતે ફક્ત સ્ત્રીઓ જ નહીં પણ આજનાં પુરુષોમાં પણે કેટલીક જડતા ઘુસી ગઇ છે જે ખોટી છે એ બાબતની ચોખવટ અહીં એક પુરુષ નહીં પણ એક સ્ત્રી કરે છે અને એ દ્રશ્ય ઉપસાવવામાં મને કદાચ સહુથી વધુ મહેનત પડી છે. પ્રેમમાં શારીરિક આકર્ષણ હોય જ અને જો તો કશું ખોટું નથી અને પાપ તો બિલકુલ નથી, ઉપરાંત ઘણીવાર પ્રેમને પૂર્ણતા આપવા બે આત્માઓ સાથે બે શરીરોનું મિલન પણ એટલું જ જરૂરી છે આ વાત પણ શાંતનુ કરી જાય છે.

વાર્તા ના લખાણ દરમ્યાન મેં ક્યારેય એને રોકવાની કે વણજોઇતો વણાંક આપવાની કોશીશ નથી કરી. શાંતનુની વાત જેમ જેમ મનમાં આવતી ગઇ એમ લખાતી ગઇ અને હવે બોલ તમારાં કોર્ટમાં છે. આશા છે તમે શાંતનુને સ્વીકારશો અને તમારાં અભિપ્રાયો મને મારાં ઇ-મેઇલ પર જરૂરથી જણાવશો.

ધન્યવાદ

-- સિદ્ધાર્થ છાયા

૧૭.૦૩.૨૦૧૪, સોમવાર (ધૂળેટી), અમદાવાદ.

જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ઋણ સ્વીકાર

‘શાંતનુ’ ની લેખન સફર લગભગ એક વર્ષ ચાલી અને આ દરમ્યાન કેટલાંય લોકોનો સાથ મળ્યો આ તમામનો હું દિલથી ઋણ સ્વીકાર કરું છું.

મારાં માતા-પિતા શ્રીમતી અંજના અને શ્રી. નિતીન છાયા જે આ સફર દરમ્યાન સતત પોતાની ખુશી અને ઉત્સાહ અંદરોઅંદરથી દેખાડતા હતાં. એમનાં ઉત્સાહી ચહેરાઓએ સતત મને લખતો રાખ્યો છે.

મારી જીવનસાથી તોરલ જેણે મને છેલ્લાં છ મહીના દરમ્યાન રોજના બે કલાક ‘શાંતનુ’ પ્રત્યે સમર્પિત રહેવા દીધો અને મૂંગે મોઢે પોતાનો ટેકો આપતી રહી. અને હા મારો આઠ વર્ષનો પુત્ર હેમીશ જેને આમ તો આ બાબતે વધુ ખબર ન પડે પણ એનાં ‘ડેડી’ કાઇક નવું કરી રહ્યાં છે એવો આનંદમયી ચહેરો દેખાડીને મારો ઉત્સાહ વધારતો રહ્યો છે.

મારી પરમ મિત્ર અનુરાધા જેણે પોતાનું લાડકું નામ ‘અનુ’ આ વાર્તાની નાયિકા માટે વાપરવા દેવાની છૂટ આપી. એટલુંજ નહીં પણ પોતે હિન્દીભાષી હોવા છતાં લગભગ દર બે-ત્રણ દિવસે વાર્તાની પ્રગતી વિષે પૂછતી રહેતી અને મને પણ સતત ‘ઓન ધ ટોઝ’ રાખતી.

શ્રી. ધૈવતભાઇ ત્રિવેદી જેમનાં એક ઓટોગ્રાફે મને તરતજ નવલકથા લખવાનું ઇન્જેકશન આપ્યું.

ગુજરાતી પ્રાઇડ એપ્પ નાં શ્રી. મહેન્દ્રભાઇ શર્મા જે શાંતનુ ‘ઇ-બુક’ નાં પબ્લીશર પણ છે અને જેમને હું ‘સવાયા ગુજરાતી’ કહું છું, એમણે મારી કલમ પર વિશ્વાસ મૂક્યો અને પોતાનાં પ્રથમ સાહસ સાથે મારું પ્રથમ સાહસ પણ જોડી દીધું.

શ્રી. વિશાલ પારેખ જેમણે આ આખી નવલકથા ગુજરાતી પ્રાઇડ માટે વાચ્ય એવાં ‘ગોપિકા’ ફોન્ટ્‌સમાં રૂપાંતર કરવાનું કામ હાથમાં લીધું અને એમનાં સહકર્મી શ્રી. સંજયભાઇ રાઠોડ જેમણે આ કામ પાર પાડ્યું.

શ્રીમતી ગોપાલી બુચ જેણે પોતાનાં વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને મારી એક જ હાકલે નવલકથાની પ્રસ્તાવના લખી આપી અને મિત્રતા નિભાવી.

તમામ ફેસબુક મિત્રો અને સંબંધીઓ જેમણે આ નવલકથા બહાર આવવાની છે એની ખબર પડતાં જ શુભેચ્છાઓનાં સંદેશોથી મને નવડાવી દીધો.

આ ઉપરાંત તમામ એવાં મિત્રો જેમનો હું અહીં અંગત રીતે અભાર નથી માની શક્યો.

એક

‘થયાં સાડા સાત હવે ઊઠો શાંતનું, શું આજે તમારે ઓફિસ નથી

જવાનું ?’ જ્વલંતભાઇ એમનાં એકના એક પુત્ર શાંતનુને અમદાવાદની મે મહિનાની એક ગર્મીલી સવારે બાપ-દીકરાની નક્કી કરેલી શરત મુજબ બે લીટીઓ વચ્ચે પ્રાસ મેળવી ને ઉઠાડી રહ્યાં હતાં.

‘ઉઠું છું પપ્પા, બે મીનીટ ..લેટ મી ફિનિશ ઇટ” શાંતનું એ એનો રોજનો ગોખેલો જવાબ આપ્યો.

‘ઇટ્‌સ ઓલરેડી સેવેન થર્ટી ફાઇવ... નાઉ ગીવ મી અ હાઇ ફાઇવ!!’ જ્વલંતભાઇ ના ચહેરા પર એક સ્મિત આવી ગયું.

‘થોડી ઊંઘ હજી બાકી છે, ઘડિયાળની સોય મેં હમણાંજ માપી છે.’ શાંતનું ઓશીકું માથે મુકતા બોલ્યો.

‘ચાલો તમે ઊભા થાવ એટલે હું સેન્ડવીચ બનાવું, ટામેટાં કાકડી ને કાપી ને એમને પણ ન્યાય અપાવું.’

શાંતનું કમને ઓશીકેથી ઉભો થયો અને જ્વલંતભાઇ સામે ફીકું પણ પ્રેમાળ સ્મિત આપ્યું. જ્વલંતભાઇ એ ફરી વળતું સ્મિત આપી અને રસોડા તરફ રવાના થયાં અને શાંતનુએ બાથરૂમની વાટ પકડી.

આમ જોવો તો બન્ને બાપ-દીકરા વચ્ચે આ રોજનો સંવાદ હતો. જ્વલંતરાય પ્રખરરાય બુચ નો એકનો એક પુત્ર શાંતનું, નવી નવી શરુ થયેલી એક આંતરરાષ્ટ્રીય ઇન્શ્યોરન્સ કંપનીમાં હમણાં જ ‘ઇન્શ્યોરન્સ એડવાઇઝર’ તરીકે જોડાયો હતો. ૨૫ વર્ષનો શાંતનું જ્વલંતભાઇ નો ખુબ લાડકો હતો. બે વર્ષ પહેલાં જ બ્રેસ્ટ કેન્સર થી જ્વલંતભાઇ નાં પત્ની ધરિત્રીબેન નું અવસાન થયું હતું અને ત્યારથી જ શાંતનુને ક્યારેય પણ એની મમ્મી ની ખોટ ન સાલે એનું જ્વલંતભાઇ કાયમ ધ્યાન રાખતાં. આમતો રસોઇયા મહારાજ તો ધરિત્રીબેન માંદા હતાં ત્યારથી જ હતાં પણ સવારની ચા અને નાસ્તો પોતે જ શાંતનું માટે બનાવી ને આપે એ ધરિત્રીબેનની પ્રથા જ્વલંતભાઇ એ હજી સુધી જાળવી રાખી હતી. જીવનનાં છેલ્લાં મહિનાઓમાં સંપૂર્ણ પથારીવશ હોવાં થી પોતે આ પ્રથા ને ન્યાય નથી આપી શકતાં અને ઘરનાં બીજાં કામ પણ નથી કરી શકતાં અને ઘરનું બધું જ કામ નોકરોનાં હાથે ચાલી ગયું છે એનો ધરિત્રીબેન ને કાયમ અફસોસ રહ્યો હતો.

