Bhadram Bhadra - 29 in Gujarati Comedy stories by Ramanbhai Neelkanth books and stories PDF | ભદ્રંભદ્ર - પ્રકરણ - 29

ભદ્રંભદ્ર - પ્રકરણ - 29

ભદ્રંભદ્ર

રમણભાઈ મ. નીલકંઠ

૨૯. ભદ્રંભદ્ર જેલમાં

જેલની અંદર અમારી બહુ સરભરા કરવામાં આવી. અમને તોળ્યા, અમને માપ્યા, અમારા શરીર પરનાં નિશાન તપાસ્યાં, એને લખી લીધાં, અમારાં લૂગડાં બદલાવ્યાં. નવાં વસ્ત્ર ધારણ કરવાની ભદ્રંભદ્રે કંઈક નાખુશી બતાવી પણ જેલર સાહેબે આગ્રહ કર્યો તેથી આખરે ના કહેવાઈ નહિ. જેલર સાહેબે અમને સર્વને ધીરજ આપી, અપીલ કરવાની સમજણ પાડી અને જેલમાં સારી રીતે વર્તવાની શિખામણ દીધી.

અન્તરાવાસમાં જતાં જેલવાસીઓના મહોટા સમુદાય સાથે અમારો મેળાપ થયો. દળવા, વણવા, ભરવા વગેરે જુદા જુદા વ્યાપારમાં તેઓ ગૂંથાયેલા હતા, પણ કોઈના મહોં પર ખેદ જણાતો નહોતો. અમારી સાથે આવનારમાંના જેમને જૂના ઓળખીતા હતા તેમણે બહુ હર્ષથી પરસ્પર 'રામ રામ' કર્યા - ભદ્રંભદ્રને એક ઘંટીએ દળવા બેસાડ્યા, પાસે બીજી ઘંટીએ મને બેસાડ્યો, ક્ષણ વાર પછી ભદ્રંભદ્રના સાથીએ તેમની દૂંદમાં એકાએક આંગળી ભોંકી કહ્યું, 'કેમ ભટ, લાડુ ખવડાવીશ કે ?'

ભદ્રંભદ્ર ક્ષોભથી ઊભા થઈ ગયા અને બોલવા જતા હતા, પણ, એક સિપાઈ આવી પહોંચ્યો તેણે ધપ્પો મારી બેસાડી દીધા. એમને ઘંટી ચાલતી રાખવાનો હુકમ કર્યો : સિપાઈ દૂર ગયો એટલે ભદ્રંભદ્રના સાથીએ કહ્યું, 'બચ્ચાજી, બૂમ પાડશે તો હું અને તું બે માર ખાઈશું. અહીં તો બોલવાની જ મનાઈ છે. અહીં કેદીઓનો કાયદો એવો છે કે નવો આવે તે મિજબાની ખવડાવે, સરકારનો કાયદો કોરાણે રહ્યો.'

એક કેદી આઘે નેતરની કંડીઓ ભરતો હતો તે ઊઠીને આવ્યો અને બોલ્યો, 'આ વખત તો લાડુનો વારો છે. કાલે જ બનાવવા પડશે.'

ભદ્રંભદ્રે કહ્યું, 'લાડુ ખાવા તો હું તત્પર છું. લાડુ ખાવા એ આર્યનો ધર્મ છે, ભોજનગૃહમાં આજ્ઞા મોકલો. મારી પાસે પૈસા નથી. પણ પૈસા આપવા એ કારાગૃહપાલનું કર્તવ્ય છે.'

'કાગપાલ કીયો !'

'નિયુક્તાધિકારી.'

'એ શું ? સમું બોલને બામણા !'

નેતર ભરનાર ભદ્રંભદ્રને ઠોંસો મારવા જતો હતો પણ એક સિપાઈને આવતો જોઈ તે પોતાને ઠેકાણે જઈ કંડીઓ ભરવા મંડી ગયો. સિપાઈના હાથમાં સોટીઓ હતી તેના પ્રહાર માટે તે વાંકો વળી તૈયાર થઈ જ રહ્યો હતો, તેથી વાંસા પર સોટી પડતાં છતાં નેતર ભરવામાં તેને બિલકુલ ખલેલ થઈ નહિ. ભદ્રંભદ્ર પર પ્રહાર થતાં તે જરા ચમ્,અક્યા. પણ, તેમના સાથીએ ઇશારત કર્યાથી ચૂપ રહ્યા અને ઘંટી ફેરવવી ચાલુ રાખી. સિપાઈ ગયા પછી થોડી વારે મેં ભદ્રંભદ્રના તરફ જોઈ તેમના સાથીને કહ્યું,

'એમનું કહેવું એમ છે કે જેલર સાહેબને કહેવડાવીએ કે રસોઈમાં લાડુ કરાવે.'

'બંને જણા ગમાર દેખાઓ છો. જેલર સાહેબ તે લાડુ કરાવે ? એ તો રોટલા ને દાળ જ ખવડાવે, બીજી રસોઈનો હુકમ નહિ. પણ તમારા પૈસા હોય તો રસોઈનો બંદોબસ્ત છાનોમાનો કરાઈએ.'

'અમારી પાસે તો કાંઈ પૈસા નથી. જે હતું તે અમારા લૂગડાંમાં રહ્યું.'

'પણ ઘેરથી આવવાના હશે ને ?'

ભદ્રંભદ્રે પૂછ્યું, 'ઘેરથી પૈસા આવવા દેશે ?'

'બધું સિપાઈના હાથમાં, થોડુંક કાઢી લે એટલું જ.'

'ત્યારે તો ઘરે કહેવડાવીએ.'

'કહેવા કોણ તારો બાપ જશે ? ઘરવાળા ગોઠવણ કરે તો થાય.'

ખોટું લાગ્યાથી ભદ્રંભદ્રે ઉત્તર દીધો નહિ, પણ થોડી વાર પછી મારી તરફ જોઈ કહ્યું,

'અમ્બારામ ! આર્યોનું અહીં અપમાન થાય છે એ વાત પ્રારબ્ધના જાણવામાં હોત તો પ્રારબ્ધ અહીં આપણને લાવત નહિ એવી મારી પ્રતીતિ છે, કેમ કે પ્રરબ્ધ આર્યપક્ષમાં છે, સુધારક નથી.'

મેં કહ્યું, 'પ્રારબ્ધ આર્યપક્ષમાં હોય તો આપણી આવી ગતિ કેમ થવા દે ?'

પ્રારબ્ધ પણ પોતાના પ્રારબ્ધને વશ છે, વળી આ કારાગૃહનું પ્રારબ્ધ બળવાન થયું હશે તે આપણને અહીં લાવ્યું. અહીં રોટલાદાળ પર આધાર ચલાવવો પડશે તે રોટલાદાળનું પ્રારબ્ધ બળવાન થયાનું પરિણામ. આપણું પ્રારબ્ધ તો આપણને મિષ્ટાન ભણી લઈ જવા પ્રયાસ કરતું હતું. સુધારાવાળાએ રોટલાદાળના પ્રારબ્ધને સહાયતા કરી, કારણ એ છે કે પૂર્વકાળમાં આપણા ઋષિમુનિઓ વાયુભક્ષણ કરી કાળ કહાડતા તે સુધારાવાળા માનતા નથી, પણ વૃક્ષવનસ્પતિ વાયુભક્ષણ કરે છે એ વાત પાશ્ચાત્ય જ્ઞાનને આધારે તેઓ માને છે, તો શું વૃક્ષવનસ્પતિ જેટલી પણ ઋષિમુનિઓની શક્તિ નહિ ? સુધારાવાળા કહે છે કે અન્નાદિ વિના શરીરની પુષ્ટિ થાય નહિ. તો બીજમાંથી છોડ થાય છે, છોડમાંથી વૃક્ષ થાય છે તેને અન્ન ખાવનું ક્યાંથી મળે છે ? પ્રત્યેક વૃક્ષના સમાન બીજું એક વાયુમય વૃક્ષ હોય છે, તેનો ભક્ષ ધીમે ધીમે કરી વૃક્ષ પુષ્ટ થાય છે. વાયુમય થડ ખાધાથી વૃક્ષને થડ થાય છે, વાયુમય અંકુર ખાધાથી વૃક્ષને અંકુર આવે છે, વાયુમય પાંદડાં ખાધાથી વૃક્ષને પાંદડાં આવે છે, વાયુમય ફળ ખાધાથી વૃક્ષને ફળ આવે છે.'

