A.... Kapyo chhe books and stories free download online pdf in Gujarati

એ કાપ્યો છે....!!

એ કાપ્યો છે....!!

(પ્રકાર : હાસ્યલેખ, સાહિત્યકાર : નવનીત પટેલ)

ગયા વરસની દિવાળીનો ડામચ્યો સળગાવ્યા બાદ ગંગારામબાપાને તેનો કપાતર કરસન આંખના કણાની જેમ ખટકતો હતો. આ ઉતરાયણ પર જો કરસન પતંગનો ખર્ચો કરાવશે તો હું પણ મારું પાણી દેખાડી દઈશ, એવી દાજ દાઢમાં ભરીને ગંગારામબાપા ડેલીએ હોકો ગડગડાવતા બેઠાં રહેલા. કરસન પણ બાપાની વાત કળી ગયો હોય તેમ આ વખતે પતંગ ચગાવવાની મોજ પતંગ લૂંટીને જ પૂરી કરવાની આગોતરી તૈયારી કરવા માંડી પડ્યો.

કરસન તેના મિત્રોની ટોળકી મોટી ને મોટી કરવા મંડી પડ્યો. તેની ટોળકીમાં થોભણ, વસરામ, છગન અને ભીખો તો ખરા જ પણ તે સિવાયના જેટલા સાથે કિટ્ટા કે અબોલા કર્યા હતા તે બધાને બિલ્લા કરીને પોતાની ટોળકીમાં સામેલ કરવા માંડ્યો. કરસનના ભેરુઓની સંખ્યા જર્મનીના હિટલરની સેનાની જેમ મસ મોટી થવા માંડી. જોત જોતામાં ઉતરાયણનો દિવસ નજીક આવી ગયો.

ઉતરાયણની આગળની રાતે જ કરસને શહીદ ભગતસિંહની જેમ એક ગુપ્ત મંત્રણા માટે મીટિંગ બોલાવી. બધા સાથીદારો કરસનના ઘરની પાછળના વાડામાં ભેગા થયા. વગર કહ્યે પ્રમુખ બની બેઠેલા કરસને મુખીની જેમ ખોંખારો ખાઈ બધા ભેરુઓને તેનો પ્લાન સંભળાવ્યો. પ્લાન સાંભળતા જ આખી ટોળકી આનંદથી નાચી ઉઠી.

બીજા દિવસે સવારે ગામડા-ગામમાં ઘેરે-ઘેરે ને ઓટલે-ઓટલે લોકો પીપર, મમરાના લાડુ, શેરડીના ઢબુકા, ચીક્કી અને ગોળ પાપડીનાં થાળ ભરીને બેસી ગયા હતા. ગામના બીજા છોકરાઓ હજી ઘરની બહાર નીકળતા હતા, ત્યાં તો કરસનની ટોળકીએ બધાની કથરોટો ખાલી ખમ્મ કરી નાખી. બીજા છોકરાઓને મો બગાડીને પાછું જવું પડ્યું. કરસનની ટોળકી બધો મુદ્દા-માલ સાથે તેના વાડામાં ભેગી થઈ. એક-બીજાના બુસકોટ બદલાવી, મોઢા પર મફલર બાંધી ચાર-ચાર, પાંચ-પાંચ વખત બધેથી પીપર, શેરડી, ચીક્કી ને ગોળ-પાપડી બધું ભેગું કરી વાડામાં ઉજાણી કરી. આખી ટોળીના એન્જિનમાં જાણે નવું પેટ્રોલ પુરાયુ હોય તેમ ખાઈ-ખાઈને આડા પડી ગયા બાદ હવે બધા આગળનો પ્લાન સફળ બનાવવા માટે કરસનની અગાસી પર વારા-ફરતી સરકતા-સરકતા ગંગારામબાપાની નજર ચૂકવી ભેગા થયા. અગિયાર-બાર જણની ટોળકી અગાસીમાં આવીને ગોકીરો બોલાવવા માંડી. આજે કરસનને પણ રુંવાડે રુંવાડે આનંદના ફુવારા છુટતા હતા.

