Na kahevayeli vaat - 3 books and stories free download online pdf in Gujarati

ન કહેવાયેલી વાત ભા.3

'ન કહેવાયેલી વાત ભા.3'

તરૂલતા મહેતા

આ એક એવી પ્રેમકહાની છે,જે બે ધારી તલવારની જેમ બે પેઢીને, બે (ભૂત અને વર્તમાન)કાળને, બે અલગ દેશોની વિભિન્ન સંસ્કૃતિને સ્પર્શ કરીને સમગ્ર કુટુંબને લોહીની ટશરોથી રંગે છે. પ્રેમથી બંધાયેલા એ કુટુંબમાં 'પર્ફેફ્ટ પત્ની અને મોમ ' નો રોલ અદા કરતી નેહા (હું) ના સુખી દામ્પત્ય જીવનમાં તોફાન ઊઠ્યું છે.

'દર્દ ન જાને કોઈ ' વાર્તામાં ડાયરીના પાનામાં મારી કિશોરાવસ્થાનો કરુણ પ્રેમપ્રસંગ સૂકાયેલા લોહીના ડાધના સ્વરૂપે હતો પણ મારા હદયના પેટાળમાં ભારેલા અગ્નિરૂપે હતો.જે મારા સોળવર્ષના દીકરાના જીવનમાં પુનરાવર્તન પામતા જાણે આગ બની અમારા કુટુંબને દઝાડી રહ્યો હતો.પ્રેમનો પ્રથમ સ્પર્શ, બે થરકતા હાથની આંગળીઓની ગરમ લોહીની દોડ અને કંપતા હોઠની ભીનાશ જીવનને નવો જ અર્થ આપી દે છે એમ કહો કે જાણેલા બધા અર્થ, મૂલ્યો, સમજ શરીર પરથી રેશમી વસ્ત્રની જેમ સરી જાય છે. મારા પ્રથમ પ્રેમના કરુણ રકાસથી મારું મન જીવનભર દુભાયેલું રહ્યું હવે.'હું મારા દીકરાની પડખે રહીશ,કોણે કર્યું ? કેમ કર્યું? તે જાણીને બે કુમળાં દિલની લાગણીનું જતન કરીશ.'

' ન કહેવાયેલી વાતઃ' માં મેં મારા પ્રેમાળ પતિ નીલના હદયને છિન્ન કરી નાંખે,ક્રોધ ઊપજાવે,અહમને ઠેસ પહોંચાડે તેવી મારા અન્ય સાથેના કિશોરાવસ્થાના પ્રેમની કબૂલાત કરી.હું મારું સુખી કુટુંબજીવન ખેદાનમેદાન થઈ જવાની દહેશતથી પારાવાર વ્યગ્રતામાં ધરજું છુ.

ન કહેવાયેલી વાત ભા.3

નીલ ગઈ કાલ રાત્રે બે વાગ્યે શિકાગોના ઓહેરા એરપોર્ટ પર ડલાસથી આવેલી ફ્લાઈટમાંથી એની કમ્પનીની મીટીંગ પતાવી આવ્યો હતો.ક્મ્પ્નીનો ડરાઇવર એને ધેર મૂકી ગયો,પછી બારણાનું લોક ખોલવા પોતાની પાસેની કી પાકીટમાં શોધતો હતો, ડોર બેલ તરફ આંગળી ગઈ પણ તેની પત્ની નેહાના આરામમાં ખલેલ પડે તેથી ફોનની લાઇટથી બેગની અંદરના પોકેટની ચેન ખોલી

ઘરની ચાવી શોધી.

તેણે નિનાદના રૂમની લાઈટ જોઈ. રાતની શાંતિમાં એ ફોન પર વાત કરતો હશે તે અવાજ તેણે સાંભળ્યો. એને થોડી આતુરતા અને ચિંતા થઈ. પિતા સહજ મમતાથી નિનાદના બેડરૂમ તરફ તેના પગલાં ગયાં પણ અચકાઈને પાછા વાળી લીધાં.

એને થયું અમેરિકન સમાજમાં મોટો થયેલો સોળવર્ષનો છોકરો સ્વતંત્ર મિજાજનો, તે મિત્ર જેવો.

