Apeksha - 2 in Gujarati Love Stories by Prafull shah books and stories PDF | અપેક્ષા - Part 2

Featured Books
Categories
Share

અપેક્ષા - Part 2

પ્રકરણ - ૩

અચાનક આકાશની આંખ ખૂલી ગઈ. ક્યાં સુધી પડખાં ફેરવતો રહ્યો, પણ ઊંઘ ન આવી. નાઈટ-લેમ્પમાં જોયુ, તો વહેલી સવારનાં ચાર વાગ્યાં હતાં. તે ઊભો થયો, બારી ખોલી. મંદમંદ પવન પ્રવેશવા લાગ્યો. ચારે બાજુ દુધિયા રંગનો અંધકાર પથરાયેલો હતો. આકાશમાં તારા ટમટમી રહ્યાં હતાં. ચારેકોર નીરવ શાંતિ નો ઈજારો પથરાયેલો હતો. આકાશ રુમમાં આંટાફેરા મારવા લાગ્યો. તેણે કબાટ ખોલ્યું. એક ડાયરી શોધીને વાંચવા લાગ્યો. ડાયરીમાં હતી ના ભૂલાય એવી ક્ષણોની ઝલક!

ચાર વર્ષ પછી પહેલી વાર આ ડાયરી વાંચી રહ્યો હતો. પાર્ટીની રાતે લખેલું પાનું જોઈ રહ્યો હતો, જે આખરી લખાણ હતું. ત્યારબાદ તે ખોવાઈ ગયો સ્વપ્નનો સાકાર કરવાની દુનિયામાં રાતદિવસ.

પાર્ટી ચાલી રહી હતી. નિરુત્સાહ આકાશ અહીંતહીં ફરી રહ્યો હતો. ત્યાં મોનાએ કહ્યું, " આકાશ, આ છે મીસ. ત્રુપ્તિ. "

" હેલ્લો, મીસ. ત્રુપ્તિ.. ઈટ્સ એ ગ્રેટ પ્લેઝર મિટિંગ યુ"

" સેમ ટુ યુ. મિસ્ટર આકાશ.. બાય ધ વે તમે આમ એકલા એકલા? વિધાઉટ એની કંપની?"

આકાશે બહુ કંજુસાઈથી સ્મિત વેર્યું.

" ઓહ! પણ તમારામાં ઉત્સાહનો અભાવ છુપો રહી શકતો નથી. તમારી બોડી લેંગ્વેજ... અરે તમારાં કરતાં તમારા ભાઈભાભી, તમારાં માતાપિતામાં હરખનો વંટોળ ફરી વળ્યો છે.. "

" કેમ ના ફરે! સંતાનોની પ્રગતિમાં સૌથી આનંદ તેમેને જ હોય ને!"

" એની વે, લેટ્સ એન્જોય ધી મૂડ ઓફ પાર્ટી.. ડાન્સ કરીએ.. "

" નો થેંક્સ, મને મૂડ નથી "

" મારો અંદાજ સાચો નીકળ્યો. સાવ નીરસ છો... કદાચ હ્રદયનો એકાદ ખૂણો દાઝી ગયો લાગે છે. સાચો છે મારો અંદાજ મીસ્ટર આકાશ અમારો?"

" ના એવું કશું નથી. "

" તો પછી ચાલો ને, જરા એન્જોય કરીએ. તમને નવાઈ લાગતી હશે પ્રથમ મુલાકાતમાં હું આટલી બોલ્ડ ક્યાંથી?"

" ના રે ના. પણ તમારી મીક્સ થવાની કળા મને ધણી ગમી. હસતાં હસતાં આકાશે કહ્યું,

" થેંક્સ ફોર કોમ્પ્લીમેન્ટરી. પણ મને વન વે માં મઝા ન આવે. " આડીઅવળી વાતો કર્યાં પછી આકાશે કહ્યું, મીસ ત્રુપ્તિ,તમે એન્જોય કરો, હું જરા.. "

" કેમ મારી કંપની નથી ગમતી કે?"

" તમે તો માન ન માન મૈં તુમ્હારા મહેમાન જેવી વાતો કરો છો. " હસતાં હસતાં આકાશે કહ્યું. "

" ઓહ ! તમારા મુખડાનાં હાવભાવ પરથી એટલું જરુર કહી શકું કે.. "

" શું?" અચરજથી આકાશે પૂછ્યું.

