Dil Kabutar - 3 books and stories free download online pdf in Gujarati

દિલ કબૂતર ભાગ ૩

દિલ કબૂતર

ભાગ ૩

ચાર મિત્રો વચ્ચે ચા ની કીટલી પર થયેલી વાતચીત ના અંતે શિવ ના મન માં અમાયા પ્રત્યે ના પ્રેમ ને સાકાર કરવા રાજુ,કાળુ અને જોની એના અને એના પરિવાર વિશે બધી માહિતી એકઠી કરે છે. જુબેદા ની સલાહ થી શિવ અમાયા ને જાતે જ પ્રપોઝ કરવાનું મન બનાવી લે છે જેના અનુસંધાન માં પ્રથમ વાર વાતચીત નો આરંભ કરવા એ અમાયા તરફ આગળ વધે છે.. હવે વાંચો આગળ...!!

કાળા રંગ ના સલવાર માં સજ્જ અમાયા નો ઘાટીલો દેહ વધુ નીરખી રહ્યો હતો..કુદરત ની બેનમુન કારીગરી સમાન અમાયા અતિ સ્વરૂપવાન લાગી રહી હતી. પવન ની દરેક લહેરખી એના દુપટ્ટા ની સાથે એની રેશમી ઝુલ્ફો ને હવા માં ઉડાવી રહી હતી.પોતાના કેશ ને સરખી કરતી અમાયા શાકભાજી વાળા જોડે ભાવ ની રકઝક કરી રહી હતી..!! જેમ ટોમ એન્ડ જેરી કાર્ટૂન માં જેરી ઉંદર ચીઝ ને જોઈ બધું ભૂલી એ તરફ આકર્ષિત થાય એમ જ અત્યારે આજુ બાજુ નું બધું ભાન ભૂલી આપણા હીરો શિવાનંદ ઉર્ફે શિવ આગળ વધી રહ્યાં હતાં.

શિવ ને તો અત્યારે કંઈપણ ભાન નહોતું પણ જેમ જેમ શિવ અમાયા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે આગળ શું બનવાનું છે એની બેતાબી માં રાજુ નું હૃદય બમણી ગતિ એ ધબકી રહ્યું હતું..અમાયા ને ખબર ના પડે એમ શિવ એની બિલકુલ પાછળ જઈને ઉભો રહ્યો અને હળવેક થી અમાયા ના ખભા પર સ્પર્શ કરી ને બોલ્યો..

"એક્સકયુઝમી..."

આમ શિવ માં અચાનક સ્પર્શ કરવા થી અમાયા થોડી ગભરાઈ ગઈ..એની વળીને પાછળ જોયું તો શિવ ઉભો હતો...શિવ ની તરફ જોઈને એને પોતાની સુરમો લગાવેલી પાણીદાર આંખો પટપટાવીને કહ્યું.."હા બોલો..શું કામ છે..?"

શિવ એ પોતાના હાથ માં રહેલો લેડીઝ નેપકીન અમાયા ની તરફ લંબાવતાં કહ્યું..

"આ રૂમાલ ત્યાં નીચે પડ્યો હતો...શાયદ તમારો હોય..."

અમાયા એ શિવ ની સામે સસ્મિત જોયું અને રૂમાલ પોતાના હાથ માં લેતાં કહ્યું..

"તમારો ખૂબ ખૂબ આભાર mr..."

"Mr. શિવ...એમાં આભાર શેનો આતો મારી ફરજ હતી.."ફિલ્મી સ્ટાઇલ માં શિવે કહ્યું..આજે વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ માં શિવ પણ ગજબ નો નિખરી રહ્યો હતો.

શિવ અને રાજુ તો માની જ બેઠાં હતાં કે એમનો પ્લાન સફળ થઈ ગયો..એમનું છોડેલું બાણ નિશાન પર લાગી ગયું હતું જેના લીધે બંને મનોમન હસી રહ્યાં હતાં...!!

