Suneha - 5 books and stories free download online pdf in Gujarati

સુનેહા - પ્રકરણ ૫

-: પાંચ :-

પવને વધુ વિચાર કર્યા વીનાજ સુનેહાનો હાથ પકડી લીધો અને એની આદત પ્રમાણે સુનેહાનું પાણી માપવા માટે એને થોડોક દબાવ્યો. જવાબમાં સુનેહા ફક્ત સ્મિત આપતી રહી.

સુનેહા અગ્રવાલ જે અત્યારે પવનની સામે પોતાનાં ડોક્યુમેન્ટ્સની ફાઈલ લઈને ઉભી હતી એ પવનથી ખાસ્સી નીચી હતી. સુનેહા શરીરે ભરેલી છતાં અદોદળી જરાપણ ન કહેવાય એવી હતી. આછા લીલા રંગની બાંધણી અને ટૂંકી બાંય વાળું બ્લાઉઝ પહેરેલી સુનેહાએ કદાચ એ બાબતનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું કે જયારે એ ઉભી હોય ત્યારે સામેવાળી વ્યક્તિને એના શરીરના તમામ ઉભારો બરોબર દેખાય. આ ઉપરાંત એણે પેટ ઉપર પોતાની બાંધણી પણ પોતાની ડુંટીની નીચે બાંધી હતી એટલે બાજુની બારીએથી આવતી હવાની અમસ્તીજ આહટથી સુનેહાની સાડી હટી જતી અને એનું સંપૂર્ણ નાભીદર્શન થતું. વર્ણ શ્યામ, આંખો બહુ નાની નહી તો બહુ મોટી પણ નહી એવી હતી. એક તીણું નાક એની સુંદરતામાં ઔર વધારો કરતું હતું. સુનેહાએ પોતાની આઇબ્રોઝ બહુ ધ્યાન રાખીને સેટ કરાવી હોય એવું લાગી રહ્યું હતું.

‘બેસો.’ પવને સુનેહાને બેસવાનું કહ્યું અને સુનેહા બેસી ગઈ.

બેઠાબેઠા બાયોડેટાની ફાઈલના ખૂણેથી સુનેહાના ચહેરાને નીરખતા નીરખતા પવનની નજર એના કપાળની વચ્ચોવચ ગયું. સુનેહાના કપાળની બરોબર વચ્ચે જાણેકે નામમાત્રનો જ ચાંદલો હોય એમ એક બહુજ નાની બિંદી અને એપણ કાળા રંગની ચોંટેલી હતી. આ બિંદીની બરોબર ઉપર સેંથીની બરોબર વચ્ચે કપાળ ઉપર પણ સેંથીની અંદર ન જાય એમ સિંદુર જેવું લાગે એવી લીટી એણે કરી હતી.

પવનને ખ્યાલ આવી ગયો કે સુનેહા પરણેલી છે, તેમ છતાં એણે બાયોડેટા ફાઈલમાં સુનેહાનો બાયોડેટા શોધીને મેરીટલ સ્ટેટ્સ ફરીવાર ચેક કર્યું જેની સામે ‘મેરીડ’ લખ્યું હતું. પવન થોડો નિરાશ થયો જોકે એને આ બાબતનો બહુ ફેર નહોતો પડતો કારણકે અત્યારસુધી ઇન્ટરવ્યુ આપવા આવેલી તમામ છોકરીઓમાંથી સુનેહા સહુથી આકર્ષક હતી અને એક સ્ત્રી વિષે પવને નક્કી કરેલા ધારાધોરણોમાં એ બરોબર ફીટ થતી હતી એટલે એને રીસેપ્શનીસ્ટની નોકરી આપી દેવી એવું પવન અત્યારેજ નક્કી કરી ચુક્યો હતો, પણ દેખાડા ખાતર તો એણે ઇન્ટરવ્યુ લેવો જ પડે એમ હતો એટલે એણે શરુ કર્યું....