" તમે તો પંકચર પડેલાં ટાયર જેવાં છો ! બાયબાય.. ફરી મળશું.. બહુ જલ્દી જલ્દી મળશું ઇફ યુ થીંક,, "

આ શબ્દો આકાશ અઠવાડિયાં સુધી વાગોળતો રહ્યો. " પંકચર પડેલાં ટાયર જેવાં છો તમે" વાંચતાં એની આંખની આસપાસ ક્ષણભર ત્રુપ્તિ ફર્રી વળી. તે ઊભો થયો. ચાર વર્ષ વીતી ગયાં હતાં. બારી બહાર જોતાં જોતાં વિચારવા લાગયો. શું કરતી હશે અપેક્ષા? ક્યાં હશે? તે પલંગ પર પડ્યો. એનાં દિલદિમાગ પર અપેક્ષાએ કબજો લીધો. કદાચ એકાદ બે સંતાનોની માતા બની ગઈ હશે.. વિચારતાં વિચારતાં નીંદરમાં સરી પડ્યો.

ઈંટર કોમની ઘંટડી રણકી ઊઠી. તે જાગી ગયો. રિસીવર લીધું. નર્સ હતી.

" સર એક ઈનકમીંગ પેશન્ટ સીરીયસ છે, બેહોશ છે. "

" જસ્ટ કમીંગ, તૈયારી કરો. "

***

પાર્ટીમાં જ આકાશનું સ્વપ્ન સાકાર થયું. ડો. વરુણ શાહે દિશા શહેરમાં આવેલી પોતાની હોસ્પિટલ " દષ્ટિ " ચલાવવાની ઓફર આકાશને આપી. નાદુરસ્ત તબિયતનાં લીધે પોતે ધ્યાન આપી શકતા નથી, એમ જણાયું. ત્યારે જ આકાશે મનોમન નક્કી કરી લીધેલું કે તે જશે જ. છતાં જવાબ આપ્યો, " લેટ મી થીંક.. એકાદ બે દિવસ માં જણાવીશ. "

" મારી સીક્સથ સેંસ કહે છે કે તમે જરુર મારી ઓફર સ્વીકારશો. "

મુંબઈ જેવું શહેર છોડીને આકાશ દિશા જેવા નાના શહેરમાં જાય એ વાતથી ઘરમાં ધરતીકંપ સર્જાઈ ગયો. ઘરમાં જ નહીં પણ આકાશનાં મિત્રમંડળમાં પણ શોક ફરી વળ્યો. આખરે હસતાં હસતાં સંજોગો જોડે સમાધાન કરી સૌએ શુભકામનાં અને આશિષ આપી આકાશને પોતાના માર્ગે જવા દીધો.

જોતજોતામાં આકાશનું નામ ચારેબાજુ પ્રખ્યાત થતું ગયું. આજુબાજુનાં મોટા શહેરમાંથી દર્દીઓ ત્યાં જવા લાગ્યાં.

ડો. વરુણ નાદુરસ્ત તબિયત છતાં આકાશને સતત પ્રોત્સાહિત કરતાં. એક સવારે ડો. વરુણ શાહે આકાશને એક કવર આપ્યું.

" આ શું ?"

" મારું સ્વપ્ન.. મારું નાનું શું બાળક જે તારા હાથમાં વિકસી રહ્યું છે તેનો હવાલો હવે તને સોપું છું. આ છે એગ્રીમેન્ટનાં પેપર... બધું જ તારા નામે કર્યું છે. મારાં જીવનનો ભરોસો હવે રહ્યો નથી. વેલ ડન માય બોય.. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. "

શું કહેવું ? કેમ કહેવું ? આકાશ કશું જ ના સમજી શક્યો. જોઈ રહ્યો અનિમેષ દષ્ટિથી ડો. વરુણ શાહને.

***

" સર, વી આર રેડી. " આકાશને જોતાં જ આસ્ટિં. ડોક્ટરે કહ્યું. આકાશ રિપોર્ટ વાંચી રહ્યો હતો. દર્દીની બંને કિડની કામ કરતી ન હતી.

’ ઓ હ ભગવાન.. !" દર્દીને જોતાં જ આકાશ ચોંકી ઊઠ્યો.

" સિસ્ટર,સોલ્ટ એકદમ ઘટી ગયું છે. ગીવ ઈટ અરર્જન્ટલી.. મને જાણ કરો.. "

આકાશ એની કેબિનમાં ગયો. ફસડાઈ પડ્યો.

" અપેક્ષા! અપેક્ષા તું આવી હાલતમાં ! " માંડ માંડ સ્વસ્થ થઈ અપેક્ષાની ફાઈલ વાંચવા લાગ્યો. ડો. તૃપ્તિ નો રેફરન્સ જોતાં વધુ ચોક્યો.

" ડો. તૃપ્તિ?"

" હલ્લો ડો. આકાશ, વોટ અ સરપ્રાઈઝ... !"

