Manni Aantighunti - 1 books and stories free download online pdf in Gujarati

મનની આંટીઘૂંટી - 1

‘મનની આંટીઘૂંટી’

એ સત્ય ઘટના પરથી પ્રેરણા લઈ, કલ્પનાના રંગોથી રંગેલી નવલિકા છે.

જ્યારે મેં અંગ્રેજી ન્યૂઝમાં આ ઘટના વાંચી ત્યારે મારા રૂંવાડા ખડા થઈ ગયેલા. એજ ક્ષણે મેં મનમાં નક્કી કરી લીધું કે, આ સ્ત્રીની જીવન-કહાની તો હું દિલ ફાડીને લોકો સામે રજૂ કરીને જ રહીશ!

આ વાર્તા શાના વિશે છે એ કહીશ તો વાર્તાની મજા મરી જશે. બસ એટલું જ કહીશ કે, આ વાર્તા એક ગામડાની મજૂરવર્ગ સ્ત્રીની છે. તેના જીવનની કહાની એ સાબિત કરી બતાવે છે કે કોઈ પણ સ્ત્રી સ્વનિર્ભર બની સ્વમાનભેર ગર્વથી જીવી શકે છે. આ કહાની વાસ્તવિકતાની ધરાતલ પર ખેડાયેલી છે. હ્રદયને સ્પર્શી જાય અને મનમાં ઊંડી છાપ છોડી જાય એવા પાત્રો, સંવાદો અને વર્ણન આ કહાનીમાં તમને વાંચવા મળશે. ગામડાની કહાની છે; એટ્લે પાત્રોના સંવાદો પણ તળપદી ભાષામાં જ લખ્યા છે. સતત એક પછી એક પ્રકરણ વાંચવા મજબૂર કરી રાખે એવી રસપ્રદ અને રમાંચક કહાની છે.

અને હા, આ એક ‘લવ સ્ટોરી’ પણ છે...!

એમેઝોન કિન્ડલ પર આ પુસ્તક ઉપલબ્ધ છે.

***

પ્રકરણ – ૧

શિયાળાની શરૂઆત થઈ ચૂકી હતી. આછી ઠંડી વહેલી સવારના વાતાવરણમાં છવાયેલી હતી. સૂર્યોદય થતાં જ સોનેરી કિરણપુંજો કુણા તડકાની ચાદર ધરતી પર પાથરી રહ્યા હતા. આહલાદક પવનની લહેરમાં ખેતરનો લીલોછમ લસકો લહેરાઇ રહ્યો હતો.

સવારના પહોરમાં મજૂરો દાંતરડા લઈને લસકો વાઢી રહ્યા હતા. બાર વર્ષની જ્યોતિ, ખેતરમાં એના બા-બાપુને લસકાનો ભારો બંધાવા મદદ કરી રહી હતી. તેમને મદદ કરાવી તે પંતગિયાની જેમ ખેતરની ચોતરફ મુક્તપણે વિહરતી. ખેતરની ચોતરફ વિહરતા વિહરતા તેણે ખૂણાની એક ઝાડીમાં મીઠા ચણીબોરનું ઝાડ જોયું. પાકી ગયેલા ચણીબોરના લૂમખા જોઈને તેને બોર ખાવાની ચટપટી થવા લાગી. પૂછ્યા વિના કોઇકના ખેતરમાંથી બોર તોડવા જતાં તેના હાથ થંભી ગયા. તે દોડતી બાપુ પાસે જઇને તેમને ચણીબોર તોડવા વિશે પૂછ્યું. બાપુએ ખેતરના માલિકે પૂછી બોર તોડવાની પરવાનગી માંગી. બોર તોડવાની છૂટ મળતાં જ તે ખુશખુશાલ થઈ ઉડતા પગે બોર તોડવા દોડી ગઈ. ‘બપોરે નિશાળમાં બોર ખાવા થશે’ - એમ વિચારી તેણે ખાસ્સા બોર નિશાળની થેલીમાં ભર્યા.