‘તો આ તમારી પહેલી જોબ છે?’ સુનેહાની સુંદરતાથી સંપૂર્ણપણે પ્રભાવિત થઇ ચુકેલા પવને હજી સુધી સુનેહાના બાયોડેટામાં મેરીટલ સ્ટેટ્સ સિવાય કશુંજ વાંચ્યું ન હતું એટલે એણે એમનેમજ એક સવાલ ફેંક્યો.

‘નો સર આ મારી બીજી જોબ છે, મેં બાયોડેટામાં લખ્યું જ છે કે અગેઈન્સ્ટ એડ્સ નામની એન. જી. ઓ માટે મેં પોણા બે વર્ષ કામ કર્યું છે સર.’ સુનેહાએ પવનનું ધ્યાન દોર્યું.

‘ઓહ હા..ઓકે, તો પછી એ નોકરી છોડી કેમ દીધી?’ પવને ફક્ત બાયોડેટા જોવાની એક્ટિંગ જ કરી કારણકે મનોમન તો એ સુનેહાને પસંદ કરી જ ચુક્યો હતો.

‘એક્ચ્યુલી સર એ ફોરેનથી ગ્રાંટ લેતું હતું, પણ અહીંયાના લોકો બરોબર અકાઉન્ટ મેન્ટેન નહોતા કરતાં અને બે ત્રણવાર ફ્રોડ પણ થયા એટલે અમેરિકાથી જ ગ્રાંટ બંધ થઇ ગઈ એટલે એ એન. જી. ઓ પણ બંધ થઇ ગયું, મેં સામેથી મૂકી નહોતી.’ સુનેહાએ ખુલાસો કર્યો.

‘હમમ.. તમે મેરીડ છો?’ પવનને હજીપણ વિશ્વાસ નહોતો થતો કે માત્ર ત્રેવીસ વર્ષની આટલી સુંદર છોકરી પરણેલી કેવીરીતે હોઈ શકે?

‘જી સર, મારાં હસબંડનો વટવામાં શેડ છે. અમે દવા બનાવવાનાં મશીનો બનાવીએ છીએ.’ સુનેહાએ જવાબ આપ્યો.

‘તો પછી તમે ખાલી ટાઈમપાસ માટે અહિયાં જોબ કરવાના છો?’ પવનને પોતાનાં મનોરંજન ઉપરાંત એક સીરીયસ એમ્પ્લોયી પણ જોઈતી હતી.

‘નો નો સર, મારે મારાં કુટુંબને સપોર્ટ કરવો છે એટલે મારે જોબ કરવી છે, એવું ના હોત તો ગયાં મહીને જોબ જતી રહી તો તરતજ નવી જોબ ન શોધવા લાગત.’ સુનેહાએ મુદ્દાની વાત કરી.

‘એટલે તમારાં હસબંડનો ધંધો....’ પવન હજી આગળ બોલે એ પહેલાંજ

‘નો નો સર, ભગવાનની દયાથી એમનો ધંધો તો ખુબ સરસ ચાલે છે, પણ થોડા હૈ થોડે કી ઝરૂરત પણ ખરીને?’ સુનેહાના ચહેરા પર આત્મવિશ્વાસ છલકતો હતો અને પવનને બસ આવીજ કોઈક છોકરીની જરૂર હતી.

‘કોઈ બાળબચ્ચાં?’ પવનનો આગલો સવાલ.

‘નો સર, હજીસુધી તો નથી.’ સુનેહાનું સ્મિત જારી હતું.

‘ઠીક છે, શું સેલેરી એક્સ્પેક્ટ કરો છો?’ પવને છેલ્લો પણ ખુબ મહત્વનો સવાલ કર્યો.

‘તમારી કંપનીના રૂલ્સ પ્રમાણે સર. મારી કોઈજ એક્સ્પેક્ટેશન નથી.’ સુનેહાએ સપાટ ચહેરા સાથે જવાબ આપ્યો.

