Bhadram Bhadra - 12 in Gujarati Comedy stories by Ramanbhai Neelkanth books and stories PDF | ભદ્રંભદ્ર - પ્રકરણ - 12

ભદ્રંભદ્ર - પ્રકરણ - 12

ભદ્રંભદ્ર

રમણભાઈ મ. નીલકંઠ

૧૨. પોલીસચોકીમાં

મારામારીમાં કેટલાકને ભયંકર ઈજાઓ થઈ હતી અને ઘણાએ ભદ્રંભદ્રનું નામ બતાવ્યું હતું. પકડતી વખતે સામા થવાનો ભદ્રંભદ્રે પ્રયત્ન કર્યો. મેં આવી પહોંચી તેમને છોડાવવાનો પ્રયત્ન કર્યો, તેથી અમને બંનેને પકડી જાપતામાં રાખી પોલીસચોકીમાં લઈ ગયા. રસ્તે ચાલતાં કંઈ સ્વસ્થતા પામ્યા પછી ભદ્રંભદ્ર બોલ્યા,

'અંબારામ, આજનો દિવસ હું સંતાઈ રહ્યો હઈશ એમ બધા ધારતા હશે. પણ, હું તો અનેક ચમત્કારોના દર્શનમાં ગુંથાઈ રહ્યો હતો; તેનું વર્ણન —'

પોલીસના એક સિપાઈએ ડંડો ઊંચકી ભદ્રંભદ્રના બે હોઠને ઇચ્છા ઉપરાંત મેળાપ કરાવ્યો. ચોકીને પગથિયે ચઢતાં વળી તે બોલ્યા,

'સોનારૂપાના વાળવાળી રાણીના મહેલને ઓટલે તેના ભવિષ્યનો ધણી થનાર રાજા ચઢ્યો; તેમ હું આજ રક્ષાભવનમાં પ્રવેશ કરું છું. એથી ઘણા ઉત્પાત થશે એમ અંબારામ, નક્કી માનજે, સુધારારૂપી ત્રિયારાજ હવે ટકવાનું નથી. મારા વિજયઘોષ માટે આ રણશિંગું તૈયાર રાખેલું છે.'

ભદ્રંભદ્ર કોઈ ઠેકાણે ભાંગ કે એવું કંઈ પી આવ્યા હોય તેમ લાગતું હતું. સિપાઈના ફટકાનો સ્પર્શ તેમના મનમાં લાંબા વખત સુધીની લાગણી ઉત્પન્ન કરતો. મારા કરતાં તેમનું ચિત્ત વધારે પ્રસન્ન હતું. આ ઠેકાણે રાત કેમ જશે તેની મને ચિંતા થતી હતી. પણ ભદ્રંભદ્ર બોલ્યા :

'ઉતારો ઠીક છે. પણ છાપરું સહેજ નીચું છે અને જાળી એક જ છે. પરંતુ સારી ગોઠવણ થઈ શકશે. આ હુક્કો અહીંથી લઈ લેવો પડશે. ગોળી પણ બ્રાહ્મણિયા નહિ હોય. ખાટલો તો છો રહ્યો, પથારી કરતી વખતે ઢાળજો. ઓહો ! બીજા ગૃહસ્થો પણ અહીં બિરાજેલા છે. જરા સંકડાશે પડશે, પણ વાતો કરવાનું અનુકૂળ પડશે.'

પોલીસના સિપાઈ ભણી ફરીને કહ્યું, 'આ બધા માટે અત્યારે દશમી જ થવાની હોય તો મારે પણ તે જ ચાલશે. દૂધની હશે એટલે નહાવા કરવાની હરકત નહિ પડે. પણ રાંધનારને અને જમનારને પાણીનો જરા પણ સ્પર્શ થવો ન જોઈએ. એમાં તો ગંગાનું પાણી પણ અપવિત્રતા કરાવે. દશમી બાંધવાના દૂધને પન પાણીનો સ્પર્શ થવો ન જોઈએ. દૂધમાં પણ ઘણો અંશ પાણીનો સ્વાભાવિક રીતે હોય છે એમ સુધારાવાળા કહે છે તે હું નથી માનતો. એ તો માત્ર આર્યધર્મ ડુબાવવાને રસાયણશાસ્ત્રીઓની જોડે મસલત કરી વંચના ઊભી કરેલી છે. જલથી શરીર અને આત્મા શુદ્ધ થાય છે, પણ અન્ન અશુદ્ધ થાય છે, કેમકે વનસ્પતિના દેવ સોમનું ગ્રહણ થાય છે.'

