No return - 2 part - 12 books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન-૨ ભાગ-12

નો-રીટર્ન-૨

ભાગ-૧૨

( આગળનાં પ્રકરણમાં વાંચ્યુઃ- પવન જોગી ગેલેક્ષી હોટલમાં રૂમ બુક કરાવે છે. સાવ અનાયાસે જ તેને પેલી અજાણી યુવતીનું નામ અને સરનામુ જાણવા મળે છે... વિનીત યુવતીને હોટલમાં મળવા આવે છે પરંતુ યુવતી તેને ત્યાંથી જતાં રહેવાનું કહે છે અને.... સાંજનાં સમયે રેસ્ટોરન્ટનાં એક ટેબલ પાસે એ યુવતી અને પવન જોગીનો ભેટો થઇ જાય છે. હવે આગળ વાંચો. )

ઇન્દ્રગઢની સીમમાં સાંજનો આછેરો અંધકાર ઉતરી આવ્યો હતો. બપોરે જે ઘટના ઘટી તેનો ભાર હજું પણ અહીંની હવામાં વર્તાતો હતો. આજે દિવસ આખો સમગ્ર પંથકમાં એક ન સમજાય એવી ઉત્તેજના વ્યાપેલી રહી હતી. સાંજ થવા છતાં ઇન્સ. ઇકબાલ ખાન એ પત્તો લગાવી શકયો નહોતો કે રાજન બિશ્નોઇ ઉપર હુમલો કોણે કર્યો છે. અરે એ હુમલા પાછળનું કારણ પણ તે જાણી શકયો નહોતો. તેની તપાસનો દાયરો હરી- ફરીને પેલા સ્ટોરરૂમ સુધી આવીને અટકી જતો હતો, અને સ્ટોરરૂમમાં પણ એવું કંઇ નહોતું મળ્યું જે હુમલાખોર લોકો તરફ તેને દોરી જાય. ઇન્દ્રગઢ જેવા શાંત નગરમાં આવી કોઇ વારદાત ઘટે એ જ ઇકબાલ માટે તો વિશ્મયકારક હતું. ભારોભાર નિરાશા સાથે તે દોડા- દોડી કરી રહયો હતો પરંતુ તેનું કોઇ જ પરીણામ આવતું દેખાતું નહોતું. એક વિચાર એવો પણ આવ્યો કે કદાચ આ કોઇ વ્યક્તિગત દુશ્મનીનું પરિણામ તો નહિ હોય ને...! પણ પછી તુરંત તેની નજરો સમક્ષ પેલો વિખરાયેલો કબાટ ઉભરતો અને તે પોતાની જ શક્યતાઓને ચોકડી મારવા મજબુર બની જતો. લાઇબ્રેરીનાં એ સ્ટોરરૂમમાં તે લગભગ હજાર વાર જઇ આવ્યો હશે... એ ઉપરાંત તેણે ત્યાં સમગ્ર વિસ્તારમાં અગણીત ચક્કર લગાવ્યાં હતાં. પોતાની સાથે આવેલા કોન્સ્ટેબલોને તેણે લાઇબ્રેરીનાં ચપ્પે- ચપ્પાની તલાશી લેવડાવી હતી, પરંતુ એવી કંઇ ઠોસ વસ્તુ તેનાં હાથ લાગી નહોતી જે તેને ઉપયોગી થઇ શકે. આખરે હારી- થાકીને તે ચોકીએ આવ્યો હતો અને ખુરશીમાં રીતસરનું તેણે પડતું મુકયું હતું. વિચારી વિચારીને તેનું માથું ભમતું હતું. તેણે એક કોન્સ્ટેબલને ચા લેવા દોડાવ્યો અને આંખો બંધ કરી ખુરશીનાં ટેકે માથું ઢાળ્યું. પેલો છોકરો રાજન બિશ્નોઇ હજુ પણ ભાનમાં આવ્યો નહોતો. ડોકટરને ફોન કરીને તેણે તેની સ્થિતી વિશે પૃચ્છા કરી તો ડોકટરે કહયું હતું કે રાજનની પરિસ્થિતી ક્રિટીકલ નહોતી. કદાચ સાવ અચાનક તેનાં માથાનાં પાછળનાં ભાગે કોઇ ભારે વસ્તુથી વાર થયો હતો જેનો આઘાત તેને લાગ્યો હોવો જોઇએ. એ આઘાતની કળ ઉતરતાં હજુ થોડો સમય લાગશે પછી તે આપોઆપ કદાચ તે ભાનમાં આવી જાય એવું ડોકટરનું અનુમાન હતું. ઇકબાલ ખાન પાસે રાહ જોવા સીવાય બીજો કોઇ ઉપાય નહોતો. હવે તો રાજન ભાનમાં આવે અને તેની સાથે શું બન્યું હતું એ જ્યાં સુધી જણાવે નહિં ત્યાં સુધી આ કેસમાં આગળ કાર્યવાહી વધી શકવાની કોઇ શક્યતા જણાતી નહોતી.

