Pin code - 101 - 67 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 67

પિન કોડ - 101

પ્રકરણ-67

આશુ પટેલ

તમારે તમારા માતાપિતા સાથે વાત કરવી હતી ને? ચાલો તમારી વાત કરાવી દઉં છું. માત્ર તેમની સાથે જ નહીં, તમારા સહાયકો સાથે પણ તમારી વાત કરાવી દઉં છું.’ આઇએસનો ચીફ કમાન્ડર ઇશ્તિયાક હુસેન મોહિની મેનનને કહી રહ્યો હતો.
મોહિનીના માન્યામાં ના આવ્યું કે કેટલાય દિવસોથી પોતાના માતાપિતા સાથે વાત કરાવવાની આજીજી અવગણતો રહેલો આ માણસ અચાનક સામે ચાલીને તેને કહી રહ્યો હતો કે તમારા માતા-પિતા સાથે વાત કરાવી દઉં! તેને થયું કે આ માણસનું હૃદયપરિવર્તન થઇ ગયું છે કે શું?
જોકે તે હજી કશી પ્રતિક્રિયા વ્યક્ત કરે એ પહેલા ઇશ્તિયાકે આગળ કહ્યું, એ લોકો સાથે તમારી વાત કરાવવી જરૂરી છે. તેમના જીવનની સલામતી તમારા હાથમાં છે. તમારા માતા-પિતાએ તમારા સહાયકોને એવું કહ્યું છે કે તમે મુંબઇમાં છો અને હવે તેઓ પોલીસને કહે છે કે તમે અમેરિકા ગયા છો. શું છે કે પોલીસ તમારા ઘર સુધી પહોંચશે તો પછી નાછૂટકે અમારા માણસોએ તમારા માતાપિતાને મારી નાખવા પડશે.અને તમારા સહાયકો પણ તમારી ચિંતા કરતા કરતા કોઇ ઉધામા કરવાની કોશિશ કરશે તો તેમના મોઢા પણ અમારા માણસોએ ચૂપ કરવા પડશે!’ મોહિની ડઘાઇને તેની સામે જોતી રહી. માતાપિતા સાથે વાત કરવા મળશે એ સાંભળીને તેના મનમા જાગેલી આનંદની લાગણી ગાયબ થઇ ગઇ અને તેના માતા-પિતાની અને તેના સહાયકો જયા વાસુદેવન અને બાલક્રિશ્ર્ન પિલ્લાઇની ચિંતાએ તેના મન પર કબ્જો જમાવી દીધો.
ઇશ્તિયાક આગળ બોલી રહ્યો હતો, ‘તમારે તમારા માતાપિતાને એવો સંદેશો આપવાનો છે કે તમે મને જીવતી જોવા માગતા હો તો આ લોકો કહે એમ કરો. તમે કોઇ પણ ચાલાકી કરવા જશો તો આ લોકો મારી સાથે તમને પણ મારી નાખશે.પણ આ વાત હું કહું એ શબ્દોમાં તેમને કહેવાની છે.’
ઇશ્તિયાકે મોહિનીને એક કાચના ટેબલ પર પડેલા આઇ પેડ સામે બેસવાનો ઇશારો ર્ક્યો. તેણે આઇ પેડની મદદથી વીડિયો કોલ ર્ક્યો. થોડી સેક્ધડમાં આઇ પેડના સ્ક્રીન પર મોહિનીના માતાપિતા દેખાયા. મોહિનીને જોઇને તેઓ પોતાની લાગણીઓ પરનો કાબૂ ના રાખી શક્યા. તેમની આંખોમાં આંસુ ધસી આવ્યા. તેમણે મોહિની પર પ્રશ્ર્નોની ઝડી વરસાવી દીધી.
મોહિનીની માતા તેને પૂછવા લાગી: ‘તું સલામત છે ને બેટા? અમને તારી બહુ જ ચિંતા થાય છે. તું આટલા દિવસોથી ક્યાં છે?’
મોહિનીના પિતાએ પણ એકસાથે અનેક સવાલો કરી નાખ્યા, ‘તું કોઇ તકલીફમાં તો નથી ને? તે અત્યાર સુધી અમારો સંપર્ક કેમ ના ર્ક્યો?’
