Anubandh - 2 books and stories free download online pdf in Gujarati

અનુબંધ - 2

અનુબંધ

રઈશ મનીઆર

ભાગ 2

અનુએ આપેલ ગોળમટોળ કાંકરો પેલા અજાણ્યા માણસે ઝીલવાની કોશીશ કરી. કદાચ એ બેધ્યાન હતો એટલે કાંકરો નીચે પડ્યો. ખિલખિલ કરતી અનુ હસી અને દોડીને નીચે પડેલો કાંકરો પેલાના હાથમાં મૂક્યો. ઢળતી સાંજના ઘેરા રંગો વાતાવરણ પર છવાઈ રહ્યા હતા. દૂર છોકરીઓના ટ્યુશન બેચને વિદાય આપી બાઈક પર બેઠેલા પેલા રતિયાએ જોયું, હજુ આ અજાણ્યો માણસ અહીં શું કરી રહ્યો હતો? એણે સોસાયટીના બીજા તરૂણ ભૂપલાનું ધ્યાન દોર્યું.

અમોલાની બેચેની વધતી જતી હતી, એણે દાદર ઉતરવાનું શરૂ કર્યું, ત્યાં જ અનુના અનિયમિત અંતરાલથી પડતાં ઘસાતાં સેંડલનો અવાજ સાંભળી અટકી. સાથે બીજું પણ કોઈ ચડતું હતું કે શું? ત્યાં અનુ આવી. આ શું? એ કોઈ અજાણ્યા માણસનો હાથ પકડીને ઉપર લઈ આવી હતી. એ આવી અને બોલી, “મમ્મી, જો પપ્પા આવ્યા!”

નર્મદાબેનને તરત થયું, આ છોકરીને ડોક્ટરને બતાવવું તો પડશે જ. એ ય કોઈ મોંઘી ફી વાળા ડોક્ટરને. અમોલાને ઠરી ગયેલી જોઈ નર્મદાબેને પરિસ્થિતિનો હવાલો લીધો. પેલા અજાણ્યા માણસને પૂછ્યું, “કોણ છે તું? અને છોકરીનો હાથ કેમ પકડ્યો છે? છોડ!”

નર્મદાબહેનનો મજબૂત સાથ મળતાં સ્વસ્થ થયેલી અમોલાએ અનુને હાથ પકડીને એક ઝટકાથી ખેંચી અને ઘર તરફ જવા દિશા પકડી ત્યાં જ ધબધબાટી બોલાવતાં પેલા બે તરૂણો રતિયો અને ભૂપલો ચોથા માળે આવી ચડ્યા. અજાણ્યા માણસની બોચી પાછળથી પક્ડી અને ધક્કો મારી એને ભીંત સાથે પછાડ્યો. બીજાએ એને હાથથી ખેંચી સીધો કર્યો, એની ફેંટ પકડીને મોં પર એક મુક્કો લગાવી દીધો. માર ખાઈ રહેલા અજાણ્યા માણસે કોઈ વિરોધ ન કર્યો એટલે નર્મદાબેન અને અમોલાનો ગુસ્સો તો જરા ઓસરવા માંડ્યો, પણ રતિયા અને ભૂપલાને તો હાથ સાફ કરવાની તક મળી હતી, આ ઉમરના તરૂણો એ ખાલી કેમ જવા દે! નર્મદાબેને એ લબરમૂછિયાઓને રોકવાની કોશીશ કરી, પણ એ ન માન્યા. અનુ એની મમ્મીના હાથની ઢીલી પડેલી પકડ છોડાવી વચ્ચે આવી ગઈ, “એમને શું કામ મારો છો? એ મારા પપ્પા છે!”

પેલાની એક લાત ઝનૂનમાં અનુને પણ વાગી ગઈ. હવે તરુણો અચકાયા. નાની છોકરીને વાગી ગયું. અને આ માણસ કદાચ ખરેખર આના પપ્પા હોય તો? હાથની ચળ ઓછી થઈ પછી એમને ડર લાગ્યો કે આ બહેનો કદાચ એમના ઘરે ફરિયાદ કરશે તો! એ બન્ને જેમ આવ્યા હતા, એમ ધબધબાટી બોલાવી ઉતરી ગયા.

હવે એકલી સ્ત્રીઓ તરીકે આને હેંડલ કરવાનું આવ્યું એટલે અમોલા અને નર્મદાબેન ફરી ગભરાયાં. કોઈ સમજદાર મદદગારની જરૂર હતી, પણ ત્રીજા માળે બન્ને ફ્લેટ મહિનાઓથી બંધ હતા. બીજા માળવાળાં પતિપત્ની તો મોડાં આવે. નીચે બાળકો જ દેખાતાં હતાં. બૂમો પાડીએ? કે બેમાંથી એક નીચે જઈએ? બન્ને બહેનોએ આંખોઆંખોમાં વાત કરી. બન્નેને શાંતિ ફક્ત એ વાતની હતી કે અજાણ્યો માણસ ઈજા પામી નીચે પડ્યો હતો, કોઈ પ્રતિકાર વગર! અને ઊભા થવાની કોશીશ પણ નહોતો કરતો.

