Shak-A-Ishq - 5 books and stories free download online pdf in Gujarati

શક-એ-ઇશ્ક - ૫

હિરાબા અને અનિતાને ઇશાની આદત બહુ ઓછા ગાળામા પડી ગઇ હતી. ઘણીવાર સવારે ઉઠતા જ પહેલી બુમ ઇશાને દેતા, પણ પછી યાદ આવતુ કે એ તો અહી છે જ નહિ અને ઉદાસ થઇ જતા. અનિતાને પણ એક સખી મળી ગઇ હતી, પણ પાછી એકલી પડી ગઇ હતી. બંને ઉદાસ હતા, આ જોઇને અમનને પણ પોતાના કરેલા વર્તન પર દુખ થતુ હતુ.

“પરિવારની ખુશીમા જ મારી ખુશી છે” આ વિચારીને ઇશા ને ફરી પોતાના ઘરે લાવવાનો નિર્ણય અમને કર્યો. સાંજે ઓફિસથી છુટીને તે ઇશાના ઘરે ગયો.

પગે લાગ્યા બાદ અમન, કેશવભાઇ અને આરતીબેન સોફા પર બેઠા, ઇશા દેખાઇ નહિ.

“સોરી મમ્મી-પપ્પા, મારા કારણે તમને દુખ થયુ.” અમને પસ્તાવો જાહેર કર્યો.

“બેટા અમે તમારી પરિસ્થિતિ સમજી શકીએ, પણ કોઇને પ્રેમ કરવો ગુનો તો નથી ને? ઇશાએ અમારાથી ક્યારેય કોઇ વાત છુપાવી નહિ, એના પ્રેમ વિશે પણ નહિ. અમને અમારી ઇશા પર ગર્વ છે.” આરતીબેને કહ્યુ.

“પણ ખોટા પ્રકારની જે શંકા-કુશંકાઓ તમારા મનમા જાગી છે એ હવે ક્યારેય રોકાવાની નથી, વહેમની કોઇ દવા ના હોય.” કેશવભાઇએ કહ્યુ.

“હુ જાણુ છુ મારાથી ભુલ થઇ છે, પણ જો તમે પહેલા જ જણાવી દીધુ હોત તો...”અમને કહ્યુ.

“ઇશા તો પહેલી જ મુલાકાતમા બધુ જણાવવાની હતી, પણ તમારાથી પહેલા પણ બે જગ્યાએ સંબંધની વાત ચાલી હતી. ઇશાએ પહેલી જ મુલાકાતમા એનો ભુતકાળ એ છોકરાઓને જણાવી દીધો અને એ સંબંધ આગળ વધ્યો જ નહિ. મને ઇશાની ચિંતા કોરી ખાતી હતી. એ માટે જ મે ઇશાને ના પાડી હતી, પણ લગ્ન બાદ એના સ્વભાવ મુજબ એ ન જ માની.” કેશવભાઇએ કહ્યુ.

“સોરી...હુ ઇશાને લેવા આવ્યો છુ.” અમને કહ્યુ.

“અત્યારે ઇશા જે સમયમાથી પસાર થઇ રહી છે, એને પ્રેમની ખુબ જરૂર છે. એ પ્રેમ તમે નહિ આપી શકો એટલે ઇશા અમારી પાસે રહે તે જ સારુ રહેશે.” આરતીબેને કહ્યુ.

અમન એના સાસુ-સસરા જ્યા એક જ સોફા પર બેઠા હતા ત્યા ઘુંટણીયે બેસીને કેશવભાઇનો હાથ પોતાના હાથમા લઇને બોલ્યો, “મને એક અવસર આપો, હુ તમારી ઇશાનો ખુબ ખ્યાલ રાખીશ, એક મિત્ર બનીને એનો સાથ આપીશ, પતિ તરીકે એટલો પ્રેમ આપીશ કે ઇશા એના ભુતકાળને જ ભુલી જશે. એના જીવનમા હવે માત્ર ખુશીઓને જ સ્થાન છે.”

“વચન આપો મને કે તમે ઇશાને ખુશ રાખશો.” આરતીબેને કહ્યુ.

“હુ તમને બંનેને મારી બાના સોગંધ ખાઇને વચન આપુ છુ કે હુ હવે તેને ખુબ ખુશ રાખીશ, ક્યારેય શંકાને અમારી વચ્ચે નહી આવવા દઉ.” અમને કહ્યુ.