"શું કીધું આ તો તમારી ફરજ છે એમ ને...તો રોજ આવી કેટલી છોકરી ઓ ને આમ રૂમાલ આપી પોતાની ફરજ પુરી કરો છો..."અવાજ માં કટાક્ષ સાથે અમાયા એ કહ્યું.

અમાયા ની વાત સાંભળી શિવ ને શું જવાબ આપવો એ ના સૂઝતા એને કહ્યું.."અરે તમે ખોટું સમજો છો.."

"હું તારા જેવા છોકરાઓ ને સારી રીતે ઓળખું છું..મીઠી મીઠી વાતો થી છોકરીઓને ફસાવી એમના ભોળપણ નો ફાયદો ઉઠાવવો તમને બધા ને સારી રીતે આવડે છે..બીજી વાત આ રૂમાલ મારો નથી.."થોડાં ગુસ્સા સાથે અમાયા ને કહ્યું અને રૂમાલ ને શિવ ના મોં પર મારી દીધો.

"સોરી..જો તમને મારી કોઈ વાત નું ખોટું લાગ્યું હોય તો..પણ "શિવ એ વાત ને વાળવાનો આખરી પ્રયાસ કરતાં કહ્યું.

"મારે તારી કોઈ વાત નથી સાંભળવી..છેલ્લા ઘણા દિવસ થી મેં જોયું છે કે તું મારી આગળ પાછળ આંટા મારે છે..હવે લાસ્ટ વૉર્નિંગ આપી દઉં છું આજ પછી મારી આજુ બાજુ ક્યાંય દેખાયો તો મારા જેવું ખરાબ કોઈ નહીં..."ધમકીભર્યા સુર માં અમાયા એ કહ્યું.

"અરે પણ.."વાત ને સુધારવા ના પ્રયાસ માં શિવ બોલવા જતો હતો ત્યાં અમાયા એ એને અટકાવીને કહ્યું.

"એક વાર કીધું ને અહીં થી નીકળી જા.. મારે ના છુટકે પોલીસ કમ્પ્લેઇન ના કરવી પડે.."આવેશ માં આવીને અમાયા એ કહ્યું.

અમાયા ની વાત સાંભળી શિવ કંઈપણ બોલ્યાં વિના ચુપચાપ ત્યાંથી નીકળી ગયો..કેમકે અત્યારે એમાં જ શિવ ને પોતાની ભલાઈ લાગી.

***

"એ ભીખાભાઈ ચાર કટિંગ ગરમાગરમ..."સાંજે ચા ની કીટલી પર બેસેલા મિત્રો ની ટોળકી માં થી કાળુ એ કહ્યું.

"જૂની પડેલી ગરમ કરીને ના આપતાં..."જોની એ હસતાં હસતાં કહ્યું.

"અને ગરમ મસાલો પણ નાંખજો..."રાજુ એ પણ વાતાવરણ ને હળવું બનાવતાં કીધું.

"ગેલછપ્પા ઓ અહીં મારી મરાઈ ગઈ છે અને તમને ચા ની પડી છે...દોસ્ત છો કે દુશ્મન..?"ગુસ્સા સાથે શિવ એ કહ્યું.

"હા ભાઈ હા..અમને ખબર છે કે તારા પર શું વીતી રહી છે..ઈચ્છા તો એવી છે કે સાંજે રોયલ સ્ટેગ ની બોટલ સાથે તારું દુઃખ હળવું કરીએ..."કાળુ એ શિવ ની ચુટકી લેતાં કહ્યું.

"કાળીયા અત્યારે મગજ ની પત્તર ના ઠોક...એક તો પહેલી વાર કોઈને સાચા દિલ થી પ્રેમ કર્યો અને ઈજ્જત ની એને જાહેર માં ફજેતી કરી નાંખી..."વીલા મોંઢે શિવ એ કહ્યું.

