Suneha - 9 books and stories free download online pdf in Gujarati

સુનેહા - ૯

-: નવ :-

સુનેહાના બોલ્યા બાદ પેલી નાનકડી દેરી પાસે જાણેકે અત્યારે ફક્ત સુનેહા અને પવનની જ હાજરી હોય અને આસપાસ કિલોમીટરના કિલોમીટર સુધી કોઈજ માનવવસ્તી જ ન હોય એવી નીરવ શાંતિ વાતાવરણમાં ફેલાઈ ગઈ હતી.

પવન આશ્ચર્યચકિત નજરે સુનેહા સામે જોઈ રહ્યો હતો અને સુનેહા સતત પવનની સામે તાકી રહી હતી. પવનની આંખો આશ્ચર્યમાં ડૂબેલી હતી, જયારે સુનેહાની આંખોમાં એક અદમ્ય આજીજી વર્તાતી હતી. પવનને ખરેખરતો ખબર નહોતી પડી રહી કે સુનેહાની વાતનો જવાબ એણે કેવીરીતે આપવો. આજસુધી એ પોતાની મરજીથી એને ગમતી કોઇપણ ગમતી સ્ત્રીને ભોગવતો અને પછી એને એના હાલ ઉપર છોડી મુકતો, પણ આજે પવનને એક બંધન બોલાવી રહ્યું હતું જેની આશા તો શું એ વિષે કોઈ વિચાર સુદ્ધાં પણ અત્યારસુધી પવને કોઈ વખત કર્યો ન હતો. પરંતુ, સુનેહાને તો અત્યારેજ જવાબ જોઈતો હતો.

‘મને વાંધો નથી સુનેહા, હું તને ખુબ પ્રેમ કરું છું અને તારા આ ડીસીઝનમાં હું તારી સાથેજ છું, પણ મને એક વાત સમજાતી નથી.’ થોડીવાર મૂંગા રહીને પવને આખરે પોતાની શંકા રજુ કરી.

‘બોલને પવન, તને શું ખટકે છે એ બિન્દાસ કહી દે. હું તારો ડાઉટ અહીયાજ ક્લીયર કરી નાખું.’ સુનેહાને પવનની વાત સાંભળવાની ઉતાવળ હતી. એટલી ઉતાવળ કે જાણે એને પોતાની આવનારી જિંદગીનો ફેસલો અત્યારેજ કરી નાખવો હોય.

‘આપણા બાળકનો જન્મ થાય પછી તું કેટલો સમય જગતાપ સાથે રહીશ? એટલેકે બાળકનાં જન્મ પછી હું તારાથી વધુ દુર નહીં રહી શકું. આપણા બાળકનો જન્મ થાય પછી મારે તારી સાથે તરતજ લગ્ન કરી લેવા છે.’ પવને પોતાની શંકા જાહેર કરી.

‘વધુ માં વધુ છ મહિના પવન. મેં બધ્ધું જ વિચારી લીધું છે. કદાચ છ મહિનાથી ઓછો સમય જશે પણ વધુ નહી, પ્રોમીસ! બસ મારે જગતાપને અમુક ટાઈમ સતત બળતા જોવો છે. એ સમજે છે શું એના મનમાં? સ્ત્રીઓને આવા પુરુષો તો જીવતી વ્યક્તી ગણવા પણ તૈયાર નથી હોતા પવન, બસ જયારે ઈચ્છે ત્યારે એની સાથે રમવાની ઈચ્છા કરે અને જો રમવા માટે એમનામાં તાકાત ન હોય તો કાં એને વેશ્યા કહી દે અને જો તાકાત હોય તો કાં તો એના શરીરને ચૂંથીચૂંથીને બેહાલ કરી નાખે અને જો સ્ત્રી એની ઈચ્છાને તરતજ તાબે થઇ જાય તો એને ‘ચાલુ’ કહી દે! વાહ?!’ પવનની આંખોમાં આંખ પરોવીને જોઈ રહેલી, બોલી રહેલી સુનેહાનાં ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