'સુધારાવાળા કહે છે કે વૃક્ષો વાયુમાંથી કેટલાક 'ગેસ' લે છે પણ માટીમાંથી અને પાણીમાંથી વૃક્ષોને ઘણુંખરું સત્ત્વ મળે છે.'

'એ સર્વ કપોળકલ્પના. માટીમાં કે પાણીમાં ક્યાં થડ, અંકુર, પાંદડાં કે ફળ હોય છે ? 'ગેસ'ની વાત આર્યશાસ્ત્રોમાં નથી માટે અસત્ય છે. વાયુમય વૃક્ષ એ જ વૃક્ષોનો ખોરાક છે. સુધારાવાળાને એ આર્યશાસ્ત્ર રહસ્યની ક્યાંથી માહિતી હોય ? એ રહસ્ય હમણાં જ અમેરિકામાં થિઓસોફિસ્ટોએ શોધી કહાડ્યું, અને એમ પણ શોધી કહાડ્યું છે કે એ રહસ્ય આપણા ઋષિમુનિઓના જાણવામાં હતું.'

'ત્યારે ઋષિમુનિઓ પણ વાયુમય મનુષ્યનો ભક્ષ કરી જીવતા હશે ?'

'એ વાત હજી અમેરિકાથી આવી નથી. પણ, ભક્ષ કરતા હશે તો ગમે તેવા વાયુમય મનુષ્યનો નહિ, પણ વાયુમય ઋષિમુનિઓનો જ ભક્ષ કરતા હશે.'

'પણ એમાં મનુષ્યભક્ષણનો દોષ રહે છે,'

'ઋષિમુનિઓ વિષે દોષની શંકા કરવી નહિ. એ તો જેનો ભક્ષ કરતા તેને પાછો સજીવન કરતા હતા.'

'ત્યારે તો પાછા ભૂખ્યા ને ભૂખ્યા રહેતા હશે ?'

'અમ્બારામ ! તું આ કારાગૃહમાં આવી નાસ્તિક થયો જણાય છે.'

'મહારાજ ! આપ જેવા સદ્ગુરુની સંગતિથી મારી શ્રદ્ધા અચલ રહો. મારા સુભાગ્યે જ આપ આ કારાગૃહમાં સાથે આવ્યા છો. પરંતુ, શંકાનું સમાધાન કરાવવું એ શિષ્યનો અધિકાર છે.'

પ્રશ્નમાં ઘણું ઊંડું શાસ્ત્રરહસ્ય સમાયેલું છે અને તેના ઉચ્ચારણ માટે આ સ્થળ અધિકારી નથી. શાસ્ત્રશ્રવણ સારુ જેમ મનુષ્યોમાં અધિકારી મંડળ હોય છે તેમ સ્થળોમાં પણ હોય છે.'

ભોજનવેળા થતાં અમારું કામ બંધ થયું. કારાગૃહમાંથી નીકળી પ્રાયશ્ચિત્ત કરવાનો નિશ્ચય હતો તેથી ક્ષુધા તૃપ્ત કરતાં અમારે સંકોચ રાખવાનું કોઈ કારણ નહોતું. માગ્યા છતાં વિશેષ મળતું નથી એ નિયમ જાણી અમે ખિન્ન થયા. જ્ઞાતિભોજનની આર્યરીત પ્રમાણે કેદીભોજન થવું જોઈએ એ સિદ્ધાંત મને ભદ્રંભદ્ર સમજાવતા હતા એવામાં એક કેદી આવીને ભદ્રંભદ્રના રોટલામાંથી અડધો કકડો લઈ ગયો અને ઝટ ખાઈ ગયો.

ભદ્રંભદ્રે ફરિયાદના પુકાર કર્યા તેથી તેમને પ્રહાર મળ્યો, ગયેલો રોટલો ન મળ્યો. કેદીઓએ સાક્ષી પૂરી કે રોટલો કોઈએ લઈ લીધો જ નથી.

જેલર સાહેબ આવી પહોંચ્યા. તેમને ભદ્રંભદ્રે કહ્યું, 'આ લોકો ચોર છે.'

'એ તો એ લોકો અહીં આવ્યા ત્યારનો જ હું જાણું છું. પણ તું તોફાની માણસ છે. હવે તું તોફાન કરીશ તો હું તને સજા કરીશ.'

એવામાં કેટલેક આઘે એક પઠાણ કેદીએ પાસે ઊભેલા સિપાઈને એકાએક જોરથી તમાચો માર્યો. જેલર સાહેબ તે તરફ દોડી પહોંચ્યા. કેદીને સિપાઈએ બાંધી લીધો. તેનો ત્યાં જ ઇન્સાફ થયો. 'હમકો બહોત હૈરાન કીયા' એ સિવાય બીજો કશો ખુલાસો પઠાણે આપ્યો નહિ. લાકડાની ઘોડી સાથે તેના હાથ બાંધી તેનો વાંસો ઉઘાડો કરી તેને બહુ સખત ફટકા માર્યા, તે તેણે શાંતપણે ખાઈ લીધા; ઘણા ફટકા પડ્યા ત્યારે 'યા અલ્લાહ,' એટલો તેણે ધીમેથી ઉદ્ગાર કર્યો તે સિવાય તે કશું બોલ્યો નહિ. વેદનાનું લેશમાત્ર ચિહ્ન તેના મુખ પર જણાયું નહિ. હાથ છોડ્યા પછી જાણે કંઈ બન્યું જ નહોય તેમ તે બીજા કામમાં લાગ્યો. પોતાના પગમાં ખખડતી બેડી તે જોતો કે સાંભળતો હોય એમ લાગતું નહોતું.

જેલર સાહેબે ભદ્રંભદ્ર પાસે આવી કહ્યું, 'જોઈ આ વલે ! એવું છતાં તને ખાધું નહિ પચે તો પેલા ઢગલામાંના ગોળા તારે ઉપાડવા પડશે અને અપવાસ કરવો પડશે.'