રાજુ પોતાના સ્ટુલ પર થી ઉભો થયો..સ્ટુલ શિવ ની બાજુ માં મૂક્યું અને શિવ ના ખભે હાથ મૂકીને કહ્યું.

"ભાઈલા દુઃખી ના થઈશ એમાં... યાર અમને ખબર છે તારા ઉપર શું વીતી રહી છે પણ આતો તારું આ ઉતરેલી કઢી જેવો ચહેરો સારો નથી લાગતો એટલે અમે તને હસાવવાનો પ્રયત્ન કરીએ છીએ..!!

એટલા માં ભીખાભાઈ ચા લઈને આવ્યા એટલે એમના જોડે થી ચા ની પ્યાલી લઈને પાછી એમને વાતચીત આગળ વધારી..!!

"તો યાર હવે આગળ શું કરીશ...બીજીવાર એને મળીને બધું ક્લિયર કરી લે.."જોની એ સલાહ આપતાં કહ્યું.

"ના જોની હવે નહીં.. જો ભાઈ અમાયા એ કહ્યું છે કે હું હવે એની આજુ બાજુ ના દેખાવો જોઉં..એટલે આજ પછી હું એને નહીં મળું.."શિવ એ કહ્યું.

"અરે શિવલા ડરી ગયો કે શું...??"રાજુ એ કહ્યું..

"ના યાર..ડરવાનું તો ખાલી ઉપરવાળા થી..પણ અમાયા ને નથી પસંદ કે હું એનો પીછો કરું કે એને મળું તો હું એવું જ કરીશ.."શિવ એ ધીરે થી કહ્યું.

"એનો મતલબ તું તારા પ્રથમ પ્રેમ ને ભૂલી જઈશ...?"કાળુ એ સવાલ કર્યો.

"અરે એમ થોડો ભૂલી જવાય..તમે માનો કે ના માનો પણ મેં ખરા દિલ થી એને ચાહી છે..અમારા નસીબ માં નહીં હોય એકબીજા ને મળવાનું..પણ હમેશા એ મારા હૃદય માં ચોક્કસ રહેશે..અને હવે જો ઉપરવાળો ઇચ્છતો હશે કે અમે બંને મળીએ તો એવું ચોક્કસ થશે..પણ અત્યારે યાર .."આટલું બોલતાં બોલતાં શિવ ની આંખો ભીની થઈ ગઈ.

કાળુ વાતાવરણ ની ગંભીરતા ને સમજી ગયો અને ઉભો થઈને બે ગોલ્ડફલેક લેતો આવ્યો અને એક શિવ ની તરફ લંબાવતા કહ્યું.

"લે ભાઈ..બે ચાર ફૂંક મારી લે..મૂડ સારો થઈ જશે..."

"ના યાર આજે કંઈ નહીં..તમે બેસો હું ઘરે જાઉં..."આટલું કહીને ભીખાભાઈ ને ચા ના પૈસા આપી શિવ પોતાના ઘર તરફ ચાલતો થયો.

શિવ ની આવી દશા જોઈ કાળુ,રાજુ અને જોની વ્યથિત હતાં.. એમને ખબર નહોતી પડતી કે આગળ શું કરવું જેથી અમાયા અને શિવ ને એક કરી શકાય..થોડી ઘણી નકામી વાતો કરી એ ત્રણેય પણ પોતપોતાના ઘર ની વાટ પકડી.

***

બીજા દિવસ થી શિવ પાછો પોતાના કામે વળગી ગયો..અમાયા ના ઘર તરફ થી નીકળતો ખરો પણ ક્યારેય એ તરફ જોતો નહીં. જેમ બને એમ વધુ ને વધુ પોતાની જાત ને શિવ કામ માં વ્યસ્ત રાખતો જેથી કરીને અમાયા યાદ ના આવે..પણ કહેવાય છે ને "જેને જેટલું ભૂલવાની કોશિશ કરો એ એટલું જ વધુ યાદ આવે."

