Sorthi Baharvatiya in Gujarati Fiction Stories by Zaverchand Meghani books and stories PDF | સોરઠી બહારવટીયા - ભાગ-1 - સંપૂર્ણ

સોરઠી બહારવટીયા - ભાગ-1 - સંપૂર્ણ

સોરઠી બહારવટિયા

ભાગ - ૧

Zaverchand Meghani


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


ભીમો જત

(આશરે ઈ.સ. ૧૮૦૦ - ૧૮૫૦)

નાથણીનો નર છે વંકો,

રે ભીમા, તારો દેશમાં ડંકો !

ભાતરને કાંઠે ભીમડો જાગ્યો, જતડાની લાગી ખાંત,

રાત પડ્યો, ભીમા, રીડિયા રે, ગામેગામ ગોકીરા થાય.

- નાથણીનો.

ઓળક ગામમાં ઉતારો કીધો, બરડે બજારું થાય,

ઉપલેટા ગામના બ્રાહ્મણ જમાડ્યા, ગોંડળ થરથર થાય.

- નાથણીનો.

તરવારુંનાં તારે તોરણ બંધાણાં ને ભાલે પોંખાણો ભીમ,

ઢોલ ત્રાંબાળુ ધ્રશકે વાગે, વારું ચડી છે હજાર.

- નાથણીનો.

ઓચિંતી સંધીડે ગોળી મારી, ને ભાગ્યાની ઝાઝી ખોડ,

લાલબાઈ૧ તને ધ્રુસકે રોવે, ફૂલબાઈ૧ જોવે વાટ.

- નાથણીનો.

ગોંડળ-તાબાના મેદવદર ગામની સીમમાં ભીમા નામનો એક જત પોતાના બાપદાદાની બે સાંતી જમીન ખેડીને પેટગુજારો કરે છે. પોતાને બીજા ત્રણ ભાઈઓ છે. ઘેર બે દીકરીઓ ને એક દીકરો છે.

“ભીમા મલેક !” મેરવદરના ફોજદારે ધીરેધીરે ડારા દેવા શરૂ કર્યાઃ “ભા કુંભાજીએ સંદેશો કહેવરાવ્યો છે.”

“શું કહેવરાવ્યું છે, સાહેબ ?” ભીમા જતે સલામ કરીને પૂછ્યું.

“કહેવરાવ્યું છે કે બે સાંતી જમીન ખેડો છો તે છૂટી જશે.”

“પણ કાંઈ વાંકગુનો ?”

“બહારવટિયાને તમે રોટલા આપો છો.”

“ફોજદાર સાહેબ, અમે સુવાણે રોટલા નથી આપતા, આપવા પડે છે. કાલે ઊઠીને કાકાઓ મેરવદરને ફૂંકી મારશે, જાણો છો ? અને ખેડુનાં સાંતી છોડાવે છે ત્યાં તમે આડા માર ઝીલવા નથી આવતા. વસતીને માતે એક કોરથી બહારવટિયા આદુ આવે ને બીજી કોરથી તમે.”

ભીમા જતનો જવાબ ફોજદારે ગોંડળ પહોંચાડ્યો એ વાંચીને ભા કુંભાજીએ એક સો મકરાણીનું થાણું મેરવદર ગામના ટીંબા માથે મોકલી દીધું અને બહારવટિયાને આશરો દેવાના ગુના બદલ ભીમા મલેકની મેરવદર ખાતેની બે સાંતીની જમીન ખાલસા કરી.

સાંભળીને ભીમો ઘડીભર થંભી ગયો.

“અમારો ચાર ભાઈઓનો જુવાર-બાજરીનો આછો-જાડો જે રોટલો હતો, તે પડાવી ભાવ કુંભોજી ગોંડળના રાજમો’લમાં હવે દૂધચોખા શ દાવે જમશે ?”

એટલું બોલીને એણે ચારેય ગમ આંખો ફેરવી.

“અને, ભીમા મલેક !” ગામલોકોએ ભેળા થઈને પોકાર કર્યોઃ

“મેરવદરને માથે સો મકરાણીનું થાણું બેઠું; તારે એકને પાપે આખા ગામની બેડલી બૂડી !”

ભીમાના દિલમાં કારમો ઘા વાગી ગયો. ચારેય ભાઈઓએ મળીને બહાર નીકળી જવાનું પિરયાણ કર્યું. પોતાના ઘરમાં નાથીબાઈ નામે જતાણી છે. જઈને પોતે પૂછ્યુંઃ “તારી શી મરજી છે, જતાણી ?”

“મરજી બીજી શી હોય ?” જુવાન જતાણીએ છાતી કાઢીને જવાબ દીધો : “ભા, કુંભાજીની હારે ભરી પીઓ.”

“અને તું ?”

“હું મારા ભાઈ પાસે ભોગાટ ગામે જઈને આ છોકરાં મોટાં કરીશ.”

“ગોંડળની ફોજ કનડશે તો ?”

“તો મનેય હથિયાર વાપરતાં ક્યાં નથી આવડતાં ?”

“ઠીક ત્યારે, અલ્લાબેલી !”

“અલ્લાબેલી ! અમારી ચિંતા મ કરજો.”

ભીમો દેખાવે ભારી રૂડો જુવાન હતો. ગજાદાર તો એટલો બધો હતો કે હજાર માણસની મેદની વચ્ચે એની છાતી બધાથી ઊંચેરી દેખાય.

માથું જાણે આભમાં રમતું હતું. ભવાં જાડાં , આંખો કાળી ચમકતી ને ઠરેલીઃ અને એ ગૌરવરણા ચહેરાને ફરતી કાજળઘેરી દાઢીમૂછ એક વાર જોયા પછી કદી ન ભુલાય તેવો મારો બતાવતી હતી. એવા જવાંમર્દ ભાયડાને ‘અલ્લાબેલી’ કરતી નાથીભાઈ પણ જતની દીકરી હતી, એટલે રૂપ તો ઢગલાબંધ પથરાણું હતું.

ચારેય ભાઈઓએ સૂરજ આથમવા ટાણે ભાદરકાંઠે જઈને નમાજ પઢી. ભાદર માતાનાં ભરપૂર વહેતાં નીરમાંથી ખોબોખોબો ભરીને છેલ્લી વારનું પાણી પીધું. પોતાની બે સાંતીની સીમ હતી તેમાંથી ચપટીચપટી માટી લઈને માથા ઉપર ચડાવી ભીમો બોલ્યોઃ “માતાજી, તેં આજ સુધી અન્ન દીધાં ને ભાદર માતાએ પાણી આપ્યાં. એ અન્નપાણીથી બંધાયેલી આ કાયા જો ઉપરથી ને ભીતરથી પાક રહી હોય, તો તો બા’રવટામાં ભેરે રે’જો, ને જો તમારું કણ સરખુંયે કૂડી કરણીમાં વપરાણું હોય તો અમારું ધનોતપનોત નીકળી જજો.”

એમ નદીને અને ધરતીને પગે લાગીને ચારેય ભાઈઓએ એકસાથે વગડાની વાટ લીધી અને જતોનાં ગામડાંમાંથી પોતાના જાતભાઈઓના જુવાનો ભેગા કરવા લાગ્યા. પચાસ ઘોડસવાર અને બાર પેદલ સિપાઈ; ચાર ભાઈઓ પોતેઃ પણ છાસઠ પેટના ખાડા પૂરવા માટે અનાજ નહોતું.

શું કરવું, તેનો વિચાર ભીમાને મૂંઝવે છે. તેટલામાં એક સહાય મળી.

કુતિયાણા-તાબાનું રોઘડા ગામઃ અને એ ગામમાં તૈયબ સંઘી નામનો ગામેતી રહે. તૈયબ ગામેતીએ ભીમાને સમાચાર કહેવરાવ્યા કે “પ્રથમ આપણે બેય જણા એક ગામતરું કરીએ. પછી મોટે બહારવટે નીકળીએ, માટે તું અહીં આવ.”

બાસઠ માણસની ફોજ સાતે ભીમો રોઘડે ગયો. સામે તૈયબ ગામેતીએ પણ એટલાં જ માણસો પોતાનાં લીધાં. ભાદરકાંઠે બેસીને પરિયાણ કર્યું.

ભીમે વાત છેડીઃ “તૈયબ ગામેતી ! હું તો મારે માથે અધરમ ગુજર્યો છે એની સામે કકળતો નીકળ્યો છું. મારી લૂંટફાટમાં પણ હું ધરમને પગલે હાલવા માંગુ છું, પણ તમે ખાનદાન રે’જો, એટલું કહી મેલું છું.”

એવા સોગંદ ઉપર કસુંબા લઈને બંનેની ફોજે જૂનાગઢની ગીરનું દોંણ ગામ ભાંગ્યું. ભાંગી, લૂંટીને ગાંસડીઓ બાંધી. તૈયબ કહે કે “ભીમા મલેક, હવે ભાગીએ, ઝટ ઠેકાણે થઈ જઈએ.”

“તૈયબ ગામેતી !” ભીમાએ મલકીને કહ્યુંઃ “ભીમાથી કાંઈ એમ ભગાશે ? તો તો જૂનાગઢવાળા શું કહેશે ?”

“ત્યારે ?”

“જૂનાગઢ ખબર દઈએ કે જેને આવવું હોય તે ખુશીથી આવે.

અને વાર આવવાની વાટ જોઈએ.”

એ રીતે જૂનાગઢ સરકારને સંદેશા દેવરાવ્યા. ત્રણ દિવસ ધજા ચડાવીને રોજની અક્કેક ચોરાસી જમાડી. રોજ રાત બધી ડાંડિયારાસ રમ્યા.

ચોથે દિવસે પડાવ ઉપાડીને ચાલતા થયા, ત્યાં જૂનાગઢની વારનાં ભાલાં ઝબક્યાં. તૈયબ ગામેતીએ કહ્યુંઃ “ભીમા મલેક ! તમારે વાંકે આ વાર હમણાં આપણને અંતરિયાળ રઝળાવશે. હવે શું કરવું ? ભાગી નીકળાય તેમ નથી. શત્રુઓ લગોલગ પહોંચ્યા છે.”

“મારો વાંક હોય તો તમે કહો તેમ કરું, તૈયબ ગામેતી !”

“ત્યારે તમે ઊભા રહીને વારને ઠોઈ રાખો, ત્યાં હું માલનો ઉપાડ કરી નાખું.”

ભોળે ભીમડી કહ્યુંઃ “ભલે !”

ઘરેણે-લૂગડે લાદેલ સાંઢિયા અને ઘોડાં હાંકીને તૈયબ રોઘડે આવ્યો.

રોઘડામાં માલ સંતાડીને પોતે જૂનાગઢમાં બેસી ગયો અને નવાબના કાનમાં વાત ફૂંકી દીધી કે “દોંણ ગામ ભીમડે ભાંગ્યું છે.”

આ બાજુ ભીમો જૂનાગઢની વાર સામે ધીંગાણાં કરતો કરતો, તૈયબને સારી પેઠે ભોગવાનો સમય આપતો આપતો ચાલ્યો આવે છે.

આગળ પોતે છે ને પાછળ જૂનાગઢની ફોજ છે. એમ કરતાં ગાધકડાની સીમ સુધી પહોંચાડી દીધા, અને બન્ને ફોજની ભેટંભેટા થઈ ગઈ.

“ભીમાભાઈ !” નાનેરા ભાઈ હસન મલેકે તલવાર ઉઠાવીને રજા માગી : “આજ હવે મારો વારો છે.”

એમ બોલીને ત્રણસો જૂનાગઢિયા સિપાહીઓની સામે પોતે એકલો ઊતર્યો ને પંદર શત્રુઓને ઠાર કરી પોતે મરાયો.

મીં ગજે ને કેસરી મરે, રણમેં ધધુકે રત,

હસન મલેક પડકારે મરે, જાચો ચોજાં જત.

(જેમ મે’ ગરજે અને એ સાંભળી સિંહ માથાં પછાડી મરે, તેમ હસન મલેક પણ શત્રુના પડકાર સાંભળતાંની વારે જ સામે ત્રાટકી મર્યા, એટલે જ હું એને સાચો જત કહું છું.)

શત્રુની ફોજને રોકતો ભીમો તેરમે દિવસે ભાદરકાંઠા ભેળો થઈ ગયો. પહોંચીને એણે પોતાના ભાઈ હસનના મોતનો અફસોસ ગુજાર્યો.

રોઘડે પોતાના આવવાની જણ દેતાં એણે જવાબ મળ્યો કે તૈયબ ગામેતી એ લૂંટના માલમાંથી રતી માત્ર પણ ભીમાને આપવાનો નથી અને જૂનાગઢ રાજ્યને પણ ભીમાનું નામ દેનાર તૈયબ જ છે.

“ઈમાનને માથે થૂંકનાર આદમીને હજારું લ્યાનત હજો !”

એટલું બોલીને ભીમો પાછો ચડી નીકળ્યો : ગોંડળની સીમમાં જ્યાં જોઈએ ત્યાં ભીમા બહારવટિયાના પડછાયા ઊતરવા લાગ્યા. સાપની ફૂંકે ચોમેર ઝેર ફેલાય તેમ ભીમાની ફે ફાટતી થઈ ગઈ. ‘‘‘

ચાય ચડિકે આવિયા, એતાં દળ અહરાણ

ગલોલીના ઘમસાણ, ભારથ રચાવ્યો તેં ભીમડા !

(ભીમનાં ગુપ્તસ્થાન પર એટલાં બધાં અરિદળ આવ્યાં. હે ભીમડા ! તેં બંદૂક-ગોળીઓનાં ઘમસાણ ચલાવી સંગ્રામ રચાવ્યો.)

“એલા, સળગાવી મેલો આ ઢાંક ગામને; આ ગામની વસતી ભીમા જતને રોટલા પોગાડે છે.” એવી હાલક દેતી ગોંડળ, જૂનાગઢ ને જામનગર એ ત્રણેય રાજની ફોજ, પાંચ હજાર માણસોની, ઢાંક ગામને પાદર આવીને ઊભી રહી.

વસતીને આવીને હાથ જોડ્ય : “ઓ માબાપ ! અમારો ઈલાજ નથી. અમે જાણીબૂજીને રોટલા આપતા નથી, પણ અમારાં ભાત જોરાવરીથી ઝૂંટવી લ્યે છે.”

“બોલાવો એ બા’રવટિયાને ભાત દેનાર ભતવારીઓને.”

પંદર-વીસ કણબણોને કોરડો મારી, એનાં બાળબચ્ચાં રોતાં મેલાવીને, લોહીને આંસુડે રોતી હાજર કરી. ફોજના અમલદાર ગર્ભિણીના ગર્ભ વછૂટી જાય એવી ત્રાડ દઈને ધમધમાવવા મંડ્યા : “બોલો, રાંડું, કોણે કોણે ને ક્યારે ક્યારે ભાત દીધાં ?”

“મારા પીટ્યા ! તારાં વા’લાંમાં વિજોગ પડે ! તને ભગવાનનોય ભો નથી ! અમે તે શું વા’લપના રોટલા દઈ આવીએ છીએ ? તારા કાકાઓ બબ્બે જોટાળિયું બંધૂકું સામી નોંધીને ઊભા રહે છે અને ધરાર અમારાં ભાત ઉપાડી જાય છે.” કણબણો ફાટતે મોંએ સાચી વાત બોલવા માંડી.

“બોલો, ક્યાં ક્યાં છે બા’રવટિયા ? નીકર જીભ ખેંચી કાઢીશ.”

“આ પડ્યા ચાડિકે તારા કાકા ! પાંચ હજારની ફોજ ફેરવછ તો જા ને એને મારવા ! સિત્તેર જ માણસે પડ્યો છે ભાદરનો સાવજ ભીમડો.”

ચાડિકાના ડુંગર સાથે થોડા પથ્થરોની ઓથ લઈને બહારવટિયો લપાણો છે. ભેળા ફક્ત સિત્તેર માણસો છે. દારૂગોળાનો તોટો નથી. એમાં પાંચ હજારની ફોજ સમુદ્રના પાણી સરખી વહી આવે છે. ઊંચા પથ્થર ઉપર ચાડિકો બેઠો હતો તેણે વારનાં હથિયાર ચમકારા કરતાં દીઠાં. ચાડિકાએ ખબર દીધા કે “બંધૂકું ધરબો.”

ડુંગર ઉપર સિત્તેર બરકંદાજ અને નીચે પાંચ હજારની પલટન : સાંજોસાંજ સુધી ધીંગાણું ચાલ્યું. રાત પડી એટલે બહારવટિયા પ્રભુને ખોળે બેસી ગયા. અંધારામાં બહારવટિયાને અદૃશ્ય થયા જોઈને હાથ ઘસતી ફોજ નિસ્તેજ મોંએ પાછી વળી.

ગોંડળથી મકરાણીઓને માથે હુકમ આવ્યો કે “ભીમાની બાયડી નાથીબાઈ ઉપર દબાણ લાવો ! એને કનડ્યા વગર ભીમો નમશે નહિ.”

“નાથી ડોશી !” સિપાહીઓ દમદાટી દેવા લાગ્યાઃ “ભીમો ઘેર આવે છે કે નહિ ?”

“ન આવે શા સારુ, ભાઈ ! મારા ઓઢણાનો ખાવંદ છે, ચૂડલાનો પે’રાવતલ છે, ને મારી સંભાળ લેવા કેમ ન આવે ?” નાથીએ ગાવડીને ખજવાળતાં ખજવાળતાં નિર્ભય અને મીઠે અવાજે જવાબ દીધો.

“ત્યારે તું થાણામાં ખબર કેમ નથી દેતી ?”

“હું શીદ ખબર દઉં !”

“ગોંડળનો ચોર છે માટે.”

“ગોંડળનો ચોર હશે, પણ મારો તો લખેશરી ખાવંદ છે ને !

જેનો ચોર હોય એનાં બાવડાં ક્યાં ગ્યાં છે ? ગોતી લ્યે, જો મોઢે મૂછ હોય તો.”

“બરો કચ્છ પણ હાથમાં બેડિયું પડશે. બહુ ફાટ્યા આવી લાગે છે, ખરું ને ?”

“બસ ! ભા કુંભાજી ખડ ખાવા બેઠો ? મરદની ઝીંક ઝિલાતી નથી એટલે અબળાને માથે જોર કરવું છે ? મારાં કાંડાંમાં કડિયું જડવી છે ? તમે ખીચડીના ખાનારા, લાજ-આબરૂ સોતા પાછા વળી જાઓ, નીકર ઘરવાળિયુંના ચૂડલા ખખડી જાશે. હું જતાણી છું, જાણો છો ?”

“એલા, ઝાલીને બાંધી લ્યો એ શૂરવીરની પૂંછડીને.”

એમ હુકમ થતાં તો નાથીબાઈએ કછોટો ભીડ્યો. ભેટમાં જમૈયો ધરબ્યો અને તરવાર ઉપાડી. પોતાની બે નાની દીકરી અને એક દીકરો લઈને ઓસરીએથી નીચે ઊતરી. જેમ માણસો એના અંગ ઉપર હાથ કરવા જાય તેમ તો ‘જે દાતાર ! જે જમિયલશા !’ એવો અવાજ કરતી જતાણી તરવાર વીંઝતી પડમાં ઊતરી. ત્રણ મકરાણીઓને જખ્મી કર્યા. પોતાના કપાળમાં પણ તરવારનો ઘા ઝીલ્યો.

નાથીબાઈના અંગ ઉપર હાથ પડ્યાની જાણ થતાં આખું ગામ જોવા હલક્યું. જત બધા ઉશ્કેરાઈને તૈયાર થયા. મકરાણીઓએ તરત થાણાનો

માર્ગ લીધો. પણ પછી તો મેરવદરમાં રહેવામાં આબરૂને આંચ આવવાનું જોખમ જાણીને નાથીબાઈ બે દીકરી તથા દીકરાને તેડી માલણકા ગામે ગઈ.

અને ત્યાંથી ભા કુંભાને કહેવરાવ્યું : “રાજપૂતનો બેટો આવી હલકાઈ ન દાખવે. અને છતાં મને પકડાવી હોય તો હાલ્યા આવજો !”

બબિયારાના ડુંગર ઉપર ગેબનશા પીરનું એક નિર્જન પુરાતન થાનક હતું. ભીમો બા’રવટિયો ગામ ભાંગીને જ્યારે જ્યારે બબિયારે આવતો ત્યારે પીરની કબર પર કિનખાબની નવી સોડ્યા અને નવી લીલી ધજા ચડાવતો. હવે તો ભીમે બબિયારા ઉપર જ પોતાનું બેસણું રાખ્યું છે.

પીરના થાનક ઉપર ગુલમહોરનાં ઝાડવાં લાલ ચૂંદડીને ઓઢીને ઊભાં હોય તેવાં ફૂલડે ભાંગી પડે છે. સવાર-સાંજ નળિયામાં લોબાનનો ધૂપ કરીને ભીમો પોતાની તરવારને પણ ધૂપ દે છે, તસબી ફેરવે છે અને પછી ચોમેરથી જાસૂસો આવે તેની બાતમી સાંભળે છે. ગણોદ ભાંગીને અને ભાણજી દરબારને ઠાર મારીને ગઈ કાલે જ ભીમો આવ્યો છે. ત્યાં આજ એક દૂત દોડતો દોડતો બબિયારે ચડ્યો આવે છે.

“કેમ, વલીમામદ ? શા સમાચાર ?” ભીમે તસબી ફેરવતાં ફેરવતાં પૂછ્યું.

“ભાદરકાંઠો તો આખોય ઉજ્જડ. ફક્ત વાઘરીઓ તરબૂચના વાડા વાવે છે.”

“ભલે વાવતા બચાડા ! પણ ખબરદાર, સાંતી નામ જૂતવા દેશો મા, હો કે ?”

ત્યાં બીજે જાસૂસે ડોકું કાઢ્યું. મોં શ્યામ થઈ ગયેલું છે.

“કેમ મોઢે મશ ઢળી છે, સુલતાન ?”

“ભીમા બાપુ, મકરાણીઓએ નાથી ડોશીને માથે હાથ કરી લીધો.”

“ઠીક; જતાણીએ ક્યાં ઘા ઝીલ્યા ?”

“બરાબર કપાળ ઉપર.”

“બસ ત્યારે, પારોઠના૧ ખાધા હોત તો મને પસ્તાવો થાત.”

“ડોશી બહુ રૂડાં લાગ્યાં, બાપુ ! ત્રણ મકરાણીને સુવાર્યા અને બચ્ચાંને લઈ માલણકા ચાલ્યાં ગયાં.”

“ભીમા મલેક !” સંગાથીઓ મૂછે વળ દઈને તાડૂક્યા : “ભા કુંભો બાયડી ઉપર હાથ કરવા ગયો અને હવે આપણે ઉપલેટા-ધોરાજીને આગ જ લગાડવી જોશે ને ?”

“ના ભા, આગ મેલે ઈ તો નરાતાર હલકાઈનાં કામાં. ભીમાને એ ધંધો ભજે નહિ. ફરીવાર બોલશો મા.”

“અને, જાનમામદ, તું જઈને ઉપલેટે રાજવાળાને ખબર કર કે આજથી ત્રીજે દી હું પડું છું. માટે સાબદાઈમાં રહે.”

“પણ, બાપુ, ચેતી જાશે, હોં !”

“ચેતવવા સાટુ તો તને મોકલું છું. ચેતવ્યા વગર કાંઈ આપણો ઘા હોય, ભા ?”

પચાસ અસવારે ભીમો ઉપલેટા માથે પડ્યો. ચોકીદારો હતા એટલાની કતલ કરી, હુકમ દીધો કે “હાં, ચલાવો હવે લૂંટ.” પોતે આગળ ચાલ્યો.

એક ઘરના ફળિયામાં પગ મેલતાં જ અંદર તુળસીનો ક્યારો અને કવલી ગાય દીઠાં.

“એલા, પાછા વળો. ખબરદાર, કોઈ એક નળિયાને પણ હાથ લગાડશો મા !”

“કાં બાપુ ? પટારા ભર્યા છે.”

“ઈલાજ નથી, બ્રાહ્મણનું ઘર છે.”

બહારવટિયા બીજે ઘરે દાખલ થયા. ભીમે ત્રાડ દીધી : “કેવો છો, એલા !”

“વાણિયો છું.”

“ભાઈયું મારા ! પગરખાં બહાર કાઢીને ઘરમાં ગરજો, હો કે !”

“કેમ બાપુ ?”

“વાણિયો ઊંચ વરણ લેખાય. એનું રસોડું અભડાય. પણ હમણાં ઊભા રે’જો,” એમ કહીને ભીમો વાણિયા તરફ ફર્યો : “શેઠ, પટારામાં ઘરેણાં હોય તેટલાં આંહીં આણીને મેલી દિયો, એટલે અમારે તમારું ઘર અભડાવવું જ ન પડે.”

રસોડામાં ચૂલે બાઈઓ રાંધતી હતી, એની ડોકમાંથી દાગીના કાઢીને વાણિયે હાજર કર્યા. તુરત ભીમે પૂછ્યું : “ક્યાંથી લાગ્યો ?”

“બાપુ ! મારી ઘરવાળીના અને દીકરાની વહુનાં અંગ માથેથી ઉતરાવ્યાં.”

“ઈ મારે ન ખપે, બાઇયુંનાં પહેલાં પાલવડાં કાંઈ ભીમો ઉતરાવે ?”

એટલું બોલી ઘરેણાં પાછાં દઈ ભીમે બજાર ફાડવાનું આદર્યું. દુકાને દુકાને ખંભાતી તાળાં ટીંગાતાં હતાં તે બંદૂકને કંદેકંદે તોડી નાખી વેપારીઓના હડફા ઉઘાડ્યા. વેપારી પાઘડી ઉતારીને આડો ફરે એટલે પૂછે કે “વ્યાજ કેટલું કાછ ?”

“એ બાપુ, તમારી ગૌ.”

“બોલ મા, ભાઈ, ચોપડાને આગ લગાડી દઈશ.”

વાણિયાણીઓ આવીને આડી પડે, એટલે પોતે વાંસો વાળી જોઈ જાય અને કહે : “ખસી જા, બાપુ બે’નડી ! ઘેર તારી ભોજાઈયુંને માથાં ઢાંકવા સાડલા નથી.”

લૂંટી, માલ સાંઢિયા માથે લાદી, ડુંગરમાં રવાના કરી, રાત પડી એટલે ભીમે આખા ગામને ભેગું કરી ચોક વચ્ચે ‘જીંડારી’ નામની રાસને મળતી રમત લેવરાવી :

જીંડારી લઈશ રે જીંડારી લઈશ,

કુંભાજીના રાજમાં જીંડારી લઈશ.

આવાં ગીત ગાઈને અધરાત સુધી સીમાડા ગજાવ્યા. પણ કોઈ વાર આવી પહોંચી નહિ, એટલે જમિયલશાના જેજેકાર બોલાવતો ભીમો બહાર નીકળી ગયો.

ઉપલેટું ઊંધે નહિ,

ગોંડળ થરથર થાય,

લીધી ઊંડળ માય,

ભલ ધોરાજી ભીમડા !

પાનેલી ગામના લખમણ સોનીના દીકરાની જાન ઢાંક ગામે જાતી હતી. ભેળાં ત્રણ ગાડાં હતાં. ભાદર, માલણ અને ઓઝત નદીની ઊંડીઊંડી ભેખડોના પથ્થર વપર ખડખડ અવાજે રડતાં ગાડાંની અંદર જાનૈયા ઝોકે જાતા હતા અને સરવા સાદવાળી જાનડીઓ કાઠિયાણીઓના જેવા મીઠા સૂર કાઢી,

મોર જાજે ઉગમણે દેશ,

મોર જાજે આથમણે દેશ,

વળતો જાજે રે વેવાયુંને માંડવડે હો રાજ !

-એવાં લાંબા ઢાળનાં ગીતોને સૂર સીમાડા છલોછલ ભરતી, ગાડું ચડીને પછડાય તેની સાથે જ ઊંચી ઊલળીને પાછી પટકાતી પટકાતી ગાતી જાય છે. વચ્ચે વચ્ચે પરજિયા ચારણોના નેસડા આવે છે, અને પદમણી- શી ભેંસો ચારતા ચારણો ડાંગોના ટેકા લઈ ઊભા ટૌકા કરે છે : “એલા, આ ટાણે જાનું ક્યાં લઈ હાલ્યા ? ભીમડો કાકો ભાળ્યો છે ? તમારા ડિલની ચામડી સોતા ઉતારી લેશે.”

“એ...ભીમો કોઈ દી જાનુંને લૂંટે નહિ.”

એમ બોલીને ગાડાખેડુઓ ગાડાં ધણધણાવ્યે જાય છે. એમાં બરાબર વાવડિયાવાળી વાવ દેખાણી ને સૂરજ આથમ્યો. અંધારાં ઘેરાવા લાગ્યાં. પાછળ અને મોઢા આગળ, બેય દિશામાં ગામડાં છેટાં રહી ગયાં. વગડો ખાવા ધાય એવી નિર્જનતા પથરાઈ ગઈ. જાનનાં ગાડાં ઉઘાડી સીમમાંથી નીકળી વાવડી વાવનાં ઝાડની ઘટામાં દાખલ થયાં કે તરત પાંચ બોકાનીદાર પડછંદ હથિયારધારીઓએ છલંગ મારીને વોળાવિયાની ગરદન પકડી. એના જ ફેંટા ઉતારીને એને જકડી લઈ વાવનાં પગથિયાં ઉપર બેસાર્યા અને પડકારો કર્યો કે “ઊભાં રાખો ગાડાં !”

ગાડાં ઊભાં રહ્યાં. માણસો ફફડી ઊઠ્યાં.

“નાખી દ્યો ઝટ ઘરેણાં, નીકર હમણાં વીંધી નાખીએ છીએ.”

એટલું કહીને બંદૂકો લાંબી કરી.

વરરાજાના અંગ ઉપર એના બાપે માગીમાગીને ઘરેણા ઠાંસ્યાં હતાં.

ફાગણ મહિનાનો ખાખરો કેસૂડે ફાટી પડતો હોય એવાં લૂમઝૂમ ઘરેણાં વરરાજાએ પહેર્યાં હતાં. એ તમામ ઉતારીને વરનો બાપ થરથરતો સામે આવ્યો, કાંપતે અવાજે બોલ્યો : “ભાઈ, આ બીજો બા’રવટિયો વળી કોણ જાગ્યો ?”

“ઓળખતો નથી ? ભીમડો કાકો !”

“હેં ! ભીમાબાપુના માણસો છો તમે ! ભીમોબાપુ જાનુંને તો લૂંટતો નથી ને ?”

“કોણ છે ઈ ?” કરતો સામી ભેખડમાંથી સાવજની ડણક જેવો અવાજ ગાજ્યો. “આંહી લાવો જે હોય એને.”

સોની જઈને પગમાં પડી ગયો. “એ બાપુ ! આ પારકાં ઘરેણાં; માગીમાગીને આબરુ રાખવા લીધાં છે.”

“તો ભા, તારું હોય એટલે નોખું કાઢી લે. બાકી બીજાઓના દાગીના ઉપર તો તારા કરતાં મારો વધુ હક પહોંચે છે.”

“ભીમા બાપુ ! મારી ઉમેદ ભાંગો મા. વેવાઈને માંડવે મારી આબરુ રાખવા દ્યો; વળતાં હું તમને કહેશો એટલું પાછું સોંપતો જઈશ.”

“આપી દ્યો એનાં ઘરેણાં પાછાં. અને, ભાઈ, તું પાછો વળીશ ત્યારે દીકરીને પેરામણી અમારે દેવી છે, કે’દી વળશો ?”

“પરમ દી બપોરે.”

જાન ક્ષેમકુશળ ચાલી ગઈ. ત્રીજે દિવસે પરણાવીને પાછા વળ્યા તે વખતે એ જ ભેખડે ભીમો વાટ જોતો હતો.

“આ લે આ દીકરીને માટે એક કાંઠલી.”

કાંઠલી લેતી વખતે સોનીનો હાથ અચકાયો; પણ મોંએથી બોલાયું નહિ.

“કેમ હાથ ચોર્યો ?”

“બાપુ, આ કાંઠલી ચોરીની હશે તો હું માર્યો જઈશ.”

“સાચી વાત. આંહીં તો ચોરીની જ ચીજ છે, ભા. શાહુકારી વળી બા’રવટિયાને કેવી ? આપો એને રૂપિયા રોકડા.” એમ બોલીને ભીમો હસ્યો.

બહારવટિયા પાસેથી પહેરામણી લઈને જાન પાનેલીને કેડે ચાલી ગઈ.

“બાપુ, દીકરી ઉંમરલાયક થઈ છે, એને કન્યાદાન દેવું છે.”

“તે મા’રાજ, તમે ઠેઠ પાનેલીથી પંથ કરીને અહીં આવ્યા એસ શું ? પાનેલીમાં એટલા પટલિયા ને શેઠિયા પડ્યા છે, એમાંથી કોઈએ શું એટલી ખેરાત ન કરી ?”

પાનેલીના પટેલની પાસે હું ગયો’તો, બાપુ, અને એણે જ મને કહ્યું કે “તારા ભીમાકાકાની પાસે જા ! એ બ્રાહ્મણ-બાવાને બહુ આપે છે !”

“એમ...! એવડું બધું કહી નાખ્યું ?” એટલે બોલીને ભીમે કહ્યું : “અબુમિયાં ! કાગળ લાવ. અને એમાં એટલું જ લખો કે ‘પાનેલીના પટેલ, તમારી સલાહ, પ્રમાણે આ બ્રાહ્મણને રૂ. ૧૦૦૦ અમે દીધા છે, ને બાકીના એક હજાર આ ચિઠ્ઠી દેખત તમે ચૂકવી દેજો. નીકર અમે આજથી ત્રીજે દી પાનેલી ભાંગશું.’ ”

ચિઠ્ઠી લખીને બ્રાહ્મણને આપી. “લ્યો મા’રાજ, પટેલને દેજો, ને રૂપિયા ન આપે તો મને ખબર કરજો.”

“સારું, બાપુ !” કહીને બ્રાહ્મણ આશીર્વાદ દઈ ઊપડ્યો.

“ઊભા રો’, મા’રાજ.”

બ્રાહ્મણને પાછો બોલાવીને ભલામણ દીધી, “તમારી દીકરીને કન્યાદાન દેવાની તિથિ કઈ નીમી છે ?”

“બાપુ, માગશર સુદ પાંચમ.”

બ્રાહ્મણ તો ચાલ્યો ગયો અને ભીમાએ પણ ગોંડળની ધરતી ઉપર ઘોડાં ફેરવવા માંડ્યા. ઉજ્જડ થયેલા નદીના કિનારા ઉપર એક વાર ભીમાએ એક જુવાનજોધ સંધીને વડલાને છાંયડે મીઠી નીંદરમાં સૂતેલો દીઠો. નિર્દોષ,

મધુર અને નમણી એ મુખમુદ્રા નિરાંતે જંપી ગઈ છે. જેને જગાડતાં પણ પાપ લાગે એવો રૂડો એ નૌજવાન છે. પાસે સંધીનાં વાછરડાં ચરી રહ્યાં છે. ભીમાએ અણસાર ઉપરથી જુવાનને ઓળખ્યો. ઘોડે બેઠાંબેઠાં ભાલાની અણી અડકાડી ઊંઘતા જુવાનને ઉઠાડ્યો.

“ઊઠ, એ ભા !”

ઝબકીને સંધી જાગ્યો.

“કેવો છો તું ?”

“સંધી છું.”

સંધી નામ પડતાં જ ભીમાએ એ જુવાનને ભાલે વીંધ્યો. એના સાથીઓ આ ઘાતકીપણું જોઈને ‘અરર !’ ઉચ્ચારી ઊઠ્યા. ભીમાના બહારવટામાં એ ગજબ અધર્મ હતો.

“ભીમા મલેક ! તું ઊઠીને આવો કાળો કેર કચ્છ ?”

“બોલશો મા, બેલી !” ભીમાએ ડોળા ઘુરકાવીને ત્રાડ દીધી :

“સંધીનો વંશ નહિ રહેવા દઉં. ડૂંડાં વાઢે એમ વાઢી નાખું. દીઠો ન મેલુ.

દગલબાજ તૈયબ ગામેતીનું મારે એની આખી જાત ઉપર વેર લેવું છે.

ખૂટલ કોમ સંધીની !”

સંધીની ઘોર કતલ કરતો ભીમો આગળ વધ્યો. ત્રણસો સંધીને ઠાર માર્યા સંધીઓને ગામડેગામડે હાહાકાર બોલી ગયો. પછી તો સંધીઓ દાઢી મૂંડાવીને પોતાની જાતને છુપાવવા લાગ્યા.

સંધીઓના વેરના મનસૂબામાં ગક થઈ ગયેલ ભીમો એક દિવસ ભાદરની ખોપમાં થાકીને લોથપોથ પડ્યો છે. તે ટાણે એણે આઘેઆઘે જાનોનાં ગાડાંની ઘૂઘરમાળ સાંભળ અને એને કાને વિવાહના ગીતના સૂર પહોંચ્યા. કાંઈક સાંભર્યું હોય એમ ચમકીને ભીમે પૂછ્યું. “એલા, આજ કઈ તથ, ભા ?”

“માગશર સુદ પાંચમ.”

“હેં, શું બોલો છો ?”

“કાં ભા ?”

“પાનેલીના બ્રાહ્મણની દીકરીને આજ કન્યાદાન દેવું છે.”

સાંજની રૂંઝયોકૂંઝયો વળી ગઈ હતી, તે ટાણે ભીમે ઘોડાં હાંક્યાં. રાતે બારને ટકોરે પાનેલીના દીધેલા દરવાજા માથે જઈને સાંકળ ખખડાવી.

“કોળ છો ?” અંદરથી અવાજ આવ્યો.

“ખોલો. ગોંડળથી અસવારો આવ્યા છીએ.”

“શું કામ છે ?”

“બા’રવટિયો ભીમો આ ગામ ભાંગવાનો છે, એટલે બંદોબસ્ત કરવા આવ્યા છીએ.”

ભીમા જતનું નામ પડતાં જ દરવાજા ઊઘડ્યા. એટલે ત્રણ બોકાનીદાર અસવારો દાખલ થયા. નામ પૂછીને બ્રાહ્મણને ઘેર પહોંચ્યા. ઘોડેથી ઊતરી પોતાના બેય અસવારોના હાથમાં ઘોડી સોંપી, બહારવાટિયો એકલો ભાલો ઝળકાવતો માંડવા નીચે ગયો. માણસોએ આ વિકરાળ આદમીને ભાળ્યો, ભાળતાં જ તેઓનાં કલેજાં ફફડી ઊઠ્યાં. બ્રાહ્મણ દોડતો આવ્યો પુકારી ઊઠ્યો : “કોણ, બાપુ ?...”

“હા મહારાજ, દીકરીને કન્યાદાન દેવા,” એમ બોલીને ભીમે નાક પર આંગળી મેલી બ્રાહ્મણને ચૂપ રાખ્યો.

ઇસવરિયા ગામમાં સંધીઓ કારજને પ્રસંગે ભેગા થયા છે. ગામગામના સંધીઓ લમણે હાથ રાખીને એકબીજાની કરમાયેલી સૂરત સામે જોઈ રહ્યા છે. દાયરામાં હૈયેહૈયું દળાય છે. એમાં સહુનું ધ્યાન એક બાઈ ઉપર ગયું.

એક જુવાન સંધિયાળી પોતાનું ઓઢણું ખભે નાખીને ઉઘાડાં અંગે ચાલી આવે છે.

“આ કોણ છે પગલી ?” કોઈએ પૂછ્યું.

“ઓ અલ્લા ! આ તો હાસમની ઓરત.”

“એના ધણીના અફસોસમાં શું ચિત્તભ્રમ તો નથી ઊપડ્યો ને ?”

મોટેરા બધા મોં ફેરવીને બેસી ગયા. બાઈના ભાઈઓએ દોડીને બાઈને ટપારી, “એ વંઠેલ ! તારો દી કેમ કર્યો છે ? આ દાયરો બેઠો છે, ને તું ખુલ્લે મોંએ હાલી આવછ ? તારો જુવાન ધણી હજી કાલ મરી ગયો તેની મરજાદ ચૂકી ? માતે ઓઢી લે, કમજાત !”

“માથે ઓઢું ? મોઢું ઢાંકું ?” દાંત ભીંસીને બાઈ બોલી. એના

ચહેરા ઉપર લાલ સુરખી છવાઈ ગઈ. આંખોમાંથી ધુમાડા નીકળી ગયા.

એણે ડોળા ફાડ્યા. “આમાં હું કોની લાજ કરું ?”

“કાં ?”

“હું ભીમા જત વિના બીજો કોઈ મરદ જ ભાળતી નથી. ખરો મરદ ! મારા ધણીને ઠાર મારી, ગામને ઝાંપે સહુ સંધી બચ્ચા ભાળે એમ એની લાશને ખીલા માથે બેસારી. શાબાશ, ભીમા જત ! સંધીઓની તેં દાઢિયું બોડાવી, મલકમાં કોઈ મરદ ન રહેવા દીધો !”

એટલું બોલી ખભે ઓઢણું ઢળકતું મેલી, ઉગાડે માથે પોતાનો ચોટલો પીંખતી અને ખડખડ દાંત કાઢતી સંધિયાણી ચાલી ગઈ. ઘરમાં જઈને પછી બાઈએ છાતીફાટ વિલાપ આદર્યો. બાઈના કલ્પાંતે તમામનાં કલેજાંમાં કાણાં પાડી દીધા.

ત્રણસો સંધીઓ કારજનું બટકું પણ ચાખ્યા વગર ચાલી નીકળ્યા અને ગોંડળના ગઢની દેવડી જઈ ઊભા રહ્યા. ભા કુંભાજીની પાસે સોગંદ લીધા કે “ભીમાને માર્યા વગર અમારે અમારાં ઘરનાં પાણી ન ખપે”, કુંભાજીએ એકસો મકરાણી તેઓની મદદમાં દીધા અને ચારસોની ગિસ્ત બબિયારાના ડુંગર ઉપર ચડવા લાગી.

પ્રભાતનો પહોર હતો. બબિયારાનો જે એક ભાગ ભેરવા ડુંગરને નામે ઓળખાય છે તેના ઉપર ભીમો બેઠોબેઠો તસબી કરતો હતો અને પડખે ડાડુકા ગામનો સૈયદ અબામિયાં બેઠો હતો. પડખે બીજા ત્રણ-ચાર રક્ષકો હતા. છેટે પા ગાઉ ઉપર એક ધારડી હતી, તેની ખોપમાં બીજા પચાસ માણસો તમામ હથિયાર અને દારૂગોળાની ચોકી કરતા બેઠા હતા.

ભીમાની અને અબામિયાંની પાસે ફક્ત બબ્બે તલવારો જ હતી. કોઈને દુશ્મનો ખ્યાલ પણ નથી.

ત્યાં તો જેમ ઝાડવાં ને પથ્થરો સજીવન થાય તેમ ચારસો માનવી પ્રગટ થઈને ડુંગર ઉપર ચડી ગયા. ભીમો ઊભા થઈને પાછો હટવા જાય છે, ત્યાં એણે સામી ફોજમાંથી ગીગલા નામના મીરના પડકાર સાંભળ્યા :

“હાં ભીમા ! આજ પાછો પગ ભીમાનો ન હોય. પાછે પગલે થાતાં તો મોત બગડે હો, ભીમા !”

ભીમો ભાગી જાય,

(જો) કરનર કી ઢોરી કરી,

(તો તો) ધરતી ધાન ન થાય,

કરણ્યું ઊગે કીં.

(જો ભીમો હાથ જોડીને ભાગી જાય તો તો પૃથ્વી પર ધાન ન નીપજે; અને સૂર્યનાં કિરણો કેમ ઊગે ?)

સાંભળીને ભીમો થંભ્યો. અબામિયાંએ હાકલ કરી : “અરે ભીમા ! ગાંડો મ થા. પાંચમે કદમ પર આપણું દારૂખાનું પડ્યું છે. હાલ્ય, હમણાં ત્યાં પહોંચીએ એટલી વાર છે, એકોએકને ફૂંકી નાખીએ.”

“બસ મિયાંસાહેબ !” ભીમાએ શાંત અવાજે ઉત્તર દીધો : “મારા પગમાં સોનાની બેડી પડી ગઈ. હવે તો એક ડગલું પણ નહિ હટાય.

જીવતર તો ખૂબ બગાડ્યું છે, પણ હવે આખરની ઘડી શીદ બગાડું ?”

ફોજની મોખરે ભીમાએ સંધી બાવા ઝુણેજાને દીઠો અને ત્રાડ દીધી : “બાવા ઝુણેજા ! અમે પાંચ જ જણ છીએ ને તમે ચારસો છો. હું કાંઈ તમને પહોંચવાનો નથી. ખુશીથી મને મારી નાખજો. પણ મરતાં મરતાંયે જો મરદના ઘા જોવા હોય તો આવી જાઓ તરવારની રમત રમવા.”