જેલર સાહેબ ચાલ્યા ગયા. તેમની પીઠ ભણી ભદ્રંભદ્રે તિરસ્કારભરી દષ્ટિ નાખી. શબ્દ કાને પડે નહિ એટલે દૂર ગયા પછી મારી તરફ જોઈ ભદ્રંભદ્ર બોલ્યા, 'આ કારાગૃહપાલ બુદ્ધિહીન જણાય છે. જ્યાં પેટ ભરી ખાવાનું નથી ત્યાં અપચાનો સંભવ નથી એ વાત તેના જાણવામાં નથી. વળી અપવાસનું આર્યરહસ્ય તેના સમજવામાં આવેલું જણાતું નથી. અપવાસ કર્યાથી વિષ્ણુપદ પ્રાપ્ત થાય છે અને આત્માના ઉદ્ધારના બીજા કશા ઉપાયની આવશ્યકતા રહેતી નથી એ સત્ય છે, પરંતુ અપવાસનો દિવસ પ્રથમથી જણાવેલો હોય, અપવાસના દિવસ પહેલાં જોઈએ તેટલું ખાઈ મૂકવાનું બની શકે તેમ હોય અને અપવાસના દિવસે મન માનતાં ફરાળ કરવાનાં સાધન હોય, ત્યારે જ અપવાસનું ફળ મળે. આ જ કારણથી અપવાસના દિવસ આપણા શાસ્ત્રકારોએ નક્કી કર્યા છે. આ કારાગૃહમાં એવી કંઈ વ્યવસ્થા નથી અને માત્ર ભૂખ્યા રાખવા સારુ અપવાસ કરાવ્યાથી કંઈ પણ પુણ્ય થશે નહિ. એક વેળા અગિયારશને દિવસે ઠાકોરજી મંદિરમાં એકાંતમાં હતા તે વેળા તેમને પેટ પંપાળતા જોઈ મેં કારણ પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે, 'વિષ્ણુપદ કાયમ રહેવા માટે અમારે પણ અપવાસ કરવો પડે છે, પરંતુ અપવાસના દિવસે ખાધામાં ઊણા રહેવું એ શાસ્ત્રવિરુદ્ધ છે, તેથી બે ટંકનો ખોરાક એક ટંકે પેટમાં સમાવવાનો અભ્યાસ પાડવો પડે છે. અમારા નામ પ્રમાણે આહાર ધરાવવામાં આવે છે, પણ અમારાં પેટ છેક નાનાં ઘડવામાં આવે છે એ માણસોની કંઈક ભૂલ છે.' શ્રદ્ધાહીન સુધારાવાળાઓ આ રહસ્ય વિષે અંધકારમાં જ છે.'

અંધારું થયા પહેલાં સૂવાની કોટડીમાં અમને પૂરી દીધા. હું અને ભદ્રંભદ્ર જે કોટડીમાં પુરાયા તેમાં બીજા ત્રણ જેલવાસીઓ હતા. પણ તે કોટડીને તાળું દેવાતું સાંભળી ભદ્રંભદ્રને કેટલીક વાર સુધી એવી વ્યાકુલતા રહી કે તેમની દષ્ટિ સર્વ દિશામાં અસ્થિરપણે ભ્રમણા કરતી અટકી નહિ અને સહવાસીઓ પર તેમની નજર પડી નહિ. કંઈક શાંત થયા પછી ભદ્રંભદ્ર વિચારાગ્રસ્ત થયા. થોડી વાર મનન કરી તે બોલ્યા,

'અમ્બારામ, તાળું દેનાર મૂર્ખ જણાય છે. આપણે સારુ ખાટલાગોદડાં અંદર લાવતી વેળા તાળું ઉઘાડ્યા વિના છૂટકો નથી, તો પછી હમણાંથી તાળું દેવાનો શ્રમ વૃથા છે.'

મેં નિશ્વાસ મૂકી કહ્યું, 'મહારાજ, આપ તો ઉદાર ચિત્તવાળા છો. પરંતુ કહે છે કે તુરંગમાં કેદીઓને ખાટલા કે ગોદડાં કંઈ પણ આપતા નથી. ફક્ત આ કામળા પર સૂઈ રહેવાનું છે.'

'તારી બુદ્ધિ ખરેખર ક્ષીણ થઈ છે. કેદીઓને રહેવા માટે આવડું મોટું મંદિર બંધાવેલું છે તો તેના પ્રમાણમાં સુખસાધન હોય નહિ એમ બને ?'

'બુદ્ધિનો વિકાસ થાય એવું આ સ્થળ જ નથી, પરંતુ મકાન મોટું છતાં અહીંનો ખોરાક અને અહીંની મજૂરી ઊલટા જ પ્રમાણમાં છે, તો શયનની સામગ્રી પણ એવા ઊલટા જ પ્રમાણમાં હોવાનો વધારે સંભવ શું નથી ?'

અમારા સહવાસીઓમાંથી એક જણ બોલી ઊઠ્યો, 'આપ પ્રમાણના નિયમ વધારે સારી રીતે જાણો છો. સમીચીન અને વિપરીત એવાં બે પ્રકારનાં પ્રમાણ છે તેનો ભેદ પારખવો જોઈએ એમ ન્યાયશાસ્ત્રમાં કહેલું છે.'

ભદ્રંભદ્રે આશ્ચર્ય પામી પૂછ્યું, 'આપે ન્યાયશાસ્ત્રનું અધ્યયન કરેલું છે ?'

'સકલશાસ્ત્ર પારંગત છીએ. ન્યાય અને વેદાન્તની પરસ્પર તુલના કરવા સારુ એક દુકાનેથી હું ત્રાજવાં લૈઇ ગયો. દુકાનદાર શાસ્ત્રરહસ્યનો અધિકારી નહિ તેથી તેને ખબર આપેલી નહિ. મારે ઘેરથી ત્રાજવાં શોધી કાઢી પોલીસે મારા પર તે ચોરી ગયાનો આરોપ મૂક્યો. એ મૂર્ખ લોકો શાસ્ત્રીય તુલનાનો હેતુ સમજી શક્યા નહિ અને હેત્વાભાસથી ભ્રમિત થયા. 'જેનો સદ્ભાવ છે તેનું ચૌર્ય થઈ શકે નહિ - ચૌર્ય અભાવરૂપ છે તસ્માત,' એ મારી દલીલ તેઓએ ગ્રહણ કરી નહિ અને મને કેદમાં મોકલ્યો. મૅજિસ્ટ્રેટોને કાયદા શીખવવામાં આવે છે, પણ શાસ્ત્ર શીખવવામાં આવતાં નથી એ શોચનીય છે.'

'આપનું કહેવું અક્ષરશ: સત્ય છે. આપની આર્યવૃત્તિ પૂજનીય છે. અમે પણ એવા સુધારાના પ્રબલને લીધે આ સ્થળમાં આવી પડ્યા છીએ, આપ જેવા શાસ્ત્રજ્ઞ સત્પુરુષના સમાગમથી અહીં કાળ આનંદમાં જશે.'

'આનંદના વિવિધ પ્રકાર છે અને જે પ્રકારનું આનંદનું કારણ તે પ્રકારનો આનંદ હોય એવો નિયમ છે.'

આ માણસ પ્રથમ જોયેલો અને બોલતો સાંભળેલો હોય એમ મને લાગવા માંડ્યું. થોડી વાર તેની સામું જોઈ રહી મેં પૂછ્યું,

'આપનો પ્રથમ સમાગમ થયો હોય એવો આભાસ થાય છે.'

'તેણે પોતાની સાથેના બીજા એક કેદી ભણી નયનનો પલકારો કરી ઉત્તર દીધો, 'જગતમાં બધો આભાસ જ છે. અહીં વાત કરવાની મનાઈ છે તે સંભાળજો.'

ઘાંટો ધીમો પાડી દઈ મેં કહ્યું, 'આપના જેવી જ આકૃતિના અને આપની પેઠે ન્યાયની વાતો કરનાર પ્રથમ કોઈ મળેલા.'

તે બોલ્યા, 'ગજાનન પ્રસન્ન.'

ભદ્રંભદ્ર બોલી ઊઠ્યા, 'કોણ હરજીવન !'

'આપની ચરણરજ સેવક આપ કોણ તે બરાબર ઓળખ્યામાં ના આવ્યું, - હા ઓળખ્યા. આપ તો શ્રીમત્ આર્યધર્મધુરંધર પંડિતશિરોમણિ વેદમૂર્તિ ભદ્રંભદ્ર !કેવું અમારું નસીબ ! જેલમાં પણ અમારું કલ્યાણ કરતા આપ આવી મળ્યા. આ અનાર્યોચિત પોશાકને લીધે આપનું પુણ્યસ્વરૂપ યથાર્થ પ્રકટ થતું નથી.'