નિશાળનો સમય થતાં ઝાડની ઓથે બેઠેલા બાએ જ્યોતિને ટહુકો પાડ્યો. રોટલો-ડુંગળી જમી લઈને તેણે પાટી-પેન થેલીમાં નાંખી, અને કલાક વહેલા નિશાળે દોડી ગઈ.

જ્યોતિને ભણવામાં ઝાઝો રસ નહતો, પણ માસ્તર ચીંધે એ કામ કરવા તો તે ખિસકોલીની જેમ ફટ્ટ દઈને ઊભી થઈને એ કામ કરી દેતી. કામ પણ એવું ચીવટભર્યું કરતી કે કોઈને ભૂલ કાઢવાનો મોકો ન આપે! કહ્યાગરી જ્યોતિને તેની સાથે ભણતી છોકરીઓ ‘ખિસકોલી’ કહીને ચીડવતી.

ખભે થેલી ભરાવી તે કલાક વહેલા નિશાળે પહોંચી ગઈ. નિશાળના ચોગાનની વચ્ચોવચ્ચ ઘેઘૂર પીપળાએ ફેલાઈને ડાળીઓ કાઢી હતી. ખરેલા પીળા પત્તાંનો કચરો વાળી લેવા તેણે થેલી ઝાડના ઓથે મૂકી. ખૂણામાં પડેલો બોઘરો હાથમાં લઈ, ચોગાનમાં પડેલા કચરાનો ખૂણામાં ઢગલો કર્યો. નિશાળના દરવાજામાં પ્રવેશતાં આચાર્ય સાહેબે નિશાળનું ચોખ્ખુંચણાક ચોગાન જોઈને તેને દૂરથી સ:સ્મિત સાથે શાબ્દિક શાબાશી પાઠવી. નાનું-મોટું કામ કરવામાં ક્યારેય પાછી પાની ન કરતી જ્યોતિ માસ્તરની શાબાશીથી મનમાં ને મનમાં હરખાઈ ઉઠતી.

ગમતું કામ શીખવા-જાણવા જ્યોતિની આતુરતા હંમેશા તેની ઉત્સુકતાની પૂંછ પટપટાવતી. ભણવા સિવાયનું કામ શીખવા તેના પગની પાનીઓ ઉત્સાહથી થનગનતી. સ્વભાવે તે લજામણીની જેમ સંવેનશીલ હતી. કોઈનો કડવો બોલ ઠપકારૂપે પડે તો તેની આંખો તરત ભરાઈ આવતી. જોકે, તેની હસતા-ગાતા રહેવાની સ્વભાવ-સહજ પ્રકૃતિ થોડાક સમયમાં લજામણીના બિડાયેલા પાનની જેમ પાછી યથાવત થઈ જતી.

નિશાળમાં પીપળાના ઠંડા છાંયડે વિદ્યાર્થીઓ ભણવા બેસતા. માસ્તર પલાખાં લખવા આપી લાકડાની ખુરશીમાં ઊંઘ ખેંચતા. માસ્તરને ખબર ન પડે એમ જ્યોતિ થેલીમાંથી અક્કેક ચણીબોર મોંમાં મૂકે જતી, અને એક કોર ઠળિયાની ઢગલી કરે જતી. બાજુમાં બેઠેલી નિલ્પાને મસ્તી સૂઝતા ઢગલીમાંથી બોરનો એક ઠળિયો લઈ, આગળ બેસીને ઝોકું ખાતી સહેલીના માથામાં માર્યો! ઠળિયો તેના માથા પરથી ઉછળીને સીધો જ માસ્તરના કપાળે જઇ અફડાયો! નસકોરાં બોલાવતા માસ્તર ઝબકીને જાગી ઉઠ્યા! તરત જ બાજુમાં પડેલી સોટી ઉઠાવી મેજ પર વીંઝી, “કોણ હતું એ? કોને ઠળિયો માર્યો?”

