Pin code - 101 - 73 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 73

પિન કોડ - 101

પ્રકરણ-73

આશુ પટેલ

પેલા બે બદમાશોમાંથી એક બદમાશે કહ્યું, ‘અત્યાર સુધીમાં તો આ કાફર હોશમાં આવી જવો જોઇતો હતો. તેને જે ડોઝ આપ્યો હતો તેની અસર ઊતરી જવી જોઇતી હતી.’
બીજાએ કહ્યું, ‘થોડી વાર પછી ફરી વાર આવીને જોઇશું.’
સાહિલને સમજાયું કે તે બંને રૂમમાંથી બહાર નીકળવાની તૈયારીમાં હતા. બસ આ એક જ તક તેની પાસે હતી. તે બંને દરવાજા તરફ વળ્યા. સાહિલે સહેજ આંખ ખોલીને જોયું. તે બંનેની પીઠ તેના તરફ હતી. તે બંને એક વાર દરવાજાની બહાર જાય તો પોતાની અને નતાશાના અહીંથી બચીને નીકળવાના તમામ વિકલ્પ ખતમ થઇ જવાના હતા. બિલાડીનો જીવ જોખમમાં મુકાય ત્યારે તે છેવટ સુધી જીવ બચાવીને ભાગી છૂટવાની કોશિશ કરે પણ તેની પાછળ દીવાલ આવી જાય અને ભાગી છૂટવાના તમામ રસ્તાઓ બંધ થઈ જાય ત્યારે તે જીવ બચાવવાના છેલ્લા પ્રયાસ તરીકે આક્રમણ કરે એવી જ સ્થિતિ અત્યારે સાહિલની હતી. તેની પાસે બીજો કોઇ વિકલ્પ જ નહોતો.
સાહિલ અકલ્પ્ય વેગે ઊભો થયો. તેણે ચિત્તાની ઝડપે પલંગની બાજુમાં પડેલું સ્ટેન્ડ ઊંચક્યું અને બેમાંથી મજબૂત બાંધાના અને પેલા છ ફૂટ જેટલા ઊંચા બદમાશના માથામાં પૂરી તાકાતથી ફટકાર્યું. તે બંને બદમાશો એમ જ માનતા હતા કે સાહિલ બેહોશ પડ્યો છે. એટલે તેમણે એવી કલ્પના પણ નહોતી કરી કે તે તેમના પર હુમલો કરશે. સાહિલે જેના માથામાં સ્ટેન્ડ ફટકાર્યું હતું એ બદમાશ ફર્સ પર પડ્યો. વળતી ક્ષણે સાહિલ બીજા બદમાશ પર ત્રાટક્યો. પોતાના સાથીદાર પર હુમલો થયો એટલે ચોંકી ગયેલો બીજો ગુંડો સાહિલ તરફ વળ્યો, પણ તે કંઇ પ્રતિક્રિયા આપે એ પહેલા તો સાહિલ લપક્યો અને તેણે પોતાનો મજબૂત હાથ તે બદમાશના ગળે વીંટાળી દીધો અને બીજા હાથથી તેનો જમણો હાથ પકડીને ભયંકર ઝનૂનથી મરડ્યો. તે બદમાશના મોમાંથી વેદનાને કારણે ઉંહકાર નીકળી ગયો. સાહિલના સદનસીબે એ વખતે કોઈ એ રૂમ પાસે નહોતું.