'એ પણ સુધારાવળાની યુક્તિ છે. આર્યો પરસ્પરને ઓળખી શકે નહિ અને સુધારા વિરુદ્ધ્ અરજી સારુ એકત્ર થઈ શકે નહિ, એ હેતુથી આર્યોને ભ્રાન્તિમાં નાખવા સારુ આ અપુણ્ય વસ્ત્ર કારાગૃહમાં ધારણ કરવાની યોજના સુધારાવાળાઓએ સરકારને અરજી કરી કરાવી છે.'

હરજીવનની સાથેનો માણસ શિવભક્ત છે એમ લાગતાં હું ચહેરાનું નિરીક્ષણ કરતો હતો, તે જોઈ શિવભક્તે મારી સામે ઘૂરકવાની ચેષ્ટા કરી, પરંતુ, હરજીવને સ્વસ્થ આકૃતિ ધરી વગર માગ્યે ખુલાસો કરી દીધો,

'તુલના કાર્યમાં મને મદદ કરવા સારુ શિવભક્ત તે દુકાનેથી કાટલાં લઈ આવેલા તેથી તેમને મારા સહવાસી થવું પડ્યું છે. મુંબઈમાં આપણે જુદા પડ્યા ત્યારથી અમારા બેનું સાથે ફરવું જ થયું છે. તે દિવસે આપની પેઠે અમે પણ ભાંગથી બેભાન થઈ ગયેલા અને મગન તથા મોતી નામે કોઈ બે લુચ્ચાઓ જેમ આપને બાંધી ગયા તેમ અમને પણ ઉપાડી લઈ અમારા ઘરને ઓટલે મૂકી ગયેલા. અમારા ગજવામાંથી તેમણે હજાર રૂપિયાની નોટો કાઢી લીધી. વીશીવાળાને પણ તેમણે કોઈ વિચિત્ર પ્રકારે છેતર્યા. પ્રથમ કોઈક વાર છેતરાયેલા નહિ તેથી માનભંગ થવાથી અમે શરમના માર્યા ઘર બહાર નીકળી શક્યા નહિ અને આપને મળી શક્યા નહિ.'

ભદ્રંભદ્ર સંતુષ્ટ થઈ બોલ્યા, 'હવે અમને પરિપૂર્ણ શાંતિ થઈ. આપની સદ્વૃત્તિ વિશે મને તો પ્રતીતિ જ છે અને હું તે દિવસનું વૃતાંત કોઈના જાદુને લીધે થયેલું માન્તો હતો. પણ આ મારો અનુયાયી આપના પ્રમાણિકપણા વિષે શંકા કરતો હતો. એ શંકાનું સમાધાન થતાં જાદુનું ઉદાહરણ નષ્ટ્ થાય છે એટલો જ ખેદ થાય છે.'

'મને તો હજાર રૂપિયાની નોટો ગઈ તે વિશે ખેદ થાય છે. મગન ને મોતી કોણ હતા તેનો પત્તો મળતો નથી અને મળે તોપણ તે જ લઈ ગયા એમ શી રીતે કહી શકાય ? નોટો ગઈ ત્યારે તો હું ને શિવભક્ત પણ બેભાન હતા. અંબારામ ! તમારા કોઈના હાથમાં તો એ નોટો નથી આવી ?'

મેં ગુસ્સે થઈ કહ્યું, 'શું મેં ચોરી કરી ? અમે લૂંટાઈ ગયા તેનું તો પૂછતા નથી.'

'તમે લૂંટાઈ ગયા તે કંઈ અમે જોયું છે તે જાણીએ કે પૂછીએ ? તમે નોટો લીધી હોય તે ભાંગના કેફના બેભાનમાં શુદ્ધ બુદ્ધિથી લીધી હોય એમ હું કહું છું.'

સમાધાન કરવા ભદ્રંભદ્ર બોલ્યા, 'આપ તો માત્રજિજ્ઞાસાથી પૂછો, પરંતુ મારો અનુયાયી કેવળ નિર્દોષ છે. ઓરડીમાં અમે જાગ્યા ત્યારે અમને ખાટલા સાથે બાંધેલા હતા અને વીશીવાળાને આપવા જેટલા પૈસા પણ અમારી પાસે નહોતા. પ્રસન્નમનશંકરે આવી અમારી વતીના આપ્યા ત્યાં સુધી સ્વાર્થી વીશીવાળો અમને જવા દેતો નહોતો. અમારા આથિત્યમાં આપને ધનહાનિ થઈ એથી હું ખિન્ન થાઉં છું. પ્રસંગ આવે યથાશક્તિ ઉપાય હું લઈશ.'

પહેરો ભરનારનાં પગલાં સાંભળી થોડી વાર અમે શાંત રહ્યા. તે દૂર ગયા પછી અમારી કોટડીમાંના માણસે હરજીવન ભણી જોઈ કહ્યું,

'અહીં હું આપને તો નહિ પણ ભદ્રંભદ્રને ઓળખું છું, કામથી ને નામથી, પિછાનથી નહિ. એમની ધમધોકાર ધર્મનિષ્ઠા માટે મને માન્યવૃત્તિ છે, તદસ્તુ. પરંતુ આપે એમને 'પંડિતશિરોમણિ' કહ્યા તે અથાક અજૂગતું છે. એ પદ માટે હું અને પ્રસન્નમનશંકર એ બે અધિક પંડિતોનો જ અધિકાર છે. ધિક્કરપાત્ર છે બીજા પૂજાતા પંડિતો. આપ અહીં વખાના માર્યા વખાણની વખાર ઉઘાડો અને ઘાડો સંબંધ દેખાડો તો તો એ ખાડો છે પડવાનો.'

વિવિધ વૃત્તિઓથી ચકિત થઈ ભદ્રંભદ્રે પૂછ્યું, 'આપને કોઈ સભાએ, કોઈ પ્રસિદ્ધ વિદ્વાને, કોઈ અધિકારીએ 'પંડિતશિરોમણિ'ની પદવી આપી છે ?'

'સભા મળેલી હતી સારી, મારી અમે પ્રસન્નમનશંકરની. બીજાને બોલાવ્યા નહોતા અને આવ્યા નહોતા. અમે બંને પ્રસિદ્ધ વિદ્વાન. મેં એમને 'પંડિતશિરોમણિ'ની પદવી આપી, એમણે મને 'પંડિતશિરોમણિ'ની પદવી આપી, તથા તેથી અમે અધિકારી ધરાયા અને ઠએલે ચિત્ત ઠરાવ કર્યો કે એ પદવી પ્રતિ બીજા કોઈનો હક નથી. ઇતર જનો ભલે "મિસ્ટર" કહેવાય.'