પવન મૂંગો રહ્યો અને એ બોલે પણ કેવી રીતે? સ્ત્રીઓનો મરજી મુજબ ઉપયોગ કરીને એમને ફેંકી દેવામાં પવન પણ આજ સુધી પાછો પડ્યો ન હતો. સુનેહાની વાત સાંભળતા સાંભળતા પવનને દિવ્યા અને જયશ્રી થી માંડીને અત્યારસુધી પોતે ભોગવેલી અને પ્રતાડિત કરેલી તમામ સ્ત્રીઓ એક ફિલ્મની જેમ એક પછી એક એની નજર સામે આવતી ગઈ કદાચ એટલેજ સુનેહાનાં એક એક શબ્દો એના કાનમાં તીરની જેમ વાગી રહ્યાં હતા અને એને લીધેજ પવનનું હ્રદય હવે કોઈ અજાણ્યો ભાર મહેસુસ કરી રહ્યું હતું, પણ એ મૂંગો રહ્યો, એને મૂંગું રહેવું પડ્યું. પવન, હવે સુનેહા આ વાતને બને ત્યાંસુધી વહેલી પતાવે એવી રાહ જોઈ રહ્યો હતો.

‘મારાં ધારવા મુજબ મારાં પ્રેગ્નન્ટ થવાની ખબર પડશે પછી કદાચ તરતજ જગતાપ મને છૂટાછેડા આપવાની વાત કરશે, હું બનશે ત્યાં સુધી આ માટે એને બાળકનાં જન્મ સુધી ટટળાવીશ અને જેવું આપણું બાળક જન્મ લેશે કે તરતજ હું એને છૂટાછેડા આપી દઈશ. કારણકે બાળકનો જન્મ થાય ત્યાં સુધી મારે જગતાપને હેરાન થતો જોવો છે.’ સુનેહાનો પ્લાન તૈયાર જ હતો.

‘પણ કદાચ એ છૂટાછેડા ન આપે અને ગુસ્સામાં આવીને એ તારા પર સતત ત્રાસ કરે તો?’ પવનને સુનેહાની ચિંતા થઇ.

‘હું સહન કરીશ પવન, મારાં બાળક માટે, મારાં હેતુ માટે, તારા માટે...પણ મારી સહનશક્તિની હદ ઘણી દુર છે પવન, તું ચિંતા ન કર. અત્યારસુધી, માં-બાપ માટે, મિત્રો માટે, જગતાપ માટે અને સાસરીયા માટે મેં ઘણું સહન કર્યું છે અને આમેય જગતાપ બે-ત્રણ લાફા કે પટ્ટા માર્યા સીવાય બીજું કશું કરી શકે એમ નથી. આટલા વખતથી એની સાથે હું રહું છું એટલે મને ખબર છે અને છૂટાછેડા તો એણે આપવાજ પડશે.’ સુનેહાએ પવનને ધરપત આપતાં કહ્યું.

‘ઠીક છે, તો હું તારી સાથે છું સુનેહા, તું ચિંતા ન કર.’ હવે પવને સુનેહાનો હાથ પકડી લીધો અને એની સામે સ્મિત કર્યું.

‘બસ, તો આપણે હવે ક્યાં અને ક્યારે મળવું એ નક્કી કરીને તને કહીશ.’ સુનેહા હસીને બોલી.

‘એટલે? આપણે રોજતો મળીએ છીએ.... ઓફીસમાં?’ પવનને ખ્યાલ ન આવ્યો કે સુનેહા શું કહેવા માંગતી હતી.

‘અરે બુદ્ધુરામ, આપણે આપણા બાળકને આ દુનિયામાં લાવવા માટે તો મળવું પડશે ને?’ પવનનાં માથાનાં વાળ સરખાં કરતાં કરતાં સુનેહાનાં ચહેરા પર શરમ અને આંખમાં મસ્તી હતી.