તેમના તગતગાવતા ભરાવદાર ભવાં ઉપર-નીચે થયા. વિદ્યાર્થીઓમાં સોપો પડી ગયો!

“બોર કોણ લાયું છ?”

“સાહેબ આ જ્યોતિ...” બાજુમાં બેઠેલી છોકરીએ બકી માર્યું.

“હા સાહેબ, જુઓ આ ઢગલી રહ્યી. ચાલુ નિશાળે થેલીમોથી બોર ખાધે જાય સ...” ગુનેગાર નિલ્પાએ સૂર પુરાવી પોતાના ગુનાનો ટોપલો જ્યોતિના માથે ઢોળ્યો.

માસ્તરે નાખોરા ફુલાવી ડોળા કાઢ્યા.

સોટી મેજ પર વીંઝી ઉગ્ર સ્વરે તાડૂક્યાં, “જ્યોતિ...!! ઊભી થા...!!”

માસ્તરનો ગુસ્સો જોઈને જ્યોતિ થથરી ગઈ! એ ધ્રૂજતા અવાજમાં કશું બોલે એ પહેલા આગળ ઝોકું ખાતી હતી એ છોકરી જ્યોતિ તરફ આંગળી ચીંધીને બોલી, “હા સાહેબ આ જ હતી. આને જ મને જોરથી બોરનો ઠળિયો માથે મારેલો. મેં પાછળ જોયું એટ્લે આજ બોર ખાતી ’તી...!”

“ના સાહેબ મુ ન’તી... આ નિલ્પા હતી. એને ઠળિયો માર્યો ’તો...”

નિલ્પા તરત જ બોલી ઉઠી, “સાહેબ આ હાવ જૂઠ્ઠી સ. એના એંઠા ઠળિયા હાથમો લઇન મુ શું કોમ મારા હાથ ગંદા કરું?”

પોતે નિર્દોષ છૂટી જાય અને માસ્તરજીના ગળે ફટ્ટ દઈને ઉતરી જાય એવું વ્યાજબી કારણ કહી, જ્યોતિને ગુનાની ખાઈમાં ધકેલી મારી.

માસ્તરે મેજ પર સન્ન કરતી સોટી ફટકારી, “કઉં છું ઊભી થા...!! હંભળાતું નહીં તન...!!”

“સાહેબ હાચું કઉં સુ. માતાજીના સોગન... મુ નતી. આ બધી મળીન મન ફસાવશ...” બોલતા તેની આંખે ઝળઝળિયા બાઝી ગયા.

“છેલ્લી વાર કઉં છું ઊભી થા...! અન ઓય આય...! ત્યોં આવોય તો વધુ ફટકારોય, આ કઉં છું...!!” સોટી ફરીથી મેજ પર વીંઝી ઘોઘરા અવાજે તાડૂક્યા.

ઊભા થવા જ્યોતિના ગોઠણ ઢીલા પડી ગયા. ‘હવે તો બરડે અને હાથે સબોસબ સોટીઓ વીંઝાશે, બધા વચ્ચે ઇજ્જતની ફજેતી થઈ જશે, નિશાળ છૂટ્યા પછીય બધા હસી-મજાક ઉડાવશે’ - એ વિચારો મનમાં દોડતા જ તેની આંખોમાંથી આંસુ ખરી પડ્યા. ગુનેગાર સાબિત કરતી દલીલોમાં પોતે નિર્દોષ ઠરે એવું શું કહેવું? એ તેને સમજાયું નહીં.

નિલ્પાએ મોઢા આગળ હથેળી રાખીને દબાયેલા અવાજમાં મશ્કરી કરી, “ચોગાન ચોખ્ખું કરીન માસ્તરની લાડકી બનવું ’તુંન? ખા અવ મીઠા બોરનો મીઠો સબાકો...!!” કહી બે-ત્રણ સખીઓ બંધ મોંએ ખીં...ખીં... કરતી હસી પડી.