'વલ્લભરામે "પ્રસિદ્ધસાક્ષરજીવનમાલા" થોડા સમય પર, બહાર પાડી હતી તેમાં આપનું એકેનું નામ નહોતું'

'તેથી જ આમ કરવાની આવશ્યકતા આવી, વલ્લભરામ આર્યપક્ષના છતાં વિદ્વત્તાના ગુમાનમાં ગૂંથાયા રહે છે. પ્રસન્નમનશંકરને આશ્રિતપણે શ્રીવાળા છતાં તેમેને સાક્ષર ન કહ્યા તો મને તો શાના જ કહે ? મેં અને પ્રસન્નમનશંકરે અજય્ય નિશ્ચિય કર્યો છે કે જે જે ગ્રંથ પ્રસિદ્ધ કરવા તેમાં કર્તાના નામમાં પોતાની મેળે "પંડિતશિરોમણિ" લખવું. વર્તમાનપત્રોમાં લેખ લખીએ છીએ તે પણ અધિપતિ સાથે શરત કરીને કે "લેખક પંડિતશિરોમણિ" એનું મથાળું કરીને અમારું નામ લખવું. પુસ્તકોનાં હેન્ડબિલોમાં, જાહેર ખબરોમાં, જાહેરસભાના હેવાલમાં, કાગળો પરનાં સરનામામાં, મિલકતના દસ્તાવેજોમાં બધે બંદોબસ્ત બાંધી અમારું આ ઉપપદ વિના ખલેલ કરાવીએ છીએ. વસ્તીપત્રકને વિચિત્ર સમયે પણ નામ લખનારને દામ આપી પત્રકમાં આ પદ લખાવ્યું છે. "પંડિતશિરોમણિ ચંપકલાલ" એમ બોલવાનો લોકોનો અભ્યાસ પડી જશે એટલે પછી એ પદ અમારા નામનો એક ભાગ થઈ જશે. હું ખરેખરો પંડિત છું એ તો આપે વિના તાપે મારી સંસ્કૃત અલંકૃત વાણી પરથી જાણી લીધું હશે.'

'આપની વાણી ઝડઝમકના અલંકારથી પૂર્ણ તો છે જ, પરંતુ, આપ પંડિતોની પંક્તિમાં હોવાનો દાવો કરો છો તે એવી વાણી માટે કે શાસ્ત્રજ્ઞાન માટે ?'

'શાસ્ત્રજ્ઞાનમાં તથા તેના ભાનમાં તો હું સંપૂર્ણ છું. એ વિશે કોઈ દિવસે મને પોતાને લેશ્ માત્ર સંશય નથી. પરંતુ સારા લેખ લખનાર હાલના સમયમાં સાક્ષર કહેવાય છે. શાસ્ત્ર જાણનાર માત્ર શાસ્ત્રી કહેવાય છે. એ કારણથી વલ્લભરામે સાક્ષરોની ગણનામાં અમારાં નામ મૂકી દીધાં. અને કેટલાક સુધારકોનાં નામ ગણાવ્યાં તેથી મને અને પ્રસન્નમનશંકરને મહામાનભંગનો સંગ થયો છે. આ માટે અમારે અલંકૃત વાણી તાણીને વાપરવાની પરવા રાખવી પડે છે. સાક્ષરતાના ખરતા તારા જેવા માનમાં ભાન ભૂલેલાઓ ભલે અમારો દોષ કાઢે કે વિચારની શિષ્ટતા વિનાની કૃત્રિમ વાણીથી સાક્ષરની પંક્તિ મળતી નથી. પરંતુ અમારા "પંડિતશિરોમણિ" પદના ઘોષના જોશમાં વાગતાં ઢોલનગારાંના અવાજમાં એ નિંદાવાક્ય સાંભળતા ન હોય એવી અમે આકૃતિ ધરીએ છીએ. અમારી અંતરની વેદના અમે બહાર પડવા દેતા નથી.'

'શાસ્ત્રીની મહાન પદવીને ગૌણ ગણવાથી થયેલી એ શિક્ષા છે. શાસ્ત્રી હોવું એ જ માત્ર વિદ્વાનનું આર્યોચિત પરમ ભૂષણ છે. અન્ય પ્રકારની સાક્ષરતાની વાંછામાં શાસ્ત્રોનો અનાદર થાય છે.'

આ સંભાષણથી હરજીવનને અધીરાઈ થઈ હતી. ભદ્રંભદ્ર બોલી રહ્યા એટલે તેણે પૂછ્યું, 'તમે તો ચંપકલાલ ચટ્ટુ કે ની ?'

ચંપકલાલે કંઈક રોષિત થઈ તથા માનભંગ પામી જવાબ દીધો, 'મારા પિતાનું નામ તુળજારામ છે, અને વણિક જ્ઞાતિમાં વંશપરંપરાથી ચાલતા આવેલા સંપ્રદાય પ્રમાણે તેઓ પોતાના નામના પ્રથમાક્ષરનો ઉચ્ચાર 'ટુ' કરે છે. આથી કેટલાક મૂર્ખ જનો મારા આખા નામના પ્રથમાક્ષરોનો ઉચ્ચાર 'ચટ્ટુ' કરી વૃથા ઉપહાસ કરવા પ્રયત્ન કરે છે.'

શિવભક્ત બોલી ઊઠ્યા, 'અમે તો એટલું જાણીએ કે ચંપકલાલ ચટ્ટુ, નહિ ઘોડા નહિ ટટ્ટુ' એવું કહેવાય છે. પોતાને વિદ્વાન લેખક કહેવડાવવાનાં ફાંફાં મારતાં સાધારણ માણસની સમજણ પણ ખોઈ બેઠા છો અને નથી ઘોડામાં કે નથી ટટ્ટુમાં.'

'તમારી મૂર્ખતા મુકાવવા કાવો પાવો પડશે અક્કલનો. મારા નૈપુણ્યમાં ચણા જેટલી પણ મણા નથી તે ઘણા અજ્ઞાનમાં અટવાયેલા અનક્ષર લોકો ક્યાંથી જાણે ? હું અને પ્રસન્નમનશંકર દુનિયામાં સહુથી ડાહ્યા છીએ એ વિશે મારી એકલાની જ ખાતરી છે એમ નહિ પણ પ્રસન્નમનશંકરની પણ ખાતરી છે ! તમારા જેવા દમ વિનાના દગાબાજ દુષ્ટો -'

શિવભક્તે ચંપકલાલના વાંસામાં મુક્કો લગાવ્યો તેના ધબકારામાં ખબર પડી નહિ કે ચંપકલાલ બાકીનું વાક્ય ધીમેથી બોલ્યા કે, સમૂળગું બોલ્યા નહિ.

સિપાઈએ બહારથી બારણાં ઠોક્યાં તેથી સૌ શાંત થઈ ગયા. થોડી વાર પછી હરજીવને ચંપકલાલને પૂછ્યું, 'એટલા બધા હુશિયાર છતાં શી ભૂલથી કેદમાં આવ્યા ?'

