Vicharmadana Moti books and stories free download online pdf in Gujarati

વિચારમાળાનાં મોતી

વિચારમાળાનાં મોતી

રાકેશ ઠક્કર

આ પુસ્તકમાં મહાપુરુષો અને વિવિધ ક્ષેત્રના મહાન લોકો અને અનુભવીઓના વિચારોનું સંકલન કર્યું છે. સારા વિચારો વ્યક્તિને ઉર્ધ્વગતિ આપે છે જ્યારે ખરાબ વિચારોથી અધ:પતન થાય છે. સુંદર સુવિચારો આપણા મનને સુંદર બનાવવા સાથે આપણો વ્યવહાર પણ સારો બનાવે છે.

મણકો -૪

* અંધને રસ્તો બતાવવો, તરસ્યાને પાણી પાવું અને ભૂખ્યાને રોટલો દેવો એ શ્રેષ્ઠ દાન છે.

* જગતને મિત્ર બનીને જોશો તો સુંદર લાગશે અને શત્રુ બનીને જોશો તો કદરૂપ લાગશે.

* આપણે ગમે તે વસ્તુની ગમે એટલી ચર્ચા કરીએ, પણ આખરે એટલું તો ધ્યાનમાં રહેવું જોઈએ કે ચર્ચાને અંતે કંઈક ચોક્કસ કામ કરવાનું છે.

* દુનિયા આપણે માનીએ છીએ એટલી સાવ ખરાબ કે દુષ્ટ નથી. એ છે ત્યાંથી જલદી બહુ ઊંચે આવતી નથી, એટલી જ દુઃખની વાત છે.

* અજ્ઞાન દૂર કરવા માટે હજાર વરસની જરૂર નથી. ખોટા ખ્યાલો ને ભ્રમણાઓ છોડી દેતાં ઘણી વાર લાગે છે. પણ અજ્ઞાન તો પોલાણ જેવું છે, એને દૂર કરતાં વાર નથી લાગવાની. કોઈ ઓરડીમાં બસો વરસનું અંધારું હોય, પણ બારણું ખોલો એટલે અંધારું હતું-નહતું થઈ જાય.

* ‘રૂપિયા’ નામના ભૌતિક યુગના સૌથી ચમકદાર પદાર્થથી ઈમારતો, થિયેટરો, કૉમર્શિયલ સેન્ટર્સ, સરહદો, સત્તાઓ, અરે ! માનવીઓનાં શરીરો સુદ્ધાં ખરીદી શકાતાં હશે, પણ હૃદય ખરીદવામાં એ સૌથી ચમકદાર પદાર્થ નામે ‘રૂપિયો’ હજુ સફળ થઈ શક્યો નથી.

* મિલનનો સાચો આનંદ માણવા માટે વિયોગ પણ જરૂરી છે. ચોવીસ કલાક સાથે રહેનારાં યુગલો એકબીજા સાથે ફિજુલ ચર્ચાઓ કરી, સમજ કરતાં ગેરસમજ તરફ આગળ વધી, સમય કરતાં વહેલાં બુઢ્ઢાં થઈ જતાં હોય છે.

* જે ગરીબી આળસ, વ્યસન, મૂર્ખતા, અનીતિ અને નકામા ખર્ચાઓને લીધે આવી હોય તો જરૂર શરમજનક : એ સિવાયની ગરીબી માટે જરાય શરમાવાનું ન હોય.

* પાણી પણ ડૂબાડતા પહેલા બે વખત બચવાની તક આપે છે, કોઈને ખુલાસો કરવા માટેની એકાદ તક તો આપો.

* તમારી હાજરીથી જે લોકો કાંપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે.

* જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.

* બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો, એટલા મીઠાં ફળ ભવિષ્યમાં મળશે.

* આપણને સહુને સામે કિનારે પહોંચવાની ઉતાવળ બહુ જ છે, પરંતુ હોડીને હલેસા બીજા કોઈ મારી દે તો.

