Satya na Prayogo Part-3 - Chapter - 19 books and stories free download online pdf in Gujarati

સત્યના પ્રયોગો - ભાગ-3 - 19

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૯. ગોખલે સાથે એક માસ-૩

કાલિ માતાને નિમિત્તે થતો વિકરાળ યજ્ઞ જોઈને બંગાળી જીવન જાણવાની મારી ઈચ્છા વધી. બ્રહ્મસમાજને વિશે તો ઠીક ઠીક વાંચ્યું સાંભળ્યું હતું. પ્રતાપચંદ્ર મજમુદારનું જીવનવૃત્તાંત થોડું જાણતો હતો. તેમનાં વ્યાખ્યાનો સાંભળવા ગયો હતો. તેમનું લખેલ કેશવચંદ્ર સેનનું જીવનવૃત્તાંત મેળવ્યું ને તે અતિ રસપૂર્વક વાંચી ગયો. સાધારણ બ્રહ્મસમાજ અને આદિ બ્રહ્મસમાજનો ભેદ જાણ્યો. પંડિત શિવનાથ શાસ્ત્રીનાં દર્શન કર્યાં. મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરનાં દર્શન કરવા પ્રો. કાથવટે અને હું ગયા. પણ તેઓ તે વેળા કોઈને મળતા નહોતા, તેથી તેમનાં દર્શન ન થઈ શક્યાં. પણ તેમને ત્યાં બ્રહ્મસમાજનો ઉત્સવ હતો તેમાં જવા અમને નોતરેલા તેથી અમે ગયા હતા, ને ત્યાં ઊંચા પ્રકારનું બંગાળી સંગીત સાંભલવા પામ્યા. ત્યારથી જ બંગાળી સંગીત ઉપરનો મારો મોહ જામ્યો.

બ્રહ્મસમાજનું બની શકે તેટલું નિરીક્ષણ કર્યા પછી સ્વામી વિવેકાનંદનાં દર્શન ન કરું એમ તો બને જ કેમ ? અતિ ઉત્સાહપૂર્વક હું બૅલૂર મઠ લગી ઘણે ભાગે ચાલીને ગયો. પૂરો ચાલ્યો કે અરધો, એ મને અત્યારે યાદ નથી. મઠનું એકાંત સ્થાન મને ગમ્યું. સ્વામીજી બીમાર છે, તેમને મળાય એમ નથી, અને એઓ પોતાને કલકત્તાને ઘેર છે એમ ખબર સાંભળી નિરાશ થયો. ભગિની નિવેદિતાના રહેઠાણના ખબર મેળવ્યા. ચોરંઘીના એક મહેલમાં તેમનાં દર્શન પામ્યો. તેમના દમામથી હું હેબતાઈ ગયો. વાતચીતમાં પણ અમારો મેળ બહુ ન જામ્યો. મેં આ વાત ગોખલેને કરેલી. તેમણે કહ્યું : ‘એ બાઈ બહુ તેજ છે, એટલે તમારો મેળ ન મળે એ હું સમજું છું.’

ફરી એકવાર તેમનો મેળાપ મને પેસ્તનજી પાદશાહને ઘેર થયેલો. પેસ્તનજીનાં વૃદ્ધ માતાને તે ઉપદેશ આપતાં હતાં, તેવામાં હું તેમને ત્યાં જઈ પહોંચેલો. એટલે હું તેમની વચ્ચે દુભાષિયો બન્યો હતો. ભગિનીનો હિંદુ ધર્મ પ્રત્યેનો પ્રેમ ઊભરાઈ જતો હતો એટલું તો, હું અમારો મેળ ન મળતાં છતાં, જોઈ શકતો હતો. તેમનાં પુસ્તકોનો પરિચય પાછળથી કર્યો.

દિવસના મેં વિભાગ પાડ્યા હતા : એક ભાગ દક્ષિણ આફ્રિકાના કામને અંગે કલકત્તામાં રહેતા આગેવાનોને મળવામાં ગાળતો, ને એક ભાગ કલકત્તાની ધાર્મિક સંસ્થાઓ અને બીજી જાહેર સંસ્થાઓ જોવામાં. એક દિવસ મેં, બોઅર લડાઈમાં હિંદી સારવાર-ટુકડીએ જે કામ કર્યું હતું તે પર, દા. મલિકના પ્રમુખપણા હેઠળ ભાષણ આપ્યું. ‘ઈંગ્લિશમૅન’ સાથેનો મારો પરિચય આ વખતે બહુ મદદગાર નીવડ્યો. મિ. સૉન્ડર્સ આ વેળા બીમાર રહેતા. પણ તેમની મદદ તો ૧૮૯૬ની સાલમાં મળેલી તેટલી જ મળી. આ ભાષણ ગોખલેને ગમ્યું હતું.

અને જ્યારે દા. રૉયે મારા ભાષણનાં વખાણ કર્યાં ત્યારે તે બહુ રાજી થયા.

