Bhed - 6 books and stories free download online pdf in Gujarati

ભેદ - 6

ભેદ-૬

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

સુચના : આ વાર્તાના પાત્રો તથા સ્થળ લેખકની કલ્પના છે. એનો જીવિત કે મૃત કોઈ વ્યકિત કે કોઈ વાસ્તવિકતા સાથે સબંધ નથી અને જો આમ થાય તો એ માત્ર એક સંજોગ સમજવો

ભેદ - ૬

હવે એની પાસે માત્ર ઘરેણાં અને મોબાઈલ ફોન જ બચ્યા હતાં! ફ્લેટની ચાવી એણે પોતાની પાસે જ રાખવાનો વિચાર કર્યો હતો. પાસે પડેલા પથ્થર વડે એણે બન્ને મોબાઈલ તોડીને કચડી નાખ્યા, અને એ અવશેષો અને ઘરેણાને જયેશની ગાડીમાં મુકેલી વોમીટીંગ બેગમાં મુક્યા. સળગાવી દીધેલ બેગ અને બેગમાંની વસ્તુઓ સંપૂર્ણપણે સળગી ગયાની ખાત્રી થતાં એણે ગાડી પુરપાટ ઝડપે નદી કિનારે દોડાવી. હવે રીમઝીમ વરસાદ શુરૂ થયો હતો. સલોનીએ વિચાર્યું કે સારું થયું પહેલાં વરસાદ ન પડ્યો! નહિતર આ બધું સળગવવામાં તકલીફ પડી હોત. અત્યારે પડતો વરસાદ એના માટે આશીર્વાદરૂપ હતો કારણ ઘટનાસ્થળે જો કોઈ પગરવના નિશાન બચ્યા પણ હોય તો હવે એ ધોવાઈ જવાના હતાં!

નદીકિનારે પહોચી એણે આસપાસ નજર દોડાવી, અર્ધી ઉપરાંત રાત વીતી જવાને કારણે ત્યાં કોઈ જ હતું નહિ. બોટ મળી હોત તો સારું આમ મનમાં સલોનીએ વિચાર્યું પણ હાલ એની પાસે સમય ન હતો. પગમાંથી ચપ્પલ કાઢી એણે પહેરેલે કપડે જ નદીમાં છલાંગ લગાવી અને નદીની અધવચ્ચે જઈ એ વોમીટીંગ બેગ ઊંડા પાણીમાં પધરાવી દીધી. આમ સંપૂર્ણપણે તમામ પુરાવાઓનો નાશ થઇ ગયો. હવે એણે ડરવાનું કોઈ કારણ ન હતું. બધા પુરાવા હવે એણે સફળતાપૂર્વક નષ્ટ કર્યા હતા. રાત્રીનો અંધકાર અને વરસતો વરસાદ એના માટે આશીર્વાદરૂપ હતા.

એણે વિચાર્યું કે “નરાધમોને સજા આપવા કુદરત પણ તેની વહારે આવી.”

ત્યાંજ એની નજર ગાડીના ડેસબોર્ડ આગળ મુકેલ ફ્લેટની ચાવી પર ગઈ. ચાવી જોતાં જ અનાયાસે એના મનમાં વિચાર આવ્યો કે જયારે બધું જ ફેંકી દીધું છે ત્યારે હેલીના આ નાનકડા ફ્લેટની વિદ્યા રાખીને શું કરવું છે? આજે નહીતો કાલે એ હેલીના ફ્લેટમાં જશે અને કોઈની નજરમાં આવી જશે તો ખોટી મુસીબતમાં ફસાઈ શકે છે. કારણ હેલીના ગુમ થયાની જાણ ક્યારેક તો થશે અને પોલીસ ગુમ થયેલ હેલીની શોધ પણ કરશે જ. પછી હેલી સાથે એના પતિના આડા સંબંધોની કડી જોડતા એ ખોટી શંકાના ઘેરાવામાં આવી જશે. એણે ચાવીનો ઘા નદીમાં કરવાનો વિચાર કર્યો પણ પાછો વિચાર આવ્યો કે હેલીના ફ્લેટમાં જયેશની કોઈ તસ્વીર હશે તો? હેલીની તપાસ કરતા પોલીસના હાથમાં એ ફોટોગ્રાફ્સ આવી જાય તો. પહેલાં હેલીના ઘરની તલાશી લઇ આવી ફોટોગ્રાફ્સ હોય તો મારે તેનો નાશ કરવો પડશે. આમ વિચારી એણે ત્યાંથી ગાડી હંકારી મૂકી.