“ભલે, ભીમા !” કહીને બાવા ઝુણેજાએ તરવારનું ધીંગાણું કરવાનો હુકમ દીધો. ભીમો અને અબામિયાં બંને મંડાયા. ભીમા પાસે બે તરવારો હતી. હડી કાઢીને ભીમાએ શત્રુઓની ભેટમાં પગ દઈદઈને વાંસના ચોકના ઘા કરવા માંડ્યા. એમ બોંતેર જણાને સુવાડ્યા, પણ પોતાને છોઈવઢ પણ ઘા થયો નહિ. બાવો ઝુણેજો ઊભો ઊભો પડકાર કરે છે, પણ જ્યારે ભીમાને હાથે એણે પોતાના માણસોનું ખળું થતું જોયું, ત્યાર પછી એણે ઈશારો કર્યો અને તરત જ મકરાણીઓની બંદૂકો ધાણી ફૂટતી હોય એમ ધડાધડ એકસામટી વછૂટી. ભીમો વીંધાઈને નવરાતના ગરબા જેવો થઈ ગયો.

પડતાં પડતાં ભીમે કહ્યું : “રંગ છે ! છેવટે દગો !”

ભીમો પડ્યો, પણ ચત્તોપાટ પડ્યો. એની મૂછોની શેડ્યો ઊભી થઈને આંખોમાં ખૂંતી ગઈ.

આભેથી અપસર ઊતરી,

નર વરવાનું નીમ,

અબોમિયાં અવસર થિયો,

ભાલે પોંખાણો ભીમ.

બાર-બાર વરસના બહારવટના બબિયારના ડુંગર માથે આવી રીતે અંત આવ્યો. ભીમાનું માથું કાપી લઈને ગિસ્ત ગોંડળ ચાલી. ધ્રાફા ગામને પાદર ગિસ્ત નીકળી છે. મોખરે ચાલનારા અસવારના ભાલાની અણીએ ભીમાનું માથું પરોવાયેલું છે. એ દેખાવ નજરે પડતાં જ ધ્રાફાનો રાજપૂત દાયરો ખળભળી ઊઠ્યો. પાચંસો રાજપૂતા તરવાર ખેંચી આડા ફર્યા.

“કેમ, ભાઈ ?” ગિસ્તના સરદારે પૂછ્યું.

“જમાદાર, જરાક શરમ રાખો. મૂએલાની લાશને આમ બેહાલ નહિ કરાય. ભીમાનું માથું ધ્રાફાને પાદરથી તમે લઈ જશે શકો નહિ. અને લઈ જાવું હોય તો ભેળાં અમારાં માથાં પણ સંગાથ કરશે.”

માથું ત્યાં જ મૂકવું પડ્યું અને ગિસ્ત ખાલી હાથે ચાલતી થઈ.

બબિયારાની નજીક સખપરની ડુંગરીમાં ગેબનશા પીરની જગ્યાએ જાળનાં ઝાડવાંની છાંયડીમાં ભીમાના સાથીઓ બેઠાબેઠા કસુંબા ઘૂંટે છે, ત્યાં અસવાર વિનાની બે ઘોડીએ કારમી હાવળો દેતી, ડુંગરના ગાળાને ગજાવતી, જઈને ઊભી રહી. માથે પૂંછડાના ઝુંડા ઉપાડી લીધા છે. જાણે પોતાના ધણી વગર એના પગ નીચે લા બળતી હોય, તેવી રીતે ઘોડીઓ ડાબા પછાડી રહી છે.

“આ ઘોડિયું તો ભીમાની અને અબામિયાંની,” અભરામ મલેક બોલી ઊઠ્યો : “નક્કી એ બેયને કાંઈક આફત પડી.”

દોડીને અભરામની વાર બબિયારે ચડી. જઈને જુએ ત્યાં બંને લાશો પડેલી હતી. હજી અબામિયાંનો જીવ ગયો નહોતો. અભરામે એના મોંમાં પાણી મૂકીને કહ્યું : “તારા જીવને ગત કરજે. તારા અને ભીમાના મારનારને અમે મારશું.”

તમામ લાશોને દફનાવી અભરામે પણ બહારવટું ખેડ્યું અને બાવા ઝુણેજાને માર્યો.

ભીમાની કબર, બબિયારાના ભાગો ભેરવા ડુંગરની આથમણી ભીંતે, સાલરડાના ઝાડ નીચે આજ પણ મોજૂદ છે. લગભગ સને ૧૮૫૦ની આસપાસ ભીમો થઈ ગયો કહેવાય છે.

ભીમો કોઈનાં નાક-કાન નહોતો કાપતો. બાન નહોતો પકડતો. ગામ નહોતો બાળતો.

(આ કથાના પ્રસંગો કહેનાર ભાઈ રાણા આલા મલેક, ભીમાની દીકરીના જ દીકરા થાય છે. એમનું વર્ણવેલું વિશ્વાસપાત્ર હોય એવું એ ભાઈની ખાનદાની પરથી સ્પષ્ટ જણાય છે.)

બાવા વાળોે

(ઈ. સ. ૧૮૨૦ની આસપાસ)

“બચ્ચા રાનીંગ વાલા ! માગ લે.”

“બીજું કાંઈ ન જોવે, મહારાજ, ફક્ત શેર માટીની ઝંખના છે.”

પાવડી ઉપર કપાળ ફેરવીને અવધૂતે ધ્યાન ધર્યું, દસમે દ્વારે જીવન ચડાવીને જોઈ વળ્યા, પછી સમાધિ ઉતારીને બોલ્યા : “તેરા લલાટમેં પુત્ર નહિ હે, બેટા !”

“તો જેવાં મારાં નસીબ અને જેવાં જોગીનાં વચન ! મહાત્માનાં બોલ્યા મિથ્યા થાય, હાથીના દંતશૂળ પેટમાં પેસે, એ આજ સુધી નહોતું જોયું, બાપુ ! મારું ખોરડું મહાપાપિયું છે, એટલે વંશ રાખવાની આશાએ તો મેં તમને જાબડું ગામ અરપણ કરી દીધું. પણ મારાં પાપનો પાર નહિ આવ્યો હોય !”

જોગી ઘમસાણનાથ આ સાંભળીને શરમિંદા બની ગયા. આખરે પોતાના શિર પરથી આ કરજનું પાપ ઉતારવા માટે મરવાનો જ નિશ્ચય કરીને એ બોલ્યા : “અચ્છા, ભાઈ ! તેરે ઘર પુત્ર આવેગા. બરાબર નવ મહિના પીછે; લલાટમેં વિભૂતિકા તિલક હોય તો સમઝમના કે શંકરને દીયા. અઠાવીસ૧ વર્ષકા આયુષ્ય રહેગા. નામ “બાવા” રખના.”

એટલું બોલીને જાંબુડા ગામના ભોંયરામાં મહારાજ૨ ઘમસાણનાથેજીવતાં સમાત લીધી. લોકવાયકા એવી છે કે પોતાનો જીવ પોતે લુંઘિયાના કાઠી રાણીંગ વાળાને ઘેર કાઠિયાણીના ઉદરમાં મેલ્યો અને બાઈને દિવસ ચડવા લાગ્યા.

નવ મહિને દીકરાનો જન્મ થયો. જન્મતાં જ બાળકને કપાળે ભભૂતનું તિલક દેખાયું. ફુઈએ ‘ઓળીઝોળી’ કરીને બાવો નામ પાડ્યું. રાણીંગ વાળાએ ઘમસાણનાથની જગ્યામાં વધુ જમીન દીધી; દીકરો આવ્યા પછી થોડે વર્ષે ગીરના ધણી રાણીંગ વાળાની દશા પલટી.

મૂળ વીસાવદર અને ચેલણા પરગણાનાં ચોરાશી ગામ ઘેર કરવામાં બે જણાનો હાથ હતો : બાવા વાળાના વડગાનો અને હરસૂરકા કાઠી માત્રા વાળાના બાપનો; પણ બેયની વચ્ચે વેરનાં બી વવાયેલાં. બાંવટાના દરબારે બેય વચ્ચે દા’ સળગાવેલો, એમાં બાવાના બાપ રાણીંગે બધો મુલેક ઘેર કરી માત્રાને બહારવટે કાઢેલો. માત્રાની આવરદા બહારવટું ખેડતાં પૂરી થઈ ગયેલી.

ત્યાં તો બીજી બાજુ એજન્સીની છાવણી ઊતરી, જમીનના સીમાડા નક્કી કરવા નીકળેલા બાકર (કર્નલ વાકર) સાહેબના હાથમાં વીસાવદરનો મામલો પણ મુકાયો. અને એમાં એણે રાણીંગ વાળાના હાથમાંથી તમામ ગામ આંચકીને માત્રા વાળાના દીકરા હરસૂર વાળાને સોંપી દીધાં. રાણીંગ વાળો બહારવટે નીકળ્યો, અને થોડાં વર્ષે બાવાને નાનો મૂકીને મરી ગયો.

પણ મરણટાણે આઠ વરસના દીકરા પાસે પાણી મુકાવતો ગયો કે “બેટા! જો મારા પેટનો હો તો બાપની જમીન પાછી મેળવ્યા વગર જંપીશ નહિ.”

આજે સુવાવડ ગામમાં કારજ છે. પહેલી પાંતે (પંગતે) રોટલા ખાઈને બાર વરસનો બાવા વાળો સુવાવડને ચોરે લોમા ધાધલ નામના અમીરના ખોળામાં બપોરે નીંદર કરે છે. માથે લાંબાલાંબા કાનશિયા જટા જેવા વીખરાઈ પડ્યા છે. મુખની કાન્તિ પણ કોઈ ભેખધારીને ભજે તેવી ઝળહળે છે. કારજમાં જેતપુરનો કાઠી દાયરો પણ હાજર છે.

“કાં, કાકા!” જેતપુરના દરબાર મૂળુ વાળાએ દેવા વાળાને આંગળી દેખાડીને કહ્યુંઃ “જટા મોકળી મેલીને બાવો સૂતો છે. જોયો ને ?”

કાકા દેવા વાળાએ ડોકું ધુણાવ્યુંઃ “હા, બાવો ! સાચોસાચ બાવો ! ફુઈએ બરાબર નામ જોઈને આપ્યું છે હો ! બાવો ખરો, મોટા મઠનો બાવો !”

“અને આ બાવો લુંઘિયાનાં રાજ કરશે ? એ કરતાં તો ખપ્પર લઈને માગી ખાય તો શું ખોટું ?”

“દરબાર!” સનાળીના કશિયાભાઈ ચારણથી ન રહેવાતાં એ બોલ્યાંઃ

“બાવો ખપ્પર લેશે નહિ, પણ બીજા કંઈકને ખપ્પર લેવરાવશે, એ ભૂલતા નહિ. મલક આખાને બાવો લોટ મંગાવશે.”

જુવાનીમાં આવતાં જ બાવે બહારવટું આદર્યુંઃ એક જેતપુરના દરબાર મૂળુ વાળા સામેઃ કેમ કે એણે વાઘણિયા ગામમાં બાવા વાળાની બાપની જમીનનો ભાગ દબાવ્યો હતો, અને બીજું, વીસાવદરના હરસૂરકા કાઠીઓની સામે.

ઝાકઝીક! ઝાકઝીક! ઝાકાઝીક! બાવા વાળાની તરવાર ફરવા માંડી.

‘હરસૂરકા વંશને રહેવા દઉં તો મારું નામ બાવો નહિ’, એવી પ્રતિજ્ઞા લઈને બાવો પંદર-સોળ વરસની ઉંમરે તો હરસૂરકાનાં લીલાં માથાં વાઢવા લાગ્યો. એને બિરદાવવા ચારણોએ આવા દુહા રચ્યાઃ

મેં જાણ્યું રાણીંગ મૂવે, રેઢાં રે’શે રાજ,

(ત્યાં તો) ઉપાડી ધર આજ, બમણી ત્રમણી બાવલે. (૧)

સૂંઠ જ સવા શેર, ખાધેલ તો વેળા ખત્રી,

ઘોડે કરિયલ ઘેર, બાપ રાણીંગ જ્યું બાવલા ! (૨)

વાઢ્યા અમરેલી વળા, ખાંતે લાડરખાન,

લખ વોરે લોબાન, બાંય નો વોરે બાવલા. (૩)

વાળા વાઘણિયા તણો, રતી યે ન લીધો રેસ,

દેવા વાળાનો દેસ, બાળી દીધો તેં બાવલા! (૪)

માથું મેંદરડા તણું, ભાંગ્યું ભાયાણા,

તુંથી રાણ તણા, બીએ જેતાણું બાવલા! (૫)

ગળકે કામન ગોંખડે, રંગભીની મધરાત,

ઓચિંતાને આવશે, ભડ બાવો પરભાત. (૬)

પરભાત આવે નત્ય ત્રાડ પાડે,

ગણ જીત ત્રંબાળુ તિયાં ગડે,

ઘણમૂલા કંથ આવો ઘડીએ,

ગળકે કામન ગોંખડીએ. (૭)

ખાવિંદ વન્યાનું ખોરડું, ધણ્યને ખાવા ધાય,

પ્રીતમ બાવે પાડિયા, કુંજાં જીં કરલાય. (૮)

કુંજ સમી ધણ્ય સાદ કરે,

ઘણમૂલા કંથ તું આવ્ય ઘરે,

રંગ રેલ ધણી તળમાં રિયો,

થંભ ભાંગ્યો ને ખોરડ ઝેર થિયો. (૯)

બાવાના નામનો એટલો બધો ત્રાસ પડી ગયો અને એક પછી એક હરસૂરકાનાં ગામડાં ધબેડાતાં ગયાં.

સવારને પહોરે સૂરજ મા’રાજ કોર કાઢે અને સાંજે મા’રાજ મેર બેસે, એ બેય ટાણે બાવા વાળો ઘોડેથી ઊતરી જતો અને ઘીના દીવાની જ્યોત પ્રગટાવી સૂરજ સન્મુખ માળા કરતો. ચાહે તેવી સંકડામણમાં પણ એણે વ્રત ભાંગ્યું નહોતું. એક વખત પોતે ખુમાણ પંથકમાંથી લૂંટ કરીને ચાલ્યો આવે છે. વાંસે વાર વહી આવે છે. બંદૂકોના ચંભા વાંસેથી છૂટતા આવે છે. એમાં આડી શેલ નામની વખંભર નદી આવી. નદીની ભેખડમાં ઊતરતાં જ સૂરજ ઊગીને સમા થયા એટલે બાવા વાળાએ ઘોડેથી ઊતરી જ્યોતની તૈયારી કરી હાથમાં માળા ઉપાડી.

“અરે, આપા બાવા!” સાથીઓ કહે છેઃ “આ સમંદરનાં મોજાં જેવી વાર વહી આવે છે, અને અટાણે માળા કરવાનું ટાણું નથી, માટે ગરમાં જઈને કાલે સવારે બેય દિવસના જાપ હારે કરજો.”

“એ ના બા, પૂજા કાંઈ છંડાય ? તમારી મરજી હોય તો તમે હાલી નીકળો. હું હમણાં જ વાંસોવાંસ આવીને તમને આંબી લઉં છું.

બાકી માળા તો મારાથી નહિ મેલાય.”

કહેવાય છે કે એના સતને પ્રતાપે વાર આડે માર્ગે ઊતરી ગઈ.

અને બાવા વાળાએ માળા પૂરી કર્યા પછી જ આગળ ડગલું દીધું.

ચલાળા ગામમાં તે વખતે દાના ભગત૧ની વેળા ચાલે છે. આપો દાનો કાઠીઓના પીર કહેવાતા. ઠેકાણે ઠેકાણે એના પરચાની વાતો થતી.

દાના મહારાજને તો ત્રણ ભુવનની સૂઝે છેઃ દલ્લીમાં ઘોડાં દોડતાં હોય એ દાનો પીર નજરોનજર ભાળે છે; એની આંતરડી દુભાય તો માણસનું ધનોતપનોત નીકળી જાય; અને એનો આત્મા રીઝે તો નસીબ આડેથી પાંદડું ઊડી જાયઃ એવી વાતો કાઠિયાવાડમાં પ્રસિદ્ધ હતી. દાના ભગતની કરણી પણ ભારી ઊંચી કહેવાતી. ગરના એક ગામડામાં ભરવાડની એક છોકરીનું માથું કીડે ખદબદતું હતું, વેદનાનો પાર નહોતો. તેમાંથી પાસપુરને તથા કીડાને દાના ભગતે ત્રણ પોતાની જીભેથી ચાટી લઈને એ છોકરીનો રોગ મટાડ્યો હતો.

એવા અવતારી પુરુષને ખોળે જઈને યુવાન બાવા વાળાએ માથું નાખી દીધું. હાથ જોડીને એણે ભગતને મર્મનું વચન ચોડ્યુંઃ “બાપુ! જો જગ્યામાં દિવેલની તૂટ પડતી હોય તો હું માગો એટલું મોકલતો જાઉં.”

“કાં બાપ, અવળાં વેણ શીદ કાઢછ?”

“ત્યારે શું કરું ? મેંથી આ ધોડાધોડમાં રોજ બે ટાણાં દિવેલ સાથે રાખીને દીવા કરવાની કડાકૂટ થાતી નથી. વાંસે રાજ-રજવાડાની ગિસ્તું ગોતતી ફરે છે; એટલે હવે મારો દીવો આંહીં જ કરતા જાવ.”

“બાવા વાળા! એટલા સારુ જગ્યાને આળ કાં દે, બાપ? જા, કોડિયામાં વાટ મેલીને સૂરજ સામે ધરજે. તારા દીવામાં દિવેલ પણ સૂરજ પૂરશે અને જ્યોત પણ સૂરજ પેટાવશે. જાપ કરતાં આળસવું નહિ. જ્યાં સુધી જાપ કરીસ ત્યાં સુધી વાર તને વીંટીને ચાલશે તોય નહિ ભાળે.”

“અને, બાપુ, મારું માત?”

“જ્યોત ન થાય ત્યારે જાણજે કે તારે માથે ઘાત છે-બાકી તો દેવળવાળો જાણે, બાપ ! હું કાંઈ ભગવાનનો દીકરો થોડો છું? પણ સતને માર્ગે રે’જે”‘‘‘

સોરઠી ગીરની અંદર, ધ્રાફડ નદીને કિનારે, વેકરિયા અને વીસાવદર ગામની વચ્ચે ‘જમીનો ધડો’ નામે ઓળખાતો એક નાનો ડુંગર છે. એ જગ્યા ઉપર દાતારની જગ્યા પાસે એક ગામડું વસાવીને બાવા વાળાએ બહારવટિયાને સંતાવવાની સુગમતા પડતી. ગીર તો માનું પેટ ગણાય છે.

બાવા વાળાના દેહમાં જુવાનીનાં તેજ કિરણો કાઢી રહ્યાં છે. એની રૂડપ જાણે કે શરીરમાં સમાતી નથી. પણ પોતે બહારવટના પંથે ઊભો છે, અને આપા દાનાનું દીધેલ માદળિયું બાંધે છે. પોતાના હાથમાં રેઢી જ્યોત થાય છે. એટલાં બિરદ માટે લઈ ફરનાર પુરૂષની નાડી લગરીકે એબ ખમે નહિ. એ રીતે બહારવટિયો જુવાનીને ચારે કોરથી દબાવીને વર્તે છે. પરણેલ

છે, પણ કાઠિયાણી ચલાળે આપા દાનાની પાસે જ રહે છે.૧

“ભણેં માત્રા!” ભોજા માંગણીએ વાત છેડીઃ “ઘમસાણનાથજીએ આની આવરદા કેટલી ભણી છે, ખબર છે ને ?”

“હા, ભોજા, અઠાવીસ વરસની.”

“દીવો ઓલવાતાં કાંઈ વાર લાગશે?”

“ના. અઠાવીસ વરસ તો કાલ સવારે પૂરાં થાશે.”

“તો તો મહાપ્રાછત લાગ્યું દેખાય.”

“તો પછી આઈને ચલાળે ન બેસારી રખાય.”

માત્રો સમજી ગયો. બાવા વાળાને પૂછશું તો ના પાડશે એમ

માનીને છાનોમાનો અસવારને ચલાળે રવાના કર્યો. બીજે દિવસે દીવે વાટ્યો ચડ્યા પહેલાં તો ‘આઈ’ને લઈને અસવાર જમીના ધડા ભેળો થઈ ગયો.

રાત પડી. અધરાતે દાયરો વીંખાયો. સહુની પથારી વચ્ચે પોતાની પથારી ન જોવાથી બાવા વાળાએ પૂછ્યુંઃ “મારી પથારી ક્યાં?”

“આજની તમારી પથારી ઓરડે છે, બાવા વાળા!”

બાવા વાળો સમજી ગયો. એને કોઈએ જાણ નહોતી કરી. અચાનક મેળાપ થતાં એને હેતના ને હરખના હિલોળા ચડશે, એમ સહુના અંતરમાં આશા હતી. કાઠિયાણી પણ પરણ્યા પછી કંથને આજ ઘણે વરસે મળવાનું છે. એવા કોડથી જીમી ને મલીરની નવીનકોર સુગંધ દેતી જોડ્ય ધારણ કરીને જમરખ દીવડે પોતાના સાવજશૂરા કંથની વાટ જોવે છે. પતિરાજના પોરસ થકી ફૂલતા દેહ ઉપર ચૂટલીઓ તૂટુંતૂટું થાય છે.

દાયરામાંથી ઊઠીને અધરાતે બાવા વાળો ઓરડે આવ્યો. રંગભીના ઓરડામાં રાજવણને બેઠેલી ભાળતાં જ અચંબો ઊપડ્યો.

“તું ક્યાંથી?” જરાય મોં મલકાવ્યા વગર પૂછ્યું.

“તમારી તેડાવી.” ભોળુડી સ્ત્રી હજુ હસે છે.

“મેં તેડાવેલી? ના! કોની સાથે આવી?”

“તમારા કાઠી સાથે.”

ત્યાં તો બાવા વાળાનાં રૂંવાડાં બેઠાં થઈ ગયાં. એની આંખોમાં દેવતા મેલાણો. “તું મારી અસ્ત્રી! પરપુરુષ સાથે હાલી આવી? બહુ અધિરાઈ હતી?”

“દરબાર, અધીરાઈ ન હોય? ધણીને મળવાની અધીરાઈ ન હોય?

મેં શું પાપ કર્યું?”

બાવા વાળાની જીભે માઝા મૂકી.

“કાઠી! કાઠી!” આઈની કાયા કંપવા માંડી. “બસ કરી જાઓ.

આ શું બોલો છો! સાવજ તરણાં ચાવે છે? દરબાર! આટલો બધો વહેમ...!”

બાવા વાળાએ તરવાર ખેંચી.

“ઓહોહો! દાતરડાની બીક દેખાડોે છો? આ લ્યો.”

એમ કહેતી કાઠિયાણી ગરદન ઝુકાવીને ઊભી રહી. દયાવિહોણા બહારવટિયાએ અબળાની ગરદન પર ઝાટકો ચોડ્યો. જે ગળામાં પિયુજીની મીઠી ભુજા પડવાની હતી ત્યાં તરવાર પડી અને ઘડી-બે ઘડીમાં તો એનો જીવ જતો રહ્યો.

અત્યારે એ બાઈની ચૂંદડી ને એનો મોડિયો ખડકાળા નામના ગામમાં પૂજાય છે.

બાવા વાળાથી થાતાં તો થઈ ગયું, પણ પછી તો એની રીસ ઊતરી. કાઠિયાણીનું નિર્દોષ મોં એની નજરમાં રમવા માંડ્યું અને પસ્તાવો ઊપડ્યો. અંતરમાં ઝાળો ઊઠી. ક્યાંયે જંપ નથી વળતો. આંખે અખંડ આંસુડાં ઝરે છે. એણે બોલવું ચાલવું પણ બંધ કરી નાખ્યું છે.

“બાવા વાળા!” એના સાથીઓ સમજાવવા લાગ્યાઃ “હવે ચીંથરાં શું ફાડછ? ઓરતો થાતો હોય તો પ્રભુની માળા ફેરવ્ય, પણ માણસ કાં મટી જા?”

તોયે બાવા વાળાને શાંતિ વળી નહિ. છાનોમાનો નીકળીને એ ગોપનાથ પહોંચ્યો. દરિયામાં સ્નાન કરીને મંદિરમાં જઈને ઊભો રહ્યો.

તરવાર કાઢીને એણે દેવની પ્રતિમાજી સમક્ષ કમળપૂજા ખાવાની તૈયારી કરી. ચોધારાં આંસુડાં ચાલ્યાં જાય છે અને સ્ત્રીહત્યાના પાપનો પોતે વિલાપ કરે છે. તે વખતે નાગરવ ગિયડ નામના ચારણે એનો હાથ ઝાલીને ઓચિંતી તરવાર ઝૂંટવી લીધી.

“નાગરવ ભા! મને મરવા દે,” બાવા વાળાએ તરવાર પાછી માગી.

“બાવા વાળા! બેય કાં બગાડ્ય? પેટ તરવાર નાખ્યે અસ્ત્રી-હત્યા ઊતરશે એમ માનછ? મરીને ભૂત સરજીશ, બાવા વાળા! અને શાંતિનો છાંટોય નહિ જડે. માટે આદર્યાં કામ પૂરાં કર, અને સંસારમાં રહીને પાપ ભસમ થાય એવી પ્રભુભક્તિ કર.”

એમ ફોસલાવીને બાવા વાળાને પાછો લઈ ગયા, અને એને ફરી વાર પરણાવ્યો.

“કાંઈ વાવડ?”

“હા સાહેબ, નાંદીવેલે ડુંગરે.”

“કેટલો માણસ?”

“દસ જ. રાતોરાત પહોંચીને ફૂંકી મારવા જોવે. નીકર સવાર ઊગ્યે હાથી આવી રહ્યો.”

ગીરના જંગલમાં બાવા વાળાને જેર કરવા ગાયકવાડ સરકારના બંદર ખાતાનો સાહેબ, જેનું નામ ગ્રાંટ હતું૨ તે, પોતાની ટુકડી લઈને ભટકી રહ્યો છે, એક રાતે બાતમીદારે અને બાવા વાળો તુળશીશ્યામની પડખેના શંકરના પોઠિયાના આકારના ભયંકર નાંદીવેલા ડુંગરમાં રાત રહ્યાની બાતસમી પહોંચાડ અને સાહેબે દારૂગોળા લાદીને સાંઢિયો વહેતો કર્યો.

રાતોરાત એની ટુકડી નાંદીવેલા માથે લપાઈને ચડી ગઈ. બંદૂકદારો બંદૂકો લઈને ગોઠવાઈ ગયા. અને દારૂગોળાનો ઢગલો થાય કે તરત બંદૂકો ધરબીને સામી ખોપમાં બેઠેલ બહારવટિયાને ઉડાવી મૂકવાની વાટ જોવા લાગ્યા.

મોંસૂઝણું થઈ જવા આવ્યું છે. બાવા વાળાને કંઈ ખબર નથી. એ તો પોતાની રોજની રીતે પથારીમાંથી ઊઠીને પ્રથમ આપા દાનાની સ્તુતિ કરી રહ્યો છે. અને એના રહેઠાણને માથે જ સાંઢિયા ઉપરથી કોથળા ઉતારીને નીચે પાથરેલ બૂંગણ ઉપર ગ્રાંટસાહેબના બરકંદાજો દારૂ ઠલવી રહ્યા છે. એક જ ઘડીનું મોડું થાય તો બહારવટિયાને જીવવાની બારી જ ન રહે. પણ ત્યાં એકાએક અકસ્માત બન્યો.

લોકો ભાખે છે કે જે ઘડીએ નાંદવેલા પર બાવા વાળાએ દાનાની સ્તુતિ કરી, તે જ ઘડીએ ચલાળા ગામમાં દાના ભગતે દાનાની જગ્યામાં સગડીની પાસે બેઠાંબેઠાં, એક ચીપિયા વતી સગડીની અંદરથી એક ધગધગતો તિખારો ઉપાડી બીજી બાજુ મેલ્યો, ને મેલતાંમેલતાં પોતે બોલ્યા કે “હવે

મેલ્યને એમાં ટાંડી!”

‘હવે મેલ્યેને એમાં ટાંડી!’ એ વેણ આંહીં આપા દાનાના મોંમાંથી પડ્યું, અને નાંદીવેલાને માથે જાણે કે એ વાણીનો અમલ થયો હોય તેમ, દારૂ પાથરતાં પાથરતાં એક બરકંદાજની બંદૂકની સળગતી જામગરી દારૂમાં અડી ગઈ. અડકતાં તો બૂંગણમાં પડેલો ગંજાવર ઢગલો સળગી ઊઠ્યો. હ ડ ડ ડ ! દા લાગ્યો અને સાહેબની ટુકડીનાં માણસેમાણસ જીવતાં ને જીવતાં સળગીને ભડથાં થઈ ગયાં.

“આ શો ગજબ?” “આ ભડકાને આ ભડકા શેના!”

“આ બોકાસાં કોનાં!” એમ બોલતા જેવા બહારવટિયા બહાર નીકળ્યા તેવો દારૂખાનાનો દાવાનળ દીઠો. ડુંગરાની ખોપો થરથરી ગઈ અને ગંધકના ગોટેગોટ ધુમાડામાં એકબીજાનાં મોં ન દેખાય એવી આંધી પથરાઈ ગઈ.

બહારવટિયા બાવરા બનીને ડુંગરામાં દોડાદોડ કરવા લાગ્યા. જાણે ડુંગરાને કોઈએ પોલો કરીને અંદર દારૂખાનું ભર્યું હોય એવી ધણેણાટીથી ભાગતા ભેરુબંધોને જુવાન બાવા વાળાએ ત્યાં ને ત્યાં સ્થિર ઊભા રહીને પડકાર કર્યોઃ “સૂરજનાં પોતરાં ભાગતાં લાજતાં નથી, બા?”

“બાવા વાળા! ભૂંડે માતે મરવું? જીવતાં હશું તો નામાં કામાં થઈ

શકાશે. પણ ભીંત હેઠળ શીદ કચરાઈ મરવું?”

“એ બા, કાઠીભાઈ ભાગે તોય ભડનો દીકરો! એવું બોલવું બહારવટિયાના મોંમાં ન શોભે. જીવતર વહાલું હોય ઈ ભલે ભાગી નીકળે. મારાથી તો નહિ ખસાય.”

ભોંઠા પડીને કાઠીઓ ઊભા રહ્યા અને થોડીવારમાં ધુમાડો વીંખાયો કે તુરત જ બહારવટિયાએ ગ્રાંટસાહેબને ઘોડે ચડીને ભાગતો દીઠો.

“એલા, ટોપીવાળો જાય.”

“એને બચ્છીએ દ્યો! ઝટ પરોવી લ્યો!”

“ના બા, કોઈ ઘા કરશો મા. દોડો, ઘોડાં ભેળાં કરીને જીવતો ઝાલો. સાહેબ મર્યો લાખનો, પણ જીવતો સવા લાખનો.”

એવું બોલીને બાવા વાલાએ પોતાની ઘોડીને પાટીએ ચડાવી. સાહેબના વેલર ઘોડાની પાછળ હરણ ખોડાં કરે એવા વેગથી મૃત્યુલોકના વિમાન જેવી કાઠિયાવાડી ઘોડીએ દોટ કાઢી અને થોડુંક છેટું રહ્યું એટલે બાવા વાળાએ હાકલ કરીઃ “હવે થંભી જાજે, સાહેબ, નીકર હમણાં ભાલે પરોવી લીધો સમજજે.”

લગામ ખેંચીને ગ્રાન્ટે પોતાનો ઘોડો રોક્યો. સામે જુએ તો બાવા વાળાની આંગળીઓના ટેરવા ઉપર બરછી સુદર્શનચક્ર જેવી ઝડપે ચક્કરચક્કર ફરી રહી છે. બાવે બીજો પડકારો કર્યોઃ “સાહેબ! તારાં હથિયાર નાકી દે ધરતી માથે. નીકર આ છૂટે એટલી વાર લાગશે. અને હમણાં ટીલડીમાં ચોંટી જાણજે.” સાહેબે આ કાળસ્વરૂપને દેખી શાણપણ વાપર્યું. પોતાનાં હથિયાર હેઠે નાખી દઈ, પોતે માથેથી ટોપી ઉતારી, બાવા વાળાની સામે મલકાતે મોંએ ડગલાં દીધાં.

“રામ રામ! બાવા વાલા. રામ રામ!” કહીને ચતુર ગોરાએ પોતાનો હાથ લંબાવ્યો.

સાહેબ લોકોના હથેળી-મિલાપના રિવાજ ન જાણનાર બહારવટિયાએ, કાઠીની રીત મુજબ, પોતાનો હાથ લંબાવી સાહેબને ખભે લગાવ્યો અને પછી કહ્યું કે “સાહેબ, તમે મારા કેદી છો.”

“અચ્છા, બાવા વાલા, કાઠિયાવાડિના બહારવટિયાની ખાનદાનીનો મને ઇતબાર છે. તેં મને જીતેલ છે, એટલે લડાઈના કાનૂન પ્રમાણે હું તારો કેદી જ છું.”

“સાહેબ, તમારું નામ શું?”

“ગ્રાંટ.”

“ઘંટ? ઠીક ઘંટસાહેબ, તમારો ઘોડો મોઢા આગળ કરો અને ચાલો અમારે ઉતારે.”

સાહેબ આગળ અને બાવા વાળો પાછળ એમ બંને ચાલ્યા.

બહારવટિયાનાં સોનાનાં સરખાં ગીરના સેંકડો ડુંગરાઓ અને ગાળાઓ ઓળંગતો ઓળંગતો ગ્રાંટસાહેબ ગીરની સાયબી વચ્ચે આ જુવાન કાઠીનું રાજપાટ નીરખે છે. ત્યાં તો જૈતો વેગડ, લોમો ધાધલ અને ભોજો માંગણી પણ ભેળા થઈ ગયા. છેટેથી સાહેબને અને બાવા વાળાને ભાળતાં જ ભોજાએ ચસકો કર્યોઃ “બાવા વાળા, ટૂંકું કરવું’તું ને!”

“થાય નહિ, બા. ઘંટસાહેબે હથિયાર છોડી દીધાં. પછી એનું રુંવાડુંય ખાંડું ન થાય. સૂરજ સાંખે નહિ.”

“ત્યારે હવે?”

“હવે જ્યાં આપણે ત્યાં સાહેબ.”

“પણ એના ખાવાપીવાનું શું? ઈ તો સુંવાળું માણસ ગણાય. બાદશાહી બગીચાનું ફૂલ.”

“એમાં બીજો ઉપાય નથી. આપણે ખાશું તે સાહેબ ખાશે. બા’રવટાં કાંઈ દીકરાનાં લગન થોેડાં છે?”

સાહેબ તો સમજતા હતા કે સોરઠનો બહારવટિયો કોણ જાણે કેવીય સાયબીમાં મહાલતો હશે. પણ સાંજ પડતાં જ સાહેબનો ભ્રમ ભાંગી ગયો. પથરાનાં ઓશીકાં, ધૂળની પથારી, બાજરાના ધીંગા રોટલાનાં ભોજન અને આ ડુંગરેથી પેલે ડુંગરે, સળગતા બપોરે કે સૂસવતા શિયાળાની અધરાતે, ઉઘાડા આભ નીચે ઉતારા. સાહેબને ગર લાગી. તાવ લાગુ પડ્યો. રોજરોજ બહારવટિયા દારૂ પીને કલ્લોલ કરતા હોય ત્યારે પોતે તાવથી પીડાતો સૂનમૂન પડ્યો રહે, અને પોતાના છુટકારાની ઘડી પણ ક્યારે આવશે એ વાતનો ક્યાંય તાગ ન આવે. માતનાં પરિયાણ મંડાયાં

માનીને ગ્રાંટે ગીરની નિર્જનતા વચ્ચે પોતાનાં બાળબચ્ચાનાં અને પોતાની વહાલી મઢમનાં વસમાં સંભારણાં અનુભવવા માંડ્યાં. એક દિવસ ધાણી ફૂટે એવા બળબળતા તાવમાં પડ્યાં પડ્યાં બેહાલ થઈ ગયેલા સાહેબે ડુંગરાની ગાળીની અંદર બહારવટિયાને નીચે પ્રમાણે વાત કરતા સાંભળ્યાઃ

“બાવા વાળા, સાહેબને પકડીને તો તેં સાપ બાંડો કર્યો છે.”

“હોય બા, થાતાં થઈ ગયું.”

“આપા બાવા વાળા, આખી કાઠિયાવાડને ધમરોળી નાખત તોય કોઈની ભે’ નહોતી. પણ આ તો ગોરાને માથે આપણો હાથ પડ્યો. એના એક ગોરા સાટુ રાણી સરકાર પોતાનું આખું રાજપાટ ડૂલ કરી નાખે. ઈ જાણ છ ને?”

“જાણું છું.”

“અને આ ગરને ઝાડવેઝાડવે ગોરો ચોકી કરવા આવશે, હો!”

“હો!”

“બાવા વાળા, જોછ ને? સાહેબને ઝાલ્યા પછી આજ સુધી આપણાં ઘોડાંના પાખર નથી ઊતર્યા, કે નથી આપણાં બખતર ઊતર્યાં, નથી એકેય રાત નીંદર કરી. હવે તો ડિલના કટકા થઈ ગયા છે અને આ માંદાને ઉપાડવો પડે છે.”

“ત્યારે હવે તો શું કરવું, ભાઈ ભોજા!”

“બીજું શું? એનું ટૂંકું કરી નાખીએ.”

સાંભળીને સાહેબને અંગે પરસેવો વળી ગયો.

બાવા વાળાએ જવાબ દીધો કે “ભાઈ, એમાં ડહાપણ નહિ કે’વાય.

સાહેબને માર્યા ભેળી તો આખી વલ્યાત આંહીં ઊતરી સમજ્જો. અને જીવતો રાખશું તો કોક દી વષ્ટિ કરીને સરકાર આપણું બા’રવટું પાર પડાવશે. માટે સ્વારથની ગણતરીએ મરાય નહિ. બાકી તો હવે તમે કહો તેમ કરીએ.”

જુવાન બાવા વાળાની આવી શાણી શિખામણ સાંભળીને મોટા મોટા તમામ અમીરોને ગળે ઘૂંટડો ઊતરી ગયો અને સાહેબ ઉપર જાપ્તો રાખીને બહારવટું ખેડાવા લાગ્યું. ગોરા ટોપીવાળાઓની જે વખતે ગામડે ગામડે ફ ફાટતી, તેવા વખતમાં બાવા વાળાની આવી ગજબની છાતી સાંભળીને કીર્તિના દુહા જોડાવા લાગ્યા કે -

ટોપી ને તરવાર, નર કોઈને નમે નહિ,

સાહેબને મહિના ચાર, બંદીખાને રાખ્યો, બાવલા.

(દેશમાં એમ કહેવાતુંઃ ટોપી અને તરવાર પહેરનાર અંગ્રેજ લોકો બીજા માણસને નમતા નથી, પણ તેં તો, હે બાવા વાળા, ગોરાને ચાર મહિના કેદમાં રાખ્યો.)

વશ કીધો વેલણનો ધણી, ગરમાં ઘંટને જે,

(એની) વાળા વલ્યાતે, બૂમું પૂગી બાવલા!

(વેલણ બંદરના સાહેબ ગ્રાંટને તેં કેદ કર્યો, તેની બૂમો તો, બાવા વાળા! છેક વિલાયત પહોંચી.)

ઘંટ ફરતો ઘણું, દળવા કજ દાણા,

એને મોં બાંધીને માણા, બેસાર્યો તેં, બાવલા!

(આ ગ્રાંટસાહેબ, કે જે મોટી ઘંટીરૂપી બનીને બહારવટિયારૂપી દાણાને દળી પીસી નાખવા ગીરમાં ફરતો (ચાલતો) હતો તેને, હે બાવા વાળા, તેં મોં બાંધીને બેસારી દીધો. આ દુહામાં ‘ઘંટ’ શબ્દ ઉપર શ્લેષ છેઃ (૧) ગ્રાંટસાહેબ, (૨) બળદથી ચાલતી અનાજ દળવાની મોટી ઘંટી.) સરકારે ગ્રાંટના વાવડ લેવા બહુ ઈલાજો કર્યા, પણ બહારવટિયાએ પત્તો લાગવા દીધો નહિ.

સરકારની શરમનો પાર નહોતો રહ્યો. રાજકોટથી માંડી વિલાયત સુધીના ટોપીવાળા કાંડાં કરડતા હતા. કપ્તાન દરજ્જાનો એક અંગ્રેજ ગીરના કયા ગાળામાં દટાઈ રહ્યો છે તેનો પત્તો ન મળે તો તો કાલ સવારે જ અંગ્રેજની બેસતી પાદશાહીને ગણકારશે કોણ? સરકારી તોપખાનું ગીરમાં લઈ જઈને ક્યા ડુંગરા સામે માંડવું? વિચાર પડતી વાત થઈ.

મુંબઈ સરકારે આખરે ખબર કઢાવ્યાઃ “બાવા વાળાને એનું વીસાવદાર પરગણું પાછું મળશે તો જ ગ્રાંટને જીવતો ભાળશો.”

કોઈને ખબર ન પડી કે ચિઠ્ઠી મૂળ આવી કયે ઠેકાણેથી. અને સરકારને ફાળ પડી ગઈ કે ગ્રાંટને અને માતને ઝાઝું છેટું નથી રહ્યું.

મુંબઈની સરકારમાંથી જૂનાગઢના નવાબ ઉપર ખરીતો ગયો કે ચાહે તે ભોગે પણ હરસૂરકા કાઠાની પાસેથી વીસાવદર પરગણું બાવા વાળાને અપાવો. અને જો ગ્રાંટના ખૂનનું ટીપું પડશે તો ગોરી પલટનો ઊતરીને ગીર સળગાવી નાખશે, અને રાણી સરકારનો ખોફ તમારા રજવાડા ઉપર ઊતરશે.

નવાબના ચતુર દીવાને ગીરના ગાળામાં સંદેશો પહોંચાડ્યો. જૂનાગઢની મદદથી વીસાવદર પરગણું બાવા વાળાને હાથ પડ્યું અને કપ્તાન ગ્રાંટને ગીરમાં છૂટો મેલી બહારવટિયા વીસાવદરની ગાદી ઉપર ગયા. પરંતુ વિજયના મદમાં ચકચૂર થયેલા બાવા વાળાની બુદ્ધિ ફરી ગઈ હતી. એણે માણસાઈ મેલી દીધી હતી.

“આજ તો સરધારપરને માતે પડીએ.”

“દરબાર, ઈ ઘીંહરાનો મારગ લેવા જેવો નથી. ત્યાં તો આયરની વસ્તી વસે છે.”

“પણ આયરોને દરબાર મૂળુ વાળાએ ઉચાળા ભરાવી બહાર કાઢ્યા છે. ઈ આયરો તો ઊલટા આપણી ભેર કરશે.”

એવી ભ્રમણામાં પડીને ત્રણસો ઘોડે બાવા વાળો સરધારપર ભાંગવા હાલ્યો. સાથે માત્રો વેગડ, લોમો ધાધલ, ભોજો માંગાણી, જેઠસૂર બસિયો વગેરે કાળદૂત જેવા ભાઈબંધો ચડ્યા છે. તરત જ સરધારપરમાં જાણ થઈ કે આજ બાવા વાળો પડશે. જેતપુરના દરબારે જે આયરોના ઉચાળા બહાર કાઢ્યા હતા તેમાંથી એક બોલ્યો કે “વધામણી! આજ મૂળુ વાળાની મૂછનો વાળ ઊતરી જાશે.”

મુખી આયરે કહ્યુંઃ “એલા, આજ મૂળુ વાળે કઢાવ્યા, પણ આજ સુધી દાંતમાં અન્ન કોનું ભર્યું છે? આપણા જીવ્યે બાવા વાળો સરધારપર ભાંગે? મા ઘરઘે ને દીકરા ગોળચોખા જમે? બાવા વાળો બોડકિયુંમાં ચર્યો છે, પણ હજી શીંગાળિયુંમાં નથી આવ્યો. આવવા દ્યો એને.”

