Satya na Prayogo Part-3 - Chapter - 9 books and stories free download online pdf in Gujarati

સત્યના પ્રયોગો - ભાગ-3 - 9

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૯. સાદાઈ

ભોગો ભોગવવાનો આરંભ તો કર્યો, પણ તે ટકી ન શક્યો. રાચરચીલું વસાવતાં તો મને તે ઉપર મોહ ન જ ઊપજી શક્યો. એટલે ઘર વસાવ્યું તેવો જ મેં ખરચ ઓછું કરવાનો આરંભ કર્યો. ધોબીનું ખરચ પણ વધારે લાગ્યું. અને વળી ધોબી નિયમિતપણે કપડાં ન આપે તેથી બેત્રણ ડઝન ખમીસથી ને તેટલા કૉલરથી પણ મારું ન નભે. કૉલર રોજ બદલવા, ખમીસ રોજ નહીં તો એકાંરતે બદલવાં. એટલે બે તરફથી ખરચ થાય. આ મને નકામું જણાયું એટલે ધોવાનો સરંજામ વસાવ્યો. ધોવાની કળાની ચોપડી વાંચીને ધોવાનું શીખ્યો. પત્નીને પણ શીખવ્યું. કંઈક બોજો તો વધ્યો જ, પણ નવું હતું એટલે વિનોદ થતો.

મારો પહેલો હાથે ધોયેલો કૉલર તો હું કદી ભૂલું તેમ નથી. એમાં આર વધારે ચડેલ ને ઈસ્તરી પૂરી ગરમ નહોતી. વળી, કૉલર દાઝી જવાની બીકે ઈસ્તરી બરોબર દાબી નહીં, તેથી તે અક્કડ તો બન્યો પણ તેમાંથી આર ખર્‌ કરતો હતો !

આવે હાલે હું કોર્ટમાં ગયો ને બારિસ્ટકોને મજાક કરવાનું સાધન બન્યો. પણ મારામાં આવી મજાક સહન કરવાની શક્તિ તે કાળે પણ ઠીક હતી.

‘કૉલર હાથે ધોવાનો આ પહેલો અખતરો છે, એટલે તેમાંથી આર ખરે છે. મને એડચણકર્તા નથી, ને વળી તમને બધાને આટલો વિનોદ પૂરો પાડું છું એ વધારાનો નફો.’ મેં ખુલાસો કર્યો.

‘પણ ધોબી ક્યાં નથી મળતા ?’ એક મિત્રે પૂછ્યું.

‘અહાં ધોબીનો ખરચ મને તો અસહ્ય લાગે છે. કૉલરની કિંમત જેટલી ધોવાઈ થાય અને એ આપતાં છતાં ધોબીની ગુલામી ભોગવવી. એના કરતાં હાથે ધોવું હું પસંદ કરું છું.’

આ સ્વાવલંબનની ખૂબી હું મિત્રોને ન સમજાવી શક્યો.

મારે કહેવું જોઈએ કે છેવટો ધોબીના ધંધામાં મારા કામપૂરતી કુશળતા મેં મેળવી લીધી હતી, અને ધોબીના ધોણ કરતાં ઘરનું ધોણ મુદ્દલ ઊતરતું નહોતું. કૉલરનું અક્કડપણું તેમજ ચળકાટ ધોબીના ધોયેલ કૉલર કરતાં ઊતરતાં નહોતાં. ગોખલેની પાસે સ્વ. મહાદેવ ગોવિંદ રાનડેની પ્રસાદીરૂપ એક ઉપરણો હતો. આ ઉપરણો ગોખલે અતિશય જતનથી રાખતા અને ખાસ પ્રસંગે જ વાપરતા. જોહાનિસબર્ગમાં તેમના માનમાં જે ખાણું આપવામાં આવ્યું હતું તે મેળાવડાનો પ્રસંગ મહત્વનો હતો. દક્ષિણ આફ્રિકામાં આ તેમનું મોટામાં મોટું ભાષણ હતું.