હવે એ ગાડી લઇ સીધી ઘરથી દુર આવેલા એક વિશ્વકુંજ એપાર્ટમેન્ટ નામના છ માળ ઉંચા બિલ્ડીંગના પાર્કીગ લોટમાં આવી. ગાડી પાર્ક કરવા માટે જગ્યા જોવા નજર ફેરવી રહી. એપાર્ટમેન્ટના રહીશો માટે ફાળવેલી પાર્કિંગ સ્પેસ સિવાયની, કારપાર્ક થઇ શકે અને કોઈને નડતરરૂપ ન થાય તેવી જગ્યા જોઈ ત્યાં ગાડી પાર્ક કરી લોક કરી દીધી. બધું યોજનાસર પાર પડ્યું છે એનો સંતોષ થતાં એ ટેક્સી કરી શહેરના મોટા માર્કેટ પાસે આવી. ટેક્સીમાંથી ઉતરી થોડે દુર જઈ ઘર સુધીની બાકીની મજલ રીક્ષા વડે કાપી. રીક્ષાને પણ એણે ઘરેથી દુરના અંતરે ઉભી રખાવી. પછી ઘર ભણી ચાલતા જતાં રસ્તામાં આવતાં એક અવાવરું કુવામાં પોતાના ચપ્પલ ફેંકી દીધા અને ત્યાંથી જ તે ખુલ્લા પગે ચાલતી ચાલતી ઘરે આવી. ઘરે આવી એ સીધી પલંગ પર ફસડાઈ પડી અને અત્યાર સુધી ટકાવી રાખેલો જુસ્સો એકાએક ઉતરી ગયો પાંપણના બંધ છૂટી ગયા. આંખોમાંથી ચોધાર આંસુઓ વહી રહ્યા તેનું રૂદન આંક્રદનું સ્વરૂપ ધારણ કરી રહ્યું, ખુબ રૂદન કર્યા બાદ ન જાણે ક્યારે એની આંખોના પોપંચા ઢળી ગયા. એની આંખ મીંચાઈ ગઈ અને તે અત્યંત શ્રમને કારણે નિંદ્રાધીન થઇ ગઈ.

સલોની પરોઢિયું થતાં જાગી ગઈ. અને ઘરમાંથી પણ જયેશનું કોઈ પગેરું ન મળે એ રીતે એણે બારી બારણા, નકુચા આગળા, બેડરૂમના પલંગ, ડાઈનિંગ ટેબલ, તિજોરીઓ, ખુરશીઓ વગેરે કશુજ બાકી રહી ન જાય તે રીતે આખા ઘરની સાફસફાઈ કરી નાખી. અગાશી અને દરેક રૂમોની ફલોરીંગ તથા જ્યાં કંઈપણ જયેશના ઉપયોગમાં આવવાની શક્યતા હોય તેવી જગ્યાઓ પાણીમાં ફિનાઈલ નાખી ફિનાઈલવાળું પોતું ફેરવી સફાઈ કરી લીધી. ઘરનાં જુના બધા કાંસકા શોધી શોધીને કચરાપેટીમાં નાખ્યા! એની જગ્યાએ બજારમાંથી નવા કાંસકા લાવવાનું નક્કી કર્યું. ઘરની સાફસફાઈ કરવાનું કામ પુરું થયું એટલે એ ફટાફટ તૈયાર થઇ બહાર જવા નીકળી. એક રીક્ષામાં બેસી પહેલાં બજારમાં ગઈ. એક મોટા સ્ટોરમાંથી કાંસકા અને જરૂરી સામાન ખરીદી લીધો. મનમાં કંઈક વિચાર આવતાં બીજા વધારે કાંસકાઓ પણ ખરીદી લીધા. હવે રીક્ષામાં બેસી એ વિશ્વકુંજ એપાર્ટમેન્ટ પર ગઈ. આગલી રાત્રે એપાર્ટમેન્ટના પાર્કિંગ લોટમાં મુકેલી કાર પાછી પોતાને હસ્તક લઇ લીધી. ગાડી હંકારી ઘરેથી દુર આવેલા એક મદ્રાસીના ગેરેજમાં જઈ કારને એણે સર્વિસિંગ માટે સુપ્રત કરી. ગેરેજનો માલિક મદ્રાસી મોટી ઉમરનો અને જાડા કાચના ચશ્માં પહેરતો સ્થૂળકાય માણસ હતો. તેને સલોની એ કારની ચાવી સોંપતા જણાવ્યું કે હું મારી મમ્મીના ઘરે બે દિવસ રહેવા માટે જઉ છું ગાડી હું બે દિવસ રહીને પરત લઇ જઈશ.”

