Satya na Prayogo Part-3 - Chapter - 11 books and stories free download online pdf in Gujarati

સત્યના પ્રયોગો - ભાગ-3 - 11

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૧. શહેર સુધરાઈ - દુકાળફાળો

સમાજનું એક પણ અંગ અવાવરુ રહે એ મને હમેશાં ખૂંચ્યું છે. પ્રજાના દોષો ઢાંકીને તેનો બચાવ કરવો અથવા દોષો દૂર કર્યા વિના હકો મેળવવા એ મને હંમેશાં અરુચતું લાગ્યું છે. તેથી દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓ ઉપરનું એક તહોમત, જેમાં કંઈક વજૂદ હતું, તેનો ઈલાજ કરવાનું કાર્ય મારા ત્યાંના વસવાટના આરંભકાળમાં જ મેં યોજ્યું હતું. હિંદીઓ પોતાનાં ઘરબાર સ્વચ્છ નથી રાખતા ને બહુ મેલા રહે છે એ આળ વખતોવખત મૂકવામાં આવતું. આ આળને નાબૂદ કરવા આરંભમાં કોમના મુખ્ય ગણાતા માણસોનાં ઘરોમાં તો સુધારા થઈ જ ગયા હતા. પણ ઘરોઘર ફરવાનું તો જ્યારે ડરબનમાં મરકીના પ્રવેશનો ભય લાગ્યો ત્યારે શરૂ થયું.

આમાં મ્યુનિસિપાલિટીના અમલદારોનો પણ ભાગ હતો અને એમની સંમતિ હતી. અમારી મદદ મળવાથી તેમનું કામ હળવું થયું ને હિંદીઓને ઓછી હાડમારી વેઠવી પડી. કેમ કેૈ, સામાન્ય રીતે જ્યારે મરકી ઈત્યાદિના ઉપદ્રવ થાય ત્યારે અમલદારો ઘાંઘા થાય છે, વધારે પડતા ઉપાયો યોજે છે, ને તેમની નજરમાં જેઓ અળખામણા હોય તેઓની ઉપર તેમનો દાબ અસહ્ય થઈ પડે એવો નીવડે છે. આ સખતીમાંથી કોમ પોતાની મેળે જ ચાંપતા ઉપાયો લેવાથી ઊગરી ગઈ. મને કેટલાક કડવા અનુભવો પણ થયા. મેં જોયું કે, સ્થાનિક સરકાર પાસે હકોની માગણી કરવામાં જેટલી સહેલાઈથી હું કોમની મદદ લઈ શકતો હતો, તેટલી સહેલાઈથી લોકોની પાસે તેમની ફરજ અદા કરાવવાના કામમાં મદદ મેળવી શક્યો નહીં. કેટલીક જગ્યાએ અપમાન થતાં, કેટલીક જગ્યચાએ વિનયપૂર્વક બેદરકારી બતાવવામાં આવતી. ગંદકી સાફ કરવાની તકલીફ લેવી એ વસમું લાગતું. પૈસા ખરચવાનું તો બને જ કેમ ? લોકોની પાસેથી કંઈ પણ કામ કરાવવું હોય તો ધીરજ રાખવી જોઈએ એ પાઠ હું વધારે સારી રીતે શીખ્યો.

સુધારાની ગરજ રહી સુધારકને પોતાને; જે સમાજમાં તે સુધારો ઈચ્છે છે ત્યાંથી તો તેણે વિરોધની, તિરસ્કારની ને જાનના જોખમની પણ આશા રાખવી રહી. સુધારક જેને સુધારો માને તેને સમાજ કુધારો કાં ન માને ? અથવા કદાચ કુધારો ન માને તો પણ તે તરફ ઉદાસીન કાં ન રહે ? આ આંદોલનનું પરિણામ એ આવ્યું કે, હિંદી સમાજમાં ઘરબાર સ્વચ્છ રાખવાની અગત્યનો ઓછાવત્તા પ્રમાણમાં સ્વીકાર થયો. અમલદારવર્ગ આગળ મારી શાખ વધી. તેઓ સમજ્યા કે, મારો ધંધો માત્ર ફરિયાદો જ કરવાનો અથવા હકો જ માગવાનો નહોતો; પણ ફરિયાદ કરવામાં કે હકો માગવામાં હું જેટલો દૃઢ હતો તેટલો જ આંતરિક સુધારણાને સારુ પણ ઉત્સાહી ને દૃઢ હતો.

પણ હજુ સમાજની વૃત્તિને બીજી એક દિશામાં ખીલવવાનું બાકી રહેતું હતું. આ સંસ્થાનવાસીઓએ ભારતવર્ષ પ્રત્યે પોતાનો ધર્મ પણ પ્રસંગ આવ્યે પાળવાનો હતો. ભારતવર્ષ તો કંગાળ છે. લોકો ધન કમાવાને સારુ પરદેશ વેઠે છે. તેમની કમાણીનો કંઈક ભાગ ભારતવર્ષને આપત્તિને સમયે મળવો જોઈએ. સન ૧૮૯૭માં દુકાળ હતો ને પાછો બીજો સખત દુકાળ ૧૮૯૯માં પડ્યો. આ બન્ને દુકાળ સમયે દક્ષિણ આફ્રિકાથી સારી મદદ ગયેલી. પહેલા દુકાળ વખતે જે રકમ એકઠી થઈ શકી હતી તેના કરતાં બીજા દુકાળ વખતે ઘણી વધારે રકમ થઈ હતી. આ ઉઘરાણામાં અંગ્રેજોની પાસે પણ અમે ફાળો માગેલો. અને તેમના તરફથી સારો જવાબ મળ્યો હતો. ગિરમીટિયા હિંદીઓએ પણ પોતાનોફાળો ભર્યો હતો.

આમ, બે દુકાળ વખતે જે પ્રથા પડી તે હજુ સુધી કાયમ છે. અને આપણે જોઈએ છીએ કે, ભારતવર્ષમાં સાર્વજનિક સંકટને સમયે દક્ષિણ આફ્રિકા તરફથી સારી રકમો ત્યાં વસતા હિંદીઓ હમેશાં મોકલે છે.

આ રીતે, દક્ષિણ આફ્રિકાના હિંદીઓની સેવા કરતાં હું પોતે ઘણી વસ્તુઓ એક પછી એક અનાયાસે શીખી રહ્યો હતો. સત્ય એક વિશાળ વૃક્ષ છે. તેને જેમ સેવે તેમ તેમાંથી અનેક ફળો નીપજતાં જોવામાં આવે છે. તેને અંત જ હોતો નથી. જેમ જેમ તેમાં ઊંડે ઊતરીએ તેમ તેમ તેમાંથી રત્નો મળ્યા કરે છે, સેવાના પ્રસંગો જડ્યા કરે છે.