પવન સમજી ગયો કે સુનેહા ખરેખર શું કરવા માંગતી હતી અને એનો ચહેરો પણ શરમથી લાલ થઇ ગયો.

પવન રાઠોડ.... સાવ બદલાઈ ચુક્યો હતો!!

***

‘અરે, આવોને ભૂષણભૈ, શું ચાલે છે?’ પવનની કેબીનમાં ભૂષણનાં ઘૂસતાંજ પવને એને આવકાર આપ્યો.

‘બસ જો, તમારાં જેવું નથી.’ પવને લાંબા કરેલા હાથ સાથે પોતાનો હાથ મેળવતા ભૂષણ બોલ્યો.

‘તે સારું જ છે ને? અમારી જેમ ટેન્શન તો નથી? બસ આરામ થી જીવે જાવ..’ પવન કમ્પ્યુટરમાં ડેટા નાખતાં નાખતાં બોલ્યો.

‘કેમ? તમને શું ટેન્શન છે ભાઈ? લાખોની આવક છે અને હવે તો કદાચ લાઈફ પાર્ટનર પણ મળવામાં જ છે, બરોબર ને?’ લાઈફ પાર્ટનર શબ્દ બોલતી વખતે ભૂષણે કેબીનનાં કાચની આરપાર દેખાતી સુનેહા સામે જોયું અને પોતાનો અવાજ જરાક ધીમો રાખ્યો.

‘અરે, એનીજ તો મોકાણ છે ભૂષણભૈ.’ કીબોર્ડ ને સ્હેજ ધક્કો મારીને પોતાની ખુરશી પર ટેકો દેતા પવન બોલ્યો.

‘કેમ? તમારાં બંને વચ્ચે કોઈ ઝઘડો થયો કે શું?’ ભૂષણે પોતાની ચિંતા દર્શાવી.

‘ના યાર, ઉલ્ટું અમે હવે વધુ નજીક આવવાનાં છીએ, એટલેકે એમ કો ને કે આઈ જ ગયા છીએ.’ પવનનાં મોઢા પર હાસ્ય હતું, પણ ગંભીર હાસ્ય પેલું રમતીયાળ આંખો મારતું હાસ્ય નહી, જે છોકરીઓની વાત કરતી વખતે પવનનો ટ્રેડમાર્ક બની જતું હતું.

‘નજીક આવવાનાં છો, તો પછી ટેન્શન શેનું છે ભાઈ?’ ભૂષણની અધીરાઈ વધી ગઈ.

‘જરા બારણું અંદરથી લોક કરી દો ને, પછી કઉં, એકદમ સિક્રેટ વાત છે.’ પવને ભૂષણને કહ્યું.

ભૂષણ પોતાની સીટમાંથી ઉભો થયો અને પાછળ સ્હેજ અટકાવેલ બારણાને પોતાનાં તરફ થોડુંક ખેંચી અને એના હેન્ડલથી લોક કરી દીધું. ભૂષણનાં પોતાની સીટ ઉપર ફરી બેસવા પછી પવને પોતાનાં બંને હાથ ટેબલ પર મૂકી અને પોતાની સીટ ઉપરથી થોડોક વાંકો વળ્યો અને ધીમા અવાજે ભૂષણને સુનેહાની જિંદગીની અત્યારસુધીની તમામ વાતો કરી અને છેલ્લે એનો પ્લાન પણ એની સામે રજુ કર્યો.

‘આ તમારા મેડમ તો બહુ હિંમતવાળા નીકળ્યા ભાઈ!! પણ સારું છે તમે પણ કાઈ થોડા ઓછાં હિંમતવાળા છો? સારું છે જોડી જામશે.’ ભૂષણે થોડાંક ગૂંચવાયેલા અને નર્વસ એવાં પવનને પાનો ચડાવ્યો.

‘થેન્ક્સ ભૂષણભૈ, પણ બધું સરખું થાય તો ને? બહુ રિસ્ક છે.’ પવન બોલ્યો.