લાખ કોશિશ છતાં શિવ ના મગજ માં થી અમાયા નો ખુબસુરત ચહેરો ખસતો નહોતો..સાંજે કીટલી પર જવાનો નિયતક્રમ પણ શિવ એ તોડી નાંખ્યો હતો..રાજુ, કાળુ અને જોની પણ શિવ ને સમજાવવા એની કુરિયર ની ઓફિસે જઈ આવ્યાં પણ શિવ અત્યારે કંઈ વાત કરવા નથી માંગતો એમ કહી એમને પાછા વાળી દેતો.

શિવ સાંજે એકલો પડે ત્યારે થોડી દૂર આવેલાં તળાવ ના કિનારે જઈ ને બેસતો..પ્રથમ પ્રેમ માં મળેલી નિષ્ફળતા એ શિવ ને આધુનિક દેવદાસ બનાવી દીધો હતો.

આ તરફ અમાયા તો પોતાની રેગ્યુલર જીંદગી જ જીવી રહી હતી..શિવ સાથે થયેલી મુલાકાત અને માથાકૂટ પછી પણ અમાયા ને જાણે કોઈ ફરક જ નહોતો પડ્યો.

આમ ને આમ મહિના જેટલો સમય પસાર થઈ ગયો..શિવ પણ ધીરે ધીરે પાછો નોર્મલ લાઈફ જીવવા લાગ્યો હતો..રાજુ, કાળુ અને જોની સાથે એ સાંજે ચા ની કીટલી પર જવા લાગ્યો. શિવ હજુપણ પહેલાં ની જેમ ખુશ નથી રહેતો એ જાણતાં એના ત્રણેય મિત્રો એને કોઈને કોઈ ગતકડાં કરી ખુશ રાખવાનો પ્રયત્ન કરતાં પણ એમની લાખ કોશિશો પછી પણ બધું વ્યર્થ..કોઈક વાર એ બધાં નું મન રાખવા શિવ ક્યારેક હસી પણ લેતો પણ એની ઝુઠી સ્માઈલ એના મિત્રો થી છુપી નહોતી રહી શકતી.

એક દિવસ સાંજે શિવ એના મિત્રો ની સાથે ચા ની કીટલી પર બેઠો હતો..ત્યારે એમનું ધ્યાન ચોક માં થઈ રહેલાં કોલાહલ પર ગયું..એમને જોયું તો એક મદમસ્ત આખલો ગાંડોતુર થઈને આમ થી તેમ દોડી રહ્યો હતો..આખલા ની હડફેટે કેટલી એ લારીઓ ચડી ગઈ હતી..લોકો પોતાનો જીવ બચાવવા સેફ જગ્યા એ જઈ રહ્યાં હતાં..એટલામાં આખલો દોડતો બઝાર ના નાકા તરફ ગયો..ભારી ભરખમ દેહ હોવા છતાં પણ એ તીવ્રતા થી દોડી રહ્યો હતો.

"હુસેનમિયાં દૂર રહો...આખલો છે...આખલો..."લોકો બુમો પાડી પાડી ને કહી રહ્યાં હતાં.

શિવ અને એના મિત્રો પણ ઊભાં થઈ ને દોડતાં એ તરફ ગયાં..ગલી ના નાકા માં થી એક વૃદ્ધ માણસ આવી રહ્યો હતો..આખલા અને એના વચ્ચે નું અંતર વીસેક ફૂટ જેટલું હતું..ગલી વળાંક વાળી હોવાથી એ માણસ ને આખલો જ્યારે સાવ નજીક આવી ગયો ત્યારે જ દેખાયો.