‘પણ તમે તો હમણાં કીધુંને કે તમારે તમારાં ફેમિલીને સપોર્ટ કરવો છે?’ સુનેહાના જવાબથી પવનને થોડુક આશ્ચર્ય થયું.

‘હા એટલે જેટલો સપોર્ટ થઇ શકે એટલો, બાકી મારી કોઈજ અપેક્ષા નથી. ખાધેપીધે કોઈ વાંધો નથી, પણ અમુક એક્સ્ટ્રા ખર્ચાઓને પહોંચી વળવા જ મારે જોબ કરવી છે.’ સુનેહાનો જવાબ મુદ્દાનો હતો.

‘ઠીક છે, લાસ્ટ જોબમાં શું પગાર મળતો હતો?’ પવને હવે ઇન્ટરવ્યુ પૂરો કરવાનું નક્કી કર્યું.

‘આઠ હજાર સર.’ સુનેહાએ જવાબ આપ્યો.

‘ઓક્કે, તો આઠ હજારથી શરુ કરીએ, અને છ મહિના સુધી જો તમારું પરફોર્મન્સ સારું હશે તો હજાર વધારી આલીશ.’ પવને પરફોર્મન્સ શબ્દ પર ભાર મુક્યો અને એ પોતેજ મનોમન હસી પડ્યો.

‘તો મારી જોબ પાક્કી?’ સુનેહાનાં મોઢા પર એક અનોખો આનંદ હતો.

‘હા, કાલથી જ આવી જાવ, એક્જેક્ટ દસ વાગે’ પવને હસતાંહસતાં સુનેહા તરફ હાથ લંબાવ્યો.

‘થેન્ક્સ અ લોટ સર. હું કાલે સવારે ટાઈમસર આવી જઈશ.’ સુનેહાએ પવનનો હાથ પકડીને હલાવ્યો.

થોડીકવાર પવન સુનેહાની આંખમાં આંખ નાખીને જોતો જ રહ્યો, અજબનું ખેંચાણ હતું એની આંખોમાં. સુનેહાએ લાગ જોઇને પોતાનો હાથ છોડાવ્યો અને ‘બાય’ કહીને કેબીનની બહાર નીકળી ગઈ.

***

‘યાર, માલ છે હોં?’ ચા સાથે પફ ખાતાખાતા પવને સામે બેસેલાં ભૂષણને કીધું. ભૂષણનું કામ પણ હવે વધી ગયું હતું એટલે હવે એ અઠવાડિયામાં બે-ત્રણ દિવસ પવનની ઓફિસે આવતો હતો.

‘અને તમારે માટે એ એક ઔર કમાલ છે!’ ભૂષણ હસતાંહસતાં બોલ્યો.

‘હા હા હા, ભૂષણભૈ સાચું કીધું યાર. સાલો આપણો શુક્ર ખરેખર મજબુત છે હોં કે? નહીં તો સાવ આમ અઠવાડિયામાં જ બીજી છોકરીનો મેળ ના પડી જાય.’ પવને પણ હસીને ભૂષણ સામે આંખ મારતા કહ્યું.

‘બસ ત્યારે તમતમારે જલ્સા મારો.’ ભૂષણે ચા નો કપ મોઢે માંડતા કીધું.

‘હા યાર પણ સાલું ભૂષણભૈ, આને જોઇને સાલી પેલી સેક્સી ફીલિંગ નથી આવતી, બાકી દિવ્યા, જયશ્રી અને બીજીબધીનાં ઇન્ટરવ્યુ જે દિવસે લીધાં ને? તે દિવસથીજ મને એવું થવા લાગેલું કે એ બધીયોને ક્યારે પાડી દઉં, પણ....’ પવન બોલતાબોલતા મૂંગો થઇ ગયો.

‘અરે એ ફીલિંગ નહી આવતી હોય તો તમે જાતેજ જઈને એને લઇ લાવશો, મને પૂરી ખાત્રી છે અને હજીતો ચોવીસ કલાક પણ ક્યાં થયા છે તમારી મુલાકાતને?’ ભૂષણે પવન સામે આંખ મારી.