" ડો. તૃપ્તિ, મિસીસ અપેક્ષા.. "

" હા, બોલો. મેં જ તારું નામ સજેસ્ટ કર્યું હતું પણ શું તે આવી છે ?"

" આવી છે પણ બેડ પર છે. કંડિશન પણ નોર્મલ નથી, એનો રિપોર્ટ. "

વચ્ચેથી તૃપ્તિ બોલી ઊઠી, " મારા રિપોર્ટમાં સંશય છે?"

" નોટ એટ ઓલ.. ઠીક છે. " કહી ફોન મૂક્યો.

ફરી ફોન રણક્યો.

" આકાશ, ખરેખર તું શું પૂછવા માંગે છે ?" આકાશ કેટલી ક્ષણો ચૂપ રહ્યો. " ડો. આકાશ, તમે કેમ કશું બોલતા નથી ? ખરેખર તું પંકચર પડેલા ટાયર જેવો છે ! બાય ! હસતાં હસતાં તૃપ્તિએ ફોન મૂક્યો.

આસિ. ડો. અને નર્સના ઘેરા વચ્ચે આકાશ અપેક્ષાની સારવાર કરી રહ્યો હતો. એની કંડિશન નોર્મલ થતાં જરૂરી સૂચના આપી, આકાશ પોતની કેબીનમાં બેસી વિચારોનાં ચકરાવામાં ચઢી ગયો. અચાનક ફોન કર્યો એનાં ભાભીને.

ભાભીનો અવાજ સાંભળી આકાશ બોલ્યો, " ભાભી, તમને એક સરપ્રાઈઝ સમાચાર આપું ?"

" આપો આપો એનાં માટે રાત દિવસ ઈંતજાર કરું છું. "

" ચોંકી ઊઠશો. "

" કહો તો ખરા. "

" ભાભી, અપેક્ષા મારી સામે છે!"

" શું વાત કરો છો ?" તેમનાં અવાજમાં ધૂજારી હતી, ધૂજારીમાં અકલ્પનીય ડર!

" વાત પણ ગંભીર છે. ભાભી, એની બંને કિડની ફેલ છે. લાસ્ટ સ્ટેજ પર છે. " કહી આકાશ નાના બાળક્ની જેમ રડી પડ્યો.

" આકાશ, આકાશ... "સામે છેડેથી એનાં ભાભી નો ઉત્તેજિત સ્વરે બોલી રહ્યાં હતાં.

***

પ્રકરણ ૪

" કેમ લાગે છે અપેક્ષા હવે?" આકાશે ધીમેથી અપેક્ષાને પૂછ્યું. અપેક્ષાએ ધીમેથી આંખો ખોલી, બેસવાનો પ્રયત્ન કર્યો. આકાશે ટેકો આપ્યો.

" ડો. સાહેબ... પહેલાં કરતાં સારું લાગે છે.. " વહેલી સવારે ડોક્ટરને જોતાં નર્સ હાંફળીફાંફળી એ તરફ દોડી આવી.

" ગુડ મોર્નિગ ડોક્ટર સાહેબ. " નર્સે સ્વસ્થતા પ્રાપ્ત કરી કહ્યું.

" ગુડ મોર્નિગ સિસ્ટર, ડોન્ટ વરી,. પ્લીઝ ડુ યોર રુટિન વર્ક. " હસતાં હસતાં આકાશે જવાબ આપ્યો.

" રાતભર જાગતાં રહ્યાં છો? "

આકાશે વહાલ ભર્યું સ્મિત ફરકાવ્યું.

" આંખો લાલ ઘૂમ કંકુ જેવી છે. "

" અપેક્ષા, રાત નહીં રાતોભર જાગતો રહ્યો છું.. તારાં ખ્યાલોમાં, તું શું કરતી હશે, તું ક્યાં હશે,હોઠ પર ભમરાંની પેઠે સતત તારા નામનું ગુંજન... "

અચાનક આકાશનાં ચહેરાં પર મૌન છવાઈ ગયું. બંને જણ એકમેકને જોતાં રહ્યાં. એ મૌનમાં હજારો પ્રશ્નો અફરાઈ રહ્યાં હતાં ઉછળતાં મોજાઓની જેમ.

" તું અહીં કેવી રીતે ? "

" અભાર, તમે માંથી તું પર આવી ! અપેક્ષા જિંદગી ના સમજાય એવી છે... કોયડાઓનું જાળું છે. એક ઉકેલો ત્યાં બીજું આવીને ઊભું રહે, જિંદગી સુધી ઉકેલતાં રહો, ઉકેલતાં રહો! છતાં જીવવું પડે છે !"