ચોકીમાં કોઈ દહાડો ન બનેલી અપૂર્વ વર્તણૂક જોઈ સિપાઈ વિસ્મય પામી ભદ્રંભદ્રના સામું જોઈ રહ્યો હતો. બીજાએ કહ્યું, 'હાસમ ફટકાવ ને, અબી ચૂપ હો જાયગા.'

'દીવાના હે કે ક્યા ?' એમ શંકા બતાવ્યા છતાં હાસમે ફટકાવી ભદ્રંભદ્રને જાગૃતિ આપી. તેને નિષ્ફળ કરવા ભદ્રંભદ્ર માત્ર મનને જાગ્રત કરી જીભ બંધ કરી બેઠા. પોલીસના એક-બે અમલદારો આવી ગયા. તેમણે અમને કેટલાક પ્રશ્ન પૂછ્યા. ભદ્રંભદ્રના ઉત્તર સાંભળી 'તોફાન કરે તો ફટકા લગાવવા'ની ભલામણ કરી તેઓ ચાલ્યા ગયા. થોડી વારે ભદ્રંભદ્રે પાછી ભોજનની માગણી કરી. એક બીજા સિપાઈએ આવી થોડા ચણા આપ્યા અને પછી લાત લગાવી. સંપ્રદાયનો ક્રમ શાસ્ત્રાનુસાર ફેરવી ભદ્રંભદ્રે પહેલી લાત ખાઈ લીધી એ પછી ચણા ખાવા માંડ્યા. ચણા ખાઈ રહી થોડી થોડી વારે પાસેના ઓરડાના સિપાઈઓને શાંત જોઈ ભદ્રંભદ્ર બોલ્યા :

'ચણા ખાવાનું શાસ્ત્રમાં પુણ્ય લખ્યું છે તેથી મેં તે સ્વીકાર્યા. ચણાના ગર્ભમાં જે વાયુ છે તેના સેવનથી પ્રાણાયામ કરવાની શક્તિ વધે છે, તેથી જ લડાઈ વખતે સિપાઈઓ ચણા ખાય છે. પ્રાણાયામ કરવામાં આટલું મહોટું અંગબળ અજમાવાય છે કે લડાઈમાં બંને લશ્કર સામસામાં પ્રાણાયામ કરીને ઊભાં રહે છે. જેનો પ્રાણાયામ વધારે વાર ટકે તે જીત્યા કહેવાય છે. લડાઈમાં દારૂગોળા કે સંગીનથી મારામારી થાય છે એવી બધી વાતો સુધારાવાળાઓએ ચણાને બદલે સેવો ખાવા સારુ જોડી કહાડેલી છે.'

વધારે વાત ચલાવવાની મારી વૃત્તિ નહોતી. હાથના બંધનને લીધે અમને ઊંઘ આવતી નહોતી. જે બીજા બે માણસોને અમારી પહેલાંના ચોકીમાં આણી બેસાડેલા હતા તે હજી લગી કેવળ શાંત થઈ બેસી રહ્યા હતા. કેટલીક વારે બધું ચૂપ જોઈ તેમાંના એકે કહ્યું, 'રમાલ પાના, રરાક પાના રીક પાના રણાય પાના રે પાના.'

બીજાએ ઉત્તર દીધો, 'રાં પાના.'

થોડી વાર મૂંગા રહી પહેલાએ ફરી કહ્યું, 'રજવું પાના રોઉં પાના ? રંઈ પાના રશે પાના ?'

બીજાએ ઉત્તર દીધો, 'રીછે પાના.'

આ પ્રશ્ન શા હતા અને તેના ઉત્તરમાં બીજાએ શી આજ્ઞા આપી તે કશું સમજાયું નહિ. અર્થ જાણવાની જિજ્ઞાસાથી ભદ્રંભદ્ર બોલ્યા, 'સદ્ગૃહસ્થો, આપ પાના પાના કહી ખાવાનાં પાન કરતા હો તો મારે માટે પણ એક બીડી કરજો. ચણા પચવા જરા કઠણ છે અને પાન પાચક છે, શાસ્ત્રમાં હરકોઇના હાથનાં પાન ખાવાની ના નથી લખી.'

