Redlite Bunglow - 18 books and stories free download online pdf in Gujarati

રેડલાઇટ બંગલો ૧૮

રેડલાઇટ બંગલો

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૮

વર્ષાબેનને આખરે લાલજીને વશ થવાનો નિર્ણય લેવો પડ્યો હતો. હરેશભાઇને જાત સોંપી દીધા પછી તેને જોઇ ગયેલા લાલજીનું મોં બંધ રાખવા વર્ષાબેન શરીર સોંપવા મજબૂર બન્યા હતા. તેમને ખબર ન હતી કે આ નિર્ણય કેટલો સાચો છે. વર્ષાબેન એટલું જાણતા હતા કે હરેશભાઇને એવી ખબર પડશે કે લાલજીએ વર્ષાબેન પાસે અભદ્ર માંગણી કરી છે ત્યારે તે એને છોડવાના ન હતા. બધી વાત છુપાયેલી રહે એ માટે વર્ષાબેન કાળજું કઠણ કરીને લાલજીની દુકાને આવી ગયા. લાલજીને તો પોતાનો દાવ સફળ થયેલો જોઇ ખુશી થતી હતી. વર્ષાબેનની એક જ વખત શરીર સોંપવાની શરતને લાલજી માની ગયો હતો. અને અંદર પથારી સજાવવા જઇ રહ્યો હતો ત્યારે જ હરેશભાઇ ધારિયું હાથમાં લઇ આવી પહોંચ્યો હતો. લાલજીએ લાકડાનો મોટો દરવાજો આખો ખોલી નાખ્યો.

હરેશભાઇએ અંદર ધસી જઇ લાલજીનો કોલર પકડી લીધો અને દમદાટી આપી:"જલદી બોલ વર્ષા ક્યાં છે?"

લાલજી જરા પણ ગુસ્સે થયા વગર કોલર છોડાવતાં બોલ્યો:"આ શું છે? કોઇની સાથે વાત કરવાની આ પધ્ધતિ નથી. તને ખબર છે તું ગામના એક પ્રતિષ્ઠિત વેપારીનું અપમાન કરી રહ્યો છે?"

"જા હવે તારા જેવા બહુ જોયા પ્રતિષ્ઠિત વેપારી. તારી ગામમાં કેવી પ્રતિષ્ઠા છે એ મારા મોઢે ના બોલાવીશ. ક્યાં ક્યાં મોં મારતો ફરે છે એની મને બધી ખબર છે. પહેલાં એ કહે કે વર્ષા ક્યાં છે?" હરેશભાઇને વર્ષાની ચિંતા હતી.

"તું મારું પણ મોઢું ના ખોલાવે તો સારું છે. તારા પણ ઘણા ભેદ હું જાણું છું. પણ હમણાં મારે એની પંચાતમાં પડવું નથી. વર્ષા તારી ભાભી છે. એ અહીં અત્યારે શું કામ આવે? એના વગર ના રહેવાતું હોય તો એના ઘરમાં જ પડી રહેને..." લાલજીએ હરેશભાઇને ચાબખો માર્યો.

હરેશભાઇ ક્ષણભર થીજી ગયા પણ પછી બોલ્યા:"તું મને બનાવે છે? ચાલ અંદર લઇ જા. વર્ષા અંદર જ ગઇ છે."

"ચાલ તારી આંખે જોઇ લે. પણ એટલું યાદ રાખજે કે મને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે તો છોડીશ નહીં તને." હવે બાજી લાલજીના હાથમાં હતી.

હરેશભાઇ લાલજીની આગળ થઇને અંદરની તરફ દોડતા ગયા.

દરવાજા પાછળ ઊભા રહીને ધડકતા દિલે બંનેની વાત સાંભળતા વર્ષાબેને દરવાજા બહાર સહેજ ડોકિયું કર્યું. લાલજીએ પણ તક જોઇ સહેજ પાછળ વળી વર્ષાબેનને હાથથી ઇશારો કરી બહાર નીકળી જવા કહ્યું. વર્ષાબેન જીવ હાથમાં લઇ ઘર તરફ દોડ્યા.