કેશવભાઇને અને આરતીબેનને ખુશીની લાગણી થઇ અને માથે હાથ ફેરવતા કહ્યુ, “તમે બંને હંમેશા ખુશ રહો એ જ અમારા આશીર્વાદ છે.”

અમને આસપાસ નજર કરી અને પુછ્યુ, “ઇશા ક્યા છે?”

“તેના બેડરૂમમા...”

બંનેએ આંખોના ઇશારાથી પરવાનગી આપી અને અમન ઇશાના બેડરૂમમા ગયો. બારણુ અટકાયેલુ બંધ હતુ. અંદર પ્રવેશીને ફરી બારણો આડો કર્યો. ઇશા ઉંઘતી હતી. કદાચ અઠવાડિયાથી ઘણી ચિંતાઓમા ડુબેલી હતી. અમન તેની પાસે બેસ્યો અને પ્રેમથી માથે હાથ ફેરવીને ઇશાને જોઇ રહ્યો. અચાનક કોઇના સ્પર્શ થવાથી ઇશા જાગી ગઇ અને જોયુ તો સામે અમન બેઠો હતો. ઇશાની સુજેલી અને લાલ આંખો જોઇને અમન સમજી ગયો કે તે રડતી રડતી ઉંઘી હશે. અમનને ફરી તેના કરેલા વર્તન પર પસ્તાવો થયો.

“જો આપણા બંનેની વાત કરુ તો ભુતકાળમા બનેલી ઘટનાથી તુ પણ દુખી છે અને હુ પણ. ચાલ ને યાર બધુ ભુલાવીને આપણે એક નવા જીવનની શરૂઆત કરીએ. હુ તને ખુબ પ્રેમ આપીશ અને તારા બધા દુખ હુ લઇ લઇશ.” અમને કહ્યુ.

ગુસ્સામા ઇશાએ કહ્યુ, “મને કોઇની જરૂર નથી.”

અમન સમજતો હતો કે તેણે જે આરોપ ઇશા પર લગાવ્યા હતા તેનાથી ઇશાનો ગુસ્સો વ્યાજબી હતો. અમને કાન પકડ્યા અને કહ્યુ, “સોરી....મારી પહેલી અને છેલ્લી ભુલ માફ કરી દે.”

ઇશાએ ચહેરો બીજી તરફ કર્યો. તે પહેલાથી દુખી હતી અને અમનના કારણે વધારે તફલીફ તેને પહોચી હતી. અમને ઇશાના ચહેરા પર હાથ મુકીને ચહેરો પોતાની તરફ કર્યો. ઇશાની નજર ઝુકેલી હતી. ઇશાએ કહ્યુ, “સોરી મે તમારા પર હાથ ઉપાડ્યો.”

“અરે કોઇ વાંધો નહિ, પણ યાર તારો હાથ બહુ ભારે છે. સાચવીને રહેવુ પડશે તારાથી.” અમને પોતાના ગાલ પર હાથ ફેરવતા કહ્યુ.

અમને ઇશાના કપાળે ચુંબન કર્યુ અને ગળે લગાવી. ઇશાને પણ કોઇ સાથીની જરૂર હતી જે એને દુખથી ભરેલા ભુતકાળની યાદોથી દુર લઇ જાય. ઇશાની આંખોમાથી આંસુ સરી પડ્યા જે અમને લુછ્તા કહ્યુ, “બસ હવે નહી હમમ...હવે તારે જિંદગીભર ખુશ જ રહેવાનુ છે, તો...આ નવા સફરમા તુ તૈયાર છે?” અમને હાથ લંબાવ્યો અને ઇશાએ હાથમા હાથ પરોવ્યો.

***

ટીના પોતાની વાસનાઇચ્છા વિવેકના શરીર સાથે રમીને પુરી કરી રહી હતી. વિવેક તેને ઘણી વાર ફિલ્મ વિશે પુછ્તો, પણ તે કોઇ જવાબ આપતી નહોતી. દર અઠવાડિયે બે-ત્રણ વાર તે વિવેક સાથે મળીને ખુદની ઇચ્છાને પરાકાષ્ઠાના કિનારે લઇ જતી.