કોઈએ ઉત્તર દીધો નહિ તેથી વળી પાછું સર્વ નિ:શબ્દ થયું.

ચિત્તના ઉદ્વેગની તીવ્રતા કંઈક ઓછી કરવા અને ભદ્રંભદ્રને બોલતા બંધ કરવા મેં ભીંતને અઢેલી આંખો મીંચીને પડી રહેવાનો પ્રયત્ન કર્યો. ભદ્રંભદ્રના અનુસરણમાં કીર્તિ કરતાં અપકીર્તિ વધારે થાય છે. સુખ ઓછું છે અને પીડા ઘણી છે. આશા ઉત્પન્ન કરનાર માત્ર ભદ્રંભદ્ર છે અને નિરાશા કરનાર આખું જગત છે; એવા વિચાર મને આવવા લાગ્યા. કદાપિ કેદમાં જવાનો વખત આવશે તો કષ્ટ અને અપમાન કેમ સહન થશે એ કલ્પનાથી હું ભયભીત થવા લાગ્યો. વળી, ભદ્રંભદ્રના આર્યધર્માભિમાનનો વિચાર આવ્યો અને મારામાં એ અભિમાન ઓછું છે તેથી જ હું કેદમાં જવાને ઓછો રાજી છું એમ લાગ્યું. ભદ્રંભદ્ર માટે પૂજ્યબુદ્ધિ જાગ્રત થઈ અને મને કંઈક હિંમત આવી. ભદ્રંભદ્રની સંગતિમાં શરીરપીડા ખમવામાં પણ ઉત્સાહ કેટલો આનંદ આપે છે. માર ખાવામાં પણ તપશ્ચર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે એ ભદ્રંભદ્રનું કહેવું કેટલું સત્ય છે, એ વિચાર આવ્યો. આવા વિચારક્રમમાં સ્મૃતિ ઝાંખી થતી જતી હતી અને આંખો સહેજ મળવા આવી હતી એવામાં, ભદ્રંભદ્રે બૂમ પાડી કે, 'મને કંઈ કરડ્યું' તેથી હું ચમકી સાવધ થયો. ભદ્રંભદ્રને પગને અંગૂઠે કંઈ કરડ્યું હતું પણ અંધારાને લીધે શું કરડ્યું હશે તે જણાતું નહોતું. આથી અમારો ગભરાટ વધ્યો. હું ને ભદ્રંભદ્ર સિપાઈને બોલાવવા લાગ્યા. એક સિપાઈએ આવી પ્રથમ બધાને સારી પેઠે ફટકા લગાવ્યા. 'એ બમન કબસે સોને નહિ દેતા હે' એ કારણ બતાવી ભદ્રંભદ્રને બીજા કરતાં વિશેષ વાર કાષ્ઠ તથા ચર્મનો સ્પર્શ કરાવ્યો. એ પ્રમાણે અભિનંદન આપ્યા પછી સિપાઈએ ગરબડનું કારણ પૂછ્યું. કારણ જાણી દયા આણી દીવો લેવા ગયો. તે ગયો એટલે ભદ્રંભદ્ર બોલ્યા :

'દુ:ખ માટે આર્તરવ કરવો એ શું શાસ્ત્રાનુસાર નથી ? કદાપિ આ સર્પદંશ હશે અને હું વિદેહ થઈશ તો જગતનું શું થશે ? આર્યમંડળનું શું થશે ? આનો ઉપાય ત્વરાથી થવો જોઈએ.'

મેં કહ્યું, 'જિજ્ઞાસાને તાડનમાં લીન કરી અપૃચ્છાને આગળ થવા દેવી એ કેવળ મૂર્ખતા છે. દંશ કરનાર પ્રાણી ગમે તે હશે પણ તેના દોષે રક્ષકની અને સર્વની નિદ્રાનો ભંગ કરાવ્યો તો તાડન તેને એકલાને જ ઉચિત હતું.'

ભદ્રંભદ્ર બોલ્યા, 'ઉચિત અનુચિતની હમણાં વાત નથી. મારા દંશનો પ્રતિકાર કરો. હું મરી જઈશ તો ઔચિત્યનો નિર્ણય કરનાર પણ કોણ રહેવાનું છે ?'