હરેશભાઇએ લાલજીનું આખું ગોડાઉન અને આસપાસની જગ્યાઓ જોઇ લીધી પણ વર્ષાબેન ક્યાંય દેખાયા નહીં એટલે ભોંઠા પડી ગયા. હરેશભાઇને નવાઇ લાગતી હતી. તેમણે દૂરથી પોતાની સગી આંખે વર્ષાબેનને અંદર દાખલ થતા જોયા હતા. એ ક્યારે નીકળી ગયા એ સમજાતું ન હતું. હરેશભાઇએ લાલજીની માફી માંગી અને વાતને ત્યાં જ પતાવી દીધી. પણ લાલજીએ તેમને જતાં જતાં શીખામણ આપી: "કાચના ઘરમાં રહીને કોઇના પર પથ્થર મારતા પહેલાં સો વખત વિચાર કરજે."

હરેશભાઇના હોઠ સીવાઇ ગયા.

હરેશભાઇ ઘરે પહોંચ્યા ત્યારે વર્ષાબેન વાડામાં ફૂલછોડને પાણી પાઇ રહ્યા હતા.

હરેશભાઇએ બૂમ પાડી વર્ષાબેનને બહાર બોલાવ્યા. અને ચિંતાથી પૂછ્યું:"હમણાં લાલજીને ત્યાં તું ગઇ હતી?"

"ના.... કેમ શું થયું?" વર્ષાબેન અજાણ્યા થઇને બોલ્યાં.

"સાચું કહેજે... મેં તને જોઇ હતી..." હરેશભાઇએ દાવો કર્યો.

"અરે હું લાલજીને ત્યાં ખાતર લેવા ગઇ જ નથી.... હા, એની દુકાનની બાજુંમાંની ગલીમાં ભરવાડને ત્યાં છાણા લેવા ગઇ હતી."

વર્ષાબેનનો ખુલાસો સાંભળી હરેશભાઇ છોભીલા પડી ગયા.

"તમે મારા પર શંકા કરી રહ્યા છો?" વર્ષાબેન રીસથી બોલ્યા.

"ના...ના... તને ઉતાવળે અને વહેલી સવારે જતા જોઇ એટલે તારી પાછળ પૂછવા આવ્યો હતો. ચાલ વાંધો નહીં તારું કામ પતાવ." કહી હરેશભાઇએ વાત પૂરી કરી અને તરત જ પોતાના કામે નીકળી ગયા.

હરેશભાઇ ગયા એટલે વર્ષાબેન દિલ પર હાથ મૂકી મનોમન "હાશ બચી ગઇ" બોલી થોડીવાર આંખ બંધ કરી બેસી ગયા.

ઘરેથી ખેતરે આવેલા હરેશભાઇનું મન માનતું ન હતું. તેમને પોતાની આંખ ઉપર વિશ્વાસ હતો. વર્ષાબેન લાલજીને ત્યાં જ ગયા હતા. અને તેનું રહસ્ય શોધવાનું તેમણે નક્કી કરી લીધું. ત્યારે હરેશભાઇને ખબર ન હતી કે લાલજીના મગજમાં શું ચાલી રહ્યું છે અને તે કેવો બદલો લેવાનો છે.

***

એક જર્જરિત બિલ્ડિંગની બાજુના રાજીબહેનના બંગલામાં ચાલતા વેશ્યાલય વિશે ડીએસપીને ફોન કરી માહિતી આપીને અર્પિતા એસટીડી બૂથની બહાર નીકળી. તેને ભરોસો હતો કે ઉચ્ચકક્ષાએ રાજીબહેનની ફરિયાદ કરવાની ચીમકી કામ કરી જશે. પોલીસે રેડ પાડવી જ પડશે. રાજીબહેનના કિલ્લાના કાંગરા ખેરવવાના સપના જોતી અર્પિતા કોલેજ પાછી ફરવા ઝડપથી ચાલવા લાગી. ત્યાં પાછળથી "હાય મિસ!" ની બૂમ સંભળાઇ.