'કોને ફોન કરે છે?' એવું પૂછવા જાય તો રોકડું પરખાવી દે :

"ડેડી,માઈન્ડ યોર ઓન બિઝનેસ. બે દિવસ પછી એની બર્થડેટ આવે છે ---કોક જગ્યાએ પાર્ટી ગોઠવતો હશે! '

નીલ હળવેથી શૂઝ કાઢી બિલ્લીપગે દાદરો ચઢવા લાગ્યો. કોઈ છોકરી સાથે વાત કરતો હોય તેવું તેને લાગ્યું. વિચાર્યું,

'કાલે નેહાની સાથે વાત કરીશ ' પછી એને જાત પર હસવું આવ્યું સોળ વર્ષે છોકરો મધરાત્રે એની ગર્લફ્રેન્ડ જોડે વાત કરે તેમાં અજુગતું (અયોગ્ય) થોડું કહેવાય !

છેલ્લું પગથિયું ચડતા તેનો એક પગ લટકી રહ્યો....સોળમા વર્ષે તેના જન્મદિવસે એ ક્યાં હતો ?, ના, કદી તેની પત્નીએ પૂછ્યું કે ના તેણે કોઈને કહ્યું છે, શું એ મિત્રો સાથે પાર્ટીમાં હતો ?ના..એક થર થર કંપતો પડછાયો જાણે તેની જીભને બોલતી બંધ કરી દે છે. તેના પગને ઝાલી રાખે છે...એણે મજબૂતાઈથી પોતાના પગને ઉપરના માળે મૂકી દીધો.

બેડરૂમનું બારણું ખોલતા પહેલાં એણે બેગને હળવેથી નીચે મૂકી. બાજુની રૂમમાં સૂતેલી તેની નન્હી પરી નીનુને જોવા ગયો. બાર્બી ડોલને ડાબા હાથથી એની છાતીને વળગાડી ઊંધી ગઈ હતી. બે દિવસ બહાર ગયો તેમાં જાણે નીનુડી પેલી રાજકુમારીની જેમ દિવસે ના વધે તેટલી રાતે વધી હતી. એના પગ પરથી ખસી ગયેલા બ્લૅકીને નીલે બરોબર ઓઢાડયું,હાથમાંથી ડોલને એના પીલો પર મુકી

નીનુની મુઠ્ઠીમાં વળી ગયેલી કૂણી કળીઓ જેવી આંગળીઓને ખૂલ્લી કરી ત્યાં તે નિંદરમાં બોલી,' ડેડી...' પાપાએ એના ગાલને સહેજ ચૂમ્યા જાણે ગુલાબી પાંદડીઓ પરીના મુખડા પર વર્ષી પડી. નીલ પાછા પગલે બહાર ગયો. નીચે નિનાદના રૂમમાં લાઈટ બન્ધ જોઈ તેને નિરાંત થઈ.

જયારે નીલ બહારગામ ગયો હોય, નેહા કિંગ સાઈઝ બેડમાં એકલી હોય ત્યારે બેડરૂમનું ડોર અધખૂલું જ રાખે. મોટાં થઈ રહેલાં નિનાદ અને નીનાની તે સતત કાળજી રાખતી મા હતી. નીલની ગેરહાજરીમાં બાપ અને માની બેવડી જવાબદારી હસતી નિભાવતી. અન્ય પત્નીઓની જેમ ફરિયાદ કરવાનું જાણે એના સ્વભાવમાં નહોતું! નીલના અંદરના ખૂણેથી એક નિસાસો નીકળી જાય છે, 'કાશ, મારી મા એવી હોત..!

પડખું ફરી સૂતેલી નેહાના એક તરફના ચહેરા પર બારીના પડદામાંથી આવતો આછેરો પ્રકાશ અર્ધ ચદ્રમાની શોભા આપતો હતો ! એના શરીરની સુગન્ધથી નીલનો મુસાફરીનો થાક...ગાયબ થઈ ગયો. પ્રિયાદર્શનની મધુરી ક્ષણને મનભરીને નીલ માણી રહ્યો. બે દિવસના વિરહ પછી નેહાને આલિગનમાં લેવા તડપી રહ્યો. મનોમન નેહાને કહેતો હતો:

' તને ખબર છે કામમાંથી પરવારું એટલે કેમ કરીને ઊડીને તારી પાસે આવું,તેજ રટ લાગે.'

