Pin code - 101 - 69 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 69

પિન કોડ - 101

પ્રકરણ-69

આશુ પટેલ

સાહિલ પલંગ પર પડ્યા પડ્યા પેલા બે બદમાશોની વાત સાંભળતા સાંભળતા વિચારી રહ્યો હતો કે પોતે આ સ્થિતિમાં શું કરવું જોઇએ. જોકે એના કરતાં પણ વધુ મહત્ત્વનો સવાલ એ હતો કે પોતે શું કરી શકે એમ હતો? આટલા ખતરનાક ડોનના અડ્ડામાંથી બહાર નીકળવું એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. સાહિલે વિચાર્યું કે આમ પણ આ માણસો તેને અને નતાશાને મારી જ નાખવાના હોય તો પછી બચવા માટે મરણિયા બનીને કોશિશ કરવી જોઇએ. તેની કોશિશ નિષ્ફળ થાય તો વધીને આ માણસો શું કરશે? તેને મારી નાખશે. એ તો આ માણસોએ આમ પણ નક્કી કરી જ લીધું હતું! અને કદાચ એ કોશિશમાં પોતે મરી જાય અને નતાશા બચી જાય તો પણ પોતાનું મોત લેખે લાગે એમ હતું.
સાહિલને પોતાના કરતાં નતાશાની વધુ ચિંતા થઈ રહી હતી. કોઈ વ્યક્તિ પ્રેમમાં પડે ત્યારે તેને પોતાના કરતાં પણ પોતાના પ્રિયપાત્રની વધુ પરવા હોય છે. તેણે વિચાર્યું કે એક વાર આ રૂમમાંથી બહાર નીકળવું જરૂરી હતું. અને એ તક અત્યારે જ તેની પાસે હતી. આ બંને બદમાશ એક વાર રૂમમાંથી નીકળી જાય. અને પછી કદાચ તેઓ તેને મારી નાખવાના હોય ત્યારે જ ફરી દરવાજો ખોલે તો તેની પાસે કોઇ તક ના રહે. અને એ વખતે કદાચ બેને બદલે વધુ ગુંડાઓ પણ હોઇ શકે. એક વાર એ રૂમનો દરવાજો બંધ થયા પછી એ મજબૂત દરવાજો તોડવાનું પણ મુશ્કેલ હતું. અને કદાચ તે દરવાજો તોડવાની કોશિશ કરે એ વખતે ભયંકર અવાજ થાય એટલે અનેક ગુંડાઓ ધસી આવે અને તે કંઇ જ ના કરી શકે. કદાચ તે દરવાજો તોડવામાં સફળ થાય એ પહેલા જ આ માણસો બહારથી દરવાજો ખોલીને તેના પર તૂટી પડે. આ માણસોએ તેને બાંધીને નહોતો રાખ્યો એટલે તેમને એ તો ખાતરી હશે જ કે આ માણસ અહીંથી કોઇ કાળે ભાગી નહીં શકે.
સાહિલને વિચાર આવ્યો કે આ લોકોએ નતાશાને ક્યાં રાખી હશે. જોકે તેણે તરત જ એ વિચાર બાજુએ રાખી ફરી એ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે આ ક્ષણે તે શું કરી શકે. સાહિલને એ નહોતું સમજાઇ રહ્યું કે તે કેટલા સમયથી આ રૂમમાં પુરાયેલો હશે. તેને એ પણ નવાઇ લાગી રહી હતી કે તેના પલંગની બાજુમાં એક સ્ટેન્ડ પર બાટલો લટકી રહ્યો હતો અને તેના કાંડામાં સીરિંજ ભરાવેલી હતી. જોકે અત્યારે એ બાટલાની નળી એ સીરિંજ સાથે લગાવેલી નહોતી.