‘જો ભાઈ, પ્રેમ કરો તો રીસ્ક ભેગું આવેજ, પછી તે કુંવારી છોકરીને કરો કે પરણેલી સ્ત્રીને. રીસ્ક ઓછુંવત્તું હોય પણ હોય તો ખરુંજ અને તો જ પ્રેમ કરવામાં મજા આવેને ભાઈ?’ ભૂષણ એકદમ પોઝીટીવ બનીને પવનને ટેકો આપવાની કોશિશ કરી રહ્યો હતો.

‘હા, પણ અહિયાં કોઈ પરણેલી સ્ત્રીને માં બનાવવાની વાત છે સાહેબ, તમે સમજ્યા નહી.’ પવન હજીપણ ચિંતિત હતો અને એટલેજ એણે ભૂષણને પોતાની વાત કરી, કારણકે એને ખાત્રી હતી કે ભૂષણજ એની ચિંતા દુર કરી શકશે અને કોઈ ઉપાય કે સલાહ જરૂર આપશે.

‘હું સમજી ગયો પવનભાઈ, પણ જરા વિચાર કરો કે તમારું રીસ્ક કેટલું? જયારે સુનેહાનાં ફેમીલીને આ વાતની ખબર પડશે તો કદાચ તમારી પૂછપરછ કરશે એટલુંજ ને? અને તમે તો એને પહોચીજ વળશો, પણ સુનેહાનો વિચાર કરો પવનભાઈ, એણે કેટલું મોટું રિસ્ક લીધું છે? અને એ પણ શેને માટે? પોતાનું, એક સ્ત્રીનું માન-સન્માન પાછું મેળવવા માટે, તમારો પ્રેમ પામવા માટે. પવનભાઈ, તમે જો સુનેહાનું રીસ્ક સમજશો તો એની સામે તમારું રીસ્ક તો તમને કશું લાગશે જ નહીં અને જો સુનેહાનો હસબંડ તમારી સાથે કોઈ અડપલું કરશે તો તમે એને સો ગણો જવાબ આપી શકો એટલી તાકાત અને ઓળખાણ તો ધરાવો જ છો ને? એટલે ચિંતા છોડો અને આનંદમાં રહો. તમે આનંદમાં રહેશો તો સુનેહા પણ આનંદમાં રહેશે અને એને એનું ટેન્શન હળવું રાખવામાં પણ મદદ થશે અને તો જ તમારું આવનારું બાળક પણ હેલ્ધી આવશે.’ ભૂષણનાં અવાજમાં જબરો રણકો હતો.

ભૂષણની સલાહ સાંભળીને પવન સાવ હળવોફૂલ થઇ ગયો. એણે ભૂષણનાં બેય હાથ પકડીને ખુબ આભાર માન્યો અને જિંદગીમાં ક્યારેપણ અને કોઇપણ તકલીફ આવશે તો પવન એમની સાથે ઉભો હશે એવી ખાતરી પણ એને આપી.

***

‘કેમ આજે અચાનકજ આમ લંચ પર લઇ આવ્યો?’ સુનેહાની આંખોમાં મસ્તી હતી.

સુનેહા અને પવન વચ્ચે પેલી નાનકડી દેરી પાસે વાત થયે લગભગ પંદર-વીસ દિવસ વીતી ચૂક્યાં હતાં અને પવન અને સુનેહા આ પંદર દિવસમાં હવે એકબીજાના ખુબ નજીક આવી ચુક્યા હતાં. છેલ્લાં પંદર દિવસથી પવને એકવાર પણ શરાબને હાથ સુદ્ધાં લગાડ્યો ન હતો અને માત્ર સુનેહાનાં ખ્યાલોમાં જ ખોવાયેલો રહેતો હતો. ઓફિસમાં પણ બંને ફેસબુક ચેટ ઉપર આખો દિવસ પ્રેમભરી વાતો કરતાં રહેતા. જેરામ દેસાઈ ક્યાંક આડા અવળા થાય એટલે તરતજ સુનેહા પવનની કેબીનમાં આવી જતી અને બંને પવનની કેબીનમાં રાખેલા સોફા પર કલાકો સુધી એકબીજાની હુંફમાં પ્રેમભરી વાતો કરતાં. પણ હજીસુધી સુનેહાએ એનો પ્લાન આગળ કેમ વધારવો એની કોઈજ માહિતી પવનને આપી નહોતી.