એ વૃદ્ધ વ્યક્તિ નો ચહેરો અને લોકો ની બુમો અને ચીસા ચીસ પર થી શિવ સમજી ચુક્યો હતો કે એ બીજું કોઈ નહીં પણ અમાયા ના અબ્બુ હુસેનમિયાં છે..હુસેનમિયાં કંઈ કરે એ પહેલાં જ આખલા એ ટક્કર મારી ને એમને નીચે નાંખી દીધા..આખલો એમને ટક્કર મારી થોડો આગળ નીકળી ગયો. આખલા ની આંખો માં હજુપણ ગુસ્સો હતો જે એ નીચે પડેલાં હુસેનમિયાં પર નીકાળવા માંગતો હતો એટલે એ પાછો વળ્યો ખુનન્સ ભરી આંખે હુસેનમિયાં તરફ જોઈ રહ્યો હતો....એ હુસેનમિયાં પર ફરી થી હુમલો કરશે એ સમજવામાં બધા ને વાર ના થઈ.ત્યાં ઉભેલા લોકો દર્શક બની ને આ બધું જોઈ રહ્યાં હતાં.

"બચાવો.અરે કોઈ તો બચાવો.."ત્યાં ઉપસ્થિત લોકો બુમરાણ મચાવી રહ્યાં હતાં.

કોઈની હિંમત નહોતી થતી કે એ મદમસ્ત આખલા ને રોકવા માટે વચ્ચે પડે..એમ કરવામાં બધાં ને પોતાનો જીવ જવાનું જોખમ લાગી રહ્યું હતું..શિવ એ તરત જ પોતાનું મગજ કામે લગાડ્યું..બાજુ માં પડેલું એક મજબૂત દોરડું એને હાથ માં લીધું અને બીજો છેડો કાળુ ને આપતાં કહ્યું.

"કાળીયા આ છેડો પકડ અને ચાલ મારી સાથે...રાજુ તું જઈને સળગતું લાકડું લેતો આવ અને જોની તું લીલા ચારા ની સગવડ કર...જલ્દી..."

શિવ અને કાળુ રસ્સા જેવું એ દોરડું લઈને આખલા અને હુસેનમિયાં ની વચ્ચે જઈને પહોંચી ગયાં..આખલો દોડીને હુસેનમિયાં તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે શિવ એ કાળુ સામે જોયું અને ઈશારા થી દોરડા ને થોડું નીચે ની તરફ આખલા ના પગ મા આવે એમ રાખવાનું કહી આખલા ની દિશા માં દોડવાનું શરૂ કર્યું.

જેવું દોરડું આખલા ના પગ માં ભરાઈ ગયું..એ સંતુલન જાળવી ના શક્યો અને ફસડાઈ પડ્યો..

"કાળીયા તું જા અને હુસેનમિયાં ને લઈ જા.."

એટલા માં રાજુ એક સળગતું લાકડું લઈને આવી ગયો..જે એને શિવ ને આપ્યું..શિવ એ લાકડું લઈને આખલા ની તરફ જઈને એને થોડો પાછો વાળ્યો...આગ ના લીધે આખલો થોડો ડરી ગયો..કલાક જેટલી દોડાદોડી ના લીધે એ થાકી પણ ગયો હતો...જોની પણ લીલું ઘાસ લઈને આવ્યો એટલે શિવ એ સળગતું લાકડું એને આપી ને લીલું ઘાસ આખલા ની તરફ કર્યું..ભૂખ ના લીધે એ આખલા એ તરત જ એ ઘાસ ખાવાનું શરૂ કરી દીધું.

"એ કોઈ પાણી લેતા આવો.."શિવ એ જોર થી બુમ પાડી ને કહ્યું.

