Udaypurno Raju Guide books and stories free download online pdf in Gujarati

ઉદયપુરનો રાજુ ગાઈડ

ઉદયપુરનો રાજુ ગાઈડ

કલ્પના દેસાઈ

વર્ષો પહેલાં આવેલી ‘ગાઈડ’ ફિલ્મમાં; હીરો દેવ આનંદે સ્માર્ટ અને હૅન્ડસમ ગાઈડનું જે પાત્ર ભજવેલું, તે મનમાં એવું તો જડબેસલાક બેસી ગયેલું કે બસ, ગાઈડ હોય તો આવો જ હોય. બીજા કોઈ રેંજીપેંજીને ગાઈડ બનવાનો અધિકાર નથી ! પણ બધે આપણું ધારેલું મળતું નથી. ઉદયપુરનો ગાઈડ જોઈને તરત જ મને દેવ આનંદની યાદ આવી ! આવો ગાઈડ ? કાશ, અહીં વર્ષો પહેલાં આવ્યાં હોત તો કદાચ દેવ આનંદ મળી જાત. હવે શું ?

ઉદયપુર અમારા માટે તો તદ્દન નવો જ પ્રદેશ ! નવું શહેર અને નવા લોકોને જોવાના રોમાંચમાં જેવો અમે ઉદયપુરમાં પ્રવેશ કર્યો કે, અમારી કાર(ગાડી)ની બંને બાજુ ત્રણ ત્રણ મોટરસાઈકલો ફડફડાટી બોલાવતી દોડવા માંડી ! ‘અરે વાહ ! સાદા વેશમાં પોલીસનું પેટ્રોલિંગ ? મહારાજાઓના શહેરમાં આવું ભવ્ય સ્વાગત ?’ અમે તો ખુશ ખુશ થઈ ગયાં. થોડા અક્કડ બેસી ગયાં. ડ્રાઈવરે પણ ટટાર બેસીને જરા તોરમાં ગાડી ચલાવવા માંડી. એવામાં અમારા ગ્રૂપ લીડરનો ફોન રણક્યો, ‘તમે ઉદયપુર પહોંચી ગયાં ?’ ‘અરે જસ્ટ હમણાં જ દાખલ થયાં. પણ યાર, જરાક તો અગાઉથી જણાવવું હતું કે, અમારું અહીં આવું શાહી સ્વાગત થવાનું છે. અમે જરા સજીધજીને ઘેરથી નીકળતે.’ ‘ઓહ ! પેલા મોટરસાઈકલવાળા ? બચજો એમનાથી. એ બધા હૉટેલના એજન્ટો છે. તમારું માથું ખાઈ જશે. તમે તો મેં બતાવેલી તે હૉટેલ પર જ પહોંચો.’

ખાસ્સા છોભીલા પડી અમે પેલા સૈનિકોને રવાના કર્યા. એ લોકો બીજે પેટ્રોલિંગ કરવા વળી ગયા. અમે હૉટેલ પર પહોંચી ફ્રેશ થઈ, નાસ્તાપાણી પતાવી મૅનેજરને મળ્યા. ‘અહીં ક્યાં ફરવા જેવું છે ?’ મૅનેજરે તો ચપડી વગાડતાં જ એક ગાઈડને હાજર કર્યો. મારા મનમાં તો ગાઈડ એટલે ફક્ત દેવ આનંદ ! જ્યારે આ ? નસીબ જ વાંકાં. ગાઈડે કોઈનેય જરા પણ ઈમ્પ્રેસ ન કર્યા. માંડ ચાલીસેક કિલો વજન હશે એનું. ખભેથી સહેજ વાંકો વળી ગયેલો. તેલવાળા વાળ ને માવાવાળું રંગીન મોં. દાંતની તો વાત જ જવા દો. કપડાં પણ ઠીકઠાક. જગમશહૂર ઊદયપુરનો ગાઈડ આવો ? ના ના, આના કરતાં તો વગર ગાઈડે જ ફરી લઈશું. પણ તરત જ ‘ચલિયે’ સાંભળી યંત્રવત્ બધાં એની પાછળ દોરવાયાં. બીજા બધાનું ધ્યાન તો ગાઈડ તરફ ગયું જ નહોતું ! વાંધો તો ફક્ત મને જ હતો ને ? એ તો વટકે સાથ ડ્રાઈવરની બાજુની સીટ પર ગોઠવાઈ ગયો. અમે બધાં પાછળ ! ‘ગાડી સ્ટાર્ટ કરો.’ હુકમ છૂટતાં જ ડ્રાઈવરે મોં બગાડી એક ઝાટકા સાથે ગાડી સ્ટાર્ટ કરી.

સૌથી પહેલાં અમે ઉદયપુરનો જગપ્રસિધ્ધ મહેલ જોવા ગયાં, ‘સીટી પૅલેસ’. મહેલના એક છેડેથી બીજે છેડે ચલાવીને, દાદરા ચડઉતર કરાવીને અમારો દમ કાઢી નાંખતાં ગાઈડ આખરે અમને મહેલના ઉપરના ખૂણે આવેલા એક ઝરુખામાં લઈ ગયો.

‘વહાં દૂર દેખિયે. વહાં મહેલ દિખ રહા હૈ ?’

દૂર દૂર કંઈ મહેલ જેવું દેખાતું હતું ખરું. સૌએ હકારમા ડોકું ધુણાવ્યું. ‘વો તાજમહેલ હૈ. (સાંભળીને મારું માથું ઠનક્યું. ઉદયપુરમાં તાજમહેલ ? પણ બાકીનાં સૌ તો તાજમહેલ જોઈને ખુશ !) ઈસે શાહજહાંને અપની બેગમકી યાદમેં બનવાયા થા. યે ઝરોખેમેં બૈઠકર; જહાં આપ ખડે હૈં, રાજા રોજ અપની બેગમકો યાદ કરકે રોતે રોતે તાજમહેલકો દેખા કરતા થા.’ (ગપ્પાંની પણ હદ હોય ! બધાંને ગમગીન થયેલાં જોઈ મેં બોલવાનું માંડી વાળ્યું. આવા ગાઈડો જ આપણા દેશનો નકશો કે ઈતિહાસ બદલી કાઢતા હશે ? કોણ જાણે !)

શાહજહાંની જગ્યાએ ઊભા રહેવાનો સૌને આનંદ થયો. તાજને યાદ કરતાં સૌ મહેલની બહાર આવ્યાં. ગાઈડ ફરી ગાડીમાં ગોઠવાયો. અમારા કહેવા કે પૂછવાની રાહ જોયા વગર ગાઈડે અમારા જમવાની ગોઠવણ એક હૉટેલમાં કરી દીધી ! (કદાચ એના કમિશનની ગોઠવણ પણ થઈ હોય.) ખેર, જમીને રાજુ ગાઈડ અમને એક સુંદર બગીચો–વાટિકા– જોવા લઈ ગયો. એ સ્થળ ‘સહેલિયોંકી બાડી’ તરીકે જાણીતું હતું. (હિન્દીમાં વાડીને બાડી કહેવાય ? ગુજરાતી લોકો તો સહેલીઓને જ બાડી સમજતાં હશે ને ? કે પછી માડીની જેમ બા...ડી ?

‘યે બાડી યહાંકે રાજાને અપની બેટીકે લિયે ખાસ બનવાઈ થી. રાજકુમારી અપની સહેલિયોંકે સાથ યહાં રોજ ઘૂમને–ખેલને આતી થી. યહાં મર્દોંકે આને પર પાબંદી થી. યે જો બડા.... પેડ આપ દેખ રહે હૈં, યે રાજાકી બેટીને લગાયા થા. ઔર આસપાસ જો ગુલાબકે પૌધે હૈં, સબ ઉસકી સહેલીયોંને લગાયે થે.’

અમે સૌ મોં વકાસીને એ અદ્ભૂત ગુલાબના ફૂલોને જોઈ રહ્યાં હતાં, જે વર્ષોથી સહેલીઓની યાદમાં હજીય તાજા થઈને રોજ ટુરિસ્ટોને આકર્ષતા હતા ! વાહ ! ‘બાડી’થી તો અમે ધન્ય થઈ ગયાં. ગાઈડ વચ્ચે વચ્ચે, કોઈ જગ્યાએ ઊભો રહી અમને ફોટા પાડી લેવા જણાવતો હતો. યાદગીરી !

‘યહાં ખડે રહિયે. યહાં રાજાકી બેટી રોજ અલગ અલગ અંદાઝસે તસવીરેં ખીંચવાતી થી.’ આ બહાને ગાઈડ, સ્ત્રીઓના રાજકુંવરી હોવાના સપનાને ચગાવતો હતો– તે ધ્યાનમાં આવ્યા વગર દરેક સ્ત્રી અચૂક એ જગ્યાએ પોઝ આપીને ઊભી રહી જતી !

‘યહાં આઈયે. યે સુંદર તાલાબમેં રાજકુમારી ઔર ઉસકી સહેલિયાં સ્નાન કરતીં થીં. ફિર કિનારે બૈઠકર અપને બાલ સુખાતીં થીં. ઉન સબકી સેવામેં યહાં ગુલાબકા શરબત પેશ કિયા જાતા થા, વહી ગુલાબકા શરબત આપ બાહરસે ભી ખરીદ સકતે હૈં.’ અમે સૌએ બે–બે બૉટલ લેવાનું ત્યાં જ નક્કી કરી નાંખ્યુ. (ત્યારના ગુલાબ ? ને એ ગુલાબનું શરબત ? ગાઈડની વાતોની અસર !) કા..શ ! અમારા પિતાશ્રીએ પણ અમારા માટે આવી કોઈ બાડી કે તલાવડી બંધાવી હોત ! કંઈ નહીં. હજી કંઈ જીવન વહી નથી ગયું. ઘેર જઈને પતિને વાત કરી જોવી પડશે. વાત કરવામાં શું જાય ? નસીબ પાધરાં હોય તો........

‘લાઈયે, મૈં આપ સબકા ગ્રૂપ ફોટો નિકાલ દૂં. આપ સબ સામને ખડે રહિયે.’ ગાઈડે સમુહતસવીરની યાદ દેવડાવી જે પ્રવાસમાં ફરજિયાત હોય છે. જેની પાસે કૅમેરા લેવા હાથ લંબાવ્યો તે બહેને પોતાનો હાથ પાછળ ખેંચી લીધો. કદાચ કૅમેરા વધારે મોંઘો હશે. ‘અરે બહેનજી, યહાં દુનિયાભરકે ટુરિસ્ટ આતે હૈં ઔર બહોત ભારી ભારી કૅમરા મેરે હાથમેં દે દેતે હૈં. આપકા કૅમરા તો બહોત હી મામૂલી હૈ. બાકી તો આપકી મરજી.’ ગાઈડ જરા નારાજ થઈ ગયો. પેલા બહેનના પતિએ કૅમેરા ઝૂંટવી ગાઈડના હાથમાં થમાવી દીધો ને પત્ની સામે ડોળા કાઢ્યા...જરા બબડાટ પણ કર્યો. ઘરે હોત તો ખબર પડી જાત.(કોને?) ખેર, સમુહતસવીરમાં બે જણના ચડેલા મોં આવ્યા જે અપેક્ષિત હતું.

સાંજે ગાઈડે એક ફાઈવ સ્ટાર હૉટેલ પાસે ગાડી ઊભી રખાવી.

‘યહાં રાજાકે બાવર્ચીકા પોતા બહોત બઢિયા ખાના બનાતા હૈ. એકદમ શાહી ખાના. ઉદયપુરસે યહાંકા ખાના ખાયે બિના કોઈ વાપસ નહીં જાતા. ’

અમે કેમ બાકી રહીએ ? શાહી ખાણું ને તે પણ રાજવી ઠાઠથી ! અમે હૉટેલમાં જરા સ્ટાઈલથી પ્રવેશ્યાં. અમને લળીલળીને સલામો ભરાઈ ને આઈયે બૈઠિયેના ભાવભીના આગ્રહો થયા. ઉદયપુરમાં તો ડગલે ને પગલે અમે ધન્ય થયાં. થોડી વારમાં જાતજાતનું સ્વાદિષ્ટ, શાહી ખાણું પીરસાતું ગયું, તે પણ ચાંદીનાં વાસણોમાં ! ચાંદીના ગ્લાસોમાં શોભતું પાણી અને છલકાતી છાસ અમારા ગળા નીચે ઉતરતી રહી. પેલો પોતો–બાવર્ચીનો પોતો, જાતે આવીને આગ્રહ કરીને અમને રાજાના સમ દઈ દઈને, ગરમ ગરમ ગુલાબજાંબુ ખવડાવી ગયો.

ગાઈડ તો એની મસ્તીમાં જુદા ટેબલે બેસી શાહી ભોજનને(કોણ જાણે કેટલામી વાર ?) માણી રહ્યો હતો. છો બિચારો ! નવ્વાણું તો ભર્યા સો. એ ન લાવત તો અમે વળી ક્યાં આવું શાહી ભોજન, શાહી ઠાઠ સાથે પામવાના હતાં ? અમે તો વર્ષો પછી આવું; પ્રેમાગ્રહથી પીરસાયેલું, સ્વાદિષ્ટ ને ગરમાગરમ ભોજન માણ્યું. વરસમાં એક વાર ઉદયપુર આવી જવું એવું નક્કી કર્યુ. તૃપ્તિનો ઓડકાર ખાઈ બિલ ચૂકવ્યું.....દસ હજા..ર ! ઘણાને ખાધા વગર ચક્કર આવે તે ખબર પણ જો ખાધા પછી ચક્કર આવે તો આવું બિલ જ જવાબદાર ગણાય કે પછી પેલો ગાઈડ જવાબદાર ગણાય ?