મોહિનીની આંખોમાં પણ આંસુ ધસી આવ્યા. પોતાના માતાપિતાના ચિંતાતુર અને ઉતરી ગયેલા ચહેરાઓ જોઇને તેનું હૃદય વલોવાઇ ગયું. તે તેમની સાથે ઘણી બધી વાતો કરવા ઇચ્છતી હતી, પણ અત્યારે તે એટલું જ બોલી શકે એમ હતી કે જેટલું ઇશ્તિયાક ઇચ્છતો હતો. મોહિની અને તેના માતાપિતા વચ્ચે માંડ એક મિનિટ વાત થઇ શકી. પણ એ વીડિયો કોલ પૂરો થયો ત્યારે એકબીજા સાથે વાત કરવાનો આનન્દ માણવાને બદલે એ બધાની મન:સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ હતી!
* * *
મોહિની મેનનના સહાયકો જયા વાસુદેવન અને બાલક્રિશ્ર્ન પિલ્લાઇ પ્રયોગશાળામાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહ્યા હતા એ વખતે જયાના મોબાઇલ ફોન પર અજાણ્યા નંબરથી કોલ આવ્યો. જયાએ કશું વિચાર્યા વિના જ કોલ રિસિવ કરી લીધો. પણ સામેથી હલ્લો કહેવાયું એ સાથે તે ઉછળી પડી, મોહિની મેડમ!’ તે બોલી. એ સાથે બાલાક્રિશ્ર્નની આંખોમાં પણ ચમક આવી ગઈ.
‘મેડમ, તમે ક્યાં છો. અમને તમારી બહુ ચિંતા થઇ રહી હતી. અમે પોલીસ પાસે પણ જઇ આવ્યા...’ જયા અટક્યા વિના બોલવા લાગી.
બાલક્રિશ્ર્નએ તેને ઇશારો ર્ક્યો કે ફોન સ્પીકર મોડ પર મૂક. એ જ વખતે સામેથી મોહિનીએ જયાને કહ્યું કે મને બોલવા તો દે! જયાએ મોબાઇલ ફોન સ્પીકર મોડ પર મૂક્યો અને તે બાલક્રિશ્ર્નની સાથે આતૂરતાથી મોહિની મેડમ શું કહે છે એ સાંભળવા માંડી.
મોહિનીએ કહ્યું, ‘મારે અચાનક મુંબઇથી અમેરિકા આવવું પડ્યું છે. અહીં મારે એક બહુ અગત્યનું કામ આવી ગયું છે એટલે હું થોડા દિવસ અહી રોકાઇશ. એ દરમિયાન કંઇ કામ હોય તો મને ઇમેઈલ કરજે.’
‘પણ, મેડમ તમે અચાનક’ જયા બોલવા ગઇ.
‘અત્યારે હું બહુ ઉતાવળમાં છું. આ તો તને અને બાલાને ચિંતા ના થાય એટલે મેં કોલ કરી લીધો. મેં મારા માતા-પિતાને પણ જાણ કરી દીધી છે કે હું અમેરિકા આવી છું.’
‘મેડમ...’ જયા બોલવા ગઇ પણ મોહિનીએ કહ્યું, બાય. હું બે-ત્રણ દિવસ પછી ફરી કોલ કરીશ.’
જયા વાત કરવા ઈચ્છતી હતી, પણ મોહિનીએ કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો.
જયા અને બાલક્રિશ્ર્ન એકબીજા સામે જોઇ રહ્યા. મોહિની મેડમનો કોલ આવ્યો એટલે તેમની ચિંતા ઓછી થઇ હતી, પણ હવે તેમને નવી ચિંતા એ શરૂ થઇ હતી કે મોહિની મેડમ આ રીતે અચાનક મુંબઇથી પૂણે પહોંચી જાય અને ત્યાંથી દિલ્હી થઇને અમેરિકા જવા રવાના થઇ જાય એ બહુ નવાઇજનક હતું. તેમની પ્રકૃતિ એવી હતી કે તેઓ નાનામાં નાની વસ્તુઓનું પણ ચીવટપૂર્વક આયોજન કરતા હતા. તેઓ ચેન્નાઇની બહાર જવાના હોય તો પણ એકદમ ચોક્કસાઇપૂર્વક પ્રવાસનું આયોજન કરતા હતા.