Bhed - 5 books and stories free download online pdf in Gujarati

ભેદ - 5

ભેદ - ૫

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

સુચના : આ વાર્તાના પાત્રો તથા સ્થળ લેખકની કલ્પના છે. એનો જીવિત કે મૃત કોઈ વ્યકિત કે કોઈ વાસ્તવિકતા સાથે સબંધ નથી અને જો આમ થાય તો એ માત્ર એક સંજોગ સમજવો

ભેદ - ૫

સ્વપ્નમાં રિવોલ્વરમાંથી ગોળીઓ છોડવાની કરેલી ભૂલ અને અત્યાર સુધી વાંચેલી રહસ્યકથાઓમાં ખૂનીએ કરેલી ભૂલો પરથી બોધપાઠ લઈને જ સલોની ઘરેથી કેમ્બ્રિજ કેનાલ આવવા નીકળી હતી! વળી પોતાના પર કોઈને શંકા ન જાય એટલે એ પહેલાં રેલ્વેસ્ટેશન ગઈ. ત્યાં જઈ એણે પોતાના પિયરના ગામની ટીકીટ કઢાવી પછી તે રેલ્વે સ્ટેશનમાંથી બહાર આવી. અને બીજી બે ત્રણ રીક્ષાઓ બદલતી બદલતી તે કેમ્બ્રિજ કેનાલ સુધી પહોચી હતી. કેમ્બ્રિજ કેનાલથી થોડે દુર રીક્ષામાંથી ઉતરી તે અહીંયા સુધી ચાલતી આવી હતી. ઘરમાંથી નીકળતા પહેલાં એણે પોતે પહેરેલા ઘરેણા અને મોબાઈલ લોકરમાં સાચવીને મૂકી દીધેલા કારણ રહસ્યકથાઓમાં એણે ઘણીવાર વાચ્યું હતું કે પોલીસ મોબાઈલ ફોન ટ્રેસ કરી અપરાધીનું લોકેશન જાણી લે છે. અથવા ભૂલથી શરીર પરથી કોઈ દાગીનો ઘટનાસ્થળે પડી ન જાય એ માટે જ એણે ઘરેણાં કાઢી નાખ્યા હતાં. ઘરેથી નીકળતા પહેલાં એણે જીન્સ પેન્ટ અને ઉપર લુઝ ટીશર્ટ પહેરી લીધા હતાં. કદાચ કપડા લોહીવાળા થાય તો રસ્તામાં ક્યાંક બદલતા ફાવે એટલે વધારાનું એક જીન્સ પેન્ટ અને લુઝ ટીશર્ટ પણ બેગમાં ભરી સાથે લીધા હતાં. ઠંડા પાણીની બોટલ, ટોટી, (સામાન્ય રીતે વાહનમાંથી પેટ્રોલ કાઢવા માટે ઉપયોગમાં લેવામાં આવતી રબ્બરની ટોટી), ટોર્ચ, ધારદાર અસ્તરો, સાફ કપડું, દીવાસળીની પેટી થોડી ખાલી પ્લાસ્ટીકની થેલીઓ અને બે ત્રણ પ્લાસ્ટીકની ખાલી બોટલો પણ સાથે લીધી હતી. અહીં વહેલા આવી એણે કેનાલની આસપાસની જગ્યાનો સંપૂર્ણ અભ્યાસ કરી લીધો હતો. તેથી જ એ જાણી ગઈ હતી કે કેનાલની આજુબાજુ ભૂલથી પણ કોઈ માણસ ફરકતું નથી! વળી એણે કેનાલની બાજુમાં જ ખોદેલો એક મોટો ખાડો પણ જોઈ રાખ્યો હતો. આમ ઘરેથી તે ઠંડા કલેજે બન્નેના ખુન કરવાના ઈરાદાથી જ નીકળેલી. હવે એણે સૌથી પહેલું કામ જયેશ અને હેલીના શરીર પર પહેરેલા દાગીના તથા બન્નેના હાથમાંથી કાંડા ઘડિયાળ પણ કાઢીને સાથે લાવેલ બેગમાં