આમ ગોખલેની છાયા નીચે રહેવાથી બંગાળમાં મારું કામ બહુ સરળ થઈ પડ્યું.

બંગાળનાં અગ્રગણ્ય કુટુંબોના માહિતી હું સહેજે પામ્યો ને બંઘાળ સાથે મારો નિકટ સંબંધ થયો.

આ ચિરસ્મરણીય માસનાં ઘમાં સ્મરણો મારે છોડવાં પડશે. તે માસમાં હું બ્રહ્મદેશ પણ ડૂબકી મારી આવ્યો હતો. ત્યાંના ફૂંગીઓની મુલાકાત કરી. તેમના આળસથી દુઃખી થયો. સુવર્ણ પૅગોડાનાં દર્શન કર્યાં. મંદિરમાં અસંખ્ય નાની મીણબત્તીઓ બળતી હતી તે ન ગમી. મંદિરના ગર્ભગૃહમાં ઉંદરોને ફરતા જોઈ સ્વામી દયાનંદનો અનુભવ યાદ આવ્યો. બ્રહ્મદેશની મહિલાઓની સ્વતંત્રતા, તેમનો ઉત્સાહ, ને ત્યાંના પુરુષોની મંદતા જોઈ મહિલાઓ ઉપર મોહ પામ્યો ને પુરુષોના વિશે દુઃખ થયું. મેં ત્યારે જ જોયું કે, જેમ મુંબઈ હિંદુસ્તાન નથી તેમ રંગૂન બ્રહ્મદેશ નથી; અને જેમ હિંદુસ્તાનમાં અંગ્રેજ વેપારીઓના આપણે કમીશન એજન્ટ બન્યા છીએ તેમ બ્રહ્મદેશમાં આપણે અંગ્રેજોની સાથે મળીને બ્રહ્મદેશવાસીઓને કમિશન એજન્ટ બનાવ્યા છે.

બ્રહ્મદેશથી પાછા ફરી મેં ગોખલે પાસેથી વિદાયગીરી લીધી. તેમનો વિયોગ મને સાલ્યો, પણ મારું બંગાળનું-અથવા ખરી રીતે કલકત્તાનું-કામ પૂરું થયું હતું.

ધંધે વળગું તે પહેલાં મારો વિચાર હિંદુસ્તાનનો નાનકડો પ્રવાસ ત્રીજા વર્ગમાં કરી, ત્રીજા વર્ગના મુસાફરોનો પરિચય કરવાનો અને તેમનાં દુઃખો જાણી લેવાનો હતો. ગોખલે આગળ મેં આ વિચાર મૂક્યો. તેમણે પ્રથમ તો તે હસી કાઢ્યો. પણ જ્યારે મેં મારી આશાઓનું વર્ણન કર્યું, ત્યારે તેમણે ખુશીથી મારી યોજનાને સંમતિ આપી. મારે પહેલું તો કાશીજી જવાનું ને ત્યાં જઈ વિદુષી ઍની બેસંટનાં દર્શન કરવાનું હતં. તેઓ તે વખતે બીમાર હતાં.

આ મુસાફરીને સારુ મારે નવો સામાન વસાવવાનો હતો. એક ડબ્બો પિત્તળનો ગોખલેએ જ આપ્યો ને તેમાં મારે સારુ મગજના લાડુ અને પૂરી મુકાવ્યાં. એક બાર આનાની કંતાનની પાકીટ લીધી. છાયા (પોરબંદર નજીકનું ગામ) ની ઊનનો ડગલો બનાવડાવ્યો હતો.

પાકીટમાં એ ડગલો, ટુવાલ, પહેરણ અને ધોતિયું હતાં. ઓઢવાને સારુ એક કામળી હતી.

ઉપરાંત એક લોટો સાથે રાખ્યો હતો. આટલો સામાન લઈને હું નીકળ્યો.

ગોખલે અને દા. રૉય સ્ટેશન ઉપર મને વળાવવા આવ્યા. બન્નેને મેં ન આવવા વીનવ્યા. પણ બન્નેએ આવવાનો આગ્રહ પકડી રાખ્યો. ‘તમે પહેલા વર્ગમાં જાત તો કદાચ હું ન આવત, પણ હવે મારે આવવું જ છે,’ એમ ગોખલે બોલ્યા.

પ્લેટફૉર્મ ઉપર જતાં ગોખલેને તો કોઈએ ન રોક્યા. તેમણે પોતાનો રેશમી ફૅંટો બાંધ્યો હતો ને ધોતિયું તથા કોટ પહેર્યાં હતાં. દા.રૉયે બંગાળી પોશાક પહેર્યો હતો. એટલે તેમને ટિકિટ-માસ્તરે અંદર આવતાં પ્રથમ તો રોક્યા, પણ ગોખલે કહ્યું, ‘મારા મિત્ર છે,’ એટલે દા.રૉય પણ દાખલ થયા.આમ બન્નેએ મને વિદાય આપી.