પોતાના દરબારે નજીવા જ કારણથી ઓચિંતા ખોરડાં ખાલી કરાવીને આયરોને બહાર કઢાવ્યા છેે, પણ ક્યાં જવું તેનો વિચાર કરતા આયરો અંતરિયાળ ઉચાળા લઈને પડ્યા છે. બચ્ચાં રુએ છે, કોઈ ગર્ભવતી આયરાણીઓ પીડાતી પડી છે, ઘરડાં, બુઢ્ઢાં, બીમાર અને આંધળાં-અપંગ આયરોને ઊંચે આભ ને નીચે ધરતી જેવું હોય છે. વરસતા વરસાદમાં વિનાવાંકે દરબારે બહાર કઢાવ્યા તેથી બોરબોર જેવાં પાણી પાડતી આયરાણીઓ અંતરમાં દરબારને શાપ દઈ રહી છે. તેમ છતાં પણ ધણીની લાજ-આબરુ સાચવવાનો સમો આવ્યો સમજી આયરો ઊભા થઈ ગયા, આયરાણીઓ સાંબેલાં લઈને ઊભી રહી, ને ગામની બજારમાં એવી તો ઘટા બંધાઈ ગઈ કે જાણે વાટ્‌ચયો વણાઈ ગઈ છે. નિમકહલાલ આયરો ઉપર બાવા વાળો તૂટી પડ્યો. ‘ખસી જાઓ! ખસી જાઓ!’ એવા પડકારા કર્યા, પણ આયરોનો તો ઘટાટોપ બંધાઈ ગયો. કોઈએ પાછો પગ દીધો નહિ. ત્યારે બાવાવાળાએ કહ્યુંઃ “ા ભૂતવરણ છે. લાખ વાતેય નહિ ખસે. માટે હવે વાટ્યા કોની જોવી? કાપી નાખો.”

પછી મંડ્યા વાઢવા. આયર-આયરાણીઓના ઢગલા ઢાળી દીધા.

એકેએક આયર છાતીના ઘા ઝીલતો ઝીલતો પડકારી રહ્યો છે કે “હાં મારો બાપ! મોરલીધરનું નામ! માત ન બગાડજો! આવી ઊજળી ઘડી ફરી નથી મળવાની.”

પણ બાવા વાળાના કાળઝાળ કટકે આયરોનો સોથ વાળી દીધો.

પાંત્રીસ મોડબંધા પડ્યા. અરેકાર વરતાઈ ગયો. આજ પણ સરધારપરની બજારે અને પાદરમાં સિંદૂરવરણા પાળિયાનો પાર નથી. જાતાની વાર જ આપણા દિલમાં અરેરાટી છૂટી જાય છે.

સારી પેઠે સોનુંરૂપું લૂંટીને બાવા વાળો ભાગ્યો.

અસવાર તો ક્યારનો નીકળી ચૂક્યો હતો. જેતપુર ખબર પહોંચી ગયા. જેતપુરમાં દરબાર દેવા વાળા પથારીવશ પડ્યા છે. એનાથી તો ઉઠાય તેમ નહોતું. પણ ભત્રીજા મૂળુ વાળાએ વાંદર્ય ઘોડીને માથે પલાણ મંડાવ્યાં.

“મૂળુ!” દેવા વાળાએ ચેતવણી દીધીઃ “જોજો હો! વાંદર્યને લજવતો નહિ.”

મૂળુ વાળે ઘોડાં હાંક્યાં, વાવડ મળ્યા હતા કે ગોરવિયાળીની સીમમાં બહારવટિયા રોટલા ખાવા રોકાશે, એટલે પોતે બરાબર દેહલી ધારનો મારગ લીધો.

આંહીં બહારવટિયા ગોરવિયાળીની સીમમાં બેસીને રોટલાની તૈયારી કરે છે, ત્યાં તો એક અસવારે ડમરી ચડતી ભાળી. જોયું તો ભાલાં સૂરજને સંદેશો દેતાં આવે છે. પલકારામાં તો દેહલી ધાર ઉપર ભાલાં ઝબૂકતાં દેખાયાં. અસવારે ચીસ નાખી કે “બાપુ, ગજબ થયો. આપો દેવો વાળો પોગ્યા. દેવો કાંથડનો! હવે કટકોય નહિ મેલે.”

બાવા વાળોે નજર ઠેરવીને નિહાળી રહ્યો. દેહલી ધાર માથે અસવારો ઊતરી ઊતરીને ઘોડાના તંગ તાણવા ને અફીણની ખરલો ઘૂંટવા લાગ્યા.

“જખ મારે છે!” બાવા વાળાએ હરખનો લલકાર કર્યોઃ “નક્કી ભાઈ મૂળુ વાળો છે. દેવો વાલો ન હોય. દેવો કાંથડનો હોય તો તો કદી તંગ ખેંચવાયે રોકાય? દેવો ઢીલે તંગે ઘોડાં ભેગાં કરે. ફિકર નહિ. હવે તમતમારે નિરાંતે ઘોડાં પલાણો.”

ઝબોઝબ ઘોડાં ઉપર ઘાસિયા નખાયા અને કાઠીઓ ચડી ગયા.

સામી બાજુથી મૂળુ વાળો અફીણ-કસુંબા લઈને અને તંગ તાણીને ઊતર્યો.

બેય સગા મશિયાઈઃ બેય ગોરવિયાળીની સપાટ ધરતીમાં સામસામા આટક્યા. પેગડાં માથે ઊભા થઈ જઈને બેય જણાએ ભાલાં ઉગામ્યાં.

આભને ભેદે એવા સામસામા પડકારા દેવાણા. પણ ત્યાં તો કોણ જાણે શી દૈવગતિ બની કે રણમાં સદા ખીલાની જેમ જડાઈ જનારી વાંદર્ય ઘોડી પોતાના અસવાર મૂળુ વાળાના હાથમાંથી નીકળીને પાછા ફરી ગઈ. મૂળુ વાળા તે વખતે ભૂંડા દેખાણા. “મૂળુભાઈ, ભાગો મા!” “મૂળુભાઈ, ભાગો મા!” “નહિ મારી નાખીએ!” “લોહીનો ત્રસકોય નહિ ટપકાવીએ!” “એ બા, ઊભા રો’!” એવા ચસકા શત્રુના માણસો પાડવા લાગ્યા. અને પછી

મૂળુ વાળે ઘણીયે વાંદર્યને પા ગાઉ માથેથી પાછી વાળી, પણ ત્યાં તો ગોરવિયાળીના ચારણોને જાણ થતાં એ બધા દોડ મેલીને આંબી ગયા. બેય કટકને જોગમાયાની દુહાઈ દઈને નોખાં પાડ્યાં. ચારણના દીકરા વચ્ચે આવવાથી બેય મશિયાઈ નોખીનોખી દિશામાં કટકને હાંકી ગયા.

“બાપુ! ભાઈ મૂળુ વાળાએ પારોઠનાં પગલાં ભર્યાં!”

એમ જેતપુરમાં વાવડ પહોંચ્યા. સાંભળતાં જ દેવો વાળા પથારીમાં પડ્યાપડ્યા મોઢું ઢાંકી ગયા. ભત્રીજો આવતાં જ આપા દેવાએ પડખું ફરીને કહી દીધું કે “મને મોં દેખાડીશ મા!”

“અરે કાકા! પણ મારો વાંક નહોતો. હું ન ભાગું, મારાં ભાગ્ય અવલાં તે વાંદર્ય ફરી ગઈ. પણ હવે તમારે પગે હાથ દઈને કહું છું કે હું બાવાને ફરી ભેટીશ અને ઘોડી ફરી હતી કે હું ફર્યો હતો તે બતાવી દઈશ.”

એટલી ખાતરી મળ્યા પછી જ દેવા વાળાએ મોં પરથી લૂગડું ખસેડ્યું.

“આવો આવો, આપા માણસૂર!” ડુંગરના તખ્ત ઉપર બિરાજેલા બાવા વાળાએ મહેમાનોને આવકાર આપ્યો.

“આપા બાવા વાળા!” માણસૂર ધાધલ બોલ્યાઃ “હું આજ સ્વારથની વાતે આવ્યો છું.”

“બોલો, બા!”

“જો ભાઈ, મારે ગુંદાળા ગામમાં ખોરડાં કરવાં છે. પણ જો તું એ ગામને માથે ન પડવાનો હો તો જ હું ખોરડા કરું.”

“આપ બાવા વાળા,” બાવાનો સંગાથી જેઠસૂર બસિયો કે જે માણસૂર દાધલનો સગો મશિયાઈ થતો હતો, તે વચ્ચેથી જ બોલી ઊઠ્યોઃ

“આપા, જો વેણ પળાય એમ હોય તો જ હા પાડશે. હો. નીકર પછી થૂક્યું ગળવું પડશે, ને અમારું બેય ભાઈયુનું માત બગડશે.”

“બહુ સારું, આપા માણસૂર, જાઓ મારો કોલ છેઃ ગુંદાળા માથે ન ચડવાનું હું પાણી મેલું છું.”

માણસૂર ધાધલે તો ગુંદાળે જઈને રૂપાળાં ખોરડાં ચણાવ્યાં અને એક જેબલિયા કાઠીની જમીન પોતાના મંડાણામાં હતી તે લઈને ખેડવાનું આદર્યું. બાવા વાળાના વેણ માથે એને વિશ્વાસ છે.

પણ બાવા વાળાનો કાળ આવવા બેઠો છે ને! એટલે જે કાઠીની જમીન માણસૂર ધાધલ ખેડવા માંડ્યો એ જ જેબલિયા કાઠીએ વહેતાં મેલ્યાં બાવા વાળાની પાસે. જઈને બાવા વાળાને ચડાવ્યોઃ “ભણેં આપા બાવા વાળા! હાય ગુંદાળા માથે ત્રાટક દે ને, રોગું હેમ પાથર્યું છે.”

“પણ આપા, મારાથી જીભ કચડાઈ ગઈ છે, શું કરું?” બાવા વાળાની દાઢ સળકી. પણ કોલ ઉથાપવાનો ડર લાગ્યો.

“આપા બાવા વાળા, બરાબર. તારો કોલ સાચો એટલે તું માણસૂરના લબાચા ચૂંથીશ મા. પણ ગુંદાળામાં તો હેમ પાથર્યું છે, હેમ!”

ધર્મના માર્ગેથી લપસી ગયેલો બાવા વાળો લોભાઈને આખરે ગુંદાળા માથે ચડ્યો. આવતાં જ છેટેથી એને માણસૂર ધાધલે ભાળ્યો. માણસૂરે આઘેથી ધા નાખીઃ “અરર બાવા વાળા! વચન લોપ્યું! આપા દાનાને લજવ્યો!

કમતિયા! ડાકણ પણ એક ઘર છોડી દ્યે. તું ઈથીયે ઊતરતો પાક્યો?”

“આપા માણસૂર!” ભોંઠા પડેલા બાવાએ ગોટા વાળ્યાઃ “તું તારે તારું સંભાળ. તારું રુંવાડું ખાંડું નહિ કરું!”

“હવે બસ કરી જા, બાવા વાળા!” માણસૂર ધાધલ તરવાર કાઢીને બહાર નીકળ્યો. “કાઠીના પેટનો થઈને મને મારું એકલાનું ઘર વહાલું કરવાનું કહેછ? મને પણ તું જેવો જ માન્યો?”

એમ બોલતો માણસૂર ધાધલ ગામની રક્ષા માટે ઓરડેથી ઊતર્યા.

જાતાંજાતાં પોતાની સ્ત્રી કહ્યુંઃ “કાઠિયાણી, બેય છોકરાઓને ઓરડામાં પૂરી રાખજે.”

એટલું બોલીને માણસૂર કેસરી સિંહની જેમ કૂદ્યો, “જાળવ્ય! માણસૂર જાળવ્ય!” એમ બાવા વાળાએ હાકલા કર્યાઃ પણ જાળવે શું? તરવાર લઈને માણસૂરે એકલાએ રણ આદર્યું. ઘડી એકમાં તો એના પરજેપરજા ઊડી ગયા.

ત્યાં તો ખોરડા ઉપરથી છાપરું ફાડીને માણસૂર ધાધલનો નાનો દીકરો બહાર નીકળ્યો. એણે પોતાના બાપને ધિંગાણે શોભતો દીઠો. પોતાની પાસે તરવાર તો નહોતી એટલે શત્રુઓ ઉપર એ લાકડીના ઘા કરવા મંડ્યો.

“બાપુ!” અસવારો બોલ્યાઃ “છોકરો ઘોડાં માથે પરોણાની પ્રાછટ બોલાવે છે.”

“મારશો મા! ઇ ટાબરને મારશો મા! એને ઝાલી લ્યો અને હવે હાલો. ઝટ ભાગી નીકળો! લૂંટ નથી કરવી. દાટ વાળી નાખ્યો,” એમ

કહીને એણે ભૂંડે મોંએ વીસાવદરનો કેડો લીધો.

માર્ગે એક નેહરું આવે છે, ત્યાં માણસૂરના ભાઈ જેઠસૂર બસિયાનેે પોતાના અવસરો સાથે તડકા ગાળવા બેઠેલો દીઠો. અને જેઠસૂરે બાવા વાળાને દીઠો.

“કોણ, બાવા વાળો?”

“હા, આપા જેઠસૂર.”

પણ એ હોંકારમાં રામ નથી રહ્યા. બાવા વાળાના મોં ઉપરથી વિભૂતિમાત્ર ઊડી ગઈ છે. અને વળી બાવા વાળો ગુંદાળાને માર્ગેથી ચાલ્યો આવે છે. એટલે જેઠસૂરે અનુમાન કરી લીધું.

“કાળો કામો કરીને આવછ ને, ભાઈ!”

બાવા વાળો ચૂપ જ રહ્યો.

“બાવા વાળા! બીજું તો શું કરું? તારું અન્ન મારી દાઢમાં છે.

તારી થાળીમાં ઘણા દી રોટલાનાં બટકાં ભાંગ્યાં છે. પણ હવે રામ રામ!

આપણાં અંજળ ખૂટી ગયાં.”

જેઠસૂરના વળના જેટલા અસવારો હતા તે તમામ તરી નીકળ્યા.

અને બાવા વાળો ભોજા માંગણીને લઈ માર્ગે ચડ્યો. પણ આજ એની દશા પલટાતી હતી, એટલે એની કાંધે કુમત જ ચડી બેઠી હતી. ભોજા માંગણીએ પાસેના ખેતરમાં એક બેહાલ આદમી સામે આંગળી ચીંધીને કહ્યુંઃ “આપા બાવા વાળા, ઓલ્યો સાંતી હાંકે ઈ કોણ છે, ઓળખ્યો ?”

“કોણ છે, ભોજા?”

“ઇ હરસૂર વાળા પોતેઃ તારા ચોરાશી પાદરનો ગઈ કાલનો ધણી.”

“એટલે તારું કહેવું શું છે, ભોજા?”

“બાવા વાળા! દુશ્મનની આવી દશા દીઠી જાય છે ખરી? સાવજને શું તરણાં ખાતો કરાય?”

“ત્યારે શું શત્રુના પગ ધોઈને પિવાતા હશે?”

“બાવા વાળા અને વધુ નહિ એક જ ગામડી દે; પણ આ હરસૂર વાળાના હાથમાં સાંતી તો દેખ્યું નથી જાતું.”

“ભોજા! જમીન ચાકડે નથી ઊતરતી, જાણછ ને?”

“તો પછી, બાવા વાળા, ભોજોય ચાકડે નથી ઊતરતો, ઇ યે તું જાણછ ને?”

“એટલે, ભોજા!” બાવા વાળો તિરસ્કારથી હસ્યોઃ “બહુ દાઝતું હોય તો એને ચોરાસી પાદર પાછાં અપાવજે!”

“બાવા વાળા! તારા મોંમાં અવળાં વેણ ન શોભે. બાકી તો તું જાણછ ને? વિકમા ગયા, શેખવા ગયા, જેઠસૂરે તને છોડ્યો; એમ પછી પીંછડાં વિનાનો મોર રૂડો લાગશે?”

“મોર હશે તો નવ હજાર પીંછડાં આવશે.”

“પછી ઓરતો નહિ થાય ને?”

“ના ના, આ લે, એક બરછી બાંધછ, ને આ બીજી પણ ભેળી બાંધજે.”

“ત્યારે હવે રામ રામ, બા! શેલણા ને વીસાવદરનાં એક સો ને અડસઠ પાદરના ધણી! જાગતો રે’જે!” એટલું કહીને ભોજો માંગણી પોતાનાં ઘોડાં તારવીને પાછો વળ્યો. સીધેસીધો ખેતરમાં સાંતી હતું ત્યાં ઘોડી હાંકી જઈ પડકાર કર્યોઃ “આપા હરસૂર વાળા! મેલી દે સાંતી. ઠાકર તારાં ચોરાશીયે ચોરાશી તને પાછાં આપશે.”

“ભોજા માંગણી! આ બે સાંતીની જમીન રહી છે, એય નથી સહેવાતી કે શું? આભને ઓળે રહીને મારાં છોરુડાં ઉઝેરું છું; એટલુંયે તારી આંખમાં ખટકે છે કે, ભાઈ!” બોલતાંબોલતાં હરસૂર વાળાની પાંપણો પલળતી લાગી.

હેઠા ઊતરીને ભોજાએ પોતાની તરવાર હરસૂર વાળાના હાથમાં દીધી અને બોલ્યોઃ “આપા હરસૂર! આજથી તું મારો ઠાકોર ને હું તારો ચાકર. ઊઠ, નીકળ બા’રવટે.”

વીસાવદર ગામમાં સોપો પડી ગયો છે. જળ જંપી ગયાં હોય એવી શાંતિ પથરાઈ ગઈ છે. બાવા વાળો દરબારગઢના માયલા ઓરડામાં માળા ફેરવી લઈને સૂવાની તૈયારી કરે છે. આજ ત્રણ દિવસથી એની સવાર-સાંજની માળાને ટાણે રેઢી જ્યોત થાતી નથી. એ ચિંતામાં બહારવટિયો ઊંઘ વિના પથારીમાં આળોટે છે. તેટલામાં તો, પોતે જેને બહેન કહી હતી એ કણબણ આવીને ઊભી રહી.

“બાપુ! જાગો છો?”

“કાં બોન, અટાણે કેમ આવવું પડ્યું?”

“બાપુ, મને વહેમ પડ્યો છે.”

“શેનો?”

“ભોજો માંગણી આવ્યો લાગે છે!”

“ક્યાં?”

“ધ્રાફડના વોંકળામાં. એકલો નથી. ઘણીયું જામગરીયું તબકતી જોઈ.”

“ઠીક જા, બહેન, ફિકર નહિ.”

કણબણ ચાલી ગઈ એટલે ડેલીએ લોમો ધાધલ અને માત્રો વેગડ બેઠેલા એમાંથી લોમે ફળીમાં આવીને પૂછ્યું કે “ભણેં બાવા વાળા! તારી બોન આવુંને કાણું ભણુ ગઈ?”

“આમ લોમા!” બાવા વાળાએ અંદરથી અવાજ દીધોઃ “ભોજાનું કટક ધ્રાફડાના નાળામાં હોય એમ લાગે છે. માટે ચેતતા રહેજો.”

“ઇં છે? તવ્ય તો ભણેં હવે ડેલીનાં કમાડ ઉઘાડાં ફટાક મેલુ દ્યો. ભાઈ ભોજાને વળી પાછાં કમાડ ભભડાવવાં પડશે.”

(બીજી વાત એમ કહેવાય છે કે આયડુએ ખૂટીને તે રાતે ઢોરને પહર ચારવા જતી વખતે ડેલી દેવરાવી નહોતી.) ડેલીનો દરવાજો આખેઆખો ખુલ્લો મૂક્યો. માંયલી ડેલીએ પચીસ હેડીના કાઠીઓ હથિયાર-પડિયાર લઈને સૂતા. સહુને મન તો ભોજો માંગાણી આવ્યાની વાત પર ભરોસો જ નથી, એટલે ઝોલાં ખાવા માંડ્યા. પણ માત્રો વેગડ (બાવા વાળાની ફુઈનો દીકરો) પૂરેપૂરો વહેમાઈ ગયો હતો.

એ બેઠોબેઠો સહુનાં મોં પર પાણી છાંટે છે, સહુને સમજાવે છે કે “ભાઈ, આજની રાત ઊંઘવું રે’વા દ્યો!”

વારેવારે પાણી છાંટવાથી લોમો ધાધલ ખિજાઈ ગયો.

“એલા માત્રા! ભણેં તે ચૂડલિયું પહેરી છે? માળા, આવડો બધો બિકાળવો ?”

“આ લ્યો ત્યારે; હવે જે કોઈ પાણી નાખે કે એકબીજાને જગાડે, એ બે બાપનો હોય.”

એટલું બોલી માત્રો વેગડ માથા સુધી સોડ્ય તાણીને સૂઈ ગયો. થોડીક વારમાં તો આખી મંડળીને ઘારણ વળી ગયું. અધરાત ભાંગ્યા પછી ધ્રાફડનું નાળું શત્રુઓની જામગરીઓ પેટાતાં જાણે સળગી ઊઠ્યું. જેતો લાલુ બોલ્યોઃ “ભોજા માંગણી! પ્રથમ અમે જઈને વાવડ કાઢીએ છીએ. જો જાગતા હશે તો અમે કહેશું કે મે’માન દાખલ આવ્યા છીએ; ને ઊંઘતા હશે તો સહુને બોલાવી લેશું.”

ડેલીએ આવીને જોયું તો ડેલી ઉઘાડીફટાક પડી છે. અંદર આવે ત્યાં પચાસ નસકોરાં બોલે છે. થયા સહુ ભેળા. સૂતેલા શત્રુઓને માથે તરવારોની પ્રાછટ બોલવા મંડી, પણ દેકારામાં ને દેકારામાં બે જણ જાગી ઊઠ્યા. ડેલીનું કમાડ ઉઘાડું મુકાવનાર અને માત્રા વેગડને પાણી છાંટતો અટકાવનાર લોમો તો આંખો ઉઘાડીને આ કતલ જોતાં જ ભાગ્યો. ગઢ ઠેકીને ગયો. (પાછળથી એણે કોઈને ત્યાં પખાલ હાંકેલી.) ત્યાં માત્રો વેગડ ઊઠ્યો. એની માને એકનો એક હતો. પણ માત્રો ભાગે નહિ. બીજા બધાની લોથો ઢળી પડી હતી તેની વચ્ચે એકલે હાથે પડકાર કરીને માત્રાએ ટક્કર લીધી. પણ ત્યાં તો એને માથે ઝાટકાના મે’ વરસી ગયા.

ગઢ ઠેકી લોમો ગિયો, વઢતે બાવલ વીર,

(પણ) સધર્યું સોડ સધીર, મોત તાહાળું માતરા!

(લોમો તો પોતાના વીર બાવા વાળાના યુદ્ધ વખતે ગઢ ઠેકીને ચાલ્યો ગયો, હે માત્રા વેગડ! તેં તો તારું મોત સુધારી લીધું.) એમ માત્રાનું માત સુધારી શત્રુઓ અંદર ગયા. બહારથી ભોજા માંગાણીએ પડકાર દીધોઃ “બાવા વાળા, હવે તો સુખની પથારી મેલ! હવે તો ઓઝલ પડદો ઉપાડ્ય!”

“ભોજા, આવું છું. ઊભો રે’જે. ઉતાવળો થઈશ મા.” ઓરડામાંથી એવો પડકારો આવ્યો. બાવા વાળાએ ભરનીંદરમાં પડેલી પોતાની નવી સ્ત્રી આઈ રાઈબાઈને હળવેથી અંગૂઠો ઝાલીને ઉઠાડી. ઝબકી ઊઠેલી કાઠિયાણીએ પોતાના સ્વામીનું રુદ્રસ્વરૂપ ભાળ્યું. ભાળીને બોલીઃ “શું છે, દરબાર?”

“કાઠિયાણી, તું ભાગી નીકળ!” એમ કહીને બાવા વાળાએ છેલ્લી વાર રાઈબાઈનું મોં પંપાળ્યું.

“શું છે?”

“મારે છેલ્લે ક્યારે પાણી આવી પહોંચ્યાં, દગો થયો, દુશ્મનો બહાર ઊભો છે.”

“તે તમારું કહેવું શું છે, દરબાર! હું ભાગી નીકળું, એમ ને?”

માર્મિક કટાક્ષે કાઠિયાણી તાકી રહી.

“ના ના, હું તમને બદનામું નથી દેતો, પણ વંશનો દીવો ન ઓલવાય એ આશાએ કહું છું કે ભલી થઈને તું લુંઘિયા ભેળી થઈ જા!”

“વંશ સાટુ! કાઠી, વંશ તુંને વા’લો છે, ઈથી વધુ વા’લું અસ્ત્રીની જાતને કાંઈક હોય છે, ખબર છે ને?”

ત્યાં તો બહારથી હાકલા થયાઃ “બાવા વાળા, નીકળ! બા’રો નીકળ! બહુ ભૂંડો દેખાછ! હજીયે વાતું ખૂટતી નથી?”

અંદર વાતો થાય છેઃ

“કાઠિયાણી, મારું છેલ્લું કહેણ છે, હો! અને મેં એકને મારી છે, ભૂંડાઈએ મારી છે, તેનું પ્રાયશ્ચિત કરવા દે, મારાં પાપ ધોવા સારુ ભાગી છુટ - તારો જીવ ઉગારવા સારુ નહિ.”

ડળકડળક આંસુડાં પાડતી કાઠિયાણીની બેય આંખોમાં છેલ્લી પળે બાવા વાળાએ પોતાની પહેલી સ્ત્રીની પ્રતિમા તરવરતી દેખી. બીજી બાજુ બહારથી પડકારા ને મે’ણાંની ઝડી પડતી સાંભળી. કાઠિયાણીને થંભેલી દીઠી, બાવા વાળાએ દોડીને રાઈબાઈનું કાંડું ઝાલ્યું, ધક્કો દઈને નાઠાબારી તરફ કાઢી, બહાર કાઢીને નાઠાબારીને અંદરથી સાંકળ ચડાવી, કાઠિયાણીનાં છેલ્લાં ડૂસકાં સાંભળ્યોં, અને પાછો ઓરડે આવી સાદ દીધોઃ “હવે આવું છું હો, ભોજા! ઊભો રે’જે!”

બહાર ઊભેલાઓને અંદરથી બખ્તરની કડીઓના ખણખણાટ સંભળાયા.

“એ બાવા વાળા!” ભોજે બૂમ દીધીઃ “બાવો વાળો ઊઠીને અટાણે કાપડું શું પહેરી રહ્યો છે ? પ્રાણ બહુ વહાલા થઈ પડ્યા તે લોઢાના બખ્તરે બચાવવા છે? તારા નામનો દુહો તો સંભાર!”

બાવો ડગલાં બે, (જો) ભારથમાં પાછાં ભરે,

(તો તો) મલક માથે મે, વાઘાહર વરસે નહિ.”

(જો રણસંગ્રામમાં બાવા વાળો પાછાં ડગલાં ભરે તો તે વાઘાના પૌત્ર બાવા! દુનિયામાં વરસાદ ન વરસે.)

“આ લે ત્યારે આ કપડું!” એમ બોલીને બાવા વાળાએ કમાડ ઉઘાડ્યું, હાથમાં બખ્તર હતું તેનો છૂટો ઘા કર્યો અને એ ઘાએ સામા આદમીનો જાન લીધો. પછી કૂદ્યો તરવાર લઈને. ઠેકીને જ્યાં ઘા કરવા જાય છે ત્યાં તો તરવાર ઓસરીની આડીમાં પડી. પડતાં જ બે કટકા થઈ ગયા. હાથમાં ઠૂંઠી જ તરવાર રહી. અને બીજું હથીયાર લેવા જાય ત્યાં તો બોદા સીદીએ એને માથે ઝાટકાના મે વરસાવી ગૂડી નાખ્યો.

“બાવાભાઈ!” ભોજો માંગાણી બાવાની છેલ્લી ઘડીએ બોલ્યોઃ

“અન્યાયને ઈશ્વર નથી સાંખતો, હો!”

સાંભળીને બાવા વાળાએ આંખો બીડી અને બાવાની ફુઈ (માત્રાની મા) બહાર નીકળ્યાંઃ “ભોજા, કાળમખા, હવે તો તેં તારો કામો કરી લીધો છે. હવે તમે સૌ રસ્તે પડો, બાપ!”

“ના ફુઈ, અમે કાઠી છીએ, માત્રાને અને બાવા વાળાને દેન પાડ્યા પહેલાં નહિ જઈએ.”

“ખબરદાર, મારા બાવાના શબને કોઈ અડશો મા!”

“તો આ લ્યો, આ અમે આઘા બેઠા.”

મોરણીએથી ચારણોને બોલાવી બાવા વાળાના શરીરને દેન પાડ્યું. મારવા આવનારા પણ મસાણે જઈને આભડ્યા. એ રીતે અનેક નિર્દયતાનાં કૃત્યુો કરીને, પોતાની બીજી સ્ત્રીને બચાવ્યા સિવાયની અન્ય કશી પણ ખાનદાની દાખવ્યા વગર, બાવા વાળાની છવ્વીસ વર્ષની આવરદા ખતમ થઈ ગઈ. એના આશ્રિતોએ માથા પર ફાળિયું ઢાંકીને મરશિયા ગાયાઃ

વિસાણની વાડીએ ઠાઠ કચારી થાય,

વેરાણા બાવલ વન્યા, ધરતી ખાવા ધાય.

(વીસાવદરની વાડીઓમાં દાયરા ભરાતા અને કસુંબાના ઠાઠમાઠ જામતા; પરંતુ હવે બાવા વાળાની ગેરહાજરીમાં એ બધા આનંદ ઊડી ગયા છે. ધરતી ખાવા ધાય છે.)

મત્યહીણા, તેં મારિયો, છાની કીધેલ ચૂક,

ત્રૂટું ગરવાનું ટૂંક, બહારવટિયા, તું બાવલો!

(અને મતહિન માનવી! તેં છાનામાના આવીને બાવા વાળાને માર્યો!

એ મરતાં તો જો ગિરનારનું શિખર તૂટી પડ્યું હોય એવું દુઃખ થાય છે.)

કપ્ટન ગ્રાંટે પોતાના હાથે લખેલું વૃતાંત

હિન્દુસ્તાન અને અરબસ્તાનના ચાંચિયા લોકો જે કાઠિયાવાડ અને કચ્છના કિનારા ઉપર ઉપદ્રવ કરતા હતા તેને દાબી દેવા માટે સે. ખા. ખે.

ગાયકવાડ સરકારે દરિયાઈ લશ્કર સ્થાપ્યું હતું. એનું આધિપત્ય ધારણ કરવાને વડોદરાના રેસિડેન્ટ કપ્ટન કારનોકની માગણી ઉપરથી મુંબઈ સરકારે ઈ.સ. ૧૮૦૨માં મને નીમ્યો. અમે કેટલાકને પકડી મારી નાખ્યા, અને ઈ.સ. ૧૮૧૩માં તેઓ એટલા તો નિર્બળ થઈ ગયા કે ગાયકવાડને આ ખાતું નહિ રાખવાની જરૂર જણાયાથી તેને કાઢી નાખ્યું, ત્યારે મને એવો હુકમ લખી મોકલ્યો કે ‘તમારે વેલણ બંદર અથવા દીવ ભૂશિરનું સ્થાનક છોડી જમીનરસ્તે અમરેલી જવું અને ત્યાં ગાયકવાડના તથા કાઠિયાવાડના સરસૂબાને તમારા વહાણનો ચાર્જ સોંપવો.

રસ્તામાં મારા ઉપર એક કાઠી બહારવટિયો, નામે બાવા વાળો, એણે પાંત્રીસ ઘોડેસવારો સાથે હુમલો કર્યો. મારા ખાસદારને જીવથી માર્યો.

મારી પાસે ફક્ત કૂમચી હતી. તેથી હું પોતે સામે થઈ શક્યો નહિ. પ્રથમ જ્યારે અમારે ભેટંભેટા થયા ત્યારે બાવા વાળાએ મને કહ્યું કે ‘મારા કામમાં તમારી સલાહ લેવાની છે.’ આ બહાનું બતાવીને તેણે મને ઘોડેેથી ઉતરાવ્યો. મારા માણસોને પરાધીન કર્યા, એટલા ઘોડા ઉપર બેસીને તેની ટોળી સાથે મારે જવું પડ્યું. તેઓ ગીર નામના મોટા જંગલમાં લઈ ગયા, જ્યાં તેઓએ મને બે માસ અને સત્તર દિવસ એક પહાડની ટોચ પર કેદી કરી રાખ્યો. આ સઘળો સમય બે હથિયારબંધ માણસો મારા ઉપર નાગી તલવાર લઈને ચોકી કરતા હતા. દિવસ-રાત વરસાદથી ભીંજાયેલી ભેખડમાં હું સૂતો, તેમાં અપવાદ માત્રા બે રાત્રિ હતી. આ બે રાત્રિ અમોએ દોસ્તીવાળા ગામમાં ગુજારી. ત્યાં મને તે ટોળી ફરજ પાડીને લઈ ગઈ. આ ફેરામાં પ્રસંગોપાત્ત મને ઘોડા ઉપર સવાર થવા દેતા પણ હરવખત એક જોરાવર ટોળી મને વીંટી વળતી, તેથી નાસી જવાની કોઈ પણ કોશિશ કરવી એ મારે માટે અશક્ય હતું.

બાવા વાળાએ અનુકૂળ એક ગામમાં સ્ત્રીઓએ મારો પક્ષ ખેંચ્યો અને મારી સાથે ઘાતકી વર્તણૂક ચલાવવા માટે તેને તથા તેના માણસોને ઠપકો આપ્યો. પ્રતિકૂળ ગામડાં પ્રત્યે તે ટોળીનો એવો રિવાજ હતો કે દરવાજા સુધી ઘોડે બેસીને જવું અને નાનાં બાળકો રમતાં હોય તેનાં માથાં કાપી લેવાં. અને પછી પોતાના એ શાપિત પરાક્રમ માટે હરખાતા ને હસતા ચાલ્યા જવું. દિવસનો ખૂનનો ફેરો કરી પોતાના મુકામ પર આવતા ત્યારે ‘મેં આટલાને માર્યા’ એમ જુવાન કાઠીઓ મગરૂબી કરતા અને એક દિવસ તો મેં ઘરડા કાઠીઓને તેમને એમ ચોક્સાઈથી સવાલ કરતા સાંભળ્યા કે ‘શું તમારી ખાતરી છે કે તમારા ભોગ થયેલાને તમે માર્યા જ છે?’ એનો એવો જવાબ મળ્યો કે ‘હા, અમે અમારી બરછીને તેમના શરીર સોંસરવી નીકળેલી જોઈ અને અમને ખાતરી થઈ છે કે તેઓ મરી ગયા.’ એક વૃદ્ધ કાઠીએ ટીકા કરી કે “ભાઈ, બીજા કોઈ પ્રાણી કરતાં માણસને જીવથી મારવું વધારે વિકટ છે. જ્યાં સુદી રસ્તાની એક બાજુએ ધડ અને બીજી બાજુએ માથું ન જુઓ, ત્યાં સુધી એ મરી ગયો તેમ ખાતરી ન રાખવી.”

કેટલીક વખત રાજા બાવા વાળો અફીણની બેભાન હાલતમાં મારી પાસે આવીને બેસતો અને મારા ઉપર પોતાનો જમૈયો ઉગામીને એ પૂછતો કે ‘કેટલી વખત આ જમૈયો હુલાવ્યો હોય તો તમારું મૃત્યુ નીપજે?’ હું જવાબ આપતો કે ‘હું ધારું છું, એક જ ઘાએ તમારું કામ પતી જાય. માટે હું આશા રાખું છુ કે તેમ કરીને તમે મારા દુઃખનો અંત આણશો.’ તે જવાબ આપતો કે ‘તમે એમ ધારતા હશો કે હું તમને નહિ મારું! પણ માછી જેટલાં માછલાં મારે છે તેટલાં મેં માણસો માર્યાં છે. તમારો અંત આણતાં હું જરાયે વિચાર નહિ કરું. પરંતુ તમારી સરકાર મને મારો ગિરાસ પાછો અપાવે કે નહિ એ હું જોઉં છું. જો થોડા વખતમાં પાછો અપાવશે તો હું તમને છૂટા કરીશ.’

ટોળી લૂંટ કરવા બહાર નીકળતી ત્યારે ઘણો વખત ઊંઘ્યા કરતી.

રાત્રિએ દરેક ઘોડાની સરક તેના સવારના કાંડા સાથે બાંધતા. જ્યારે ઘોડા કંઈક અવાજ સાંભળે ત્યારે તાણખેંચ કરે તે તરત તેઓ ઊભા થઈ જતા.

ખોરાકમાં બાજરાનો રોટલો અને મરચાં, ને મળી શકે ત્યારે તેની સાથે દૂધ. મને પણ એ જ ખોરાક આપતા.

તેઓમાં બે જુવાન પુરુષો હતા, કે જેઓ મારા માટે કાંઈક લાગણી બતાવતા. મારા છુટકારા માટે તેઓ પ્રયત્ન કરતા અને મને હિમ્મત આપતા. પ્રસંગોપાત્ત જ્યારે તક મળતી ત્યારે પોતે કેટલાં માણસ માર્યાં તે વિશે, અને જ્યારે પૈસાદાર મુસાફરો માગેલી રકમ આપવાની ના પાડે ત્યારે કયા ઉપાયો પોતે યોજતા તે વિશે તેઓ મને જાણ કરતા. આ ઉપાય એ હતો કે બાપડા કમનસીબ મનુષ્યોને પગે દોરડાં બાંધી, તેઓને ઊંધે માથે ગરેડીએથી કૂવામાં પાણીની સપાટી સુધી ઉતારતા ને ઉપર ખેંચતા. માગેલી રકમ આપવાની કબૂલાતન કરે ત્યાં સુધી આ પ્રમાણે સીંચ્યા કરતા. કબૂલ થાય ત્યારે છૂટા કરીને કોઈ આડતિયા ઉપર હૂંડી અથવા કાગળ લખાવી લેતા ને જ્યાં સુધી રકમ પહોંચતી ન થાય ત્યાં સુધી કેદ રાખતા.

એક તોફાની રાત્રિ મારાથી નહિ વીસરાય. એ બધા મોટું તાપણું કરીને ફરતા બેઠા હતા. સિંહ અને બીજાં હિંસક પશુઓ ગર્જના કરતાં હતાં. છતાં પણ મારું શું કરવું તે વિશે તેઓ ચર્ચા કરતા હતા. હું એ સાંભળી શકતો હતો. માણસો ફરિયાદ કરતા હતા કે ‘સાહેબને કારણે અમે બબ્બે મહિનાથી જંગલમાં છીએ, બાયડી છોકરાં દાણા વગર ગામડામાં હેરાનહેરાન છે. તેથી અમે હવે રોકવાના નથી.’ તેના સરદારે જવાબ દીધો કે ‘ચાલો, એને મારી નાખી બીજે ક્યાંક નાસી જઈએ’, પણ માણસોએ વાંધો બતાવ્યો કે ‘અંગ્રેજો લશ્કર મોકલીને અમારાં બાળબચ્ચાંને કેદ કરે ને દુઃખ આપે’. તેથી છેવટે એમ ઠર્યું કે હમણાં તો મને જીવતો રાખવો. છેવટે મારો છુટકારો પોલિટિકલ એજન્ટ કપ્તાન બેલેન્ટાઈન મારફત આ પ્રમાણે થયો : તેણે નવાબસાહેબને સમજાવ્યા કે ‘જે કાઠીઓએ બાવા વાળાનું પરગણું જોરજુલમથી લઈ લીધું છે તેની પાસેથી તમારી વગ ચલાવીને બાવા વાળાને તેનો ગરાસ પાછો સોંપવો.’ બાવા વાળાની ધારેલી મુરાદ બર આવી એટલે તેણે મને છોડ્યો.

મારી કેદ દરમિયાન મારા ઉપર જે દુઃખો પડ્યાં તે લગભગ અસહ્ય છે. રોજ સાંજરે હું પ્રાર્થના કરતો હતો કે હે પ્રભુ! મને વળતું સવાર દેખાડીશ નહિ! એક માસ સુધી તો શરદીને લીધે મારાથી બૂટ કાઢી શક્યાં નહિ. છેવટે મંદવાડથી નબળો થઈ ગયો ત્યારે જ બૂટ નીકળ્યાં. સખત ટાઢિયો તાવ આવવા લાગ્યો. તેની સાથે પિત્તાશયનો સોજો આવ્યો. આ સ્થિતિમાં ખુલ્લી હવામાં ઉઘાડા પડ્યા રહેવાનું, એથી મને સન્નિપાત થઈ આવ્યો. જ્યારે મને છૂટો કરવામાં આવ્યો ત્યારે પગથી માથા સુધી ઊધઈ ચોટેંલી. તેવી સ્થિતિમાં રાત્રિએ ખેતરમાં રઝળતો પડેલો હું હાથ લાગ્યો.

આ ઉદગારોના ઉત્તરમાં મિ. સી. એ. કીનકેઈડ, આઈ. સી. એસ., પોતાના ‘આઉટલાઝ આફ કાઠિયાવાડ’ નામના પુસ્તકમાં લખે છે કેઃ અલબત્ત, આપણે બધા જો એવી કેદમાં પડ્યા હોત, તો આપણે કપ્ટન ગ્રાંટ કરતાં પણ વધુ સખત ભાષા વાપરત, તેમ છતાં બાવા વાળાના પક્ષમાં પણ થોડું કહી શકાય તેવું છે. બેશક, બહારવટામાં નાનાં બચ્ચાંની ગરદનો કાપવાની પ્રથાનો બચાવ કરવાનું તો મુશ્કેલ છે, છતાં લડાઈની

માફક બહારવટું પણ સુંવાળે હાથે તો નથી જ થઈ શકતું. કદાચ દુશ્મનોનાં ગામડાંવાળાઓએ પોલીસને બાતમી પહોંચાડી હશે. તે કારણસર બહારવટિયાઓએ તેઓને પાઠ શીખવવાનું ઈચ્છેલ હશે. પણ પકડાઈ જવાની બીકે ગઢમાં તો પેસી ન શકાય તેથી પાદરમાં જ એક-બે છોકરાંને દીઠાં, તેઓને મારી નાખી ચાલ્યા જતા હશે. બેશક, મુકામ પર જઈને તેઓ પોતાનાં પરાક્રમોની બડીબડી વાતો તો કરતા હશે જ. તે સિવાય કપ્ટન ગ્રાંટના સંબંધમાં તો બાવા વાળો મૂંઝવણમાં જ હતો. હેમિલ્કારે પોતાના પુત્ર હેનીબાલ ઉપર જેવી ફરજ નાખી હતી તેવી જ પવિત્ર ફરજ બાવા વાળાના પિતાએ પણ તેના ઉપર નાખેલીઃ ને ગ્રાંટને કેદી રાખ્યા સિવાય એ ફરજ કદી પણ અદા થઈ શકે તેમ નહોતું. યુરોપી લોકોનો પોતે અજાણ હોવાથી તે નહોતો સમજી શક્યો કે પોતે અને પોતાના સાથીઓ જે સંકટો બેપરવાઈથી ભોગવતા હતા, તે જ સંકટો અંગ્રેજને માટે તો અસહ્ય હતાં, ને જ્યારે એને સમજ પડી ત્યારે એને આ કેદી ઉપદ્રવરૂપ જ લાગ્યો. એની બીમારી આ ટોળીને નાસભાગ કરવામાં વિઘ્ન નાખતી અને ભળતાં ગામડાંની કાઠિયાણીઓના ઠપકા ખવરાવતી.

‘બાવા વાળો’ વારતાનાં પરિશિષ્ટ

મિ. સી. એ. કિનકેઈડ પોતાના ‘ધિ આઉટલાઝ આફ કાઠિયાવાડ’ના બીજા પ્રકરણમાં વિગતવાર લખે છે કે “રાણીંગ વાળો બહારવટે કેમ નીકળ્યો તે કથા કાઠિયાવાડી રિસાયતોની વહેલા કાળની ખટપટનો તેમ જ અધૂરા

જ્ઞાનને કારણે બ્રિટિશ શાસન કેવી ભૂલો કરી બેસે છે તેનો હૂબહૂ નામનો પૂરો પાડે છે. રાણીંગ વાળાના બાપે બીજો વાળા કાઠીઓ સાથે ગીરમાં અડ્ડા જમાવીને વીસાવદર અને ચેલણાનાં પરગણાં હાથ કર્યા. સને ૧૭૮૨માં એ બધાએ પોતાનું રક્ષણ પ્રાપ્ત કરવા સારુ પોતાના કબજાનો અરધોઅરધ મુલક જૂનાગઢ રાજને આપી દીધો. પણ આ કાઠીઓનો પાડોશ ત્રાસરૂપ નીવડતાં નવાબે ૧૭૯૪માં પોતાને મળેલો આ વીસાવદર અને ચેલણાનો પ્રદેશ બાંટવા દરબારને શાદીની ભેટમાં આપી દીધો. બાંટવા દરબાર આ એકસંપીલા કાઠીઓને પૂરા ન પડી શકતા હોઈ તેણે ચાણક્યબુદ્ધિ વાપરી કાઠીઓની અંદરોઅંદર કંકાસ રોપ્યો. અને એકલા રાણીંગ વાળાને જ માત્રા વાળાની જમીન સોંપાવી દીધી, માત્રા વાળો બહારવટે નીકળ્યો, ને મલ્હારરાવ (કડીવાળા) નામના મરાઠા બંડખોર સાથે જોડાયો. પણ રાણીંગ વાળાએ મલ્હારરાવને દગલબાજીથી દૂર કર્યો, અને ગાયકવાડ સરકારની મદદથી એણે માત્રા વાળાનો બધો મુલક હાથ કરી લીધો. માત્રાએ છેવટ સુધી બહારવટું ખેડ્યું ને એના માત બાદ એની વિધવાએ પોતાના બાળ હરસૂર વાળા વતી કર્નલ વાકરને અરજ હેવાલ કરી કર્નલ વાકરે બે ભૂલો કરીઃ એક તો એણે રાણીંગ વાળા પાસેથી માત્રા વાળાનો ગરસ ખૂંચવી લઈ હરસૂરને સોંપ્યો. આ ખોટું હતું કેમ કે રાણીંગ વાળાએ તો આ મૂલક બ્રિટિશ સત્તાની સ્થાપના પૂર્વે મેળવી લીધો હતો. ને બીજી ભૂલ એણે રાણીંગ વાળાને પોતાનો ભાગ પણ ખૂંચવી લઈ હરસૂર વાળાને સોંપી દેવાની કરી.