મૂકી દીધા. ત્યારબાદ એણે બન્નેના મોબાઈલ સ્વીચ ઓફ કરી બેગમાં નાખી દીધા. હેલીના અને જયેશના કપડા પર લાગેલા બધા બટનો કાઢી લીધા ત્યારબાદ જયેશના શર્ટના કોલરની પાછળ લાગેલું ટેગમાર્ક પણ કાઢી લીધું. જયેશના પેન્ટ પરનો બેલ્ટ કાઢી લીધો. તથા જયેશના પેન્ટના ખિસ્સામાંથી મનીપર્સ, ગાડીની ચાવી, હાથરૂમાલ, સિગારેટનું પાકીટ, લાઈટર અને બીજી પરચુરણ વસ્તુઓ પણ કાઢી લીધી. અચાનક એની નજર દુર પડેલા હેલીના પર્સ પર ગઈ. એણે તરત એ પર્સ ઊંચકી લીધું, એમાં હેલીના ફ્લેટની ચાવી હતી. પર્સમાંથી ફ્લેટની ચાવી કાઢી લઈ પર્સ બંધ કરી બેગમાં મૂકી દીધું. આમ બન્નેના શરીર પરથી લીધેલી તમામ વસ્તુઓ એણે પોતાની સાથે લાવેલ બેગમાં મૂકી દીધી. હજુપણ કંઈ રહીતો નથી જતુ ને એમ વિચાર કરી એણે ફરી એકવાર બન્નેના કપડાં, ખિસ્સા વગેરે તપાસી જોયા. પછી હેલીના પર્સની જેમ બીજી કોઈક વસ્તુઓ આસપાસ ક્યાંય પડી તો નથીને, એ જોવા માટે બેગમાંથી ટોર્ચ કાઢી જમીન પર પ્રકાશ ફેંક્યો. ટોર્ચના અજવાળામાં એની નજરે સિગારેટનું એક ઠુંઠું પડી રહેલું જણાયું. સિગારેટના ઠુંઠા પાસે જઈ એણે એ તરત ઊંચકી સાથે લાવેલ બેગમાં મૂકી દીધું. ટોર્ચના સીમિત અજવાળાના કુંડાળામાં આસપાસની વધુ જગ્યાઓ ઉપર પણ તેણે નજર ફેરવી લીધી. અને કશુંજ રહી જતુ નથી એની સંપૂર્ણ ખાત્રી થતાં, પાછી બન્નેના મૃતદેહ પાસે આવી. હવે એ પૂરી તાકાતથી હેલી અને જયેશના મૃતદેહોને ખાડા પાસે ઢસડી લાવી પછી બેગમાંથી અસ્તરો કાઢ્યો. એ ધારદાર અસ્ત્રા વડે એણે બન્નેના માથા પરના વાળ કાઢવાનું શરૂ કર્યું. એકપણ વાળ જમીન પર ન પડે એની તકેદારી રાખીને બન્નેના માથા પરના બધા વાળ ઉતારી લીધા. અને સાથે લાવેલ થેલીમાં ભરી લીધા. એ પછી એણે ટોર્ચને મોઢામાં મૂકી તેના પ્રકાશ વર્તુળમાં બન્નેના શરીર પર અસ્તરો ફેરવી શરીર પરના તમામ વાળ ઉતારી લીધા, તેને પણ માથાના વાળ ભરેલી થેલીમાં મૂકી દીધા. પછી તેણે બન્ને મૃતદેહના શરીર અને માથા પર વારાફરતી ટોર્ચનો પ્રકાશ ફેંકી ક્યાંય વાળ રહી નથી ગયા એની ખાત્રી કરી લીધી. કારણ એ જાણતી હતી કે ડીએનએનો પુરાવો પોલીસના હાથ ન લાગે એ માટે આ કરવું ખુબ જરૂરી હતું. હવે, સાથે લાવેલ સ્વચ્છ કપડાના ટુકડા વડે અસ્ત્રાને બરાબર સાફ કરી ખાડામાં અસ્ત્રો ફેંકી દીધો. અને કપડું વાળવાળી થેલીમાં મૂકી