* સંસ્કારી મનુષ્યની વ્યાખ્યા કરવી હોય તો આ રીતે કરી શકાય : એ માણસ કોમના કે કુળના વિચાર કરતો નથી; એ વર્ણના કે જાતિના ભેદ કરતો નથી; એ પ્રદેશ કે ભાષાની ભિન્નતા પર ટકતો નથી. એ મનુષ્યને મનુષ્ય તરીકે જુએ છે, અખંડ મનુષ્ય તરીકે મનુષ્યની ભૂલ પર જ ધ્યાન કેન્દ્રિત કરે એ જેટલું ખોટું કરે છે એટલું જ મનુષ્યના કેવળ ગુણ પર ધ્યાન કેન્દ્રિત કરનારો ખોટું કરે છે. તે બંને, સત્યને આંશિક રૂપે જુએ છે. માણસને તેના સારા-નરસા સમગ્ર સ્વરૂપે જોવો અને સ્વીકારવો એ સંસ્કારિતાનું પ્રથમ લક્ષણ છે. કોઈ પણ સંસ્કારી મનુષ્ય જાણે છે કે પોતે જે કંઈ કરે એનો કમસેકમ એક સાક્ષી તો છે જ, તે સાક્ષી પોતે છે.

* દરેક સ્ત્રીનું સાચું ભૂષણ છે શીલવંત સ્વભાવ. સદાય લજ્જા અને વિવેકભરી મધુરવાણી રાખે તેનો ભારે આદર થાય છે.

* ઈર્ષ્યા અગ્નિ છે જે કરનારને બાળે છે ! અને અદેખાઈ મોટી ખાઈ છે તે કરનારને જ ખાબકવાનો સમય આવી જાય છે ! તે કોઈએ ભૂલવા જેવું નથી.

* સેવાનો અર્થ છે બીજાનું દુ:ખ જોઈ તેને હળવું કરવા પ્રેરાય અને પ્રયત્ન કરે, લોકોના હૈયાને સદા આશ્વાસન આપે. લોકોના અંતરમાં ઉત્સાહ અને ઉમંગ ભરી દયે તેનું નામ સાચી સેવા.

* આનંદની અને શોકની લાગણી તે જેવાં કર્મ કરે તેની સાથે સંયુક્ત હોય છે. સારાં કર્મો કરનાર આનંદ પામે છે અને માનવતાહીન કર્મ કરનારને સરવાળે શોક જ ભોગવવાનો રહે છે.

* પુસ્તકાલય વગરનું ઘર જળ વગરની નદી જેવું છે. પુસ્તકો મહામૂલ્યોવાળા ફર્નિચર કરતાં હજારોગણું માનવી માટે ઉપયોગી છે. પુસ્તકો તો આનંદદાયક સંગ કરાવે છે. નિરસ વાતાવરણને સરસ બનાવે છે. માનવીને વાચન નવી દુનિયાની સફર કરાવે છે જે અદ્દભુત હોય છે.

* માણસને સંતોની સભામાં જઈને પ્રવચન સાંભળવાનો સમય ન હોય તો પણ, નીતિથી ધંધો કરે, પારકી નિંદા ન કરે અને પોતાની બડાઈ ન કરે તો સંતના પ્રવચન જેટલો જ લાભ તેને સાંપડે.

* તમારી સાથે જે ચર્ચા કરવા આવ્યા હોય તેઓની વ્યવસાયની વાત હોય કે અન્ય વ્યવહારની વાત હોય પણ તેને ખંતપૂર્વક સાંભળો. એથી જ તેની અર્ધી હતાશા નાબૂદ થશે. પછી યોગ્ય જણાય તેવું તેને માર્ગદર્શન આપો. સામાને મહત્વ આપવાના ઘણાં રસ્તા હોય છે. તેમાં પ્રશ્નને અનુરૂપ પ્રત્યુત્તર મૂલ્યવાન ગણાય છે.

