Loveni Bhavai books and stories free download online pdf in Gujarati

લવની ભવાઈ

લવની ભવાઈ-આસ્વાદ

મનન બુધ્ધદેવ

જ્યારે તમને કોઈ ગમેને....

ત્યારે બધું ગમવા લાગે......

આ શબ્દો છે ૧૭ નવેમ્બરે રીલીઝ થયેલી નોખી ભાત પાડતી અનોખી ફિલ્મ ‘લવની ભવાઈ’ના.

હોસ્પિટલનાં બિછાને પડેલી ‘માં’ની તબિયત સુધરી જતાં જે હાશકારો અને સંતોષ થાય એવો જ અનુભવ આ ફિલ્મ જોઇને થયો. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો માઈલસ્ટોન કહી શકાય, એવી આ ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મ ડીરેક્ટર-પ્રોડ્યુસર દંપતિ સંદિપ-આરતી પટેલે જે દિલ રેડ્યુ છે, કાબિલ-એ-દાદ! આ ખાલી ફિલ્મ નથી, સર્જન છે. – દરેક પાસામાં ખરું ઉતારે એવું સર્જન!

મોડી મોડી પણ આ ફિલ્મ તો જોય લીધી જ અને છઠ્ઠા અઠવાડિયા સુધી ગુજરાતી ફિલ્મનો હાઉસફુલ શો જોઈને ગુજરાતી તરીકે છાતી ૫૬ઇંચની થઇ ગઈ. પ્રસ્તુત છે આ ફિલ્મનો આસ્વાદ....

ફિલ્મનાં પોસ્ટર્સ કે ટ્રેલર પરથી કળી શકાય કે પ્રણયત્રિકોણ હશે- સ્ટોરી પ્રેડીકટેબલજ હશે, અમે છે પણ તેમ છતાં the way of Presentation લાગણીથી ભરપૂર છે. ફિલ્મનું ટાઈટલ ‘લવની ભવાઈ’ આખા ફિલ્મમાં રજુ થતી ઘટનાઓ કે જે ભવાઈની જેમ જાહેરમાં થાય છે તે રજુ કરે છે. પાત્રોના નામ પણ સૂચક છે. અંતરથી વિચારે તે અંતરા. ફિલ્મમાં સવારનો શો કરતી RJ અંતરા રોજ ઉગતા આદિત્ય (સૂર્ય)થી પોતાના દિવસની શરૂઆત કરે છે, તેનું રોજિંદુ જીવન સૂર્ય ઉગે પછી જ તો શરૂ થાય છે, તો વળી તેને રીફ્રેશ કરે છે સાગર (દરિયો)!! તે તેના હૃદયની ખૂબ જ નજીક છે. અંતરાને એકાંતમાં સાગરની સામે બેસીને પોતાની જાત સાથે વાતો કરવી ખુબ જ ગમે છે. પડદા પાછળ પ્રતીકાત્મક રીતે ઘણું કહેવાયું છે. તો કેટલાક One Liner અમીટ છાપ છોડી જાય એવા છે.

“ગણતરીનાં જ એવા સંબંધો છે, જ્યાં ગણતરી નથી હોતી!”

“પ્લાનિંગથી પ્રોજક્ટ કરાય, જિંદગી થોડી જીવાય !”

“તું કોની સાથે રહેશ ?”-“મારી સાથે”

છેલ્લી ઘણી ફિલ્મોથી પોતાનું અલગ જ સ્થાન બનાવી ચુકેલો મલ્હાર ઠાકર (આ ફિલ્મમાં સાગર) આ ફિલ્મમાં પણ જોરદાર ખીલે છે. અમદાવાદની પોળમાં રહેતાં મધ્યમવર્ગીય છોકરાનું પાત્ર ખુબ જ ફ્રેશ લાગે છે, ને એની દિલફેંક અદાઓ- જે છોકરી જોવે એ ગમી જાય ! ચોવીસ છોકરીઓ દ્વારા રીજેક્ટ થયેલો ( સાડા અઢારમાં તો વન સાઈડેડ લવ જ હતો!) આ ફૂટડો સાચા પ્રેમને ક્યારે પામી લે છે એની એનેય ખબર નથી પડતી. ડાયલોગ ડીલીવરી અને કોમિક ટાઈમિંગનાં લીધે હાલની તકે તો મલ્હારનો જોટો જડે એમ નથી. અંતરા સાથેની ફોન પરની વાતચીત વાળો સીન એના હાવભાવયુક્ત અવાજને લીધે આંખનાં ખૂણા ભીંજવી દે એવો ઈમોશનલ બન્યો છે.