સંજના પણ ભાડે ઘર શોધતી હતી. વિવેકે જ તેને કહ્યુ, “જો મને એકલાને આર્થિક રીતે પોષાય એમ નથી, તુ પણ અહી રહે તો, ભાડુ અડધુ વહેચી લઇશુ.” સંજનાને પણ આ વાત ગમી અને બંને સાથે રહેવા લાગ્યા. પહેલા કરતા બંને વધારે નજીક આવ્યા હતા, પણ માત્ર મનની એકલતા દુર કરવા માટે બંનેને એકબીજાનો સાથ ગમતો હતો.

બંને મરીન ડ્રાઇવ જતા, જુહુ બીચ જતા. મુંબઇની ફેમસ સ્ટ્ર્રીટ ફુડ પાવ-ભાજી ખાતા. સંજના જ્યારે પણ બરફ્નો ગોળો કે આઇસક્રીમ ખાતી, વિવેકની આંખો ઇશાને યાદ કરીને ભીની થઇ જતી. તેને ઠંડી વસ્તુઓ ખુબ પસંદ હતી. જ્યારે પણ ઇશા તેનાથી નારાજ થતી, તેની મનપસંદ આઇસક્રીમ સ્ટ્રોબેરી ખવડાવીને જ મનાવી લેતો. મનોમન હવે તે ખુદને કોષી રહ્યો હતો, “કાશ એ દિવસે ઇશાને કહી દીધુ હોત, હુ આવુ છુ ઇશુ તારી પાસે...લગ્ન કરવા...”

આખા દિવસ કામ માટે ભટક્યા બાદ સાંજે બંનેની મુલાકાત થતી અને જમ્યા બાદ ક્યાક ફરવા નીકળી જતા. સંજનાને કોલ્ડ કોફી અને મેગી સિવાય કશુ જ બનાવતા આવડતુ નહોતુ, એટલે વિવેક જ જમવાનુ બનાવતો. સંજનાને એના હાથમા જાદુ લાગતો, “સો ટેસ્ટી યાર, સુપર્બ....”

સંજના વિવેકને સંભાળી લેતી. એની સોબતમા વિવેક ખુશ રહેતો. એ થોડી બોલ્ડ અને ખુલ્લા વિચારોની હતી. એ વિવેક સાથે મસ્તીમા શારીરીક છુટછાટ લેવાની કોશિષ કરતી, પણ વિવેક ખીજાઇને એને અળગી કરી દેતો. એને ખિજાયેલો જોઇને સંજના ક્યારેક કહેતી, “અરે હવે કેમ શરમાય છે, પેલા દિવસે જંગલીની જેમ સેક્સ માણવામા તો તને બહુ મજા આવતી હતી ને?” સંજના હસીને કહેતી.

“યાર શર્ટ-અપ યાર, એ દિવસે જે થયુ એ નશાના કારણે થયુ, હુ માત્ર મારી ઇશાને જ ચાહુ છુ અને એની યાદોમા જ જીવન પસાર કરીશ.”

સંજના જીભ નીકાળીને મોઢુ બગાડતી. એક અજાણ્યા શહેરમા બંનેને એકબીજાનો સુંદર સાથ મળ્યો હતો. સંજના વિવેકને પ્રેમ કરવા લાગી હતી, પણ વિચારતી કે પહેલા એને ઇશાની યાદો, દુખમાથી દુર કરી દઉ પછી જ એને પ્રપોઝ કરીશ.

***

ઇશાના ફરી પરત ફરતા હિરાબા અને અનિતા ખુશ થયા હતા. ઘરમા જાણે ફરી રોનક આવી હોય એવુ બધાને લાગતુ હતુ. અમન અને ઇશા તો જમીને આવ્યા હતા એટલે હિરાબા અને અનિતા જમવા બેઠા. આજે બંને ખુશ હતા. થોડીવારે અમન અને ઇશા તેમના રૂમમા ગયા.

ઇશા તેને જોઇ રહી અને મનોમન વિચારી રહી, “લગ્ન બાદ મે તમારી સાથે અન્યાય કર્યો છે, એક પતિને જે હક્ક મળવો જોઇએ એ અત્યાર સુધી તો ન આપી શકી, પણ હુ બહુ જલ્દી એ પ્રયાસ કરીશ.”

“શુ થોડી વાર વાત કરી શકીએ? જો ઉંઘ ના આવતી હોય તો.” અમને કહ્યુ.