બાવા વાળાના બાપ રાણીંગ વાળાનું ચારણી બિરદ-કાવ્યઃ

બલાં આગ હલાં કરી બાબીએ હામદે

મામલે કુંડલે ધોમ માતી,

વાઘહરે આરબાંને ઝાટકે વાંતર્યા

રાણંગે કરી બજાર રાતી. (૧)

મસો કે’ હાય ઘર ગિયું મોરારજી!

કાપ્ય થાણા તણી ઘાણ્ય કાઢી,

ગોતીઓ શેરીએ મિંયા એક ના મળે

દડા૨ શેરીએ રડે દાઢી. (૨)

મોબતે ખાન રે કરી ઝટપટ મને

(નકર) ટળી જાત દલભજી તણો ટીલો.

અડજંતર કાંધહર કોટસું આટકત

ઝાટકત સતારા તણો જીલો. (૩)

(અર્થઃ જૂનાગઢના નવાબ હામદખાન બાબીએ હલ્લો કર્યો. વાઘના પુત્ર રાણંગે આરબોને તરવારને ઝાટકે (સોપારીનો ચૂરો કરે તેમ) વાતરી નાખ્યા અને રાણંગે શહેરની બજાર (શત્રુના રક્તથી) રાતી રંગી નાખી. મસો (એ નામનો કોઈ જૂનાગઢી અમલદાર) કહે છે કે હાય હાય મોરારજી (જૂનાગઢી અધિકારી)! આ તો ઘર ગયું. આખા થાણાનો ઘાણ રાણીંગે કાઢી નાખ્યો. શેરીમાં કોઈ મિયાં (જૂનાગઢી સિપાહી) શોધ્યો જડતો નથી. અને દાઢીઓ (દાઢીદાર સિપાહીઓનાં મસ્તકો) તો શેરીઓમાં દડાની જેમ રડી રહેલ છે. મોહબતખાનના પુત્રે (નવાબે) મનમાં ઝડપ કરી. નહિતર દુલભજી તણું ટીલું ટળી જાત. (અર્થ સમજાતો નથી.) કાંધા વાળાનો વંશજ રાણંગ તો બુંદી કોટા સાથે આફળત અને સતારા જિલ્લાને તારાજ કરી નાખત.)

રાણીંગ વાળો એક પગે લૂલો હતો. ચારણે તેનો દુહો કહ્યો છે કે-

કમ જેમ કાઠીડા, પગ હત પાવરના ધણી,

તો લેવા જાત લંકા, રાવણવાળી રાણગા.

આ પ્રસંગે પિત્રાઈઓએ એમ કહેલું કે “બાવાના હાથમાં તો ધોકો રે’શે” એ પરથી ઠપકારૂપે મૂળુભાઈ વરસડા નામના ચારણે એક કાવ્ય રચેલું તે મારી નોંધપોથીમાંથી જડતા ટપકાવું છું.

સજી હાથ ધોકો ગ્રહે કરે મંત સાધના,

થિયો નવખંડમાં ભૂવો ઠાવો,

ચાકડે દોખિયું તણી ધર ચડાવવા,

બાપ જેમ ધમસ હલાવે બાવો. (૧)

ગામડે ગામડે ઢો’લ વહરા ગડે,

આજ ત્રહું પરજ વચ નહિ એવો,

વેરીઆં પટણ ત્યાં દટણ લઈ વાળવા,

જગાડ્યાં ધૂંધળીનાથ જેવો. (૨)

ધરા વાઘાહરો ચાસ નૈ ઢીલવે૧

દળાંથંભ રાણથી બમણ દોઢો,

ચકાબંધ વેર બાવાતણું ચૂકવો,

પરજપતિ મેડીએ ત દન૨ પોઢો. (૩)

(અર્થઃ હાથમાં ધોકો લઈને આ બાવો મંત્રની સાધના કરે છે. નવેય ખંડ પૃથ્વીનો એ ભૂવો બન્યો છે. દુશ્મોની (દોખિયું તાણી) ધરાને ચાકડે ચડાવવા માટે બાપાની પેઠે જ બાવો ધમધમી રહ્યો છે. ગામડેગામડે ભીષણ ઢોલ બજે છે. આજે ત્રણ જાતના કાઠીઓ વચ્ચે કોઈ એવો નથી. વેરી જનોનાં પાટણો (શહેરો)ને સ્થાને ડટ્ટણ કરી નાખવા માટે એને તો જોગી ધૂંધળીનાથ (કે જેણે મુંગીપુર, વલભીપુર વગેરે નગરોનું શાપથી દટ્ટણ કરી નાખ્યું છે.) માફક જગાડ્યો છે. વાદ્યાનો પૌત્ર એક ચાસ પણ ધરતીને ઢીલી નહિ મૂકે. દળો (લશ્કરો)ને થંભાવનાર આ બાવો તો બાપ રાણીંગથી દોઢેરો બળવા છે. ને હે ધરતીપતિઓ! જે દિવસ આ બાવાનું વેર ચુકાવી આપશો તો દિવસે જ તમે મેડીએ ચડીને પોઢી શકશો.

બાવા વાળાના વિવાહનું એક ચારણી કાવ્ય અને મને ગીરના

પ્રવાસે જતાં તુલસીશ્યામની જગ્યામાં ૧૯૨૮માં કાઠીઓના એક બારોટે ઉતરાવેલું; પણ એ બારોટ બંધાણી હોઈને એની યાદશક્તિ ખંડિત થયેલી, જેથી કાવ્ય પણ મહામુશ્કેલીએ આવી સ્થિતિમાં મળી શકેલું. એના આ બીજા લગ્નપ્રસંગનું કાવ્ય લાગે છેઃ

(કુંડળિયા)

ગાવાં શક્તિ સબગરૂ, આપે અખર અથાવ

વડ ત્યાગી વિવાઈ તો રાણ પરજ્જાં રાવ.

રાણ પરજ્જાં રાવ કે ગીતાં સચિયો,

નરખી તો ભોપાળ રાંક-દખ નાસિયો,

કીજે મેર ગણેશ, અરજ્જું કા’વીએં

લંગડો પરજાંનો જામ ગણેશ લડાવીએં

સર ફાગણ ત્રીજ સુદ, પાકાં લગ્ન પસાય,

વાક શુકર અડસઠરો વરસ મૂરત ચોખા માંય.

મૂરત ચોખા માંય કે સઘન મગાવિયા,

લાખાં મણ ઘી ખાંડ સામાદાં મગાવિયા

બોળાં ખડ જોગાણ ખેંગા ને બાજરા,

વાળો મોજ વરીસ દન વીમાહરા.

બ્રાહ્મણ બસીએ ભેજિયો, લગન સુરંગા લખાય

વાળા ઘેરે મોતાવળ, વેગે લિયા વધાય.

વેગે લિયા વધાય કે જાંગી વજ્જિઆ,

ગેહે રાણ દુવાર ત્રંબાળુ ગજ્જિઆ,

શરણાયાં સેસાટ વેંચાઈ સાકરાં,

ઠારોઠાર આણંદ વદાઈ ઠાકરાં.

નવખંડ રાણે નોતર્યાં, દેસપતિ સરદાર

કેતા વિપ્ર કંકોત્રીઆ આયા ફરી અસવારા.

આયા ફરી અસવાર નોત્રાળુ આવિયા,

ગણીઅણ રાગ ઝકોળ ખંભાતી ગાવિયા,

અમલારા ધસવાટ પીએ મદ આકરા,

ઠાવા પ્રજભોપાળ કચારી ઠાકરા.

ફુલેકે ધજા ફરે રંગભીનો પ્રજરાવ

રમે ગલાલે રાવતાં છત્રપતિ નવસાવ.

છત્રપતિ નવસાવ સારીખા ચોહડા,

જોધાણારા જામ કે લોમા જેહડા,

સામતિયો કોટિલ ચંદ્રેસર સૂમરો,

અરવે વેગડ રામ દલીરો ઊમરો.

સે કોઈ આયા ભડ ચડી, રડે ત્રંબાળાં રાવ

બાવલે મોડ બંધિયો નવરંગી નવસાવ.

નવરંગી નવસાવ ઘરાવી નોબતાં,

ભાયાણો ભોપાળ, ઉંઘલિયો અણભત્યાં,

લાખી કા લટબેર પલાણ્યા લાખરા,

ફુલિયા ફાગણ માસ વનામેં ખાખરા.

કોટિલા બસિયા કમંધ, સોઢા તેમ ચહુવાણ,

વેંડા હુદડ ને વિકમ.. ... ...

લાખો દોસી લુંઘીએ ભર રેશમરા ભાર

રાણે વટ દઈ રાખિયા સાળુ રેટા શાલ.

સાળુ રેટા શાલ દુપેટા સાવટુ

પીતાંબર વણપાર કેરાતા કેપટુ

વાટ્યાં નવરંગ થાન કે કમ્મર વેલીઆં

સોળા ગાય સારંગ ઓઢી સાહેલીઆં.

હેઠઠ જાન હિલોહળાં સામપરજ પતસાવ,

આવીને ગડથે ઊતર્યો રાણ દલીપત રાવ.

રાણ દલીપત રાવ ભરણ બથ આભરી

આગ બસીઓ જેઠસૂર વાળાની બરાબરી

તંબૂ પચરંગી કે પાદર તાણીઆ

અમીરારા ખેલ કે માંડવ આણીઆ.

અર્થ

સર્વની ગુરુ એ શક્તિને હું ગાઉં છું (ગાવાં) કે જેથી એ મને અખૂટ અક્ષરો (અખર) આપે. આજે પરજો (કાઠીની શાખાઓ)નો રાણો, મહાત્યાગી વિવાહિત છે.

પરજોનો રાજવી ગીતોથી રાચ્યો. તને નીરખીને હે ભૂપાલ! રંકોનું દુઃખ નાસી ગયું. હે ગણેશ! તને અરજ કરીએ છીએ કે મહેર કરજે.

પરજોના પતિ એ લંગડા ગણેશને અમે કવિ લાડ લડાવીએ છીએ. ફાગણ સુદ ત્રીજ, વાર શુક્ર અને ૧૮૬૮નું વર્ષ-એ દિને ચોખ્ખાં મુરતનાં પાકાં લગ્ન મંગાવ્યાં.

ચોખ્ખાં મુરતનાં લગ્ન મંગાવ્યાં. લાખો મણ ઘી ને ખાંડ લેવાયાં. ઘોડાં માટે બહોળા ઘાસ અને ચંદી માટે બાજરા મગાવ્યા. મોજના (બક્ષિસોના) દેનાર વાળાને ઘેર વિવાહના દિન હતા.

વેગે લગ્ન વધાવી લીધાં. જાગી ઢોલ વાગ્યાં, રાણીંગને દ્વારે ત્રંબાળુ વાગ્યાં, શરણાઈઓના શોર બજ્યા, સાકર વહેંચાઈ.

રાજવીએ નવખંડના દેશપતિઓને નોતર્યા. કેટલાય બ્રાહ્મણો કંકોતરી લઈ લઈને ફરી આવ્યા.

ગુણીજનો (ગણીઅણ) ખંભાતી રાગ ગાવા લાગ્યા. અફીણના કસુંબા અને જલદ મદિરા પીવાવા લાગ્યાં.

રંગભીનો બાવલ (બાવા વાળો) ફુલેકે ફર્યો. રાજવીઓ ગવાલે રમવા લાગ્યા લોકો, સામંત કોટીલો, ચંદ્રસેન સુમરો, રામ વેગડ વગેરે બધા.

નવરંગ વરરાજા (નવસાવ) ઊઘલ્યો, નોબતો ઘોરી ઊઠી. લાખેણા ઘોડીલા ઉપર રાજવીઓ પલાણ્યા, ને તેઓ ફાગણ માસે વનમાં ફૂલેલા ખાખરા (કેસૂડાનાં ઝાડ) જેવા દેખાયા.

લુંઘિયા ગામના લાખા દોશી પાસેથી રેશમના સાળુ, રેટા, શાલદુશાલા અને પીતાંબર અને પટુ ખરીદીને બધાને વહેંચણી કરી ને સોરંગી સાળુ ઓઢીને સાહેલીઓ લગ્નગીત (સોળા) ગાવા લાગી.

જળ-મીન જેવી પ્રીત. આની તરવાર આ બાંધે અને આની આ બાંધે, એવા મીઠા મનમેળ. ચાંપરાજે એ ભાઈબંધને કહેરાવ્યું કે “સામતભાઈ, તું ભલો થઈને દીતવારે ઘરે રહીશ મા.”

માંડવડેથી કાંધો વાળો વગેરે પોતાના વળના જે મોટામોટા કાઠી હતા તેને ટીંબલાવાળાએ શનિવારે સાંજથી જ બોલાવીને ભેળા કર્યા. રવિવારે સવારે આખા દાયરાએ હથિયાર-પડિયાર બાંધીને ચોરે બેઠક કરી. બરાબર આ બાજુ કસુંબાની ખરલો છલોછલ ભરાઈ ને પ્યાલીઓમાં રેડી પીવાની તૈયારી થઈ, ગઢમાં ઊના રોટલા, ગોરસ અને ખાંડેલ સાકરના ત્રાંસ ભાતલાં પીરસવા સારુ તૈયાર ટપકે થઈ ગયાં અને બીજી બાજુ ગામને પાદર ચાંપારાજ વાળાના મકરાણીઓની બંદૂકોના ભડાકા સંભળાયા. સબોસબ કસુંબા પડતા મેલીને કાઠીઓ ચોરેથી કૂદ્યા. તરવારોની તાળી પડી અને ધાણી ફૂટે તેમ બંદૂકોમાંથી ગોળીઓ વછૂટી; માંડવડાનો કાંધો વાળો અને વરસડાનો બીજો કાંધો વાળો ટીંબલાની બજારમાં ઠામ રહ્યા, અને બાકીના કંઈક કાઠીઓ પાછલી બારીએથી પલાયન થઈ ગયા.રૂ

ચાંપરાજ વાલો

(ઈ. સ. ૧૮૩૫ની આસપાસ)

ચલાળા ગામમાં એક કાઠીને ઘેર કારજનો અવસર છે. ભેળા થયેલા મહેમાનોમાં ચરખેથી ચાંપરાજ વાળો આવેલ છે અને ટીંબલેથી હાથિયો વાળો અને જેઠસૂર વાળો નામે બેય ભાઈ હાજર થયા છે. ચારસો-પાંચસો બીજા કાઠીઓ પણ વાળાંકમાંથી, પાંચાળમાંથી ને ખુમાણ પંથકમાંથી આવ્યા છે. એવો અડાબીડ ડાયરો ડેલીએ બેઠો છે, તે વખતે જુવાન ચાંપરાજ વાળાએ વાત કાઢીઃ

“આપા હાથિયા વાળા! ઠીક થયું, તમે આંહીં જ મળી ગયા. મારે ટીંબલાનો આંટો મટ્યો.”

“ભલેં ભલેં, બા ચાંપરાજ! બોલ્ય. શું કહેવું છે?”

“કહેવું તો એટલું જ, કે અમારી રૂપદેબાઈ બેનને રોટલા-પાણીનું દુઃખ શીદ દ્યો છો? એની જિવાઈ કાં ચૂકવતા નથી? બાઈ ચરખે આવીને રાતે પાણીએ રોતી’તી.”

આટલા બધા નાતીલાઓની વચ્ચે ચાંપરાજ વાળાએ પોતાની ફુઈની દીકરીને ટીંબલાના પિત્રાઈઓ તરફથી મળતા દુઃખની વાત ઉચ્ચારતાં ટીંબલાના બંને ગલઢેરાને પોતાની ફજેતી થઈ લાગી. જેઠસૂરે અરણા પાડા જેવો કાંધરોટો દઈને જવાબ દીધોઃ “આપા ચાંપરાજ વાળા, તું તે આંઈ તારી ફુઈની દીકરીને જિવાઈ અપાવવા આવ્યો છો, કે કારજે આવ્યો છો?”

“બેય કરવા, આપા જેઠસૂર! એના ચોરાસી ગામના વારસદાર ધણી માત્રા વાળાને મોજડિયુંમાં ઊંટિયું ઝેર દઈને એક તો મારી નાખવો, અને પછી આ રંડવાળ કાઠિયાણીને રોટલાનું બટકુંય ખાવા ન દેવું, એ કાંઈ કાઠીની રીત કહેવાય? જિવાઈ તો કાઢી આપવી જોશે, બા!” ચાંપરાજ ટાઢે કોઠે બોલતો ગયો.

“તારે કહ્યેથી જ કાંઈ જિવાઈ નીકળી જાય છે, ચાંપા?”

“તો પછી મારે ચાઈને ટીંબલાનો આંટો ખાવો જોશે.”

“તો ભલે, બા! ખુશીથી આવવું.”

“તો આજથી સાતમે જમણ તમે સાબદાઈમાં રે’જો.”

“એમ ફકીરા કુશકીનો સોરડો (છોકરો) ગરાશ કઢાવી દેશે!”

એમ સામસામી વચનની બરછીઓ વછૂટતાં જ સહુને ફાળ પડી કે મામલો હાથ બહાર વહ્યો જાશે. એટલે ઘરનો ધણી ઊઠીને પાઘડી ઉતારી બેય પક્ષ વચ્ચે ઊભો રહ્યો. બેયને ઠાર્યા. પણ પછી કારજમાં ચાંપરાજ વાળાને કાંઈ સ્વાદ ન રહ્યો. રોંઢો થયો ને તડકા નમ્યા, એટલે ઘોડે ખડિયા નાખી ચાંપરાજ વાળાએ રાંગ વાળી રવાના થતાં થતાં કહ્યું કે “આપા હાથિયા વાળા ને જેઠસૂર વાળા! સાબદાઈમાં રે’જો, હો! સાત જમણે અમે નક્કી આવશું.”

પોતાના કુંટુબની એક નિરાધાર કાઠિયાણીનો પક્ષ લેવા માટે એટલા ચકમક ઝેરવીને ચાંપરાજ વાળો ચરખે આવ્યો. બે દિવસ વીતી ગયા. પછી એના ચિત્તમાં વિચાર ઊપડ્યો કે “બોલતાં બોલાઈ તો ગયું, પણ હવે ચડવું શી રીતે? ટીંબલાના જણ છે જાડા. એને કેમ કરીને પહોંચાશે?”

“બાપુ! વિચારમાં કેમ પડી ગયા છો?” ચાંપરાજના મકરાણી જમાદારે વાત પૂછી.

“જમાદાર, ટીંબલા માથે ચડાવાની જીભ કચરાઈ ગઈ છે.”

“તે એમાં શું, બાપુ? આંટો ખાી આવીશું. કયે જમણે?”

“દીતવારે.”

“ઠીક. પણ મને લાગે છે, બાપુ, કે કદાચ ટીંબલવાળાએ માન્યું હશે કે ચંપારાજ વાળો થૂંક ઉડાડી ગયો. બોલ્યું પળશે નહિ; એમ સમજીને હાંસીમાં કાઢી નાખશે અને તૈયારીમાં નહિ રહે. માટે પ્રથમથી ખબર દઈ મોકલીએ.”

એ રીતે પ્રથમથી સમાચાર મોકલ્યા કે ‘દીતવારે આવીએ છીએ’.

પણ ટીંબલના દાયરામાં સામત વાળો નામનો એક ગલઢેરો હતો. ચાંપરાજ વાળાને અને સામત વાળાને જળ-મીન જેવી પ્રીત. આની તરવાર આ બાંધે અને આની આ બાંધે, એવા મીઠા મનમેળ. ચાંપારાજે એ ભાઈબંધને કહેરાવ્યું કે “સામતભાઈ, તું ભલો થઈને દીતવારે ઘરે રહીશ મા.”

માંડવડેથી કાંધો વાળો વગેરે પોતાના વળના જે મોટામોટા કાઠી હતા તેને ટીંબલવાળાએ શનિવારે સાંજથી જ બોલાવીને ભેળા કર્યા. રવિવારે સવારે આખા દાયરાએ હથિયાર-પડિયાર બાંધીને ચોરે બેઠક કરી. બરાબર આ બાજુ કસુંબાની ખરલો છલોછલ ભરાઈ ને પ્યાલીઓમાં રેડી પીવાની તૈયારી થઈ, ગઢમાં ઊના રોટલા, ગોરસ અને ખાંડેલ સાકરનાં ત્રાંસ ભાતલાં પીરસવા સારુ તૈયાર ટપકે થઈ ગયાં અને બીજી બાજુ ગામને પાદર ચાંપરાજ વાળાના મકરાણીઓની બંદૂકોના ભડાકા સંભળાયા. સબોસબ કસુંબા પડતા મેલીને કાઠીઓ ચોરેથી કૂદ્યા. તરવારોની તાળી પડી અને ધાણી ફૂટે તેમ બંદૂકોમાંથી ગોળીઓ વછૂટી; માંડવડાનો કાંધો વાળો અને વરસડાનો બીજો કાંધો વાળો ટીંબલાની બજારમાં ઠામ રહ્યા, અને બાકીના કંઈક કાઠીઓ પાછલી બારીએથી પલાયન થઈ ગયા.

ચાંપરાજ વાળાનો દાયરો ચોરા માથે ચડે ત્યાં તો કસુંબલ અમૃતની છલોછલ ખરલો ભરેલી. દીઠી. માણસોએ પૂછ્યુંઃ “બાપુ, લેશું કસુંબો?”

“હા, બા, એમાં શું? બાપના દીકરાનો કસુંબો છે ને?”

સહુ શત્રુના ઘરનો કસુંબો લઈને પછી દરબારગઢ ઉપર ગયા.

“ખબરદાર!” ચાંપરાજે પોતાના સંગાથીઓને ચેતવ્યાં “આપણે ગામ લૂંટવા નથી આવ્યા, બહેનને જિવાઈ કઢાવી દેવા આવ્યા છીએ, એટલું ભૂલશો મા કોઈ.”

એટલું બોલીને ચાંપરાજ ડેલીએ દાખલ થાય ત્યાં તો તેણે બુઢ્ઢિયા કાઠી ચોકીદારોને ઉઘાડી તરવારે ઊભેલા દીઠા.

“ડોસલ્યાવ! ખસી જાવ,” ચાંપરાજે શિખામણ દીધી.

રૂપાનાં પતરાં જેવી ધોળી દાઢી, મૂછ ને પાંપણોવાળા કાઠીઓ બોલ્યાઃ “ખસી ગયે તો સાત જન્મારાની ખોટ બેસે, આપા ચાંપરાજ વાળા!

અને ચાંપરાજ વાળો ઊઠીને આ ટાણે અમને ખસવાનું કહે છે?”

“અરે ડોસલા! આંહીં દીકરાના વિવા નથી કે તાણ્ય કરવા બેસીએ. માટે ખસો. નીકર ધોળામાં ધૂળ ભરાણી સમજજો!”

ધોળાં ધોળાં નેણ ઊંચાં ચડાવી, ધોળી પાંપણોને અરધીક ઉઘાડી, પાણીદાર અને પલળેલી આંખો તગમગાવી બંને બુઢ્ઢાએ બુઢાપાની ધ્રુજતી ગરદનો ટટ્ટાર કરતાં કરતાં જવાબ વાળ્યો કે “ચાંપરાજ! ધોળામાં ધૂળ તો આજ ખસી ગયેથી ભરાઈ જાય, ને ડોકાં ધરતી માથે રડ્યે તો અટાણે અમારે સરગાપરની વાટ ઊઘડી જાય. માટે તું તારે જે કરતો હો ઇ કર, ને અમનેય અમારું મનધાર્યું કરવા દે. અમારા ઘડપણની ઠાલી દયા ખાઈશ મા, મલકના ચોલટા!”

એમ કહીને બેય બુઢ્ઢા ઘાએ આવ્યા. બેય સોનાનાં ઢીમ સરખા નોકરોને ઢાળી દઈને ચાંપરાજ વાળો દરબારગઢની અંદર ચાલ્યો.

ઓરડે જાય ત્યાં ઊંચીઊંચી ઓસરીને કાંઠે ઊભેલાં રૂપદેબાઈએ વીરનાં વારણાં લીધાં. ચાંપરાજ બોલ્યો કે “બહેન, તમારે જે કાંઈ લૂગડાંલત્તા, દરદાગીનો અને ઘરવખરી લેવી હોય તો નોખી તારવી લ્યો.”

ગાડાં આવી હાજર ગયાં એમાં રૂપદેબાઈનો માલ ભરાયો. અને એક માફામાં રૂપદેબાઈને બેસાર્યાં. ત્રણ કાઠી અસવારોને ચાંપારાજ વાળે હુકમ કર્યોઃ “બેનની સાથે જાવ. જો રસ્તે ક્યાંય ટીંબલવાળા આડા ફરે તો ત્યાં ને ત્યાં કટકા થઈ જજો. વાવડ દેવાય પાછા વળશો મા.”

“બાઈયું, બોન્યું,” ગઢની કાઠિયાણીઓને ચાંપરાજે હાથ જોડીને કહ્યુંઃ “તમે કોરે ખસી જાવ, અને તમારા દાગીના કાઢી દ્યો. રૂપદેબાઈની ચડત જિવાઈ પણ ચૂકવવી જોશે.”

હાકલ પડતાં જ કાઠિયાણીઓ પોતાની કાયા માથેથી એકેક દાગીના ઉતારી ઢગલો કરવા મંડી. એકે ચાંપરાજ વાળાના અસવારને કહ્યુંઃ “ભાઈ, કડલાં સજ્જડ ભિડાઈ ગયાં છે, નીકળતા નથી.”

“તો કાપવો પડશે પગ!”

ત્યાં તો ગઢની પછીત પાછળથી “હેં...! પગ કાપવો છે!” એવી ત્રાડ સંભળાણી અને ઉઘાડી તરવારે એક પરછંદ આદમી છલંગ મારીને દોડતો આવ્યો.

“કોણ સામત!” ચાંપરાજ વાળે ચકિત થઈને પૂછ્યું.

“હા બાપ, હું સામત! મને તેં ઓળખ્યો, ભેરુ? ના ના, સાચી ઓળખાણ નો’તી પડી!”

“અરે સામત! તું હજી આંહીં?” એમ કહી ચાંપરાજ વાળો આડો ફર્યો.

“હું આંહીં ન હોત તો મારે કપાળે કાળી ટીલી ચોંટત. પણ હું વખતસર ચેત્યો. ચાંપરાજ! લે, હવે ઝટ તરવાર લે.”

“સામત! સામત!”

પણ સામત વાળો ન માન્યો. તરવાર લઈને હનુમાન જેવો છલંગ દેતો આવ્યો, ત્યાં તો ચાંપરાજનું આખું કટક એને વીંટાઈ વળ્યું. ફડોફડ ઝાટકા પડ્યા. “અરે હાં! હાં! રે’વા દ્યો.” એમ ચાંપરાજ બોલતો રહ્યો ત્યાં તો સામત વાળાના રામ રમી ગયા.

“કોપ કર્યો. સામતને મારવો પડ્યો!” એમ બોલતાં બોલતાં ચાંપરાજ વાળાના અંતરમાં બહુ વસમું લાગ્યું. પણ ત્યાં તો ટાણું સારી રીતે થઈ ગયું, એટલે આખુ કટક અમરેલીની ફોજની બીકે ચાલી નીકળ્યું. ત્યાંથી જ પરબારો ચાંપરાજ વાળો બા’રવટે નીકળી ગયો.

ઘોડાના પગમાં ઘૂઘરા, સાવ સોનેરી સાજ,

લાલ કસુંબલ લૂગડાં, સરખાનો ચાંપરાજ.

ગીરમાં ડેડાણ અને ખાંભાની પડખે, ડુંગરિયાળી પ્રદેશમાં એક નાનો પણ વંકો ડુંગર છે, જેનું નામ છે ભાણિયાનો ડુંગર. એ ડુંગરની એક બાજુ કેડો છે, અને ત્રણ બાજુ ઘટાટોપ ઝાંખરાં-ઝાડવાં જામી પડ્યાં છે. ભાગતાં ભાગતાં ચાંપરાજ વાળાએ આ ભાણિયાના ડુંગર માથે ઓથ લીધી. એક પોતે અને નવ પોતાના પગારદાર મકરાણી, એટલા જણે ડુંગર માથે ચડીને મોરચો ગોઠવ્યા. થોડી વારમાં તો ધારી-અમરેલીની ગાયકવાડી ગિસ્તે આવીને ડુંગરને ઘેરી લીધો.

મકરાણીનો જમાદાર બોલ્યોઃ “બાપુ, આ ઘાસિયો પાથરી દઉં છું. તેના પર તમે તમારે બેસી રહો, અને અમને બંધૂકું ભરી ભરીને દેતા જાવ. ભડાકા તો અમે જ કરશું.”

દસેય બંદૂકો એક પછી એક ભરી ભરીને ચાંપરાજ વાળો આપતો જાય છે અને મકરાણીનો જમાદાર “બાપુ, બિવારું છું. હો” એમ કહીને, ડુંગર ઉપર ચડવા આવનારાઓને ફૂંકાતો જાય છે. એમ થતાં થતાં તો બે જુવાન મરણિયા અંગ્રેજ અમલદારોને હાથમાં બંદૂકો લઈને ડુંગર ઉપર ચડતા જોયા.

“બાપુ!” જમાદાર બોલ્યોઃ “હાથના આંકડા ભીડીને બે ગોરા ચડ્યા આવે છે. ઉડાડું?”

“ના, ભાઈ, ગોરાને માથે ઘા રે’વા દેજે.”

“પણ, બાપુ, ઈ તો આ પોગ્યા. અને હમણાં આપણને ધરબી નાખશે.”

“ઠીક ત્યારે, ઉડાડ! થાવી હોય તે થાશે!”

મકરાણીની બંદૂક છૂટી. એની ગોળી બેમાંથી એક અંગ્રેજના માથાની કાચલી તોડતી ગઈ.

વીકે સરવૈયા વાઢિયા, રણઘેલા રજપૂત,

ભાણિયાને ડુંગર ભૂત, સાહેબને સરજ્યો, ચાંપરાજ!

(વીકાએ તો સરવૈયા રજપૂતોને વાઢ્યા, પણ હે ચાંપરાજ! તેં તો ભાણિયાના ડુંગર ઉપર સાહેબને અવગતિએ મારીને ભૂત સરજાવી દીધો.)

ડેરે બોકાસાં દિયે, કંડી મઢ્યમું કોય,

જગભલ સા’બ જ જોય, ચૂંથી નાખ્યો, ચાંપરાજ!

(સાહેબની મડમો એના ડેરાતંબૂઓમાં વિલાપ કરે છે. કેમ કે તેં તો જે કોઈ સાહેબને દીઠો તેને ચૂંથી નાખ્યો.)

તેં દીધી ફકરા તણા, એવી ભાલાની આણ,

મધ ગરમાં મેલાણ, સાહેબ ન કરે, ચાંપરાજ!

(ફકીરા વાળાના પુત્ર! તેં તો ગીરની અંદર તારા ભાલાની એવી હાક બેસારી દીધી છે કે કોઈ ગોરો સાહેબ મધ્ય ગીરમાં મુકામ કરી શકે તેવું નથી.)

ગોરાનું લોહી છંટાતાં તો ડુંગર ફરતી સાતથરી ચોકીઓ મુકાઈ ગઈ. ચાંપરાજ વાળો સમજ્યો કે “આમ જો ઝલાઉં, તો કૂતરાને માતે મરવું પડે.”

ભૂખ્યાતરસ્યા બહારવટિયા ભાણિયાને ડુંગર ભરાઈ રહ્યા. એમાં એક દિવસ ડેડાણના કોટીલા કાઠીઓએ રાતમાં આવી, પછવાડે ગીચ ઝાડીમાંથી છાનો માર્ગ કરી, ચાંપરાજ વાળાને એના નવ મકરાણી સાથે ઉતારી લીધો.

પછી કહ્યું કે “હવે મંડો ભાગવા. દેશ મેલી દ્યો.”

“અરે બા! એમ ભાગવા તે કેમ માંડશું? સહુને સૂરજ ધણીએ બબ્બે હાથ દીધા છે.”

એટલું બોલીને ચાંપરાજે મકરાણીઓને લઈ ગાયકવાડનાં ગામડાં ઉપર ત્રાસ વર્તાવવાનું આદરી દીધું. ગામડાંની અંદર લોંટાઝોંટા કરી ગાયકવાડનાં હાંડાં જેવાં રૂડાં ગામડાંને ધમરોળી નાખ્યાં. વાંસે વડોદરાની ફોજો આંટા દેવા લાગી, પણ ચાંપરાજને કોઈ ઝાલી શક્યા નહિ. ચાંપરાજ વાળાએ પણ ગામડાંને ખંખેર્યા પછી એક દિવસ પોતાના સાથીઓને વાત કરીઃ “ભાઈ, હવે તો ઘેંસનાં હાંડલાં ફોડીફોડીને કાઈ ગયા છીએ. હવે તો દૂધ- ગોરસ માથે મન ધોડે છે.”

“એટલે શું, ચાંપરાજ વાળા ? અમરેલી-ધારીને માતે મીટ મંડાય એવું નથી, હો! પલટનું ઊતરી પડી છે વડોદરાથી.”

“સંચોડી ગાયકવાડી જ આંહીં ઊતરી આવે તોય કાંઈ ઈ મોજ જાવા દેવાય છે? માટે હાલો અમરેલી. દેવમુનિ જેવાં ઘોડાં રાંગમાં છે એટલે રમવાનું ઠેક પડશે, બા!”

કોઈ પણ રીતે ચાંપરાજ ન માન્યો, અને અમરેલીની વડી ને ઠેબી બબ્બે નદીઓનાં પાણીમાં ઘોડીઓને ઘેરવી, સમી સાંજના સૂરજને સમરી માળા ફેરવી, ને દીવે વાટ્યું ચડતી વેળાએ ગામના ગઢકિલ્લાનાં બારણાં તોડવાં, એવો મનસૂબો કર્યો.

અમરેલી આવછ અભંગ, ભડ રમવા ભાલે,

(તે દી) મરેઠિયું રંગમોલે, ચાંપાને જોવા પડે.

(ઓ શૂરવીર ચાંપરાજ! તું ભાલાની રમત રમવા અમરેલી ગામની બજારોમાં દાખલ થાય છે, ત્યારે તને નીરખવા માટે ઊંચી મહેલાતોમાંથી મરાઠા અધિકારીઓની સ્ત્રીઓ ડોકાં કાઢી રહે છે.) ધોળે દિવસે પણ અમરેલીની બજારો ઉજ્જડ થવા લાગી. ચાંપરાજ વાળાને ભાલે ભલભલા જવાનો વીંધાવા માંડ્યા. અને લૂંટનો અઢળક માલ ચરખા ભેળો થવા લાગ્યો.

દખણી ગોવિંદરાય ડરે, રંગમોલમાં ય રાડ્ય,

કાઠી નત્યો કમાડ, ચોડે બરછી ચાંપડો.

(ગોવિંદરાવ નામનો સૂબો (અથવા તો મહારાજ ગોવિંદરાવ ગાયકવાડ) ચાંપરાજ વાળાના ભયથી મૂંઝાવા લાગ્યો. રાજમહેલમાં બૂમો પડે છે, કેમ કે ચાંપરાજ વાળો છેક કમાડ ઉપર બરછી મારીને ચાલ્યો જાય છે.)

ચાંપા ફકરા સિંહરા, રંગ થોભા પ્રજરાણ,

વડોદરે ભડ વંકડા, પાડ્યો ધવે પઠાણ.

(સિંહ સરખા કાઠી ફકીરા વાળાના પુત્ર ચાંપરાજ વાળા! કાઠીની ત્રણેય પરજો (ખાચર, ખુમાણ, વાળા)ના રાણા! રંગ છે તારા થોભાને!

કેમ કે તેં તો, હે બંકા મરદ! વડોદરાની બજારમાં જઈ ગાયકવાડના પઠાણ કોમના લશ્કરી અમલદારોને ધબ્બો મારી ધૂળ ચાટતા કરી દીધા.)

કલપ દીધેલ જાંબુવરણા ઘાટા થોભાવાળો એક આદમી એકલે ઘોડે એક ઊંડા વોંકળાની ભેખડની ઓથે બેઠો છે, બાજુમાં ઘોડી હમચી ખૂંદી રહી છે અને “ધીરી બાપા! ધીર રેશમ!” એવે સ્વરે ઉતાવળી થાતી ઘોડીને ટાઢી પાડતો પાડતો અસવાર પોતાના ખડિયામાંથી ખરલ કાઢીને કસુંબો ઘૂંટે છે. ભમ્મર ભાલો ભેખડને થડ ટેકવેલ છે, ને તરવાર તો પૂજાના પુષ્પ જેવી સન્મુખ જ પડેલ છે. સૂરજ મહારાજ સોનાવરણા થઈને આભમાં એનો ઘોડાનો રથ ઉતાવળે હાંકવા માંડ્યા છે.

“રંગ હો! રંગ હો! રંગ હો, સૂરજ રાણ!” એમ ત્રણ વાર કસુંબો ઉગમણી દિશામાં છાંટીને જેમ અસવારે ત્રણ રંગ દીધો, તેમ વોંકળાની ભેખડ ઉપરથી ગિસ્ત ઊતરી. મોખરે મોટા દાઢીમૂછાળા આવતા’તાઃ પચીસ- પચીસ ઘોડેસવારો અને સોએક પગપાળા બરકંદાજો.

“એ આવો, બા, આવો! કસુંબો પીવા ઊતરો!” એમ ભેખડને થડ બેઠેલા એકમ આદમીએ આગ્રહ કર્યો.

“ઊતરાય એમ નથી, બા! મરવાનુંયે વેળુ નથી,” એમ ગિસ્તના મોવડીએ જવાબ દીધો.

“કાં, એવડું બધું શું છે?”

“આ ચાંપરાજ વાળો અમરેલી ભાંગીને જાય છે, એને અધરાતના ગોતીએ છીએ.”

“અરે ભાઈ! મારું ગામ પણ ચાંપરાજે આજ રાતમાં જ ભાંગ્યું છે.

હુંય અમરેલી જાહેર કરવા જાતો’તો. ચાંપરાજે તો અરેકાર વર્તાવ્યો છે.

પણ શું કરીએ ? કસુંબો પીધા વન્યા કાંઈ છૂટકો છે ? ઊતરો ઊતરો, બા, આથમ્યા પછી અસૂર નહિ!”

ગિસ્તને તો એટલું જ જોતું હતું. ઊતર્યા. ઘાસિયા પથરાયા. મોં ધોઈને કોગળા કર્યા. કસુંબો પીધો. પછી એકલ આદમીએ વાત છેડીઃ “હેં બા! આમાં તમને ક્યાંઈક ચાંપરાજ ભેટ્યો હોય તો શું કરો?”

ગિસ્તના માણસો અડખેપડખે જોવા લાગ્યા.

“સાચું કહું, દરબાર?” મુખ્ય માણસ બોલ્યો.

“હા, કહો!”

“પ્રભાતનો પહોર છે. મોંમાં પારકો કસુંબો છે. સાચું કહું છું કે અમે એને ફક્ત રામરામ કરીને તરી જઈએ.”

“કાં? સરકાર રોટલા પૂરે છે ઈ શેના?”

“એ ભાઈ! ચાંપરાજ વાળો બા’રવટે નીકળ્યો છે એટલે જ સરકાર આટલી મોટી ફોજને રોટલા આપે છે. કાલ્ય જો ચાંપરાજ વાળો સોંપાઈ જાય તો આ તમામ બચ્ચરવાળ માણસોને નોકરીમાંથી રજા મળે. માટે સારા પ્રતાપ ચાંપરાજ વાળાના બા’રવટાના!”

એકલ આદમીએ આ જવાબ સાંભળીને મોં મલકાવ્યું. ખડિયામાંથી ડાબલો કાઢ્યો. ડાબલામાં સોનામહોરો ભરી હતી. ગિસ્તના અગ્રેસરના ખોળામાં ડાબલો મૂકી દીધો.

“આ શું?” જમાદાર ચમક્યો.

“આ તમારી જીભ ગળી કરવા માટે.”

“કાં?”

“તમે દુવા દીધી માટે.”

“કોણ, ચાંપરાજ વાળો તો નહિ?”

“હા, એ પોતે જ. લ્યો, હવે રામ રામ છે.”

એટલું કહી ચાંપરાજે છલંગ દીધી. પલકમાં ઘોડી ઉપર પહોંચ્યો.

માણસો જોતા રહ્યા અને ચાંપરાજે સામી ભેખડ ઉપર ઘોડી ઠેકાવી.

“હવે?” ચાંપરાજ વાળાએ મકરાણી જમાદારને કહ્યું.

“હવે શું કરવું? માથે ગોરાનું ખૂન ગગડે છે. ધરતી આપણને ક્યાંય સંઘરતી નથી.”

“તો બાપુ, હાલો મારા મલકમાં - મકરાણામાં.”

“ત્યાં શું કરશું?”

“ત્યાં તું મારો ઠાકર ને હું તારો ચાકર.”

“પણ ત્યાં જઈને મારું નામ શું રાખવું?”

“નામ તો સુલેમાન ઓસમાન!”

“તો મારે બે બાપના નથી થાવું. તું તારે તારાં માણસો લઈને

ચાલ્યો જા, ભાઈ! મારે વળી સૂરજ ધણીનું ધાર્યું થશે.”

નવેય જણા ભીમોરે ભોજ ખાચરની ડેલીએ ગયા અને ચાંપરાજ વાળો એક-બે કાઠીઓને લઈ જેપુર માળવાને માથે ઊતરી ગયો.

એક દિવસ કચેરીની અંદર જેપુર મહારાજની નજર આઘે આઘેના ખૂણામાં બેઠેલી એક આદમી સાથે મંડાઈ ગઈ છે. માથેથી ગોથું ખાઈને પાછા વળેલા દાઢીના કાળા કાતરા, કંકુવરણી ઝાંય પાડતો મોંનો વાન, ભેટમાં કટારી, ડોકમાં માળા, એવો ચોખ્ખો ચારણનો દીદાર હોવા છતાં મહારાજે એના મોરામાં કંઈક નોખા જ અક્ષરો વાંચ્યા. મહારાજે હુકમ કર્યો કે “ઓલ્યા આદમીને આંહીં લાવો તો!”

એ આદમીએ મહારાજની ગાદી સામે આવીને નીચે ઝૂકી સલામ કરી.

“કેવા છો?” મહારાજે પૂછ્યું.

“ચારણ છું.”

“ક્યાં રે’વાં”

“કાઠિયાવાડમાં.”

વિચાર કરીને મહારાજ ઊભા થયા. “ગઢવા, આંહીં આવજો તો!”

એમ કહી, એ આદમીને તેડી પાસેના ઓરડામાં ગયા. જઈને એકાંતે પૂછ્યુંઃ

“તમે ગઢવા નથી. ચારણ કોઈ દી સલામ ન કરે, પણ ઓવરાણાં લ્યે.

માટે તમે વેશધારી છો. બોલો, કોણ છો?”

“કાઠી છું.”

“નામ?”

“ચાંપરાજ વાળો.”

“ચાંપરાજ વાળા, તમારે માથે ગોરાનાં ખૂન છે. અને અટાણે સરકારની બેસતી બાદશાહી છે. તમે આંહીં રહો તો જેપુરની ગાદીને જોખમ છે. માટે નીકળી જાવ. નાણું જોવે તેટલું ખુશીથી લઈ જાજો.”

આમ ચાંપરાજ વાળાને જમીન ક્યાંય સંઘરતી નથી.