" આકાશ, તારા મોઢામાં નિરાશા ભરી વાણી શોભતી નથી. તે જિંદગી સજાવવાનો ભેખ લીધો છે. એ ના ભૂલ. તું આ રીતે વિચારીશ તો કદાચ આજનો દિવસ છેલ્લો હશે. "

" જેવી તારી ઈચ્છા... અપેક્ષા... ચાર ચાર વર્ષો મેં જે કાઢ્યા છે તે તું નહીં સમજી શકે. તને ભૂલવા જેમ જેમ જાઉં છું તેમ તેમ તારી યાદ મને ધેરી વળે છે..

અને મળી તો આ દશામાં. "

" આકાશ તને જલદી છૂટકારો મળશે જ.. મારું આયુષ્ય બહુ બહુ તો ચારથી પાંચ મહિનાં છે.. " નિશ્વાસ નાખતાં અપેક્ષાએ કહ્યું.

" ભગવાન કરે મારી ઉંમર તને મળે. "

" તારે હજી ધણું જીવવાનું છે. મારા જેવી પીડિતોને તારે નવજીવન આપતાં રહેવાનું છે... એના ભૂલ... "

" સર, ફોન છે. "

" મળું. " કહી આકાશ ત્યાંથી ગયો.

" બોલ, તૃપ્તિ. "

" શું નવા પેશન્ટ જોડે હતાં કે?"

" હા. "

" આકાશ દુ:ખ થાય છે, પણ મને કાંઈ ઈમ્પ્રુવ્મેન્ટ જેવું લાગતું નથી. મને પણ શોક લાગ્યો. વિચારતી રહી કુદરત ઉપર. પણ વાસ્તવિકતા સ્વીકારવી પડે છે.

સંસારી તો છૂટી જાય છે, પણ આપણે જાણતાં હોવા છતાં પીગળતાં બરફને જોયા કરવાનો અસહાય બની ને ! આ પીડા ખરેખર ત્રાસદાયક હોય છે આપણા માટે. "

" તું આટલી બધી ઈમોશનલ ?"

" આકાશ દરેક હાસ્ય પાછળ પીડા હોય છે. પીડાને ભૂલવા હસવાનો દંભ કરવો પડે છે. "

" તૃપ્તિ એક ડોક્ટર તરીકે ક્યારેય આશા ના છોડવી જોઈએ. કુદરતમાં આપણી ધારણાં કરતાં બીજું ધણું છુપાયેલ હોય છે જે આપણી સમજની બહાર હોય છે !"

" ડો. ઠીક છે, સોચ અપની અપની. હતાશ માનવી હંમેશા નશીબ, ચમત્કાર જેવી તરંગી દુનિયામાં રાચતો હોય છે, જે હંમેશા પરપોટા જેવા હોય છે. એનીવે, મેં સાંભળ્યું છે કે નવા પેશન્ટ જોડે તારો કંઈક વધુ પડતો... " વચ્ચેથી આકાશે કહ્યું, " તૃપ્તિ, મારા માટે દરેક પેશન્ટ એ પેશન્ટ છે. મારું એટેચમેન્ટ

દર્દી જોડે નહીં પણ એનાં દર્દ તરફ હોય છે સમજી ? "

" ખરેખર ? તો.. તો મારે પણ આવવું પડશે તારી હોસ્પિટલમાં એક દર્દી બનીને... મને પ્રેમરોગ વળગ્યો છે.. ઈલાજ કરી દે મારો.. "

" વોટ અ ફની.. સવારે સવારે ?"

" જ્યારથી તને જોયો છે ત્યારથી... પણ તને મારું દર્દ ક્યાં દેખાય છે.. અને હવે તો પ્રતીક્ષા છે તારી સામે.. "કહી ફોન મૂકી દીધો.

" ફોન કેમ મૂકી દીધો ? તૃપ્તિ સાંભળ, પ્રતીક્ષા પરણેલી સ્ત્રી છે. મારી સામે પ્રતીક્ષા પ્રેમિકા નહીં પણ દર્દી તરીકે છે.. ડોન્ટ મીસ ક્વોટ.. "

***

" સર, આજે મુંબઈથી ડેલિગેશન આવવાનું છે, એક કલાકની વાર છે. "

" થેંક્સ, તમે મારું કેટલું બધું ધ્યાન રાખો છો. હું તૈયાર થઈને આવું છું. "

ઘણી ચર્ચાવિચારણાં પછી સૌનો એક જ અભિપ્રાય આવ્યો. " ડો. આ લાસ્ટ સ્ટેજ છે.... બાકી તો ગોડ ઈઝ ગ્રેટ... ! "

" રીયલી, ગોડ ઈઝ ગ્રેટ !" કહી આકાશે આકાશ તરફ નજર માંડી. જોઈ રહ્યો હતો ટમટમ તારલિયાં.. ગણાય ગણાય નહીં તોય મારી છાબડીમાં માંય.. એ કાવ્ય પંક્તિ ગણગણી રહ્યો હતો.