એ પાસે જઈ ઝૂકી ધુંટણભેર પ્રિયાને રીઝવી રહ્યો. એને નવાઈ લાગી નેહા જાગી નહિ ! નીલને ખબર હતી કે નિદ્રાના પારદર્શક આવરણમાં તે જાગતી જ હશે! એ બન્ને વચ્ચે કોઈ અબોલ કરાર હતો કે એકબીજાને ડિસ્ટર્બ નહિ કરવાનું. નીલને અડધી રાતે પત્નીને ઉઠાડી તકલીફ આપવી તેને ક્યારેય પસંદ નહોતું. કોને ખબર કેમ આજે તેનું મન નેહાને માટે વિશેષ તડપતું હતું. વારંવાર બિઝનેસ ટુર પર જવાથી ઝૂરાપો તેને ડનખી રહ્યો હતો. ઘરમાં ફેલાયેલી સુખભરી નીરવતા નીલને કઠી,' લાવને બૂમાબૂમ કરી નિનુડીને,નિનાદને જગાડું, નેહાને હાથ ઝાલી ડાન્સ કરતા હોય તેમ ગોળ ફેરવું ! '

નીલને શરીરમાં ઉતેજનાથી ન સમજાય તેવી બેચેની લાગી. બેડની પાસેની ટિપોઈ પર મૂકેલી બોટલમાંથી પાણી પીધું. ધીરે ધીરે પોતાની બે ગરમ હથેળીઓને ધસી. એક હથેળી રફ અને બીજી સુંવાળી નેહાની.તેણે એક ફૂટ દૂર સૂતેલી વ્હાલીને પાસે ખેંચી લીધી. નેહા ભરઉંધમાં હોય તેમ બોલી:

'ઓહ તમે આવી ગયા ? આર યુ ઓકે ?'

નીલ પોતે શરમીંદો થઈ ગયો 'સોરી ' ગણગણી સૂઈ ગયો. નેહાનો તે પ્રેમાળ પતિ હતો પણ ક્યારેય રોમેન્ટિક પ્રેમી નહિ. એ વીસ વર્ષથી નદીના શાંત પ્રવાહમાં કુટુંબને સાચવતો હતો. એના અજ્ઞાત મનમાં ડર રહેતો રખેને એ નેહાને ન ગમતું કાંઈ કરે અને બંધયેલો માળો વેરવિખેર થઈ જાય !

એણે મનને મનાવ્યું, ' નેહા છોકરાઓ સાથે દોડાદોડી કરી થાકી ગઈ હશે ! નિનાદની ટેનિસની પ્રેક્ટિસ નીનાનું પિયાનોનું ટ્યૂશન વધારામાં પેરેન્ટ મીટીંગ એકલી કેટલી જગ્યાએ દોડી હશે! તેમાં શીકાગોનો માથું દુખવતો ટ્રાફિક.તે ધીરેથી બોલ્યો:

થેન્ક યુ માય ડિયર '

બારીના પડદાના સળમાં અમળાતી રાત નિશબ્દ હતી. નેહાને કેમ જાણે કેમ એવું લાગી રહ્યું હતું કે એના પ્રેમાળ પતિના સહવાસની આ છેલ્લી રાત છે.આવતી કાલની સવાર ન કહેવાયેલી વાત એમના જીવનમાં ભૂકંપ લાવશે ! તુમુલ યુદ્ધ તેના મનને થરકાવતું હતું. એને થયું એ નીલની છાતી પર માથું મૂકી રડી લે. એ જ મારી જીવનનેયાનો સુકાની,એના પ્રેમપ્રવાહમાં મારા નાનકડા કુટુંબનું સુખ.આજ સુધી

અછતા રહેલા ભૂતકાળના પડ ઉખેડી વર્તમાનને લોહીલુહાણ કરવાની શી જરૂર ? નીલ કદી કાઈ પૂછવાનો નથી,પણ મારું મન મને બેવફા ગણે છે, નીલ સચ્ચાઈનો સામનો કરી શકશે?. એમ કહેવાય છે કે મન અને મોતી તૂટે તો સંધાય નહિ.

'મોમ,લેટ્સ ગો ટુ સ્કૂલ ' નીના તૈયાર થઈ બોલાવતી હતી.