ત્યાંથી ચાંપરાજ વાળાનાં અંજળ ઊપડ્યાં. નીકળીને એ માળવામાં આવ્યોઃ જ્યાં અજર મે’ ઝર્યા કરે છે, અને જે ‘રાંકનો માળવો’ કહેવાય છે, એવા એ રસાળ મુલકમાં ચાંપરાજ વાળો ચારણવેશે હાવા ગામના એક પટેલને ઘેર સંતાઈ રહ્યો. પોતાની વહાલભરી ખાતર-બરદાશ કરનારા પટેલને ચાંપરાજ વાળાએ કાયમ કોઈ ઊંડી ચિંતામાં રહેતો દીઠો. તેથી એક દિવસ પૂછ્યુંઃ “પટેલ, પેટમાં આવડું બધું દુઃખ શું ભર્યું છે?”

“ગઢવી, તમને કહીને શો સાર કાઢું? જીભ કચરીને મરવા જેવો મામલો ઊભો થયો છે. કહેવાની વાત નથી રહી.”

“પણ શું છે? મોંમાંથી ફાટ મર ને!”

“આ ગામના દરબારનો સાળો મારા દીકરાની વહુને રાખીને બેઠો છે. રોજ આંહીં મારા ઘરમાં આવે છે, ને ધરાર એક પહોર રાત રહે છે.”

“ઠીક, આજ આવે ત્યારે મને ચેતવજો.”

એ જ રાતે ફાટેલ સાંઢ જેવા કામીને ચાંપરાજ વાળે ઠાર માર્યો. અને ત્યાંથી પણ એ ચાલી નીકળ્યો.

માર્ગે એક બીજું ગામ આવ્યું. ચાંપરાજ વાળાની શોધ તો ચોમેર ચાલતી જ હતી. અને ગામેગામ એના શરીરની એંધાણીઓ પણ પહોંચી ગઈ હતી. એ એંધાણીએ આ ગામના ઠાકોરે પોતાના પાદર ઊભેલા ચાંપરાજ વાળાને દીઠો. દેખતાં જ એને વહેમ આવ્યો. ક્યાં રહેવું? ક્યાંથી આવો છો? એમ પુછપરછ કરતા કરતા ઠાકોર ચાંપરાજ વાળાની થડમાં ગયા.

ઘોડાની લગામ ઝાલી આગ્રહ કરવા માંડ્યા કે “એ બા, ઊતરો ઊતરો, રોટલા ખાઈને પછી ચાલજો.”

બંનેની રકઝક ચાલવા મંડી. ચાંપરાજ વાળાને તો આવી રીતની પરોણાચાકરી ઠેકઠેકાણે મળતી હોવાથી કાં કાવતરું હોવાનો વહેમ જ ન આવ્યો. પણ પડખે એક ચારણ ઊભેલો હતો. તેણે એક કાગડા સામે કાંકરો ફેંકીને કહ્યુંઃ “ઊડી જાજે, કાગડા!”

એ વેણ કાને પડતાં જ ચાંપરાજ વાળો સમસ્યા સમજી ગયો.

ઘોડીને દાબી, ઝોંટ મારીને ઠાકોરના હાથમાંથી લગામ છોડાવીને ભાગ્યો. પણ પગલે પગલે એણે પોતાના માતના પડછાયા ભાળ્યા.

ગુજરાતમાં ભમતાં ભમતાં એક ચારણને મુખેથી ચાંપરાજે સમાચાર સાંભળ્યા કે “ચાંપરાજ વાળા, તમે તો રઝળો છો પણ મૂળુભાઈ ઉપર સરકારે બહુ ભીંસ કરવા માંડી છે. એનો ગરાસ જાવાનો થયો છે; તમારી ખૂટલાઈના ઢોલ આખા કાઠિયાવાડમાં વાગી રહ્યા છે.”

સાંભળીને ચાંપરાજ વાળો ઝંખવાણો પડી ગયો. બહારવટે નીકળ્યા પહેલાં એની લૂંટફાટની બૂમ એટલી બધી વધી હતી કે સરકારે એની સારી

ચાલચલગતના હામી માગ્યા હતા. એ સમયે જેતપુર-દરબાર મૂળુ વાળા હામી થયા હતા. ચાંપરાજ વાળાને સાટે એણે પોતાનાં તમામ ગામ ખાલસા થવાનો કરાર સરકારને કરી દીધો હતો. એટલે અત્યારે મૂળુ વાળા ઉપર સરકારનું આકરું દબાણ ચાલી રહ્યું હતું.

“મારે પાપે જો મૂળુભાઈનો ગરાસ ખાલસા થશે તો ગજબ થઈ જાશે. મારું માત બગડશે. માટે હવે તો જઈને મૂળુભાઈને હાથે જ સરકારમાં સોંપાઈ જાઉં.” એવે વિચારે ચાંપરાજ વાળાએ કાઠિયાવાડ ભણી ઘોડાં હાંકી મેલ્યાં. એક દિવસ ઝાલર ટાણે અંધારામાં ભાલના એક ગામડાને પાદર તળાવને આરે ચાંપરાજ વાળો પોતાના બે અસવારો સાથે ઘોડાને પાણી પાવા ઊભો છે ત્યાં બાજુમાં એક અસવાર પોતાના વેલર ઘોડાને પાણી પાવા આવ્યો. ચાંપરાજની પાછળ ફરનારી એ પલટનનો અસવાર છેઃ એની નજર તારોડિયાને અજવાળે ચાંપરાજના ચહેરા ઉપર પડી, અને બરાબર બહારવટિયાની અણસાર ગઈ. ઝપ દઈને એણે ચાંપરાજ વાળાની ઘોડીની લગામ ઝાલી.

“કેમ, ભાઈ, લગામ કેમ ઝાલછ?”

“તુમ ચાંપરાજ વાલા!”

“અરે રામ રામ કર, અમે તો ચારણ છીએ.”

“નહિ, તુમ ચાંપરાજ વાલા!”

“અરે મેલી દે, ભાઈ, નીકર ઠાલો માર ખાઈશ.”

“નહિ, તુમ ચાંપરાજ વાલા.”

“આ લે ત્યારે, ચાંપરાજને ઝાલવાનું ઇનામ,” એટલું બોલી તરવારનું ઝાવું કરીને એણે અસવારનો હાથ કાપી નાખ્યો. ઘોડીની લગામે એ અરધો હાથ લટકતો રહ્યો અને ચાંપરાજે ઘોડી હાંકી.

ત્યાં તો ‘ચાંપરાજ વાળો! ચાંપરાજ વાળો! પકડો! પકડો!’ એવા રીડિયા થયા. પડખે જ છાવણી પડી હતી તેમાં બ્યૂગલ ફૂંકાણાં. ‘મારો!

મારો! મારો!’ કરતા વેલર ઘોડાના અસવાર છૂટ્યા. અને ચાંપરાજ વાળો મૂંઝાયો. શા માટે મૂંઝાયો?

તળાવનો ઘેરાવો ઘણો મોટો છેઃ પાળેપાળે તો પાછળ ચાલનારા આંબી લઈ ભૂંડે માતે મારે. અને પોતાને તો મૂળુ વાળના હાથથી રજૂ થાવું છે. હવે શું કરવું?

“હા! નાખો ઘોડાં પાણીમાં!” એમ ત્રણેય જણાએ પલકવારમાં તો ઘોડાંના ઊગટા, મોવડ, ચોકડાં ને આગેવાળ જેરબંધ ઉતારી લઈ ધબોધબ તળાવમાં ઝંપલાવ્યું. મગરો તરે એમ ઘોડીઓ વાંસજાળ પાણી શેલારા દઈ વીંધવા માંડી. પોતે સડેડાટ અંધારામાં સામે કાંઠે ઊતર્યો. એમાં પોતાના સંગાથીની ઘોડી થાકીને પાણીમાં ડૂબવા લાગી.

અસવારે બૂમ પાડીઃ “એ ચાંપાભાઈ! હું રહી ગયો. હું બૂડું છું, હવે રામ રામ છે!”

“અરે, રહી તે કેમ જાશે? રહેશું તો સહુ એકસામટા. માર ઠેકડો, આવી જા મારી ઘોડીને માથે.”

એમ કહી ઘોડીને પાછી ફેરવી. એ ડૂબતા કાઠીને કાંડે ઝાલી ચાંપરાજ વાળાએ એને પોતાની ઘોડી માથે બેલાડ્યે (પાછળ) બેસાડી દીધો, ને પછી એણે મૃત્યુલોકનાં વિમાનોને વહેતાં કર્યાં.

અંધારી ઘોર રાતમાં છાવણીના અસવારો આસપાસ બધે ગોતી વળ્યા, પણ બહારવટિયો તો બંદૂકની ગોળી જેવો, હાથમાંથી છૂટ્યા પછી હાથ આવ્યો નહિ. આખી રાત ઘોડી બબ્બે અસવારોને ઉપાડીને ચાલી.

પાંચાળની ધરતી વીંધીને સોરઠમાં ઊતરી અને પાછલી રાતનો એક પહોર બાકી હતો ત્યારે ગીરમાં જેઠસૂર વાળાના બોરડી ગામમાં દાખલ થઈ ગઈ.

“ઓહોહો, ચાંપરાજભાઈ આવ્યા! ચાંપરાજભાઈ !” એમ જેઠસૂર વાળાએ આદરમાન દઈ ચાંપરાજ વાળાને ઢોલિયા પાથરી દીધા અને ઘોડીઓને લીલાછમ બાજરાનું જોગાણ મેલાવ્યું.

“બાપુ!” માણસે આવીને કહ્યુંઃ “ત્રણમાંથી એક ઘોડી જોગાણ ખાતી નથી. પંથ બહુ આકરો થયો લાગે છે.”

“અરે, મારી ઘોડી જોગાણ ન ખાય એમ બને ખરું! ભલેને લંકાનો પંથ કર્યો હોય! કઈ ઘોડી તું કહે છે?”

“ધોએલા (ધોળા) પગવાળી.”

“અરે, ધોએલા પગવાળી તો એકેય ઘોડી જ નથી.”

એમ બોલતો ચાંપરાજ વાળો ઠાણમાં ગયો. ત્યાં આઘેથી પોતાની જ ઘોડીનો પગ ગોઠણ સુધી ધોળો ફૂલ જેવો દેખાયો. પાસે જઈને જુએ ત્યાં તો એના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ.

એ પગ નહોતો, પણ પગના નળાનું હાડકું જ હતું. સંચોડો ડાબો જ ન મળે. એના પગના કાંડા સુધીની આકી ખોળ જ ઉતરડાઈને ઉપર ચડી ગયેલી! પાંચાળમાંથી રાતે નીકળતી વખતે ઉપાડતાં જ ટોપરાંનો વાટકો નીકળે તેવી રીતે પગનો ડાબલો તૂટીને છૂટો થયેલો હતો. પણ ઘોડીએ કળાવા દીધેલું નહિ.

“આ હા હા હા!” ચાંપરાજ વાળાને યાદ આવ્યુંઃ “ડુંગરમાં રાતે એક વાર ઘોડીના પગનો કંઈક અવાજ મને સંભળાણો’તો ખરો, અને તે પછી ઘોડીનો પગ આખી વાટ સહેજસાજ લચકાતો આવતો હતો. પણ આમ સંચોડો ડાબો જ નીકળી ગયો હોવાનું ઓસાણ મને આવે જ શેનું ?”

પગ વગરની જે ઘોડીએ ત્રણ પગે ચાલીને બે અસવારને ચાલીસ- પચાસ ગાઉ પહોંચાડી દીધા, તેને આજ ગૂડી નાખવાનો સમય આવતાં ચાંપરાજ વાળાની છાતી ભેદાઈ ગઈ.

ગામની બહાર લઈ જઈને ઘોડીને ઊભી રાખી એક જ ઘાએ ફેંસલો થઈ જાય તે માટે ચાંપરાજ વાળાએ જોર કરીને ઘોડીને ગળે ઝાટકો ચોંટાડ્યો, પણ ડોકું પૂરેપૂરું ન કપાયું. વેદનાની મારી ઘોડી ભાગી નીકળી, અને ચાંપરાજ વાળાએ જાણ્યું કે ‘ભૂંડી થઈ! પડખે જ માણેકવાડાની એજન્સીની છાવણી પડી છે ત્યાં પહોંચ્યા ભેગી જ ઘોડી ઓળખાઈ આવશે, આપણા સગડ લેવાશે અને વચમાં નાહક આ બાપડો જેઠસૂર કુટાઈ જશે!

“બાપ રેશમ! બેટા રેશમ!” એમ ચાંપરાજ વાળાએ સાદ દીધો, અને પીડાથી પાગલ બનેલી ઘોડી ધણીનો બોલ સાંભળીને દોડતી પાછી આવી. આવીને માથું નમાવીને ઊભી રહી. એટલે બીજે ઝાટકે ચાંપરાજે એની ગરદન ઉડાવી દીધી.

વન ગઈ પાલવ વિના જનની કે’તાં જે,

દોરીને ચાંપો દેતે, માન્યું સાચું મૂળવા!

(હે મૂળુ વાળા! કાઠિયાણી જ્યારે ચોરીમાં પરણવા બેસે ત્યારે કાપડું પહેરતી નથી, એ વાત આજે, તેં જ્યારે ચાંપરાજને દોરીને સરકારમાં સોંપી દીધો ત્યારે જ, મેં સાચી માની; એટલે કે એવી નિર્લજ્જ માતાના પુત્ર તારા સરખા મિત્રદ્રોહી જ થાય એમાં નવાઈ નથી.) (આ લગ્ન-પ્રથા સંબંધે એવી કથા કાઠિયાવાડમાં પ્રવર્તે છે કે મુસલમાન રાજ્યના કોઈક સમયમાં, દરેક ક્ષત્રિય રાજાની પરણેતરને કોઈ બાદશાહ,

પ્રથમ રાતે પોતાના શયનગૃહમાં મોકલવાનો હુકમ કરતો. પછી એ પ્રથા તજીને પાદશાહે એવો હુકમ કરેલો કે પ્રત્યેક ક્ષત્રિય કન્યાને પરણતી વેળા જે કાંચળી પહેરાવવામાં આવે, તેના સ્તન-ભાગ પર બાદશાહી પંજાની છાપ હોવી જોઈએ. આ આજ્ઞાને તાબે બીજા બધા થયા, પણ કાઠીઓએ તો એ કલંકમાંથી મુક્ત રહેવા ખાતર લગ્નવિધિમાંતી કાપડું જ કાઢી નાખ્યું. આ વાતમાં કશું વજૂદ જણાતું નથી.)

જાશે જળ જમી, પોરહ ને પતિયાળ,

ચાંપા ભેળાં ચાર, માતમ ખોયું મૂળવા!

(હે મૂળુ વાળા! ચાંપરાજ જાય છે. તેની સાથે જળ, જમીન, પૌરુષ અને પ્રતિષ્ઠા એ ચાર ચીજો ચાલી જાય છે. એને સોંપી દઈને તેં તારું માહાત્મ્ય ગુમાવ્યું.)

(કાં તો) જેતાણું જાનારું થયું, મૂળુ ઇદલ માત,

ખાદી મોટી ખોટ, દોરીને ચાંપે દિયો.૧

(કાં તો જેતપુર જનારું થયું. કાં તારું માત આુવ્યું. હે મૂળુ વાળા! તેં ચાંપરાજને સોંપી દેવામાં મોટી ખોટ ખાધી છે.) આવા ઠપકાના દુહા ચારણો ઠેરઠેર સંભળાવવા લાગ્યા. મૂળુ વાળાને

માથે ચાંપરાજને રાજકોટ જઈ સોંપી દેવાનું આળ મુકાયું. પણ બીજી બાજુ કંઈક લોકો કહે છે કે મૂળુ વાળાનો વાંક નહોતો. મૂળુ વાળાએ તો બહુ વિનવ્યું હતું કે “ચાંપા, ભલો થઈને ભાગી જા. ભલે મારો ગરાસ જપ્ત થાય.” પણ ચાંપરાજ માન્યો નહિ. સોંપાયો. એના ઉપર મુકદ્દમો ચાલ્યો અને એને જન્મકેદની સજા થઈ. યરોડાની જેલમાં એને મોકલી દેવામાં આવ્યો. ઈ.સ. ૧૮૩૭.

“હમણાં જેલર સા’બ કેમ નથી દેખાતા?”

“એની મઢ્યમને પેટપીડ ઊપડી છે.”

“શા કારણથી!”

“બાપડીને છોરુ આવ્યાનો સમો થિયો છે. પણ આડું આવેલ હોવાથી છૂટકો થાતો નથી. મોટામોટા ગોરા સરજનોએય હાથ ધોઈ નાખ્યા છે. અને મઢ્યમ તો હવે ઘડી-બે ઘડીમાં મરવાની થઈ છે.”

જેલના દરોગાને મોઢે આ વાત સાંભળીને ચાંપરાજ વાળાને વિચાર ઊપડ્યો. એણે કહ્યુંઃ “અરે ભાઈ, એમાં ગોરા સરજનોનો ઉપાય કાર નહિ કરે, ઘણુંય મારી આગળ દવા છે, પણ ઈ દવા કોણ કરે? જેલર સા’બને કાને મારી વાતેય કોણ પોગાડે?”

દરોગાએ જઈને સાહેબને બંગલે વાત પહોંચાડી કે કાઠિયાવાડનો એક કેદી આડાં ભાંગવાની દવા જાણે છે. અંગ્રેજને અજાયબી તો બહુ થઈ, માન્યામાં તો આવ્યું નહિ. પણ ડૂબતો માણસ તરણોનેય ઝાલે એ રીતે એણે ચાંપરાજ વાળાને દવા કરવાનું કહ્યું. ચાંપરાજે માગ્યું કે “એક તરવાર, એક ઘીનો દીવો, ધૂપ અને એક માળાઃ ચાર વાનાં લઈને મને નદી કેે નવાણને કાંઠે જવા દ્યો.”

માગી તેટલી સામગ્રી આપીને ચાંપરાજને જળાશયને કાંઠે તેડી ગયા. નાહીધોઈ, ધોતિયું, પહેરી, ઘીનો દીવો ને ધૂપ કરી, હાથમાં માળા લઈને પ્રભાતને પહોર ચાંપરાજે સૂરજ સામે હાથ જોડ્યાઃ “હે સૂરજ! મારી પાસે કાંઈ દવા નથી. પણ આજ સુધી મેં પરનારી ઉપર મીટ પણ ન માંડી હોવાનો જો તું સાક્ષી હો, મનમાં પરનારીનો સંકલ્પ પણ જો મેં કોઈ દી ન કર્યો હોય, તો મઢમ બેનનું આડું ભાંગીને તારા છોરુની લાજ રાખજે, બાપ! નીકર આ તરવાર પેટમાં પરોવીને હું સૂઈ જઈશ.”

આટલું બોલી, પોતાની નાડી ધોઈ, ધોણનું પાણી પોતે દરોગાના હાથમાં દીધુંઃ “લે ભાઈ, મઢમ બેનને પીવરાવી દે, ને પછી આંહીં ખબર આપ કે છૂટકો થાય છે કે નહિ.”

પાણી લઈને દરોગો દોડ્યો, અને ચાંપરાજે ઉઘાડી તરવાર તૈયાર રાખી સૂરજના જાપ આદર્યા. કાં તો જેલમાંથીલ છૂટું છું. ને કાં આંહીં જ પ્રાણી કાઢું છું, એવો નિશ્ચય કર્યો.

એક, બે ને ત્રણ માળા ફેરવ્યાં ભેળાં તો માણસો દોડતાં આવ્યાંઃ “ચાંપરાજભાઈ, મઢમનો છુટકારો થઈ ગયો! પેટપીડ મટી ગઈ. રંગ છે તારી દવાને.”

મઢમે ચાંપરાજ વાળાને પોતાનો ભાઈ કહ્યો અને પોતાના ધણી સાથે જિકર માંડી કે “મારા ભાઈને છોડાવો.”

“અરે ગાંડી! જન્મટીપનો હુકમ એમ ન ફરે.”

“ગમે તેમ કરીને વિલાયત જઈને ફેરવાવો. નીકર તમારે ને મારે રામરામ છે!”

મઢમના રિસામણાએ સાહેબના ઘરને સ્મશાન બનાવી મૂક્યું. સાહેબે સરકારમાં લખાણ ચલાવીને મોટી લાગવગ વાપરી ચાંપરાજ વાળાની સજા રદ કરાવી, અને દસ-બાર વરસ સુધીની એની મજૂરીના જે બસો-ત્રણસો રૂપિયા એના નામ પર જમા થયેલા તે આપીને ચાંપરાજ વાળાને રજા દીધી. મઢમ બહેનની વિદાય લેતી વેળા બહારવટિયાની ખૂન આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં. મઢમનું હૈયું પણ ભરાઈ આવ્યું.

પડખેના બંદરેથી વહાણમાં બેસી ચાંપરાજ વાળો ભાવનગર ઊતર્યો.

પહોંચ્યો મહારાજ વજેસંગજીની પાસે. કચારીમાં જઈને પગે હાથ નાખ્યા.

“મારો કનૈયાલાલ! મારો વજો મહારાજ! બાપો મારો! મને કારગૃહમાંથી ઉગાર્યો!” એવી બૂમાબૂમ કરીને એ નટખટ કાઠીએ કચારી ગજાવી મૂકી.

“ઓહોહોહો! ચાંપરાજ વાળા, તમે ક્યાંથી?”

“મહારાજે મને છોડાવ્યો.” ચાંપરાજે લુચ્ચાઈ આદરી.

“હેં! સાચેસાચ મેં તમને છોડાવ્યા! શી રીતે?”

“અરે વજા મહારાજ! તારી શી વાત કરું? જાણ્યે એમ થિયું કે એક દી રાતમાં કનૈયાલાલનું રૂપ ધરીને આપ મારી જેલની ઓરડીમાં પધાર્યા અને મારી બેડિયું તોડી, અને દરવાજા ઉઘાડાફટાક કરી દીધા અને હું નીકળી આવ્યો. મહારાજ કનૈયાનો અવતાર છે એમ સહુને કહેવું મારે તો સાચું પડ્યું.” એમ કહીને પોતાની જેલની મજૂરીના જે બે રૂપિયા બાકી રહ્યા હતા તે મહારાજને માથેથી ઘોળ કરીને મહારાજના પગમાં ધરી દીધા.

“અરે રંગ! રંગ કાઠીભાઈની કરામતને!” એમ રંગ દઈને ડાહ્યા રાજા વજેસંગજીએ ચાંપરાજની પીઠ થાબડી, ચાંપરાજ વાળાને મહામૂલના સરપાવની પહેરામણી કરીને પોતાના અસવારો સાથે ચરખા પહોંચતો કર્યો.

અને ત્યાર પછી ચાંપરાજ વાલો ઘર આગળ પથારીમાં જ મરણ પામ્યો. (કેપ્ટન બેલ પોતાના ‘ધ હિસ્ટરી આફ કાઠિયાવાડ’ નામના પુસ્તકમાં ફક્ત આટલો જ ઉલ્લેખ કરે છેઃ “ચાંપરાજ વાળા કે જેણે પંદર નંબરના બામ્બે ઇન્ફ્રન્ટ્રીના એક અધિકારીને ગોળીથી ઠાર કર્યો હતો, તે ઈ.સ. ૧૮૩૮માં પકડાયો અને પોતાનાં દુષ્ટ કૃત્યોના બદલામાં જન્મટીપ પામ્યો હતો. ચાંપરાજ વાળો નામીચો અફીણી હતો. જેલમાં પણ એને દવાના મોટામોટા રગડા પાઈને જીવતો રાખવો પડ્યો હતો. દવાની એક્કેક માત્રા છેવટે સિત્તેર ગ્રેઈન સુધી પહોંચી હતી. જ્યારે એ છૂટ્યો હતો ત્યારે એને દરેક ટંકે કબૂતરના અક્કેક મોટા ઈંડા જેટલું અફીણ લેવું પડતું હતું.”)

નાથો મોઢવાડિયો

(ઈ.સ. ૧૮૩૦ની આસપાસ)

(આ કથામાં આવતા મેર બોલીના પ્રયોગોની સમજ વાર્તાને અંતે આપી છે.)

સમી સાંજરે, ગોધૂલિને સમયે વાજોવાજ પોતના ગોેધલા હાંકતો એક ગાડાખેડુ બરડા મુલકના સીસલી નામે ગામડાના ઝાંપામાં દાખલ થયો.

એનું નામ નાથો; મોઢવાડા ગામનો એ મેર હતો. ખેડ કરીને પેટ ભરતો.

કદમાં બેઠી દડીનો, દેખાવે બુડથલ અને બોલાવે કુહાડા જેવી જીભવાળો હતો.

ધણના ખૂંટડા નાથાના નનકૂડા ગોધલાને ધીંકે ચડાવ્યે જાય છે અને ખૂંટિયાના બરડા ઉપર પરોણાર્થી પ્રાછટ બોલાવતો નાથો ગાડું હેમખેમ બહાર કાઢી એક શેરીમાં વાળે છે. પહોળા ફળિયામાં ગાડું થંભાવીને નાથો ઠેક્યો અને હાથમાં રાશ હતી તે ગોધલાને માથે એણ ને એમ ઢળકતી મેલી દઈ ઓસરીએ ગયો.

નાથાને દેખતાંની વાર જ ઘરમાંથી એક આધેડ મેરાણીએ બહાર આવીને ઓવારણાં લીધાં.

“કાંઈ સ્ફુઈ! કાંવ કરવા બોલાયો’તો મુને? ઘઉંના કોસ છોડેને મારે આવવું પડ્યું છે. કાલ થાહે તાં બધાય ક્યારા બળીને રાખ્ય થે જાહે.

એવડી તે તારે ક્વિાની ઉતાવળ હુતી?”

“હા, ભા! તારે ઘઉંના વાવેતર ખોટી થાય છે, ને આંઈ મારાં છોકરાં પાવળું દૂધ વન્યા વિયાળુ કરે છે, અને ઈ બધુંય મારો નાથા જેવો જમદઢ ભત્રીજો બીઠે મારે ભોગવવું સરજેલ હશે ના! આજ મારો ભાઈ વાશિયાંગ હત ને તો ઈ પીટ્યાઓનાં પેટમાંથી છઠ્ઠીનાં ધાવણ સોત ઓકાવે આવત.”

“પણ આવડાં બધાં મે’ણાં ક્વિાની દઈ રઈ છો? કાંવ થિયું ઈ તો મોંમાંથી ફાટ્ય!”

“કાંવ ફાટાં? ફાટેંને કાંવ કરાં? પાંચ કૂંઢિયું ને પાંચ નવચંદરિયું દસેય દૂઝણી ભીંસુને પીટ્યાઓ હાંકે ગા.”

“કાંથી?”

“ડુંગરમાં ચરતી’તી ત્યાંથી.”

“કુણ હાંકે ગા?”

“જામનાં માણસું : ધંતૂરિયાના ફાટલ આયર.”

“ઠીક, તી ઈમાં ઠાલી મોં કાંવ વારછ મારા બાપ વાશિયાંગનું ? હું અબઘડી જેને લે આવાં.”

એટલું કહીને હાથમાં પરોણો ઉપાડી નાથો ઓસરીએથી ઊતર્યો. ફુઈએ સાદ કર્યો : “નાથા! અટાણે અસુરો નથ જાવું. વિયાળુ કરેં ને ચંદરમા ઊગ્યે ચાલજે.”

“ના, ના. વિયાળુ તો હવે ઈ દસ ભેંસ્યુંનાં દૂધ આવશે તે દી જ કરવાં છે.”

એટલું કહીને પાછો પતંગિયા જેવો નાથો ગાડા માથે ઠેક્યો. ઢાંઢા તો ઘરમાં જ ઊભા હતા. જોતર છોડ્યાં કે ઢીલાં પણ નહોતાં કર્યા. ગોધલાની પીઠ ઉપરથી ફુમતિયાળી રાશ ખેંચી લઈને નાથાએ ડચકારો કર્યો. ગોધલાની પીઠ ઉપર જરાક હાથ દીધા ત્યાં તો સમથળ પાણીની અંદર સામા પવનનું નાનું વહાણ વેગ. કરે વેવી ચાલ્ય કાઢીને ગોધલા ઊપડ્યા. ધૂળની ડમરીઓ

ચડાવતું ગાડું તોપના ગોળાની માફખ ગડેડાટ કરતું જાય છે. થોડીક વારમાં તો જામનગરની સરહદના રાવલ ગામને પાદર આવીને નાથો અટક્યો.

નાથો થાણામાં ગયો. જે મળે એને પૂછે છેઃ “ભાઈ, મારી ફુઈને દસ ભેંસું - પાંચ કૂંઢિયું ને પાંચ નવચંદરિયું...”

એનું વેણ અધૂરું રહી જાય છે; ને જવાબ આપ્યા વગર થાણાના માણસો આંખ કાઢી સરી જાય છે. આખી રાત નાથો ભૂખ્યો ને તરસ્યો વાવડ કાઢતો રહ્યો. પોતાને રોટલો કે ગોધલાને કડબનું એક રાડું પણ નથી મળ્યું. બીજી વાતમાં એનું ચિત્ત જ નથી. સહુને ભેંસો વિશે પૂછે છે, સહુ એને ધક્કે ચડાવે છે. એમ કરતાં કરતાં નાથો મામલતદારના ઘરમાં પેઠો.

“કોણ છો, એલા?” મામલતદાર તાડૂક્યા.

“મારી ફુઈની ભેસું, પાંચ કૂંઢિયું, પાંચ...”

“તારી ફુઈ જામનગરની પટરાણી તો નથી ને ? પ્રભાતના પહોરમાં પારકા મકાનમાં પૂછ્યાગાછ્યા વગર પેસી જાછ તે કાંઈ ભાન છે કે નહિ? બહાર ઊભો રે’.”

“પણ મારી ફુઈનાં છોકરાં વિયાળુ વગરનાં...”

“અરે કમબખ્ત! બહાર નીકળ, મોટા રાવળ જામ!”

“પણ મહેરબાન, તું ગાળ્યું કાંવ કાઢછ? હું તો તારી પાંસળ અરજે આવ્યો છ!”

મેર હંમેશાં સહુને, રાયથી રંક તમામને, તુંકારે જ બોલાવે છે.

પરંતુ એ તુંકારો કરતી વેળાએ તો ગરીબડો થઈને જ બોલે છે. આવી પ્રથાનું ભાન ન રાખનાર એ માલતદારનો પિત્તો ગયો. એણે ધક્કો મારીને નાથાને ઊંચી પરસાળ ઉપરથી નીચે પછાડ્યો. જે માણસો હાજર હતાં એ સહુ સાહેબની હોશિયારી અને નાથાની હીણપ જોઈને હસવા લાગ્યાં. પડી ગયેલો નાથો ઊભો થઈને ધૂળ ખખેરવા લાગ્યો.

“ઠીક સા’બ, રામ રામ રામ!” કહીને નાથો ગાડે ચડી પાછો ચાલી નીકળ્યો. ગામનાં લોકોએ વાવડ દીધા કે દસેય ભેંસો હાંકીને આયરો રાણપરે લઈ ગયા છે. નાથાએ રાણપર ઉપર ગાડું રોડવી મેલ્યું. સીધેસીધો રાણપરાના થાણામાં ગયો. ત્યાં પણ અમલદારે બરછીના ઘા જેવો જવાબ દીધો કે “તારી ફુઈની ભેંસું ને? હા, જામ સાહેબે હમણાં નવો ગઢ બંધાવ્યો ને, એમાં તારી ફુઈની ભેંસુનાં શીંગ ચણાઈ ગયાં - ભૂલભૂલમાં હો!

સમજ્યો ને, ભાઈ! હવે કાંઈ ચણેલો ગઢ તારી ભેંસ સાટુ પાડી થોડો નખાય છે?”

“ના, સા’બ! ગઢ પાડજો મા. હવે બેવડો ચણાવજો. હું હવે મારો હિસાબ જામની સાથે સમજી લેશ.”

“ઓય મારો બેટો...! તું શું બહારવટું કરીશ ?”

પડખેથી એક આયર બોલ્યોઃ “હા, હા સાહેબ, એનો દાદો કાંધો મેર બા’રવટે નીકળ્યો’તો અને એનો બાપ વાશિયાંગ પણ આપણા રાજની સામે બા’રવટું કરતો’તો અને એનો બાપ વાશિયાંગ પણ આપણા રાજની સામે બા’રવટું કરતો’તો. આસિયાવદરથી ખડનો ભર ભરીને લઈ જાતો’તો એટલે ઈજારદારે એનો ભર આંચકી લીધો’તો.”

“તી મારે બાપે તો પડી જમીનમાંથી ખડ લીધું’તું, કાંઈ કોઈના ખેતરમાંથી નુુતું લીધું.” ભોળો નાથો આજ પચાસ વર્ષે પોતાના બાપનો બચાવ કરવા લાગ્યો.

“ઓહોહો! ત્યારે તો આ બીજી પે’ઢીનો પાકેલ શૂરવીર નગરના રાજને ઊંધુચત્તું કરી મેલશે, હોં!”

સાંભળીને નાથો ચાલ્યો, ભાણવડ ગયો. જામનગર ગયો. વધુ તો બોલતાં ન આવડે એટલે “મારી ફુઈની ભેંસું, પાંચ કૂંઢિયું, પાંચ નવચંદરિયું...”

એવાં મેર-ભાષાનાં ભાંગ્યાંતૂટ્યાં વેણ બોલે છે.

પણ નગરની દોમદોમ બાદશાહીમાં પોરબંદર તાબાના મોઢવાડા ગામના નાથા મેર નામે ખેડુને ઊભવાનું ઠેકાણું જ નહોતું. રંગમતીને કાંઠે ભૂખ્યા ગોધલાને રાત બધી ચારો કરાવી, રૂપમતીનાં પાણી પાઈ ગાડું પાછું હાંકી મેલ્યું. પણ હાંકતાં હાંકતા પાછું જોઈને જામના દરબારગઢના કાંગરા ઉપર કરડી નજર ફેરવતો ગયો. જાણે કેમ પોતાની દ્રષ્ટિથી જ કાંગરાને તોડવા મથતો હોય એવા જોરથી નજર નોંધતો ગયો.

કાળભર્યો આવ્યો પાછો રાણપરાની સીમમાં. બપોર તપે છે. સાંતીડાં છોડીને ખેડૂતો આડાઅવળા થયા છે. ફક્ત બે ગોવાળિયા ગામનું ખાડું ચારે છે. એકસો જેટલી હાથણી સમાન ભગરી ને કુંઢી ને નવચંદરી ભેંસોએ ગાડાની ધણેણાટી સાંભળી કાન માંડ્યા, ડોક ઊંચી કરી. ગોવાળિયા પોતાના ગોબા લઈને ઊભા થઈ ગયા. ત્યાં તો ગાડું હાંકીને ઠેઠ સુધી નાથો ધસી આવ્યો. આવીને પડકાર્યુંઃ “એલા આયડુ, આ ક્યાંનો માલ!”

“રાણપરાનો.”

“મારી ફુઈનાં છોકરાં વિયાળુ વન્યા સૂવે છે ઈ ખબર છે ને?”

“તે શું છે?”

“અને મારેય ત્રણ દીથી વિયાળુ અગરાજ થયું છે. આ ભેંસુંને દૂધે આજ સીસલી જઈને વિયાળુ કરવું છે.”

“ભેંસના મૂતરે વિયાળુ કર્ય, મૂતરે. જો ગગો જામસા’બની ભેંસુ દોવા આવ્યો છે.”

“માલને છાનામાના મોઢા આગળ કરી દિયો છો કે હું જ હાંકે લાં?”

“હવે હાલતો થા હાલતો, રોંચા !”

“કોઈ વાતે નથે સમજવું ના?”

“લે જા જા, આ એક ગોબા ભેળી ખોપરી ઊડી પડશે.”

“ઠીક ત્યારે, ઈ બે ગોબા મોટા, કે આ એક પરોણો મોટો એનું પારખું કરીએ.”

એમ કહીને ગોધલાની પીઠ ઉપર રાશ ઉલાળીને ફક્ત એક પરોણાભાર નાથો નીચે ઠેક્યો. દોડીને પરોણાની પ્રાછટ બોલાવવા મંડ્યો. રબારીઓના હાથમાં ગોબા ઊપડે તે પહેલાં તો બંનેનાં જમણાં કાંડાં ખેડવી નાખ્યાં.

ફડાફડી બોલાવીને બંને પહાડ જેવા પડછંદ ગોવાળોને ધરતી ઉપર ઢાળી દીધા. આખુંયે ખાડું ધોળીને સીસલીના કેડા ઉપર વહેતું કર્યું. પાછળ ગોધલા હાંક્યા. દોટાવતો - દોટાવતો સોયે ભેંસોને ઉપાડી ગયો. ગોધૂલિ વખતે ગયો હતો ને ગોધૂલિને વખતે જ પાછો સીસલીના ઝાંપામાં પેઠો. એકસો ભેંસોની ધકમક ચાલી. સીસલીનાં માણસ જોઈ રહ્યાં. નાથાએ ડેલીએ જઈ સાદ કર્યો કે “ફુઈ ! વાડો વાળ્ય.”

ફુઈ બહાર નીકળી. વારણાં લઈને કહ્યું કે “ખમ્મા! ખમ્મા મારા વાશિયાંગના પૂતરને! પણ માડી! આ કવણિયું?”

“ફુઈ, તારિયું તો ન મળિયું, પણ આમાંથી તારું મન માને ઈ દોવે લે.”

“અરે, મારા બાપ ! પણ આ તો સરપ બાંડો કર્યો! જામની સામું વેર માંડ્યું!”

“તું તારે મોજ કર, જામને જવાબ દેનારો હું જીવતો બેઠો છ. અટાણે તું મને ઝટ વિયાળુ પીરસ્ય. ત્રણ દીનો ભૂખ્યો ડાંસ છું. લાવ્ય, ઝટ આ સો માંયલી એક નવચંદરીનું બોઘરું ભરીને મેલે દે મારા મોં આગળ અને ઠાવકી ભાત્ય વાટીને ઊના ઊના રોટલા બે ટીપે નાખ્ય તાં! આજ જામને માથે બધીય દાઝ કાઢીને વિયાળુ કરેવું છે.”

નાથાની ફુઈ હેબત ખાઈને ઊભી થઈ રહી છે. “અરે, મારા બાપ! તુંને ભો નથી? અબઘડી જામની ફોજનાં ભાલાં વરતાશે. માટે તું ઝટ નીકળી જા.”

“એ ના ના, ખાધા વિના તો આજ નહિ નીકળું. તુંને જો તારા ઘરમાં ચોર સંઘરવાનો ભો હોય તો ભલે, હું ભૂખ્યોતરસ્યો ભાગે જાં.”

રોટલા તૈયાર થયા. જામની ભેંસો દોવાઈ રહી. નાથાએ લીલવણી બાજરાના બે ધડસા જેવા રોટલા પટકાવ્યા. પછી ઓડકાર ખાઈને કહ્યુંઃ

“લે, ફુઈ, હું જાં છ, પણ ભેંસુને ખીલેય જો જામના માણસું અડવા આવે તો સંભળાવી દેજે કે વીણેવીણેને હું એનાં માથાં વાઢે લેશ.”

નાથો ગોધલા હાંકીને બહાર નીકળ્યો. એટલે પાદરમાં સીસલી ગામના કોઠા ઉપર ચડીને ઊભેલા આદમીએ કહ્યું કે “ભાભા! વાર વહી આવે છે, અને તને ભેટ્યા વગર નહિ રહે.”

ગાડા ઉપર ઊભા થઈને નાથાએ કોઠા તરફ હાથ લંબાવી કહ્યુંઃ

“ફકર નહિ, ભા, લાવજે તારી તરવાર, કાલ્ય પાછી દઈ મેલીશ. સાથે એક તરવાર જ બસ છે.”

કોઠાવાળા આદમીએ તરવાર લાંબી કરી. લઈને નાથો ઊપડ્યો, સીમાડે પોતાનું ગાડું રોકી ઊભો રહ્યો, ત્યાં તો અસવારો ભાલે આભ ઉપાડતા આવી પહોંચ્યા. આઘેથી નાથાએ પડકાર્યું : “એ ઉતાવળ થાવ મા, ઘોડાને પેટપીડ ઊપડશે. અને હું તાં તમારી વાટ્ય જોઈને જ ઊભો છાં, નીકર કાંઈ તમને મારા આ ગોધલા આંબવા દિયે ખરા કે?”

એક જ તરવાર લઈને નાથો ઊતર્યો. સાત અસવારને સોરી નાખ્યા.

એટલે પછી બાકીની વાર પાછી વાળ. વારમાંથી માણસો વાતો કરવા મંડ્યા કે “આ તો મારું બેટું કૌતુક જેવું.”

“શું?”

“અમે બરાબર એના અંગ ઉપર ઝાટકા માર્યા પણ એને એકેય ઘા ફૂટ્યો જ નહિ.”

“ભાઈ, એને વરદાન છે આભપરાવાળા બુઢ્ઢા બાવાનું.”

“શું?”

“બુઢ્ઢો બાવો એક જોગંદર છે. નાનપણમાં નાથે એની ભારી ચાકરી કરી. તે બાવો પ્રસન્ન થયા, બે વાનાં આપ્યાંઃ એક શિયાળશીંગી, ને બીજી મોણવેલઃ બેયને નાથે સાથળ ચીરીને શરીરમાં નાખી, ઉપર ટેભા લઈને સીવી લીધેલ છે. ત્યારથી એને તરવાર કે બંદૂકની ગલોલી, બેમાંથી એકેયનો ઘા નથી ફૂટતો.”

“અને હવે કાલથી જ એ બા’રવટે નીકળશે અને આપણને ધમરોળી નાખશે.”

“બેટા માલદે ! આ લે, આ ગોધલ્યાની રાશ અને તારી માની લાજ તારા હાથમાં સુંપેને હું જાછ. મારી વાટ્ય જોજો મા. મારે તો જામને માપી જેવો છે, એટલે હવે રામરામ છે. અને મોઢવાડિયા ભાઈયું ! આખા બરડાના મેરુને કહી દેજો કે મને પોલેપાણે રોજેરોજનાં ભાત પોગાડે. અને હું એટલે કેટલા માણસો ખબર છે ને? બસો મકરાણી ને એક હું; એમ બસો ને એકનાં ભાત : દીમાં ત્રણ ટાણાં પોગાડજો. નીકર મેરનાં માથાંનું ખળું કરીશ.”

એમ બસો મકરાણીને ત્રીસ-ત્રીસ કોરીને પગારે રાખી લઈને બહારવટાના નેજા સાથે નાથો બરડા ડુંગર ઉપર ચડી ગયો અને પોલેપાણે પોતે ટચલી આંગળીના લોહીથી ત્રિશૂળ તાણીને વાસ્તુ લીધું.

પોલોપાણો નામની એક ગુફા છે. જાણે બહારવટિયાને ઓથ લેવા માટે જ કુદરતે બાંધી હોય એવી જ જગ્યા બરડા ડુંગરમાં છે. રાણાવાવ ગામને સીમાડેથી ઊપડેલો આ બરડો હાલતો - હાલતો, ધરતી માતાના બરડાની કરોડ સરખો, અને કોઈકોઈ વાર પરોઢિયે તો જાણે સોડ્ય તાણીને સૂતેલા ઘોર મહાકાળ સરખો દેખાવ ધારણ કરતો પોતાની મહાકાયા લંબાવીને પોરબંદર અને નગર, બંને રાજની હદમાં પડ્યો છે. પ્રેમ અને શૂરાતનની અલૌક્કિ વાતો હજુ પણ આભને કહી રહેલો આભપરો ડુંગર પણ ત્યાં જ ઊભો છે. ઘૂમલીનાં દેવતાઈ ખંડેરો પણ હજી ત્યાં પડ્યાં - પાથર્યા દેખાય છે. હલામણની સોનનાં આંસુડાં ત્યાં જ છંટાણા છે. સોન કંસારી નામની વીર રાખાયશ બાબરિયાની અખંડ કુમારી પ્રિયતમાને જેઠવા રાજાના કામાગ્નિમાંથી ઉગારવા માટે કતલ થઈ જઈને સવા શેર જનોઈના ત્રાગડા ઉતારી દેનાર થાનકી બ્રાહ્મણો પણ પૂર્વે ત્યાં જ પોઢ્યા છે. પ્રથમ તો એ આખોય દેવતાઈ પહાડ જેઠવાને આંગણે હતો, પણ કહેવાય છે કે ડુંગરમાં કોઈક ગોરાનાં ખૂન થયાં, જેઠવા રાજાને માથે ગોરી સરકારનું દબાણ આવ્યું, જેઠવા રાજાએ ઢીલાપોચા કારભારીની સલાહને વશ થઈ જવાબ દીધો કે “જ્યાં ખૂન થયાં તે સીમાડો મારો નહિ, નગરનો.” નગરનો જામ છાતીવાળો હતો. એણે જોખમ માથે લઈને કબૂલી લીધું કે “હા હા, એ ડુંગર મારો છે.” ત્યારથી બરડાનો અમુલખ ભાગ નગરને ઘેર ગયો. પોરબંદરના હાથમાં નાનકડી પાંખ રહી.