દીધું. પછી તે જયેશની કાર પાસે ગઈ. કારમાં ઘરે પાછું જવાય એટલું પેટ્રોલ રહે એ રીતે પેટ્રોલની ટાંકીમાંથી સાથે લાવેલ ટોટી દ્વારા મોં વડે ત્રણ બોટલ જેટલું પેટ્રોલ ખેંચીને પ્લાસ્ટીકની બોટલમાં ભર્યું. બોટલો લઇ તે મૃતદેહો પાસે આવી અને એણે બોટલમાંનું પેટ્રોલ બન્ને મૃત શરીર પેટ્રોલથી તરબોળ થઇ જાય એ રીતે રેડ્યું. એણે હાથના પંજા ઉપર વધારે પેટ્રોલ નાખવાનું ધ્યાન રાખ્યું. જેથી હાથ સંપૂર્ણપણે બળીને નાશ પામવાથી ભવિષ્યમાં ફિંગરપ્રિન્ટ મળી આવવાની શક્યતા રહે નહિ. એણે ઝનુનપુર્વક હોઠ પીંસી બન્ને લાશોને ખાડામાં ધકેલી દીધી. અને અર્ધી એક બોટલ જેટલું પેટ્રોલ રહે તે રીતે બોટલમાંનું પેટ્રોલ ખાડામાં ધકેલી દીધેલી લાશો ઉપર ઢોળ્યું. અને હળવેકથી દીવાસળીની પેટીમાંથી કાંડી કાઢી ઠંડા કલેજે સળગાવી ખાડામાં નાખી. એ સાથે જ ભડ....ભડ.. કરતી બન્ને લાશ સળગવા માંડી. લાશ સપૂર્ણપણે સળગી ગઈ છે એની ખાતરી થતાં એણે જેના વડે ચહેરો છુદેલો એ પથ્થર તથા ખાલી બોટલો પણ ખાડામાં નાખી દીધી. પછી એણે પાવડાની મદદથી ખાડાની બાજુમાં પડેલી માટી બન્ને લાશ ઢંકાઈ જાય તે રીતે ખાડામાં નાખી, હવે, જ્યાં જ્યાં લોહી પડેલું હતું તેની ઉપર પણ પાવડાની મદદથી માટી નાખી દીધી. છેલ્લે પાવડાને પણ પેલા સાફ કપડા વડે લુછી નાખીને ખાડામાં નાખી દીધો અને હાથ વડે પાવડા ઉપર થોડીવાર સુધી માટી નાખી પાવડો દાટી દીધો. સૌથી છેલ્લે હાથમાંના ગ્લોવ્ઝ કાઢી એની પર પેટ્રોલ છાંટી ગ્લોવ્ઝને પણ સળગાવી દીધા. હવે એ પેલી બેગ ઊંચકીને જયેશની ગાડી પાસે આવી ગાડી ખોલી પાછળની સીટ પર બેગ મૂકી પોતે ડ્રાઈવિંગ સીટ પર બેસી ઇગ્નિશન ઓન કરી હળવેથી ગાડીને આગળ વધારી મુખ્ય રસ્તા પર આવી પુરપાટ મારી મૂકી. અચાનક એણે લેખક પ્રશાંત સાળુંકેની લખેલી રહસ્યકથા ‘પ્રેમ કપટ” યાદ આવી. કથાના નાયકે પોલીસને ચકમો આપવા ઘરે જતાં પહેલાં ગાડીને અંગ્રેજીના અંક પ્રમાણે ગાડીને ગોળ ગોળ ફેરવી હતી. જેથી પોલીસના કુતરા ગાડીને સુંઘતા જો આવે તો આ આઠડા પાસે આવી ગોળ ગોળ આઠડો જ પાડતા રહે પણ આગળ વધી ન શકે અને ત્યાંજ ફરતા રહે. આ દ્રશ્ય યાદ આવતા જ એણે પણ પોતાની ગાડી અંગ્રેજી આઠડો પાડતી હોય તેમ ગોળ ગોળ ફેરવી. આમ થોડા થોડા અંતરે બેત્રણ વાર ગાડી ફેરવી સલોનીએ પુરપાટ ઝડપે ગાડી દોડાવી મૂકી.