‘બસ આજે જેરામ સર નહોતા એટલે મોકો લઇ લીધો. કેમ તને વાંધો છે?’ પવને સુનેહાની આંખોમાં આંખ નાખીને હસતાંહસતાં પૂછ્યું.

‘તું મને ક્યાંય પણ લઈજા, મને કોઈજ વાંધો ન હોય પણ મને સરપ્રાઈઝીઝ ગમે છે એની તને ક્યાંથી ખબર પડી?’ સુનેહાએ આંખ મારી.

‘અરે, એવું નથી બસ તારી સાથે એકલા એકલા સમય ગાળવાનું મન થ્યું એટલે અહી લઇ આયો.’ પવને મેનુ હાથમાં લીધું.

‘આટલાબધા લોકોની વચ્ચે એકલા? પવન?’ સુનેહા હવે સંપૂર્ણ મસ્તીમાં હતી અને પવનની મજાક ઉડાવી રહી હતી.

‘હા ભૈ હા, તારા જેટલી બુદ્ધિ નથી મારાં માં હવે.’ પવન પણ ખોટેખોટું મોઢું બગડતા બોલ્યો.

‘હાય, મારો પન્નું!! તને ખોટું લગાડતા પણ આવડે છે?’ ટેબલ ઉપર પોતાનાં બંને હાથ ને આંગળીઓથી ભેગાં કરીને એના ઉપર પોતાનો શ્યામરંગી અને તેજવાળો ચહેરો મૂકીને સુનેહાએ ફરીથી પવનની મશ્કરી કરી.

‘તે જ મને બધું શીખવાડ્યું છે સુનેહા, બાકી હું તો સાવ આમ કહુંને તો લોખંડ જેવો હતો, કોઈજ ઈમોશન નો’તાં મારામાં યાર! પણ જે દિવસે તું મારી લાઈફ માં આઈ છે ને, હું સાવ બદલાઈ ગયો છું. આઈ લવ યુ સુનેહા!’ પવને પોતાનો હાથ લંબાવી અને સુનેહાનાં ચહેરાની નીચે રાખેલા એના બંને હાથમાંથી એનો જમણો હાથ હળવેથી પોતાનાં જમણા હાથમાં લઈને બોલ્યો.

‘આઈ લવ યુ ટુ, પવન’ સુનેહાએ પણ પવન સામે હસીને જવાબ આપ્યો અને એનો હાથ દબાવ્યો.

આમતો બંને એકબીજાના પ્રેમમાં મહિનાઓથી હતાં અને આ દરમ્યાન એકબીજાને આઈ લવ યુ પણ વારંવાર કહેતાં પણ પણ અત્યારનું વાતાવરણ એવું હતું કે કદાચ આ એમનો પહેલો અને ‘ઓફીશીયલ’ એકરાર હોય એવું લાગી રહ્યું હતું.

‘હવે આપણા પ્લાનનું શું છે સુનેહા?’ વેઈટરને બે ફિક્સ્ડ લંચનો ઓર્ડર આપીને પવને પૂછ્યું.

‘કેમ? તને બહુ ઉતાવળ લાગે છે.’ સુનેહા હજીપણ પવનની મશ્કરી કરવાના મુડમાં જ હતી.

