Anubandh - 5 books and stories free download online pdf in Gujarati

અનુબંધ 5

અનુબંધ

રઈશ મનીઆર

ભાગ 5

અમોલાએ યેલો પેજીસમાં સાઈકિયાટ્રીસ્ટની યાદી જોઈ, એમાંથી એક મહિલા સાઈકિયાટ્રીસ્ટના નામ પર એની નજર ઠરી અને એણે અપોઈંટમેંટ લીધી. અમોલાએ ડો. ફાલ્ગુનીબેનને દવાની પત્તીઓ બતાવી. ખબર હતી એટલી વિગત કહી. ફાલ્ગુનીબેન કંઈ પૂછે કે સૂચવે એ પહેલા સામેથી હકીકત જણાવીને કહી દીધું, “ત્રણેક દિવસમાં સૌમિનના સગા સમ્પર્ક ન કરે તો પોલિસ ફરિયાદ આપીશ.”

ફાલ્ગુનીબેને દર્દી અને ફાઈલ બન્નેને ધ્યાનથી જોઈને કહ્યું કે ડિસઓસિએટીવ ડિસઓર્ડરમાં આટલી બધી દવા ન અપાય. આ દવાઓની આડઅસરથી જ કદાચ એમનું મગજ મંદ રહે છે અને શરીર શિથિલ રહે છે. અમુક જ દવા ચાલુ રાખી બાકીની દવા ધીમેધીમે ઓછી કરવાનું સમજાવી વિદાય આપી.

નવી ટ્રીટમેંટ સાથે ત્રણ દિવસ વીતી ગયા. ત્યાં સુલેખાની મમ્મીને ચાલુ ઓપરેશને કોમ્પ્લિકેશન થયું હતું. ધારવા કરતા ઓપરેશન લાંબુ ચાલ્યું અને મમ્મીની હાલત સિરિયસ હતી. સુલેખાએ કહ્યું, એ હાલતુરત રાજપુર આવી નહીં શકે. પરીખસાહેબના અવસાન પછી હવે મહિને-મહિને પૈસા જમા થવાના નહોતા. સુલેખાએ હાથ ઊંચા કરી દીધા. હવે સૌમિનનું શું કરવું? અમોલા મૂંઝાતી હતી, એટલે સુલેખાએ એની વ્યવસાયસહજ વ્યવહારુતાથી કહ્યું, “અમોલા! મન મક્કમ કરી સૌમિનને આજે સાંજે જ પોલિસમાં સોંપી દે!”

અમોલા, અનુ અને સૌમિન રોજ સાંજે આંટો મારી સુલેખાના ઘરે ફૂલછોડને પાણી પાતાં, બિલાડી માટે થોડું દૂધ મૂકી આવતાં. પણ આજે સાંજે વૉક માટે અમોલાએ પોલિસ સ્ટેશનની દિશા લીધી. દરવાજે પહોંચ્યા. અનુને તો નવું જગત જોવા મળતું હતું એટલે એણે કોઈ સવાલ ન કર્યો. સૌમિનને આટલા અઠવાડિયાઓના પરિચય પછી અમોલા પર પણ એવો વિશ્વાસ બેસી ગયો હતો કે આ નવી જગ્યાએ શું કામ આવ્યા, એવો વિચાર એને આવ્યો નહીં. અમોલાને એવું લાગ્યું કે બે અબુધ નિશ્ચિંત હતા અને એની હથેળીમાં પરસેવો વળતો હતો. હિંમત કરીને એ “મે આઈ હેલ્પ યૂ”ના બોર્ડની નીચે બેઠેલા, પરંતુ કોઈ પણ એંગલથી ‘મદદગાર’ ન લાગે એવા હવાલદારની સામે ઊભી રહી.

“બોલો, કોનું કામ છે?”

અમોલાએ જોયું કે અમુક હવાલદારોની નજર અનુભવવશ જ સ્ત્રીઓનું વર્ગીકરણ કરવા માંડે. કોને માન આપવું? કોને ન આપવું? કોણ કેટલું વગદાર છે? કોણ કેટલું લાચાર છે? અમોલાની નજર પોલિસ સ્ટેશનમાં માનવીય અભિગમવાળી આંખોને શોધવા મથી રહી.