ખુલ્લા આકાશમાં આસમાની રંગનું સ્થાન હવે લાલ-પીળા પતંગોએ લેવા માંડ્યું હતું. કોઈ બાંડો પતંગ હવામાં તરતું મુકતું તો કોઈ પૂછડું લગાડીને ઢીલ દેતું. ધીમે-ધીમે આખું આકાશ કલર-કલરના પતંગોથી છલકાવા લાગ્યું. બધા પોત-પોતાની પતંગો અને દોરીઓ સંભાળવામાં મશગુલ હતા. નવરા હતા તો માત્ર કરસનના આ અગિયાર સાથીદારો, જે મો વકાશીને આજુ-બાજુ ઉડતી પતંગો પર બાજ નજર રાખી રહ્યા હતા. એવામાં કોઈકની પતંગ કપાઈ......! અને અડધા ગામમાં હુરિયો બોલ્યો... બધાની અગાસી પરથી અવાજ આવવા લાગ્યા... “એ કાપ્યો છે....!! કપાયો-કપાયો...” ના પોકારો થવા માંડ્યા.

અચાનક કરસનની નજર ગઈ, તેણે થોભણના કાન પાસેથી પીળા રંગની દોરીને ઝડપથી પસાર થતી જોઈ અને આકાશમાં દુર-દુર એક પતંગ લથડિયા ખાતો પણ જોયો. અનુભવી કરસનને વાત સમજતા વાર ના લાગી. તેણે તો ગરગળતી દોટ મુકી, થોભણના કાન પાસેથી નીકળતી દોરી પકડવા હાથના પંજાનું જાવું માર્યું. દોરી તો પકડાઈ ગઈ પણ હવામાં વીંજાયેલા હાથને ડીસ્ક-બ્રેક નહિ હોવાથી થોભણના ગાલ પર કરસનનો જોરદાર મુક્કો લાગી ગયો. થોભણ લથડી ગયો અને અચાનક થયેલા કરસનના આવા આક્રમિક હુમલાથી ડઘાઈ ગયો. તેની આંખોમાં આંસુ સાથે ગુસ્સો ભળતા લોહી પણ તગ-તગવા માંડ્યું અને તેણે સામે કરસનને બોચીમાંથી પકડી નીચે પછાડવાનું વિચાર્યું. ત્યાં તો કરસનના હાથમાં પતંગની દોરી આવી ગઈ છે એ સત્ય બધાને ધ્યાનમાં આવતા જ બધા ગેલમાં આવી ગયા અને ખુદ થોભણ પણ નાચી ઉઠ્યો.

પતંગ હાથમાં આવતા જ કરસને બાજુની અગાસીવાળા બચુભાઈનાં બાબુળાનો પતંગ પેચમાં લીધો અને એવો પેચ લગાવ્યો કે તેનો પતંગ કપાઈ ગયો અને બાબુળાના હાથમાંથી દોરી પણ સરકી ગઈ, ત્યારે તેને ખબર પડી કે પતંગની દોરી મારા હાથમાં નથી બીજા કો’કના હાથમાં ચાલી ગઈ છે.....!! કરસનની છત પર “કાપ્યો છે...!!” ના પોકારો મોટે-મોટેથી આવવા લાગ્યા. કરસન તો એક પછી એક એમ બધા પતંગો પર પેચ લગાવવા માંડ્યો. વારાફરતી કરસનની આખી ટોળકી પાસે એક-એક પતંગ આવી ગયો.

પણ મુશ્કેલી એક હતી કે કપાઈને આવતા પતંગો ચગાવવામાં તેની સાથે દોરી ઓછી હતી અને આ આખી ફક્કડ ગિરધારી ટોળકી પાસે તો કંઈ હતું જ નહિ. એટલે કરસને પતંગ ચગાવવાનું ભીખાને સોંપી પોતે તેની અગસીથી થોડે દુર આવેલી અગાસીમાં નજર નાખી તો બધા લોકો ખાવા-પીવામાં મશગુલ જણાય અને પાકા દોરાની આખી ફીરકી રેઢી પડેલી દેખાઈ. કરસનથી રહેવાયું નહિ. વચ્ચે એક અરજણ સુથારનું ખોરડું હતું. કરસને તો વાંદરાની જેમ છલાંગ મારીને અરજણભાઈનાં નળીયાવાળા ઘર પર ઉતરાણ કર્યું અને પછી બિલ્લિ પગે મોભારાને પકડતા-પકડતા કરસન આગળ વધતો હતો.