એ પાંખ ઉપર, થોડાં થોડાં ઝાડવાંની ઘટા વચ્ચે, બહુ ઊંચેરો નહીં, કે બહુ નીચેરો પણ નહીં એમ પોલોપાણો આવેલ છે. બત્રીસ ફૂટ લાંબું ને સોળ ફૂટ પહોળું એ પોલાણ છે. બેઠકથી સાડા ત્રણ ફૂટ ઊંચે છજાવાળી જબરદસ્ત શિલા છે, પણ નાથા બહારવટિયાની ઘોડીને ઊભી રાખવા માટે વચ્ચોવચ એ શિલા થોડાક ભાગમાં કોરી કાઢી છે. છાપરાની શિલા ઉપર, બરાબર ઓથ લઈને માણસ બેસી શકે એવી ચાડિકાની બેઠક છે. એ બેઠકમાં આખો દિવસ અક્કેક આદમી ચોકી કરતો અને અંદર પોલાણમાં નાથા ભાભાનો ડાયરો મળતો. પડખે ઘોડાને પાણી પાવાની તળાવડી પણ અત્યારે નાથાતળાવડી નામે ઓળખાય છે. ત્યાર પછીના વાઘેર બહારવટિયા જ્યાં રહીને દાંડિયારાસ લેતા તે પોલાપાણાને ડોકામરડો પણ કહે છે.૧

દુશ્મનની મોટી ફોજોની પણ કારી ન ફાવે એવી આ વંકી જગ્યાનો ઓથ લઈને નાથો મેર જામના બારાડી પરગાણાનાં ગામડાં ભાંગવા મંડ્યો.

ગુંદું ભાંગ્યું. આસિયાવદર ભાંગ્યું અને જામશાહી કોરીઓના ખણખણાટથી પોલોપાણો રણકાર દેવા લાગ્યો. પછી તો રાવણહથ્થાના તાર ઉપર નાથાના રાસડા ચડી ગયા. આસપાસ મેરોનાં ગામનો જબ્બર વસીલો નાથાના સાથમાં હતો અને રૂડાંરૂડાં રૂપવાળી મેરાણીઓ ઓઢણાં ચારેય છેડે મોકળાં મેલી, ઝૂલ્યોથી શોભતી હાથણીઓ જેવી, રાત પડતાં પોતાની પાતળી જીભે ગામડે ગામડે નાથા ભાગતના વીરત્વના રાસડા લેવા લાગી, તેમ તેમ

નાથાની નસોમાં શૂરાતન છલકાઈ જવા લાગ્યું. અને સોરઠમાં અમરેલી સુધી નાથા મેરનું નામ ગાજતું થયું. બહારવટિયો હતો છતાં “ભગત” નામની એની છાપ ભૂંસાઈ નહોતી.

એક દિવસે આથમતે પહોરે ચાડિકાની નજર ચુકાવીને પાછળની કેડીઓમાંથી એક ઘોડેસવાર ચડી આવ્યો, અને ઠેઠ પોલેપાણે પહોંચ્યો.

રાંગમાં રૂમઝૂમતી ઘોડી છે. હાથમાં ભાલો, કેડે તરવાર, ખભે ઢાલ, મોંએ દાઢીમૂછનો ભરાવ અને કરડી આંખો છે. આવીને આખો દાયરો બેઠો હતો તેને ઘોડી ઉપર બેઠાંબેઠાં કહ્યું કે “એ બા, રામ રામ!”

સો જણાએ સામા કહ્યુંઃ “રામ!”

“આમાં નાથો ભગત કોણ?”

“ન ઓળખ્યો, આપા? તેં રામ રામ કર્યા ને?”

“એ તો અજાણમાં સહુને હાર્યે રામ રામ કર્યા.”

સાવજ જેવું ગળું ગૂંજી ઊઠ્યું કે “હું નાથો, હું. લેભા, હવે કર ફરી વાર રામ રામ, અને ઊતર હેઠો.”

“ના ના, હવે તો પ્રથમ વેણ દે, ત્યાર પછી ઉતરાય એમ છે.”

“અરે ભલા આદમી, ચડ્યે ઘોડે કાંઈ વેણ લેવાતાં હશે? કાંઈ વાત, કાંઈ વગત્ય!”

“વાત ને વગત્ય બધુંય પછી. કાં તો નાથો ભગત કોલ આપે ને કાં રજા આપે.”

“રજા તો, ભાઈ, હેતુમિત્રુંનેય નથી મળતી કે શત્રુનેય નથી મળતી.

બેય એક વાર પોલેપાણે આવ્યા પછી ઠાલે હાથે પાછા વળતા નથી. આ લે, જા, વચન છે.”

ચારે પલ્લા ઝાટકીને ભગત ઊભો થયો. અસવારનો હાથ ઝાલીને એણે તાળી દીધી. ઘોર અવાજે પોલાપાણાએ પણ જાણે એ કોલમાં સાક્ષી પૂરી. બાવડુંં ઝાલીને અસવારને હેઠો ઊતાર્યો. બેય જણા ભેટ્યા. ને પછી નાથાએ પૂછ્યુંઃ “કોણ તું?”

“હું ચાંપરાજ વાળો, ચરખાનો.”

“અરે! તું પોતે જ ચાંપરાજ વાળો!”

ઘોડાને પાખર ઘૂઘરા, સાવ સોનેરી સાજ,

લાલ કસુંબલ લૂગડે, ચરખાનો ચાંપરાજ.

ઈ પોતે જ તું? ગાયકવાડનો કાળ થું? આવ, ભા, આવ. પોલોપાણો આજ પોરસથી અરધો તસુ ફૂલશે. ભાઈ ચાંપરાજ! બોલે, તારે શું કહેવું છે? આંહી સુધી શીદ આંટો ખાધો?”

“નાથા ભગત! અમરેલી ભાંગવાના કોડ પૂરા થયા નથી. એ પૂરા કરનાર તો તું એક જ દેખાય છ. માટે તુંને તેડવા આવ્યો છું.”

“હાલ્ય, હમણાં જ નીકળીએ. એમાં શું? મલકમાં મિત્રમિત્રની મોજું રહી જવાની છે. આ કાયાને તો ક્યાં અમરપટો લખી દીધો છે?

હાલ્ય, પણ બે દી આ પહાડની બાદશાહી માણી લે, ચાંપરાજ વાળા!

બરડાના ઠાઠ વરે કે દુ જોવા આવીશ.”

ચાંપરાજ વાળાને થોડા દિવસે રોક્યો. હિલોળા કરાવ્યા. પછી બંને જણા અમરેલી ઉપર ચડ્યા. અમરેલી ભાંગ્યું. ભાંગીને ચાંપરાજ વાળાની સાથે નાથાએ સોરઠી ગીરની સાહેબી દીઠી, પછી પોલેપાણે આવ્યો.

ચલાળું ધારી ચૂંથિયાં, લીધી હાકમરી લાજ,

ચાંપે દળ ચલાવિયાં, (તે દી) નર મોઢો નથરાજ.

“ભગત! માધવપર ઉપર હાથ મારવા જેવું છે હો! આવું તરતું ગામ બીજું નહિ મળે.”

“પણ ઈ ગામ તો ‘પોર’નુંઃ ‘પોર’નો રાણો તો આપણા માથાનો મુગટ.

એના ગામ માથે જાવું ઈ તો બેઠાની ડાળ્ય ભાંગવા જેવું કહેવાય.”

પોરબંદરને મેરો ‘પોર કહે છે.’

એમ વાતો કરતો બહારવટિયો નાથો પોરબંદર તાબાનાં મેરિયાં ગામોમાં આંટો દેવા જાય છે. માધવપરની રસાળી સીમમાં ઊંટ ઓરાઈ જાય એવી જુવાર ઊભી છે. રસ્તે આવતાં કેડાને કાંઠેથી જુવારના જૂથની ઓથે નાથાએ હાકલા-પડકારા સાંભળળ્યા. કોઈ અમલદારની દમદાટીનો અવાજ લાગતાં જ નાથાએ લગામ ખેંચીને ઘોડીને રોકી. એક ખેડૂત શેઢે વાછરડાં ચારતો હતો, એને પૂછ્યુંઃ “એલા, આમ ફાટતે મોઢે ઈ કુણ બોલે છે?”

“અમારો કાળ બોલે છે, ભાઈ! કરપારામ મહેતો.”

“શું કરે છે?”

“બીજું શું કરે ? જુલમ. હજી આ જાર ઊભી છે, ત્યાં જ ઈ

અમારી પાસેથી વસૂલાત કઢાવશે, વેપારીને અમારે પાણીને મૂલે મોલ માંડી દેવા પડશે. રાણાના રાજમાં તો હવે ગળાફાંસો ખાવાના દી આવ્યા છે, ભાઈ!”

“જઈને જરા એને કાનમાં કહી દે, ભાઈષ કે નાથે મોઢવાડિયે ચેતવણી મોકલી છે. ભલો થઈને ખેડૂતને સંતાપવા રે’વા દે, કહીએ.”

“અરે બાપા! નાથાનો તો શું, ઈને ભગવાનનોયે ભો નથી. નાથાને તો પકડવાના પડકારા કરે છે.”

“ઇ છે? તાર તાં આપણે એને મળીએ.”

બહારવટિયાએ ઘોડી ચડાવી. જુવાર વીંધીને સામી બાજુ નીકળ્યો.

ત્યાં મૂછના આંકડા ચડાવીને મોંમાંથી બબ્બે કટકા ગાળો કાઢતો મહેતો કૃપારામ ઢોલિયો ઢાળીને બેઠો છે. બાજરાનો પોંક પાડી રહ્યો છે. ઊનાઊના પોંકને ખાંડમાં ભેળવીને ખાતો ખાતો કૃપારામ ગલોફાં હલાવે છે. નાથાએ છેટેથી કૃપારામને હાકલ દીધીઃ “પોતડીદાસ! ઊભો થા, માટી થઈ જા. આ લે તરવાર.”

“કોણ છો તું?” કૃપારામ ઢીલો થઈ ગયો.

“હું નાથો. તું જેની વાટ્ય જોતો’તો ઈ. ખેડૂતનાં લોહી ઘણા દી પીધાં. માટી થા હવે.”

આટલું કહીને નાથાએ કૃપારામને પકડ્યો, માણસોને હુકમ કર્યો કે “દોડો ઝટ, ચમારવાડેથી કોઈ ઢોરનું આળું ચામડું લઈ આવો.”

ચામડું આવ્યું.

“હવે ઈ આળા ચામડાના ઢીંઢામાં આને જીવતો ને જીવતો સીવી લ્યો.”

સીવી લઈને મહેતાને જીવતો ગૂંગળાવી મારી નાખ્યો.

મે’તો માધવપર તણો, ગજરે ખાતો ગામ,

કુંદે કરપારામ, નેતર કીધો નાથિયા!

આવું માત સાંભળીને મહાલેમહાલના મહેતાઓને શરીરે થરેરાટી વછૂટી ગઈ. ખેડૂતોના સંતાપ આપોઆપ ઓછા થઈ ગયા.

મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની હડ્ય રહેતી. ભલભલાના પગ એ વણગા પટેલની હડ્યમાં કેદ બનતા. વણગો તો રાણાની મૂછનો બાલ લેખાતો. એક દિવસ વણગાને ઘેર છત્રાવા ગામનો રાણો ખૂંટી નામનો મેર એકસો માણસને લઈને દ્વારિકાની જાત્રાએ જતાં જતાં માર્ગે રાત રોકાયો છે. વાળુ કરીને રાતે ચંદ્રમાને અજવાળે

મહેમાનો ખાટલા ઢાળીને બેઠા છે. નાથા ભાભાની વાત નીકળી છે. એમાં રાણાએ વાત ઉચ્ચારીઃ “વણગા પટેલ, સાંભળ્યું છે કે તમારા ગામનો બારોટ નાથા ભાભાના દુહા બોેલે છે.”

“કોણ ? રાજો બારોટ”

“હા, રાજો, તેડાવને ઈંણે; દુહા તાં સાંભળીએ!”

“રાણા, ઈ બારોટ જરાક બટકબોલો છે. તું એને બોલ્યે કાંવ ધોખો તો નહિ ઘર ને ?”

“ના, ના, દુહા સાંભળવામાં ધોખો વળી ક્વિનો ? ઈ તો જિવાં કામાં ઈવાં નામાં.”

રાજા બારોટને તેડાવવામાં આવ્યો.

“કાં બારોટ! નાથા ભાભાની દુહાની તેં ઓલી ‘વીશી’ બનાવી છે, ઈ અમારા મહેમાનને સાંભળવાનું મન છે. સંભળાવીશ ને?”

“પણ બાપ, કોઈને વધુઘટુ લાગે તો ઠાલો દમધોખો થાય, માટે મારી જીભને આળ આવે એવું શીદ કરાવો છો?”

“ઠીક ત્યારે, લ્યો બાપ.”

એમ કહીને રાજા બારોટે હોકો પડતો મૂકીને નાથા બહારવટિયાની “વીશી” બુલંદ અવાજે શરૂ કરીઃ

એકે તેં ઉથાપિયા, ટીંબા જામ તણા,

(તેનિયું) સુણિયું સીસોદર, નવખંડ વાતું, નાથિયા!

(હે સિસોદિયા રજપૂતના વંશમાંથી ઊતરેલા નાથા મેર! પ્રથમ તો તેં જામ રાજાનાં કંઈક ગામડાં ઉજ્જડ કર્યાં, તેની કીર્તિની વાતો ચોમેર પ્રસરી ગઈ છે.)

બીજે નાનાં બાળ, રોતાં પણ છાનાં રહે,

પંચમુખ ને પ્રોચાળ, નાખછ ગડકું નાથિયા!

(તારી ખ્યાતિ તો એવી છે કે તું સાવજ સરીખો એવી તો ગર્જના કરે છે કે રોતાં છોકરાં પણ એ ત્રાડ સાંભળીને ચૂપ થઈ જાય છે. પંચમુખો, પ્રોંચાળો, એ સિંહનાં લોક-નામો છે.)

ત્રીજે જાડેજા તણું, મોઢા છોડાવ્યું માણ,

ખંડ રમિયો ખુમાણ, તું નવતેરી, નાથિયા!

(ત્રીજી વાતઃ તેં જાડેજા વંશના જામ રાજાનું માન મુકાવ્યું છે. ભીમ જેમ એક હાથમાં નવ અને બીજા હાથમાં તેર હાથી લઈને નવતેરી નામની રમત રમતો હતો, તેમ તું પણ એકસામટાં શત્રુદળને રમાડતો યુદ્ધની રમતો રમ્યો છે.)

ચારે દાઢે ચાવ, બારાડી લીધી બધી,

હવ્ય લેવા હાલાર, નાખછ ધાડાં, નાથિયા!

(ચોથું : તેં તો જામનો બારાડી નામનો આખે પ્રદેશ દાઢમાં લઈને ચાવી નાખ્યો, અને હવે તો તું એની હાલારની ધરતી હાથ કરવા હલ્લા લઈ જાય છે.)

પાંચે તું પડતાલ, કછિયુંને કીધા કડે,

મોઢા ડુંગર મુવાડ, નત ગોકીરા, નાથિયા!

(પાંચમું : તેં કચ્છી જાડેજા લોકોને પણ સપાટામાં લઈ કબજે કર્યા છે. અને હે મોઢવાડિયા ! ડુંગરની ગાળીમાં તારા નાદ નિરંતર થયા જ કરે છે.)

છડ્ડે બીજા ચોટ, (કોઈ) નાથાની ઝાલે નહિ,

કરમી ભેળ્યો કોટ, તરત જ દેવળિયા તણો.

(નાથા બહારવટિયાની ચોટ કોઈ ખમી શકતા નથી. દેવળિયાનો કોટ તો તેં, હે ભાગ્યવંત! ઘડી વારમાં તોડી નાખ્યો.)

સાતે તું ડણકછ સુવણ, મોઢા ડુંગર માંય,

(ત્યાં તો) થરથર જાંગું થાય, રજપૂતાંને રાત દી.

(હે મોઢવાડિયા! તું સિંહ સરીખો ડુંગરમાં ત્રાડો દઈ રહ્યો છે, તેથી દિવસ અને રાત રજપૂતોનાં પગની જાંઘો થરથર કાંપે છે.) આઠે વાળું જે કરે, વેડા મૂકે વાણ, તણ નગરે ગરજાણ, નાખે મૂતર, નાથિયા!

નવે સારીતો નહિ, હાકમને હંસરાજ,

વશ તેં કીધો વંકડા, રંગ મૂછે નથરાજ!

(અમરેલીનો સૂબો હંસરાજ, મોટા રાજાઓને પણ ન ગાંઠતો તેન, હે નાથા, તેં વશ કર્યો. તારી મૂછોને રંગ છે.)

દસમે એક દહીવાણ, દરંગો આછાણી દલી,

(તેમ) ખંડ બરડે ખુમાણ, નર તું બીજો, નાથિયા!

(જેમ દિલ્હી પર આક્રમણ કરનાર વીર દુર્ગાદાસજી રજપૂતાનામાં પાક્યા હતા, તેવો બીજો મર્દ તું બરડામાં નીવડ્યો.)

અગિયારે મેર અભંગ લોકુંમાં લેખાત,

નાથા જલમ ન થાત, (જો) વંશમાં, વાશિયાંગરાઉત!

(અને હે નાથા! જો તોરા જન્મ મેરોના વંશમાં ન થયો હોત તો સાચેસાચ આખી મેર જાતિ લોક જેવી એટલે એવું જેવી અથવા શુદ્ર જેવી લેખાત,હે વાશિયાંગના પુત્ર!)

“બારોટ, ઈ દુહો જરા ફરી વાર બોલજો તાં!” રાણા ખૂંટીએ વચ્ચે બોલીને વેગમાં તડેલો બારોટને થંભાવી દીધો.

“હા, લ્યો બાપ!”

અગિયારે મેર અભંગ લોકુંમાં લેખાત,

નાથા જલમ ન થાત, (જો) વંશમાં, વશિયાંગરાઉત!

“હં, હજી ફરી એક વાર કહો તો!”

ફરી વાર બારોટે દુહો ગયો. પછી આગળ ચલાવ્યુંઃ

બારે બીલેસર તણું, ઉપર મોઢા એક,

ત્રેપરજાંની ટેક, નાથા, તેં રાખી નધ્રુ!

તેરે તેં તરવાર, કછિયુંસું બાંધી કડ્યો,

હવ્ય લેવા હાલાર, નાખછ ધાડાં નાથિયા!

(અત્યાર સુધી તો તેં આ કચ્છમાં આવેલા જામને માટે કમ્મરે તરવાર બાંધી હતી. પણ હવે તો આખો હાલાર લેવા તું હલ્લા કરી રહ્યો છે.)

ચૌદે ધર લેવા ચડે, ખુમાર ખરસાણ,

(એને) ભારે પડે ભગાણ, નગર લગણ નાથિયા!

(દુશ્મનોની સેના તારા ઉપર ચડાઈ કરે છે, પણ પાછું એને જામનગર સુધી નાસી જવાનું પણ મુશ્કેલ પડે છે.)

પંદરે તુંને પાળ, ભડ મોટા આવીને ભરે,

ખત્રી હવ્ય ખાંધાળ, ન કરે તારી, નાથિયા!

(મોટા મોટા સમર્થ ગામધણીઓ પોતાનાં ગામોના રક્ષણ બદલ તને પૈસા ભરે છે. તારી છેડ હવે કોઈ ક્ષત્રિય કરતો નથી.)

સોળે નવસરઠું તણા, બળિયા દંઢછ ખાન,

કછિયું તોથી કાન, નો રે ઝાલ્યા, નાથિયા!

(આખા સોરઠના મોટામોટા માણસોને કેદ પકડીને તું દંડ વસૂલ કરે છે.)

સતરે શૂરાતન તણો, આંટો વળ્યો અછે,

બાબી ને જાડો બે, (તેને) તેં નમાવ્યા નાથિયા!

(શૂરાતન એવું તો તને આંટો લઈ ગયું છે, કે તેં જૂનાગઢના નવાબ બાબીને તથા નગરના જામ જાડેજાને, બંનેને તોબા પોકારાવી છે.)

અઢારે ઈડર તણો, નકળંક ભેરે નાથ,

હાકમ પેટે હાથ, તેં નખાવ્યા, નાથિયા!

(તારી સહાયમાં તો ઈડરનો ગોરખનાથજી અવધૂત ઊભો છે. તેથી જ તું મોટા રાજાઓને લાચાર બનાવી રહ્યો છે.)

ઓગણીસે ઓસરિયા, જાડો ને બાબી જે,

કેસવ ભૂપત કે’,લુંને નમિયા પખેણો, નાથિયા!

(જાડેજા અને બાબી જેવાને તેં નમાવ્યા, માત્ર કૃષ્ણ પ્રભુ તને નમ્યા વિનાનો રહ્યો છે.)

વીસે તું સામા વડીંગ, ધરપત થાકા ધ્રોડ

ચાડ્યાં ગઢ ચિત્રોડ, નર તેં પાણી, નાથિયા!

(તારી સામે ઘોડા દોડાવીને રાજાઓ હવે થાક્યા છે. તેં તો તારા અસલના પૂર્વજ સિસોદિયાઓના ધામ ચિતોડને પાણી ચડાવ્યું.

“લ્યો બાપ! આ નાથા ભાભાની ‘વીશી’,” એમ કહીને રાજા બારોટે ફરી વાર હોકો હાથમાં લીધો. એની મુખમુદ્રા પર લાલ ચુમકીઓ ઊપડી ગઈ.

“વાહ બારોટ! વાહ!” એમ સહુ માણસોએ ધન્યવાદ દીધા.

“હું તો બાપ, મારા પાલણહારની કાલીઘેલી આવડી તેવી કાવ્ય કરું છું. હું કાંઈ મોટો ક્વેસર નથી.”

જ્યારે બહુ વાહવાહ બોલાઈ, ત્યારે રાણો ખૂંટી મર્મમાં હસવા લાગ્યો.

“કેમ બાપ, હસવું આવ્યું?” રાજા બારોટે પૂછ્યું.

“હસવું તો આવે જ ના, બારોટ! અટાણે તો નાથો ભાભો આખી મેર ભોમનો શિરોમણિ છે ને તમે એના આશ્રિત છો, એટલે તમે એને સોને મઢો, હીરેય મઢો, રાજા કહો, કે ભગવાન કહો, પણ ઓલ્યા અગિયારમાં દુહામાં જરાક હદ છાંડી જવાણું છે, બારોટ!”

“શું બાપ?”

“નાથો ન જન્મ્યો હોત તો મેર તમામ લોકુંમાં લેખાત! બસ! એક નાથો જ કાંવ શેર લોઢું બાંધી જાણે છે? બીજા બધા કાંવ રાંડીરાંડના દીકરા છે?”

બીજા બે-ચાર મેરો પણ બોલી ઊઠ્યાઃ “હા સાચું, બારોટે ઈ

જગ્યાએ બહુ વધુ પડતું કે’ નાખ્યું છે. કેમ કે એમાં બીજા સૌ મેરુંને રેહ દીધો છે.”

“તો વળી એની ખળે ખબર્યું પડશે, બાપ!” એટલું બોલીને બારોટ ચૂપ રહ્યો. પણ પોતાને ભોંઠામણ બહુ જ લાગુ ગયું.

બીજે દિવસે પ્રભાતે ઊઠીને રાણા ખૂંટી તો પોતાના એકસો સંગાથીનો સંઘ લઈને દ્વારકાજીને પંથે પડી ગયો. થોડા દિવસ પછી સંઘ પાછો વળ્યો. અને એણે વળતાં પણ મોઢવાડામાં જ વણગા પટેલને ઘેઢ ઉતારો કર્યો.

રાજો બારોટ તો તે દિવસના ભોંઠામણને લીધે મહેમાનને મળવા નહોતો ગયો, પણ મોડી રાતે વણગા પટેલની ડેલીએથી ડાયરો વીંખાયો ત્યારે કોઈકે આવીને રાજા બારોટને ખબર દીધાઃ “બારોટ! રાણો ખૂંટી જાત્રાએ ગયો ત્યાં એને દાણ ભરવું પડ્યું.”

“કોણે દાણા લીધું?”

“જામનગરના ચીલાવાળાએ ભોગાત ગામને પાદર દાણ પડાવ્યું કહે કે તે વિના જાત્રાએ જાવા જ ન દઈએ.”

“કેટલું દાણ ?”

“ત્રણસો કોરી રોકડી.”

“અરરર! ગજબ કે’વાય. મારો સાવજ નાથો જીવતો હોય, ને જામના ચાકર મેરોની પાસેથી દાણ મેલાવે?”

સૂતો હતો ત્યાંથી રાજો બારોટ ઊઠ્યો. માથા પરથી પાઘડી કાઢી નાખીને સોગિયું લાઠિયું બાંધ્યું. સાબદો થઈને અધરાતે ઊપડ્યો. વણગા પટેલની ડેલી પાસે થઈને નીકળ્યો. ટૌકો કર્યોઃ “વણગા ભાભા!”

“બો! કોણ ઈ? બારોટ?”

“હા!”

“કેમ અસૂરા?”

“મારે અટાણે ગામતરે જવું પડે છે. પણ મારા આવતાં પહેલાં મે’માનને હાલવા દેશો મા. સવારને પહોર મારે મે’માનને કસુંબો પાવો છે. જોગમાયાની દુવાઈ દઉં છું, હો કે?”

“એ...ઠીક.”

રાજો બારોટ ઊપડ્યો. પગપાળો પંથ કાપવા મંડ્યો. અંધારામાં ગોથાં ખાતોખાતો રાતોરાત પોલેપાણે પહોંચ્યો. પરોઢિયે મોંસૂઝણું થતાં નાથા બહારવટિયાએ પથારીમાંથી ઊઠતાં જ બારોટને દીઠો.

“ઓહોહો! બારોટ! તું અટાણે કીવો? અને આ માથે લાઠિયું કીં બાંધ્યું? કાંઈ માઠા સમાચાર લાવ્યો છ?”

“હા બાપ, બહુ જ માઠા!”

“કુણ પાછું થિયું?”

“નાથો ભાભો પંડ્યે જ પાછો થિયો, બાપ!”

“કેમ બારોટ, અવળાં વેણ?”

“અવળાં નથી. સાચે જ નાથો મેર મરી ગયો. નીકર દ્વારકાની જાત્રાએ જાતાં મેરની પાસેથી જામના ચાકર ત્રણસો કોરીનું દાણ કઢાવે?

પણ આજ મારો નાથિયો સાવજ મરી ગિયો!”

નાથાએ રાજા બારોટ પાસેથી બધી વાત સાંભળી, એની છાતીમાં પણ ઘા પડ્યો. એણે માણસને કહ્યુંઃ “ભાઈ, કોક દોત કલમ લાવજો તાં!”

ખડિયો, કલમને કાગળની ચબરખી રાજાની પાસે મેલીને કહ્યુંઃ “લે બારોટ, હું લખાવાં ઈં તું લખ : લખ કે ‘ભોગાતના દાણ લેવાવાળાઓ!

છત્રાવાના મેર રાણા ખૂંટી પાસેથી તમે જે ત્રણસો કોરીનું દાણ લીધું છે, તેમાં ત્રણસો કોરી દંડની ભેળવીને કુલ છસો કોરી તમારા જ ગામોટની સાથે પરબારા મોઢવાડે પાછી મોકલી દેજો. નીકર નાથા મોઢવાડિયાનું સામૈયું કરવાની સાબદાઈમાં રે’જો.”

ચબરખી આપીને એક સાંઢિયા - સવારને ભોગાત રવાના કર્યો.

અને રાજા બારોટને કહ્યુંઃ “તું તારે જા. પરબારી કોરિયું મોઢવાડે આજ બપોર સુધીમાં પોગે નહિ તો પછી ખુશીથી માથે ફાળિયું ઓઢેને મારું સનાન કરે નાખજે.”

બપોરે મોઢવાડામાં વણગા પટેલની ડેલીએ સહુ દાયરો બેઠેલ છે એવે વખતે એક ખેભર્યો સાંઢિયો સામે આવીને ઝૂકી પડ્યો. સાંઢિયાના અસવારે આવીને કોરીઓની પોટલી રાણા ખૂંટીની સન્મુખ ધરી દીધી.

“આ શું છે, ભાઈ!”

“આ ત્રણસો કોરી તમારા દાણની ને બીજી ત્રણસો નાથા ભાભાએ નગર પાસેથી લીધેલ દંડની. સંભાળી લ્યો.”

“પણ ક્યાંથી?”

“ભોગાતથી, જામના ચીલાવાળા પાસેથી.”

રાણા ખૂંટીને ભરદાયરા વચ્ચે આખી વાતની જાણ થઈ. રાણો નીચું જોઈ ગયો. આખીયે પોટલી રાજા બારોટની સામે ધરીને હાથ જોડ્યા,

“આ લે, દેવ! આ તુંને સમરપણ છે.”

“ઈ કોરિયુંની વાત પછી; પ્રથમ તો મને કહી દે કે હવે અગિયારમો દુહો બોલવાની રજા છે, બાપ?”

“ભલે ભાઈ, તારી મરજી! સો વાર કબૂલ છે.”

તરત જ બારોટે ગોઠણભેર થઈને, બરડા ડુંગર તરફ બંને હાથ લંબાવી વારણાં લેતાંલેતાં દુહો લલકાર્યોઃ

અગિયારે મેરે અભંગ, લોકુંમાં લેખાત,

(જો) નાથા જલમ ન થાત, વંશમાં વાશિયાંગરાઉત!

“નાથા ભાભા! રામ રામ !”

“રામ. આવો આવો, લીલા જોશી, ને પૂંજા ચાંઉ! આજે પોલેપાણે તમે ક્યાંથી ભૂલા પડ્યા?”

“આ તમારાં રાજસિંહાસન ને તમારા રાજવૈભવ જોવા, નાથા ભાભા! બાકી તમારું કામ આજ મોટા ચમરબંધીનેય ભારે પડે એવું ખરું ને?

લ્યો. આ રૂપાળીબાએ એના ધરમના માનેલ વીરને રાખડી દઈ મોકલી છે.”

એટલું કહીને બે પરોણાઓએ સોનાની મૂઠવાળી એક તરવાર, ખભે પહેરવાની સોનાની હમેલ અને સાચો કિનખાબનો પોશાક થાળમાં ભરીને બહારવટિયાની સમક્ષ ધરી દીધો.

“વાહ વાહ! જેઠવાની જનેતાને એમ જ શોભે ને, ભાઈ! રાજમાતા તો રાજમાતા જ છે. એની કાંવ વાત? મારે માથે ઘણાંઘણાં હેતપ્રીત રાખે છે. રૂપાળીબા તો પેટ અવતાર લીધ્યે પાપ ટળે એવી જોગમાયા છે, ભાઈ!”

નાથો બોલતો ગયો ને બંને પરોણા એને રૂપાળીબાના મોકલેલા પોશાક પહેરાવતા ગયા. રાજભક્તિના પોરસ વડે નાથાની છાતી ફુલાઈને દોઢી બની ગઈ. ઉમળકો આણીને તેણે પૂછ્યું : “માને કે’જો મારા સરખું કામ સુંપતાં રહે. મા તો આપણાં હાડચામડીનાં ખાળું કહેવાય.”

“નાથા ભાભા, માનાં દુઃખની વાત એક મા જાણે છે ને બીજા જાણે છે બજરંગ! બાકી માને માથે તો ગુજારવી બાકી નથી રાખી !”

“કુણે?”

“કામદારેઃ ઓતા ગાંધીએ. બીજા કોણ! મલકમાં બીજા કોની મૂછે બબ્બે લીંબુ લટકે છે, ભાઈ?”

“પણ વાત તો કરો, ભાઈ, શી શી વાતું બની ગઈ છે ?”

“વાત શું! જે દીનું મોટા રાણાનું ગામતરું થિયું, ને કુંવર ભોજરાજજી ઘોડિયે હતા, તે દીનો ઓતો ગાંધી માને સારતો નથી. રાજમાં પોતાનું ધાર્યું જ કરતો આવે છે. માનો તો વકર જ કાઢી નાખ્યો. માને ખાસડા બરોબર કરી મેલ્યાં. માને લાગી ભે’ કે ઓતો ગાંધી ક્યાંક કુંવરને મારી દેશે, એટલે માએ અમારો ઓથ લીધો. અમે માને અને કુંવરને ભાણવડ લઈ ગયા. આજ એ વાતને બાર વરસ વીત્યાં. હવે તો એજન્સીમાં પણ ઓતા ગાંધીને મૂતરે જ દીવા બળે છે. એટલે રાણો તો ગાદીએ આવે ત્યારે ખરા ! કોને ખબર, દેશવટે જ મા-દીકરાની આવરદા પૂરી થશે, કેમ કે જેઠવાના ભાયાતો પણ એ વાણિયાની ભેરે થઈ ગયા છે, ભાઈ!”

“ઠીક લીલા જોશી, અને પૂંજા ચાંઉ, ઝાઝી વાતુંનાં ગાડાં ભરાય. માને જઈને સાબદાં કરો. કુંવરને પણ તૈયાર રાખો. બેનની રાખડીના બદલામાં સાથીઓનો કોલ છે કે જો મોઢવાડિયાના પેટનો જ સાચેસાચ પાક્યો હોઉં તો તો આજથી એક મહિને ઓલા ગાંધીનાં હાંડલાં અભડાવે દઈને, અને ભાયાતુંને મોઢે ચૂનાના પાવરા ચડાવેને પોરબંદરના તખતને માથે આપણા બાળા રાણાને મારે સગે હાથ ટિલાવું છું. નીકર પછી નાથિયાને બે બાપ જાણજો.”

બંને રાજદૂતોએ બહારવટિયાના અંગનાં રૂંવેરૂંવે પોતાની બાજીની મનધારી અસર નજરોનજર દીઠી ને બંને જણા બરડા ઉપરથી ઊતરી ભાણવડ પહોંચી ગયા. આ બાજુ નાથાએ સોરઠમાંથી વીણીવીણીને એક હજાર મકરાણીઓને ભેળા કર્યા. અને ઓતા ગાંધીને સંદેશો મોકલ્યો કે “રાજકુંવર અને રાજમાતાને સંતાપતો આળસી જઈને રાણાને ગાદીએ બેસારજે. નીકર દીઠો ની મેલાં.”

પોરબંદરનું જેના હાથમાં કડેધડે કારભારું અને જેની અણિશુદ્ધ નીતિની એજન્સીમાં પણ છાપ, એવા ઓતા ગાંધીને તો નાથિયા જેવા બરડા ડુંગરના કાકીડાની શી ધાસ્તી? ઓતો ગાંધી ગફલતમાં રહ્યા અને નાથો પોરબંદરના દરવાજા ભાંગી, ચોકીદારોને ઠાર મારી શહેરમાં આગળ વધ્યો. તોપખાને જઈ હાકલ દીધી કે “રાણાની આજ્ઞા સંભળાવાં છ કે? આ ઘડીએ જ ઓતા કામદારના મકાન સામે તોપું માંડી દ્યો. નીકર હમણાં મારા એક હજાર મકરાણી તમારા શરીરનાં શાક રાંધેને જમી જાશે.”

ઓતા ગાંધીની મેડી સામે તોપોના મોરચા મંડાઈ ગયા, કામદાર પોતાના ઘરમાં કેદી બન્યા. રાજકચેરીમાં દરબાર ભરીને નાથાએ રાણા વિક્રમાજિત (ભોજરાજ)ને ટિલાવ્યા અને જેટલા જેઠવા ભાયાતો રાજની ચાકરીમાં રહીને રાણાને કનડગત કરતા હતા તેને ચૂનાના પાવરા ચડાવ્યા.

પોરબંદરમાં તો ઊડતાં પંખીડાં થંભી જાય એવી ધાક બેસી ગઈ. ઓતા ગાંધીને પોરબંદર છોડવું પડ્યું એમ પણ કહેવાય. છે.

રાણાનો સાચો મામો બનીને બહારવટિયો પાછો પોલેપાણે ચાલ્યો ગયો.

“ભગત! આજ તો તેં કાળો કામો કર્યો. મલક આખમાંથી ઘોડાં શું મરી ગયાં હતાં કે તેં શીંગડાની દેવતાઈ જગ્યામાંથી મહંતની બે શિંગાળિયું કાઢી?”

“હવે રાખ્ય રાખ્ય, મેરાણી! બા’રવટાં શું ઘોડાં વગર થાતાં હશે?

અને ત્યાં જગ્યામાં ઘોડીની ખોટ્ય છે? પડ્યાંપડ્યાં ખાતાં’તાં તે કરતાં કાં વાપરાં ની?”

“અરે પુરુષ! તે દી જામની ફોજ વાંસે થઈ’તી ને તું ભાગીને હરજી ભુટાણીમાં ‘રાજના પગુંમાં પડી ગિયો’તો, તે વેળાનાં વેણ સંભાર, સંભાર! એણે તને વચને બાંધ્યો’તો, કે જોજે હો, શીંગડા માથે ગજબ કરતો નીં; અને બીજું કહ્યું’તું કે મોઢવાડા માથે હાથ કરતો નીં! પણ તેં તો આપણા જમલભોમનીયે એબ ઉઘાડી કરી! લુવાણાના છોકરાને બાન પકડીને ચાર હજાર કોરિયું પડાવી ભગત! બા’રવટું આથમવાનું ટાણું થે ગું લાગે છે.”

“વાંધો નહિ. ઈવાં તી વેણ કાંઈ પળાતાં હશે? ધરમની ને દેવસ્થાનાંની વાતું કરવા બેસીએ તો માળા લઈને બેસી જવું પડે. જોતી નથી, આજ હું જામની સામે ઝૂઝી રહ્યો છુું?”

“અધરમને માર્ગે કોઈનાં બા’રવટાં ઊગ્યાં નથી ને તેં મોટી ખોટ્ય ખાધી છે. હજે કાંછ કે શીંગડે જઈને જગ્યામાં શિંગાળિયું પાછી મેલે આવ ને આપણા ગામના ઈ લુવાણાની ચાર હજાર કોરિયું પાછી ચૂકવી દે. નીકર મારી નજરુંમાં આજ પોલોપાણો ડોલતો દેખાય છે, હો ભગત!”

“મોરાણી! તું ગાંડુડી થે ગી લાગ છ!”

મોઢવાડે પોતાના કુટુંબને મળવા ગયેલો નાથો પોતાની સ્ત્રી સાથે આટલો કલહ કરીને સ્ત્રીના અબોલા દેખી મધરાતે બહાર નીકળી ગયો અને કાળભર્યો પોલેપાણે ચડ્યો. તે વખતે જ આભમાંથી એક તારો ખર્યો મોટી કોઈ જ્યોત જાણે ઓલવાઈ ગઈ। એનું મોત ઢૂકડે આવ્યું હતું. પોતાની બાયડીએ ઉપર વર્ણવેલ બે વિશ્વાસઘાતો કરવાથી એના ભગત નામને લાંછન લાગ્યું હતું. બહારવટે બહુ ફાવ્યો તેથી તેની બુદ્ધિ બગડી ચૂકી હતી.

બેફિકર બનીને એણે ઊંઘ કરી. સવાર પડ્યું. હજુ તો નાથાના હાથમાં દાતણ છે ત્યાં માર્ગે મેરોનું એક જૂથ આવતું દેખાયું. આવીને એણે નાથાને કહ્યું : “ભાભા! ભોમ ભેળી થઈ છે. તમને બોલાવે છે.”

“ક્યાં, ભાઈ?”

“રિણાવાડાને પાદર.”

“બહુ સારું, હાલો.”

રિણાવાડા ગામને પાદર, મેરોનાં સોળ ગામોમાંથી ઓડદરા, કેશવાળા,

મોઢવાડિયા, રાજસખા એમ ચાર વંશના, પાઘડીનો આંટો લઈ જાણનાર તમામ, મેર ભેળા થયા છે. નાથો પરબારો ગામમાં જઈને એક ગુપ્ત મેડીમાં સંતાયો. મેર કોમના થોડાએક આગેવાનોએ મેડી ઉપર બેસીને નાથા પાસે વાત મૂકીઃ “ભાભા! તારે એકને કારણે અટાણે રાણાએ આખી નાતને ભરડો લીધો છે.”

“કેવી રીતે?”

“નગર થાક્યું, સરકાર ખિજાણી, અને રાણાને માથે દબાણ થાય છે કે કાં તો બહારવટિયાને પકડી લ્યો, નીકર રાજપાટ મેલી દ્યો.”

“પછી ?”

“પછી કાંવ? આપણી ભોમ ભેળી કરીને રૂપાળીબાએ કહ્યું છે કે નાથાને સુંપી દ્યો. નીકર અમારી ગાદી જાશે.”

“ને રાણે કાંવ કહ્યું?”

“કહ્યું કે નાથાને જીવતોઝીલી દ્યો, તો જ મારાં પરિયાં (પૂર્વજ) પાણી પીએ.”

“પછી તમે કાંવ જવાબ દીધો છે ?”

“અમે તો આઠ દીની અવધ દઈને આવ્યા છ.”

“તો ભલે ! આખી નાતને સંતાપ થાતો હોય તો હું સુંપાઈ જવા રાજી છ. આજથી ચોથે જમણે તમે આવો. હું મારું કામ આટોપે લેને ખુશીથી તમ સાથે ચાલી નીકળાં.”

“ઠીક ત્યારે, અમે ચોથે દીએ આવીએ છ.”

મેરનું મંડળ ચાલી નીકળ્યું. અર્ધોએક ખેતરવા ગયા, ત્યાં તો પરબત કુંછડિયો નામે મેર એકદમ ઊભો થઈ રહ્યો. સહુએ ચમકીને પૂછ્યું : “કાંઈ બા?”

“કાંવ કાંઈ? તમે બધા દાઢીમૂછના ધણી થઈને હાથે કરીને નાથાને સુંપે દેવા હાલ્યા છ? અંતરમાં કાંઈ લાજશરમ ઊઠતી નથી? મેરાણીને પેટ પાક્યા છો?”

“તી કાંવ કરવું!”

“તમારે કરવું હોય તી કરજો. હું તાં તમારી નામર્દાઈમાં નહિ ભળું” એટલું બોલીને પરબત નોખો તર્યો. પાછો મરડાઈને નાથા પાસે ગયો. કહ્યું કે “ભાભા! અમારા સહુનો મત નથી મળતો માટે તું તારે કરતો હોય તી કરજે.”

એટલું કહી પાછા વળીને પરબતે બધા વિષ્ટિવાળા મેરોની મંડળીને આંબી લીધી. સહુને છૂટા પડવાનું ટાણું થયું. તે વખતે આખા મંડળમાંથી પાજી પૂંડો ખસ્તરિયો બોલ્યો કે “ભાઈ! હાલો, રાણાને જેવા હોય તેવા જવાબ તો દે આવીએ!”

“હાલો. કાં રાણાની બીક લાગે છ?”

પોરબંદર જઈને પૂંજા ખસ્તરિયાએ રાજમાતાની અને રાણાની પાસે ખાનગી વાત ફોડીઃ “માંડી! તમે જે પરબતને ભાઈ કહેલો છે, એણે જ જઈને નાથાને ચડાવ્યો છે. અમારી વષ્ટિ એણે ધૂળ મેળવી છે. એની સાથે લાધવો, રાણો, છોડવો વગેરે સાત જણ પણ ભળે ગા છ. માથે રે’ને નાથાને લૂંટ કરાવનારા એ સાત જણા જ છે. હવે તો ઈ જાણે ને તમે જાણો.”

રૂપાળીબાએ એ સાતેયના હાથમાં હાથકડી જડાવી દીધી. સાતેય કેદીઓ દરબારગઢના ચોકમાં ઊભા છે. સાતમાંથી સિંહ સરખા જોરાવર લાધવાએ હાથકડી મરડીને તોડી નાખી. “આ લે તારી ચૂડલિયું!” એમ કહીને ચોકીપહેરા વચ્ચેથી વકરેલ પાડા જેવો એ વછૂટ્યો. વછૂટીને દોડ્યો દરબારગઢની મેડી માથે. દિલમાં હતું કે પારણે હીંચતા કુંવરને મારા ખોળામાં લઈ લઉં : તો જ મને કુંવરના જીવના જોખમ ખાતર જીવતદાન દેશે! પણ ઠેકીને મેડીએ ચડવા જાય ત્યાં તો દોટ કાઢીને પૂંજા ખસ્તરિયાએ એના પગ ઝાલી લીધા. આરબે આવીને લાધવાને જમૈયો માર્યો, બીજા છયેને તોપે ઉડાવ્યા. મરતાં મરતાં છયે જણ બોલ્યા કે “ફકર નહિ. નાથા ભગત સામે ખૂટલાઈ કરીને જીવવા કરતાં તોપને મોઢે મરવું કાંવ ખોટું છે?” રમતા રમતા છયે જણા તોપને મોઢે બંધાઈ ગયા. પોરબંદરમાં વીરડીને નાકે એ તમામની ખાંભીઓ છે.