“ સાહેબ...! ચાય...! ” કોન્સ્ટેબલે આવીને અચાનક તેને સજાગ કર્યો અને ટેબલ ઉપર ટેલીફોન પડયો હતો તેની બાજુમાં ચા નો કપ મુકયો. ખાન એ ચા ભરેલા કપને તાકી રહયો. પછી તેની નજર બાજુમાં પડેલા ટેલીફોન ઉપર સ્થિર થઇ. અપલક દ્રષ્ટીથી ઘડીક તે ટેલીફોન તરફ અને ઘડીક ચા ના કપને જોતો રહયો, અને... સાવ અચાનક તેનાં મનમાં એક ઝબકારો થયો. પોતાનાં જ વિચારથી તે ઉછળી પડયો.

“ ઓહ...યસસ્...! આ મારા ધ્યાનમાં કેમ ન આવ્યું...? ” જાણે સ્વગત પોતાને જ સંભળાવતો હોય એમ તે બોલ્યો અને પછી ઝડપથી ટેલીફોનનું રીસીવર ઉઠાવી એક નંબર ડાયલ કર્યો. સામેનાં છેડે રીંગ વાગી ત્યારે તેનું હ્રદય જોર-જોરથી ધબકી રહયું હતું. સેકન્ડ પછી ફોન ઉંચકાયો.

“ હલ્લો...! પોલીસ સાયબર સેલ...! હું આપની શું સહાયતા કરી શકું....?” સામેનાં છેડેથી એક યુવાન ઓપરેટરનો અવાજ સંભળાયો.

“ હેલ્લો...! હું ઇન્સ. ઇકબાલ ખાન બોલું છું. ઇન્દ્રગઢ પોલીસચોકીથી. મારે એક ઇન્ફોર્મેશન જોઇએ છે. અર્જન્ટ...! ”

“ જી સર...! શું માહિતી જોઇએ છે...? ”

“ આજે સવારે ઇન્દ્રગઢની સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ માટે એક ફોન આવ્યો હતો. મારે એ ફોન નંબર અને તેનાં માલીક વિશેની તમામ વિગતો જોઇએ છે. મામલો બહું નાજૂક છે એટલે જરા જલ્દી કરજો.”

“ ઓ.કે. સર...! હું કોશિષ કરું છું, છતાં એટલું કહીશ કે આવતીકાલ સવાર સુધી તમારે રાહ જોવી પડશે.” સામેથી સરકારી જવાબ આવ્યો. ઇકબાલને આવા જ જવાબની અપેક્ષા હતી.

“ તમે એક કામ કરો, મારો નંબર નોંધી લો, અને જેવી એ નંબર વીશે કોઇ માહિતી મળે મને તુરંત જાણ કરજો...” ઇકબાલે ભારે ઠંડકથી કહ્યું. જે જવાબ તેને મળ્યો કંઇક એવા જ જવાબની આશા તેણે સેવી હતી.

“ ઓ.કે.સર...!” અને ફોન મુકાઇ ગયો.

“ ડેમ ઇટ...! ” મનોમન ધુંધવાતા તેણે ફોનનાં રીસીવરને તેની જગ્યાએ રીતસરનું પછાડયું. તેને ગુસ્સો આવતો હતો. આ વાત તેને સવારે કેમ ન સૂઝી એની કડવાહટ પણ તેમાં ભળેલી હતી. પછી તેણે ચા ને ન્યાય આપ્યો અને ઉભા થઇ, બહાર નીકળી જીપમાં ગોઠવાયો અને જીપને સીધી જ સરકારી હોસ્પટલ તરફ મારી મુકી. રાજન બિશ્નોઇનું ભાનમાં આવવું જરૂરી હતું, કારણ કે આ સમયે હવે તે જ કંઇક જણાવી શકે તેમ હતો. રમ- રમાટી કરતી જીપ હોસ્પિટલ તરફ ભાગી રહી હતી.