વળી ગેરેજથી રીક્ષા કરી સલોની સીધી રેલ્વે સ્ટેશન પહોંચી. ટીકીટવિન્ડો પર જઈ પિયરને ગામ જવાની ટીકીટ કઢાવી પ્લેટફોર્મ પર પહોંચી. થોડીવારમાં ટ્રેન આવી. ટ્રેનને ગંતવ્ય સ્થાને પહોંચતા સુધી સીટ ઉપર બેઠા બેઠા પોતે કરેલા દરેક કાર્યનું વિહંગાવલોકન કરી રહી. જેનાથી એને સંતોષ થયો.

એ બે દિવસ પિયરના ઘરમાં રહી તે દરિમયાન તાજી ખરીદેલી રેલવેની નવી ટીકીટ ફાડીને સળગાવી દીધી અને એની રાખને વોશબેસીનમાં વહેવડાવી દીધી. હવે બે દિવસ રહીને પાછા ઘરે આવ્યા પછી એણે પહેલુંકામ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ જયેશનો ફોટો આપી તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પછી પોતાના પર શંકા ન જાય એ માટે સલોની થોડા થોડા દિવસે જઈ પોલીસને જયેશ હજુસુધી કેમ નથી મળ્યો? એની નિયમિત ફરિયાદ કરતી રહી.

થોડાદિવસ વીત્યા બાદ જયારે સલોનીને લાગ્યું કે મામલો ઠંડો પડ્યો છે ત્યારે એણે હેલીના ઘરે જઈ તલાશી લેવાનું વિચાર્યું. આ વિચાર આવતાં જ તે ગાડી લઇ હેલીના ઘરે ઉપડી. હેલીના ઘરથી થોડેક દુર ગાડી ઉભી રાખી જાણે ગરમીથી બચવા માંગતી હોય એમ ઓઢણીથી એણે ચહેરાને ઢાંકી લીધો. અને એ હેલીના ૨૦૪ નંબરના ફ્લેટ તરફ આગળ વધી. ત્યાં પહોંચી કોઈ જોતું તો નથીને એની ખાત્રી કર્યા બાદ એણે હાથમાં ગોલ્ઝ પહેરી ઝડપભેર ફલેટનું તાળું ખોલી અંદર પ્રવેશી ગઈ. અંદર જઈ તે ઘરનાં કબાટ અને ડ્રોવરની તલાશી લેવા લાગી, તલાશી લેતાં સલોનીને હેલી અને જયેશના કઢંગી હાલતમાં કેટલાક ફોટોગ્રાફ જોવા મળ્યા. આવા ફોટાઓ જાણે પોકારી પોકારીને સલોનીને કહી રહ્યા હતાં કે તેં જે કર્યું તે બરાબર કર્યું છે. આંખમાં આવેલ આંસુને લુંછતા એણે એ ફોટોગ્રાફ્સ સાથે લાવેલ બેગમાં મૂકી. અને ફ્લેટની ડોરબેલ વાગી! સલોનીનું સમગ્ર અસ્તિત્વ ધ્રુજી ઉઠ્યું.

(આગળની વાર્તા જાણવા અને માણવા વાંચો ભેદ-૭)

Share

NEW REALESED