રૂપાળીબાએ પૂંજા ખસ્તરિયાને બોલાવી પૂછ્યુંઃ “પૂંજાભાઈ! હવે નાથાનું શું કરશું? એજન્સી બહુ અકળાઈ છે અને આપણા રાજને જફા લાગશે.”

“માડી! મને રાજનું ઊંચા માયલું ઝેર આપો, એટલે હમણાં નાથાનું મડું લે આવેને હાજર કરાં. બાકી તમારી ફોજના તો એ ફાકડા જ કરે જાશે, મરને વલ્યાતમાંથી તોપું ઊતરે!”

“એનું શું કારણ?”

“માડી! ઈના સાથળની માલીકોર શિયાળશિંગી ને મોણવેલ ભરી છે. એના અંગ માથે તોપનોય કાર ન ફાવે, હથિયારે તો એ મરે રિયો, માટે લાવો ઝેર. હમણાં ઈનો ઘડોલાડવો કરે નાખાં.”

ઊંચી જાતનું ઝેર રૂપાળીબાઈના ગુપ્તમાં ગુપ્ત ડાબલામાંથી મેળવીને પૂંજો ચાલતો થઈ ગયો.

આડે ડુંગરથી ઊતર્યો નાથો, માઠાં શકન થાય, ડાબી તે ભેરવ કળકળે, નાથા, જમણાં જાંગર જાય;

મોઢાને મારવો નો’તો!

ભગત તો સાગનો સોટો!

કેડ્યો કટારાં વાંકડાં નાથા, ગળે ગેંડાની ઢાલ

માથે મેવાડાં મોળિયાં નાથા, ખભે ખાંતીલી તરવાર,

મોઢાને મારવો નો’તો,

ભગત તો સાગનો સોટો.

“ભગત! આજ એક વાર ભાઈબંધોનું કહેવું માન્ય. માઠાં શકન થાય છે, અને આજ ભલો થઈને ઘોડી પાછી વાળ્ય.”

“અરે ભાઈ! બેનને ઘેર જાવામાં કાંવ બીક હુતી? અને શકન-અપશકન કોઈ દી નથી જોયાં તો આજ કાંવ જોવાં?”

“ભગત, અમારું હૈયું તો આજ કબૂલતું નથી.”

“તો તમારે વળવું હોય તો વળે જાવ. બાકી મારે તો આજ હાથલે પોગીને હરજી ગોરને ઘેર ખાધા વિના છૂટકો નેથ. મને રોટલા ખાવાનું નોતરું છે. અપશુકન ભાળીને નાથો પાછો વળ્યો, ઈ વાત જો બેનને કાને જાય તો બચાડી દખ લગાડે. માટે તમને ભરોસો ન હોય તો ખુશીથી વળે જાવ.”

બે જણા પાછા વળ્યા. બાકીનાને લઈ બહારવટિયાએ બહેનને ઘેર જમવાના ઉલ્લાસમાં બરડાની ગાળીમાંથી ઘોડીને ઉતારી. હાથલા ગામમાં હરજી થાનકી નામે મેરનો ગોર હતો, તેને ઘેર જે બાઈ હતી (બનતાં સુધી તો દીકરાની વહુ હતી) તેને બહારવટિયાએ ધર્મની બહેન કરી હતી. હરજી

થાનકીના ઘરમાં નાથાએ થોકેથોક લૂંટની કમાણી ભરી દીધી હતી. આજ એના ઘરમાં જ પૂંજાએ ઝેર ભેળવેલી રસોઈ કરાવીને તૈયાર રખાવી છે.

નાથાની વાટ જોવાય છે.

જ્યાં નાથો હાથલા ગામના નેરામાં આવ્યો, ત્યાં આડો કાળો એરુ ઊતર્યો. સાથીઓએ ફરી ચેતવ્યો કે “ભગત, આ બીજી વાર માઠું ભળાય છે. હજી કોઈ રીતે વળવું છે?”

“જો વળું તો તો મારો જન્મારો લાજે. અને જગદંબા જેવી બહેન વહેમમાં પડે.”

ચાલ્યો. ઘોડીએ હરજી મહારાજની ડેલીએ આવીને હેતની હાવળ નાખી. છેવાડા ઘરની ઓસરીની થાંભલીએ પોતાની ધર્મની બહેન ઊભી છે, એના મોં ઉપર મશ ઢળી ગઈ છે. નાથાએ સાદ કર્યોઃ “કાં બે’ન, પોગ્યા છીએ, હો કે!”

બાઈએ હાથની ઈશારત કરીને હળવેથી કહ્યુંઃ “ભાઈ આંહીં જરીક આવી જજો!”

“અબઘડી ઉતરો કરેને આવીએ છીએ, બાપા!”

“પછી તો આવી રહ્યા, મારા વીર!”

એ વેણ બોલાયું, પણ બહારવટિયાને કાને પહોંચ્યું જ નહિ, નાથો મહેમાનોને ઓરડે ઉતારો કરવા ગયો. પરબારા હરજી થાનકીએ પરોણાને થાળી ઉપર બેસાર્યા. રંગભરી વાતો કરતાં કરતાં ગોરે મીઠી રસોઈ જમાડી.

ચાર-ચાર કોળિયા ખાધા ત્યાં તો ચારેયની રગેરગમાં ઝેર ચડી ગયું. નાથાની જીભ ઝલાવા લાગી. થાળીને બે હાથ જોડી નાથો પગે લાગ્યો, એટલું જ બોલ્યોઃ “હરજી ગોર! બસ! આવડું જ પેટ હુતું? બીજું કાંઈ નહિ, પણ મને ઝેર દઈ નુતો મારવો. મારે હથિયારે મરવું હુતું!”

ત્યાં તો નાથો ઢળી પડ્યો. પૂંજો ખસ્તરિયો વગેરે ચાર જણાઓએ દોડીને એના મરતા દેહ ઉપર એક સામટી બંદૂકો વછોડી, પણ ગોળીઓ કોઈ પણ રીતે લાગી જ નહિ, ત્યારે અવાચક બનેલા નાથાએ પોતાના સાથળ સામે આંગળી ચીંઘાડી અને લોચા વાળતી જીભે મહેનત કરીને સમસ્યામાં સમજાવ્યું.

“હાં!હાં! શિયાળશિંગી ને મોણવેલ ત્યાં સંતાડ્યાં છે, ખરું ને!”

મરતાં મરતાં બહારવટિયાએ હા કહેવા માટે ડોકું ધુણાવ્યું.

હત્યારાએ એનો સાથળ ચીરીને બંને ચીજો બહાર કાઢી ફેંકી દીધી. તરત જ નાથાનું શરીર લીલું કાચ સરીખું બની ગયું. જીવ ચાલ્યો ગયા પછી એના નિર્જીવ શરીરને ઘસડીને દુશ્મનો દૂર લઈ ગયા. એનું માથું કાપ્યું. પૂંજો એ માથું ઉપાડીને પોરબંદર ઈનામ લેવા પહોંચ્યો. સરકારે નાથાનું માથું લાવનાર માટે ઈનામ કાઢ્યું હતું. એજન્સીનો ગોરો સાહેબ ત્યાં હાજર હતો. એને તો નજર કરીને જ સમજી લીધું કે જવાંમર્દીથી નહિ, પણ ઝેરથી આ બહારવટિયાને માર્યો છે.

પૂંજાને ઈનામ ન મળ્યું, રાજ્યોએ એ રીતે નાથાના પ્રાણ લેવરાવ્યા. મેરાણીઓ આજે પણ ગામેગામ ગાય છે :

મોઢાને મારવો નો’તો,

ભગત તો સાગનો સોટો.

આ કથામાં મેર લોકોની બોલીના પ્રયોગો કરવામાં આવ્યા છે એની સમજઃ

ગુજરાતી ભાષા મેરભાષા ગુજરાતી ભાષા મેર ભાષા

ક્યાંથીકાંથીકાંકાંઈ

શુંકાંવશીદકાંવ કરવા

શાનીકિવાનીછોડીનેછોડેને

હતીહુતીબધુંબાધું

તોતાંનથીનેથ

હવેહેવછુંછ

કોનીકીણીકેદીકેદુ

જેવાંજિવાંએનેઇણે

એમઇંકહું છુંકાં છ

ગયોગો

વાલો નામોરી

(ઈ. સ. ૧૮૯૦ની આસપાસ)

નામોરીનો નર છે વંકો,

રે વાલા, તારો દેશમાં ડંકો.

ભૂજવાળાનું ગામ તેં ભાંગ્યું ને ફોજું ચડિયું હજાર,

ઊંટ ઘોડાં તો આડાં રે દીધાં, ધીંગાણું કીધું ધરાર.

- નામોરીનો.

વાગડ દેશથી ઊતર્યો વાલો, આવ્યો હરિપર ગામ,

ડુંગર મોવરને જીવતો ઝાલ્યો, હૈયામાં રહી ગઈ હામ.

- નામોરીનો.

જસાપરામાં તો જાંગીના દીધા, આવ્યા મૂળી પર ગામ,

ઓચિંતાના આવી ભરાણા, મરાણો મામદ જામ.

- નામોરીનો.

ખરે બપોરે પરિયાણ કીધાં ને ભાંગ્યું લાખણપર ગામ,

વાંકાનેરની વારું ચડિયું, નો’તો ભેળો મામદ જામ.

- નામોરીનો.

માળીએ તારું બેસણું વાલા, કારજડું તારું ગામ,

ટોપીવાળાને તેં ઉડાવ્યો, કોઠાવાળાને કલામ.

- નામોરીનો.

મુંબઈ સરકારે તાર કીધા ને ફોજું ચડિયું હજાર,

નાળ્યું બંધૂકું ધ્રશકે છૂટે, તોયે હાલ્યો તું ધરાર.

- નામોરીનો.

વાલો મોવર જોટો છાતીએ લેવા, સાતસો ક્રમ પર જાય,

રંગ છે તારાં માતપિતાને, અમર નાથ કહેવાય.

- નામોરીનો.

નથી લીધો તારો ઢીંગલો વાલા, નથી લીધું તારું દામ,

ભાવલે કોળીએ રાસડો ગાયો, રાખ્યું નવ ખંડ નામ.

- નામોરીનો.

તારા જે નામોરી તણા,

ઠૂંડા ઘા થિયા,

ઈ પાછાં પોઢે ના,

વિનતા ભેળા વાલિયા !

ટોપીવાળાને તેં ઉડાવ્યો, કોઠાવાળાને કલામ.

(નામોરીના પુત્ર વાાલા! તારા ઠૂંડા હાથની ગોળીઓના ઘા જેના ઉપર થાય એ લોકો ફરી વાર પોતાની સ્ત્રીઓ સાથે પોઢવાનું સુખ પામી શકતા નથી, મતલબ કે તારા ભડાકા અફર જ હોય છે.) કચ્છ દેશના દેપલા ગામને ચોરે અસલ થળના ઊંટિયાની કતાર ઊભી છે. ઘઉંલા વાનનો, મધ્યમ કદનો અને એક હાથે ઠૂંડો બહારવટિયો બીજા હાથમાં સળગતી જામગરીએ બંદૂક હિલોળતો ચોકમાં ટહેલી રહ્યો છે.

પંખીડું પણ જાણે કે ઝાડવાં ઉપરથી ઊડતું નથી. એ ઠૂંડો આદમી પોતે જ પંખીડું પણ જાણે કે ઝાડવાં ઉપરથી ઊડતું નથી. એ ઠૂંઠો આદમી પોતે જ બહારવટિયો વાલો નામોરી. સાવજ જેવું ગળું ગજાવીને બહારવટિયાએ હાક દીધીઃ “બેલીડાઓ ! લૂંટવાની વાત પછી, પ્રથમ તો પહેલાં એ કમજાત સંધીને હાજર કરો, કે જે આપણા દોસ્તની ઓરતને ભગાડી લાવ્યો છે.”

બહારવટિયાઓ નાકે નાકે બાંધીને ઊભા રહી ગયા છે. ગામમાંથી કૂતરું પણ બહાર જઈ શકે તેમ નથી. જે લંપટ સંધીને સજા દેવા વાલો આવ્યો હતો, તે ગામમાં જ હાજર છે. જેની ઓરતને એ સંધી ઉઠાવી લાવ્યો હતો તે ભાઈબંધ પણ વાલા નામોરીની સાથે પોતાનું વેર લેવા આવ્યો છે. થોડી વારમાં તો એ ચોરને બાવડે બાંધીને બંદૂકદાર બહારવટિયાઓએ હાજર કર્યો. પારકી બાયડીના ચોરને જોતાં જ વાલાએ બંદૂકનો ઘોડો ચડાવ્યો.

ત્યાં તો સંધી આવીને “એ વાલા ! બાપ વાલા ! તારી ગા’ છું !” એમ બોલતો વાલાના પગમાં ઢળી પડ્યો. તરત જ વાલાએ બંદૂકનો ઘોડો ઉતારી નાખ્યો.

“વાલા ભા ! એ નાપાકને માથે તને રહેમ આવી ગઈ ?” એમ બોલતો એ ઓરતનો ધણી તરવાર ખેંચીનો પોતાના વેરીનું ગળું વાઢવા ધસ્યો.

આડા હાથ દઈને વાલો બોલ્યો : “બેલી, હવે કાંઈ એને મરાય ? ગા’ની ગરદન કપાય કદી? રે’વા દે.”

એમ કહીને વાલાએ સંધીને પૂછ્યુંઃ “એલા સંધીડા, તું ગા’ થાછ કે?”

“સાત વાર તારી ગા.”

“તો ભાં કર.”

“ભાં! ભાં! ભાં!” એમ ત્રણ વખત સંધીએ ગાયની માફક ભાંભરડા દીધા. એટલે વાલો બોલ્યો : “જો ભાઈ, બચાડો ગા’બનીને ભાંભરડા દિયે છે. હવે તારી તરવાર હાલશે?”

“બસ, હવે મારું વેર વળી ગયું.”

સંધીને છૂટો કર્યો.

“વાલા ભા!” એના બંદૂકદાર સાથીઓએ ગામમાંથી આવીને જાહેર કર્યુંઃ “ઘરેઘર ફરી વળ્યા.”

“પછી?”

“ઝાઝો માલ તો ન જડ્યો.”

“એમ કેમ ?”

“આજ મોળાકતનો તહેવાર છે. વસ્તીની બાઈયું ઘરમાં જેટલાં હોય એટલાં લૂગડાંઘરેણાં અંગ ઉપર ઠાંસીને રમવા નીકળી ગઈ છે.”

“ઠીક, હાલો!” એવો ટૂંકો ન સમજાય તેવો જવાબ આપીને બહારવટિયો બંદૂકને ખભે તોળી મોખરે ચાલ્યો. પાછળ બધા સાથીઓએ પગલાં માંડ્યાં. ઝાંપા બહાર નીકળતાં જ વડલા નીચેથી બસો સ્ત્રીઓનાં ઝાંઝરના રૂમઝુમાટ, તાળીઓના અવાજ અને સૂર સંભળાણા કે-

મણિયારડા રે હો ગોરલના સાયબા રે

મીઠુડી બોલીવાળો મણિયાર

નિમાણાં નેણાંવાળો મણિયાર

ભમ્મરિયા ભાલાવાળો મણિયાર....

સહુની આંખો એ દિશામાં મંડાઈ, પણ મુખી બહારવટિયો તો જાણે ઉજ્જડ વગડામાં ચાલ્યો જતો હોય એવી બેપરવાઈથી ડલગાં ભર્યે જાય છે.

“વાલા ભા! આ બાજુએ.” સાથીએ સાદ કર્યો.

“શું છે? વાલાએ ગરવે મોંએ પૂછ્યું.”

“આંહી બાઈયું રાસડા રમે છે. હાલો આકડે મધ તૈયાર છે. ટપકાવી લઈએ.”

“જુમલા!” વાલે ત્રાંસી આંખ કરીને કહ્યું : “ઓરતુંનાં ડિલ માથે આપણો હાથ પડે તો બા’રવટાનો વાવટો સળગી જાય!”

“પણ ત્યારે કાઠિયાવાડથી ઠેઠ કચ્છ સુધીનો આંટો અફળ જાય?”

“સાત વાર અફળ. આપણાથી બેઈમાન ન થવાય.”

વાલાના પ્રતાપમાં અંજાયેલાં માણસો મૂંગે મોંએ એની પાછળ મનમાં ને મનમાં એની તારીફ કરતા કરતા ચાલતા થયા. વસ્તીમાંથી નીકળીને જેમ સાંઢિયા રણની રેતીમાં વેગ કરવા લાગ્યા, તેમ તો બંદૂકની ગોળીઓ સમી અસલ થળની સાંઢ્યો ઉપર ભૂજની ફોજને સુસવાટા કરતી આવતી ભાળી. ભગાય એવું તો રહ્યું નથી. ઓથ લેવાનું એક પણ ઝાડવું નથી.

ખારી જમીન ધખધખે છે. ચારેય બાજુ ઝાંઝવાં બળી રહ્યાં છે. સાથીઓએ અકળાઈને બૂમ પાડી : “વાલા! હવે શું ઈલાજ કરશું? ગોળીઓના મે વરસાત આવે છે.”

“ઊંટ ઝુકાવો અને ચોફરતાં ઊંટ બેસાડી, ઊંટના પગ બાંધી દઈ, વચ્ચે બેસી જાઓ! જીવતાં જાનવરનો ગઢ કરી નાખો.”

સબોસબ સાંઢિયા કૂંડાળે ઝોકારવામાં આવ્યા અને વચ્ચે બહારવટિયાનું જૂથ સાંઢિયાના શરીરોની ઓથે લપાઈ બંદૂકોમાં દારૂગોળો ભરવા મંડ્યું.

“મને ભરીભરીને દેતા જાવ, ભાઈઓ!” એમ કહીને વાલે અકેક બંદૂક ઉપાડી ઉપાડીને પોતાના ઠૂંઠા હાથ ઉપર બંદૂકની નાળ ટેકવી, ઝીણી આંખે નિશાન લઈ જુદ્ધ આદર્યું. અહીંથી ગોળી છૂટે તે સામી ફોજનાં માણસોમાંથી એકેકને ઠાર કરતી જાય છે. અને સામેથી આવતી ગોળીઓ સાંઝિયાના શરીરમાં જ રોકાઈ રહે છે. એવી સનસનાટી અને ગોળીઓની વૃષ્ટિ સાંજ સુધી ચાલુ રહી. દિવસ આથમ્યો અને અંધારું ઊતર્યું એટલે બહારવટિયા ઊંટને રણમાં મેલીને નાસી છૂટ્યા.

હરીપર અને ગોલાબાના અગરની વચ્ચે એક જગ્યા છે. બે બાજુએ પાણી ચાલ્યાં જાય છે ને વચ્ચે એક ખાડો છે.

દેપલા ભાંગીને બહારવટિયા આ ખાડમાં આવીને આરામ લે છે. પ્રભાતને પહોરે દાયરો ભરીને વાલો બેઠો છે; તેવે એક સાથીએ ગરુડના જેવી તીણી નજર લંબાવીને કહ્યું : “કોઈક આદમી ઘોડે ચડીને આવે છે, ભા !”

“આવવા દિયો.”

અસવાર નજીક આવ્યો એટલે ઓળખાયો.

“અરે વાલા ભા! આ તો તારા બનેવી કેસર જામની ઓરતને ઘરમાં બેસાડનારો નાપાક ડુંગર મોવર!”

“હેં! સાચેસાચ ડુંગર મોવર?” એટલું બોલીને કટ કટ કટ સહુએ બંદૂકના ઘોડા ચડાવ્યા, ધડ ધડ ધડ, એક બે ત્રણ એમ સાત ગોળીઓ છૂટી, પણ સાતમાંથી એકપણ ગોળી શત્રુને ન આંટી શકી. એટલે વાલાએ ઊંચો હાથ કરીને બૂમ પાડીઃ “બસ કરો, ભાઈ, હવે આઠમો ભડાકો ન હોય.

એની બાજરી હજી બાકી છે.”

તરત વાલો ઊઠ્યો. શત્રુની સામે જઈને હાથ મિલાવ્યા. હાથ ઝાલીને ઘોડા પરથી નીચે ઉતાર્યો. પીઠ થાબડીને કહ્યું કે “આવ, ડાડા ! આવ. તારી બાજરી હજી બાકી રહી છે. અમારે ખુદાની ઉપરવટ નથી થાવું.”

એમ બોલીને ડુંગરને દાયરામાં બેસાર્યો.

સાત બંદૂકોના ભડાકા સવાારને ટાઢે પહોરે રણમાંથી માળિયા ગામમાં સંભળાયા અને તરત જ માળિયેથી વાર ચડી. વાર ચાલી જાય છે, તે વખતે માર્ગને કાંઠે ખેતરમાં ઉકરડા નામનો એક બુઢ્ઢો મિયાણો અને તેનો આઠ-દસ વરસનો દીકરો દેશળ સાંતી હાંકે છે. વારના મુખીએ પૂછ્યું :

“એલા કેની કોર ભડાકા થયા?”

નાનો છોકરો દેશળ દિશા બતાવવાની તૈયારીમાં હતો, ત્યાં એના બુઢ્ઢા બાપે જવાબ દઈ દીધો કે “ડાડા, અમે ભડાકા તો સાંભળ્યા, પણ આ સાંતીનો અવાજ થાય છે તેમાં દ્રશ્યનું ધ્યાન નથી રહ્યું.”

તે જ વખતે ખભે દૂધની કાવડ લઈને એક ભરવાડ હાલ્યો આવે છે. વારે પૂછ્યું કે “એલા ગોકળી, બંદૂકના અવાજ કઈ દશ્યે થયા?”

“બાપુ, આ દશ્યે.” એમ કહીને ગોવાળે આંગળી ચીંધી. વારને તો એટલું જ જોઈતું હતું. તરત બંદૂકના કંદા ઉગામી સિપાહીઓએ હાકલ

કરીઃ “ચાલ્ય, સાળા, સાથે - મોઢા આગળ થઈ જા. દશ્ય બતાવ.”

ગોવાળે ફીણવાળા દૂધની તાંબડીવાળી કાવડ નીચે મેલીને પેલા ખેડુ બાપદીકરાને કહ્યું : “લ્યો, ભાઈ, આ દૂધ શિવરાજો. તમારા તકદીરનું છે!”

બહારવટિયા તો પ્રભાતને પહોર કાંઈ ધાસ્તી વગર ખાડામાં બેઠા છે ત્યાં તો માળિયાની વાર અચાનક કાંઠે જઈને ઊભી રહી. બંદૂકદાર પોલીસનો ગટાટોપ બંધાઈ ગયેલો ભાળતાં જ વાલે બંદૂકનો ઘોડો ચડાવી ગિસ્તના સરદારની છાતી સામે જ નાળ્ય નોંધી. નોંધતાંની વાર તો જમાદાર હાથ જોડીને પોકારી ઊઠ્યો : “એ વાલા! તેરુકુ બડા પીરકા સોગંદ!”

“બસ, ભાઈઓ! હવે ઘા ન થાય.” એમ કહીને વાલાએ બંદૂક હેઠી મેલી. વારવાળાને સંદેશો દીધો : “ભાઈઓ, માળિયામાં અમારા દુશ્મન હોય તેમને તરવાર બાંધીને આવવાનું કહેજો અને હેતુમિત્ર હોય તેને કહેજો કે એમને દફનાવવા આવે. અમારે આજ આંહીં જ મરવું છે.”

વાલાની માફી પામીને વાર પાછી આવી. થાણદારને વાત જાહેર થઈ. થાણદાર જાતનો ભાટી હતો. ભેટમાં છૂરી બાંધતો, મિયાણા જેવાં હથિયાર રાખતો, મિયાણાનો પોશાક પહેરતો, અને પોતાના અડદલી સિપાઈ મેઘા કદિયાને રોજ મૂછોના આંકડા ચડાવીને પૂછતો કે “જો મેઘા, હું મિયાણા જેવો લાગું છું કે નહિ?”

મેઘો બિચારો નોકર હોવાથી ડોકું ધુણાવતો કે “હા, સાહેબ, સાચી વાત. અસલ મિયાણા લાગો છો, હો ! તમારી સામી કોઈ નજર ન માંડી શકે!”

દરરોજ મિયાણાનો વેશ કાઢનાર આ થાણદાર તે દિવસે સવારે માળિયાના મિયાણાની હાજરી લઈ રહ્યો છે, ખોંખારા ખાઈને ધમકીઓ આપી રહ્યો છે, તે વખતે આમર મુરુ નામના મિયાણાએ વાત કાઢી :

“સાહેબ, અમને તો પાસ - પરવાના આપીઆપીને દિવસ-રાત હાજરી લઈ હેરાના કરો છો, પણ ઓલો વાલિયો ઠૂંઠો તો પાસ વગરનો જ રણમાં બેઠો છે. એને એક વાર પાસમાં નોંધાવો ને ! એને સજા કરો ને ! હાલો દેખાડું, આ બેઠો માળિયાના થડમાં જ.”

“બોલ મા, તારું સારું થાય! આમરિયા, બોલ મા, મને બીમારી છે.”

વાલિયાનું નામ સાંભળતાં જ મિયાણા - વેશધારીને બીમારી થઈ અવી હતી!

જામનગરનો પોલીસ-ઉપરી ઓકોનર સાહેબ કરીને એક ગોરો હતો.

ઓકોનર પોતાની ટુકડી લઈને વાલાની ગંધેગંધે ભમે છે. એક દિવસ એની છાવણી આમરણની નજીકમાં પડી છે. દિવસનું ટાણું છે. એવે એક ભરવાડ હાથમાં પગરખાં લઈને શ્વાસભર્યો દોડ્યો આવ્યો અને સાહેબને જાહેર કર્યું

ઃ “સાહેબ, ચાલો બહારવટિયા બતાવું.”

“જાવ, સાલા! નહિ આવેગા.”

“અરે સાહેબ, પણ બહારવટિયા સપડાઈ ગયા છે, તમારે જરાય જોખમ નથી.”

“ક્યા હે?”

“સાહેબ, આમરણ-બેલાના મોહારમાં સૂકી જગ્યા જાણીને બહારવટિયા ચાલ્યા ગયા, અને વાંસેથી ભરતીનું પાણી ખાડીમાં ફરી વળ્યું, એટલે અટાણે બા’રવટિયા એક ટેકરી માથે ઊભા થઈ રહ્યા છે, ને ચારેય દશ્યે જળબંબાકાર છે. ભાગવાની બારી નથી રહી. પાંચ ભડાકે બધા પરોવાઈ જાય તેવું છે. માટે ચાલો.”

“જાવ, હમ નહિ આવેગા.”

“અરે ફટ્ય છે તારી ગોરી ચામડીને, માળા કોઢિયા.”

એટલું કહીને ભરવાડ ઊપડ્યો, આવ્યો આમરણ દરબારની પાસે. આમરણ દરબાર તરત જ વારે ચડ્યા. લપાતા લપાતા બરાબર બહારવટિયાની પાછળ જઈને બે જુવાન પઠાણોએ વાલાને માથે ગોળી છોડી. બેહોશ થઈને વાલો પડી ગયો. વાલાના સાથી વાગડવાળા જુમા ગંડે જાણ્યું કે વાલો મરી ગયો.

“વાઢી લ્યો વાલાનું માથું” જુમે હુકમ કર્યો.

“ના, એ નહિ બને. કદાચ મારો ભાઈ હજુ જીવતો હોય!” એમ બોલીને વાલાનો ભાઈ પરબત મોવર આડો પડ્યો.

ત્યાં તો બેશુદ્ધિમાંથી વાલો બેઠો થયો, પોતાના ઉપર ગોળી છોડનાર બે જુવાન પઠાણોનાં, પોતે ખોપરી ઉપર ગોળી લગાવીને, માથાં ફાડી નાખ્યાં. સાંજ સુધી ધીંગાણું કરીને વાર વહી ગઈ એટલે પછી વાલાએ જુમા ગંડને કહ્યું : “જુમલા, તારે મારું માથું વાઢવું’તું ખરું ને? હવે તારે ને મારે અંજળ ખૂટી ગયાં, માટે ચાલ્યો જા, બેલી.”

જુમો ગંડ ત્યાંથી જુદો પડ્યો.

એ ધીંગાણામાં વાલાને ખભા ઉપર ગોળી વાગી હતી, અને બહારવટિયા નાસી છૂટ્યા હતા. પોતાના આશરાના સ્થાનમાં જઈને વાલાએ સાથીને કહ્યું : “કોઈ છૂરી લાવજો તો.”

છૂરી લઈને વાલાએ પોતાને જ હાથે, પોતાને ગોળી વાગી હતી તે જગ્યાની અંદરના માંસમાંથી ભાંગેલા હાડકાની કરચેકરચ બહાર કાઢી નાખી. માણસો જોઈ રહ્યા કે માંસની અંદર પડેલા છિદ્રમાંથી અરધી છૂરી ચાલી જાય છે છતાં વાલો નથી ચૂંકારો કરતો કે નથી એ પોતાનો હાથ પાછો ચોરતો.

એક મહિના સુધી વાલો પડદે રહ્યો.

વૈશાખ મહિનાને એક દિવસે બાર હથિયારબંધ સિપાહીની ચોકી સાથે ત્રણ-ચાર ગાડાં ચાલ્યાં જતાં હતાં અને ગાડાંની અંદર દફતરો ભર્યા હતા. સાથે એક શિરસ્તેદાર બેઠો હતો. જામનગરને ગામડે ગામડેથી રસ્તામાં સિપાહીની ટુકડી ગોવાળોનાં ઘેટાં, કણબીઓનાં દૂધ અને લુવાણાઓની દુકાનમાંથી લોટ-દાળ-ઘી બંદૂકના કંદા મારીને ઉઘરાવતી જતી હતી. ત્યાં તો જામનગરની જ સરહદમાં બહારવટિયાનો ભેટો થયો. વાલાએ પડકાર કર્યો : “ખબરદાર, ગાડાં થોભાવો.”

સિપાહીઓ બંદૂક ઉપાડવા જાય ત્યાં તો બહારવટિયાની નાળ્યો એકએક સિપાહીની છાતીને અડી ચૂકી. સિપાહીઓ હેબત ખાઈ ગયા.

વાલે હાકલ કરી : “જો જરીકે હાલ્યાચાલ્યા છો ને, તો હમણાં બાયડી - છોકરાંને રઝળાવી દઈશ. બોલો, ગાડામાં શું ભર્યું છે ?”

“સાહેબનું દફતર.”

“કયો સાહેબ?”

“નગરના પોલીસ - ઉપરી ઓકોનર સાહેબ.”

“ઓહો, ઓકોનર સાહેબ? અમને ભેટવા સારુ ભાયડો થઈને પડકાર કરે છે એ જ ઓકોનર કે ? અમારી બાતમી લેવા ગરીબોને સતાવે છે એ કે ? ભાઈ, ઓકોનરનાં દફતરને દીવાસળી મેલીને સળઘાવી દિયો.”

થોડી વારમાં કાગળિયાંનો મોટો ભડકો થયો. દફતર બળીને ખાખ થઈ ગયાં.

“ક્યાં છે તમારો ઓકોનર સાહેબ ?”

“બાલાચડી.”

“બાલાચડીમાં હવા ખાતો હશે ! કહેજો એને કે તમને વાલે રામરામ કહેવરાવ્યા છે, અને એક વાર મળવાની ઉમેદ છે. અને આ શિરસ્તેદારનું નાક કાપી લ્યો, ભાઈ.”

“એ ભાઈસા’બ! હું બ્રાહ્મણ છું. તમારી ગૌ છું. મારો જન્મારો બગાડશો મા.” બચવા માટે શિરસ્તેદાર ખોટોખોટો બ્રાહ્મણ બની ગયો.

“ઠીક બેલી, છોડી મેલો એને.”

મામદ જામ

મચ્છુ નદી ખળખળ ચાલી જાય છે. એને કાંઠે બે પડછંદ જુવાનો બેઠા છે. બંનેની આંખમાં ખુન્નસ, શરમ અને નિરાશા તરવરે છે.

“સાચેસાચ શું ફીટઝરાલ્ડ સાહેબ, અલાણા?” એક જણાએ અંતરની વેદના સાથે પૂછ્યું.

“હા, ભાઈ મ‘મદ જામ. ફીટઝરાલ્ડ સાહેબની સાથે જ તારી ઓરતને મહોબ્બત છે.”

“ગોરો ઊઠીને, કાઠિયાવાડનો પોલિટિકલ ઊઠીને, મિયાણાની ઓરત

માથે નજર કરે ! ભોરિંગને માથેથી પારસમણિ ઉપાડે ?”

“તું નાર્મદ છો. તારાથી શું થવાનું હતું ?”

“અલાણા, કલેજું ઊકળે છે - તેલની કડાઈ જેવું. અરર ! ઓરત બદલી પછી ક્યાં જઈ માથું નાખળું ?”

“અને બીજી કોરથી આ નવી મા સોઢી : આપણને જિવાઈ ન દિયે, ને આપણે ભૂખે મરવું!”

કાળભર્યો મામદ જામ પોતાને ઘેર ગયો. પા શેર અફીણ ઘૂંટ્યું.

તાંસળી ભરીને પોતાની ઓરત સામે ધરી દીધું.

“અરે મિયાણા!” બાઈ મોં મલકાવતી બોલી : “ઠેકડી કાં કર?”

“ઓરત! આ જનમે તો હવે તું સાહેબની મહોબ્બતનું સુખ ભોગવી રહી. ખુદા પાસે જઈને મડમનો અવતાર માગજે. લે, ઝટ કર.”

“અરે ખાવંદ ! તું આ શું બોલે છે ? ચંદણને માથે કુવાડો ન હોય,” એટલું બોલી સ્ત્રી સોળ કળાની હતી તે એક કળાની થઈ ગઈ.

“લે, વગદ્યાં મ કર. પી જા.”

“ઠીક ત્યારે, અલ્લાબેલી!”

એટલું બોલીને જુવાન બાઈ અફીણની તાંસળી ગટગટાવી ગઈ.

ઉપર એક શેર મીઠું તેલ પીધું. સોડ્ય તાણીને સૂઈ ગઈ.

મામદ જામ ઊઠીને બહાર ગયો. અલાણો બેઠો હતો તેની સાથે વાતો કરવા લાગ્યો.

“શું કરવું, અલાણા ? બેય કાળી નાગણિયું, પણ બેય ઓરતો, એને માથે ઘા હોય?”

“મામદ જામ! હણનારને તો હણીએ જ. આ નીકળી સોઢી મા.

દેને એના ડેબામાં.”

મામદ જામે નવી મા સોઢીને નીકળતી ભાળી. પણ એનો હાથ થથર્યો, એટલે તરત જ મામદ જામની ભરેલી બંદૂક તૈયાર પડી હતી તે ઉપાડીને અલાણાએ જામગરી દાબી. ગોળી છૂટી, સોઢી મિયાણી ચાલી જતી હતી તેની છાતીની આરપાર નીકળી ગઈ.

મરતાં મરતાં સોઢીએ જુબાની આપી કે મને મામદ જામે મારી છે.

બંદૂક પણ મામદ જામની ઠરી. બંનેને કેદ પકડ્યા.

અલાણો સાક્ષી આપે છેઃ “સાહેબ, સોઢીને મેં મારી છે. મામદ જામ નિર્દોષ છે.”

મામદ જામ તકરાર કરે છે : “ના મહેરબાન, મેં મારી છે. જુઓને, આ બંદૂક પણ મારી છે. અલાણો ખોટો છે.”

કચેરીમાં મુન્સફને તાજ્જુબી થઈ ગઈ કે આ બેય જુવાનો એકબીજાનાં ખૂન પોતાને માથે ઓઢી લેવાની કેવી છાતી બતાવે છે !

મામદ જામ ઉપર બીજું તહોમત ઓરતના ખૂનનું મુકાયું.

અલાણાને સાત વર્ષની સજા મળી, અને મામદ જામને કાળાપાણીનો ફેંસલો મળ્યો.

અધરાત ગળતી હતી તે વખતે, અમદાવાદથી ઊપડેલી રાતની ગાડી સુસવાટા મારતી અને વગડામાં પાવા વગાડતી પૂરા વેગમાં ચાલી જાય છે. એના એક ડબામાં ત્રીસ હથિયારધારી સિપાહીઓ અને એક જમાદારની ચોકી નીચે કાળા પાણીની સજાવાળા સાત બહારવટિયાઓ એકબીજાનાં મોં સામે જોઈને બેઠા છે. એક જોરાવર મામદ જામ છે, અને છ ધનાળાના મિયાણા છે.

મહીસાગરના પુલ માથે આવીને ગાડી ધીરી પડી, ચોકીદાર સિપાહીઓમાંથી થોડા જણા જરા ઝોલે ગયા. બહારવટિયાએ એકબીજા સામે આંખોની ઈશારત કરી. હાથમાં બેડી, પગમાં બેડી, હલવું ચલવું સહેલું નથી, છતાં સહુ એકસામટા કૂદ્યા. હાથની બેડીઓ ચોકીવાળાની ખોપરીમાં ઝીંકી, હથિયાર ઝૂંટવી બે-ત્રણને ઠાર કરી, મહીસાગરમાં પરબારી છલંગો મારી. પોલીસો હાંફળાંફાંફળા બની કાંઈ જોઈ શક્યા નહિ કે આ શું થયું રીડિયા પાડવાની પણ હામ ન રહી. ત્યાં તો ગાડીએ ઘણો પંથ કાપી નાખ્યો.

હાથમાં પોલીસનાં હથિયાર સોતા અને પગમાં બેડીઓ છે છતાં, બહારવટિયા મહીસાગરનાં વાંસજાળ પાણીને અંધારામાં વીંધવા લાગ્યા, ચૂપચાપ માછલાંની માફક તરતા તરતા સામે કિનારે પહોંચ્યા. છ જણાએ પોતાના પગ પથ્થર પર રાખી, હાથ વડે પથ્થર મારીને પોતાની બેડીઓ તોડી નાખી; પણ મામદ જામનો પગ સૂજી ગયો હતો. એની બેડીઓ ચપોચપ થઈ જવાથી ન તૂટી તેમજ બેડી તૂટ્યા સિવાય એનાથી ચલાય તેવું પણ ન રહ્યું. એણે છયે સાથીઓને કહ્યું : “તમે ભાગવા માંડો. હમણાં વારું છૂટી જાણજો.”

“તમને છોડીને તો અમો નહિ જાયીં, મામદ જામ.”

“તમે હુજ્જત કરો મા, ભાઈ ! હું જીવીશ તો નક્કી આવીશ.

પણ તમે બધા નાહકના શીદ ભીંત નીચે કચરાઈ મરો છો ?”

છયે જણા રોઈ પડ્યા. નહોતા જતા. મામદ જામે આકરા કસમ આપી રવાના કર્યા અને પોતે પાછો મહીસાગરમાં પડ્યો.

ઊભે કાંઠે તરતો, કાંઠાને ઝાલીઝાલી ત્રણ-ચાર ગાઉ આધે નીકળી ગયો.

બહાર આવીને એક પથ્થર લીધો. પોતાની પાસે પોલીસ જમાદારની ઝૂંટાવેલી કિરીચ હતી તેના બે કટકા કર્યા. એક કટકાથી બીજા કટકાની ધાર ઉપર કરવત જેવા આંકા કર્યા.

એવી રીતની કરવત વતી પોતાની બેડી ઘસીઘસીને કાપી. હવે એના પગ મોકળા થયા.

ભાગ્યો. એકજ દિવસમાં સાઠ ગાઉની મજલ કરી! મારવાડ સીમમાં ભાગ્યો જાય છે. વેશ તો કેદીનો જ છે.

મારવાડના જાટ લોકો ઢોર ચારે છે. એણે આ ભાગતા જુવાન ભાળ્યો. “એલા, કોક કેદી ભાગે!”

મામદ જામને પકડી લઈ મુખીને સોંપ્યો. મુખીએ દયા બતાવી ખર માટે રૂપિયા દીધા. કહ્યું કે “માંડ ભાગવા.”

વડોદરના થડમાં નવું પરું ગામ છે. ત્યાં મામદ જામ આવ્યું અમદાવાદની જેલમાં ઉમરખાં નામનો નાયક પોતાનો ભાઈબંધ હતો, એ બેનને ઘેર ગયો.

રોટલો ખાય છે. ત્યાં ઉમરખાંનો બનેવી આવી પહોંચ્યો. ઓળખ્યા ઘોડાની સરકથી મામદ જામને જકડ્યો, લઈને હાલ્યો, વડોદરે સોંપવા.

માર્ગે ઉમરખાં મળ્યો. સાળો બનેવી લડ્યા. ઉમરખાંએ બનેવીને માર્યો. “મામદ જામ! આ સે, આ તમંચો, આ ઘોડો ને આ રૂપિયા પાં ભાગી છૂટ, તારા તકદીરમાં હોય તે ખરું. અટાણે તો તને અલ્લાએ ઉગા છે.”

“ઉમરખાં! થોડીક ભાઈબંધી સાટુ થઈને સગી બહેનનો ભાંગ્યો! ધન્ય છે તને, ભાઈ!” આટલું કહીને મામદ ચાલ્યો. વડોદરાની ગુજરીમાં વેચ્યો, ગાડીમાં બેસીને વઢવાણ ઊતર્યો. અમરસ દરબારના વાવડી ગામે આવ્યો. ને હવે તો સાંઈને વેશે છે.

દરબાર ઘેર નહિ. ડેલીએ સિપાહી બેસે એણે ઓળખ્યો. સિપાહી ગઢની ગોલીને રાખેલી. તેના કાનમાં જઈને કહ્યુંઃ “ઊના રોટલા અને શડકે કર, પણ ધીરેધીરે હો. ઉતાવળ કરીશ મા.”

“કાં?”

“કાં શું? જેના માથા સાટે રૂપિયા ત્રણ હજારનું ઈનામ નીકળ્યું એ હાથમાં આવ્યો છે. આજ આપણ બેયનું દાળદર ભુક્કા!”

“ઠીક, ફિકર નહિ.”

“સાંઈ મૌલા, બેસજો હો, રોટલા થાય છે.”

એટલું કહીને સિપાહી થાણામાં ગયો. અને પાછળથી એની રખાત ડેલીએ આવી હોઠ ફફડાવી બોલીઃ “સાંઈ મૌલા! ભાગવા માંડજો હો! તમે ઓળખાઈ ગયા છો. અને પીટ્યો મારો યાર, ફોજદાર પાસે પહોંચી ગયો છે. તમારા માથાનું મૂલ શું છે, જાણો છો?”

“ના.”

“રૂપિયા ત્રણ હજાર.”

“છતાં તું મને ભગાડછ? તું કેવી છો?”

“હું ગોલી છું.”

“ગોલી!”

“હા, ગોલી! પણ હવે વધુ બોલવાની વેળા નથી હો!”

બહારવટિયો ભાગ્યો, વાધરવા ગામે આવ્યો. વાલા નામોરીના વાવડ મેળવ્યા. એનું ઠામઠેકાણું જાણી લીધું.

“લાવો મારાં હથિયાર.”

બહારવટિયાને આશરો આપનાર પેથા પગીએ એને હથિયાર દીધાં.

નીકળી પડ્યો. નગર ગયો. વાલો નામોરી અને પોતે, બંને જણા, મોવર સંધવાણી જમાદારને ઘેર ચાર મહિના મેડા ઉપર રહ્યા. અંતે પછી થાકીને “મોવર સંધવાણી! કંઈ થઈ શકશે અમને માફી અપાવવાનું?”

“ભાઈ, અટાણે મોકો નથી.”

“ઠીક ત્યારે, અલ્લાબેલી.”

નીકળ્યા. રાજકોટની સડકે સીધેસીધા વહેતા થયા. ત્યાંથી જૂનાગઢી સડકે.

પીઠડિયા ગામની સીમમાં એક દરબારી ભાવર જોટાળી બંદૂક ખભે રાખીને ફરે છે. મામદ જામે ઝબ દઈને પોતાની બંદૂકની નાળ્ય લાંબી કરીઃ

“મેલી દે જોટાળી, નીકર હમણાં ફૂંકી દઉં છું.”

“હાં! હાં! હાં! મામદ જામ. બિચારાની નોકરી તૂટશે.” એ રીતે વાલાએ બહુ વાર્યો. પણ ફાટેલ મિયાણો મામદ જામ ન માન્યો. ભાવરનો જોટો ઝૂંટવી લઈને ઊપડ્યો.

ત્યાંથી વડાળ થઈને ગિરનારના ડુંગરમાં; ત્યાંથી આખી ગીર પગ નીચે કાઢી.

ચરખાની સીમમાં પડ્યા; ફકીરોનાં ઘોડાં આંચકી લીધાં.