અર્પિતાએ સહેજ અટકીને પાછળ નજર કરીને જોયું તો એ પેલો જ સ્પોર્ટસ બાઇકવાળો યુવાન હતો જેને તેણે પોતાની ઊંચી કિંમત કહી હતી. થોડીવારથી એ અર્પિતા પર નજર રાખી રહ્યો હતો. અર્પિતા કોલેજમાંથી નીકળી અને ફોન કરવા ગઇ ત્યારે તેનો પીછો કર્યો હતો. અને અર્પિતા એકલી મળે તેની રાહ જોતો હતો. અર્પિતાને ફોન કરીને બહાર નીકળતી જોઇ એટલે તરત જ તેની પાછળ જઇ હળવેથી બૂમ પાડી.

અર્પિતા એકદમ રોડની બાજુમાં આવી ગઇ. તેની થોડે દૂર ઊભા રહી પેલા યુવાને આજુબાજુ કોઇ ન હોવાનું જોઇ અર્પિતાને ધીમેથી કહ્યું:"હું શશાંક છું. તે દિવસે બાઇકની સવારીની વાત થઇ હતી ને? મેં વ્યવસ્થા કરી લીધી છે... બોલ ક્યારે આવે છે?"

થનગનતા યુવાનની બિંદાસ વાત સાંભળી અર્પિતાને નવાઇ લાગી. તેને ખ્યાલ આવી ગયો કે આજકાલ ઇન્ટરનેટ પર પોર્ન સાઇટસ જોતા યુવાનોને સ્રી સંગની ઉતાવળ વધી છે. તેણે યુવાનને તે દિવસે ઉશ્કેરવાની જરૂર ન હતી. પોતાની ભૂલની કબૂલાત કરતી હોય એમ આંખો નીચી કરી તે બોલી:"સોરી, શશાંક હું એવી તેવી છોકરી નથી. તને ગેરસમજ થઇ છે. એ દિવસે એમ જ મસ્તીમાં મેં વાત કરી હતી."

પેલો યુવાન ભોંઠો પડ્યો. અને "સોરી" કહ્યું.

અર્પિતાએ તેને કહ્યું:"તું સારા ઘરનો છોકરો લાગે છે. મિત્રોના વાદે ફરી આવું જોખમ ના લેતો. ભણવામાં ધ્યાન આપજે."

તે "ઓકે" કહીને તરત જ નીકળી ગયો.

અર્પિતાને હાશ થઇ. તે પોતાને અને અન્ય છોકરીઓને આ કાદવમાંથી બહાર કાઢવા મથી રહી હતી. પોતાના શરીરનો ઉપયોગ કરીને આ ક્ષેત્રમાં તેને આગળ વધવું ન હતું.

તે ઝડપથી ચાલીને કોલેજમાં પહોંચી ગઇ.

આજે ફરી છેલ્લો પિરિયડ ફ્રી હતો. તે પ્રિંસિપલ રવિકુમારને મળવા પહોંચી ગઇ. હવે રવિકુમાર તેની રાહ જોતા થઇ ગયા હતા. તે અર્પિતાને કોલેજક્વીન બનાવવા ટિપ્સ આપી રહ્યા હતા. એ બહાને તેને સ્પર્શ પણ કરી લેતા હતા. અર્પિતા તેમને અજાણતામાં હોય એવી રીતે છૂટ આપી રહી હતી.

કોલેજ છૂટી એટલે અર્પિતા રચના સાથે રાજીબહેનના બંગલા પર આવી.

પોતાના રૂમમાં જઇને તે ડીએસપી પગલા લે તો સારું એવી પ્રાર્થના કરવા લાગી.

બીજા દિવસે સાંજે તે માને યાદ કરતી બેઠી હતી ત્યારે રચના આવી. અને તેની રૂમનો દરવાજો બંધ કરી બાજુમાં બેસી ગઇ.

"હાય રે! હું તો ગભરાઇ ગઇ! ક્યાંક રચના મારા પર આજે ..." અર્પિતા હસીને બોલી.

"સાલી! તું છે જ એવી કે ગે બનવાનું મન થઇ જાય!" રચના પણ મજાક કરતી હસી.

"એમાં આપણો શું વાંક? કુદરતે ફુરસદથી આપણી કાયા બનાવી છે."