***

છેક ઢળતી બપોરથી એભલ દારૂ ટટકાવતો હતો. ખરા તડકામાં તે શબનમની ખોલીએ પહોંચ્યો હતો અને તેણે લાઇબ્રેરીમાં શું-શું જોયું હતું, ત્યાં જે ઘટના બની હતી તેની અક્ષરસઃ વાત શબનમને કરી હતી. શબનમ ભારે આશ્વર્યથી તેની વાત સાંભળતી રહી... તેને તો એમ જ હતું કે એભલ પેલા લાઇબ્રેરીયન છોકરા પાસેથી ચપટી વગાડતા માહિતી ઓકાવી લેશે કે તેણે પેલી યુવતીને શું વસ્તુ આપી હતી. પરંતુ તેની એ ગણતરી અત્યારે ઉંધી વળી ગઇ હોય એવું જણાતું હતું. એભલની વાત સાંભળીને તેનાં મનમાં ફડક ઉદ્દભવી હતી. ગામનાં દિવાનનાં છોકરા ઉપર હુમલો થવો એ કંઇ નાની-સૂની વારદાત નહોતી એ તેની સમજમાં ન આવે એટલી નાદાન તો તે નહોતી જ, ઘાટ-ઘાટનાં પાણી તેણે પીધાં હતાં એટલે આ બનાવની ગંભીરતા અને તેમાંથી ઉદ્દભવનારા પરીણામોનો ખ્યાલ તેને આવતો જ હતો. જો આ મામલામાં કોઇપણ પ્રકારે એભલનું નામ સંડોવાયું તો પછી એભલનો તો અલ્લા જ બેલી હતો. અને...ખબર નહીં કેમ, પણ રહી-રહીને તેને લાગતું હતું કે એભલ જરૂર ભેખડકે ભરાવાનો છે. તે અહીંનાં પોલીસ અફસર ઇકબાલ ખાન અને તેની ફીતરત વિશે જાણતી હતી. જો તે આ કેસની પાછળ પડી જશે તો પછી એભલ બપોરનાં સમયે લાઇબ્રેરીમાં હતો એ તેની જાણમાં આવ્યાં વગર રહેશે નહીં. શબનમ એટલે જ થડકી ઉઠી હતી. તેને એભલ ગમતો હતો. જો આજે સવારે તેણે એભલનાં મનમાં ધનવાન થવાનાં આંબા- આંબલી રોપ્યાં ન હોત...તેની મહત્વકાંક્ષાની મહેચ્છાને હવા દીધી ન હોત તો એભલ કયારેય પાછો લાઇબ્રેરીએ ગયો ન હોત. અને તો તેનું નામ આ મામલામાં સંડોવાય એવું બન્યું ન હોત. પણ હવે તીર કમાનમાંથી વછૂટી ચુકયું હતું. ભલે એભલે આ વખતે કંઇ કર્યુ નહોતું, પરંતુ તેનું નામ... તેની મથરાવટી એટલી મેલી હતી કે પોલીસ તો તેને જ ગુનેગાર માનવાની. શબનમને એ જ ચીંતા થતી હતી અને ઉચાટ જીવે તે પોતાની પતરાવાળી ખોલીમાં આમથી તેમ આંટા મારી રહી હતી.

શબનમની તુલનામાં એભલ ઘણો શાંત જણાતો હતો. તેનું એક કારણ એ હતું કે આવ્યો ત્યારનો તે એકધારો ઢીંચી રહયો હતો. તેણે એટલો બધો દારૂ પોતાની હોજરીમાં ઠાલવી દીધો હતો કે હવે તેને ઉલટીઓ થવી શરૂ થઇ હતી. એકાએક તેનાં પેટમાં ચૂંથારો ઉપડતો અને પછી ઉલટીનો ધળકો થતો. લગભગ અડધા કલાકથી તેની આવી જ હાલત હતી. તેનાં પગ ધ્રુજતાં હતાં અને શરીર લસ્ત પડી ચૂકયું હતું. પતરાની પાટી જડેલા પલંગમાં લગભગ ઉંધે કાંધ તે પડયો હતો. એક જ દિવસમાં જાણે તે નિચોવાઇ ગયો હોય એવી તેની હાલત થઇ હતી. વધું પડતાં દારૂનાં નશાએ તેને અધમૂઓ કરી નાંખ્યો હતો. તેની અધબીડાયેલી આંખોમાં રહી- રહીને પેલી બુઢ્ઢી ઔરતનો કરચલીવાળો ચહેરો ઉભરતો હતો. એક સવાલ તેનાં જહેનમાં સતત ઠોકાતો હતો કે આખરે કોણ હતી એ બુઢ્ઢી ઔરત...? અને તેણે ખતરનાક અંદાજથી શા માટે મારી સામે જોયું હતું...? શું તે ઔરત મને ઓળખતી હતી...? આ સવાલો કયારનાં તેને પજવી રહયાં હતાં.