એક સવારે આકાશ તૃપ્તિની લેબમાં જઈ ચડ્યો. આકાશને જોતાં તૃપ્તિ ચોંકી ઊઠી.

" વોટ એ પ્લેજર... આઈ થીંક ધેર ઈઝ નો ડેન્જર. " આવકાર આપતાં તૃપ્તિએ કહ્યું.

આકાશ તૃપ્તિને જોઈ રહ્યો. પાર્ટીમાં જોયેલી તૃપ્તિ અને સામે બેઠેલી તૃપ્તિમાં આસમાનજમીનનો ફરક લાગતો હતો. પહેલી વાર જોઈ ત્યારે ઊછળતી કૂદતી ઝરણાં જેવી લાગતી હતી, અત્યારે ધીર ગંભીર છતાં મારકણાં સ્મિતમાં છલકાતી જાજરમાન સ્ત્રી જેવી !

" બેસો, ડો. આકાશ આમ મને જોયા શું કરો છો !" આકાશે હસીને બેઠક લીધી.

" વા.. ઉ.. ધન્ય થઈ ગઈ તમારા ચહેરા પરની બહાર જોઈને ! બહારો ફૂલ બરસાવો.. કેમ ખરુંને ! પાવન થઈ ગયું મારું લેબ તમારા પાવન પગલાંથી. "

" થેંક્સ.. વંડરફૂલ સજાવટ, જેવી તું તેવી તમારી કેબિન, બ્યૂટીફૂલ ! લવલી. "

" આમ અચાનક.. ?"

" તૃપ્તિ, મારે આર. એફ. ટી. કરાવવું છે. "

" ઓહ ! શા માટે ? એની સીરીયસ મેટર ?"

" નો.. નો... જસ્ટ રુટિન.. "

" પણ તમે.. તું કંઈક દ્રિધામાં છે, કંઈક કહે તો ખબર પડે.. "

" તૃપ્તિ, પ્લીઝ કશું ના પૂછ. તું શું કરીશ ?"

રીયલી તું એક કોયડો છે ! કાલે તૈયાર થઈ ને આવી જજે. "

રિપોર્ટ લેવા આકાશ જ્યારે લેબમાં પહોંચ્યો ત્યારે તૃપ્તિ ચોંકી ઊઠી.

" તું તો ભારે અધીરો.. ફોન ઉપર ફોન.. આકાશ મારો તારા પર કોઈ અધિકાર નથી પણ મારા પ્રશ્નનો ઉત્તર આપ. આ રિપોર્ટનો મતલબ શું છે ? મારા માટે તારા હ્રદયમાં થોડી પણ જગ્યા હોય તો ઉત્તર આપ.. તારો ચહેરો, તારી લાલઘૂમ આંખ, તારી તનાવગ્રસ્ત રેખાઓ, શું મારી જાણ બહાર નથી ?"

" પણ મારો રિપોર્ટ ?"

" લે આ કવર.. વાંચી લેજે. " ક્યાંય સુધી ખામોશી છવાઈ ગઈ. આકાશ ટેબલ પર પેપરવેઈટને ફેરવતો રહ્યો.

" તૃપ્તિ, હું મારી એક કિડની ડોનેટ કરવા માગું છું. "

" આર યુ મેડ ?"

" નો, નો, નો,.. આઈ એમ ઓ. કે. "

" પણ કોના માટે ?"

" મને ખબર નથી. "

" વોટ રબીશ આનસર!? તું ખોટું બોલે છે.. યુ આર લાયર. "

" કદાચ તું અનુમાન લગાવી શકે છે.. "

" નેવર, હું પોતે ઉલઝનમાં છું. તારી આવી વર્તણૂકથી... "

" સોરી, પ્લીઝ રીલેક્સ... " આકાશ ઊભો થઈ આંટા મારવા લાગ્યો.

" એટલે તારી કિડની તું અપેક્ષાને ડોનેટ કરવા માંગે છે.. ?"

" મને ખબર નથી, હું સફળ થઈશ કે નહીં એની પણ. "

" કોયડ પર કોયડા.. "

" કશું સમજાતું નથી તને કેમ સમજાવું.. "

" આકાશ, તારે કહેવું પડશે જ.. "

" તૃપ્તિ, અપેક્ષા મારા જીવનમાં આવેલી એ જ વ્યક્તિ છે ! જેણે મારી રાહ પણ ના જોઈ.. "

" શું વાત કરી રહ્યો છે આકાશ !" કહેતાં તૃપ્તિ ઊભી થઈને આકાશને જોઈ રહી.