ફિલ્મનું બીજું મહત્વનું પાત્ર નિભાવ્યું છે પ્રતિક ગાંધીએ ( ફિલ્મમાં ‘આદિત્ય’). પોતાના અભિનયથી તેણે અગાઉ પણ ગુજરાતી ફિલ્મોમાં સારું એવું પરફોર્મન્સ આપ્યું છે. બિઝનેસમેનનાં તેના આ પાત્રમાં એ સોફેસ્ટીકેટેડ લાઈફ જીવે છે. ( જોકે, એ શેનો બિઝનેસ કરે છે એ આખા મુવીમાં ખબર પડતી નથી) ફિલ્મની નાયિકા અંતરાને પ્રપોઝ કરતા સીનમાં એણે સખત અભિનય કર્યો છે. (આપણને લાગી જ આવે કે એ રીજેક્ટ થવાનો છે ;-) ને કહેવાનું મન પણ થઇ જાય કે, ‘બકા, આ બિઝનેસ ‘ડીલ’ નથી, દિલ છે !) તો અંતરાનો “yes: )” એવો મેસેજ વાંચીને એણે એકપણ શબ્દ બોલ્યા વગર જે અભિનય કર્યો છે એ પણ યાદગાર.

ફિલ્મની નાયિકા છે આરોહી પટેલ. (અંતરા) ફિલ્મમાં એ રેડિયો જોકી છે. સવારે ઉઠવું ગમતું નથી અને સવારનો જ શો કરે છે ! આખાબોલી અંતરાના શો નું નામ છે ‘લવની ભવાઈ’. આખા અમદાવાદના લવ પ્રોબ્લેમસ સોલ્વ કરતી અંતરાનું અંગત જીવન જયારે ગૂંચવાઈ છે ત્યારે શરૂ થાય છે રિઅલ લવની ભવાઈ. વર્ષો સુધી ફિલ્મમાં આવતી ગુજરાતી નારીની ઈમેજ તેણે સાવ ભૂંસીને નવી આધુનિક યુવતીની જીવનને જીવવાની ફિલસુફી આપણી સામે મૂકી છે. ફિલ્મના પ્રોડ્યુસર-ડિરેક્ટર એના રીઅલ લાઈફના મમ્મી-પપ્પા છે, તેમ છતાં ખુબ જ comfortly તે પોતાના રોલને ન્યાય આપી શકી છે. સ્લીવલેસ અને શોર્ટ્સ પહેરતી, બસમાં અજાણ્યા છોકરા સાથે ઇઅરફોન શેર કરતી, હોટેલનું બિલ જાતે ચુકવતી ને જેવી છે તેવી પ્રામાણિક રીતે જીવતી આ અંતરાનું પાત્ર આમ જુઓ તો રહસ્યમય છે, ફિલ્મમાં કેટલાક સવાલોના જવાબ અકબંધ છે. કદાચ એ જ એના જીવનને આવું જીવવા જેવું બનાવે છે !

ફિલ્મમાં આવતા અન્ય પાત્રોએ પણ દમદાર પરફોર્મન્સ આપ્યું છે. ખુદ પ્રોડ્યુસર આરતી પટેલ અંતરાના બોસ ‘K’ (ક્રિષ્ના)ના રોલમાં છે. પ્રખ્યાત લેખિકા પ્રતિભા રાયની બુક ‘દ્રૌપદી’ વાંચતા વાંચતા એક સીનમાં અંતરા ભાંગી પડે છે ત્યારે કૃષ્ણએ દ્રૌપદી કે અર્જુનને આપેલું એવું જ આશ્વાસન એ અંતરાને આપે છે. બીજા થોકબંધ પાત્રોની વચ્ચે સાગરના મિત્ર તરીકે મૌલિક નાયક ( અહિ ‘મેહુલ’) અલગ જ સ્થાન ઉભું કરે છે. સ્ક્રીન પર તેની હાજરી પણ આપણને હસાવતી રહે છે. તો તારક મહેતા ફેઈમ ‘નટુકાકા (ઘનશ્યામ નાયક)ને ભજવેલો નાનો રોલ પણ ખુબ જ સરસ છે. ભવાઈ માટે પ્રખ્યાત એવા આ નટુકાકાએ ઐશ્વર્યા રાયને ‘હમ દિલ દે ચુકે સનમ’માં ભવાઈ શીખવાડેલી. ડીરેક્ટર સંદિપ પટેલે આ રોલ થકી ભવાઈનું આડકતરી રીતે સન્માન જાળવ્યું છે, ને કવિ તુષાર શુક્લનો ગેસ્ટ અપીરીઅન્સ તો સોને પે સુહાગા !