"પણ તારી તો કંઇક વધારે ફુરસદથી જ બનાવી છે. જો આપણા ભારતના કેટલાક પાખંડી બાબાઓ તને જોઇ જાય તો તને ભોગવવા પોતાનું બધું તારા નામ પર કરી દે. તારું રૂપ જ એવું છે કે જેમ પોલીસ અધિકારીના મારથી ગુનેગારનું પેંટ ભીનું થઇ જાય એમ તને જોવામાત્રથી પુરુષોને સ્ખલન થઇ જાય એમ છે."

"ચાલ હવે વધારે બોલવાનું રહેવા દે. બેશરમ! મારા રૂપની વાત આવે એટલે તું અટકતી જ નથી." અર્પિતાએ ચિડાવાનો અભિનય કર્યો.

"હું તને પોલીસની વાત કરવા આવી છું. અને એટલે જ આ દરવાજો બંધ કર્યો છે. તું કોઇ ગેરસમજ ના કરતી!" રચના બોલી એટલે અર્પિતાના કાન સરવા થઇ ગયા.

"પોલીસની વાત? કેમ શું થયું? ક્યાં થયું?" અર્પિતાએ અજાણી થઇ તાલાવેલી બતાવી.

"અલી! ગઇકાલે રાત્રે બે વાગે રાજીબહેનના પેલા ગેસ્ટહાઉસવાળા બંગલા પર પોલીસની રેડ પડી.." રચનાએ ધીમા અવાજે કહ્યું.

"શું વાત કરે છે? કેવી રીતે ?" અર્પિતાના અવાજમાં આશ્ચર્ય હતું પણ તે મનોમન ખુશ થઇ રહી હતી.

"કોઇએ પોલીસને બાતમી આપી હતી કે બંગલામાં કૂટણખાનું ચાલે છે...પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી." રચના કોઇ સાંભળી ના શકે એટલા ધીમા અવાજે બોલી રહી હતી.

"પછી શું થયું? બધી છોકરીઓ પકડાઇ ગઇ? કાલના પેપરમાં આવશે?" અર્પિતા પોતાની ફરિયાદનું પરિણામ જાણવા ઉત્સુક હતી.

" અર્પિતા, આ તો ખાનગી ઓપરેશન હતું. તેની જાહેરાત અખબારોમાં ના થાય. અને ત્યાં કશું જ મળ્યું ન હતું એટલે હવે કંઇ બહાર પણ નહીં આવે." રચનાએ પોતાને મળેલી માહિતી આપી દીધી.

અર્પિતાને સમજાતું ન હતું કે રોજ છોકરીઓ બંગલામાં જતી હતી તો પણ કેમ પકડાઇ નહીં. "તેનું કારણ શું? આપણે પણ જાણીએ છીએ કે ત્યાં શું ચાલે છે."

"પણ આપણે એ જાણતા નથી કે રાજીબહેનની પહોંચ કેટલી છે." રચનાએ જ્યારે પોલીસનું ઓપરેશન એક નાટક જેવું હતું એની માહિતી આપી ત્યારે અર્પિતા ચોંકી ગઇ.

તેને થયું કે એકલા રાજીબહેનને માત આપવાનું સરળ નથી. શું રચનાને પોતાની યોજનામાં સામેલ કરવી જોઇએ? તે કેટલી મદદ કરી શકે? એવા સવાલ તેના મનમાં ઘૂમરાવા લાગ્યા.

ત્યાં રચનાએ ધ્રૂજતા અવાજે કહ્યું કે "રાજીબહેનને ખબર પડી ગઇ છે કે આ કોણે કરાવ્યું છે. એ તેને છોડશે નહીં."

અર્પિતા જાણે વીજળી પડી હોય એમ થથરી ગઇ.

***

રેડ પાડવા અર્પિતાએ જ ફરિયાદ કરી હતી એની રાજીબહેનને ખબર પડી ગઇ હતી? પોલીસનું ઓપરેશન રાજીબહેને કેવી રીતે નિષ્ફળ બનાવ્યું? અને લાલજી હવે બદલો લેવા શું કરશે? એ બધું જ જાણવા હવે પછીના પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં.