Kon Hase Hatyaro - 3 books and stories free download online pdf in Gujarati

કોણ હશે હત્યારો- પાર્ટ 3

સલીમ જેમ જેમ આ રહસ્યને ઉકેલતો હતો એમ એક નવું રહસ્ય ફૂટતું હતું. સલીમ હવે ખૂબ મૂંઝાયો અને આકાશ તરફ જોઈ કહેવા લાગ્યો, “હે ખુદા આ તારી કેવી રમત? મારો મિત્ર જેલમાં છે અને મને કઈ સૂઝતું નથી. હે ખુદા જો મેં તને ક્યારેય દિલથી નમાઝ કરી હોય તો મને આ મૂંઝવણ ઉકેલવાનો રસ્તો દેખાડ. મૌલા, હવે તારા ભરોસે બધુ છે.” થોડીવાર તો તે ઈશ્વર પાસે મદદ માંગતો રહ્યો અને થોડીવાર પછી ફરી બોલ્યો, “મારો આવાજ તારી સુધી પહોંચતો હોય એવું મને નથી લાગતું માટે હું તારા ઘરે આવીને જ મારી સમસ્યા જણાવીશ.”

તે વિચારમાં ને વિચારમાં બાઇક લઈને જામનગરના હાઇવે સુધી આવી ગયો. તેને યાદ આવ્યું કે સઁજરી મસ્જિદ નજીકમાં જ છે તેથી તે ત્યાં પીરના દર્શન કરવા ચાલ્યો ગયો. પીર પાસે આવી મસ્તક નમાવી તે બોલ્યો, “જો ખુદા હું તારા ઘરે આવી ગયો. બસ તું મને રસ્તો બતાવ. મારી વાત તારા સુધી પહોંચતી કેમ નથી?” પોતાના મિત્રને છોડાવવા આતુર સલીમ ઈશ્વર સાથે બહેસ કરી રહ્યો હતો એવામાં ત્યાં મસ્જિદનો વૃદ્ધ અનુયાયી ત્યાં આવ્યો, “બેટા. શુ વાત છે? આમ ખુદા સામે આવી વાતો કરવાનું કારણ શું છે?” સલીમ બોલ્યો, “દાદા, મારો મિત્ર નિર્દોષ હોવા છતા જેલ ભોગવી રહ્યો છે અને આ આપણો ખુદા હાથ પર હાથ ધરી અહીં દરગાહમાં આરામ કરી રહ્યો છે.”

દાદા સમજી ગયા કે સલીમ પોતાની મૂંઝવણને લીધે ઈશ્વર સાથે ધડ કરી રહ્યો છે. તે શાંત આવજે બોલ્યા, “બેટા, આ ખુદા ખૂબ દયાળુ છે. તે બધાનું સાંભળે છે. તે ફૂટપાથના ગરીબથી માંડીને બંગલામાં રહેતા શ્રીમંત સુધી બધાનું સાંભળે છે. જો બેટા, આ દુનિયા શ્વાસ પર નહીં વિશ્વાસ પર ચાલે છે. તું માત્ર આ પરમકૃપાળુ પર ભરોસો રાખ તારો મિત્ર હેમખેમ જેલમાંથી છુટી જશે.” દાદાની વાત સાંભળી સલીમનો મગજ પણ શાંત થઈ ગયો. તેણે ફરી મસ્તક નમાવ્યું અને ઈશ્વરની માફી માંગતા કહ્યું, “હે ખુદા મારી અસભ્યતા માટે મને માફ કરજે. મિત્રના વિરહમાં હું મારા વર્તનને જ ભૂલી ગયો હતો. મને વિશ્વાસ છે કે તું મારી સાથે છે અને તું જ મારા મિત્રને મારી પાસે પાછો લાવીશ.”