પાછળ બેઠેલી છોકરીએ મશ્કરીમાં સૂર પુરાવ્યો, “સોટીનો સબાકો ચેવો લાગ્યો એ નિશાળ છૂટીન અમન કેજે, હોં ક્ન ખિસકોલી...!” તાળી દઈને બીજી સહેલીઓએ પણ ખીલ્લી ઉડાડી દબાયેલા મોંએ હસી પડી.

કડવી કટાક્ષથી જ્યોતિનું મન રોષથી ભરાઈ ગયું. ઊભા થતાં તેણે મનોમન પ્રાર્થના કરી કે, નિશાળનો ઘંટ પડી જાય તો તત્ક્ષણ અહીંથી નાસી જાઉં! તેણે ભીની આંખો લૂછી. પીપળાનો પડછાયો જોઈને ઘંટ પડવામાં કેટલી વાર છે એ દેખી લીધું. પડછાયા પરથી હજુ વીસેક મિનિટ વાર હતી છૂટવામાં...

માસ્તર ઊંચા અવાજે કરોજ્યા, “માસ્તરન ઠળિયા મારવાની ચરબી ચડી છ... ચમ?”

“ના સાહેબ, મુ એવું ચ્યારેય ના કરું. હાચું કઉં સુ સાહેબ, મુ નતી. મુ તો બસ બોર ખાતી ’તી...”

“ચુપ્પ...!! નિશાળમો બોર ખાવા આવશ ક ભણવા?” ઊંચા અવાજે ગર્જ્યા, “ચૂપચાપ અહીં આઇન ઊભી રે અને બે હથેળી મારા હોમે ધર...!!”

“સાહેબ... મારો વિશ્વાસ કરો, મુ નતી....” કહેતા તે નીતરતી આંખે અને ભીના કંઠે કગરી પડી.

“ચૂપ્પ....!! અહીં આઇન ઊભી રે...”

જ્યોતિ નાના ડગલાં ભરી માસ્તર આગળ આવીને ઊભી રહી. ભીની આંખો લૂછી, બંને હથેળી સામે ધરી દીધી. સોટીનો સબાકો વીંઝાશે એ બીકથી તેણે હોઠ અને આંખો જોરથી દબાઈ આડું મોઢું ફેરવી દીધું.

વગર ગુને જ્યોતિને રડતી દેખીને નિલ્પાના ચહેરા પર ફૂટી રહેલું હાસ્ય વિલાઈ ગયું. પોતે દોષિત હોવાનો ભાવ ભીતરમાં ડંખવા લાગ્યો. બિડાયેલા હોઠની અંદર ગુનો કબુલી નાંખવા તેની જીભ જોર કરી રહી હતી, પણ હવે કશું વળવાનું નહતું.

માસ્તર દાંત ભીડીને હવામાં ઉગામેલી સોટી જેવી વીંઝવા જતાં હતા કે ત્યાં જ.... વિદ્યાર્થીઓમાંથી તરત જ એક અવાજ તેમના કર્ણપટલ પર અફડાયો...

“સાહેબ, મેં બોરનો ઠળિયો માર્યો ’તો...”

માસ્તરનો હાથ હવામાં જ થંભી ગયો. બધાની ગરદન એકી ઝાટકે અવાજની દિશા તરફ ફરી. ગુનાની કબૂલાત કરતાં ગુનેગાર ચહેરાને જોવા.

“સાહેબ, એ નતી... મારાથી વાગી ગ્યો ’તો...” તેણે હાથની મુઠ્ઠીમાં બોર બતાવતા કહ્યું.

માસ્તર દાઢ ભીંસી બરાડ્યા, “સાલા હરામખોર, અવ મૂઢથી ભસ્યો...!! તારા ગુનામો આ બિચારી છોડીના હાથ લાલગુમ થઈ જવાના ’તા! ઓય આય સાલા હરોમી...!! માસ્તરન ઠળિયા મારવાનો મીઠો હવાદ તન ચખાડું...!! નાલાયક...!!”