એક ભાઈ પાણી ભરેલી ડોલ ત્યાં મૂકી ગયાં એટલે શિવ એ આખલા ના માથે હાથ ફેરવી એને શાંત કરવાનું શરૂ કર્યું..શિવ એ જોયું તો આખલા ના જમણી તરફ ના કાન ની પાછળ એક ખીલી ઊંડી ઉતરી ગઈ હતી..આ ખીલી ના લીધે જ આખલા એ આટલી ઉધામત મચાવી હતી એમ વિચારી શિવ એ હળવેક થી એ ખીલી કાઢી નાંખી.ધીરે ધીરે ભેગું થઈ ગયેલું ટોળું વિખેરાઈ ગયું..શિવ ની સમજશક્તિ ની બધા તારીફ કરતાં હતાં.

શિવ પછી હુસેનમિયાં તરફ આગળ વધ્યો અને જઈને કહ્યું..

"વડીલ તમને વધુ વાગ્યું તો નથી ને...?"

"ના બેટા..બસ આ હાથે થોડું છોલાયું છે બીજું વધુ વાગ્યું નથી. ખુદા નો લાખ લાખ આભાર કે તને અને તારા મિત્રો ને યોગ્ય સમયે મોકલી દીધા મારો જીવ બચાવવા માટે..તારું નામ શું છે દીકરા..?"હુસેનમિયાં શિવ ના માથા પર હાથ મૂકીને કહ્યું.

"શિવાનંદ શાસ્ત્રી ઉર્ફે શિવ..."શિવ એ સ્મિત સાથે કહ્યું.

"સારું બેટા તો હું ઘરે જાઉં..."હુસેનમિયાં એ શિવ ની સામે જોઈને કહ્યું અને પછી ત્યાં થી નીકળી ગયાં.

"અલ્યા શિવલા આતો પેલી અમાયા નો બાપો હતો ને..?" હુસેનમિયાં ના જતાં ની સાથે જ જોની એ સવાલ કર્યો.

"હા આ અમાયા ના જ અબ્બુ હતાં.."જોની ના સવાલ નો હકાર માં જવાબ આપતાં શિવ એ કહ્યું.

"એટલે જ તું તારી જીંદગી દાવ પર લગાવી એને બચાવવા પેલા તોફાની સાંઢ ની સામે આવી ગયો...વાહ ભાઈ હો.."કાળુ એ કટાક્ષ માં કહ્યું.

"જો ભાઈ આ અમાયા ના અબ્બુ ના હોત અને બીજું કોઈ હોત તો પણ હું આમ જ કરત જેવું મેં હુસેનમિયાં ને બચાવવા કર્યું..આખરે મિત્રો મારા પિતા જી એ કિધેલું છે કે દરેક ની મદદ કરવી જોઈએ...અને હુસેનમિયાં ને મદદ ની જરૂર હતી તો મેં કરી..બીજું કંઈ નહીં.."શિવ એ ચોખવટ કરતાં કહ્યું.

"તમારા ચરણ કમળ ક્યાં છે...પરમ પૂજ્ય ધર્મ ધુરંધર સ્વામી શિવાનંદ...શું ઉચ્ચ વિચારો છે તમારા..તમારી સંતવાણી સાંભળી ને તો અમારી જીંદગી ધન્ય થઈ ગઈ"શિવ ને હાથ જોડી હસતાં હસતાં રાજુ એ કહ્યું.

રાજુ ની વાત સાંભળી બધાં મિત્રો હસી પડ્યાં અને પછી પોતપોતાના ઘર તરફ પાછા વળ્યાં.અત્યારે શિવ ના ચહેરા પર કોઈક ની મદદ કરવાની ખુશી સાફ દેખાઈ રહી હતી..અને બાકી ના મિત્રો ના મગજ માં આ બનાવ ની જાણ અમાયા ને થાય અને શિવ પ્રત્યે એની લાગણી બદલાય એવી આશા હતી.

***

ક્રમશઃ

શિવ અને અમાયા ની લવસ્ટોરી ક્યાં પહોંચશે એ જાણવા વાંચતા રહો દિલ કબૂતર..નવો ભાગ આવતા ગુરુવારે..!!!

ઓથર :- દિશા પટેલ