* શુભ કાર્ય કે અશુભ કાર્ય જેવું કંઈ નથી. ફકત શુભ મન અને અશુભ મન છે. અશુભ મન એટલે મનની અજાગૃત સ્થિતિ. શુભ મન એટલે મનની જાગૃત સ્થિતિ. જે કંઈ જાગૃતિ દ્વારા સંભવે છે તે સુંદર, નૈતિક છે, અને જે કંઈ જાગૃતિ વગર સંભવે છે તે અસુંદર, અનૈતિક છે. ફક્ત એક જ સદગુણ છે અને તે જાગૃતિ. તમારી જાગૃતતા જે કંઈ કરાવે તે કરો. એવાં કાર્યો ન કરો જે ફક્ત ત્યારે જ થઈ શકે જ્યારે તમે અજાગૃત હો. એવી ઘણી વાતો છે જે તમે અજાગૃત હો ત્યારે જ કરી શકો.

* બાળકોને તમે તમારો પ્રેમ આપો. વિચારો નહીં. કારણ કે એની પાસે એમના પોતાના વિચારો છે જ એને પ્રતિપાદિત થવા દો.

* વેઠ ઊતારનાર માણસ પોતે જ પોતાને વેઠિયાનો દરજ્જો આપતો હોય છે. કામદાર પોતાના કામમાં જ્યારે મન રેડે છે, ત્યારે તે કારીગર બને છે અને કામમાં જ્યારે હૃદય રેડે છે ત્યારે તે કલાકાર બને છે.

* પાનખર પછી હંમેશા વસંત આવે છે. કોયલના ટહુકાર, આંબે મંજરી, વૃક્ષે વૃક્ષે નવાં પાંદડાં, ફૂલ ફળ લ્હેરાવાનાં જ છે એટલે જીવનમાં જેવું દુ:ખ આવે તો તેને ગણકારશો નહિ. એનાં પાંદડાં ખરી જશે અને નવાં સુખનાં કૂંપળ ફૂટશે.

* વિશિષ્ટ વ્યક્તિત્વ ખીલવવા ચાહતા હોય તેવા યુવાનોએ કે માનવે સત્યને અને સમયને વફાદાર રહેવું જોઈએ. આથી અનેરી સફળતા હાંસેલ થતી રહે છે, જે જીવનમાં સુખ, શાંતિ અને સંતોષ આપે છે.

* માનવીએ જીવનને ત્રાજવે તોળતા પહેલા પ્રેમની વાત વિચારવા જેવી છે. પ્રેમમાં જ સાચી સરળતાની અને સફળતાની સુવાસ છે. સામાન્ય માણસ મનમાં આવે એમ દીધે રાખે કે બોલ્યે રાખે પણ સમજદાર માણસ તો સાચું શું તેની પ્રેરણા આપતો હોય છે.

* ગમે એટલાં નાણાં હોય પણ જિન્દગી કેમ આનંદથી પુરુષાર્થથી જીવવી તેનો હેતુ કે ગતાગમ વગરનો માનવી અબજોપતિ હોય તો પણ જીવન હારી જાય છે. એલ્વીસ પ્રેસલી પાસે અબજો ડોલર હોવા છતાં માત્ર બેંતાલીશ વરસે કાંઈ પણ પ્રવૃત્તિ કર્યા વગર મૃત્યુ પામ્યો. ગમે એટલું ધન, કીર્તિ કે વૈભવ માનવજીવન પાસે હોવા છતાં ગતાગમ વગરના અબજોપતિના હાલ બેહાલ થાય છે.

* સંસ્કારનો સાચો માપદંડ સાહિત્ય છે. વિનય-વિવેક અને પ્રસન્નતા આ તમામનું મૂલ્ય નિષ્ઠા છે અને તેની પ્રતિષ્ઠા સાહિત્યથી અંકાય છે. જે સત્યશીલ સાહિત્યના ગ્રંથનું વાંચન કરે છે તેવું જીવન સારું. એ જીવન મહામૂલ્યવાન બની જાય છે. પુસ્તક એ તો મહર્ષિની મૂડી ગણાય. લાખોનું ફર્નિચર વસાવનાર એકાદ કબાટ પુસ્તકોથી શોભાવે તો તેનું જીવનગૃહ પુસ્તકાલય કહેવાય.