‘હા હા હા, એ વાત ખરી હો! પણ હું તો કાલથી જ એનું ટેસ્ટીંગ ચાલુ કરી દઈશ.’ પવને એની આદત મુજબ ફરીથી ભૂષણ સામે આંખ મારી.

થોડી આડીઅવળી વાતો અને સેલ્સ રીપોર્ટ વત્તા ચેક્સ જમા કરીને ભૂષણે વિદાય લીધી અને પવનની આંખો સામે ફરીથી સુનેહા છવાઈ ગઈ.

***

‘સાલું, આવું તો કોઈ દિવસ નો’તું થતું હોં? અત્તાર લગી આવી મસ્ત છોકરીને જોઇને આપણને તો એ ક્યારે આપણી સાથે સુઈ જશે એવો જ વિચાર આઈ જતો,પણ સાલી આ છોકરીને જોઇને એવી કોઈ ફીલિંગ નથી થતી.’ પવન મનોમન બોલી રહ્યો હતો.

‘પાછી સાલી મનમાંથી બી નથી જતી હોં? એને ગયે હજી બે કલાક બી માંડ થયા છે તો બી એમ લાગે છે કે બે દિવસ થઇ ગયાં. એની માં ને આ ઘડિયાળ બી ધીરેધીરે આગળ વધે છે, ખબર નહીં કાલ ક્યારે પડશે અને સુનેહાને ફરીથી ક્યારે મળીશ?’ પવને પોતાની ખુરશી થોડી પાછળ કરીને ટેબલ પર પગ લંબાવ્યા અને છત ઉપર નજર માંડીને વિચારવા લાગ્યો.

‘જોઈએ યાર કાલે શું થાય છે? ગમે તે હોય પણ આની સાથે મજા કરવાની બી મજા આવશે હોં? બરોબર ભરેલી છે બધીય બાજુથી. પણ આવી બીજી જાતની ફીલિંગ કોઈ છોકરી માટે નથી થઇ એટલે આ સુનેહાને કેવીરીતે પટાવવી એનો કોઈ જુદોજ પ્લાન બનાવવો પડશે....’ પવન હજીપણ સુનેહાના વિચારોમાં જ ખોવાયેલો હતો અને અસ્પષ્ટ પણ હતો.

‘આમ પાછી ઉંમરમાં નાની છે એટલે તારે સંભાળવું પડશે હોં પવનીયા? પાછી સાલી પરણેલી પણ છે એટલે ક્યાંક લોચો ના થાય. એમતો પેલી જયશ્રી બી પરણેલી હતી પણ પૈસે ટકે મજબુર હતી એટલે વાંધો ના આયો, પણ આનો તો ઘરવાળો પાછો બીજનેસમેન છે અને સુનેહા બી કે’તીતી ને કે એ પૈસે ટકે સુખી છે એટલે આને ફસાવવા માટે કોઈ બીજો રસ્તો શોધવો પડશે.’ સુનેહાએ હજીતો પવનની નોકરી શરુ પણ નહોતી કરી અને પવન અત્યારથી જ એને ફસાવવાનો પ્લાન ઘડી રહ્યો હતો.

‘પણ જો આની સાથે જો એકવાર બી સુવા મળેને તો સાલી મજા પડી જાય. શું બોડી છે?? એની ડુંટી જોઈ હતીને તે પવનીયા? ઓફ્ફ....’ પવને મનોમન નિશ્વાસ નાખ્યો.

‘હેંડો હવે પવનભૈ, ઘરે જવા નેકરવું નહી? હાડા આઠ કર્યા તમે આજે તો ભૈશાબ...’ અચાનક હૈદરે એની ચિતપરિચિત સ્ટાઈલમાં પવનનું ધ્યાન ભંગ કર્યું.