તેથી તે પ્રસંગે તેમને પેલો ઉપરણો વાપરવો હતો. તે ચોળાયેલો હતો ને તેને ઈસ્તરી કરવાની જરૂર હતી. ધોબી મેળવી તેની પાસે તુરત ઈસ્તરી કરાવવી એ અસંભવિત હતું. મને મારી કળાનો ઉપયોગ કરવા દેવાની મેં માગણી કરી.

‘તારી વકીલાતનો વિશ્વાસ કરું, પણ આ ઉપરણા ઉપર તારી ધોબીકળાનો ઉપયોગ કરવા હું ન દઉં. એ ઉપરણાને તું ડાઘ પાડે તો ? એની કિંમત તું જાણે છે ?’ આમ કહી અતિ ઉલ્લાસથી પ્રસાદીની કથા મને સંભળાવી.

મેં વિનય કર્યો ને ડાઘ ન પડવા દેવાની ખોળાધરી આપી. મને ઈસ્તરી કરવાની રજા મળી. મારી કુશળતાનું મને પ્રમાણપત્ર મળી ચૂક્યું ! હવે મને જગત પ્રમાણપત્ર ન આપે તો શું થયું ?જેમ ધોબીની ગુલામીમાંથી હું છૂટ્યો તેમ હજામની ગુલામીમાંથી પણ છૂટવાનો પ્રસંગ આવ્યો. હજામત તો વિલાયત જનારા સહુ હાથે કરતાં શીખે જ. પણ વાળ કાપવાનું કોઈ શીખતા હોય એવો મને ખ્યાલ નથી. પ્રિટોરિયામાં હું એક વેળા એક અંગ્રેજ હજામની દુકાને પહોંચ્યો. તેણે મારી હજામત કરવાની ઘસીને ના પાડી, ને ના પાડવામાં જે તિરસ્કાર બતાવ્યો તે વધારાનો. મને દુઃખ થયું. હું પહોંચ્યો બજારમાં. વાળ કાપવાનો સંચો ખરીદ્યો ને અરીસાની સામો ઊભા રહી વાળ કાપ્યા. વાળ જેમતેમ કપાયા તો ખરા; પણ પાછળના કાપતાં બહુ મુશ્કેલી પડી. સીધા તો ન જ કપાયા. કોર્ટમાં હસાહસ.

‘તારે માથે ઉંદર ફરી ગયા છે ?’

મેં કહ્યું : ‘ના; મારા કાળા માથાનો સ્પર્શ ધોળા હજામ કેમ કરે ? એટલે જેવાતેવા પણ હાથે કાપેલા વાળ મને વધારે પ્રિય છે.’

આ જવાબથી મિત્રોને આશ્ચર્ય ન થયું. ખરું જોતાં પેલા હજામનો કશો દોષ નહોતો.

જો તે શ્યામવર્ણ લોકોના વાળ કાપે તો તેની કમાણી જાય. આપણે ક્યાં આપણા અસ્પૃશ્યોના વાળ ઊંચવર્ણા હિંદુઓના હજામ પાસે કપાવા દઈએ છીએ ? એનો બદલો મને દક્ષિણ આફ્રિકામાં એક નહીં પણ અનેક વેળા મળ્યો છે; અને આપણા દોષનું એ પરિણામ છે એવી મારી સમજ હોવાથી મને એ વાતનો કદી રોષ નથી ચડ્યો.

સ્વાવલંબન અને સાદાઈના મારા શોખે આગળ જતાં જે તીવ્ર સ્વરૂપ પકડ્યું ચેનું વર્ણન તો તેને સ્થળે આવશે. તે વસ્તુનું મૂળ તો અસલથી જ હતું. તેને ફાલવાને સારુ માત્ર સિંચનની આવશ્યકતા હતી. તે સિંચન અનાયાસે જ મળી રહ્યું હતું.