આખરે ગળામાં અટકેલા ડૂમા સાથે અમે હૉટેલને પહેલી ને છેલ્લી વાર રામરામ કર્યા. સામે ગાઈડ, બધાં માટે સો રુપિયાવાળા પાનનાં બીડાં લઈ હાજર હતો ! નવ્વાણું પર સો કેટલી વાર ભરવાના ?

ગાઈડે તો શેખી હાંકીને ડ્રાઈવરને પણ પ્રભાવિત કરી દીધો હતો તે ડ્રાઈવરના મોં પર સ્પષ્ટ દેખાતું હતું. અમે તો ખાધું–પીધું ને નારાજ થયાં. (કે તારાજ થયાં ?)

હવે ? ઘરે પાછા ફરી જવું કે બાકીનું ઉદયપુર કાલે જોઈ લેવું ? સર્વાનુમતે નક્કી થયું કે, હવે નીકળ્યાં જ છીએ તો જોતાં જ જઈએ. પાછા ક્યારે આવવાનું થાય કોને ખબર ? આટલા ગયા તો દસ હજાર વધારે ! એમ પણ ટુરિસ્ટ પ્લેસ પર બધું કંઈ મફત કે સસ્તું ઓછું મળવાનું ? વળી, શાહી ભોજન લીધું તેનો આનંદ કંઈ દસ હજાર કરતાં વધારે છે ? પછી તો, આમ ને તેમના જાતજાતના બહાના હેઠળ સૌએ મનને પાછું વાળ્યું. બીજે દિવસે રાજુ ગાઈડની બાદબાકી કરીને અમે બાકી રહેલું ઉદયપુર જોવા નીકળ્યાં.

જોકે, બીજે દિવસે ઉદયપુરમાં અમે જ્યાં ગયાં ત્યાં અદ્રશ્ય રીતે પેલો ગાઈડ અમારી સાથે જ હતો ! પિછોલા લેક જોવા ગયા તો અવાજ આવ્યો, ‘યે દેખિયે પિછોલા લેક. ઉદયપુરકા મશહૂર લેક હૈ. વહાં દૂર બીચમેં જો હૉટેલ દિખ રહી હૈ, વહ ઉદયપુરકે રાજાને ‘લેક પેલેસ હૉટેલ’ ઉસ સમય બનવાકે રખી થી. રાજા અચ્છી તરહ જાનતે થે કિ, ઇતના સુંદર શહર દેખનેકે લિયે દેશ વિદેશસે આપ જૈસે કઈ ટુરિસ્ટ યહાં આયેંગે ઔર લેકમેં બોટિંગ કરેંગે, મહલમેં રહેંગે ઔર આસપાસકી સુંદર વાદિયાં ઔર હવેલિયાં દેખકર ખુશ હો જાયેંગે. રાતકા નઝારા ભી યહાં દેખને લાયક હોતા હૈ.’

અમે ગભરાઈને આસપાસ જોયું પણ ત્યાં કોઈ નહોતું ! પિછોલા લેકમાં દૂર લેક પેલેસ તો દેખાતો હતો ! લોકો બોટિંગ પણ કરતાં હતાં ! આજુબાજુ સુંદર હવેલીઓ અને ટેકરીઓ પણ હતી ! અમારી બાજુમાં ઊભેલા લોકો વાત કરતા હતા કે, ‘રાતે અહીંથી લેક અને લેક પેલેસની સુંદરતા જોવા જેવી હોય છે !’ અમે ચમક્યાં. વહેલા વહેલા એ અદ્રશ્ય ગાઈડથી પીછો છોડાવવા ત્યાંથી ચાલતાં થયાં. શું ઉદયપુરના રાજાને હૉટેલના ધંધામાં રસ પડેલો ? તે સમયે વળી ક્યાં હૉટેલનું ચલણ હતું ? આ ગાઈડે તો અમારા બધાનાં ભેજામાં એવો અડ્ડો જમાવ્યો છે ને કે, એના વગર નીકળ્યા તોય જાણે સાથે ને સાથે ! ને પાછા અદ્રશ્યપણે પણ એનાં ગપ્પાં તો ચાલુ જ ! હવે ? ઉદયપુર જોવું કે ન જોવું ? હવે કશે ખાવા કે શૉપિંગ કરવા જઈએ ને ગાઈડ સાથે આવ્યો તો ? એ કહેશે તે જ ખાવું પડશે ? ને જેટલું બિલ કરશે તેટલું ભરવું પડશે ? ના ના, હવે તો વહેલી તકે ભાગો અહીંથી. બહુ જોયું ઉદયપુર. ને અમે ગાઈડની બીકે ઉદયપુર છોડ્યું.

KALPANA DESAI

kalpanadesai.in@gmail.com