જો કે હવે તો પોલિસ સ્ટેશનમાં મહિલા કોંસ્ટેબલ પણ હોય, એટલે સાવ બીક નહોતી. ઓન ડ્યૂટી હવાલદારે “શું કામ છે?” એમ પૂછ્યું હોત તો અમોલાનો જવાબ નક્કી હતો, પણ સામેથી “કોનું કામ છે?” એ સવાલ આવતાં એ મૂંઝાઈ.

ત્યાં જ બે પોલિસો એક કેદીને દોરડે બાંધીને લાવ્યા અને પેલા હવાલદારે સ્ત્રીનું વર્ગીકરણ કરવાની માનસિક ક્રિયા છોડી ઊભા થઈ પેલાને બે ઠોકી દીધી અને સ્ત્રીને હાજરીને ભૂલી બે ભૂંડી ગંદી ગાળ પણ દઈ દીધી.

હવાલદારની નજર ફરી અમોલા તરફ જતાં એને ખ્યાલ આવ્યો કે ભૂલ થઈ, એટલે ફરી પેલાને એક અડબોથ ફટકારી, “હરામખોર! લેડીઝની હાજરીમાં ગાળ બોલાવડાવે છે! લઈ જા એને!”

“બોલો, કોનું કામ છે?”

અમોલાથી કહેવાઈ ગયું, “કંઈ નહીં, આ તો દીકરીને ભણવામાં પોલિસ સ્ટેશન આવતું હતું એટલે બતાવવા લાવી!”

“તે જોઈ લીધું? જાઓ! ફોટા-બોટા પાડશો નહીં!” હવાલદાર બડબડ્યો, “રોજ ને રોજ આવા આવી ચડે છે!” નવી શિક્ષણવ્યવસ્થાને ગાળો આપી એ કામે લાગ્યો.

ત્રણે ત્યાંથી નીકળ્યા, મોડેમોડે પણ ત્રણે સુલેખાના ઘરે ગયા. ત્યાં જઈ ફૂલછોડને પાણી પાયું, બિલાડી રાહ જોતી હતી, એને માટે દૂધ મૂકયું અને ઘરે પાછા આવ્યા.

અમોલા વિચારતી રહી હવાલદારે “શું કામ છે?” એમ પૂછવાને બદલે “કોનું કામ છે?” એમ પૂછ્યું. આ સવાલનો સરળ જવાબ તો એમ જ હોય કે પોલિસનું કામ છે. પણ એને “રાવલસાહેબનું કે વાઘેલા સાહેબનું કામ છે!” એવો નામજોગ જવાબ આપો તો જ વાત આગળ ચાલે એમ હતું. અમોલાને ભાન થયું, ઓળખાણ વગર પોલિસ સ્ટેશનમાં ન જવાય.

સુલેખાનો ફોન રણક્યો, “પત્યું કામ?” અમોલાએ ‘ના’ કહી, ‘રસોઈ પતાવી પછી વાત કરું’ કહી, ફોન કટ કર્યો. અને એ વિચારે ચડી. સ્વભાવગત કરકસરને કારણે અમોલા પાસે હજુ ખાસા પૈસા બચ્યા હતા. એણે પૈસા ગણ્યા અને હિસાબ લગાવ્યો. પંદરેક દિવસ વાંધો આવે એમ નહોતું. ત્યાં સુધી નવી નોકરી શોધવાની અને સૌમિનની પોલિસને સોંપણી કરવાની, એમ બે કામ પતાવવાનાં હતાં.

અધીરી થયેલી સુલેખાનો ફરી ફોન આવ્યો. અમોલાએ હિસાબ સમજાવીને પંદર દિવસ ખેંચી કાઢવાની વાત કરી. હવે વધારાનું કોઈ ટેંશન લેવા ન માંગતી સુલેખા અકળાઈ ગઈ, એલફેલ બોલવા લાગી. અમોલાએ પણ દલીલ કરી, “સૌમિનની સરખી વ્યવસ્થા ન થાય તો કેવી રીતે હું..” સુલેખાએ કહી દીધું, “ઓકે તને ઠીક લાગે તેમ જ કરવું હોય, તો મારી કોઈ જવાબદારી નહીં!” અમોલાએ પણ ઉશ્કેરાટથી કહી દીધું, “હા, જા, મારી જવાબદારી, બસ!”

બે રાત અમોલાએ ઊંઘ્યા વગર પડખાં ઘસ્યાં, ત્રીજા દિવસે એક નગરસેવિકાની ઓળખાણ શોધી, એને લઈ પોલિસ સ્ટેશન ગઈ. ત્યાં ફરિયાદ નોંધાવી. અમોલાએ નગરસેવિકાને હાથ જોડી કહ્યું હતું કે સૌમિનને ગમે ત્યાં મૂકે, પણ ભિક્ષુકગૃહ કે સિવિલના પાગલોના વોર્ડમાં ન મૂકે! પોલિસે ફરિયાદ લઈ કહ્યું, “બહેન, આમ તો કાયદેસર એમ જ કરવું પડે, પણ તમે એક અંડરટેકિંગ લખી આપો કે તમે તમારી જવાબદારી પર એને રાખશો, એટલે અમારે કોઈને જવાબ ન આપવો પડે!” નગરસેવિકાએ એવું અમોલા સામે એવું સ્મિત ફરકાવ્યું, જાણે કે એનું કામ કરી આપ્યું હોય. એક મંદ ‘થેંક યૂ’ સાંભળી નગરસેવિકા નીકળ્યા. અમોલા વિચારતી રહી અને પોલિસે સહી કરાવી લીધી.

અમોલા બહાર નીકળી. સૌમિનને થોડા દિવસ રાખવાનો તો વાંધો નહોતો, પણ પૈસા પૂરા થશે પછી શું? એ સવાલ એના મનમાં ઘોળાતો હતો.

અમોલા બહાર આવી ત્યારે અનુ અને સૌમિન પોલિસ સ્ટેશનની બહાર પડેલી બિનવારસી જૂની ખખડેલી મોટરસાયકલ પર રાઈડીંગની રમત રમી રહ્યા હતા. અમોલાને ઘડીભર એના પતિની મોટર સાયકલ યાદ આવી ગઈ. ઓહ, એ એક્સીડંટ! ફૂટપાથ પર અથડાઈ માથું ફાટતાં જ નજર સામે જ એના પતિએ ડોળા ચડાવી દીધા હતા. એ ગોઝારો દિવસ! આમ તો અમોલા હેલ્મેટ ફરજિયાત લેવડાવતી. પણ પતિ નાની મુસાફરીમાં ઘણીવાર હેલમેટ પહેરવાને બદલે અકળાઈને અમોલાને જ પકડવા આપી દેતો. એ દિવસે પણ એની હેલ્મેટ અમોલાના ખોળામાં હતી. અમોલા ગબડીને એ હેલ્મેટ પર જ પડી હતી. પેટમાં ખૂબ જોરથી વાગ્યું હતું. એને તરત થયું કે પતિ તો ગયો જ, અને કદાચ પેટમાંનું બાળક પણ ગયું!

આ ભયાનક સ્મૃતિને ભૂંસીને એની નજર વર્તમાનમાં આવી. સામે બે આકૃતિ ખખડી ગયેલા બાઈક પર રમી રહી હતી. એક પળ માટે સામે બિનવારસી મોટરસાયકલ પર પતિ અને બાળક બન્ને જીવતાં થઈ ગયા હોય, એવું લાગ્યું.

એને યાદ આવ્યું કે એના પતિને 108માં લઈને સિવિલ દોડ્યા હતા. સેવાભાવી રાહદારીઓએ એમ્બ્યુલંસમાં જ સારવાર શરૂ કરવા માટે દબાણ કર્યું ત્યારે 108ના સિસ્ટરે કહી જ દીધું હતું, “આટલી બધીવારથી શ્વાસ બંધ છે. હવે એ બચશે તો ય હાથ-પગ પેરાલાઈઝ થઈ જશે.”