સિપાઈએ દીવો લાવી બધે ઠેકાણે તપાસ કરી પણ કરડી જાય એવું કશું જણાયું નહિ. અંગૂઠે દાંત પડેલા હતા પણ તે બહુ તીણા નહોતા. લોહી નીકળતું નહોતું. ભદ્રંભદ્રની બૂમો છતાં તેમની મુખરેખા પરથી જણાતું હતું કે વેદના બહુ થતી નહોતી. પાણીનો પાટો બાંધવાનો આપી સિપાઈ પાછો સ્વસ્થ થવા લાગ્યો.

ભદ્રંભદ્ર કહે, 'સુધારાના પ્રબળમાં મંત્ર જાણનાર પણ ઓછા થઈ ગયા છે. સર્પ જેમ મંત્રશ્રવણથી મોહ પામે છે, તેમ તેનું વિષ પણ મનુષ્યના શરીરમાં પેઠા પછી મંત્રોચ્ચાર સુણી સ્તબ્ધ થઈ ઊભું રહે છે. મંત્ર ભણનારના હસ્તના ચલન સાથે તેમાંથી પ્રાણવાયુ ઝરતાં વિષને તે વાટવાકર્ષણથી નીચે ઉતારે છે અને દંશને સ્થાનેથી તે પાછું બહાર નીકળી જાય છે. લોહીમાં વિષ કદી ભળતું જ નથી. પણ સુધારાવાળા વહેમ કહી આ માનતા નથી અને જગતના ઉત્તમ પુરુષોનો સર્પદંશથી નાશ થવા દે છે.

જે બીજા બે માણસોને ચોકીમાં પુરેલા હતા તેમાંનો એક બોલ્યો, 'અરે ઉલ્લુ, સાપ તો કંઈ નથી પણ તારો બાપ તને કરડ્યો છું. તારાં ગજવાં તપાસ્યાં પણ પણ કંઈ જડ્યું નહિ તેથી ચીડ ચડ્યાથી તારો અંગૂઠો કરડી ખાધો. માર ખાવો હોય તો સિપાઈને કહેજે. મારા હાથ બાંધેલા છે તેથી કોઈ માનવાનું નથી.'

મેં પૂછ્યું, 'ત્યારે ગજવાં તપાસ્યાં શી રીતે ?'

તેણે કહ્યું, 'પેલી સોટી મ્હોમાં લઈને. અરે જાને, ગમે તે રીતે; એ સોટી તો ગુમ થઈ ગઈ.'

સિપાઈની ઊંઘમાં ફરીથી ખલેલ પાડવાનું અમને દુરસ્થ જણાયું નહિ, તેથી જાગતા રહી સવાર થવાની વાટ જોવા લાગ્યા. સવાર થયા પછી એક-બે પોલીસ અમલદારોએ આવી અમારી પાસેથી જવાબ લીધો અને બદલામાં ગાલિપ્રદાન આપી ચાલતા થયા.

થોડી વાર પછી અમને બેને એક મૅજિસ્ટ્રેટને મુકામે લઈ ગયા. પણ તે શિકાર કરવા ગયેલા હોવાથી બીજાને ત્યાં લઈ ગયા. તેમને બિલકુલ ફુરસદ ન હોવાથી ત્રીજાને ત્યાં લઈ ગયા. થોડી વારમાં સોમેશ્વર પંડ્યાને અને તે રાત્રે મળેલી નાતમાંના બીજા કેટલાકને પણ પોલીસવાળા ત્યાં લઈ આવ્યા. ભદ્રંભદ્ર તેમને આવકાર દેવા જતા હતા પણ દંડપ્રહારનો ભય ઉત્પન્ન થતાં મૌન ધારણ કરવું યોગ્ય ધાર્યું. જાતતપાસ સારુ અમને સર્વને કેદમાં રાખવાની પોલીસે પરવાનગી માગી. તે પરથી ભદ્રંભદ્ર બોલ્યા :

'ન્યાયાધ્યક્ષ, નરકમાં સાથે રહેવાનું હોય તોપણ હું આ બ્રાહ્મણચાંડાળોથી ભિન્ન ગ્રામમાં વાસ કરું. એમના સંસર્ગથી હું તાડનનો ભય રાખું છું તેમ નથી, પણ એમનો સ્પર્શ દૂષિત કરે છે, એમનો સહવાસ ભ્રષ્ટતા કરાવે છે.'