ટલું હજી થોડે દુર આવ્યો હશે કે ભૂતનાથ મહાદેવનું મંદિર આવી ગયું. મંદિરને જોતા જ તેને શ્યામની વાત યાદ આવી. શ્યામ તેને કહેતો કે, “દર રવિવારે હું જ્યાં સુધી ભૂતનાથ મહાદેવને જળ અર્પણ ન કરું ત્યાં સુધી મને ચેન નથી પડતો. મારી દરેક મનોકામના ભૂતનાથ મહાદેવના દર્શન કરીને જ પુરી થઈ જાય છે.” આટલું વિચાર્યા પછી સલીમ બોલ્યો, “યાર તને જેલમાં કેમ ચેન પડતો હશે? ચાલ આજ તારી ગેર હાજરીમાં હું મહાદેવને જળ અર્પણ કરીશ.” તેણે બાઇક સાઈડમાં રાખી અને દુકાનમાંથી ગંગા જળ લઈ મંદિરમાં પ્રવેશ્યો. તેણે મંદિરની પ્રદક્ષિણા કરી અને પૂજારીને જળ અર્પણ કરવા કહ્યું. પુજારીએ જળ અર્પણ કરી સલીમના માથે હાથ મૂકી કહ્યું, “બેટા આપની દરેક મનોકામના મહાદેવજી સફળ કરી નાખશે માટે હવે બધી ઉપાદિને ભગવાનને સોંપીને રાજી રહો. મહાદેવ હર.”

સલીમે પણ જતા જતા શિવલિંગ સામે બે હાથ જોડી અને ત્રીજું મસ્તક નમાવી કહ્યું, “હે મહાદેવ, મારો મિત્ર આજ તમારી પાસે નથી આવી શક્યો. માટે જ્યાં સુધી તે જેલમાં છે ત્યાં સુધી એના વતી હું આપને જળ અર્પણ કરવા આવીશ. પણ તમે તેના મનને શાંતિ આપજો.”

તે મંદિરમાંથી બહાર નીકળતો હતો એવામાં જ તેને સ્વીટી સામે આવતી દેખાઈ. જોયું તો તેની સાથે એસપી નિલેશ કુમાર પણ હતો. તે જોઈને સલીમને શંકા ગઈ. તે મંદિરમાં આવી ભક્તોની બેઠકમાં ભળી છુપાઈ ગયો. સ્વીટી પૂજાની થાળી લઈ પૂજારી પાસે આવી બોલી, “પૂજારી કાકા આ થાળીમાંની પૂજા સામગ્રી શિવજીને અર્પણ કરો.” પૂજારી પૂજા સામગ્રી અર્પણ કરી સ્વીટી પાસે આવ્યા અને બોલ્યા, “સ્વીટી બેટા. આજ તારી સાથે તારો મિત્ર શ્યામ નથી આવ્યો. અરે માફ કરજે બેટા હું ભૂલી ગયો કે તે તો જેલમાં છે.”

શ્યામનું નામ સાંભળી સ્વીટી બોલી, “પૂજારી કાકા મને તો તેને મિત્ર કહેવામાં પણ શરમ આવે છે. મારા શિવજીએ તેને તેના પાપોની સજા આપી છે. એ બધું જવા દો આ મીઠાઈ ઘરે લઈ જજો અને આ દક્ષિણા રાખો.” સ્વીટીએ આપેલી ભેટ લઈ પૂજારી બોલ્યા, “પણ બેટા, આ કઈ ખુશીમાં?” સ્વીટીએ જવાબ આપતા કહ્યું, “પૂજારી કાકા હવે મારો પણ હાથ પીળા કરવાનો સમય આવી ગયો. મારુ સગપણ નક્કી થઈ ગયું છે.” પૂજારી પણ ખુશ થઈ આશીર્વાદ આપતા બોલ્યા, “બેટા હમેશા ખુશ રહો. મહાદેવજી તારી દરેક મનોકામના પુરી કરે.”