***

રાતનાં આઠ વાગ્યાં હતાં. ઇન્દ્રગઢની ભવ્ય હવેલીમાં લાઇટો ઝગમગતી હતી. લાઇબ્રેરી અને સ્કુલ જે બિલ્ડિંગમાં હતાં તેની બરાબર બાજુમાં, જમણી બાજુ વિશાળ કંમ્પાઉન્ડની વચ્ચોવચ આ મુખ્ય હવેલી ઉભી હતી. ઇન્દ્રગઢનો રાજવી પરીવાર અને દેશ- વિદેશથી આવતાં મહેમાનો આ મહેલમાં જ ઉતરતાં, તેઓની આગતાં- સ્વાગતાં અને પરંપરા મુજબની પરોણાગત થતી. ઇન્દ્રગઢનાં દિવાન કનૈયાલાલ બિશ્નોઇની ઓફિસ પણ આ હવેલીમાં જ એક અલાયદી જગ્યા ફાળવીને બનાવાઇ હતી. જ્યાંથી તેઓ સમગ્ર ઇદ્રગઢ રાજ્યની રિયાસતનો વહીવટ સંભાળતાં. વર્ષો પહેલા બંધાયેલી મહેલનું-માં હવેલી આજે પણ એટલો જ ભારે દબદબો ધરાવતી અડીખમ ઉભી હતી.

કનૈયાલાલ બિશ્નોઇ આ સમયે હવેલીમાં હાજર નહોતાં. તેઓ હોસ્પિટલે રાજનની દેખરેખ માટે ગયા હતાં. હવેલીમાં અત્યારે પરદેશથી આવેલા થોડા મહેમાનો અને હવેલીની દેખભાળ રાખતો સ્ટાફ જ હાજર હતો. આમ પણ આ વિશાળ જગ્યામાં પથરાયેલી હવેલીનો સમગ્ર ભાગ કયારેય વપરાતો નહી. મોટેભાગે નીચેનાં ફ્લોરનાં બે-ચાર કમરા, રસોડા વિભાગ અને અતિથીઓને જે કમરામાં ઉતારો અપાતો એટલો વિસ્તાર જ ચહલ-પહલથી ધમધમતો. બાકી આખી હવેલીમાં મોટેભાગે સૂનકાર જ વ્યાપેલો રહેતો. અરે...અમુક કમરાઓમાં તો વર્ષોથી કોઇએ પગ પણ મુકયા નહોતાં. અત્યારે પણ એવો જ માહોલ હતો. પરંપરાગત પ્રમાણે મહેલમાં સાંજ થતાં રોશની કરવામાં આવી હતી પરંતુ જીવંતતા તો ફક્ત મહેલનાં નીચેના વિભાગમાં જ હતી. ખાસ તો છેલ્લા થોડા દિવસાથી અહીં આવેલાં મહેમાનોને જે કમરામાં ઉતારો અપાયો હતો એ તરફનાં વિભાગમાં બે કમરાઓની ટયૂબલાઇટો સળગતી હતી. એ કમરાઓમાં હાલમાં અમેરિકાથી આવેલા પ્રોફેસર જોસેફ થોમ્પસન અને તેનાં બે સાથીદારો રોકાયા હતાં. તેઓ ત્રણેય જૈફ વયનાં હતાં, લગભગ ૬૦-૬૨ વર્ષની આયુ હશે તેમની. જોસેફ થોમ્પસન અમેરીકાની કોઇ યુનિવર્સિટીમાં હિસ્ટ્રીનાં પ્રોફેસર હતા અને તેઓ પોતાનાં બે સાથી પ્રોફેસરો સાથે રાજસ્થાન અને ગુજરાતનાં સ્થાપત્ય, કલા અને અહીંનાં પૂરાતન ઇતીહાસ વિશે સંશોધન કરવા ભારત આવ્યા હતાં. કમ સે કમ છેલ્લા પંદર-વીસ દિવસોથી તેઓ અહી હતાં. તેમણે આ તરફનાં સમગ્ર વિસ્તારમાં ઘૂમી- ઘૂમીને જાત- ભાતની વિગતો એકઠી કરી હતી. એ ત્રણ પ્રોફેસરોમાં બે પુરુષો હતાં જ્યારે એક મહિલા પ્રોફેસર હતી.