'ચૂપ રહેવા'નો હુકમ થવાથી ક્ષણ વાર શાંત થઈ ભદ્રંભદ્રે કહ્યું, 'મારું કહ્યું સાંભળવું જોઈએ. ગઈ રાત્રિમાં મને અસહ્ય દુ:ખ પડ્યું છે.'

મૅજિસ્ટ્રેટે કહેવાની રજા આપવાથી ભદ્રંભદ્રે રાતનો કંઈ વૃત્તાંત આપ્યો. પણ પોલીસ અમલદારે કહ્યું કે, 'આ આદમી બહુ જ તોફાન કરતો હતો માટે તેને સખત જાપ્તામાં રાખવો પડ્યો છે તે સિવાયની બધી વાત જૂઠી છે.' તેથી એ વિના બીજું કહેવું હોય તે કહેવાની રજા મળી. ભદ્રંભદ્રે કહ્યું, 'જે અસત્યવાદીએ મારું નામ અપરાધીમાં ગણાવ્યું હોય તે મારા બ્રહ્મતેજથી અજ્ઞાત હોવો જોઈએ. બ્રાહ્મણને દેવ, દાનવ ને ગંધર્વ નમે છે, તો મનુષ્યની શી ગણતરી છે ? મારા તેજને બળે હું અદૃશ્ય થઈ જતો રહી શકું છું. પણ, તેમ કરું તો આ રક્ષકો શિક્ષાપાત્ર થાય માટે દયા આણીને જ હું તેમને વશ રહું છું. મારા તેજના બળે આ સર્વ અધિકારીવર્ગને બાળીને ભસ્મસાત્ કરી શકું છું. પણ તેમ હું કરું તો આ દુષ્ટો પણ શિક્ષા પામ્યા વિના છુટી જાય માટે જ તેમને યોગ્ય દશાએ પહોંચાડવા હું મારો કોપ શમાવું છું. તો મારા જેવા તેજસ્વીને પૂરી રાખવાથી શો લાભ છે ? મારા જેવા મહાપુરુષને જગતનું કલ્યાણ કરતાં અટકાવી નિયંત્રણમાં રાખશો અને રક્ષકોને મારો સંસર્ગ કરાવશો તો તમને હાનિ એ થશે કે સર્વે રક્ષકોને હું ઉપદેશ કરી સુધારાના પક્ષમાંથી આર્યપક્ષમાં લઈ લઈશ અને તમારી સેવા મૂકી દઈ તેઓ સંન્યાસી થઈ જશે. શ્યામ વસ્ત્ર તજી દઈ ભગવાં ધારણ કરશે અને રાત-દિવસ મારી કથા શ્રવણ કરતાં મ્હોં પહોળાં કરી દિગ્મૂઢ જેવા મારી સમક્ષ બેસી રહેશે. માટે મુક્ત કરવામાં તમને જ લાભ છે. એ ધ્યાનમાં લો.'

ભદ્રંભદ્રના આ પ્રમાણબળથી મૅજિસ્ટ્રેટ અને રક્ષકવર્ગ નિરુત્તર થઈ લજ્જા પામી નીચું જોઈ રહેશે અને એમને છોડી દેવાની આજ્ઞા એકદમ કરશે, પણ તે મહોટે સ્વરે કહેવાની તેમનામાં હિંમત નહિ રહે, એમ ધારી મંદ શબ્દ સાંભળવા મેં કર્ણને તત્પર કર્યા. પણ મૅજિસ્ટ્રેટે ભદ્રંભદ્રને એટલું જ કહ્યું કે 'વધારે બકબકાટ કરીશ તો કોર્ટના અપમાન માટે સજા કરવામાં આવશે.'

પોલીસને બીજે દિવસે સર્વેને ફરી હાજર કરવાનો હુકમ કર્યો. ફરી હાજર કર્યા ત્યારે ભદ્રંભદ્રના મિત્રોએ અમને જામીન પર છોડવાની અરજ કરી. ભદ્રંભદ્રની વર્તણૂક શાંત થઈ હતી તેથી વાંધો ઓછો હોવાથી અમને છોડ્યા.

***

Rate & Review

PARIMAL DAVE

PARIMAL DAVE 1 year ago

Shagufta Memon

Shagufta Memon 4 years ago

Mitesh Vachheta

Mitesh Vachheta 5 years ago

Nilesh M

Nilesh M 5 years ago

Jignesh Patel

Jignesh Patel 5 years ago