'ભૂલ તો ધૂળ જેટલી હું કદાપિ કરું નહિ; કદાચ કરનારની કસૂરથી મારે તુરંગમાં તણાવું પડ્યું છે. સાક્ષરોને ડરાવી તેમની પંક્તિમાં મને દાખલ કરવાની ફરજ પાડવા મેં તેમના પર ટીકાને વિષે હુમલા કરવા માંડ્યા. વિરોધીઓને વ્યથા થવાની આશાએ પ્રસન્નમનશંકર પ્રસન્ન થયા અને વળી અંદરખાનેથી તેમને મારી કલમના કંટકનો ભય તેમને હતો જ; તેથી ધનસાધનાથી તેમણે મને સ્વાધીન કર્યો. અમારી એ મૈત્રીનું મહાપરિણામ તો મેં હમણાં તમને કહ્યું. બીજું પરિણામ એ થયું કે કહેવાતા સાક્ષરો ઉપર હુમલા કરવા હું ઉત્તેજિત થયો. પરંતુ મારી અનેક ટીકાઓ પ્રસિદ્ધ થવા છતાં તેમને કંઈ પણ અસ્વસ્થતા થઈ નહિ અને તેમણે કંઈ પણ ઉત્તર આપ્યા નહિ. આ અવગણનાથી હું નિરાશ થયો. પરોક્ષ રીતે મેં કેટલાક સાક્ષરોને મારી જોડે વિવાદમાં ઊતરવાની સૂચનાઓ મોકલાવી. પણ "ન્હાનાં જંતુઓને દૂર કાઢવા દારૂગોળો વાપરવાની જરૂર નથી." એવાં વચનો તેમને મોઢે નીકળતાં સાંભળી હું ક્રુદ્ધ થયો. બીજો ઉપાય ન રહ્યાથી મેં આખરે વ્યક્તિગત આક્ષેપ કરવા માંડ્યા. મારો હેતુ માત્ર વિદ્વાનોની જાત સંબંધી ચર્ચા ઉત્પન્ન કરી તે ચર્ચાના યોજક તરીકે પ્રસિદ્ધિ પામી વિદ્વદ્ મંડળમાં દાખલ થઈ જવાનો હતો. પરંતુ, આવી ચર્ચાને પાશ્ચાત્ય કાયદામાં "લાઈબલ" કહે છે એમ માલમ પડ્યું. "લાઈબલ" શબ્દ સામે મારો ઝાઝો વાંધો નથી. પણ "લાઈબલ" માટે શિક્ષા કરવી એ કાયદો તો કેવળ અજ્ઞાનમય છે. દુ:ખીઓને શસ્ત્રહીન કરવાનો એ માર્ગ અન્યાયમય તથા નિર્દય છે. પાશ્ચાત્યો ગટરમાંથી દુર્ગન્ધ નીકળી જવા ભૂંગળાં મૂકે છે, તો એવા જડ પદાર્થોને જે ઇન્સાફ મળે છે તે આશાભંગ પામેલાં હ્રદયોને "લાઈબલ"ની છૂટ રૂપે ન આપવો ? સુધારાના મોહમાં જડ ચૈતન્યનો વિવેક છેક થતો નથી તેનું આ સકલ કુફળ છે. એ મોહને લીધે સીધે જવાનું મૂકી દ્વેષીઓએ દોષમાં દબાઈને મને આ મહેલસમ પણ ફેલ ભરેલ જેલમાં મોકલેલ છે. વિરુદ્ધ ટીકા કરનારને દ્રવ્યથી સંતોષ પમાડી શાંત કરવાનો માર્ગ સર્વત્ર પ્રવર્તાવવાના પંડિતશિરોમણી પ્રસન્નમનશંકરના ઉદાર પ્રયાસ સફળ થાઓ કે ટીકા કરનારને કરાવી શાંત કરી દેશ્ની દુર્દશાના દિવસ દાખવાનું દૂર થાય.'

સવાર થયે અમને પાછા અપમાનકારી મજૂરીમાં જોડ્યા. ચંપકલાલ ચટ્ટુને આસનકેદની સજા હતી તેથી તેમને જેલનું કંઈ કામ કરવાનું નહોતું. પરંતુ, તે કંઈ લખવામાં ગૂંથાઈ ગયા અને પૂછતાં માલમ પડ્યું કે જેલમાં જેટલો કાળ જાય તેટલામાં સાક્ષરતાની શરતમાં પાછળ પડી ન જવાય અને બીજા સાક્ષરોનાં લખાણનો ઢગલો તેમના ઢગલાથી વધી ના જાય માટે આખો દિવસ તે લખ્યા કરતા હતા., અને રાત્રે જેલ તરફથી દીવો અપાતો ન હોવાથી રાતના ભાગનું લખાણ તેમને દિવસે કરવું પડતું હતું. 'પૂજાતા પંડિતોના પવનનું પોલાણ', 'સુધારાના ધારામાં ધરાતી ધરપત', 'ચારુતાથી ચણેલી ચતુરાઈની ચર્ચા', ઇત્યાદિ પાંચ સાત 'દળદાર' પુસ્તકો તો તેમણે જેલમાં આવ્યા પછી થોડી મુદ્દતમાં લખી નાખ્યાં હતાં, અને બીજાં અનેક રચવાનું સાંચાકામ ઝપાટાબંધ ચાલતું હતું.

નવરાશ મેળવવાનો લાગ આવતો ત્યારે ભદ્રંભદ્ર ચંપકલાલનાં પુસ્તકો વાંચતા અને 'ઠીક લખ્યું છે' એમ કહી ઉપકાર ભરેલી પ્રશંસા કરતા. ભદ્રંભદ્રનું મહાપુરુષત્વ ચંપકલાલ સ્પષ્ટ રીતે સ્વીકારતા નહોતા. કેમ કે તે સ્વીકારતાં પોતાનું મહાપુરુષત્વ સ્થાપિત થતાં પ્રતિબંધ થાય એમ તે માનતા, તેથી બે વચ્ચે કંઈક અંતર રહેતું. પરંતુ, ચંપકલાલના ગ્રંથોમાં સુધારા વિરુદ્ધ સખત આક્ષેપ હતા અને એથી પણ વધારે સખત આક્ષેપ સુધારાવાળા વિરુદ્ધ હતા તેથી ભદ્રંભદ્ર ઈર્ષ્યાનું વિસ્મરણ કરવા પ્રયાસ કરતા.

રવિવાર આવ્યો ત્યારે જેલમાં સર્વને વિશ્રાન્તિ મળી અને ચંપકલાલ ચટ્ટુનાં પુસ્તક વિશે વાદવિવાદ કરવાનો ભદ્રંભદ્રને અવકાશ મળ્યો. 'વિધવાઓના વાળના વધારાનો વધ' એ ગ્રન્થમાં ચંપકલાલે લખ્યું હતું કે,

'કેશવપન એ ખોટું કામ છે એવો વિલક્ષણ વિચાર સુધારાવાળાના મતિહીન મગજમાં શી રીતે સમાયો તે સમજાતું નથી. શું ક્ષિતિમાં ચાલતા ક્ષૌરકર્મની અનાદિસિદ્ધ વિશ્વનિયમાનુસાર વ્યવસ્થા તેમના જાણવામાં નથી ? પશુપક્ષીઓ અને જળચરો, વનચરો અને વનસ્પતિઓ ક્ષૌરકર્મ બિલકુલ કરાવતાં નથી. ઢેડ-ભંગિયા મહિનામાં એક વાર ક્ષૌરકર્મનો ક્રમ લે છે. કણબી, સુતાર-પખવાડિયે એક વારના ધારનો આધાર સાર ગણે છે. મધ્યમ વર્ગના જનો અઠવાડિયે એક વાર શિર ઉપર ક્ષુરના મશહૂર નૂરની ધુર પ્રગટાવવાની જરૂર જુએ છે. ઉત્તમ પંક્તિના મનુષ્યો અઠવાડિયામાં બે ત્રણ વખત શ્રમ લઈ તખતથી પણ ઊતરી એ અખતરો અનુભવે છે એ ઉત્તરોઉત્તર ક્રમ શું દર્શાવે છે ? એ જ કે જેમ મનુષ્ય ઉત્તમ તેમ તેમ કેશવપન વિશેષ ! તો વિધવાઓને દુ:ખના દીન દિવસમાં ઉત્તમ મનુષ્યત્વનો આવો અપૂર્વ અધિકાર આપણા બાપદાદાઓએ સંપૂર્ણ સામગ્રીથી સોંપ્યો છે એ કેવું ધન્ય છે, કેવું ધીર છે !!!'

વાંચતાં વાંચતાં શંકાકુલ થઈ ભદ્રંભદ્રે ચંપકલાલને પૂછ્યું, 'યવનો નિત્ય ક્ષૌરકર્મ કરે છે તે શું ડહાપણમાં આપણા પૂર્વજોની સમાન ?'