‘અરે, શું તું બી યાર...એવું નથી, પણ હવે મારાથી તારાથી દુર રહેવાતું નથી. મીનીમમ નવ મહીનાતો આપણે દુર રહેવાનું તો અત્યારથીજ નક્કી છે, પ્લસ તું કે’ છે એમ એના પછી બીજાં ત્રણથી છ મહિના...નહી રહેવાય સુનેહા મારાથી...બને તેટલું જલ્દી કર.’ પવને પોતાની ઉતાવળનું કારણ જણાવ્યું.

‘આ મહિના નાં એન્ડમાં જગતાપ ચાર દિવસ માટે કેન્યા જવાનો છે. ત્યાં એને કોઈ મોટો ઓર્ડર મળ્યો હતો એટલે કાલેજ એણે બે મશીનો ત્યાં એક્સપોર્ટ કર્યા છે અને હવે એ મશીનો ઇન્સ્ટોલ કરવા એ અને એનો એક માણસ ત્યાં જવાના છે. બસ ત્યારેજ આપણે ક્યાંક બે-ત્રણ દિવસ જઈશું.’ સુનેહા થોડીક સીરીયસ જરૂર થઇ હતી પણ હજીપણ પવન સાથેના એના સંપૂર્ણ મિલનનો પ્લાન રજુ કરતાં એના ચહેરા પર શરમ મિશ્રિત તોફાન પણ હતું.

‘હમમ...ક્યાં જઈશું? કોઈ જગ્યા નક્કી કરી છે?’ પવન હવે થોડોક અધીરો બન્યો હતો.

‘એ જ ખબર નથી પડતી. મારે કદાચ મારાં મમ્મી-પપ્પાને વિશ્વાસમાં લેવા પડશે.’ સુનેહા બોલી.

‘એટલે? તું એમને....’ પવનને સુનેહાની વાત પરથી નવાઈ લાગી.

‘અરે બુદ્ધુ તું મને સમજે છે શું? હું તો કઈક બીજુંજ વિચારું છું. એકવાર હું ફર્મ થઇ જઈશ પછી તને કઈશ.’ સુનેહાએ ફરીથી પવનનો હાથ પકડ્યો.

‘ના યાર અત્યારે જ કઈ દે, મારાથી રાહ નહી જોવાય.’ પવનની અધીરાઈ વધી રહી હતી.

‘અરે, ના યાર, એમ મને ફોર્સ ના કર. મને પાક્કું પ્લાનિંગ કરી લેવા દે. એકવાર પ્લાન નક્કી થઇ જાય પછી આ વાત ખાલી તને જ કઈશ ને? શું કરવા ચિંતા કરે છે?’ સુનેહા હવે એકદમ ગંભીર થઈને વાત કરી રહી હતી.

‘ઠીક છે, જયારે આખી લાઈફ તને આપી દીધી છે તો પછી હવે તું કઈશ એમજ કરીશ.’ પવન પાસે સુનેહા સાથે સંમત થવા સિવાય બીજો કોઈજ ઉપાય ન હતો.

આમને આમ એક અઠવાડીયું વીતી ગયું અને સુનેહાને કશોજ ખ્યાલ નહોતો આવતો કે પોતાનાં પ્લાનનો સહુથી મહત્વનો ભાગ એવા પોતાના અને પવનના શારીરિક મીલન ને આવનારાં અઠવાડીયામાં જગતાપની ગેરહાજરીમાં ક્યાં અને ક્યારે ગોઠવે. પણ એમ સુનેહા હારે એમ નહતી અને એ સતત આ બાબતે જ વિચારતી રહેતી હતી. આ બાજુ પવનની હિંમત પણ થોડી વધી હતી અને એ જેરામ દેસાઈને પણ સમજાવી પટાવીને અઠવાડિયામાં એકવાર બપોરનાં સમયમાં સુનેહાને કામને બહાને ક્યાંક લઇ જતો. જો કે આ બંનેની હરકત પર જેરામ દેસાઈ જેવાં જમાનાના ખાધેલ વ્યક્તિને પૂર્ણ શંકા હતીજ પણ તેણે અત્યારે મૌન રહેવાનું જ પસંદ કર્યું. પણ થોડાજ દિવસમાં જેરામનું મૌન પણ તૂટી જાય એવી ઘટના બની.