ટોડા દૂધાળામાં ઝરખડી નદીની અંદર રોટલા ખાવા બેઠા. બીડનો પસાયતો ગાળો દેતો આવે છે. વાલાએ બંદૂક લાંબી કરીને કહ્યું કે “આ તારી માની તો અદબ રાખ.”

પસાયતે ભાગીને પટેલને જાણ કરી.

પીપળિયા ને બાબરા વચાળે ટોડાળી વાત છે; ત્યાં બહારવટિયાનો પડાવ છે. લાઠીની ગિસ્તે ત્યાં આવી, આડાં રૂનાં ધોકડાં મેલી ધીંગાણું આદર્યું. બહારવટિયાઓએ વાવની ચોપાસ સાંઢિયાનો ગઢ કર્યો. ફોજવાળા ધોકડાં રેવડતા જાય, સામેથી બહારવટિયાની ગોળી ચોટંતી જાય, રૂમાં આગ લાગતી જાય અને ગિસ્તના માણસો પાણી નાખી આગ ઠારતા જાય.

પણ ધોકડાંની ઓથ બહાર ડોકું કાઢ્યા ભેળું તો ડોકું ઊડી જ પડવાનું છે એ વાત ગિસ્તના માણસો જાણતા હતા. ઠૂંઠા હાથવાળા વાલિયાની બંદૂક ખાલી તો કદી જતી નહોતી.

બહારવટિયાને ભાગી નીકળવું હતું. વડલાની ડાળે એક બંદૂક ટાંગીને વાંસેથી છાનામાના સરકી ગયા.

ગિસ્ત સમજે છે કે બંદૂક પડી છે, એટલે બહારવટિયા ગયા નથી, એવી ભ્રમણામાં ને ભ્રમણામાં જ સાંજ પડી. સાંજે બહારવટિયાની મશ્કરી સમજાઈ. બેવકૂફ બનીને ગિસ્ત પાછી વળી.

મૂળી તાબાનું જસાપર ગામ ભાંગ્યું. બંદૂકો ઉઠાવી વઢવાણ કાંપમાં ફીટ્‌ઝરાલ્ડ સાહેબને મકલા કોળીની સાથે કહેવરાવ્યું કે “અમે- વાલે મોવરે અને મામદ જામે - જ ગામ ભાંગ્યું છે અને અમારી બીજે ક્યાંય ગોત કરશો મા. અમે અનલગઢમાં બેઠા છીએ.”

ફીટ્‌ઝરાલ્ડે તાર છોડ્યા. રાણી સરકારની ભાલાવાળી લાન્સર ટુકડી મંગાવી. વાંકાનેર, રાજકોટ વગેરે રજવાંડાની ફોજ પણ ઝગારા મારતી આવી. બધા મળી બે હજાર લડવૈયાનું દળ બંધાયું. મોખરે ોરો પોલીસ - ઉપરી મકાઈ (મેકે) સાહેબ સેનાપતિ બની ચાલ્યો. આસમાન ધૂંધળો બનવા લાગ્યો અને ઘોડાંના ડાબાને દિશાઓ પડઘા દેવા માંડી.

અનલઢ ભાંગીને માંડવના ડુંગર ઉપર બહારવટિયા વાલાએ પાંચસો રૂપિયાની કિંમતનો સાચા લીલા કિનખાબનો વાવટો ચડાવી દીધો છે. શત્રુઓને લડાઈનાં નોતરાં દેતો વાવટો ગગનમાં ફડાકા મારી રહ્યો છે, અને બીજા બહારવટિયા મોટા પીરને લોબાનનો ધૂપ કરે છે. ડુંગરમાં સુગંધી ધુમાડાનો પવિત્ર મઘમઘાટ પથરાઈ ગયો છે. આઠ જાણની એક નાનકડી ફોજને પીરના ધૂપની સુવાસ આવતાં તો રૂંવાડે - રૂંવાડે મરવા - મારવાની ધણેણાટી વછૂટવા લાગી છે.

આ બાજુથી બહારવટિયાનો નેજો ભાળતાં જ સેનાપતિએ પરબારો ‘ચાચ’!૧ નો હુકમ પોકાર્યો. ‘ચાંચ!’ થાતાંની વાર જ ભાલાં ને કિરીચો ઉગામી અસવારોએ ઘોડાંને વહેતાં મેલી દીધાં. બે હજાર માણસોનો હલ્લો થતાં તો એવું દેખાયું કે જાણે હમણાં ડુંગરો ખળભળી હાલશે.

ત્યાં તો સામેથી ધડ ધઢ બંદૂકોની ધાણી ફૂટી.

સાઠ બંદૂકો ભરીને બહારવટિયાએ તૈયાર રાખેલી છે.

છ જણા ઉપાડી ઉપાડીને ભડાકા કરે છે, બાકીના છ જણા ખાલી પડેલી બંદૂકોને નવેસર ભરતા જાય છે. દારૂગોળાની ઠારમઠોર લાગી પડી છે. સીસાની ગલોલીઓનો સાચૂકલો મે’ વરસવા માંડ્યો છે.

એક, બે, ત્રણ, ચાર એમ દસ ભાલાવાળા ટપોટપ ગોળી ખાઈને જખમી થયા એટલે ભાલાવાળાઓના ગોરા સેનાપતિએ “રિટાયર”નું બિંગલ બજાવ્યું. એ સાંભળતાં તો મકાઈસાહેબ લાલચોળ થઈ ગયો. ઘોડા માથે ટોપી પછાડવા માંડ્યો. ડોળા ફાડીને ભાલાવાળી ટુકડીના ગોરા સરદારને ધમકી દેવા લાગ્યોઃ “ડેમ! ફૂલ!”

“બસ કરો! અમારું કામ બહારવટિયા પકડવાનું નથી, મુલક જીતવાનું છે,” એમ બોલીને ભાલાવાળાએ પોતાની ફોજને અલાયદી તારવી લીધી.

ત્યાં તો વાલા મોવરે ઝીંકિયાળામાંથી જે નવ વેંતની લાંબી જંજાળ હાથ કરી હતી તેમાં તોપ જેવી મોટી ગલોલી ઠાંસીને પથ્થર સામે બાંધીને જામગરી ચાંપી. દાગતાં તો ઘોર અવાજ કરતી ગલોલી વછૂટી. સામી ફોજ પડી હતી ત્યાંથી અરધો માઈલ આગળ જઈને ગલોલીએ ગાડું એક ધૂળ ઉડાડી. ફોજ સમજી કે ડુંગરમાં દારૂગોળો મોટા જથ્થામાં છે, ને જણ પણ ઝાઝા લાગે છે.

સાંજ સુધી ધીંગાણું ચાલ્યું. સાંજે સૂરજ આથમવા ટાણે ફોજ પાછી વળી. ડુંગરમાંથી અવાજ ગાજ્યો કે “વાલિયા ઠૂંઠાની જે!”

“અને સરકારની...” એમ કહી એક બહારવટિયો સરકાર સામે ગાળ બોલવા ગયો.

“ખબરદાર! નકર જબાન કાપી નાખીશ,” વાલાએ સાવજના જેવી ડણક દીધી.

“જુવાનો! નાડી અને જબાન, બે ચીજો સંભાળજો, હો! નીકર વાવટો ખાક થઈ ગયો જાણજો. ખુદાએ નાપાકનાં બા’રવટાં કદી નભાવ્યાં નથી.”

એવી રીતે વાલાએ સાથીઓને શિખામણ દીધી. વારેવારે વાલો એવાં વચનો કહેતો અને નવરો પડે ત્યારે તસબી ફેરવતો. બહુ ઝાઝું બોલતો પણ નહિ, ભેરુઓનાં ગાનગુલતાનમાં કદી ભળતો નહિ.

કાંતરોડીનો એક કોળી હતો. એનું નામ મકો. એક દિવસે મકો વાલિયાના પગમાં પડીને પોતાનું દુઃખ રોવા માંડ્યો.

“શું છે, ભાઈ?”

“મને મકાઈસાબેબ મારી નાખે છે!”

“શા સારુ?”

“તારી બાતમી લઈ આવવા સારુ.”

“તે એમાં મુંજાછ શીદને, ભાઈ?” જા, બેધડક કહેજે કે વાલિયો અનલગઢમાં બેઠો છે. સાહેબની માએ સવાશેર સૂંઠ ખાધી હોય તો આવે મળવા.”

“પણ વાલા, તને આંગળી ચીંધાડીને હું મરાવું તો તો કયે ભવ છૂટું?”

“ભાઈ, મરવા-મારવાની તો આ રમત જ છે ને! અને વાલો તો સંધાય વેરીઓને સામેથી જ વાવડ દઈ મોકલે છે. વાલીની તે કાંઈ ગોત્યું હોય? જા તું તારે, લઈ આવ સાહેબને.”

અનલગઢની ધાર ઉપર વાલો બેઠો છે. મકાઈસાહેબ ઘોડે ચડીને ચાલ્યો આવે છે. મોખરે મકો કોળી દોડ્યો આવે છે. સાહેબને દેખીને વાલે ઠૂંઠા હાથ ઉપર બંદૂક ટેકવી. બરાબર સાહેબના ઘોડાના ડાબલાનું નિશાન લઈ ભડાકો કર્યો. પલકમાં તો ઘોડાના પગમાંથી ડાબો નોખો જઈ પડ્યો.

ચમકીને મકાઈસાહેબે ઊંચે જોયું. બંદૂકની નાળ્ય તાકીને કાળને ઊભેલો ભાળ્યો. ધાર માથેથી વાલિયે અવાજ દીધો કે “એય ઉલ્લુ સાહેબ, આજ મારતો નથી ફક્ત ચેતવું છું. હવેથી મકાને કનડીશ મા. નીકર ઘોડાનો ડાબો ઉપાડ્યો છે, એમ તરબૂચ જેવું માથું ઉપાડી લઈશ.”

વાલાની ઓરત મરી ગઈ છે, પોતાને જુવાનીનાં પૂર ચાલ્યાં જાય છે. બીજા સહુ સાથીઓ પોતપોતાની પરણેતરોને મળવા વારેવારે જાય આવે છે. પણ વાલાને તો ઘેર જઈને બેસવાનું ઠેકાણું નથી. છતાં વાલાની આંખ કોઈ ઓરત સામે ઊંચી થાતી નથી. જોગી જેવો વાલો કાં લડતો ને કાં તસબી ફેરવતો. એમાં એક દિવસ સાથીઓએ વાત છેડી. માયા મોવરે શરૂ કર્યું : “વાલા, હવે તો તારા નિકા કરીએ.”

“કોની સંગાથે, બેલી?” વાલાએ પૂછ્યું.

“કાજરડાના વીરમ મિયાણાની દીકરી વાછઈ સંગાથે. એ પણ ઘરભંગ થઈ છે.”

“તમે ઈ બાઈની સાથે વાત કરી છે?”

“ના.”

“મ બોલો! તો પછી મ બોલો.” કહીને વાલે જીભ કચડી.

“કાં?”

“તો પછી કેમ આવું બોલીને પાપમાં પડો છો ને મનેય પાપમાં પાડો છો?”

“પણ એમાં પાપ તે વળી શેનું?”

“અરે ભા, ઈ બાઈના મનમાં જો કદી એમ હશે કે વાલો તો મારો ભાઈ થાય, તો ? તો હું ખુદાનો ગુનેગાર થાઉં કે નહિ? હવે પછી આવી નાપાક વાત કરશો મા, ભાઈ!”

સોરઠમાં બળધોઈ નામે ગામ છે. બળધોઈ ગામ હાથિયા વાળા નામે કાઠી તાલુકદારનું છે. આ ગામમાં રામબાઈ નામની રજપૂતાણી અને એ રજપૂતાણી સાથે મામદ જામનો આડો વહેવાર બંધાયો છે. અને વાલાને એ વાતની જાણ થઈ છે. વાલાએ મામદ જામને માણસો સાથે કહેરાવ્યું કે

“મામદ જામ! અલ્લા નહિ સાંખે, હો! રહેવા દે. બહારવટિયો નાપાક ન હોય.”

“વાલા મોવરને કહેજો કે મારી વાતમાં વચ્ચે ન આવે. હું બહારવટામાં ક્યાંય ગેરવાજબી વર્તતો હોઉં તો ભલે મને બંધૂકે દ્યે. બાકી મારા ખાનગી વહેવારમાં તો હું ચાપ તે કરું !” મામદ જામે એવો જવાબ દીધો.

વાલાનો જીવ કળીએ કળીએ કપાવાા લાગ્યો. પણ મામદ જામ જેવા જોરદાર સાથીને જાકારો દેવાની કે એની સામે વેર ઊભું કરવાની વાલાની છાતી ચાલી નહિ.

એમ થાતાં એક દિવસ દડવા ગામના કુવાડિયા આયરની સાથે રામબાઈ રજપૂતાણીના ધણીનો સંદેશો મામદ જામ ઉપર આવ્યો કે “પરમ દિવસ આવજે. હાથિયા વાળાના ગઢમાં રૂપિયા ત્રણ હજારની કોથળી તૈયાર ટપ્પે પડી છે.”

સંદેશો સાંભળીને મામદ જામ વરલાડડા જેવા પોશાકમાં સાબદો થયો, અને કહ્યું : “હાલ, વાલા, આકડે મધનું પોડું ટીંગાય છે.”

“મામદ જામ! જાવા જેવું નથી, હોં! અને તારાં પાપ ત્યાં આપણી પહેલાં પહોંચીને બેસી ગયાં હશે, હો ! ત્યાંની જમીનને તેં નાપાક બનાવી છે, ત્યાં આપણો ભાર ધરતી ઝીલશે નહિ.”

પણ મામદ જામ ન માન્યો. વાલાને સાથે લઈ સાંજટાણે બળધોઈને માથે વાર વહેતી કરી.

ખળાવાડમાં અનાજના ગંજ ઊભા છે. ખેડૂતો રાત પડ્યે ચાંદરડાંને અજવાળે પાવા વગાડે છે. હવાલદાર અને પગીપસાયતા તાપણું કરીને બેઠા છે. બહારવટિયાઓ પ્રથમ ત્યાંજઈને ત્રાટક્યા. માણસોને બાંધીને કેદ કરી લીધા, અને ગામને ઝાંપે જઈ ફક્ત બે જ ભડાકા કર્યા. ત્યાં તો દરબારગઢમાં હાથિયો વાળો કંપવા લાગ્યો. બેબાકળા બનીને દરબાર પોતાનાં ઘરવાળાંને પૂછવા મંડ્યા કે “હવે શું કરું?”

સામે કાઠિયાણી ઊભાં હતાં તેણે કહ્યું : “શું કરું, કેમ? આ મારાં એક જોડ્ય લૂગડાં પહેરીને બેસી જાવ. બહારવટિયાને કહેશું કે દરબારને બે ઘર છે!”

“અરરર!” બોલીને દરબાર ઝાંખા પડી ગયા.

“ત્યારે પૂછતાં શરમાતા નથી, દરબાર? અટાણે પૂછવાનો સમો છે કે લેખે ચડી જવાનો?”

દોડીને પોતાના ત્રીસ બંદૂકદારો સાથે હાથિયા વાળો મેડીએ ચડ્યા.

બહારવટિયાએ બજાર કબજે કરી લીધી. ગઢની મેડીએથી દરબારી માણસોએ ભડાકા કર્યા. ગામ ધુમાડે ઢંકાઈ ગયું અને બહારવટિયા દરબાર ગઢની દીવાલો ઠેકીને અંદર ઊતર્યા. જુએ તો ઓરડે ઓરડે તાળાં.

મેડીએ ચડીને બહારવટિયાએ હાથિયા વાળાને હાકલ દીધી કે “એય કાઠીડા, લાવ ચાવિયું, નીકર હમણાં તારો જાન કાઢી નાખશું.”

નામર્દ હાથિયા વાળાના હાંજા ગગડી ગયા, એણે ચાવી ફગાવી દીધી. વાલો તો બજાર સાચવીને ઊભો છે એટલે મામદ જામે ઓરડા ઉઘાડવા માંડ્યા.

પહેલો ઓરડો ઉઘાડે ત્યાં અંદર દરબારગઢની ને ગામની બાઈઓને લખાયેલી દીઠી. તરત પાછું ઓરડે તાળું લગાવી મામદ જામ પાછો ફર્યો.

બીજો ઓરડો ઉઘાડ્યો. અંદર પટારા દીઠા. ઘંટીનાં પડ મારીમારીને બહારવટિયા પટારા તોડવા લાગ્યા.

પડકારા કરતો કરતો મામદ જામ ફળીમાં ઘૂમી રહ્યો છે. ત્યાં તો સાંઢિયાના કાઠાની ઓથે કરણપરી નામનો એક બાવો છૂપાઈ બેઠેલો, તેને રૂંવાડેરૂંવાડે શૂરાતન વ્યાપી ગયું. પોતાની પાસે જ કાઠી રજપૂતો જેના ઉપર થાળી રાખીને જમે છે તે “પડઘી” નામની પિત્તળની નાની બેઠક પડેલી, તે કરણપરીએ ઉપાડી.

“જે ગરનારી!” કહીને બાવાએ પિત્તળની પડઘીનો કારમો ઘા કર્યો. એ ઘા બરાબર મામદ જામના માથામાં પડ્યો.

ફડાક દેતો અવાજ થયો. મામદ જામના માથાની ખોપરી ફાટી ગઈ। જમણી આંખનું રતન પણ પડઘીએ ફોડી નાખ્યું.

“અરે તારી જાતનો-” કહી મામદ જામ પાછો ફર્યો. બાવાના શરીર ઉપર બંદૂક ચલાવી. ઓગણીસ - ઓગણીસ છરા બાવાના શરીરને વીંધી, નહાઈધોઈ, ધ્રોપટ નીકળી ગયા, તોય બાવાએ દોડી, મામદ જામની જ તરવાર ખેંચી લઈ, મામદ જામના જમણા ખભા ઉપર ‘જે ગરનારી!’

કહીને ઝીંકી. ઝીંકતાં તો તરવાર ઠેઠ સાજ સુધી ઊતરી ગઈ. શત્રુને મારીને પછી બાવો પડ્યો. મરતી વેળા માગણ ભારી રૂડો લાગ્યો.

લોટની ત્રાંબડી ફેરવનાર આ માગણ જાતના માનવીને એ ટાણે કોણ જાણે કોણે આટલું કૌવત અને આટલી હિંમત આપ્યાં! આગળ કદી એણે તરવાર બાંધી નહોતી, ધીંગાણું તો કદી દીઠું નહોતું. નક્કી શૂરવીરને છાબડે હરિ આવે છે.

મામદ જામના પડખામાંથી આંતરડાનો ઢગલો બહાર નીકળી પડ્યો. પાછાં આંતરડાં પેટમાં ઘાલીને મામદ જામે જખમ ઉપર પોતાના ફેંટાની કસકસતી ભેટ બાંધી લીધી, અને દોડીને મરણના દમ ખેંચનાર બાવાની પીઠ થાબડી કહ્યુંઃ “શાબાશ જવાન! તારા જેવા શૂરવીરને હાથે મારું મોત સુધરી ગયું. રંગ છે તને, ભાઈ!”

એટલું વચન સાંભળીને બાવાએ છેલ્લી આંખ મીંચી. મામદ જામે પાછા ફરીને પોતાના સાથીઓને હાકલ કરીઃ “પાછા વળો. હાલો ઝટ. લૂંટનો માલ મેલીને હાલી નીકળો.”

પોતે આગળ, ને દસ જણા પાછળઃ બધા બહારવટિયા ગઢમાંથી બહાર નીકળી ગયા. બજારે વાલો ટહેલે છે. તેણે પૂછ્યું : “કેમ ખાલી હાથે?”

“વાલા! મારાં પાપ આંબી ગયાં. હવે હું ઘડી-બે ઘડીનો મે’માન છું. મને ઝટ કબર ભેળો કર.”

મામદ જામને ઘોડે બેસાડી બહારવટિયા ચાલી નીકળ્યા.

બળધોઈથી અરધા ગાઉ ઉપર, વીંછિયાના વોંકળામાં અધરાતે ગળથે પહોરે બહારવટિયા પહોંચ્યા. એટલે મામદ જામે કહ્યુંઃ “બસ, આંહીં રોકાઓ. મારું દિલ ઠરે છે. આ વેળુમાં મારી કબર ખોદો.”

કબર ખોદાઈ.

“હવે, બેલી, ખાડાની ઊંડાઈ માપી જુઓ.”

કબરને માપી, મામદ જામની કાનની બૂટ સુધી ઊંડો ખાડો થઈ ગયો હતો.

“હવે એને વાળીને સાફ કરી નાખો.”

કબર સાફ થઈ ગઈ. પોતે પોતાની મેળે અંદર ઊતરી ગયો.

ઊભા રહીને, કબરને કાંઠે ઊભેલા પોતાના ભેરુઓને કહ્યું : “બેલીઓ, મારાં કાળાં કામાં મને આંબી ગયાં. સારું થાય છે કે હું તમારામાંથી બાદ થઈ જાઉં છું. અને હવે તમે વાલાની આમાન્યામાં વર્તજો. વાલો નીતિવાન છે. લો, ભાઈ, હવે અલ્લાબેલી છે. સહુ સજણોને સો સો સલામું છે.”

એમ બોલીને પોતે બે હાથ માથે અડાડી, દસેય દિશામાં ફર્યો. અને પછી “યા અલ્લા!” કહીને પેટ પરથી પાઘડીના બંધ છોડી નાખ્યા. છોડતાંની વાર જ આંતરડાં નીકળી પડ્યાં. મામદ જામ કબરમાં ઢગલો થઈ ગયો.

એને દફન કરીને બહારવટિયા ચાલ્યા ગયા.

“કકલ બોદલા! કમબખ્ત! અબળાને જીવતે મૂએલી કરી? આ લે, ઈનામ!”

એટલું બોલીને વાલાએ પોતાની સામે બેઠેલા કકલ બોદલા નામના સંગાથી પર બંદૂક તાકી. ગોળી છોડી. પણ પાસે બેઠેલા બીજા સાથીએ હાથ ઊંચો કરી બંદૂકની નળીને ઠેલો માર્યો. કકલના માથા ઉપર થઈ હવામાં સણેણાટી બોલાવતી ગોળી ચાલી ગઈ.

“ખરે!” કહી વાલાએ બંદૂક નીચે નાખી દીધી. “તારીયે બાજરી હજી બાકી હશે. ખુદા તારાં લેખાં લેશે!”

પોતાના સાથીઓ તરફ ફરીને એ બોલ્યોઃ “આપણું બા’રવટું થઈ રહ્યું. ભાઈઓ, આજથી બરોબર અઢી દિવસે આપણને હડકવા હાલશે.”

ડુંગરની ગાળીમાં સૂરજ આથમવા ટાણે ગમગીન ચહેરો લઈને બેઠેલા વાલાએ પોતાના સાથીઓને કળકળતી આંતરડીનાં આવાં વેણ સંભળાવ્યાં.

અને લમણે હાથ દઈને સહુ સાથીઓ એ આગમવાણી સાંભળી રહ્યા. કોઈના મોમાંથી સામો શબ્દ નીકળે તેવું નહોતું રહ્યું, તોયે થરથર ઊઠીને સાથીઓ બોલ્યાઃ “હાં! હાં! વાલા! એવડું બંધું વેણ-”

“બેલીઓ! એ વેણ વિધાતાનું સમજ્જો. આપણે ખાટસવાદિયાઓને ભેળા કર્યા. એણે તો આપણને ખોટ ન ખવરાવી, પણ આ કકલ બોદલે ખોટ ખાધી. અરેરે! ઓરતની આબરૂ લૂંટી! કુંજડીની જેમ ઓરત કળેળતી હતી, એની કાયા ચૂંથી! એના નિસાપા આપણી મોર્ય થઈ મોતની સજાયું પાથરી રહ્યા હશે એ નક્કી જાણજો, ભાઈ!”

મોરબીના ગામ ઝીકિયાળીની સીમમાં કકલ બોદલે૧ પટેલની દીકરીની આબરૂ લીધી, તે વાત પરથી વાલાએ પોતાનું ભવિષ્ય ભાખી લીધું.

વાધરાની સીમમાં માથોડું માથોડું તલ ઊભા છે. એમાં લપાઈને બપોરને ટાણે બહારવટિયા બેઠા છે. અને પેથો નામનો પગી બે બધાને લાડવા જમાડે છે. વાલે પૂછ્યું : “પેથા, આજ તો બહુ દાખડો કર્યો!”

“બાપુ! તમે મારાં ઘર ભરો છો ને હું કોક કોક વાર તમને ગળી દાઢ પણ ન કરાવું?”

“ભારી મીઠા લાડવા, હો!”

“પેથો તો આપણો બાપ છે, ભા! ન કેમ ખવરાવે?”

એમ વખાણ થતાં જાય છે, ને લાડવા પેટમાં પડતા જાય છે. એવે ટાણે કોળી પેથાએ પોતાના છોકરાને ઝાડવા માથે ચડિકા તરીકે બેસારી બહારવટિયાનું ધ્યાન ચુકાવી ચૂપચાપ રસ્તો લીધો. બહારવટિયાએ સગા બાપની માફક જે પેથાને રાખ્યો હતો ને લૂંટના માલથી ખૂબ ધરવ્યો હતો, તે જ પેથાએ એજન્સીના પોલીસ ગોરા ઉપરી ગાર્ડનસાહેબની સાથે મળી જઈ બહારવટિયાને ઝેર દેવાનો મનસૂબો કર્યો, ખાખરેચી ગામથી સાહેબે ઝેરવાળા લાડવા વળાવીને પેથાને મોકલ્યા અને એ લાડવા આજ મિયાણાઓને પીરસી દીધા. ઝેર ખવરાવીને પોતે ગાર્ડનને ખબર દેવા પહોંચ્યો.૧

વાલાને તો ખભામાં જખમ હતો, એટલે એ કરી પાળતો. એણે આ મીઠા ભોજનમાં ભાગ લીધો નથી. બીજા તમામ સંગાથીઓએ પેટ ભરીને લાડવા ખાઈ, ખૂબાખૂબ કુંપળાસર તળાવનું પાણી પીધું. થોડી વાર વિસામો લેવા બેઠા. પા-અરદો કલાક થયો, ત્યાં એક પછી એક સહુની જીભો ઝલાવા લાગી. તરત વાલાનો ભાઈ પરબત ઊભો થઈને બોલ્યોઃ

“વાલા! આપણને નક્કી ઝેર ખવરાવ્યું! અને આપણે ભીંત હેઠળ ભીંસાઈ મૂઆ.”

“ઝેર! નક્કીા ઝેર છે. કમજાત પેથો!” બીજો બોલ્યો.

“બસ, બેલી! હવે મોતની સજાઈ વખતે બૂરું વેણ ન હોય. હવે માંડો ભાગવા. અને બોદલા! તારાં કાળાં કામોનો ખુદાઈ હિસાબ ચૂકવાય છે!”

એમ બોલીને વાલો આગળ થયો. બધા ભાગવા લાગ્યા.

“યા અલ્લા!” કરીને કચ્છવાળો દાદલો ડાભી જમીન પર પટકાઈ ગયો. વાલાએ કહ્યુંઃ “બેલી, આંહીં આની લાશને કૂતરાં ચૂંથશે. એને પડતો મેલીને ચાલ્યા જાશું તો દુનિયા આપણી દોસ્તીને ફિટકાર દેશે. માટે એને તો ઉપાડી લેવા સિવાય આંહીંથી ખસવાનું જ નથી.”

દાદલાની લોથને ઉપાડીને બહારવટિયા લથડતે પગે ચાલતા થયા. પહોંચ્યા કારડિયાની પાણાખાણમાં. ફરી વાર વાલાએ હુકમ કર્યોઃ “હવે આપણો નેજો અહીં મેલી દ્યો.”

ત્યાં જ વાવટો મેલીને ઉગમણે પડખે રણમાં મોરચો કરી લડવા બેઠા. બળતે બપોરે એજન્સીની ટુકડી લઈ ગાર્ડન ગોરો આવી પહોંચ્યો.

અને સામેથી વાલાએ હાક દીધીઃ “હે દગલબાજો! ઝેર ખવરાવીને માટી થવા આવ્યા! પણ હવે તો ચૂડિયું પહેરી હોય તો જ આઘા ઊભા રે’જો ને જો દાઢીમૂછના ધણી હો તો સામે પગલે હાલ્યા આવજો!”

ઘોડા ઉપર ધોમઝાળ થઈ રહેલા ગાર્ડને ટુકડીના માણસોને કહ્યું : “જેને પોતાનાં બાયડી - છોકરાં વહાલાં હોય એ ઘર તરફ વળી જજો. જેને જાન દેવો હોય એ જ ઊભા રહેજો!”

સાહેબનું વચન સાંભળતાં સાંભળતાં તમામ સિપાહીઓ છાતી કાઢીને ચૂપચાપ ઊભા રહ્યા, નિમકહલાલી અને નેકીની સાંકળો સહુના પગમાં પડી ગઈ. સરકાર પાળેયાન પાળે, આપણાં બાળબચ્ચાંને પાળનારો પરવરદિગાર તો બેઠો જ છે ને! એવું વિચારીને સિપાહીઓ નિમકના ખેલ ખેલવા ઊભા રહ્યા. એક પણ માણસ ન તર્યો.

તરત સામેથી તાશેરો થયો. “ઓ વાલા! હમકુ મારો! હમકુ ગોલી મારો,” એવી હાકલ કરતાં કરતાં ગોર્ડનસાહેબે પોતાના ઘોડાને બહારવટિયા સામે દોડાવી મૂક્યો, પોતે ઘોડાની પીઠ પર લાંબા થઈને સૂઈ ગયા, પણ એટલામાં તો ઘોડો ચમકીને જરીક આડો તઈ ગયો અને સામેથી વાલાના ઠૂંઠા હાથ પરની બંદૂક વછૂટી. નાળ્યમાં સુસવાટા કરતી ગોળી ઘોડાની કેશવાળીમાં થઈને બરાબર સાહેબના કાંધમાં ચોંટી અને સાહેબ પટકાયો.

જાખમી થયેલો બહાદુર અને ટેકીલો સાહેબ પાછો ઊભો થઈને કિરીચ ખેંચી પગપાળો સામો દોડ્યો. પણ છેક પાણાખાણ સુધી પહોંચે તે પહેલાં તો ધડ ધડ બીજી બે ગોળી ચોંટી ને સાહેબ પડ્યો.

તેટલામાં તો બહારવટિયાઓને હાડોહાડ ઝેર પ્રસરી ગયું હતું, અને વગર માર્યા જ તે બધૌના પ્રાણ છૂટી ગયા હતા.

એજન્સી તરફથી ગાર્ડનસાહેબ, હાજી સાજણ અને મામદ ઈસાક, એ ત્રણ જણા ધીંગાણામાં વાલાની ગોળી વાગતાં કામ આવ્યા.

વાલો પણ ગોળીએ વીંધાઈ ગયો છે, છતાં પડ્યો નથી. હાથમાં બંદૂક હતી, તેનો કંદો છાતીએ દઈ રહ્યો છે. અને નાળ્ય નીચે ધરતી સાથે ટેકો લઈ ગઈ છે. એ રીતે વાલાનું નિષ્પ્રાણ શરીર બંદૂકનો આધાર મળવાથી જાણે જીવતું જાગતું હોય એવું દેખાય છે. એ વખતના એના મ્હોરાની તારીફ કરતે કરતે, ત્રણેય રાજ્યોની ફોજોએ આવીને એને ઘેરી લીધો.

મોવર સંધવાણી પણ જામનગરની ગિસ્ત સાથે આવેલો; પોતાના જૂના અને પાક ભેરુનું આવું ઊજળું મોત દેખીને એની આંખમાં હેતનાં આંસુ આવી ગયાં.

“સા...લા કમબખ્ત! લેતો જા!” કહીને એક પોલીસે વાલાની છાતીમાં બંદૂકનો કંદો માર્યો.

મોવરની આંખ એ મિત્રના મોતનું અપમાન દેખીને ફાટી ગઈ. એણે કૂંદો મારનાર પોલીસની સામે ડોળા કાઢીને કહ્યું : “હવે મરી ગયા પછી તારા બાપને શું મોં લઈને મારી રહ્યો છે? જીવતાં ભેટો કરવો’તો ને?”

પોલીસે પોતાની ભરેલી બંદૂક મોવર સામે તાકી. પલકમાં જ ઘોડો ચંપાતાં મોવર વીંધાઈ જાત. પણ મોવરે અરધી પલમાં તો એ ઉગામેલી બંદૂકની નાળને હાથનો ઝાટકો મારી જરાક ઊંચી કરી દીધી, અને વછૂટતી ગોળી, મોવરના માથા ઉપર થઈને ગાજતી ગાજતી ચાલી ગઈ.

“કોઈ મિયાણાના પેટનો આંહીં હાજર છે કે નહિ? જોઈ શું રહ્યા છો હજુ?”

એટલી હાકલ મોવરના મોંમાંથી પડતાં તો પહાજ જેવા મિયાણા ધસી આવ્યા. ધીંગાણું જામી પડ્યું હોત, પણ બીજા શાણા માણસોએ મોવરને ફોસલાવી પંપાળી ટાઢો પાડ્યો.

વાલાના ડચકાં મોમાં પાણી મેલીને મોવરે કહ્યું : “વાલા, તારા જીવને ગત કરજે, તું મફતનો નથી મર્યો પણ એક ગોરાને અને બે બીજા અમલદારોને મારીને મર્યો છો.”

તારી ટપાલું તણા, વિલાતે કાગળ વંચાય,

(ત્યાં તો) મઢમું બંગલામાંય, વાળે મોઢાં વાલિયા!

(હે વાલા! વિલાયતમાં આંહીની ટપાલ વહેંચાય છે, ત્યારે કંઈક મઢમો પોતાના ધણીનું તારે હાથે મૃત્યુ થયું જાણી મોં ઢાંકી રુદન કરે છે.)

વાલાના મોતની ખબર જુનલા ગંડને પહોંચી. જુમલાએ રાજકોટ સરકારને જાસો મોકલ્યો કે “વાલાને દગાથી માર્યો છે, પણ હવે તમે ચેતના રહેજો.”

ધ્રાંગધ્રા તાબે મેથાણ પાસેના વોંકળામાં જુમલો છુપાયો છે. સાહેબની ગિસ્ત ત્યાં આવવાની હોવાના એને સમાચાર મળ્યા છે. જુમો તો ગાંઠ વાળીને બેઠો છે કે પહેલે જ ભડાકે સાહેબનું માથું ઉતારી લેવું.

ગિસ્ત લઈને ધ્રાંગધ્રા પોલીસનો ઉપરી સૂટરસાહેબ ચાલ્યો આવે છે. એ કાબેલ ગોરો સમજી ગયો છે કે જુમાની ટોપીવાળાને જ ગોતી લેશે.

એટલે એણે કરામત કરી. પોતાની સાથેના એક પઠાણને સારી પેઠે દારૂ પીવડાવી, ચકચૂર બનાવી, પોતાનો પોશાક પહેરાવ્યો અને પોતે પઠાણનો વેશ પહેર્યો. સાહેબને વેશે બેભાન પઠાણ બહારવટિયાઓની સામે ચાલ્યો.

તરત જુમાની ગોળીએ એના ચૂંથા ઉરાડી મૂક્યા.

ત્યાં તો એકલા જુુમલા ઉપર પચાસ ગોળીઓની પ્રાછટ બોલી, જુમો વીંધાઈ ગયો. જરાક જ જીવ રહ્યો હતો છતાં જુમો પડ્યો નહિ.

એની બંદૂકની નળી ધરતી સાથે ટેકો લઈ ગઈ, અને કંદો છાતીએ ગોઠવાઈ ગયો. એ રીતના ટેકે જુમો મરતો મરતો પણ જીવતા જવાંમર્દની માફક બેઠો રહ્યો.

“શાબાશ જુમા! શાબાશ જુમા! તુમ હમકુ માર દિયા! તુમ હમકુ માર દિયા.” એવી શાબાશી દેતો દેતો સૂટરસાહેબ જુમાને થાબડવા લાગ્યો.

ત્યારે જુમાએ તો છેલ્લે ડચકારે પણ ડોકું ધુણાવ્યુંઃ સમસ્યા કરીને સાહેબને સમજાવ્યો કે “તને હું નથી મારી શક્યો. ભૂલથી મેં પઠાણને માર્યો. મારી મનની મનમાં રહી ગઈ, મને શાબાશી મ દે.”

જુમાના નાશ વિશે બીજી વાત એમ ચાલે છે કે : એની ભૂખે મરતી ટોળી મેથાણના વોંકળામાં બેઠી છે. તે વખતે એક જાન ત્યાંથી નીકળી. ભેળો જે વોળાવિયો હતો, તેનું નામ સૂજોજી જત. એ ગરમઠ ગામનો રહીશ હતો અને જુમાને રોટલા પહોંચાડતો. એણે કહ્યું કે ‘જુમા! મારી મરજાદ રાખ. જાનને મ લૂંટઊ!’ પણ જુમાએ ન માન્યું. સૂજાજીએ ગુપચુપ એક જાસૂસને આસપાસ ખબર દેવા દોડાવ્યો ને આંહી જાનનાં ઘરેણાં ઢગલો કરી બહારવટિયા પાસે મૂક્યાં. પોતે લૂંટારાની અને જાનની વચ્ચે સમજાવટ કરાવવા લાગ્યો, ત્યાં તો સૂજોજી પોતાને મારવાની પેરવી કરે છે એવો શક પડતાં જુમાએ એને ઠાર કર્યો.

આ સમાચાર સૂજાજીની ઓરતને પહોંચ્યા. બહાદુર સ્ત્રી ગાડું જોડાવી, અંદર પાણીનું માટલું મુકાવી પોતાના ધણીનું શબ લેવા લૂંટારાઓની પાસે આવી. માર્યા પછી પસ્તાતો જુમો સૂજાજીની શરીર પાસે બેઠો છે. બાઈએ આવીને ફિટકાર દીધો અને કહ્યું કે “હવે જો સાચી મિયાણીના પેટના હો તો આનું વેર વાળનારો કોઈ પહોંચે ત્યાં સુધી ખસશો મા.”

“અરે માડી!” જુમાએ જવાબ દીધોઃ “અમારો કાળ આવી રહ્યો છે. નીકર અમને આવું ન સૂઝે. હવે તો ક્યાંય નાસ્યા વગર અમારે આંહીં જમ મરવું છે. પણ, બેન, અમે તરસ્યા છીએ. પાણી પાઈશ?”

ઓરતે પોતાના ધણીના મારનારાઓને માટલામાંથી ઠંડું પાણી પિવાડ્યું.

દરમિયાન તો સેડલા ગામે થોભણજી નામના અઢાર-વીસ વર્ષના જુવાન જતને પોતાના કાકા સૂજાજીના મોતની ખબર પડી. એક તરવાર લઈને એ નીકળ્યો. કાકાની ડેલીએ જઈ, ફાતિયો પઢી, એ એકલો મેેથાણને વોંકળે આવ્યો. આવીને જુએ તો ધ્રાંગધ્રાના પોલીસ ઉપરી સૂટરની તથા બજાણા પોલીસની ટુકડીઓને દૂર રહી વોંકળામાં લપાયેલા બહારવટિયા પર ફોગટના ગોળીબાર કરતી દીઠી. એ સંખ્યાબંધ હથિયારધારીઓમાંથી કોઈની હામ લૂંટારાઓની છાતી ઉપર જઈ પહોંચવામાં નથી ચાલી.

એક તરવાભેર થોભણજી એકલો દોડ્યો. લૂંટારાઓ પર ત્રાટક્યો. પાપથી ઢીલા બની ગયેલા સાતેય જણા એ જુવાનની એકલી તરવારે પતી ગયા.

પતાવીને થોભણજી બહાર નીકળવા જાય છે. મિયાણાઓ બાંધે છે તેવી ‘ગંધી’ એ પણ કમ્મર પર બાંધેલી હતી. દૂરથી સૂટર ભરમાયો કે એ બહારવટિયો છે. સૂટરની ગોળી છૂટી. થોભણજી ઢળી પડ્યો.

આજુબાજુથી એકઠા થઈ ગયેલા જતો આ નિર્દોષના મૃત્યુથી ઝનૂન પર આવી ચડ્યા. (તેઓને વહેમ પડ્યો કે બહારવટિયાઓને મારવાનો જશ ખટવા માટે જાણીબુજીને સૂટરે એને માર્યો.) પણ બજાણાના પોલી-ઉપરીએ સહુને શાંત કરી લીધા.

રાવણહથ્થાવાળા નાથબાવાઓ જુમલા ગંડનો એક રાસડો નીચે મુજબ ગાય છેઃ

ગંઢ કાંથડના જુમલા રે વાગડને રે’વા દે !

ચાર ભાઈઓનું જાડેલું જુમા,

પાંચમો ભાવદ પીર.

- કાંથડના.

પડાણ માગે ગંઢડા નીકળ્યા,

લીધી વાગડની વાટ.

- કાંથડના.

ઘોડલે ચડતા ખાનને માર્યો,

હમીરીઓ ના’વ્યો હાથ.

- કાંથડના.

પ્રાગવડ ભાંગી પટલને માર્યો,

ચોરે ખોડ્યાં નિશાણ.

- કાંથડના.

ઝંડિયો ડુંગર ઘોડલે ઘેર્યો.

ઘણાનો કાઢ્યો ઘાણ

- કાંથડના.

અંજારની સડકે સાધુ જમાડ્યા,

બોલો જુમાની જે.

- કાંથડના.

પગમાં તોડો હાથમાં નેજો,

ભાવદી ભેળો થાય.

- કાંથડના.

મિયાણા વાલા મોવરનું બહારવટું કોઈ રાજ તરફના અન્યાયમાંથી ઊભું નહોતું થયું, પણ ઓરતોની લંપટતાથી જ પરિણમ્યું હતું. વાલો

ચોરીઓ કરતો અને ચોરીના સાહસમાં જ એનો એક હાથ ઠૂંઠો થયો હતો એ વાત પણ ચોક્કસ છે.

જીવવા પાત્રો જડ્યાં છે.

(લેખક લોકસાહિત્યની શોધનકથા ‘પરકમ્મા’માં)’

(મારી ટાંચણપોથીનું) પાનું ફરે છે- મિયાણા બહારવટિયા વાલા નામોરીની મેં લખેલી કથાના કિસ્સા પૂરા પાડનાર માણસનો પતો મળે છે. સ્વ. દરબાર કાંથડ ખાચરની રાજપરાની ખળાવાડમાં એ હવાલદાર હતો. પડછંદ, સીધો સોટા સરીખો, ઘાટી સફેદ દાઢી, જબાને મૂંગો, કરડી પણ ગંભીર આંખોઃ ઓળખાવ્યો ત્યારે જ ખબર પડી, કે વાલા નામોરી અને મોવર સંધવાણીના બહારવટામાં જાતે જોડનારા એ મિયાણો હતો. એણે મને પેટ દીધું, સમસ્ત બહારવટાની કથા કહી, પોતે એ પ્રત્યેક કિસ્સાનો સાક્ષી જ માત્ર નહીં પણ સક્રિય પાત્ર હતો, ચારણ, ભાટો અને કથાકારો જ મને ઉટાંગ વાતો કહી ઘયા છે એ માન્યતા ખોટી છે. ઘટનાનાં જીવતાં પાત્રો મને સાંપડ્યાં છે. તેમની વિશ્વસનીયતાને મેં ચકાસી જોઈ છે. તેેમણે સારું - બૂરું બેઉ દિલ ખોલીને સંભળાવ્યું છે. તેમણે તો પોતાને વિશે પ્રચલિત કેટલીક અતિ શોભાસ્પદ અને ભભકભરી વાતોને પણ સરળ ભાવે ઈનકાર કર્યો છે.

એ વૃદ્ધ મિયાણાના છેલ્લા શબ્દો - કલ્યાણકારી શબ્દો - ટાંચણમાંથી અહીં ઉતારીને હું તેને સલામો દઉં છું. “વાલો મોરઃ ઘઉંલો વાનઃ સામાન્ય કદનોઃ શરીરે મજબૂતઃ સ્વભાવ બહુ સાદો શાંતઃ કોઈ ગાળ દે તો પણ બોલે નહિઃ કોઈ દી હસે નહીંઃ કોઈ દસ વેણ બોલે ત્યારે પોતે એક બોલેઃ સાંજ પડ્યે બંદૂકને લોબાન કરેઃ એની હાજરીમાં ભૂડું બોલાય નહીં.”

આ બહારવટિયો! આ મિયાણો! આવા શીલવંતા કેવે કમાતે ગયા! આમ કેમ થયું પરચક્રને પ્રતાપે જ તો. બહાદુરોને બદમાશો કરી ટાળ્યા.

Rate & Review

Sahevag Ahir

Sahevag Ahir 1 week ago

Thakor Jignesh

Thakor Jignesh 11 months ago

Bhil Koli

Bhil Koli 2 weeks ago

Yash

Yash 3 weeks ago

Jitesh Talaviya

Jitesh Talaviya 4 weeks ago