***

પ્રકરણ ૫

આંખો ખોલી ત્યારે તે ચોંકી ઊઠ્યો. એણે ધાર્યં હતું કે તે આંખો ખોલશે ત્યારે પીડાનો અનુભવ કરશે, ગ્લુકોઝનો બાટલો હશે, આસપાસ સંબંધીઓનું ટોળું હશે, પણ આ શું ? હતી એ રોજિંદી સવાર.

" ગુડ મોર્નિં સર.. "

" આ બધું શું છે સિસ્ટર ?"

" સર, આ બધું એટલે ?"

" શું તમે નથી જાણતાં ?"

" સર. છેલ્લે છેલ્લે બધી ગડબડ થઈ ગઈ.. તમારો રિપોર્ટ નોરમલ ન હતો.. "

" પણ.. "

" પણબણ કશું નહીં. ઓપરેશન સફળ થઈ ગયું છે.. !"

" ઓહ.. કશું સમજાય એવું બોલો. "

" તમારી જગ્યાએ ડો. તૃપ્તિએ પોતની કિડની ડોનેટ કરી છે. "

" તમે શું કહો છો ?" કહેતાં આકાશ ઊભો થઈ ગયો.

" પ્લીઝ, લીવ મી અલોન.. " કહેતાં રૂમમાં આંટા મારવા લાગ્યો.

***

ધીમા પગલે આકાશ તૃપ્તિનાં લેબ પર પહોંચ્યો. રિશેપ્શનમાં આવકાર મળ્યો.

" કેમ ?"

" છેલ્લાં પાંચસાત દિવસથી નથી આવતાં. ના ફોન ના પેશન્ટ. "

" ઓહ.. અને મેડમનો મોબાઈલ પણ સ્વીચ ઓફ છે ?"

" યસ ડોક્ટર સાહેબ. "

ક્યાં જવું એ ગડમથલમાં ગાડી સ્ટાર્ટ કરી. એક ચાન્સ લઈ લઉં એમ મન મનાવી તૃપ્તિનાં ઘર તરફ ગાડી હંકારી મૂકી. "

" આવો સાહેબ. "

" મેડમ ઘરમાં છે?"

" હમણાં જ આવ્યાં છે, ચેન્જ કરે છે. બેસો. "

ચારે તરફ નજર ફેરવી, કશેક જવાની તૈયારી ચાલતી લાગે છે.. એવું અનુમાન આકાશે કર્યું.

" ઓહ! કેમ છો ? " તૃપ્તિએ પૂછ્યું.

" હું ઠીક છું. તે તો બહુ મોટી છલાંગ લગાવી ?"

" મરજીવાની છલાંગ હંમેશા ઊંચી હોય છે. "

" ક્યાં જવાની તૈયારી ચાલે છે ?"

" યુ. એસ. એ. પાસપોર્ટ, વીઝા વગેરેની ધમાલમાં.. "

" ટૂર?"

" ના, ત્યાં જ શિફ્ટ થવા માંગુ છું. "

"ઓહ. "

" પણ તને કોઈ ફરક પડવાનો નથી. " થોડી ક્ષણો મૌન પથરાઈ ગયું. વાતને હાથમાં લેતાં તૃપ્તિએ પૂછ્યું," બધું નોર્મલ છે ?"

" ના બધું અસ્ત્વ્યસ્ત થઈ ગયું છે ! હું મારાં વિચારો, બધું જ. પણ હું એક વાત પૂછવા માંગું છું. "

" પૂછ એમાં મૂંઝાય છે કેમ? "

" આ તે શું કર્યું ? શા માટે કર્યું ?"

" તું જે કરવા માંગતો હતો એ વસ્તુ મેં કરી. એમાં આટલો અકળાય છે કેમ ?"

" ક્યાં સંબંધના આધારે ?"

" સંબંધ તારો ને મારો વચ્ચે આવ્યો. તું જે આગ માં ઝંપલાવા તૈયાર થયો હતો એ આગમાં તારં અસ્તિત્વ ઓગળી જવાનું હતું.

" તું નોર્મલ ન હતો. તારો રિપોર્ટ ખોટો હતો. તારો રિપોર્ટ જાણ્યા બાદ મેં નિર્ણય લઈ લીધો હતો કે મારે શું કરવું જોઈએ અને તને છેલ્લે સુધી કશું ના કહેવું.