‘હેં? સાડા આઠ થઇ ગ્યા?’ અચાનક વાગેલા એલાર્મથી જાણે કોઈ સપનું જોતાં જોતાં અચાનક જાગી ગયો હોય એમ પવને પોતાની કાંડા ઘડિયાળ ચેક કરી તો ખરેખર એજ સમય થયો હતો.

‘ના તાણે હાડા છ થ્યા? ચ્યારનોય બાર તમારી રાહ જોઇને બેઠો સું, કે ક્યારે તમ ફ્રી થાવ ને મું મારે ઘરે જવ? મહી આઈને જોયું તો તમ તો એયને ઉપર પંખો જોતાજોતા બેઠાં સો..’ હૈદરે લગભગ ફરિયાદ કરી.

‘સારું સારું, બહુ ડાહ્યો ના થા, ચલ બધું બરોબર લોક કરી દેજે.’ પવને પણ એના ચિતપરિચિત લહેકામાં જ હૈદરને ધમકાવ્યો અને ઓફિસની બહાર નીકળી ગયો.

***

‘જુવો આ આપણું સોફ્ટવેર છે, અહિયાં ક્લિક કરશોને એટલે આ લોગ-ઇન વિન્ડો ખુલશે.’ ઓફીસના રીસેપ્શન ટેબલ પર સામેની ખુરશી પર બેઠેલી સુનેહાની પાછળથી ઝૂકીને પવન એને પોતાની કંપનીનું સોફ્ટવેર સમજાવી રહ્યો હતો.

‘ઓકે સર.’ સુનેહા પણ એકદમ ધ્યાન લગાવીને બધું સમજી રહી હતી. એણે આજેપણ બાંધણી જ પહેરેલી હતી પણ આછા લાલ કલરની અને આજેપણ એણે એની ભ્રમરોની વચ્ચોવચ્ચ નામમાત્રની પેલી જીણી કાળી બિંદી લગાડી હતી અને સિંદુર માર્કરથી કપાળે જરાક લીટો કર્યો હતો. કદાચ સુનેહાનો આ કાયમી ડ્રેસ હતો.

‘આપણી આ ઓફિસનું યુઝરનેમ abdmain એટલે કે અમદાવાદ મેઈન ઓફીસ અને પાસવર્ડ abd12345 છે ઓક્કે?’ પવને સુનેહાને મહત્વની માહિતી આપી અને એને સોફ્ટવેરમાં લોગ-ઇન કરાવ્યું.

ધીરેધીરે પવને સુનેહાને જેટલું અડી શકાય એટલું અડીને અને સુનેહાના માથા ઉપર રહીને જેટલું સુનેહાના ઉભારો જોઈ શકતા હોય એ જોતજોતા કંપની સોફ્ટવેરના તમામ ફંકશન્સ શીખવાડ્યા અને કોઈ તકલીફ હોય તો તરતજ પોતાને બોલાવી લેવાનું પણ કહીને પવન પોતાની કેબીનમાં જતો રહ્યો.

થોડીવાર તો પવન પોતાની કેબીનમાં બેઠો રહ્યો અને રોજની જેમજ દિવસની શરૂઆતનું કામ પણ કર્યું પણ વારેવારે એના ચહેરા સામે સુનેહાજ આવી ચડતી હતી અને એ પોતાનાં મન પરનો કાબુ ગુમાવી બેસતો હતો. એને પોતાને ખબર નહોતી પડતી કે આમ કેમ બની રહ્યું છે. પવન જે પ્રકારે સ્ત્રીઓ તરફ માત્ર શારીરિક દ્રષ્ટીએ આકર્ષાતો એ રીતે તો એ સુનેહા તરફે આકર્ષાયો હતોજ પણ આ કોઈક બીજી લાગણી પણ હતી જેને પવન હજી સુધી સમજી નહોતો રહ્યો અને વળી આ લાગણી એને પહેલીવાર કોઈ સ્ત્રીનો શારીરિક જરૂરિયાત માટે ઉપયોગ કરવાની ના પાડી રહી હતી.