નર્મદાબેને ફરીથી હિંમત અને સાવધાનીના અજબ મિશ્રણ સાથે પૂછ્યું, “કોણ છે તુ? ચાલ્યો જા અહીંથી!”

હવે પેલાએ ઊભા થવાની કોશીશ કરી, પણ કમરમાં વાગ્યું હતું એટલે ઊભો ન થઈ શક્યો.

નર્મદાબેન એટલીવારમાં અંદર જઈને એક ડાંગ લઈ આવ્યા. અને શસ્ત્રથી આવેલી તાકાતના પ્રતાપે બરાડ્યા, “કોણ છે તું, નામ બોલ તારું, અને કેમ આવ્યો છે?”

જવાબ આપવા માટે પેલા અજાણ્યાના હોઠ ફ્ફડ્યા. પણ માત્ર ફફડ્યા. અવાજ ન આવ્યો. અનુએ જોયું કે ‘પપ્પા’ના હોઠ પરથી લોહી નીકળી રહ્યું છે. એ ફર્સ્ટ એઇડ બોક્સ લઈ આવી. એના બાળમનને ખુશી હતી કે આજે પહેલીવાર એનું ફર્સ્ટ એઈડ બોક્સ કોઈ બીજા માટે વપરાશે. મલમપટ્ટીની ક્રિયા આમેય એને રોમાંચક લાગતી, એમાં આજે તો પોતે પીડા ભોગવ્યા વગર મલમપટ્ટીની આખી ક્રિયાના સાક્ષી બનવાનું મળશે.

અમોલા ખિજાઈ ગઈ, “મૂકી આવ અંદર!”

નર્મદાબેન યાદ કરવા લાગ્યા કે 100 નંબર લગાવું કે 101?

પેલા અજાણ્યો માણસે ‘પાણી જોઈએ છે’ એવો ઈશારો કર્યો અને પછી અશક્તિને કારણે દીવાલ પર પીઠ અઢેલી લગભગ સૂઈ ગયો. જાણે બેહોશ થઈ ગયો હોય એમ. કદાચ સાવ પોલિસને બોલાવવી પડે એવી ગંભીર સ્થિતિ નહોતી. હવે એ નક્કી કરવું જરૂરી હતું કે મદદની જરૂર સ્ત્રીઓને હતી કે આ અજાણ્યા માણસને? અને કદાચ આ માણસ અપહરણ કે હુમલા માટે ન આવ્યો હોય તો ય હવે આ આફતથી પીછો કઈ રીતે છોડાવવો, એ દિશામાં બન્નેએ વિચારવાનું શરૂ કર્યું.

અમોલાએ અનુભવી નર્મદાબહેનને પૂછ્યું, “પાણી આપું?” નર્મદાબેન ‘હા’ કે ‘ના’ પાડે એ પહેલા તો અનુ પાણી લેવા દોડી ગઈ. નર્મદાબેને કોને ફોન કરું અથવા કોને બૂમ પાડું એ ન સૂઝતાં સેફ્ટી માટે ફરી એકવાર ડાંગ ઉગામી.

ત્યાં જ એક યુવતી હાંફળીફાંફળી આવી. ચાર દાદર ચડવાને એકીશ્વાસે કારણે હાંફી રહી હતી. નર્મદાબેનના હાથમાં ડાંગ જોઈ બોલી, “મારશો નહીં! એ કંઈ નહીં કરે!”

અનુ અજાણ્યા માટે પાણી લઈને આવી, પણ એ પાણી નર્મદાબેને યુવતીને ધરી દીધું. “કોણ છે આ બેશરમ? લઈ જાઓ આને અહીંથી!”

યુવતીને હાંફતી જોઈ અમોલાએ કહ્યું, “ઘડીક ઘરમાં બેસો, પછી આમને લઈ જાઓ!” મેકઅપથી સજ્જ, આગળ કાઢેલી લટવાળી અને કાને મોટાં ઝૂમખાં વાળી યુવતી ઘરમાં બેઠી.

બે નાના ફ્લેટના સામસામે ખૂલતાં દરવાજાની વચ્ચે પેલો અજાણ્યો માણસ બેઠો હતો. અમોલાના ફ્લેટમાં સોફા પર બેસી આવનાર યુવતીએ પાણી પીધું. નર્મદાબેન ને અમોલા એ બોલેની રાહ જોઈ રહ્યાં. અમોલાના મનમાં વિચાર પસાર થઈ ગયો કે યુવતીઓ પણ ચીટર હોઈ જ શકે, પણ તો ય, એમનો પુરુષો જેટલો ડર ન લાગે. મમ્મીનું ધ્યાન નથી, એ જોઈ અનુએ ફરી ફર્સ્ટ એઈડ બોક્સ લાવીને, પોતાને આવડતી હતી, એવી મલમપટ્ટી શરૂ કરી.

નર્મદાબેને યુવતીને ધારીને જોઈ ધાર્યુ કે આની છવ્વીસની ઉમર હશે. આની પત્ની હશે? એમણે પૂછી જ લીધું, “આ તમારા શું થાય?”