સાહિલ વિચારી રહ્યો હતો કે નતાશાને આ બદમાશોએ ક્યાં રાખી હશે અને તેને લઈને અહીંથી કઈ રીતે બહાર નીકળવું, ત્યારે તેને કલ્પના નહોતી કે નતાશા તેનાથી માત્ર દસેક ફૂટ દૂર હતી. સાહિલ દીવાલની આરપાર જોઈ શકતો હોત તો તે જોઈ શકત કે તે જે રૂમમાં હતો તેની બાજુના જ રૂમમાં નતાશા બેઠી હતી!
* * *
નતાશાએ રૂમમાં આવેલી વ્યક્તિઓમાંથી એકને જોઈ એ સાથે તેને થયું કે પોતે સપનું તો નથી જોઈ રહીને? તે વ્યક્તિ આબેહૂબ નતાશા જેવી હતી! તેની હેર સ્ટાઈલ અને તેના હોઠ પરના તલ તથા આઈબ્રો જોઈને નતાશાને સમજાયું કે પોતાને તેની જેમ જ તૈયાર કરાઈ હતી! પણ આ લોકોએ આવું શા માટે કર્યું હતું એ વિચારે તેના મનમાં નવી મૂંઝવણ ઊભી કરી દીધી.
અત્યાર સુધી નતાશાની હાલત એવી હતી જાણે કોઈ વ્યક્તિને જબરદસ્તીથી પાણીમાં ડુબાડાઈ રહી હોય અને તેને પોતાનો શ્ર્વાસ અટકવાને કારણે ગૂંગળામણ થઈ રહી હોય. પણ પોતાની સામે પોતાની હમશકલ જોઈને તેની હાલત એવી થઈ ગઈ હતી જાણે પાણીમાં ડૂબી રહેલી વ્યક્તિ શ્ર્વાસ લેવાની મથામણ કરે એ સાથે તેના નાકમાં પાણી ઘૂસી ગયું હોય! નતાશાને થયું કે તે ચીસો પાડીને એ અજાણી વ્યક્તિઓને પૂછે કે આ બધું શું છે અને મને શા માટે અહી ઊંચકી લાવ્યા છો? પણ ભય અને મૂંઝવણને કારણે જાણે તેની વાચા હણાઈ ગઈ હતી અને તેના મનમાં રહી રહીને ઘણની જેમ એક જ સવાલ ઝીંકાઈ રહ્યો હતો, ’આખરે આ લોકો તેની સાથે શું કરવા માગતા હતા અને આ છોકરી કોણ હતી?’ એ સવાલનો જવાબ મળે એ પહેલાં પેલી યુવતીની સાથે આવેલા યુવાને નતાશા અને તે યુવતીને બાજુમાં ઊભી રાખીને તે બંનેને પગથી માથા સુધી સરખાવી જોઈ. નતાશા અને તેની હમશકલ યુવતીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યા પછી તેણે તેના એક સાથીદાર તરફ ફરીને કહ્યું: મેડમ કો લે જાઓ.’
એક યુવાન નતાશાની હમશકલ યુવતીને રૂમની બહાર લઈ ગયો એ પછી તે યુવાને ચહેરા પર સંતોષજનક ભાવ સાથે બાજુમાં ઊભેલા યુવાન તરફ જોઈને કહ્યું: ‘બિલકુલ પરફેક્ટ લૂક છે, ઇમ્તિયાઝ. કાલને બદલે આજે જ ઓપરેશન પાર પાડી દેવાનું છે. આ છોકરીની લાશ મળી આવશે એટલે બધા એવું જ માની લેશે કે વૈજ્ઞાનિક મોહિની મેનને આત્મહત્યા કરી લીધી છે!’
તે યુવાનના શબ્દો સાંભળીને નતાશા થીજી ગઈ!
તે યુવાન અને તેના સાથીદારો પણ રૂમમાંથી બહાર નીકળ્યા અને બહારથી દરવાજો બંધ કરતા ગયા.