ગમે તે હોય પણ પોતે ખરેખર તો સુનેહાનો બોસ છે ને? એટલે એ પોતે ગમેતે સમયે ગમેતે કારણોસર એને પોતાની કેબીનમાં તો બોલાવીજ શકે ને? વળી સુનેહાનું કામ પણ રીસેપ્શનીસ્ટનું હતું એટલે એતો બહાર જયારે કોઈ ક્લાયન્ટ પવનને મળવા કે કોઈ ફ્રેન્ચાઇઝીવાળો હિસાબ કરવા કે બીજાં કોઈ કારણોસર આવે તો જ એમને મદદ કરવા માટે જ બેઠી હતીને? બાકીનાં સમયમાં તો સાવ ફ્રી હતી! એટલે શુભસ્ય શીઘ્રમ એમ વિચારીને પવને થોડીક ટ્રેઈનીંગ આપવાને બહાને સુનેહાને વધુનેવધુ સમય નીહારવા માટે ઇન્ટરકોમ પર કોલ કરીને પોતાની કેબીનમાં બોલાવી લીધી.

થોડીવાર પવને પોતાનાં વિષે, કંપની વિષે અને કંપનીનાં નફા અને ટર્નઓવર વિષે આડીતેડી વાતો કરી પણ એનો મૂળ હેતુ તો સુનેહાને પહેલે દિવસેજ ઈમ્પ્રેસ કરવાનો હતો, એટલે એણે પોતાની ‘સ્ટ્રગલ’ વિષે અને પોતે કંપનીના માલિક જેરામ દેસાઈની ઈચ્છા ન હોવા છતાંપણ કંપનીને એક નાની ઓફીસ માંથી આજે ભારતનાં દરેક મોટાં શહેરમાં એટલીસ્ટ એક બ્રાંચ હોવાની સ્થિતિ સુધી કેવી રીતે પહોંચાડી એનું એક લાંબુલચક ભાષણ પણ આપી દીધું.

ભાષણ પૂરું થતાંજ પવને સુનેહા સામે જોયું અને એને લાગ્યું કે સુનેહા ખરેખર પવનની વાતોથી પ્રભાવિત થઇ હતી. પણ સાથેસાથે પવનને એમ પણ વિચાર આવ્યો કે આખરે એ આવું કેમ કરી રહ્યો છે? અત્યારસુધી તો એ પોતાની પોઝીશન અને બળ વડે સ્ત્રીઓને જીતતો તો હવે આમ કોઈ સ્ત્રી સામે દાણા નાખવાનું એને કેમ મન થઇ રહ્યું છે? સુનેહાએ માત્ર ચોવીસ કલાકમાંજ એના પર આવોતે કેવો જાદુ કરી દીધો કે એ કાયમ એની સામેજ રહે એવું એને મન થઇ રહ્યું છે?

સામેપક્ષે સુનેહા પણ પવનને લગાતાર સાંભળી રહી હતી અને બધું સમજી રહી હતી, અલબત એને કદાચ પવનનાં ઈરાદાઓની જરાય જાણ ન હતી કારણકે હજીતો આ એનો પહેલો દિવસજ હતો ને? પણ પવનની વાત સાંભળવાની સાથે સુનેહાનું મન એના ઘરમાં પણ ઘૂમી રહ્યું હતું. કારણકે સુનેહાનું નોકરી કરવું એ એના સાસરામાં એના પતિ સિવાય કોઈને પણ પસંદ ન હતું.

***

‘આવી ગઈ નોકરા કરી ને?’ સુનેહાના ઘરમાં ઘૂસતાંજ ડાઈનીંગ ટેબલ ઉપર શાક સમારી રહેલી એની સાસુએ એનું સ્વાગત કર્યું.

‘જી મમ્મી, લાવો હું કરી દઉં?’ સોફા પર પોતાનાં પર્સનો ઘા કરીને શાકની ડીશ પકડતા સુનેહા બોલી.