કરસન ચાર પગે બિલ્લિ ચાલે અરજણ સુથારના ખોરડા પર અધ વચ્ચે પહોંચ્યો ત્યાં જ વસરામે ગાળાફાટ રાડ પાડી “એ.... કરસન....!! ઉપર જો...!! પતંગ જાય... કપાયો....!!” કરસને બે પગ ટેકવી માથું ઊંચું કરી જોયું તો ત્યાં જ લાંબી દોરી સાથે પોણા બે ફૂટનો પતંગ સરકતો જતો હતો. કરસન લાલચને રોકી નાં શક્યો ને થોડુંક જ લાંબુ થવાથી પતંગ પકડાઈ જશે એવી આશાએ શરીર ઝુકાવ્યું. પણ દેહનું સમતોલન ના રહેતા, વગર પતંગે કરસન ગબડતો-ગબડતો કેટલાય નળિયાનું કચ્ચરઘાણ વાળીને નીચે આવ્યો. નીચે રસોડામાં અરજણની પત્ની પુરીભાભી ચીક્કી બનાવતી હતી તે તવામાં જ કરસન ખાબક્યો.

અશોકવાટીકામાં ઝાડ પરથી હનુમાનજીએ કુદાકડો માર્યો હતો ત્યારે સીતામાતાને આશ્ચર્ય થયું હતું તેનાથી દસગણું આશ્ચર્ય અત્યારે પુરીભાભીને થયું. એ તો ફાટી આંખે જોઈ જ રહ્યા... “આ મારુ રોયું ઉપરથી શું ખાબક્યું...?” અને માંડ્યા રાડા-રાડી કરવા. કરસનનું પછવાળુ દાઝી જવાથી, હોય માડી ને હોય બાપલીયા કરતો બુમ-બરડા પાડતો ભાગવા હારું બટા-ઝટી બોલાવી રહ્યો હતો. જેવો કરસન રસોડામાંથી બહાર નીકળ્યો કે ત્યાં જ સામે અરજણ સુથાર મળ્યો ને તેની સાથે ભીંતની જેમ ભટકાણો. અરજણ હજુ પુરીના બુમ-બારડાનું કારણ સમજે તે પહેલા તો એ પોતે જ કરસનની બ્રેક વગરની ગાડીથી એવો ઉંધે કાંધ પડ્યો કે પુરીભાભી કરતા તો અરજણની બુમો વધી ગઈ.

કરસન તક સાધીને જલ્દી ખુલ્લી ડેલીએથી બહાર ભાગી છૂટ્યો. આખી શેરીને આંટો ફરીને પાછો પોતાના ઘરમાં દાખલ થયો ત્યાંતો સામેનું દ્રશ્ય જોઈને કરસન છક્ક થઈ ગયો. તેને થયું કે અત્યારે જો ધરતી મારગ આપે તો એમાં સમાઈ જાઉ. ગંગારામબાપા ખાટલામાં ટટ્ટાર થઈને બેઠાં હતા. હાથમાં કડીયારી ડાંગ ને લાલઘુમ આંખો હતી. સામે આખી ટોળીના બધા સભ્યો અદબબંધ લાઈનમાં નીચી મૂંડીએ ઊભા હતા. જાણે ગબ્બર એક-એકને પૂછી રહ્યો હોય કે, “કાલીયા તેરા ક્યાં હોગા...?” ઘણાયને કે’વાનું મન થયું હશે કે “બાપા, હમને આપકે ગાંવ કી ચીક્કી ખાઈ હે....!!’ પણ ગંગારામબાપાનાં સ્વભાવથી પરિચિત એવા કરસનના ભેરુઓ કરસનની જ કોઈ ફરીસ્તાની જેમ રાહ જોઈ રહ્યા હતા.

આવા ગંભીર વાતાવરણમાં કરસન આવી ટપકતા, ભૂખ્યો સિંહ જેમ શિકાર સામે આવતા જ છલાંગ લગાવે તેમ ક્યારના રાહ જોઈ-જોઈને સુકાઈ ગયેલા ગંગારામબાપાની આંખોમાં ચમક આવી ને ઇલેક્ટ્રિક રોબટની જેમ ખાટલામાંથી ઊભા થાતાકને કરસનને બોચીયેથી પકડી મારવા લીધો. એ તો સારા ભાગ્ય કરસનના કે તેના સાથીદારો હાજર હતા તે છોડાવ્યો, નહીતર આ ડોસો કરસનને ટીચી જ નાંખત. થયું હતું એવું કે સવારે આખા ગામની પ્રસાદીનો નાસ્તો કરી જનાર કરસનની ગેંગની ફરિયાદ ગામના કેટલાય લોકો ગંગારામબાપાને કરી ગયા હતા. અને કરસન સવારનો દેખાયો નો’તો એટલે ગંગારામબાપાનું એન્જિન હીટ પકડી ગયું હતું.