ફિલ્મ જેટલી સરસ છે એટલું જ મજ્જાનું છે તેનું સંગીત. આજના યુવાનોની જીભે ગુજરાતી ગીતો ચડાવવાનું શ્રેય ‘સચિન-જીગર’ને ફાળે જાય છે. ફિલ્મના દરેક ગીત વારંવાર સાંભળવા ગમે તેવા છે. આ સંગીતકાર જોડી એ ભવાઈની ‘તા થૈયા થૈયા તાં થૈ’ કડીને રીક્રીએટ કરીને આજની પેઢીને ગમતીલું સંગીત કમ્પોઝ કર્યું છે. તમામ ગાયકોએ ખુબ જ સુંદર રીતે ગીતો ગાયાં છે અને એટલાં જ સંવેદનાસભર ગીતો લખ્યા છે નીરેન ભટ્ટએ. ‘વ્હાલમ આવોને’ ગીતમાં છેલ્લે આવતો Crescendo ( ધીમે ધીમે તીવ્ર/ઉત્કટથતું સંગીત) લાજવાબ છે. ( એના શબ્દો આ લેખને અંતે) અને મહત્વની વાત તો એ છે કે આ ફિલ્મમાં ક્યાંય ગીતને ફિટ કરી દિધા હોય એવું લાગતું જ નથી. વાર્તાની માવજત સાથે ગીતોને સહજતાથી મુકેલા છે, ઉલટાનું પાત્રના મનની વાતો ગીત દ્વારા આપણા સુધી પહોંચે છે. ‘ધૂન લાગી’- ગીતની વિશેષતા એ છે કે નવો નવો પ્રણય થયો હોય એનેય ગમે, પ્રણયમાં ગળાડૂબ હોય એનેય ગમે ને પ્રણયભંગ થઈ ગયો હોય એનાય દિલોદિમાગ પર છવાઈ જાય !!

મિતાઈ તુષાર શુક્લ અને RJ નેહલ બક્ષીએ લખેલી આ ફિલ્મ અર્બન ગુજરાતી સિનેમાની નવી પેઢીની પરિપક્વતા દર્શાવે છે, તો સીનેમેટોગ્રાફર તરીકે તપન વ્યાસ પણ આનંદ કરાવી જાય છે. આમ, આખું ટીમવર્ક આ ફિલ્મને ફિલ્મ ન રહેવા દેતા એક સર્જન બનાવે છે !

જો તમે આ લેખ વાંચી શકતા હોવ અને આ ફિલ્મ ન જોઈ હોય તો તમારા જેવું કમનસીબ બીજું કોઈ નથી. જલ્દીથી જોઈ આવો આ માસ્ટરપીસ મુવીને !

I love you રે મારી ગુજરાતી મૂવીની સવાર !!

‘લવની ભવાઈ’નો બીજો ‘વેશ’ આવે એની રાહમાં મમ્મીનાં હાથના થેપલા ખાતો એક પાક્કો ગુજરાતી..... - મનન બુધ્ધદેવ – મોરબી

ગમતો_શેર ::

યાદોનાં બાવળને આવ્યા ફૂલ રે હવે,

તું આવે તો દુનિયા આખી ધૂળ રે હવે!

સપના, આશા, મંછા, છોડ્યા મૂળ રે હવે

તું આવે તો દુનિયા આખી ધૂળ રે હવે!

-નીરેન ભટ્ટ