‘ના ના મહારાણી તમેતો થાકી ગ્યા હશોને? એક મહિનાનો આરામ કર્યા પછી આજે આખો દિવસ કામ કર્યું છેને? જાવ રૂમમાં જઈને સુઈ જાવ.’ સાસુમા એ ડીશ આઘી કરતાં કીધું.

‘ના રે ના, મમ્મી, એમાં થાક શેનો? આખો દિવસ ખાલી ટેબલ પરજ બેસવાનું છે અહિયાં તો.’ સુનેહાએ હસીને જવાબ આપ્યો.

સુનેહાને એની સાસુની આવી હરકતોની નવાઈ ન હતી કારણકે એમનેતો આમ બોલવાની આદતજ હતી. સુનેહાનાં સાસરાની આર્થિક સ્થિતિ ઘણી સારી હતી એટલે એને નોકરી કરવાની ખરેખરતો કોઈજ જરૂર ન હતી. અને એ નોકરી પોતાનાં કોઈ શોખ પુરા કરવા પણ નહોતી કરતી પણ જોધપુરમાં રહેતા એના સાવ સામાન્ય જિંદગી જીવતા એના માતા-પિતાને આર્થિક ટેકો આપવા માટે એ આમ કરતી હતી. સુનેહાના પિતા રાજસ્થાન સરકારના ચોથા વર્ગના નિવૃત્ત કર્મચારી હતા અને ફક્ત ૧૨૩૦ રૂપિયાનું માસિક પેન્શન મેળવતા અને એમનું એકમાત્ર સંતાન એટલેકે સુનેહા એના લગ્ન પછી પણ એના આખા મહિનાનો પગાર એ પોતાનાં પિતાના ખાતામાં છેલ્લાં બે વર્ષથી નિયમિતપણે જમા કરી દેતી.

સુનેહાના સાસરામાં એના સાસુ-સસરા ઉપરાંત એના દેર સંદીપ અને દેરાણી રાખી પણ એમની સાથે જ રહેતા. દેરાણી રાખી જાજું ભણેલી ન હતી ઉપરાંત એક રૂઢીચુસ્ત પરિવારમાંથી આવતી હતી એટલે એ આખો દિવસ કુટુંબની સેવા મૂંગા મોઢે કરે રાખતી. એક ટીપીકલ રૂઢીચુસ્ત માનસિકતા ધરાવતી સુનેહાની સાસુ ગંગામતીને સુનેહા કરતાં રાખી વધુ ગમતી કારણકે રાખી એનો પડ્યો બોલ જીલતી જયારે સુનેહા પૈસાની જરૂર ન હોવા છતાંય બહાર જઈને નોકરી કરતી અને એપણ એના પિતાને ટેકો કરવા નહીંકે પોતાનો આખો પગાર પોતાના પતિના ચરણોમાં આપી દેવા માટે. જોકે ગંગામતીને એક વાત સમજાતી ન હતી કે લગભગ બે વર્ષથી ઘરમાં પરણીને આવેલી સુનેહાએ એના પતિ એટલેકે એના પુત્ર જગતાપ પર એવો તે કેવો જાદુ કરી દીધો હતો કે એ પોતાની અને એના પિતા એટલેકે પોતાના પતિની ઈચ્છા વિરુદ્ધ સુનેહાને નોકરી કરવા દેતો હતો?

ગંગામતીને કાયમ આ બાબતે ફક્ત સુનેહાની નખશીખ સુંદરતા જ એક કારણ દેખાઈ રહ્યું હતું અને સુનેહાએ પોતાની સુંદરતાથી જ જગતાપ પર પોતાનો મંત્ર ચલાવી દીધો હશે એવું એ માનતી હતી, પણ સુનેહાની સુંદરતા ઉપરાંત પણ બીજાં બે એવા કારણો પણ હતાં જેની ફક્ત સુનેહા અને જગતાપને જ ખબર હતી અને આ બે કારણોસર જ જગતાપે સુનેહાને નોકરી કરવાની છૂટ આપી હતી.....

=: પ્રકરણ પાંચ સમાપ્ત :=