સ્વીટીની વાત સલીમ સાંભળતો હતો. તેની વાત સાંભળતા જ સલીમનો ગુસ્સો વધી ગયો પણ ત્યાં તેનું પ્રતિક્રિયા આપવું સંભવ ન હતું. તેથી તે ત્યાં જ બેસી રહ્યો. સ્વીટી અને નિલેશ કુમાર મંદિરની બહાર આવ્યા. સલીમ પણ તેમની પાછળ આવતો હતો. નિલેશ કુમાર ઉભો રહ્યો કે સલીમ દુકાનમાં ઉભો રહી હારનું પૂછવા લાગ્યો. નિલેશ કુમાર બોલ્યો, “ઓકે સ્વીટી. થેન્ક્સ ફોર કમિંગ વિથ મી બટ મારે જામનગર થોડું કામ છે. એક્ચ્યુઅલી મારા ફ્રેન્ડના મેરેજ છે. તો તું આવીશ મારી સાથે? કે પછી તારે ઘરે જવું છે?” સ્વીટી બોલી, “સોરી નિલેશ. હું આવત પણ મારી ફ્રેન્ડ્સ ઘરે હમણાં આવતી જ હશે. સો નેક્સ્ટ ટાઈમ જરૂર આવીશ. ઓકે બાય.” એમ કહી તે રીક્ષામાં બેસી ત્યાંથી નીકળી ગઈ.”

સ્વીટીના જતા જ નિલેશ કુમાર પણ પોતાની બુલેટ હંકારી જામનગર તરફ ગયો. તેના ગયા પછી સલીમે પણ તેનું બાઇક નિલેશકુમાર પાછળ લગાવ્યું. તે તેનો પીછો કરતો જામનગર આવી પહોંચી ગયો. મેરેજહોલ આવતા નિલેશકુમારે તેનું બુલેટ સાઈડ પર લગાવ્યું અને મેરેજ હોલમાં પ્રવેશ્યો. તેના જતા જ સલીમ મેરેજ હોલની સામે ટી સ્ટોલ પર રોકાયો અને નિલેશ કુમારની રાહ જોવા લાગ્યો. રાતના દોઢ વાગ્યા અને નિલેશ પોતાના બુલેટ પર સવાર થતો દેખાયો. તેને જતો જોઈને સલીમ ઉતાવળે પગે બાઇક સુધી પહોંચી તેનો પીછો કરવા લાગ્યો. રાજકોટ પહોંચતા જ ત્રણ વાગી ગયા. સલીમને થયું કે તે હવે ઘરે જશે પણ તે સ્ટેશન તરફ જવા લાગ્યો. સ્ટેશને જઈને તે રેલવે ઓફીસ તરફ ગયો અને એક સફાઈ કામદારને હાથ હલાવી ઈશારો કરી રેલવેના પાટે ચાલવા લાગ્યો. આગળ વડલાના ઝાડ પાસે આવી તે ત્યાં બેસી ગયો અને પેલો સફાઈ કામદાર થેલીમાં કઈક લાવી નિલેશને આપી ત્યાંથી નીકળી ગયો.

સલીમ આ બધું જોઈ રહ્યો હતો. તે ઉતાવળે પગે નાસ્તાની કેબિને આવ્યો અને બોલ્યો, “મોટા ભાઈ. હું અમદાવાદથી આવું છું અને મારો પરિવાર બહાર છે. નાસ્તા માટે અમે લોકો ભજીયા લાવ્યા હતા પણ ચટણી ખરાબ થઈ ગઈ છે તો આપ આ વિસ રૂપિયા રાખો અને માત્ર તીખી ચટણી આપો.” કેબિનવાળાએ ચટણી આપી. સલીમ તે ચટણી લઈ વડલા પાસે આવ્યો. જોયું તો નિલેશ કુમાર ઈંગ્લીશ દારૂના ઘૂંટડા ઉતારી રહ્યો હતો. સલીમને જોઈને તે બોલ્યો, “અય કોણ છે તું? ચાલ નીકળ નહિતર જેલમાં નાખી દઈશ. નીકળ..ચાલ...રસ્તો પકડ.”