યુવતીએ કહ્યું, “પૂરેપૂરી વાત નહીં કરું તો નહીં સમજાય. તમને સવાલો થશે. મારું નામ સુલેખા. આ ભાઈનું નામ...”

નર્મદાબેનના મનમાં એટલી તો ગડ બેસી ગઈ કે આ પતિપત્ની નથી.

સુલેખાને કદાચ માંડીને વાત કરવાની ટેવ હતી, એણે એવી વિગતવાર વાત કરી કે વચ્ચે બોલવાની જરૂર જ ન પડી.

સુલેખાએ કહ્યું, હું એક ક્વોલિફાઈડ નર્સ છું. અઢી મહિના પહેલા તો અમદાવાદની એક મોટી હોસ્પીટલના સાઈકિયાટ્રીક વોર્ડમાં મારી નોકરી હતી. વિધવા માની એકની એક દીકરી. માને સાથ આપવા માટે લગ્ન ન કરવાનું નક્કી કર્યું. પણ પ્રાઈવેટ હોસ્પીટલોમાં એટલો પગાર ક્યાં કે અમદાવાદ જેવા શહેરમાં ફ્લેટ ભાડે રખાય? આમેય શિફ્ટ ડ્યુટી હતી એટલે વર્કિંગ વુમન હોસ્ટેલમાં રહીને અડધો પગાર માને ગામ મોકલતી. એકંદરે બધું ઠીકઠાક ચાલતું હતું. જીવનમાં જ્યારે તમને લાગે કે બધું બરાબર ગોઠવાઈ ગયું છે ત્યારે જ તમારી ઈમારતનો એકાદ ટેકો પડી જાય છે. માને ફોર્થ સ્ટેજ બ્રેસ્ટ કેન્સર નું નિદાન થયું અને નોકરી છોડી મારે અહીં ગામ આવવું પડ્યું.

ગામમાં આવી એને દોઢ મહિનો થયો. બચત પૂરી થવા આવી હતી. ગામમાં કોઈ સરખી નોકરી મળે એમ હતું નહીં. ત્યાં જ એક દિવસ ડો. પરીખ સાહેબનો ફોન આવ્યો, “સુલેખા, ઘરબેઠા થોડી આવક થાય એવું કામ છે. ડિસોસિએટીવ ડિસઓર્ડરનું એક પેશન્ટ છે. એને હોમકેરની જરૂર છે!” મેં હસીને કહ્યું, “સર, મને નોકરીની સખ્ખત જરૂર છે, પણ મમ્મીને છોડી શકું એમ નથી, એટલે કોઈના ઘરે ન જઈ શકું, સોરી..”

પરીખસાહેબ બોલ્યા, “આઈ નો, સુલેખા, પણ તારે દર્દીના ઘરે નથી જવાનું, આ દર્દીને તારા ઘરે રાખીને સારવાર કરવાની છે!”

પાગલો સાથે આઠ વરસ મેં કામ કર્યું છે, મારી કુશળતાના ડોક્ટરો પણ વખાણ કરે છે, પણ પાગલને ઘરમાં રખાય? એવા ઘરમાં જ્યાં બે સ્ત્રીઓ હોય? પણ હું ચૂપ રહી એટલે પરીખસાહેબ આગળ ચલાવ્યું, “આ દર્દી સૌમિન 35 વર્ષનો છે, સાવ શાંત છે, કોઈ ધમાલ મારામારી કે તોડફોડ નહીં. જાતે નહાઈધોઈ ચોખ્ખો રહે છે, એટલે ચિંતાનું કોઈ કારણ નથી, માત્ર બેઝિક કેર લેવાની છે અને સારો એવો પગાર લેવાનો છે!”

“પણ આવું જ જો હોય તો એના ઘરવાળા એને કેમ ન રાખે?” નર્મદાબેનને સવાલ પૂછવાની તક મળી.

સુલેખાએ આગળ ચલાવ્યું, “સૌમિનને ડિસોસિએટીવ ડિસઓર્ડર છે. એ રોજ સાંજ પડ્યે તક મળ્યે ઘરથી બહાર નીકળી જાય છે. ચાલતો ચાલતો ગમે ત્યાં પહોંચી જાય છે, એને પોતાનું નામ કે સરનામું કશું યાદ હોતું નથી. જ્યાં જાય છે ત્યાં, ત્યાંની પ્રવૃત્તિમાં લીન થઈ જાય છે. ઘરે પાછા આવવાનું એને યાદ આવતું નથી, એ કોઈને હેરાન ન કરે, જ્યાં હોય ત્યાં જે કરવા જેવું લાગે તે કામ પણ કરવા લાગે પણ રાત થાય એટલે લોકો પૂછે તો નામ સરનામું કહી શક્તો નથી. કોઈ દયાળુ હોય તો જેમેતેમ શોધીને મૂકી જાય, પણ કોઈ દિવસ કોઈ શંકાશીલના હાથમાં ચડે તો માર ખાય.”

સુલેખા સહેજ અટકી. અમોલા અને નર્મદાબેન નવાઈ પામ્યાં, “કાં સાવ ડાહ્યા હોય કાં સાવ ગાંડા હોય, આવા પણ હોય?”