નેહા તંદ્રામાંથી જાગી. નીલ ધસધડાટ ઉધતો હતો. સવારના અજવાળામાં તેના ચહેરા પર થાક વર્તાતો હતો. એણે બારીના પડદા બંધ કર્યા. ધ્રૂજતા હાથે ટિપોઈ પર થર્મોસની બાજુમાં કવર મૂક્યું. તરસી નજરથી નીલના શરીરને અછડતો સ્પર્શ કર્યો. નેહા પોતાની જાતને ધિક્કારી રહી,' વર્ષો પહેલાં એક નિર્દોષને એને કારણે ઊઝરડા પડ્યા,માનહાનિ થઈ ! હવે પ્રેમાળ પતિને છિન્ન કરી નાખશે, કોણ એના ઘાને રુઝવશે? '

***

'ગુડ મોર્નીગ ડિયર " કહી નીલે બેડરૂમના આછા અજવાળામાં આંખો ખોલી. તેણે ડાબો હાથ લંબાવ્યો:

' નેહા ક્યાં છું ? તેની નજર ઘડિયાળ પર પડી :'ઓહો દસ વાગી ગયા,નેહા નીનાને સ્કૂલે મૂકવા ગઈ હશે.'

તે બાથરૂમમાં જઈ ફ્રેશ થયો.બારીના પડદા ખોલ્યા, એ પ્રસન્ન મને બહારના દશ્યને માણી રહ્યો. યાર્ડમાં લીલીછમ લોન તડકામાં ચળકતી હતી.મોર્નીગ વોક લઈ વડીલો ધીમી ચાલે આવતા હતા,બેબીસિટર નાના બાળકને સ્ટ્રોલરમાં ફેરવતી હતી.

તેણે પાણી લઈ વિટામિનની ગોળી ગળી ત્યાં ગુલાબી કવર જોયું. 'નેહાએ શેનું કવર મૂક્યું છે?' એણે ફોન જોયો કોઈ મેસેજ નહોતો.ફોન પર વાત કરવાનું વિચાર્યું પણ તેને યાદ આવ્યું યોગા ક્લાસમાં હશે.

નીલને નેહાના મરોડદાર હસ્તાક્ષર જોઈ રોમાંચ થયો. વીસ વર્ષ પૂર્વે તેમની સગાઈ પછી નેહાએ ત્રણ પત્રો લખ્યા હતા તે હજી તેણે સાચવી રાખ્યા હતા. એ પોતે લખવાને બદલે ફોન પર વાત કરતો.

'પ્રિયના ' સંબોધનને પહેલાં સ્પર્શી પછી ચૂમી કરી. 'અત્યારે નેહા તું મારી બાહોમાં હોત તો કાગળ વાંચે એ બન્દા બીજા.'

પત્ર વાંચતા તેને રૂમ ગોળ ફરતો લાગ્યો,કાર્પેટ ઊડીને બારી બહાર ફેંકાઈ. એનેય તાણીને હવામાં લટકાવી દીધો! ઘર બાર કુટુંબ વિનાનો તે એક બ્લેક હોલમાં તણાતો હતો.

તેના હાથ-પગમાંથી શક્તિ ચૂસાઈ ગઈ. બેડમાં ફસડાઈ પડ્યો. રૂમમાં સંતાઈ રહેલો ઝેરીલો સાપ કાગળના પાંજરામાંથી તેના મોં પર ફૂંફાડા મારતો હોય તેમ તેણે કાગળને આઘો ફેંકી દીધો.

તેનો ગુસ્સો આસમાને પહોંચ્યો,તેના ક્રોધિત અવાજે ઘરની દિવાલો ધ્રૂજી ઊઠી:

'યુ નેહા,ચીટર,હીપોક્રેટ, આઈ કાન્ટ બેર ધીસ '.

તરૂલતા મહેતા

(મિત્રો,

વાર્તાને ભાવપૂર્વક માણનારા આપ સૌને હું ભાવકો તરીકે ઓળખું છું,શબ્દોના માધ્યમે મારા હદય -બુદ્ધિના સંવેદનો તમને પહોંચે છે અને તમે રીવ્યુસ આપો છો ત્યારે પ્રિયનો વોટ્સ પર મેસેજ મળ્યો હોય તેવો હરખ થાય છે.પરસ્પરની આપણી આ ઓળખાણ એક સર્જક માટે મૂલ્યવાન છે.આભાર. મારી વાર્તાઓ મોટેભાગે જીવનની દુઃખતી નસને પકડે છે,વેદનાનું સગપણ બહુ ચીકણું હોય છે ક્યારેય વિસરાતું નથી.જે સંવેદનશીલ છે,પીડાનો સામનો કરે છે,હાર, દર્દથી મોં છૂપાવતો નથી તે જ જીવનને સફળ કરે છે અને નાળિયેરના મધુર કોપરાને પામે છે.'ન કહેવાયેલી વાત'નું હવે પછીનું પ્રકરણ જરૂરથી વાંચશો તેવી આશા રાખું છું.)