કદાચ એમની આ વ્યથા જ્વલંતભાઇ સમજી ગયાં હશે એને એટલે જ એમણે ધરિત્રીબેન ની આ અદમ્ય ઇચ્છા પુરી કરવાનો નિર્ણય કરી લીધો હશે. જ્વલંતભાઇ એ આમપણ ધરિત્રીબેન માટે મુંગા મોઢે પોતાની જાત ઘસી નાખી હતી. લગભગ ત્રણેક વર્ષ પહેલાં ગુજરાત રાજ્યનાં એક કમાઉ નિગમ નાં ડિરેક્ટર પદે પોતાની ચોખ્ખી છબી ને કારણે હજી નિમણૂંક પામ્યાં જ હતાં અને ત્યાંજ ધરિત્રીબેન નાં કેન્સર ની ખબર પડી અને ડોક્ટરોએ પણ બહુ આશા નહોતી આપી એટલે પાંચ વર્ષ ની બાકી રહેલી નોકરી ત્યારે જ રાજીનામું આપી ને વહેલી પુરી કરી દીધી. લોકોએ ખુબ સમજાવ્યાં પણ એમને તો ધરિત્રીબેન ની સેવા કરવી હતી અને એમનાં જીવનના જેટલાં પણ દિવસો બચ્યાં હોય એ એમની સાથે જ વિતાવવા એવું એમણે નક્કી કરી લીધું હતું. ધરિત્રીબેનનાં ગયાં પછી હવે એમણે શાંતનુને કાઇ પણ ઓછું ન આવે એવું ધ્યાન રાખવાનું નક્કી કર્યું હતું.

શાંતનું પણ આમ જુવો તો જ્વલંતભાઇ ની બેઠી કોપી જ હતો. આમ થોડો મૂંગો, શરમાળ, ચહેરા પર સદાય સ્મિત અને રમૂજવૃત્તિ થી ભરપુર પણ એનો ઉપયોગ જરૂર પડ્યે જ કરતો. ચહેરે મહોરે સરસ પણ એની ઉંમર ના બીજાં છોકરાંઓ ની જેમ ‘બોડી બિલ્ડર’ નહીં. ખાવાનો ખુબ શોખ એને એની મમ્મીના કારણે જ લાગ્યો હતો અને એટલે જ કદાચ એનું શરીર બહુ ભરેલી નહીં તો સહેજે પાતળું પણ નહોતું. શાંતનું પિતા પ્રત્યે અદમ્ય પ્રેમ ધરાવતો અને માતા ના ગયાં પછી જિંદગી ના દરેક સુખ-દુઃખ એક અંગત મિત્રની જેમ એમની સાથે શેર કરતો. ધરિત્રીબેન નાં જવાનુંં દુઃખ તો બન્ને ને હતું પણ ‘લાઇફ ગોઝ ઓન’ નાં સિદ્ધાંત ને અનુસરી ને એ બન્ને એ પોતાની જિંદગી રડી રડી ને વિતાવવી નહીં એવું એક બીજાં ને કીધાં વીના જ નક્કી કરી લીધું હતું.

શાંતનું એનાં પ્રાતઃકર્મો પતાવી ને ડાઇનીંગ ટેબલ પર આવી ગયો. જ્યાં રોજ ની જેમ બ્રેડ બટર અને વેજીટેબલ સેન્ડવીચીઝ એની રાહ જોતી હતી. ઘરમાં મા અથવા બહેન પછી કે પછી પત્ની ન હોવાની આ એક મોટી તકલીફ છે તમને ગરમ નાસ્તો ન મળે, જો તમને જાતે રાંધતા ન આવડતું હોય તો.

‘રોજે રોજ આ ખાઇ ખાઇ ને કંટાળી ગયો છું પપ્પા, હવે ક્યારે બંધ કરશો આ કારસા ?’ શાંતનું એ ટેબલ પર બેસતાં જ ઠપકાર્યું.

‘જલ્દી થી લઇ આવો આ ઘરમાં એક વહુ પછી જ ચાલુ થાશે તમારાં જલસા’ જ્વલંતભાઇ એ શાંતનું નાં આઉટ સ્વીન્ગર પર ચોક્કો માર્યો.

‘ટાઇમ પ્લીઝ પપ્પા, તમે જ્યારે જ્યારે મને કોર્નર કરવા માંગો છો ત્યારે તમે વહુ નામનું પ્રાણી મને ડરાવવા માટે લઇ આવો છો એટલે હું પ્રાસ માં વાત કરવાનું ભૂલી જાઉં છું’ શાંતનુંએ ફરિયાદી સ્વર માં કહ્યું.

આ બાપ દિકરા વચ્ચે ચોવીસ કલાક રમતી આ પ્રાસાનુપ્રાસ ની રમત નો નિયમ હતો કે ટાઇમ પ્લીઝ બોલ્યાં વીના જે કોઇપણ પ્રાસ તોડે એણે બીજા ને એક ‘ડેઇરી મિલ્ક’ આપવી. જ્વલંતભાઇ કરતાં શાંતનું નો સ્કોર આ બાબતમાં ઘણો ઊંચો હતો પણ અત્યારે એણે ભૂલ્યા વગર ‘ટાઇમ પ્લીઝ’ કહી દીધું. જ્વલંતભાઇ એ આંખ મારી ને સ્મિત આપ્યું ‘વહુ’ એમનું એક હાથવગું શસ્ત્ર હતું અને જ્યારે એમને શાંતનુની ચીડવવો હોય ત્યારે ત્યારે તેઓ આ શસ્ત્ર નો ઉપયોગ કરતાં.

‘ચાલો શાંતનું જલ્દી ખતમ કરો આ સેન્ડવીચ અને ફટ પીવો આ પાણી કારણકે જો મોડા પહોંચશો ઓફિસે તો બગડશે પેલો બંગાળી’ જવલંતભાઇ એ શાંતનું પાછળ લટકતી ઘડિયાળમાં પોણા નવ વાગતાં જોઇને ટકોર કરી.

શાંતનુને કાયમ સવારે સાડા નવ વાગે એની ઓફિસમાં રીપોર્ટ કરવાનો હોય છે. આમ તો સેટેલાઇટ થી સી. જી. રોડ જતાં સવારે એટલો ટ્રાફિક ન નડે પણ તેમ છતાં મોડાં કરતાં વહેલું પહોંચવું સારું એવી જવલંતભાઇની સલાહ શાંતનુંએ આજદિન સુધી બરોબર ફોલો કરી હતી. શાંતનુનો બોસ એટલે કે શરદેંદુ મુખોપાધ્યાય એનાં થી લગભગ એક દાયકો મોટો હતો અને શાંતનુના હિસાબે એકદમ ‘બોર’ વ્યક્તિ હતો. સવારે ૮ વાગ્યામાં ઓફિસ આવી જાય અને મોડી રાત સુધી કામ કરે. જ્યારે જુવો ત્યારે બસ કામ કામ અને કામ. શાતનું આની પહેલાં પણ એક ઇન્શ્યોરન્સ કંપનીમાં કામ કરી ચુક્યો હતો અને એણે કોઇપણ રીતે વીમો વેંચવાની કોઇ એવી કળા આત્મસાત કરી હતી કે એ મહિનાના પહેલાં દસ દિવસ ખુબ મહેનત કરીને પોતાનું ટાર્ગેટ એચીવ કરી લેતો અને બાકીના વીસ દિવસ જલસા કરતો. આ વીસ દિવસોમાં એ કાં તો મુવી જોવા જાય અથવાતો ક્રિકેટ મેચ ચાલુ હોય તો ઘેર વહેલો જઇને એ જુવે અને નહી તો એનાં મિત્ર કમ ભાઇ જેવાં અક્ષય સાથે આખો દિવસ ટોળટપ્પાં મારે. આજે હજી તો મહિનાની પાંચમી તારીખ હતી અને શાંતનુએ ટાર્ગેટનાં હજી ૪૦ ટકા પણ એચીવ નહોતાં કર્યાં એટલે એને પણ જવાની ઉતાવળ તો હતી જ. બપોરનું ખાણું એ ઓફિસની જ પેન્ટ્રી માં લઇ લેતો રાત્રે એ અચૂક જવલંતભાઇ ની સાથે જ જમતો.