નતાશા થોડી વાર પૂતળાની જેમ બેસી રહી. નતાશા મજબૂત મનોબળ ધરાવતી હતી પણ પેલા યુવાનના શબ્દો સાંભળીને તે વિચલિત થઈ ગઈ. પોતાની જિંદગીનો અકાળે અંત આવવાનો છે એ ખબર પડે ત્યારે ગમે એવા બહાદુર માણસોના મગજ પણ બહેર મારી જતા હોય છે. ક્યાંય સુધી મૂઢની જેમ બેસી રહ્યા પછી તેના મનમાં વિચારો શરૂ થયા. તેને બે વાત સમજાઈ કે તેની હમશકલ યુવતી કોઈ વૈજ્ઞાનિક હતી અને તેનું નામ મોહિની મેનન હતું! પોતાની ઠંડે કલેજે હત્યા કરીને એને આ બદમાશો આત્મહત્યામાં ખપાવી દેવા માગતા હતા અને વૈજ્ઞાનિક મોહિની મેનને આત્મહત્યા કરી લીધી છે એવું તેઓ જાહેર કરવા માગતા હતા. પણ શા માટે? એ સવાલનો જવાબ મળે એ પહેલાં તો તે મરી જવાની હતી.
નતાશાને થયું કે કોઈ માણસને ફાંસીની સજા થાય ત્યારે તેની મનોસ્થિતિ કેવી હશે એ વિશે કોઈ પૂછે તો પોતે કહી શકે. પણ જેમ એ મનોસ્થિતિ વ્યક્ત કરવાનો મોકો ફાંસી ચઢનારા ગુનેગારને ન મળે એમ નતાશાને પણ એવો મોકો મળવાનો નહોતો. અને જેને ફાંસીની સજા થઈ હોય એવા ગુનેહગારને તો પોતે કરેલ અપરાધની સજા ભોગવવાની હોય છે. અહીં તો વગર વાંકે પોતાને મૃત્યુની સજા મળી રહી હતી. અને એનું કારણ એટલું જ હતું કે તે પેલી વૈજ્ઞાનિક યુવતીની હમશકલ હતી. નતાશાને યાદ આવી ગયું કે તેણે ક્યાંક વાંચ્યું હતું કે જગતમાં એકસરખી દેખાતી સાત વ્યક્તિઓ હોય છે. અને એ વ્યક્તિઓમાં જોડિયા ભાઈઓ કે બહેનો સિવાય કોઈ જીવનમાં ભાગ્યે જ પોતાના હમશકલને મળી શકતું હોય છે. નતાશા પોતાની હમશકલ યુવતીને મળી હતી, પણ જીવન દરમિયાન નહીં પણ જીવનના અંત વખતે!
નતાશાને અચાનક યાદ આવી ગયું કે તેણે કોઈ માણસોના મોઢે મોહિની મેનન નામ સાંભળ્યું હતું. અને એ વિશે સાહિલને કહ્યું પણ હતું કે કોઈ બે જણા મોહિની મેનન વિશે વાતો કરી રહ્યા હતા. તેણે સાહિલને મજાકમાં કહ્યું હતું કે એ માણસો કદાચ કોઈ મોહિની નામની યુવતીનું અપહરણ કરવા માગતા હશે!
સાહિલ યાદ આવ્યો એટલે નતાશાનું હૈયું ભરાઈ આવ્યું. સાહિલે ‘આઈ લવ યુ’ કહ્યું ત્યારે પોતાના તન-મનમાંથી અવર્ણનીય ઝણઝણાટી પસાર થઈ ગઈ હતી. સાહિલ સાથે વર્ષોનો સંબંધ હતો પણ એ સંબંધ દોસ્તીનો નહીં પ્રેમનો છે એ અહેસાસ તે બંનેને થયો એ વખતે જ કુદરતે તે બંનેને વિખૂટાં પાડવાનું નક્કી કરી લીધું હતું!
(ક્રમશ:)