તું એને અને હું તને ચાહું છું. કદાચ એટલે પ્રેમ આંધળો કહ્યો છે!" તૃપ્તિ આકાશ સામે જોઈ મરકમરક હસી રહી હતી. ’ મારી એક કિડનીથી જો અપેક્ષા જીવતી રહેતી હોય તો ચાન્સ લેવામાં શું વાંધો? તારો ચમત્કાર જો કામ કરી જાય તો ગંગા નાહ્યાં. તારી શ્રધ્ધા કામ કરી ગઈ. હું મરું કે જીવું, તને કોઈ ફરક નથી પડવાનો.. અને જીવનમાં મને કોઈ રસ પણ હવે નથી. "

" તૃપ્તિ, હવે બસ કર, મને ગલત ના સમજ. હું વાસ્તવિકતા સમજું છું, અપેક્ષા આજે એક પરણિત સ્ત્રી છે, સમાજનાં નીતિનિયમોને હું જાણું છું. એનાં જીવતર, એનાં સંસાર ઉપર ડાધ ના લાગે એની પરવા મને છે. હા, હું એને ચાહતો હતો, આજે પણ ચાહું છું,પણ ચાહત ચાહતમાં ફરક હોય છે.. તે એક પ્રિયતમાં હતી, આજે તે એક હિતેચ્છુ છે. એથી વિશેષ કશું નહીં સમજી લે. "

" અને હું એક ડોક્ટર છું, જે તારે મન બિઝનેશ રિલેશન.. કેમ ખરું ને?"

" જ્યાર્થી અપેક્ષાએ લગ્ન કર્યાં છે ત્યારથી મારા દિલદિમાગમાંથી એની યાદો વરાળ થઈને ઊડી ગઈ છે. કોણ જાણે કેમ મારી આસપાસ એક નવી જાળ બંધાઈ ગઈ છે તારા નામની, તારા પ્રેમની. "

" પ્લીઝ, આકાશ, પ્લીઝ સ્ટોપ, મેં કિડની ડોનેટ કરી એટલે.. "

" ના, તૃપ્તિ. બદલો વ્યાપારી માણસ કરે,હું એવો ગણતરી બાજ વ્યાપારી નથી. "

" પણ હું નથી ઈચ્છતી કે આપણા લગ્ન જેવા પવિત્ર સંબંધો ને ઉપકારનાં ભાર નીચે બાંધી લઈએ. હું તારા વગર પણ જીવી શકીશ. આપ્ણાં આ સંબંધો અકબંધ રહેશે ; જે પ્રમાણે રહ્યાં છે એ પ્રમાણે.. મારે તારી સાથે ઊડવું હતું, તારી સાથે ગાવું હતું, હાય, મારું કિસ્મત વાંકું કે રુઠ્યો મારો વાલમ. ! જેને હું ચાહું છું. "

આંખોમાં આંસુ સાથે તૃપ્તિ સોફા પર બેસી રહી.

" મેડમ મને માફ કરો ! તું માને કે ના માને હું એવો નિષ્ઠુર નથી. સાચું કહું જે શબ્દો મારા હોઠો પર રમતાં હતાં તે શબ્દો તારા હ્ર્દય રૂપી જામમાં ઠાલવી ના શક્યો! હું તને ક્યારે પ્રેમ કરી બેઠો એ હું પોતે સમજી ના શક્યો. "

" ઠીક છે આકાશ. " સ્વસ્થ થઈ તૃપ્તિએ કહ્યું, " એની વે, હવે હું કાયમ માટે શિફ્ટ થઈ રહી છું. ગુડ બાય આકાશ.. પળ બે પળ સાથે વિતાવી તેને એક શમણું ગણી ભૂલી જજે.

" તૃપ્તિ, શમણાં બધાં ભૂલી જવા માટે હોય છે એ કબૂલ પણ જ્યારે એ શમણું પાંપણ પર હિલોળા મારતું હોઠ પર ગૂંજતું હોય, ભમરાની જેમ ત્યારે ?"

" ત્યારે શું ? સમયની સાથે બધું વહી જશે સમજ્યો? અને તું અનુભવી ક્યાં નથી?"

આકાશ તૃપ્તિને બાઘાની જેમ જોઈ રહ્યો અને તૃપ્તિ આકાશને. તૃપ્તિ ઈચ્છતી હતી કે કદાચ આકાશ તેને બાહુમાં લઈ મનાવી લેશે અને આકાશને લાગ્યું કે અત્યારે તૃપ્તિનું રૌદ્ર સ્વરૂપ છે તો મનાવાનો કોઈ અર્થ નથી. કદાચ શાંત થશે ત્યારે જોઈશું.

" ઠીક છે, જેવી તારી મરજી.. કહેતાં આકાશ ઘરની બહાર નીકળી ગયો.

ઊભો રહે આકાશ.. શબ્દો તૃપ્તિનાં અર્ઘ ખૂલ્લાં હોઠ પર જ ઓગળી ગયાં. કશુંક ખોટું થઈ ગયું છે એવો અહેસાસ તૃપ્તિને થતાં લિફ્ટ તરફ દોટ મૂકી પણ આકાશ ત્યાંથી નીકળી ગયો હતો.