પેલા બદમાશે સાહિલની પકડમાંથી છૂટવા માટે કોશિશ કરી, પણ તે સાહિલના બંને હાથની નાગચૂડ જેવી પકડમાં હતો. સાહિલનું કસાયેલું શરીર અને તેની ઊંચાઇ તેના માટે હથિયાર સમા બની રહ્યા. સામે પેલા બદમાશના શરીરનો બાંધો પાતળો હતો અને તેની ઊંચાઈ સાહિલથી ખાસ્સી ઓછી હતી. તેને એ જ રીતે જકડીને સાહિલ દરવાજા તરફ આગળ વધ્યો. તેણે દરવાજો પોતાના જમણા પગથી બંધ ર્ક્યો. એ પછી તેણે તે બદમાશને જમીન પર પટકી દીધો અને તેની છાતી પર ચડી બેઠો. તેણે તેના ગળા પર ભીંસ આપવા માંડી. તે બદમાશે હવાતિયાં માર્યા, પણ સાહિલ મરણિયો બન્યો હતો. તે ગુંડો સહેજ પણ બૂમ પાડે તો સાહિલનું આવી બને એમ હતું. એટલે સાહિલે એક હાથે તેનું મોં દબાવ્યું અને બીજા હાથ વડે પૂરી તાકાતથી તેનું ગળું દબાવ્યું. તે ગુંડાએ થોડી વાર હવાતિયાં માર્યા પણ તેનો શ્ર્વાસ રૂંધાઇ રહ્યો હતો અને તેના બંને હાથ પર સાહિલે પોતાના ઘૂંટણ દબાવેલા હતા એટલે તે પગથી ઉપરના ભાગમાં સહેજ પણ હલનચલન કરી શકે એમ નહોતો. તે ફરસ પર પગ પછાડી રહ્યો હતો. થોડી ક્ષણોમાં તે બદમાશના પગ શાંત પડી ગયા અને તેનો શ્ર્વાસ બંધ થઈ ગયો. તેના ડોળા ફાટેલા જ રહી ગયા.
તે બદમાશ મરી ગયો છે એવી ખાતરી થયા પછી સાહિલ પેલા બેભાન થઇને પડેલા ગુંડા પાસે ગયો. તેણે તેનું ગળું દબાવીને તેને પણ મારી નાખ્યો. આ દરમિયાન સાહિલનો શ્ર્વાસ ઝડપથી ચાલી રહ્યો હતો. તે અત્યંત ઉત્તેજના અને તેના મનમાં ઊભરાયેલા ઝનૂનના કારણે તેના હ્રદયના ધબકારા અત્યંત તેજ થઈ ગયા હતા.
સાહિલે ફરી એક વાર ખાતરી કરી લીધી કે તે બંને ગુંડાઓના શ્ર્વાસ બંધ થઇ ગયા હતા. એ રૂમમાંથી બહાર નીકળતા પહેલા સાહિલ થોડી વાર માટે શાંતિથી પલંગ પર બેઠો. તેને થોડી અશક્તિની લાગણી પણ થઇ રહી હતી. હવે સાહિલને સમજાયું કે તેના કાંડામાં કેમ સિરિંજ લગાવેલી હતી અને પલંગની બાજુમાં પેલો બાટલો શા માટે લટકી રહ્યો હતો. તેણે અંદાજ લગાવ્યો કે તે અહીં આવ્યો એ વખતે તેના માથામાં કોઇએ ફટકો માર્યો એ પછી તેને ઘણા સમય સુધી બેહોશ રખાયો હોવો જોઇએ અને એટલે જ તેને ગ્લુકોઝ અપાયું હશે. અને શક્ય છે કે એ ગ્લુકોઝની સાથે તેને બોહોશીમાં રાખવા માટે કોઇ દવા પણ અપાઇ રહી હોય.
થોડી વાર ઊંડા શ્ર્વાસ લીધા પછી સાહિલે પેલા બે બદમાશોના શરીરની જડતી લીધી. તેમની પાસેથી તેને બે પિસ્તોલ અને બે મોબાઈલ ફોન મળી આવ્યા. તે બન્નેના ખિસ્સામાંથી થોડા રૂપિયા પણ તેને મળ્યા. અંદાજે દસેક હજાર રૂપિયા હતા. સાહિલે એ રૂપિયા પેન્ટના એક ખિસ્સામાં અને તે બન્ને બદમાશના મોબાઈલ ફોન બીજા ખિસ્સામા નાખ્યા. તેમની પાસેથી મળેલી બે પિસ્તોલમાંથી એક પિસ્તોલ તેણે પેન્ટ અને કમર વચ્ચે ભરાવી અને બીજી પિસ્તોલ હાથમાં લઈ લીધી.