જેલનું નામ સાંભળી સલીમનો ગુસ્સો વધી ગયો અને તે બોલ્યો, “સર બાઇટિંગમાં ભજીયા લાવું?” નિલેશ બોલ્યો, “જા લઈ આવ. તને હું એક પેક આપીશ. જા મોજ કર.” સલીમે ચટણી નિલેશના મોઢા પર મારી અને બોલ્યો, “ભજીયા હજી તળાય છે. ફિલહાલ આ ચટણી ખાવ.” ચટણી આંખમાં જતા નિલેશ રાડો પાડવા લાગ્યો, “કોઈ પાણી નાખો..મારી આંખ બળે છે.” સલીમ બોલ્યો, “આંખ બળે છે? અરે એક નિર્દોષને જેલમાં નખાવતી વખતે તારું કાળજું ન બળ્યું? હવે મને સમજાયું કે સ્વીટીની આસપાસ તારું ભટકવું, પત્રકારજીની હત્યા થવી અને મારા મિત્રનું જેલ જવું એ બધી તારી રમત છે. ભલે આજે તને મારીને મારે મારા મિત્રને કંપની આપવા જેલ જવું પડે પણ તને મોત તો હું જ આપીશ. શ્યામને ક્યારેક ઉદાસ જોતો ત્યારે મારી ઊંઘ હરામ થઈ જતી અને તે એને માર ખવરાવ્યો! એને જેલ મોકલ્યો! તને તો હું નહિ છોડું.”એમ કહી તેણે પોતાનો પટ્ટો કાઢી નિલેશના ગળે વીટી તેને જોરથી ખેંચવા લાગ્યો.

નિલેશનો શ્વાસ મૂંઝાતા તે બોલ્યો, “હેય...મને નથી ખબર તું કોણ...કોણ..છે? બટ મેં શ્યામને જેલ નથી...મો.મોકલ્યો. મારો વિશ્વાસ. ..કકક..” નિલેશની વાત સાંભળી સલીમે તેને છોડી દીધો અને પૂછવા લાગ્યો, “તે એને જેલ નથી મોકલ્યો તો કોણે? જવાબ દે મને. એક હાથે તાળી ન વાગે. તું પણ એમાં ભેગો છે. બોલ કોણે કર્યું છે પત્રકારજીનું ખૂન?”

સરખો અને પૂરતો શ્વાસ લીધા પછી નિલેશ બોલ્યો, “મેં શ્યામને જેલ નથી મોકલ્યો. હું તો એને સ્વીટીને લીધે ઓળખું છું. પત્રકારજી મારા પિતા સમાન હતા. હું એમની હત્યા શા માટે કરું?..પ્લીઝ મારી આંખો બળે છે. મારી આંખમાં પાણી નાખો.” સલીમ તેની સાથે પાણીની બોટલ પણ લાવ્યો હતો તેથી તેણે તેનાથી નિલેશની આંખ સાફ કરી.

આંખ સાફ થતા તે બોલ્યો, “હું તને પહેલી વખત જોઈ રહ્યો છું. પણ મારો વિશ્વાસ કર. હું શા માટે પત્રકારજીને મારું?” સલીમે કહ્યું, “એસપી, અત્યારે તારી ઉંમરના છોકરી માટે કઈ પણ કરી શકે છે. ચાલ મને જવાબ દે તારી સ્વીટી સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી એટલે જ તે પત્રકારને માર્યા છે ને? પણ એ તો તારા કીધા ઉપર જ સ્વીટીને તારી સાથે પરણાવી દેત. તો પછી આ શા માટે?” નિલેશ બોલ્યો, “હવે મને ખબર પડી કે તું શા માટે મને મારવા માંગે છે. તું જે વિચારશ એવું નથી. મેં શુ કહ્યું હતું યાદ કર કે પત્રકારજી મારા પિતા સમાન હતા. તો પછી સ્વીટી મારી બહેન જેવી ન થાય? મેં સપનામાં પણ એના વિશે ખરાબ નથી વિચાર્યું.” સલીમે નવાઈ પામતા કહ્યું, “ તે પત્રકારજીને નથી માર્યા તો પછી કોણ હશે હત્યારો? અને બીજી વાત કે સ્વીટી તારી બહેન સમાન છે તો સ્વીટી કોની સાથે પરણે છે? ઓહ..કાંઈ સમજાતું નથી.”

સલીમની જેમ તમે પણ વિચારી રહ્યા હશો કે નિલેશકુમાર નિર્દોષ છે તો પછી હત્યારો કોણ છે? અને સ્વીટી કોની સાથે સગપણ થયાની વાત કરી રહી હતી? આ પ્રશ્નોના જવાબો આવતા પ્રકરણમાં મેળવીશું.

આભાર.