'નહિ જ. હજાર વાર ભાર મૂકી ઉચ્ચાર કરી કહું છું કે નહિ જ. યવનો હાથે ક્ષૌરકર્મ કરે છે તેથી પારકાંનાં શસ્ત્ર સહન કરવાનું વીરત્વ તેઓ દાખવી શકતા નથી અને તે માટે ઉપલો સિદ્ધાંત તેમને લાગુ પડતો નથી. આગળ વાંચો, વધારે ખૂબીની ખાણ છે.'

'બોડાવાથી બદશિકલ બને છે એ ખ્યાલ ખરેખર ખોટો છે. શાસ્ત્રમાં તે માટે આધાર નથી અને સૂર્ય, ચંદ્ર, તારા, નદી, સરોવર, પુષ્પ વગેરે ખૂબસૂરત પદાર્થો ખલકમાં છે, તેમને કેશ લેશમાત્ર નથી. તે છતાં કેશની ક્ષતિથી બદસૂરતી થતી હોય તો રતી જેટલો પણ વિધવાઓનો શો હક છે કે તેમને બદસૂરત કરવાની પુરુષોની ઇચ્છાને વ્યર્થ કરવા તેઓ સમર્થ થાય ? સ્ત્રીઓ પુરુષોની સમાન છે એ ગુમાનભર્યા પણ માનની કમાન વિનાના વિચારની તમા ન રાખવી ઘટે છે, કારણ કે તે વિશ્વનિયમથી વિશેષ કરી વિરુદ્ધ છે. વિશ્વમાં પહેલો પુરુષ થયો છે, પછી સ્ત્રી થઈ છે. વિશ્વમાં વ્યાકરણ એવું છે કે 'સ્ત્રી' કરતાં 'પુરુષ' શબ્દમાં અક્ષર વધારે છે, વિશ્વમાં વસતી એવી છે કે સ્ત્રી કરતાં પુરુષની સંખ્યા વધારે છે.'

ભદ્રંભદ્રે પૂછ્યું, 'શું આપ પાશ્ચાત્યોનાં મોહમય વસ્તીપત્રકને ખરાં માનો છો ? જેમાં યક્ષ, કિન્નર, ગન્ધર્વ, રાક્ષસની તથા વહેંતિયાં માણસની ગણતરી આવતી નથી. જેમાં ખરા કામરુ દેશની વસ્તીની ગણતરી આવતી નથી, જેમાં લંકાની વસ્તીની કલ્પિત ગણતરી આવે છે અને લંકા હાલ સમુદ્રમાં લુપ્ત થયેલી છે એ શાસ્ત્રપ્રમાણનો અનાદર થાય છે, એ ભ્રમમય વસ્તીપત્રકને આપ આધારરૂપ ગણો છો ? વસ્તીપત્રક શાસ્ત્રમાં વિહિત નથી અને ત્રિકાળજ્ઞાની ઋષિમુનિઓએ વસ્તીપત્રકની આજ્ઞા કરી નથી તેથી સનાતન આર્યધર્મનું પાશ્ચાત્ય ધર્મ કરતાં શ્રેષ્ઠત્વ સિદ્ધ થાય છે એ આર્યપક્ષોનો શું આપ ત્યાગ ઇચ્છો છો ?'

'શત્રુના શાસ્ત્રની શક્તિ ક્ષીણ કરવા તેમના પ્રમાણની પ્રણાલી પર પર્યટન કરવું જોઈએ એ સિદ્ધાંત પંડિતશિરોમણીયુગ્મ સિવાય બીજાને ક્યાંથી વિદિત હોય ? સ્થૂલબુદ્ધિઓ સ્થળે સ્થળે સ્થિર હોય પણ તીક્ષ્ણબુદ્ધિઓ તિમિરમાં તિરોહિત રહે છે એ જડ જગતમાં લગત રહેતી અગત છે, તેથી તેઓ જ્યારે જ્યારે પ્રકાશમાં નીકળી આવે ત્યારે તેમનાં વિરલ વચનને વિના વિવાદે વધાવી લેવાં વિહિત છે.'

'તીક્ષ્ણબુદ્ધિ કોણ છે અને કોનાં વચન વધાવી લેવાં વિહિત છે તે આર્યપક્ષમાં ક્યારનું નક્કી થઈ ચૂક્યું છે, તે વિના અમુક ગૃહસ્થ આર્યપક્ષના અગ્રણી અને નાયક નિમાત નહિ. તમે સ્થૂલબુદ્ધિ છો એમાં તો સંદેહ નથી. તે વિના મહાપુરુષનો આવો તિરસ્કાર કરો નહિ તથા નિર્માલ્ય લેખ માટે આવો ગર્વ કરો નહિ.'

'મૂર્ખો મહાપુરુષ માનશે તો ગણતરી વિનાનાં ગજબનાં ગોથાં ખાવા પડશે. તમને અગ્રણી અને નાયક નીમ્યાનું પંડિતો જાણતા નથી. છતાં, તમારાં પૂછડાં તમારો તેવો તડાકો મારતાં હોય તો જેવાં પશુ તેવાં પૂછડાં એમાં અરે આશ્ચર્ય શું છે ? પ્રવીણ પંડિતોના પુસ્તકને નિર્માલ્ય કહેનાર બેવકૂફની બુદ્ધિને બાળી મૂકવી જોઈએ !'

'બળદ જેવો બુડથલ અને ઢોલ જેવો પોલો.'

'દુષ્ટ ! આ વચનો શું તું મારે વિશે કહે છે ?'

'તારા જેવા મિથ્યા ગર્વથી ફૂલેલા દેડકા ઠેર ઠેર બૂમો પાડે તેથી શું સિંહવર્ગ ભય પામશે ?'

'શિયાળ જેટલી તો તારામાં શક્તિ નથી. અને સિંહનું નામ શું કામ બદનામ કરે છે ?'

'તારી મરઘી જેવી આંખો ઊંચીનીચી થાય છે તેથી શી તારી મુખશોભા વધે છે ?'

'ઓ ભૂંડ ! તારી દૂંદ કાપી કુંડ જેવો ખાડો પાડીશ તે વિના તારી ઘેલછા ઘટવાની નથી.'

ગડદાપાટુ થવાની તૈયારી હતી. ચંપકલાલે ભદ્રંભદ્ર તરફ ધસારો કરવો શરૂ કર્યો હતો અને ભદ્રંભદ્ર યુદ્ધ માટે સજ્જ થવા બને તેટલી ત્વરા કરતા હતા, એવામાં જેલમાંથી કોઈ કેદી નાઠાની બૂમ પડી. ખળભળાટ થઈ રહ્યો. સિપાઈઓ બધી તરફ ફરી વળ્યા. એ કેદીઓનાં નામ પુકારી હાજરી લેવા માંડી. પોકારાતાં નામમાં 'પ્રાજ્ઞ નખોદીઓ' તથા 'પ્રાજ્ઞ ઘોરખોદીઓ' એ નામ સાંભળી અમે એ ગૃહસ્થોને ખોળી કહાડ્યા. માધવબાગ સભાને પ્રસંગે મુંબઈ જતાં આગગાડીમાં અને પછીથી મુંબઈમાં ચાલતા સંપ્રદાય પ્રમાણે ભદ્રંભદ્રે આગમનકારણ પૂછ્યું. રામશંકરે કહ્યું,

'અમે ગુનોહ તો કાંઈ કર્યો જ નહોતો. પણ કોઈ 'પોલિટિક્સ' કારણસર ખૂન કરવું પડેલું અને તેઓ આબરૂદાર હોવાથી તેમની પ્રતિષ્ઠા સાચવવા સારુ અમે બેએ 'પોલિટિકલ' રીતે તે કૃત્ય અમારે માથે વહોરી લીધું. 'આત્મા હણતો પણ નથી અને હણાતો પણ નથી,' એ વેદાન્તજ્ઞાન તે ગૃહસ્થને મુખેથી ઘણીવાર સાંભળેલું તે કોર્ટને સમજાવવા અમે બહુ પ્રયત્ન કર્યો પણ જડવાદથી બનેલી કોર્ટના ગળામાં તે ઊતર્યું નહિ. તે ગૃહસ્થે કરેલી ધનવ્યયની વિશાલ યોજનાને લીધે ઇરાદો કરી ખૂન કર્યાનો ગુનોહ અમારા પર સાબિત થયો નહિ. નાનો ગુનોહ સાબિત થયો અને થોડાં વર્ષ કેદમાં કહાડવાનાં છે તે સહેજે નીકળી જશે. ધન કમાવાની અમારે હવે ચિંતા રહી નથી.'