અને તેઓ ક્યારે કઇ જગ્યાએ હશે એ વિષે ઝીણવટભરી માહિતી જયાને અને બાલાક્રિશ્ર્નને આપી રાખતા હતા. તેને બદલે તેઓ એક દિવસ માટે મુંબઇ જવા નીકળ્યા પછી આટલા બધા દિવસ મુંબઇ રહે અને ત્યાંથી અચાનક અમેરિકા જવા રવાના થઇ જાય એ સહેલાઇથી ગળે ઉતરે એવી વાત નહોતી. જયાએ બાલક્રિશ્ર્ન સામે પ્રશ્ર્નાર્થ નજરે જોયું. બાલક્રિશ્ર્નના ચહેરા પર પણ સ્પષ્ટ વંચાતું હતું કે તેને પણ મોહિની મેડમે જે કહ્યું હતું એથી બહુ આશ્ર્ચર્ય થયું હતું.
* * *
‘સર, મોહિની મેડમનો કોલ આવ્યો હતો.’ જયા ડોક્ટર રાધાક્રિશ્ર્નનનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કે. વેંકટરમનને કહી રહી હતી. તે અને બાલક્રિશ્ર્ન પિલ્લાઇ ફરી વાર વેંકટરમનને મળવા પહોંચી ગયા હતા.
‘ગુડ.’ વેંકટરમને કહ્યું, તમારો સંપર્ક તેમની સાથે થઇ ગયો એટલે હવે ચિંતાનું કોઇ કારણ નથી.’
‘ના સર, તેમણે જે કહ્યું એથી અમને ચિંતા થાય છે. તેમણે કહ્યું કે તેમને અચાનક અમેરિકા જવાનું થયું છે એટલે તેઓ વધુ થોડા દિવસ પછી આવશે.’
‘તો એમાં પ્રોબ્લમ શું છે?’
‘સર, મેડમ આવી રીતે અચાનક ટૂંકા પ્રવાસે પણ જતા નથી અને તેમણે છેક અમેરિકા જવાનો કાર્યક્રમ એકાએક ઘડી કાઢ્યો! તેમણે કહ્યું કે મારે અગત્યનું કામ આવી પડ્યું છે એટલે મારે અચાનક અમેરિકા આવવું પડ્યું છે.
* * *
‘શક્ય છે કે બહુ જરૂરી કામ આવી પડ્યું હોય એટલે અપવાદરૂપ કિસ્સામાં તેમણે આ રીતે નીકળી જવું પડ્યું હોય.’ સિનિયર ઇન્સ્પેક્ટર વેંકટરમને કહ્યું.
‘અમને શંકા છે કે મેડમ કોઇ મુશ્કેલીમાં છે.’ બાલક્રિશ્ર્નએ કહ્યું.
‘મને પણ તમારી શંકા સાચી લાગી હતી જ્યારે તમે કહ્યું કે મોહિની મેડમે તમને એવું કહ્યું છે કે તે મુંબઇ રોકાઇ ગયા છે અને તેમના માતાપિતાએ કહ્યું કે તેઓ થોડા દિવસ માટે અમેરિકા ગયા છે.’ પણ હવે તેમણે ખુદ કોલ કરીને કહ્યું છે કે હું અમેરિકા આવી છું તો પછી શંકા કરવાનું કોઇ કારણ નથી. અને તમારી ચિંતા એ હતી ને કે તમે તેમનો સંપર્ક કરી શકતા નથી. તો તેમનો સામેથી કોલ આવી ગયો એટલે હવે શું પ્રોબ્લમ છે?’ વેંકટરામને તેમને સમજાવવાની કોશિશ કરતા કહ્યું.
એ જ વખતે વેંકટરમનની કેબિનમાં ગોઠવાયેલા ટીવીમાં ન્યૂઝ ફ્લેશ થયા: મુંબઇમાં અનેક જગ્યાએ આતંકવાદી હુમલાઓ થયા છે અને એ હુમલાઓમાં ફ્લાઇંગ કારનો ઉપયોગ થયો છે...’
એ જોઇને મોહિની મેનનના સહાયકો જયા વાસુદેવન અને બાલક્રિશ્ર્ન પિલ્લાઇ ખુરશી પરથી ઊભા થઇ ગયા!

(ક્રમશ:)