પતિની વિધિઓ પતી પછી ગાયનેકોલોજિસ્ટને ત્યાં જઈ એણે કહ્યું હતું પેટમાં બાળક ફરકતું બંધ થઈ ગયું હોય એમ લાગે છે. પણ પતિના બારમા પછી ફરી બાળક ફરકતું થયું, અને પાંચ મહિના પછી તો અનુ એના ખોળામાં હતી. લેડી ડોક્ટર અનુભવવાણી બોલ્યા હતા, “ગર્ભમાં દીકરીઓ બહુ મજબૂત હોય, ભ્રૂણહત્યા સિવાય કશું એને મારી ન શકે, અને દીકરાઓ ગર્ભમાં સાવ તકલાદી હોય!” એમનું કહેવું હતું કે દીકરી હતી, એટલે કુદરતી તાકાતથી બચી.

એક સ્વજન ગયું. એક બચ્યું. અમોલાને એકાએક એહસાસ થયો કે એવું કેમ છે કે જે સ્વજન ગયું એનો અભાવ લાગતો હતો, અને જે સ્વજન બચ્યું હતું એ ભારરૂપ લાગતું હતું! લાગણીનું ઝરણું જ્યાં વહેવું જોઈએ ત્યાં સૂકાઈ ગયું હતું. અને જે ભૂતકાળના જે ગાભાં તડકે નાખવાના હતા એ હજુ ભીનાં હતાં. એને થયું, એ પોતે જ ખુદને સમજી નથી શકતી. પણ આજે પોતાને ઠપકો આપવાને બદલે એણે વિચાર્યું, મધ્યમવર્ગની વ્યક્તિ મુસીબતમાં આવી પડે ત્યારે એણે આર્થિક, સામાજિક અને લાગણીની બાબતોની એવી સેળભેળ જીરવવી પડે છે કે મુસીબતમાંથી પસાર થતાં થતાં, મુસીબતોને સમજતાં, એ વ્યક્તિ આખરે ખુદ માટે જ અજાણી થઈ જાય છે!

અમોલાને જોઈને અનુ અને સૌમિન દોડી આવ્યા. અમોલાને બીજો વિચાર એ આવ્યો, “ ધારો કે મારો પતિ બચી ગયો હોત અને પેલી 108વાળી સિસ્ટરના કહેવા મુજબ પતિ હાથે-પગે પેરેલિસીસ સાથે બચી ગયો હોત તો, મેં શું કર્યું હોત? એ સૌભાગ્યને સંઘર્ષથી સાચવ્યું જ હોત ને? એકલે હાથે ત્રણ જણાનું ભરણપોષણ કર્યું જ હોત ને?”

અમોલાએ જરા મુશ્કેલ સરવાળો માંડ્યો. ત્રણ જણાનું ભરણપોષણ વત્તા સૌમિનની દવા. પેલા પતિને પાન-માવાની લત હતી એનો ખરચો હતો, આને દવાનો ખર્ચો.. બહુ ફરક નહોતો. પહોંચી વળાશે, એવા નિર્ધાર સાથે અમોલા પોલિસ સ્ટેશનથી નીકળી. એને લાગ્યું, કેદી કેદથી નીકળતો હશે ત્યારે આમ જ નીકળતો હશે. પાસે કશું હોય નહીં, બધું નવેસરથી કરવાનું હોય, છતાં અંધારું પાછળ હોય અને કદમ અજવાસ તરફ હોય. બંધન પાછળ હોય, મુક્તિ સામે હોય! એ પણ આજે વિચારોની કેદથી નીકળી ગઈ હતી.

*

બીજા દિવસે એણે અનુની ભૂગોળની ચોપડીમાંથી ગુજરાતનો નકશો કાઢ્યો. નકશામાં એણે અમદાવાદથી દૂર, સગા-સંબંધીઓથી દૂર, ઓછામાં ઓછી 300 કિલોમીટર દૂર હોય એવી કોઈ જગ્યા શોધવાનું નક્કી કર્યું. એટલે દૂર કે જીવતેજીવતાં એને ત્યાં કોઈ સગાં મળવા આવે નહીં અને અહીં કોઈ ગુજરી જાય તો પોતે છ કલાકનું ટ્રાવેલ કરીને આવી શકે. એવી ગણતરી સાથે એણે દક્ષિણ ગુજરાતના વાપી પર પસંદગી ઉતારી.