'આપના નામની પૂર્વે કંઈ વધારો થયેલો જણાય છે.'

'દુનિયામાં નામ પામવા સારુ કંઈ ઉપાય તો લેવા જોઈએ જ અને "આપ સમાન બળ નહિ," તેથી અમે પોતપોતાને "પ્રાજ્ઞ" કહેવડાવવાનું શરૂ કર્યું કે દુનિયા પણ અમને "પ્રાજ્ઞ" કહેતાં શીખે અને અમે પ્રાજ્ઞ છીએ એવી અંતે સર્વને પ્રતીતિ થઈ જાય. અમને પોલીસે પકડ્યા ત્યારે પણ અમારાં નામ "પ્રાજ્ઞ નખોદીઓ" તથા 'પ્રાજ્ઞ ઘોરખોદીઓ' લખાયાં. એ અજ્ઞાન લોકોએ એમ ધાર્યું કે અમારાં બંનેનાં નામ પણ પ્રાજ્ઞ છે અને નખોદીઓ તથા ઘોરખોદીઓ એ બાપનાં નામ છે. "પ્રાજ્ઞ" પદ જળવાઈ રહેવા માટે અમે એ ભૂલ ચાલવા દીધી. પરિણામે જેલમાં પણ અમારાં એ જ નામ લખાયાં અને અહીં પણ અમને સહુ કોઈ "પ્રાજ્ઞ" કહી બોલાવે છે. આગ્રહ અને ઉદ્યોગનાં પરિણામ આવાં મહોટાં ઊપજે છે. અમે પ્રાજ્ઞ છીએ તે તો હવે નિર્વિવાદ રીતે સ્વીકારાઈ ગયું છે.'

'આપની વિચક્ષણતાને ધન્ય છે. પણ ઉપનામને સ્થાને આપનાં મુખ્ય નામ રાખ્યા હોત તો "પ્રાજ્ઞ" પદ સાથે તે વધારે શોભત.'

'એ ઉપનામ પાડવાની અમારા જન્મ પહેલાં માબાપે બાધા રાખેલી તેથી છૂટકો નથી. મુખ્ય નામ તો પાછળથી શોખ માટે તથા કોઈ કોઈ વખત વાપરવા માટે પાડ્યાં છે.'

'ત્યારે તો એ ઉપનામમાં આર્યત્વનું ઊંચું તત્ત્વ સમાયેલું છે ! બાધાઓમાં વચન લઈ આર્ય દેવદેવીઓ સર્વ પ્રકારનાં વરદાન આપે છે અને તેના સાટામાં દેવદેવીઓને જોઈતી વસ્તુ સહેજ મળી જાય છે; તેલના તરસ્યા હનુમાનને તેલ મળે છે, નવાં વસ્ત્ર મળેથી માતાઓને ચૂંદડીઓ અને કસુંબલ સાડીઓ મળે છે, નિશદિન મિષ્ટાન્નની ઝંખના કરતા ઠાકોરજીને જાતજાતના ભોગ મળે છે, દૂંદમાં મોદક ગોઠવવાના તરંગ બાંધતા ગણપતિને જોઈએ તેટલા મોદક મળે છે, સર્વ દેવદેવીઓને અલંકાર, આભૂષણ, વાહન, છત્ર, ચામર, રમકડાં, પારણાં વગેરે સકળ ઇષ્ટ પદાર્થો ઇચ્છાનુસાર મળે છે. જન્મ, જશ, મરણ, વ્યાધિના નિયમોની વ્યવસ્થા મનુષ્યના હાથમાં નથી અને દેવદેવીઓને સ્વાધીન છે તેથી તે વિષયમાં મનુષ્યોની ઇચ્છા દેવદેવીઓ તૃપ્ત કરે છે; તથા ખાનપાન, વસ્ત્ર અને ભોગની પ્રાપ્તિની વ્યવસ્થા દેવદેવીના હાથમાં નથી અને મનુષ્યોને સ્વાધીન છે તેથી તે વિષયમાં દેવદેવીઓની ઇચ્છા મનુષ્યો તૃપ્ત કરે છે. જડવાદનાં ગોથાં ખાતા પાશ્ચાત્ય દેશના અર્થશાસ્ત્રીઓને આ લોકોત્તર વિનિમયનું જ્ઞાન ક્યાંથી હોય ? મારા પાડોશીને છોકરો થતો નહોતો તેથી તેણે ભૂતનાથ મહાદેવની બાધા રાખી કે છોકરો થશે તો તેને આખે શરીરે મેશ તથા તેલ ચોપડી માથે શિંગડાં બાંધી તથા પીઠે પૂંછડું બાંધી હંમેશ ભૂત જેવો ફેરવીશ અને મહાદેવની સેવામાં મૂકીશ. છોકરો થયો તે થોડાંક વર્ષ તો આ વેષે ફર્યો પણ ઇંગ્રેજી ભણ્યા પછી મનુષ્ય સિવાય બીજી આકૃતિ ધારણ કરવાની ના પાડે છે અને અનાર્યોચિત "સ્વતંત્રતા"ની વાતો કરે છે, તથા માબાપની રુચિ કરતાં પોતાની રુચિ વધારે મહત્વની ગણે છે. તેના બાપને મહાદેવ તરફથી નિત્ય સંદેશા આવે છે કે છોકરાને પ્રતિજ્ઞા મુજબ ભૂતસ્વરૂપ બનાવો, નહિ તો મહાદેવ અપ્રસન્ન થઈ આખા કુટુંબનું નિકંદન કરી નાખશે. સુધારાના મોહમાં પડેલા તે સનાતન આર્યધર્મનું રહસ્ય શું સમજે !'

ભદ્રંભદ્ર અને ચંપકલાલ વચ્ચેનો કલહ પ્રસિદ્ધ થઈ જવાથી અમારી કોટડી બદલી. બંને પ્રાજ્ઞનો સહવાસ અમને વધારે થયો. તેમના સુખ માટે 'પોલિટિકલ' ગૃહસ્થ તરફથી અનેક ગુપ્ત યુક્તિઓ થતી હતી તેનો લાભ અમને પણ મળવા લાગ્યો, વિવિધ આહારની પોટલીઓ કોટ બહારથી અને છાપરા પર પડતી હતી તેમાંથી અમારો ભાગ પડવા લાગ્યો તથા જેલનું દુ:ખ ઓછું જણાવા લાગ્યું. એ અવસરમાં અમે કરેલી અપીલનો ફેંસલો થયો. અમારી સજા ઓછી થઈ અને અમને બંનેને જેલમાંથી છોડી મૂક્યા.

***

Rate & Review

Dipen Patel

Dipen Patel 1 year ago

Binaka  Vyas

Binaka Vyas 1 year ago

NonnCon

NonnCon 3 years ago

Book

Book 3 years ago

Subodh Mudiya

Subodh Mudiya 4 years ago