સલામત અંતરે આવ્યા પછી એણે ગાડીને રસ્તા ઉપરથી ઉતારી વેરાન જેવી જગ્યા પાસે લઇ જઈને રોકી. અત્યંત શાંત ચીત્તે પાણીની બોટલ લઈ પોતાના હાથ પગ ધોયા. પછી કોઈ જોતું નથી એની ખાતરી કરી લીધા બાદ બેગમાંથી કપડાં કાઢી પહેરેલા જીન્સ અને લુઝ ટીશર્ટ સાથે બદલી દીધા. પછી ઘરેથી પહેરી લાવેલ જીન્સ પેન્ટ અને લુઝ ટીશર્ટ, ખાલી થયેલ બોટલ વગરે બેગમાં મૂકી. ગાડી હંકારી મૂકી. હાઇવે પરના એક પેટ્રોલપંપ ઉપર નજર પડતાં. ગાડી રોકી પેટ્રોલ ભરાવી તે આગળ વધી. થોડું અંતર વટાવ્યા બાદ ફરી એક સુમસામ જગ્યાએ ગાડી ઉભી રાખી. એણે ગાડીમાંથી ઉતરી હેલી અને જયેશના મોબાઈલમાંથી સીમકાર્ડ કાઢી એને તોડી નાખ્યા. પછી બેગમાંથી મોબાઈલ અને ઘરેણાં તથા ફ્લેટની ચાવી કાઢીને બીજી એક ખાલી થેલીમાં મૂકી દીધા, હવે બાકી રહેલી વસ્તુઓ માથા અને શરીર પરના વાળ ભરેલી થેલી, પર્સ, પાકીટ, બેલ્ટ, બટનો, રસ્તામાં બદલેલા કપડા, અસ્ત્રો સાફ કરેલ કપડાનો ટુકડો આ બધાને બેગમાં જ જેમના તેમ રહેવા દીધા એટલે સુધી કે બન્નેનાં પાકીટમાં રહેલા પૈસાને સુદ્ધા હાથ લગાડ્યો નહિ. ત્યારબાદ ગાડીમાંથી પેટ્રોલ કાઢી બોટલમાં ભરી એ પેટ્રોલ બેગની અંદર આવેલ વસ્તુઓ પર અને બેગની ચારેબાજુ ઉપર ભરપુર માત્રામાં છાંટ્યું. પછી દીવાસળી ચાંપીને એણે એ તમામ વસ્તુઓ સળગાવી દીધી. એ સળગતી બેગ ઉપર એણે ખાલી થયેલી પેટ્રોલની બોટલ અને તૂટેલા સીમકાર્ડના ટુકડા પણ આગમાં નાખી દીધા. હવે એની પાસે માત્ર ઘરેણાં અને મોબાઈલ ફોન જ બચ્યા હતાં! ફ્લેટની ચાવી એણે પોતાની પાસે જ રાખવાનો વિચાર કર્યો હતો. પાસે પડેલા પથ્થર વડે એણે બન્ને મોબાઈલ તોડીને કચડી નાખ્યા, અને એ અવશેષો અને ઘરેણાને જયેશની ગાડીમાં મુકેલી વોમીટીંગ બેગમાં મુક્યા. સળગાવી દીધેલ બેગ અને બેગમાંની વસ્તુઓ સંપૂર્ણપણે સળગી ગયાની ખાત્રી થતાં એણે ગાડી પુરપાટ ઝડપે નદી કિનારે દોડાવી. હવે રીમઝીમ વરસાદ શુરૂ થયો હતો. સલોનીએ વિચાર્યું કે સારું થયું પહેલાં વરસાદ ન પડ્યો! નહિતર આ બધું સળગવવામાં તકલીફ પડી હોત. અત્યારે પડતો વરસાદ એના માટે આશીર્વાદરૂપ હતો કારણ ઘટનાસ્થળે જો કોઈ પગરવના નિશાન બચ્યા પણ હોય તો હવે એ ધોવાઈ જવાના હતાં!

(આગળની વાર્તા જાણવા અને માણવા વાંચો ભેદ-૬)

Share

NEW REALESED