સીઘ્રામાંથી પાઈપ છટકે એમ કરસન ગંગારામબાપાનાં હાથમાંથી નીકળી સીધો ખડકીની બહાર ભાગ્યો, પાછળ આખી સેના. સાંજ પડી તોય કરસન ઘેરે ન આવ્યો. જીવીબેનનો જીવ પડીકે બંધાઈ ગયો. રોયો હજી નો આઈવો, ક્યાં ગુડાણો હશે...?!! જીવીબેને આખી રાત ઉપાદીમાં કાઢી. સવારે ગંગારામબાપા આખું ગામ ખુંદી વળ્યા પણ કરસનનો પત્તો ક્યાંય મળ્યો નહિ. તેના એક-એક ભાઈબંધને ઘેર જઇને માતાજીના સમ દઈને ગંગારામબાપાએ પૂછ્યું પણ કોઈ કરતા કોઈને ખબર નો’તી કે કરસન ગયો ક્યાં...?? કરસન અચાનક જ રહસ્યમય રીતે ગાયબ થઇ જતા બધે દુઃખનું મોજું ફરી વળ્યું.

અંતે ગંગારામબાપાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને ઉતરાયણની પતંગથી પણ વધારે પૈસા ખર્ચી છાપામાં જાહેર ખબર છપાવી કે “મારા વહાલા દીકરા કરસન, તું જ્યાં હોય ત્યાંથી ઘર ભેગો થાજે. તારી બા રોઇ-રોઇને અડધી થઇ ગઈ છે. તને કોઈ વઢશે કે ડારો નહિ દિયે. તારે જોઈએ એવી અને જોઈએ એટલી પતંગ હું તને લઈ દઈશ. – લી.તારા બાપા”

આ ખબર છાપામાં છપાણા. સવારના પહોરમાં ગંગારામબાપા ઉદાસ મોઢે હાથમાં છાપું લઈને તેણે છપાવેલી જાહેર ખબરમાં “ખોવાઈ ગયેલ છે “ કોલમમાં પોતાનો સુપુત્ર (પહેલા લાગતો કુપુત્ર)ની જાહેર ખબર વાંચી રહ્યા હતા. મોઢા પર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા. એવામાં ગંગારામબાપાની નજર નીચે બીજી જાહેરાત પર ગઈ.... અને એ વાંચતા જ ગંગારામબાપાનાં બોખલા મો પર હાસ્ય ફરી વળ્યું. એ જાહેર ખબર આ પ્રમાણે હતી... “જોઈએ છે – ફક્ત ૩ દિવસ માટે... પતંગ લુંટી શકે તેવા બાહોશ, ચપ્પળ, લડાયક અને મજબૂત લુંટારા ! બીજાના ચાલુ પતંગની દોરી ખેંચીને તોડી નાખવાની ક્ષમતા ધરાવનારને પ્રથમ તક ! પગાર તરીકે રોજ ૫-મમરાના લાડુ, ૨-તલની ચીક્કી, ૧-શેરડીનો સાંઠો અને ૨૦-બોર આપવામાં આવશે. જલ્દી કરો, વહેલા તે પહેલા ! ઉત્સુક વ્યક્તિઓ સંપર્ક કરો – પતંગબાજગુજરાતી@ઉતરાયણ.કોમ !!

આ સમાચાર વાંચતા જ ગંગારામબાપાને પાક્કું થઈ ગયું કે મારો કરસન અહી જ હોય. તેણે તો તરત જ હાથમાં છાપું લઈને છાપાવાળાને ત્યાં દોટ મૂકી. છાપાના તંત્રી પાસેથી તે જાહેર ખબર છપાવનારનું સરનામું લઈને ગંગારામબાપા ત્યાં પહોંચ્યા.... જઈને જોયું તો કરસન નીચી મુંડી કરીને પતંગના કાના બાંધતો હતો.... ગંગારામબાપાએ તો હરખમાં ને હરખમાં કરસનના બરડે બે ધબ્બા મારી દીધા...!! બાવડું પકડી ને ઘેરે લાવ્યા.

આમ કરસન મળી જવાથી રાજીના રેડ થઈ ગયેલા ગંગારામબાપા પાછા ડેલીએ હોકો ગડગડાવતા બેઠા......!!