કનૈયાલાલ બિશ્નોઇએ કોઇ જ પરીચય કે ઓળખાણ વગર આ ત્રણેય અમેરીકન પ્રોફેસરોને હવેલીમાં ઉતારો આપ્યો હતો. તેમને એવી જરૂર પણ જણાઇ નહોતી કારણ કે આવા વિદેશી લોકો ઇન્દ્રગઢમાં આવીને રોકાય એ જ તેમનાં માટે મોટી વાત હતી. અને બીજું કે તેઓ પ્રોફેસર કક્ષાની વ્યક્તિઓ હતા એટલે વધું કોઇ સવાલ- જવાબ કર્યા વગર કનૈયાલાલે તેમને હવેલીનાં મહેમાન વિભાગમાં બે કમરાઓ ફાળવી આપ્યાં હતાં. જો કે... તેમણે પૂરતી ખરાઇ કર્યા બાદ પ્રોફેસરોને ઉતારો આપ્યો હોત તો ઘણું સારું થાત..! તો કદાચ તેમનો દિકરો અત્યારે હોસ્પિટલનાં ખાટલે પડયો ન હોત. પરંતુ આ “જો” અને “તો” શબ્દોની માયાજાળમાં કનૈયાલાલ બિશ્નોઇ જેવો દિવાન કક્ષાનો જમાનાનો ખાધેલ વ્યક્તિ પણ ફસાઇ ગયો હતો.

અત્યારે એ ત્રણેય પ્રોફેસરો એક કમરામાં એકઠા થઇ વાળું કરી રહયા હતાં. મહેલનો રસોયો હમણાં જ તેમનાં માટે ભોજનની વ્યવસ્થા કરી ગયો હતો એટલે તેઓ ત્રણેય સાથે બેસીને જમી રહયાં હતાં. પ્રોફેસર જોસેફ થોમ્પસન જમતી વખતે વારે- વારે સામે બેઠેલા પોતાનાં સાથીદારો ઉપર નજર નાંખી લેતો હતો. તેમાં જે પુરુષ પ્રોફેસર હતો તેનું નામ રોગન માલ્ટા હતું અને સ્ત્રી પ્રોફેસરનું નામ કલારા પ્રુનર હતું. આ એ જ કલારા પ્રુનર હતી જેણે આજે બપોરે લાઇબ્રેરી સેકશનમાંથી બહાર નીકળતા એભલસીંહ સામે કાતીલ નજરોથી જોયું હતું. જો એભલસીંહ અત્યારે અહીં તેને ઇન્દ્રગઢનાં રાજમહેલમાં અતિથી વિભાગમાં આરામથી જમતાં જોઇ જાય તો ચોક્કસ ભારે આઘાતથી તે છળી મરે...! એક જૈફ વયની ઔરત, જે પોતાને ઇતિહાસની એક પ્રોફેસર તરીકે ઓળખાવતી હતી, આખરે તેને એભલસીંહથી શું તકલીફ હતી..? શું કામ તેણે ખતરનાક ભાવથી તેની સામે જોયું હતું...? અને આ ત્રણેય પ્રોફેસરો આખરે છે કોણ...? ઇન્દ્રગઢમાં તેઓ શું સંશોધન કરવા આવ્યાં હતાં...?

( ક્રમશઃ)

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

આપને નો-રીટર્ન-૨ કેવી લાગી એ પ્રતીભાવ ૯૦૯૯૨૭૮૨૭૮ પર લેખકને વોટ્સએપ કરી શકો છો. અથવા તેમની સાથે ફેસબુક પેજ Praveen Pithadiya સાથે જોડાઇ શકો છો.

ધન્યવાદ.

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નો- રીટર્ન.

નસીબ.

અંજામ.

નગર.

આંધી. પણ વાંચજો.