ફટાફટ સેન્ડવીચ ખાઇ ને ‘બાય પપ્પા’ કહી ને શાંતનું ઉપડ્યો.

‘અરે શાંતનું તમારી બેગ તો અહીં જ રહી ગઇ’ જવલંતભાઇ એ બુમ પાડી.

‘ઓહ સોરી પપ્પા’ કહેતો શાંતનું ઘરનાં દરવાજે થી જ પાછો વળ્યો. એક હાથે બેગ અને બીજાં હાથે પોતાનાં શુઝ પહેરતો પહેરતો શાંતનું એનાં ફ્લેટનાં પગથીયા ઉતરી ગયો.

શાંતનું ને લાગતું હતું કે આજે કદાચ એ ઓફિસે મોડો પહોંચશે એટલે એણે એનું બાઇક થોડું ફાસ્ટ ચલાવ્યું પણ છેવટે સવા નવ નાં ટકોરે એ એની ઓફિસ નાં પાર્કિંગમાં પહોંચી ચુક્યો હતો પણ આજે પાર્કિંગમાં એની ફેવરીટ જગ્યા ભરાઇ ગઇ હતી. ફક્ત એની ફેવરીટ જગ્યા જ નહી, આખેઆખું પાર્કિંગ જ ભરેલું હતું. શાંતનું નાં ઓફિસ બિલ્ડીંગ ની બધી જ ઓફિસો નાં કર્મચારીઓ મેઇન રોડવાળાં કોર્પોરેશન નાં પેઇડ પાર્કિંગ પર પોતાના વાહનો પાર્ક કરી ને પોતપોતાનાં પાર્કિંગ સ્લોટ પર બીજાનાં વાહનો પાર્ક કરેલાં જોઇને મોઢાં મચકોડતાં મેઇન લીફ્ટ તરફ જઇ રહ્યાં હતાં. શાંતનુએ પણ પોતાની બાઇક પગનાં હલેસાં મારતાં મારતાં પાછીવાળી અને ફૂટપાથ ને અડીને આવેલાં કોર્પોરેશનના પેઇડ પાર્કિંગ માં એને પાર્ક કરી દીધી. હજી પોતાની હેલ્મેટ લોક કરી ન કરી અને પોતાની ફેવરીટ પાર્કિંગની જગ્યા પર જેણે પણ પોતાનું વાહન પાર્ક કર્યું હોય એને એક જોરદાર ગાળ આપવાનું વિચાર્યું જ હતું ત્યાં જ એનાં કાને અવાજ આવ્યો...

‘બે રૂપિયા સાહેબ’. પાછું વળી ને જોયું તો પાર્કિંગ નો એટેન્ડન્ટ એક નાનકડી શી ચિઠ્ઠી જેનાં પર ન વંચાય એવાં અક્ષરો એ પાર્કિંગ નાં ભાવ લખ્યાં હતાં એ શાંતનું સામે લઇ ને ઊભો હતો.

‘અરે યાર હમણાં લઇ લઉં છું. હું બિલ્ડીંગ માં જ કામ કરું છું. ઉપર પૂછવા જ જાઉં છું કે કોણે આ બધું પાર્કિંગ કર્યું છે.’ શાંતનુએ અકળાઇ ને પેલા ને કીધું.

‘ના સાહેબ અમારી તો ડ્યુટી છે, બે રૂપિયા આલો.’ પેલો બોલ્યો.

‘સવાલ બે રૂપિયાનો નથી ભાઇ, જસ્ટ એમ જ મુક્યું છે.’ એટેન્ડન્ડ સમજી નહતો રહ્યો અને શાંતનું ની અકળામણ વધી રહી હતી.

‘હા પણ સાહેબ ફરજ એટલે ફરજ, અમારોં પટેલ સાહેબ આવે ને હિસાબ ના મર તો મારી તો નોકરી જાય.’ પેલા એ પોતાની જીદ ન છોડી.

‘શું યાર...’ શાંતનું એ મોઢું બગાડતાં પેલા ને બે રૂપિયા નો સિક્કો પકડાવ્યો અને પેલી ચિઠ્ઠી ને ખીસામાં ઘુસાડી દીધી.

ઘડિયાળ ઓલરેડી નવ ને બાવીસ દેખાડતી હતી. શાંતનુ નો કદીય મોડા ન પડવાનો રેકોર્ડ કદાચ આજે તૂટી જાય એમ હતો કારણકે એની ઓફિસ પાંચમાં માળે હતી અને આજે બન્ને લીફ્ટ માં લાંબી લાઇનો લાગેલી હતી એ તે દુરથી જોઇ રહ્યો હતો. શાંતનું એ લીફ્ટ તરફ રીતસરની દોટ મુકી.

“જો પહેલીવારમાં વારો ન આવે એવું લાગે તો તરત જ બાજુનાં દાદરા પર ઝડપથી ચડી જઇશ” એવું વિચારતો વિચારતો એ આગળ વધી જ રહ્યો હતો ત્યાં પાછળ થી અવાજ આવ્યો.

‘કા હો સાંતનું બાબુ!! આજ બીડી પીલાય બગૈર હી જા રહે હો?’

આ અવાજ માતાદીન નો હતો. માતાદીન એટલે શાંતનું ના કોમ્પ્લેક્સ નો સિક્યોરીટી ગાર્ડ. રોજ સવારે એને બીડી પીવડાવવી એ શાંતનુનો નિયમ હતો. આનાં બદલામાં માતાદીન શાંતનુની પ્રાણ થી પણ પ્રિય એવી એની બાઇક નું ‘પર્સનલ ધ્યાન’ રાખતો. વરસાદની સીઝનમાં તો બાઇકની એક ચાવી શાંતનું એને જ આપી રાખતો અને રખેને કોઇવાર જો શાંતનું અક્ષયનાં બાઈક પર એની સાથે સેલ્સમાં ગયો હોય અને સાંજે એનાં કામેથી ઓફિસ પાછો ન આવી શકે અને વરસાદ આવે તો માતાદીન એનું બાઇક ભોયરામાં મુકી આવતો.

‘માતાદીન ભૈય્યા આજ થોડી દેરી હો ગઇ હૈ. ઔર મેરી જગા પે દુસરે કો ક્યું પાર્ક કરને દીયા?’ શાંતનું એ ફરિયાદ કરી.

‘અરે પાંચસો તીન મૈ કૌને નવા ઔફીસવા ખુલા હૈ. અબ ઉ લોગન ને પાંચ પાંચસો લોગન કો ઇક સાથ બુલાવા ભૈજા લાગત હૈૈ, ઔર સસુરે સારે કે સારે ઇક સાથ હી આ ધમકે. અબ હમ અકેલા આદમી કીસ કીસ પે નઝર રખ્ખે બચવા??!!’ માતાદીને પોતાનો પક્ષ રજુ કર્યો.

‘ઠીક હૈ ઠીક હૈ, અભી દેર હો રહી હૈ, એક ઘંટે બાદ જબ મૈ જબ મૈ જબ ફીલ્ડ પે જાઉંગા તો બીડી તો ક્યા આજ ચાય ભી પીલાઉંગા.’ શાંતનુ એ માતાદીન સ્મિત આપી અને લીફ્ટ તરફ મારી મુક્યું.

બન્ને લીફ્ટ ની લાઇનમાં એકંદરે દસ-દસ લોકો ઉભાં હતાં. લગભગ બધાનાં હાથમાં બુકે અથવા તો ગીફ્ટ અથવા તો બન્ને હતાં. નવી ઓફિસ નાં ઉદ્ધાટન માટે જ આ બધાં આવ્યાં હોય એવું લાગ્યું. શાંતનુ ની ઓફિસ પાંચસો પાંચ માં અને આ પાંચસો ત્રણ બરોબર એની ઓફિસ ની સામે જ હતી.

‘મહિના દિવસ થી ત્યાં પેઇન્ટીંગ અને ફર્નીચર નું કામ ચાલું હતું પણ આજે જ ઉદ્ધાટન હશે એની તો ખબર જ નહી. કાલે સાંજે જ્યારે મેં ઓફિસ છોડી ત્યારે તો ત્યાં ચકલું પણ નહોતું.’ દાદરા ચડતાં ચડતાં શાંતનું ના મગજમાં આ વિચારો આવતાં ગયાં.

થોડોક શરીર માં ભારે એટલે ત્રીજા માળે પહોંચતા પહોંચતા શાંતનું ને થોડોક હાંફ ચડ્યો પણ ઘડિયાળ નવ ને સત્યાવીસ દેખાડતી હતી એટલે એક સેકંડ પણ ઊભા રહેવાનુંં પોસાય એમ નહોતું. શરદેંદુ નો ચહેરો એની સામે દેખાઇ રહ્યો હતો. શાંતનું હવે એક સાથે બે બે પગથીયા ચડવા લાગ્યો અને છેવટે એક જ મીનીટ માં દાદરો ચડી, પાંચસો ત્રણ માં આવેલા લોકો થી ભરાયેલા પેસેજની ભીડ ચીરી ને પોતાની ઓફિસમાં ઘુસી ગયો અને તરત જ પોતાનું આઇ.ડી સ્વેપ કરી લીધું.

‘ફ્યુઉઉઉ..’ શાંતનું નાં મોઢાં માંથી ઉચ્છવાસ નીકળી ગયો અને રિસેપ્શન ની બાજુમાં ગોઠવાયેલાં વોટર કુલરમાંથી ગ્લાસમાં પાણી ભરી અને તરત પાણી પી ગયો.

રોજ સવારે નવ ને ત્રીસ ને ટકોરે રોજ બધાં ‘બોસ’ ની કેબીનમાં ભેગાં થતાં અને પોતે આજે શું શું કરવાનાં છે એનો રીપોર્ટ આપતાં અને રોજ સાંજે જો ‘મંથ એન્ડ’ ન હોય તો સાડા સાત વાગે આખાં દિવસમાં શું કર્યું એનો રીપોર્ટ આપતાં અને ઘરે જતાં. મંથ એન્ડ માં ઘણીવાર મધરાત પણ થઇ જતી. પાણી પી ને શાંતનું પાછો ફર્યો તો કોઇ પણ એક્ઝીક્યુટીવ બોસ ની કેબીન માં ગયો ન હતો બધાં પોતપોતાની જગ્યા ઉપર કાં તો ‘સિસ્ટમ’ માં કૈક કામ કરી રહ્યાં હતાં નહી તો એકબીજા સાથે વાતો કરી રહ્યાં હતાં.

‘ચલો અંદર નથી જવું?’ શાંતનુ એ બધાંને સંભળાય એમ પૂછ્યું.

‘બોસ કા અમ્મા પર ગયા વો કોલકાતા ગયા મહિને કે લીયે.’ શાંતનુનો સહકર્મી પિલ્લઇ બોલ્યો.

‘હેં ક્યારે?’ શાંતનુ નાં મોઢામાંથી દુઃખ અને આનંદ મિશ્રિત ઉદગાર નીકળી ગયો.

‘કાલે રાત્રે શાંતનું. આજે સવારે જ હું એમને એરપોર્ટ પર મુકી આવ્યો.’ સિસ્ટમમાં ડેટા નાખતાં નાખતાં શાંતનું નો બીજો સહકર્મી સત્ય દવે બોલ્યો.

‘ઓહ ઓક્કે, તો મે ખોટી દોડાદોડી કરી ને? ખબર હોત તો શાંતિથી લીફ્ટમાં આવતને?’ શાંતનું એ નિશ્વાસ નાખ્યો.

‘બડે ભૈચ્યા સવારથી તમારો ફોન સ્વીચ ઓફ આવે છે.’ મેઇન દરવાજામાંથી એન્ટ્રી મારતાં મારતાં શાંતનું નો ખાસમખાસ મિત્ર અને એને મોટોભાઇ ગણતો અક્ષય પરમાર બોલ્યો.

‘હેં ન હોય!’ શાંતનું તરત ખીસ્સા ફંફોળવા માંડ્યો અને શર્ટ નાં ખિસ્સામાંથી મોબાઇલ કાઢી ને ચેક કર્યો તો ખરેખર એનો મોબાઇલ સ્વીચ ઓફ હતો !

‘અરે હા યાર સવારે બેટરી સાવ લો હતી એટલે સ્વીચ ઓફ કરી ને ચાર્જ કરવા મુક્યો પછી ચાલુ કરવાનો રહીયજ ગયો.’ શાંતનું એનો મોબાઇલ ચાલુ કરતાં બોલ્યો.

‘થાય ભાઇ થાય.’ અક્ષયે એનાં ફેમસ તોફાની સ્મિત સાથે કહ્યું.

‘તો હવે દસ દિવસ સુધી હુ ઇઝ ધ બોસ?’ શાંતનુ એ પૂછ્યું.

‘આજે તો કોઇ નહિ પણ કાલ સવાર થી જ્યાં સુધી મુખોપાધ્યાય સર ન આવે ત્યાં સુધી મુંબઇ થી કુરુશ દાબુ સર આવી રહ્યાં છે.’ સત્ય ફરીથી સિસ્ટમ ની સામે જ જોતાં જોતાં બોલ્યો.

‘એટલે આજે અનોફીશીયલી ઓફીશીયલ રજા!!’ અક્ષયે લગભગ બુમ પાડી અને સત્ય સીવાય બધાં નાં મોઢાં પર સ્મિત છવાઇ ગયું.

સત્ય એ શરદેંદુ મુખોપ્યાધ્યાય ની જેમજ વર્કોહોલિક હતો. શરદેન્દુની ખુબ નજીક હતો પણ તેનો ચમચો ન હતો. જરૂર પડે તો એનાં સહકર્મચારીઓ ની મદદ કરવામાં ક્યાંય પાછી પાની નહોતો કરતો.

‘ચલો સામે જઇએ આઇસ્ક્રીમ મસ્ત છે.’ આંખ મારતાં અક્ષય બોલ્યો

‘એટલે આપશ્રી ત્યાં ઓલરેડી એકવાર પધારી ચુક્યા છો એમને?’ શાંતનુએ હસતાં હસતાં અક્ષય ને પીઠ ઉપર ધબ્બો મારતાં કહ્યું.

‘હા અને બીજીવાર જવાની ઇચ્છા પણ ખરી જ બડે ભાઇ!’ અક્ષયે ફરીથી આંખ મારતાં કહ્યું.

‘શું આઇસ્ક્રીમ એટલો મસ્ત છે? કઇ ફ્લેવરનો છે?’ શાંતનુએ નજીકનાં ટેબલ પર પડેલી પોતાની ‘સેલ્સ ફાઇલ’ ઉપડતાં પૂછ્યું.

‘ફક્ત ‘આઇસ’ જ નહી ભાઇ...ક્રીમ પણ મસ્ત છે.’ અક્ષયે ફરીથી આંખ મીચકારી.

‘હમમ ... તો બંદા બધો જ સર્વે કરી આવ્યા છે એમ ને ?’ શાંતનુ નું ધ્યાન હજી પેલી ફાઇલમાં જ હતું.

‘હા ટ્રાવેલ એજન્ટ ની ઓફિસ છે અને આપણે વગર આમત્રણે ક્યાં જવાનું છે ? હમણાં જ એમનો પ્યુન આવી ને કહી ગયો, હેં ને સત્યા?’ અક્ષયે સત્યા પાસે સર્ટીફીકેટ માંગ્યું. જવાબમાં સત્યાએ ફક્ત હકારમાં ડોકું ધુણાવ્યું

‘હા પણ મને કાલ નો રિપોર્ટ જોઇ લેવા દે પછી જોઇએ.’ શાંતનું ને સામે જવામાં કે આઇસ્ક્રીમ ખાવા માં અથવા તો છોકરીઓ જોવામાં કોઇ જ રસ નહોતો.

છોકરીઓ ની બાબતમાં તો શાંતનું અમસ્તોય ખુબ શરમાળ હતો. કોલેજમાં રૂપાલી ભટ્ટ નામની એની સહધ્યાયી એને ખુબ ગમતી, કદાચ રૂપાલીને પણ શાંતનું બહુ ગમતો પણ શાંતનું ત્રણેય વર્ષ ફક્ત એનો દોસ્ત બની રહ્યો અને પોતાને રૂપાલી ખુબ ગમે છે એવો ઇઝહાર તે રૂપાલી ને શરમ નો માર્યો કરી નહોતો શક્યો.

‘ચાલ ને ભાઇ?’ અક્ષય ફરી બોલ્યો, શાંતનું એ ફાઇલ માંથી હાથ ઉચો કરીને પાંચેય આંગળીઓ જોડી ને ઇશારામાં જ પાંચ મીનીટ રાહ જોવા કહ્યું.

‘પાંચ મીનીટ માંતો આઇસ્ક્રીમ પીગળી જાય ભાઇ.’ અક્ષય થી રેહવાતું નહોતું અને એણે શાંતનું નો એ ઉપડેલો હાથ જ પકડી લઇને રીતસર નો ખેંચ્યો.

‘તું નહી જ માને, ચલ.’ કમને ફાઇલ પોતાનાં ટેબલ પર મુકી ને શાંતનું ઉભો થયો.

બન્ને પોતાની ઓફિસમાં થી બહાર આવ્યાં અને સામે ની ઓફિસ તરફ આગળ વધ્યાં. અક્ષય ખાસ કરીને વધુ ઝડપથી આગળ વધી રહ્યો હતો અને આ જોઇ શાંતનું મનોમન હસી રહ્યો હતો. ‘પાંચસો ત્રણ’ માં હવે ભીડ સારી એવી ઓછી થઇ ગઇ હતી. હજી સુધી આ ઓફિસ પર કોઇ જ બોર્ડ મારેલું નહોતું પણ અક્ષયની ‘અંદરની’ ઇન્ફર્મેશન પ્રમાણે આ એક ટ્રાવેલ એજન્ટની ઓફીસ હતી. હજી સુધી આ ઓફિસનો પ્યુન અક્ષયને ઓળખી ગયો અને બન્ને નું હાથ મેળવીને સ્વાગત કર્યું. અંદર ફર્નીચર વ્યવસ્થિત ગોઠવાઇ ગયું હતું. જેમ ઘણી ઓફિસોમાં હોય છે એમ અહિયાં પણ બે-ત્રણ મોટી કેબીનો હતી. બાકી નાં ભાગમાં પાર્ટીશનો હતાં. ઓફિસમાં ઘૂસતાં જ રીસેપ્શન કાઉન્ટર સામે હતું પણ ખાલી હતું. આ રીસેપ્શન કાઉન્ટર પાછળ આ બધાં પાર્ટીશનો અને બે કેબીનો હતી. ઓફિસ સેન્ટ્રલી એસી હતી. ઘણાબધાં લોકો વચ્ચે એક ‘પોશ’ દેખાવ ધરાવતો વ્યક્તિ આ ઓફિસનો માલિક હોય એવુ લાગતું હતું. શાંતનું આ બધું નીરખી રહ્યો હતો ત્યાં જ એની નજર સાડીમાં સજજ એવી પાંચ થી છ છોકરીઓ પર પડી. આ બધી જ છોકરીઓ ખુબ સુંદર લાગતી હતી.

‘અક્ષય નો વાંક નથી’ એમને જોઇને શાંતનું મનોમન બોલ્યો.

હજી આ વિચાર એનાં મનમાં ચાલી જ રહ્યો હતો ત્યાં જ અક્ષયે શાંતનુનો ખભો દબાવતાં એનાં કાનમાં કહ્યું.

‘જોયું ભાઇ હું નહોતો કહેતો? બોલો હવે આમાં મારો કોઇ વાંક ખરો?’

શાંતનુ અને અક્ષય વચ્ચે આ એક અદભુત બંધન હતું જેને એલોકો ‘ટેલીપથી’ કહેતાં. કાયમ એ બન્નેનાં વિચારો લગભગ મળતાં અને ઘણીવાર તો ફક્ત આંખના ઇશારે એકબીજાની વાત સમજી જતાં અને એકબીજાને કાઇ કહેવાની પણ જરૂર પણ ન રહેતી.

‘હમમ હમમ...’ શાંતનુએ જવાબ આપ્યો.

એક ‘ઓફિસ બોય’ આઇસ્ક્રીમનાં બે કપ લઇ આવ્યો અને બન્ને ને એક કપ આપ્યાં. શાંતનું કરતાં અક્ષયને ‘આઇસ’ અને ‘ક્રીમ’ બન્ને માં વધુ રસ હતો એટલે શાંતનુ ધીમે ધીમે આઇસ્ક્રીમ ખાઇ રહ્યો હતો કારણકે તો જ અક્ષયને વધુ સમય ત્યાં રહેવા મળે અને ‘ક્રીમ’ ને નિહારતા એની આંખો ‘આઇસ’ કરી શકે. પણ ક્યાં સુધી? થોડીવાર પછી બન્ને નાં કપ ખાલી થઇ ગયાં હતાં અને અહીં કોઇ એમને ઓળખતું પણ નહોતી. વળી આજે ઓફિસમાં ‘અનઓફીશીયલી ઓફીશીયલ રજા’ પણ એમણે જ જાહેર કરી દીધી હતી. પણ અહીં રોકાવા માટે બહાનું તો જોઇએ ને?

‘પાણી છે પાણી?’ આઇસ્ક્રીમ સર્વ કરતાં એક બીજાં ઓફિસ બોય ને અક્ષયે પૂછ્યું. એની નજર તો સતત પેલી પાંચ-છ ‘દેવિયાં’ તરફ જ હતી. દોઢેક કલાક થી સતત આઇસ્ક્રીમ પીરસતાં એ ઓફિસ બોયે એક ‘નફરતભરી નિગાહ’ થી અક્ષય સામે જોયું.

‘મારે શું છે કે આઇસ્ક્રીમ ખાધાં પછી પાણી તો જોઇએ જ.’ અક્ષય પાસે જવાબ તૈયાર જ હતો. એટલે એ આઇસ્ક્રીમ નાં કપ ભરેલી ડીશ લઇ ને વિરુદ્ધ દિશામાં ફર્યો.

‘હં હં હં... આરામ થી આરામ થી આ ડીશ સર્વ કરી લે પછી...પછી...’ અક્ષયે ખોલી લાગણી દેખાડતાં કહ્યું. શાંતનું નાં મોઢાં પર સ્મિત આવી ગયું કારણકે એ અક્ષય ની રગ રગ થી વાકેફહતો. એને ખબર હતી કે અક્ષયને એક ઘૂંટડો પણ પાણી નહોતું પીવું એને ફક્ત ટાઇમપાસ કરવો હતો અને પેલી દેવિયાં ને વધુ સમય નીરખવી હતી. અક્ષયની નજર શાંતનું પર પડી એને ખ્યાલ આવી ગયો કે એની પોલ પકડાઇ ગઇ છે.

‘હસો મોટાભાઇ હસો, ભલાઇ કા તો ઝમાના હી નહી રહા.’ અક્ષયે આંખ મિચકારતાં કહ્યું.

‘ચલ ચલ હવે પાછાં જઇએ વધુ ગડબડ નથી કરવી, અને આલોકો તો હવે રોજ અહિયાં જ હશે કાલથી રોજ જો જે હવે.’ શાંતનુએ અક્ષયનો હાથ પકડતાં કહ્યું.

‘કાલે તો પેલાં મુંબઇ વાળા સર આવી જશે.’ અક્ષયે મોઢું મચકોડતાં કહ્યું.

‘તને રોકવા ક્યાં કોઇ સર ની જરૂર છે અક્ષય ? ચલ હવે.’ આ વખતે શાંતનુએ રીતસર અક્ષયનો હાથ ખેંચ્યો એવી જ રીતે જેવી રીતે અક્ષયે એનો હાથ થોડીવાર પહેલાં ખેંચ્યો હતો અહીં આવવા માટે.બન્ને દરવાજા તરફ આગળ વધ્યાં અક્ષય હજી પાછળ વળી વળીને જોઇ રહ્યો હતો અને અંતે બન્ને બહાર નીકળ્યાં અને પોતાની ઓફિસમાં ઘુસી ગયાં. શાંતનુએ ઓફિસનાં કૂલર માંથી એક ગ્લાસ ભરી ને અક્ષયની સામે ધર્યો. અક્ષય હજી પણ ઓફિસના પારદર્શક દરવાજા દ્ધારા ‘પાંચસો ત્રણ’ સામે જ જોઇ રહ્યો હતો.

‘લે’ અક્ષયનું ધ્યાન ખેંચવા શાંતનું થોડું જોરથી બોલ્યો અને ગ્લાસ એની આંખો સામે ધર્યો.

‘શું?’ અક્ષયે ‘પાંચસો ત્રણ’ સામે જોતાં જોતાં જવાબ આપ્યો.

‘આ પાણી, તને આઇસ્ક્રીમ ખાધાં પછી જોઇએ જ ને?’ શાંતનુ એ વળતો જવાબ આપ્યો.

‘કોણે કીધું?’ અક્ષયે હવે શાંતનું સામે જોતાં જોતાં અને હસતાં હસતાં પૂછ્યું.

‘કેમ? તે પેલા ઓફિસ બોય ને નહોતું કીધું? ત્યાં આઇસ્ક્રીમ ખાઇ ને?’ શાંતનુ હસતાં હસતાં બોલ્યો અને અક્ષય ખડખડાટ હસી પડ્યો. અક્ષયનાં આ ખડખડાટે હાજર રહેલાં બધાં જ સ્ટાફ મેમ્બર્સ નું ધ્યાન ખેંચ્યું સીવાય કે સત્યા નું.

‘બડે ભૈય્યા, શું યાર તમે પણ? હવે તમેય મારી લેશો?’ અક્ષય ફરી થી એટલાં જ જોર થી હસ્યો.

‘ના આતો મારે પીવું હતું એટલે થયું કે તનેય પુછું કે તારે પીવું છે કે નહી? ચલ મારે એક કોલ છે તું આવે છે?’ શાંતનુએ પાણી પી અને કુલર ઉપર ખાલી ગ્લાસ પાછો મુકતાં અક્ષયને પૂછ્યું. ‘સેલ્સ’ માં હોવાથી અને મંથલી ટાર્ગેટ નું ટેન્શન કાયમ હોવાથી શાંતનુ અને અક્ષય લગભગ સાથે જ સેલ્સ કોલ પર જતાં અને પોતપોતાનાં કલાયન્ટ્‌સની વિગતો એકબીજાં સાથે શેર કરતાં. શાંતનુ તો વળી મહિના ની શરૂઆતમાં જ પોતાનું ટાર્ગેટ અચીવ કરી લેતો એટલે બાકીનો સમય અક્ષય ને મદદ કરવામાં જ ગાળતો.

‘હા ચલો ભાઇ મારે હજી એકપણ પોલીસી ક્લોઝ નથી થઇ.’ અક્ષયે તરત પોતાની બેગ ઉપાડી.

‘સત્યા, હું જાઉં છું, સાંજે હવે નહી આવું બોસ નથી તો...’ શાંતનુએ સત્યા ને કહ્યું. સત્યા એ કમ્પ્યુટર સામે જ જોતાં જોતાં કાયમની જેમ ફરી હકારમાં ડોકું ધુણાવ્યું અને શાંતનું અક્ષય સાથે ઓફિસની બહાર નીકળી ગયો. બહાર નીકળીને તરત અક્ષયે ‘પાંચસો ત્રણ’ તરફ ડગ માંડ્યા અને શાંતનુએ જોરથી અક્ષય ને ખેંચ્યો.

‘ બહુ થયું અક્ષય હવે બસ કર મેં તને કીધુંને કે એલોકો હવે ક્યાંય નહી જાય?’ શાંતનુએ બનાવટી ગુસ્સા સાથે અક્ષય સામે જોયું. અક્ષય જાણતો હતો કે આ બનાવટી ગુસ્સો છે, પણ શાંતનુને એ મોટોભાઇ જ નહી પણ લગભગ ભગવાનની જેમ પુજતો હતો એટલે સામો જવાબ આપ્યાં વગર એની સાથે ચાલવા માંડ્યો.

લીફ્ટ ની બદલે બન્ને પગથીયા જ ઉતરી ગયાં. નીચે ઉતર્યા ત્યાં શાંતનુની નજર પાર્કિંગ પર પડી. લગભગ આખું પાર્કિંગ હવે ખાલી જ હતું અને શાંતનું ની ફેવરીટ પાર્કીંગ પ્લેસ પણ. એને હાશ થઇ. એ અક્ષયની સાથે મેઇન ગેટ પાસે ઉભેલા માતાદીન તરફ ચાલવા લાગ્યો.

‘કા હો ભૈય્યા?” શાંતનુએ માતાદીનની પાસે જઇ એનાં ખભે હાથ મુકીને પૂછ્યું.

માતાદીનનું ધ્યાન હવે કોઇ નવો વ્યક્તિ બિલ્ડીંગના ઓફીશીયલ પાર્કીંગ માં ઘુસી ને પોતાનું વાહન પાર્ક ન જાય એ તરફ હતું કારણ કે સવાર થી એણે ઘણાં લોકોની વઢ ખાધી હતી એટલે શાંતનુનો હાથ એનાં ખભે પડતાં જ એ ચોંકી ને બોલ્યો...

‘અરે આવા આવા સાંતનું ભૈય્યા આજ બડી દેર લગાદી? સુબહ તો ઇક ઘંટે મેં આવત હો બોલે રહે ઔર અબ તો દુઇઠો ઘંટા હો ગયા?’ માતાદીને મીઠી ફરિયાદ કરી.

‘અરે ભૈય્યાજી ઉપર વો નયા નયા ઓફિસવા ખુલા હૈ ના ? ઉસમે આઇસ્ક્રીમવા ખાને ગયે થે.’ શાંતનું કાઇ બોલે એ પહેલાં અક્ષય બોલ્યો. અક્ષયને એવો વ્હેમ હતો કે એ ભોજપુરીમાં સારું બોલી શકે છે. પણ ખરેખરતો એ માતાદીન સાથે જ્યારે વાત કરે ત્યારે અમુક શબ્દો પાછળ ફક્ત ‘વા’ ચડાવીને એને ભોજપુરી બનાવી દેતો.

‘ચાલો ચાય પીતે હૈ’ શાંતનુએ બન્ને ને બિલ્ડીંગ ની સ્હેજ બહાર જ આવેલાં પાનનાં ગલ્લા કમ ચા વાળા નાં સ્ટોલ તરફ દોરી ગયો.

‘દો અખ્ખી તીન ભાગવા મેં..અમમ ભાગમાં.’ અક્ષયે ‘ભોજપુરી ભૂલ’ સુધારીને ચા વાળાંને ઓર્ડર આપ્યો.

‘અને માતાદીન ભાઇ માટે ૩૦૨ નું પેકેટ.’ શાંતનુએ પાનવાળા તરફ બોલીને ઇશારો કર્યો. થોડીવારમાં જ ચા અને બીડીનું પેકેટ આવી ગયાં.

ત્રણેય ચા ની ચુસકી લેતાં હતાં. શાંતનું ને ચા ફૂંકી ફૂંકી ને પીવાની ટેવ હતી જ્યારે અક્ષય ને ચા માં કોઇ ખાસ રસ નહીં એટલે એ ચા ની પ્લાસ્ટીકની પ્યાલી હાથમાં પકડીને રસ્તે આવતી જતી છોકરીઓ તરફ ધ્યાન આપી રહ્યો હતો. જ્યારે માતાદીને હજી ચા હાથમાં પકડી એવી મોઢામાં ઠાલવી દીધી. શાંતનુ ને માતાદીને ની આ ટેવ જરાય ન ગમતી કારણે કે એનાં માટે ચા ની દરેક ચુક્કી અમૃત સમાન હતી અને એ કાયમ ચા ની દરેક ચુસ્કી ની મજા માણતો. મોઢાં માં ચા ઠાલવીને માતાદીને પ્યાલી નો કચરાપેટીમાં ઘા કર્યો અને બીડી સળગાવવા લાગ્યો. કદાચ એને બીડી ની તલબ ચા કરતાં વધુ હતી. માતાદીન ની બીડી હજી સળગી જ હતી ત્યાં જ એણે ત્રાડ પાડી...

‘અરે ઉ સસુર કા... સાંતનુ બાબુ જરા ઇ બીડી તો સંભાલો કૌનો અજનબી ફિર અપને પાર્કિંગ મૈ આ ગવા હૈ..’ આટલું કહી ને એપાર્કિંગ તરફ દોડ્યો. શાંતનુ એ માતાદીને આપેલી અને સળગાવેલી બીડી પોતાનાં જમણાં હાથની પહેલી બે આંગળીઓ વચ્ચે રાખી અને બીજાં હાથમાં રહેલી ચા ની પ્યાલીમાં થી ચા ની ચુસ્કી લેતો રહ્યો. અક્ષય હજી પણ ચા ની પ્યાલી પકડી ને જ ઊભો હતો.

‘હવે પી લેને ભાઇ..ઠંડી થઇ ગઇ હશે.’ શાંતનુથી ન રહેવાયું.

‘થવા દો મોટાભાઇ સામે જુવો પેલી આપણી તરફ જ આવી રહી છે..ગરમી વધશે હવે તો.’ અક્ષયે ધીમા સાદે શાંતનું ને કહ્યું.

અક્ષયે જે તરફ આંખોથી ઇશારો કર્યો હતો એ ‘પેલી’ તરફ શાંતનું ની પીઠ હતી અને એ ‘પેલી’ અક્ષયનું ધ્યાન તેની તરફ હોવા છતાં શાંતનું તરફ જ વળી...

‘એક્સક્યુઝ મી!!’ ‘પેલી’ એ પીઠ ફરેલાં શાંતનું ને પૂછ્યું.

‘યેસ?’ શાંતનુ એક હાથ માં ચા ની પ્યાલી અને બીજાં હાથમાં બીડી રાખી ને ફર્યો. ‘પેલી’ ને આવી રીતે બીડી પીતો પણ સ્માર્ટ અને સુસજ્જ છોકરો જોઇને કદાચ નવાઇ સાથે અણગમો પણ આવ્યો જે એનાં ચહેરા પર સ્પષ્ટ દેખાઇ ગયું.

‘સૃજન પાંચ આ જ છે ??’ ‘પેલી’ એ પૂછ્યું.

શાંતનું એની સુંદરતા થી ઓલરેડી છક્ક થઇ ગયો હતો. એણે લેમન કલરનો પંજાબી સૂટ પહેર્યો હતો. મોઢા પર કાળા કલરનાં ગોગલ્સ પહેર્યા હતાં. એનાં છુટ્ટા રાખેલા કોરા વાળ એનાં ખભા થી સ્હેજ નીચે સુધી નાં લાંબા હતાં. માથા ની સેંથી માથાં ની બરોબર વચ્ચે હોવા ને બદલે છેક જમણી બાજુ હતી પણ એને એ સ્ટાઇલ શોભતી હતી. જમણાં ખભે એકમરુન કલરની ચમકતી બેગ લટકતી હતી. કોઇ ખુબ સરસ પરફ્યુમ ની સુગંધ એનાં માંથી આવી રહી હતી. શાંતનુ થી સ્હેજ ઉંચી હતી. અક્ષય પણ સતત એની સામે જ જોઇ રહ્યો હતો.

‘અઅઅઅ આજ છે આજ છે.’ શાંતનુ એ સ્વભાવ મુજબ છોકરી જોતાંજ થોડાં બધવાઇને જવાબ આપ્યો.

‘ઓક્કે થેંક્સ.’ ‘પેલી’ એ સ્માઇલ આપ્યું અને થોડીજ વારમાં શાંતનુના જ બિલ્ડીંગ માં અલોપ થઇ ગઇ.

‘વાઉ મસ્સત મોટા ભાઇ...શું છોકરી હતી!! આપ કી તો નીકલ પડી.’ અક્ષય તરત જ બોલ્યો.

‘શું નીકલ પડી?? એની નજર આ બીડી પર હતી, એને એમ લાગ્યું હશે કે હું જ આ બીડી પીતો હોઇશ.’ શાંતનુ એ નીરાશા સાથે કહ્યું.

‘હા હા હા. શું યાર તમેય? આ તો બે મીનીટ નો ચમકારો હતો તમારે ક્યાં એની સાથે લગ્ન કરવાનાં છે?’ અક્ષય હસતાં હસતાં બોલ્યો.

‘અરે ઉ બાજુ વાલા મકાન કા છોરા અપના ઇસ્ફુટરવા ઇધર પાર્ક કરને આયા થા, ઉકે બિલ્ડીંગ મેં કૌનો કામ ચલ રાહ હૈ, હમને ઉસકો કહ દીયા કી ભૈયા ઇ કૌનો બાત ભઇ કા ? જાઓ કહી ઔર જગા અપના ઇસ્કુટર પાર્ક કરો.’ માતાદીન આવ્યો એની બીડી તો બુજાઇ ગઇ હતી એટલે બીડીનું બંડલ શાંતનું પાસે થી લઇ અને બોલ્યો...

‘ચલીયે ભૈય્યા હમ કા દેરીવા હોતી હૈ હમ કા અભી બોપલવા જાના હૈ.’ માતાદીને પોતાની રામકથા હજી શરુ જ કરી હતી ત્યાંજ અક્ષયે એની વાત કાપી નાખી.

શાંતનુએ પોતાની બાઇક ની કીક મારી, હેલ્મેટ પહેરી અને અક્ષય એની પાછળ બેઠો. માતાદીન ને આવજો નો ઇશારો કરી ને શાંતનુએ એની બાઇક હંકારી મુકી.

બન્ને અમદાવાદ નાં જ પણ જરા દુરનાં વિસ્તાર એવાં બોપલ તરફ જઇ રહ્યાં હતાં. શાંતનુએ એનાં કાનમાં પોતાનાં મોબાઇલનાં ઇયર પ્લગ્સ ભરાવ્યાં હતાં અને બાઇક ચલાવતાં ચલાવતાં એને ગમતાં જુનાં ફિલ્મી ગીતો સાંભળી રહ્યો હતો. જ્યારે અક્ષય એની આદત મુજબ પાછળ બેઠાંં બેઠાં ‘સારાં ચહેરાઓ’ ને શોધી રહ્યો હતો અને જો મળી જાય તો એને ધ્યાનથી અને વળીવળીને જોઇ રહ્યો હતો ખાસ કરી ને રસ્તામાં આવતાં દરેક સિગ્નલ પર. આમ લગભગ પાંત્રીસેક માનીટ ની ડ્રાઇવ પછી બન્ને બોપલ વિસાતરમાં આવેલાં ‘નીલકંઠ પ્લાઝા’ પાસે ઊભાં રહ્યાં. શાંતનુએ બાઇક પાર્ક કરી ત્યાં સુધી અક્ષય બન્ને ની બેગ્ઝ પકડી ને ઊભો રહ્યો.

‘સાંભળ આ વખતે મારો ટાર્ગેટ પચાસ નો છે અને તારો ત્રીસ નો છે. ઉપર ઓસવાલ એન્ડ બ્રધર્સ ને મેં લગભગ બાટલીમાં ઉતારી લીધાં છે. જો એ હા પાડશે તો એમનાં ગ્રુપમાં થી જ બે-ત્રણ દિવસમાં જ આપણો ટાર્ગેટ પુરો થઇ જશે. એટલે હું બોલું ત્યારે પ્લીઝ મૂંગો રહેજે.’ શાંતનુએ અક્ષય ને સલાહ અને વિનંતી બન્ને સાથે કર્યાં અને જવાબમાં અક્ષયે એને હસતાંહસતાં આંખ મારી. બન્ને લીફ્ટમાં ઉપર ગયાં અને ‘ઓસવાલ એન્ડ બ્રધર્સ’ નામનાં એક્સપોર્ટર ની ઓફિસમાં ઘુસ્યા. રીસેપ્શન પર પ્યુન બેઠો હતો જેણે શાંતનું નું વીઝીટીંગ કાર્ડ લીધું અને ‘રવિ ઓસવાલ (એમ.ડી)’ એવું બોર્ડ મારેલી કેબીન માં ગયો.

‘પાંચ મીનીટ, સાહેબ ઇન્ટરનેશનલ ફોન કરે છે પછી બોલાવે..બેસો ને!’ પટાવાળા એ શાંતનું ને કહ્યું. જવાબમાં શાંતનું એ હકાર માં ડોકું હલાવ્યું અને મોટા સોફા પર બેસી ગયો. બાજુમાં અક્ષય પણ બેસી ગયો.

‘મોટાભાઇ, આ ઓસવાલ ને ક્યો કે થોડુક ‘વ્હાલ’ કરતાં પણ શીખે, રીસેપ્શન પર આવું મોઢું?’ અક્ષયે શાંતનુ નાં કાનમાં સળવળાટ કર્યો અને આ વખતે શાંતનું એ આંખ મારી. એને આ ઓસ‘વાલ’ અને ‘વ્હાલ’નો પ્રાસ ખુબ ગમ્યો. થોડીવાર પછી ઇન્ટરકોમ વાગ્યો અને પેલા ‘રિશેપ્સનીસ્ટે’ ઇશારા થી બન્ને ને અંદર જવાનુંં કહ્યું.

વીમો વેંચવામાં શાંતનું નો કોઇ જવાબ નહોતો. એ એનાં ક્લાયન્ટની સાથે એવી મધ જેવી ભાષામાં વાત કરતો કે એ તરત જ બાટલામાં ઉતરી જતો. અહિયા પણ રવિ ઓસવાલ પાસે બીજો કોઇ જ ઓપ્શન નહોતો સીવાય કે એ શાંતનું ની વાત માની લે. એણે પોતાનાં પરિવાર ની જ નહી પણ એનાં ચારેય ભાઇઓ નાં પરિવાર નો પણ વીમો શાંતનું પાસે થી જ લીધો અને બે દિવસ પછી પોતાનાં મિત્ર વર્તુળમાં પણ શાંતનુ ની ઓળખાણ કરાવશે એવો વાયદો પણ કર્યો.