સાહિલે તે બંને યુવાનમાંથી અંદાજે તેના જેટલી જ ઊંચાઈ ધરાવતા યુવાનના કપડાં કાઢીને પહેરી લીધા. એવું કરવાથી કોઇ લાંબો ફાયદો થવાનો નહોતો. તે ચહેરાથી ઓળખાઇ જ જવાનો હતો, પણ તે યુવાનના કપડાં પહેરીને ઈકબાલ કાણિયાના ગુંડા જેવા દેખાવ થકી કોઇને થોડી ક્ષણો માટે પણ થાપ ખવડાવી શકાય તોય ઘણું હતું. સાહિલે વિચાર્યું નહોતું કે તે આગળ શું કરશે. તેના મનમાં એક જ વિચાર રમતો હતો કે તેની પાસે બચવાની અને નતાશાને બચાવવાની આ એક જ તક છે અને અત્યારે તે મરણિયો બન્યો હતો. તે લોજિક પ્રમાણે વિચારવા જાય તો અહીંથી બચીને નીકળવાનું અશક્ય જ હતું, પણ ક્યારેક લોજિકને કોરાણે મૂકીને અસંભવ જણાતું કામ કરવા ઝંપલાવી દેનારા માણસો જ અશક્ય લાગતી વાતને શક્ય બનાવી દેતા હોય છે. કોઇ માણસ નદી કિનારે ઊભો રહીને ધસમસતા પૂરને જોઇને વિચારે કે પાણીના આ ધસમસતા પ્રવાહમાં પડીશ તો મોત સિવાય કશું જ નહીં મળે તો તે ચોક્કસ જ તણાઇને મરી જાય. પણ એ સ્થિતિમાં એકવાર આંખ મીંચીને પૂરમાં ઝંપલાવી દેનારો તરવૈયો હામ ના હારે તો થોડે સુધી તણાઈને પણ સામે કાંઠે પહોંચી જવામાં સફળ થતો હોય છે.
સાહિલે આજ સુધી ફિલ્મોમાં જોયું હતું કે પુસ્તકોમાં વાંચ્યું હતું કે હીરો સુપરમેનની જેમ વિલનના અડ્ડામાંથી બચીને બહાર નીકળી જાય. જેમ્સ બોન્ડ જેવો હીરો ખતરનાક વિલનની ચુંગાલમાંથી જે રીતે બચી નીકળે કે વિલનની પિસ્તોલ છીનવી એનો તેના પર જ ઉપયોગ કરે એ જોઈને સાહિલને હસવું આવી જતું કે પ્રેક્ષકોને ખરા ઉલ્લુ બનાવે છે આ ફિલ્મમેકર્સ! પણ અત્યારે તે પોતે જ એવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો! તેણે જે રીતે ઝનૂનપૂર્વક બે ગુંડાઓને મારી નાખ્યા હતા એ રીતે વિચારવાનું પણ તે આ સ્થિતિમાં ફસાયો એ પહેલા તેના માટે અકલ્પ્ય હતું. તેને પોતાને નવાઈ લાગી રહી હતી કે તે કઈ રીતે આ કરી શક્યો. સાહિલે જિંદગીમાં માખી પણ નહોતી મારી અને અત્યારે તે બે બદમાશોના ખૂન કરી બેઠો હતો!
સાહિલને એક ક્ષણ માટે ગભરાટ થઈ આવ્યો કે આ બે ખૂન માટે તેની સામે કેસ ચાલી શકે અને તેને ફાંસીની સજા પણ થઈ શકે! બીજી જ પળે તેને વિચાર આવ્યો કે પોતે તો સ્વબચાવમાં આ બે બદમાશોને મારી નાખ્યા છે એવી દલીલ કરી શકે. પછી તેને એવી તનાવભરી સ્થિતિમાં પણ મનોમન પોતાની જાત પર હસવું આવી ગયું કે પોતે અહીંથી જીવતો નીકળે તો તેની સામે કેસ ચાલે ને! પોતે હજી અંડરવર્લ્ડ ડોન ઈકબાલ કાણિયાના અડ્ડામાં ફસાયેલો હતો અને શેખચલ્લીની જેમ એવા વિચારો કરી રહ્યો હતો કે આ બે ગુંડાના ખૂન માટે તેને કોર્ટના કઠેડામાં ઊભો કરી દેવાશે!
એ વખતે સાહિલને કલ્પના પણ નહોતી કે એ રૂમમાંથી બહાર નીકળ્યા પછી તેણે કેવી ખતરનાક સ્થિતિનો સામનો કરવાનો હતો!
(ક્રમશ:)