“હા ચોક્ક્સ...” ઇશાએ કહ્યું. બંનેએ થોડીવાર વાતચીત કરી અને મિત્ર બનવાની સફળ કોશિષ કરી.

***

ત્રણ જ મહિનામા અમન અને ઇશા સારા મિત્ર બની ગયા. ઇશા ધીરે ધીરે હવે વિવેકને ભુલવા લાગી હતી. અમનનો સાથ અને દોસ્તી હવે તેને ખુબ ગમવા લાગ્યા હતા. અમન જ્યારે ઓફિસે રહેતો ત્યારે આખા દિવસમા બે-ત્રણ વાર ફોન કરતી, સાંજ પડવાની રાહ જોતી ક્યારે અમન આવે અને તેને ચેન પડે.

ઇશાને આઇસક્રીમ અને બરફ જેવી ઠંડી વસ્તુ ખાવાનો શોખ હતો. દરરોજ રાતે અમન તેને બહાર લઇ જતો. દર રવિવાર ક્યાક ને ક્યાક ફરવા જતા હતા. ઇશા મનોમન હવે અમનને પ્રેમ કરવા લાગી હતી, પણ અહેસાસ નહોતો થતો.

ઘણા દિવસ થયા હોવાથી ઇશાને તેના પિયરની યાદ આવતી હતી. હિરાબાએ આ વાત તેના ચહેરાના હાવભાવથી જ જાણી લીધી અને અમનને કહ્યુ કે તેને પિયર મુકી આવે. આ સાંભળી ઇશા ખુબ ખુશ થઇ.

“અરે બેટા પણ પાછી ક્યારે આવશે, તારા વિના ઘરમા કોઇને નહિ ગમે ને?” હિરાબાએ પુછ્યુ.

“બસ દસેક દિવસમા પાછી આવી જઇશ.” ઇશાએ હસીને કહ્યુ. હિરાબાએ તેના માથે વહાલથી હાથ ફેરવ્યો.

“તારા વિના મને તો સહેજ પણ નહિ ગમે.” અનિતાએ કહ્યુ.

“તો તમે પણ મારી સાથે ચાલો ને” ઇશાએ કહ્યુ.

“ના..ના...બા નુ પણ ધ્યાન રાખવુ પડે ને?” અનિતાએ કહ્યુ.

“બા હુ પણ જલ્દી આવી જઇશ.” કહીને ઇશા પિયર જવા તૈયાર થઇ. અમન બાઇક પર તેને પિયર મુકીને ઓફિસ જવા રવાના થયો.

પહેલા બે-ત્રણ દિવસ તો પિયરમા તેને ખુબ ગમ્યુ. ઘરનુ બધુ કામ એની મમ્મી અને ભાભી કરતા હતા. ઇશા તો ટીવી જુએ, ભોજન પણ તૈયાર જ હોય, ફ્રેંડસ સાથે ફરવા જાય. આટલા સમયનો થાક જાણે તે હવે આ દસ દિવસમા ઉતારશે.

ઇશાનો આ વિચાર માત્ર ત્રણ દિવસ સુધી જ સીમીત રહ્યો. હવે તેને એના ઘરની યાદ આવતી. હિરાબાનો પ્રેમ અને અનિતા જેવી સખી, જેની સાથે એ આખો દિવસ વીતાવતી. સૌથી વધારે તેને અમનની યાદ આવતી. એની દોસ્તી, વાતચીત, એની સાથે ધમાલ-મસ્તી કરવી, એ બધુ ખુબ યાદ આવતુ.

દિવસ દરમિયાન ઇશા હિરાબા અને અનિતા સાથે બે-ત્રણ કોલ કરી લેતી, એમના તબિયત પ્રત્યે હવે ચિંતા રહેતી. એ અમનને પણ કોલ કરતી, પણ નોટબંધીને કારણે બેંકમા ભીડ રહેતી હોવાથી વ્યસ્ત રહેતો, એ વાત ન કરી શકતો, આખા દિવસના થાકના કારણે અમન રાતે થોડી જ વાત કરતો, ઇશા હવે એનાથી નારાજ થઇ જતી. અમનની સાથે વાત ન થવાથી એને ખુબ બેચેની થતી. આટલી બધી અમનની યાદ એને કેમ આવતી એ સમજી શકતી નહોતી.

***

ક્રમશઃ

રોહિત સુથાર “પ્રેમ”