શાંતનુ ની ગણતરી પ્રમાણે ઓસવાલ પરિવાર નો કુલ વીમો જ ૩૫ લાખ કરતાંય વધુ હતો અને આથી બાકીનો મહિનો એણે હવે ફક્ત થોડી જ મહેનત કરવાની હતી, પોતાનાં માટે નહી એનાં જીગરજાન મિત્ર અક્ષય માટે. કારણ કે એને ખબર હતી કે પોતાનાં બાકીના પાંચ સાત લાખ તો ચપટી વગાડતાં જ પુરા કરી દેશે અને હજીતો આખો મહિનો પડ્યો છે.

રવિ ઓસવાલ અને એનાં તમામ ભાઇઓ પાસે દરેક ફોર્મ પર સહી કરાવી જરૂરી ડોક્યુમેન્ટ્‌સ લઇ ઉપરાંત પહેલાં પ્રીમિયમ્સ નાં ચેક્સ લઇ ને શાંતનું અને અક્ષય ઓફિસની બહાર આવ્યાં.

‘મોટાભાઇ...’ બહાર નીકળતાં જ અક્ષયે જોર થી બુમ જ ન પાડી પણ શાંતનુને એ જોર થી ભેટી પણ પડ્યો. શાંતનું પણ ખુબ ખુશ હતો એણે પણ અક્ષય નાં આ હગ નો એટલો જ ઉમળકાથી જવાબ આપ્યો.

‘ચલ પિક્ચર જોવા જઇએ!’ શાંતનુ બોલ્યો.

‘ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, ક્યા બાત હૈ? મોટાભાઇ...નેકી ઔર પૂછ પૂછ?’ અક્ષયે ઉત્સાહભેર જવાબ આપ્યો.

‘હા પણ પહેલાં જમી લઇએ..કોઇ સારી રેસ્ટોરન્ટ દેખાય તો કે’જે.’ શાંતનુ એ અક્ષયને કીધું.

‘ઓક્કે બોસ, પણ આજનું લંચ મારાં તરફથી ઔર મુજે ના સુનને કી આદત નહી હૈ બડે ભૈય્યા.’ અક્ષય હસતાં હસતાં બોલ્યો, સામે શાંતનુએ પણ એમ જ હસી ને જવાબ આપ્યો.

આમતો એમની ઓફિસની પેન્ટ્રીમાં બધું જ જમવાનું મળતું પણ આજે ફક્ત જમવા માટે ઓફિસ જવાની જરૂર નહોતી. બોપલ થી એસ.જી. હાઇવે પહોંચતા જ એક રેસ્ટોરન્ટ દેખાઇ. બન્ને એમાં ગયાં અને ફિકસ્ડ લંચ ઓર્ડર કર્યો. કાયમની જેમ અક્ષય આજુ બાજુ જોઇ રહ્યો હતો પણ આ સમયે એને ‘લાયક’ કોઇ ચહેરો નહોતો. શાંતનુ એનાં મોબાઇલના કેલ્ક્યુલેટર માં ટાર્ગેટ કેટલો અચીવ થયો અને કેટલો બાકી છે વત્તા અક્ષય ને ઓસવાલના મિત્રો પાસે થી ઓછામાં ઓછી કેટલી પોલીસી કઢાવવી જોઇએ એની ગણતરી કરી રહ્યો હતો. ત્યાં જ એમની ફિક્સ થાળી આવી ગઇ અને બન્ને જમવા મંડ્યા. બન્ને એટલાં ભૂખ્યા હતાં કે એક બીજાં સાથે વાતો પણ નહોતાં કરી રહ્યાં અને બસ ફક્ત જમી જ રહ્યાં હતાં. જમી ને બન્ને બહાર આવ્યાં...

‘ભાઇ આજે તો પાન થઇ જાય. બાર પોલીસી અને એનાં ચેક્સ પણ આપણી બેગમાં પડ્યાં છે. પ્લસ ભારે જમ્યાં છીએ અને પાછું વળી ઓફિસે પણ નથી જવાનું. ચલો ને?’ અક્ષયે રીક્વેસ્ટ કરી.

શાંતનું કામ સીવાય લગભગ ઓછું બોલતો એટલે એણે ફક્ત સ્મિત દ્ધારા અક્ષયને હા પાડી દીધી. બન્ને રેસ્ટોરન્ટ ની બાજુમાં જ આવેલાં પાનનાં ગલ્લે ગયાં અને બે મીઠા પાન ઓર્ડર કર્યાં. આ કોમ્પ્લેક્સ ની સામે જ એક મલ્ટીપ્લેકસ હતું જેમાં ચારેક ફિલ્મો ચાલતી હતી પણ જ્યારે અમિતાભ બચ્ચન ની ફિલ્મ ચાલતી હોય ત્યારે શાંતનુ બીજી કોઇ જ ફિલ્મ ન જોવે એ અક્ષયને ખબર હતી એટલે કઇ પણ બોલ્યા વગર શાંતનુ ની ‘ઇચ્છા’ પ્રમાણે બન્ને અમિતાભ ની ચાલી રહેલી ફિલ્મ જોવાં એ મલ્ટીપ્લેક્સનાં ત્રણ નંબરના સ્ક્રીનની ટીકીટ લઇ ને ઘુસી ગયાં. અંદર ઘૂસતાં ની સાથેજ બન્ને એ પોતાનાં સેલ્ફોન્સ સાઇલેન્ટ પર રાખી દીધાં.

‘રોકિંગ હો બોસ?! બચ્ચન નું કે’વું પડે. આ ઉંમરે પણ જોરદાર હોં’ ફિલ્મ પુરી થતાં જ અક્ષય બોલ્યો. અક્ષય ને ખબર હતી કે શાંતનુને અમિતાભ બચ્ચન ખુબ ગમે છે અને એનાં વખાણ સાંભળવા તો એનાં થી પણ વધુ ગમે છે. અક્ષય અમિતાભનાં વખાણ કરતો રહ્યો કરતો અને શાંતનું ફક્ત સ્મિત આપતો રહ્યો. બન્ને મલ્ટીપ્લેક્સ નાં ભોયરાં નાં પાર્કિંગ માં આવ્યાં.

‘ચલ ઓફિસે.’ શાંતનું બોલ્યો

‘કેમ? ઓફિસે?’ અક્ષયે પૂછ્યું, થોડાં ગભરાટ વાળા અવાજમાં...

‘કેમ તારી બાઇક નથી લેવી?’ શાંતનુ એ યાદ દેવડાવ્યું.

‘અરે ના ભલે ને પડી હવે સાંજ ઓફિસ નું મોઢું કોણ જોવે?’ અક્ષયે આંખ મારી ને કીધું.

‘તો ચલ તને ઘરે ઉતારી દઉં.’ શાંતનુ એ જવાબ આપ્યો.

‘ના મોટાભાઇ, એક કામ કરો આજે વહેલાં ફ્રી થયાં છો તો તમે અંકલ સાથે ટાઇમપાસ કરો, હું રીક્ષા માં જતો રહીશ.’ અક્ષય બોલ્યો.

‘શ્યોર?’ શાંતનુ એ પાકું કર્યું.

‘હા ભાઇ શ્યોર. તમતમારે ઉપડો, અંકલ પણ ખુશ થશે.’ અક્ષયે સ્મિત આપ્યું.

‘થેંકસ’ કહી ને શાંતનુ એ કીક મારી અને ઘર તરફ બાઇક હંકારી મુકી. અક્ષયે રીક્ષા શોધવાનું શરુ કર્યું.

શાંતનું ને ઘેરે વહેલાં આવેલો જોઇને જ્વલંતભાઇ આશ્ચર્ય તો પામ્યાં પણ શાંતનુએ જ્યારે એનાં અચીવમેન્ટ ની વાત કરી ત્યારે ખુબ ખુશ થયાં.

‘યાદ છે તમને શાંતનું કે જ્યારે થાય છે આવું એચિવમેન્ટ ત્યારે કરીએ છીએ આપણે એન્જોયમેન્ટ’ જ્વલંતભાઇ ખુશ થઇ ને બોલ્યાં.

‘હા નથી ભૂલ્યો પપ્પા હું એ એગ્રીમેન્ટ’ આ વખતે શાંતનુએ બરોબર પ્રાસ મેળવ્યો. બન્ને પિતા-પુત્ર ખુબ હસ્યાં અને સાંજે ઘરની નજીક જ આવેલાં આઉટલેટ માં થી પિત્ઝા ઓર્ડર કરવાનું નક્કી કર્યું.

પ્રકરણ ૧ સમાપ્ત