***

ડોરબેલ વાગતાં તૃપ્તિ દરવાજા તરફ દોડી. કદાચ આકાશ હશે.. પણ દરવાજો ખોલતાં જ તે આશ્વર્ય પામી. " વોટ સરપ્રાઈઝ ! પપ્પા તમે !"

" દીકરી બે દિવસથી હું અહીં જ છું, તને લેવા આવ્યો છું, રેડી છે ને?"

તૃપ્તિ કશું બોલી નહીં. પપ્પાનાં ખભા પર માથું ઢાળી મોકળાં મને રડી પડી.. ક્યાંય સુધી તેનાં પપ્પા માથે તેનાં માથે હાથ ફેરવતાં રહ્યાં.

" બેટા રડી લે, રડાય એટલું. ફરી વાર આવો ખભો મળે ના મળે.

" પપ્પા, આવું તમે કેમ બોલો છો ?"

" શું કહું બેટી,જ્યાં સુધી દીકરીનાં હાથે મીંઢળ ના બંધાય ત્યાં સુધી એનાં બાપને ઊંધ ના આવે.. "

" પપ્પા, મારાં પરણવાનો વિચાર ભૂલી જાવ હમણાં.. "

’" શા માટે ? એક ઓફર આવી છે.. ઘર, વર બધું જ સારું છે.. "

" પ્લીઝ પપ્પા.. "

" તો પછી ક્યારે.. નથી પરણવાનું?"

" શું જીવનમાં લગ્ન જ સર્વસ્વ છે ?"

" હમણાં તને નહીં સમજાય.. "

" પ્લીઝ, પપ્પા, નો ક.. મેન્ટ.. આ વિષયે.. "

" જ્યારે સમજાશે ત્યારે મોડું થઈ ગયું હશે. "

" હું સમજવા નથી માંગતી અત્યારે.. "

" જો બેટા, એ આવી રહ્યો હશે. જરા જોઈ લે, મન માને તો ઠીક, ન માને તો ઠીક.. ક્યાં આજે ને આજે બંધાઈ ગયાં.. એક વાર મારી વાત તો માન માય સ્વીટ બેબી.. "

" પપ્પા તમે પણ જિર્દિ છો. "

" ચોક્કસ, તારા જેવો જ.. "

" નો જબરદ્સ્તી. "

ત્યાં જ ડોરબેલ વાગી. જે ઝડપથી ઘટના આકાર લઈ રહી હતી તેનાથી તૃપ્તિ આશ્વર્ય પામી રહી હતી. કોણ હશે નવો મૂરતિયો, દેખા જાયેગા, આગે આગે. એ વિચારે તૃપ્તિનાં હ્ર્દયનાં ધબકારા વધી ગયાં. પરસેવાનાં બુંદ બાઝી ગયાં કપાળ પર.

તૃપ્તિનાં પપ્પાએ કહ્યું, " રહેવા દે, હું જ દરવાજો ખોલું છું. "

" વેલકમ ડો. આકાશ. " દરવાજોન ખોલતાં જ તૃપ્તિનાં પપ્પાએ આવકાર આપ્યો.

" તૃપ્તિ, મીટ માય ફેવરીટ પરસન ડો. આકાશ. "

" ઓહ માય ગોડ !" તે જોઈ રહી આકાશને, આકાશ સ્તબ્ધ બની જોતો રહ્યો બંને જણાને.

" બેટા મારી દીકરીએ પોતાની કેરીઅર બનાવવા ડો. વરુણ શાહનું નામ ડીલીટ કરી નાખ્યું હતું. પોતાની હોંશિયારીથી નામ, કેરિયર બનાવવા માંગતી હતી. આઈ એન પ્રાઉડ ઓફ માય ડોક્ટર તૃપ્તિ.. " થોડી ક્ષણો મૌન છવાઈ ગયું.

આકાશ ધીમા પણ મક્કમ પગલાં ભરતો તૃપ્તિ તરફ ફર્યો. તૃપ્તિ આકાશ તરફ પગલી ભરવા લાગી. ડો. વરુણ આ દ્શ્ય જોઈ રહ્યાં.

રૂમાલથી આંસુ લૂછતાં લૂછતાં.. બંને જણ એકબીજાની બાહુઓમાં સમાતાં જોઈને ડો. વરુણ શાહના મુખમાંથી ઉદ ગાર સરી પડ્યાં,

" વોટ એ બૂટિ ઓફ લવસ્ટોરી લાઈક અ ડ્રીમ.. ! "

સમાપ્ત

પ્રફુલ્લ આર શાહ.