***

‘જો સાહેબ, હું તમને નહોતો કહેતો કે બંને સાથેજ હશે? આ તમારાં મેનેજરે જ મારી વાઈફને ફસાવી છે.’ સુનેહા અને પવનને એક સાંજે એક સાથે ઓફિસમાં ઘુસ્યા અને એમની રાહ જોઇને લગભગ દોઢેક કલાકથી જેરામ દેસાઈની કેબીનમાં બેઠેલો જગતાપ બુમ પાડી ઉઠ્યો.

‘તમે શાંતિ રાખો સાહેબ, હું એ બંનેને અંદર બોલાવું છું.’ જેરામ દેસાઈએ પોતાનાં જમણા હાથની હથેળી ઉંચી કરીને જગતાપને શાંત રહેવાનું કહ્યું.

પવન હજીતો એની કેબીનમાં ઘુસ્યોજ હતો કે તરતજ જેરામે ઇન્ટરકોમથી એને પોતાની કેબીનમાં બોલાવ્યો અને ત્યારબાદ સુનેહાને પણ એણે એવીજ રીતે બોલાવી. આ બંને જયારે ઓફિસમાં આવ્યાં હતા ત્યારે ઓફીસની એન્ટ્રીની રચના એ જાતની હોવાથી એમને ખ્યાલ નહોતો કે જગતાપ પહેલેથી જ જેરામ દેસાઈની કેબીનમાં બેઠો છે પણ જગતાપ અને જેરામ દેસાઈ ઓફીસનું એન્ટ્રન્સ સ્પષ્ટ જોઈ શકતા હતાં.

જેરામ દેસાઈની કેબીનમાં પહેલો પવન ઘુસ્યો, જગતાપને તેણે કદીય જોયો ન હોવાથી એને એમ લાગ્યું કે કોઈ નવો અને મોટો ક્લાયન્ટ આવ્યો હશે એટલે જેરામે એને બોલાવ્યો હશે પણ એની પાછળ પાછળ તરતજ સુનેહાને પણ ઘૂસતાં જોઈ ત્યારે પવનને નવાઈ લાગી.

જેરામ દેસાઈની કેબીનમાં ઘૂસતાંજ સુનેહાની નજર જગતાપ પર પડી અને કાચી સેંકડમાં જ એને ખ્યાલ આવી ગયો કે જગતાપે આખરે એની અને પવનની ચોરી પકડી લીધી છે. બે ઘડી તો એ નક્કી ન કરી શકી કે એ શું કરે. એનું ગળું સુકાવા લાગ્યું, પણ હવે એની પાસે કોઈજ વિકલ્પ ન હતો અને એને હવે જે બનવાનું હતું એની રાહ જોઈ અને એમાંથી પસાર જ થવાનું હતું.

‘પવન, આ જગતાપભાઈ છે, સુનેહાનાં હસબંડ.’ સુનેહાના અંદર આવ્યા બાદ તરતજ જેરામ દેસાઈએ પવનની ઓળખાણ જગતાપ સાથે કરાવી.

જેરામ દેસાઈની વાત સાંભળીને હવે પવન પણ એકદમ સજ્જડ થઇ ગયો અને સુનેહાની જેમજ એને ખ્યાલ આવી ગયો કે જગતાપ એમનેમ તો ઓફીસમાં ન જ આવ્યો હોય. નક્કી એણે એને અને સુનેહાને ક્યાંક સાથે જોઈ લીધાં હશે.

પવને આ જ હાલતમાં સુનેહા સામે જોયું, પણ સુનેહાની આંખો અત્યારે જેરામ દેસાઈની કેબીનમાં લાગેલી લાલ ચટક રંગની જાજમ ઉપર સ્થીર થઇ ગઈ હતી.

=: પ્રકરણ નવ સમાપ્ત :=