નિલ્પાની ગુનેગાર નજર છોકરાઓમાં ઊભા થયેલા એક નિર્દોષ ચહેરા પર પડી. એ ચૂપચાપ સાહેબ આગળ આવીને ઊભો રહ્યો. માસ્તરે રડતી જ્યોતિના માથે હાથ મૂકી તેને જગ્યા પર બેસી જવા કહ્યું. નીતરતી આંખે અને ડૂસકાં ભરતી તે તરત જ તેની જગ્યાએ કોકડું વળીને બેસી ગઈ.

એ છોકરાએ ગુનેગારની માફક બંને હથેળીઓ સામે ધરીને માસ્તરની આંખમાં જોઈ રહ્યો. માસ્તરે તેમના ધૂંધવાયેલા મનમાં ઉઠેલા રોષનો ધુમાડો ઠારવા છોકરાની હથેળીઓ પર, બરડે, ઢગરા પર સબોસબ સોટીઓ વીંઝવાનું શરૂ કર્યું. એક હરફ પણ ઉચ્ચાર્યા વિના તે ખુલ્લી આંખે અને દર્દથી ભીંસાઈ ગયેલી દાઢે, થડની જેમ જડ બની ઊભો રહ્યો.

વીંઝાતી દરેક સોટીએ ‘નાલાયક, નપાવક, નીચ...’ જેવા નઠારા શબ્દોનો કોરડો પણ તેના ચરિત્ર પર વીંઝાતો. આખી નિશાળના છોકરા-છોકરીઓ સામે તેને ઉતારી પાડ્યો. ‘માસ્તરન ઠળિયાં મારીન વિદ્યા લેવા આવશ... સાલા બદમાશ...!!’ સોટીના મારથી તેની આંખોમાંથી દર્દભર્યા આસું ટપકી પડ્યા. ગાલ પર વહેતા આસું તેણે લૂછ્યા વિના વહેવા દીધા. સામે ધરેલી હથેળી અને ખભા હતા એમ યથાવત સ્થિર રાખી; સતત વીંઝાયે જતી સોટીનો માર મૂંગા મોંએ સહન કર્યે ગયો. હથેળી પર ઉપસી આવેલા સોળ જોઈને કેટલાકે મોં પર હથેળી દબાઈ દીધી. સટાક...સટાક...!! વીંઝાતી સોટીઓનો અવાજ સાંભળીને જાણે જ્યોતિ પોતે દર્દ અનુભવતી હોય એમ તે આંખો ઝીણી કરી દાંત દબાઈ દેતી. પહેલી વાર માસ્તરનો આવો નિર્દયી ગુસ્સો જોઈને વિદ્યાર્થીઓ ભયથી થથરી ઉઠ્યા.

હોઠ સીવી બેઠેલી નિલ્પા ગુનેગાર દ્રષ્ટિએ એ છોકરાને દેખી રહી હતી. પોતાની ભૂલની સજા બીજાએ ભોગવી એનો અપરાધભાવ તેના મનમાં ઘૂંટાવા લાગ્યો. હથેળીના સોળ જોઈને તેણે વિચાર્યું : ‘બાપ રે! બરડે તેને કેવું ચચરતું હશે!’ એ દર્દની કલ્પના કરતાં જ તેના ગળે ડૂમો બાઝી ગયો. જુઠ બોલીને જ્યોતિને ફસાવી, અને પોતાના ગુનાની સજા બીજા કોઈને ફટકારાતી જોઈને તેને પોતાની જાત પર નફરત થઈ ગઈ. જ્યોતિ આંખો લૂછે જતી અને એ છોકરાને વગર વાંકે માર પડતો દેખીને તેનું સંવેદનશીલ હૈયું બૂમો પોકારી રહ્યું હતું : ‘બસ... હવે ના મારો એને. એની ભૂલ નહતી...’

તેણે દાઢ કચકચાવી બાજુમાં બેઠેલી નિલ્પાના વાળ ખેંચી કાઢવાની તીવ્ર ઈચ્છા મનમાં જોર કરી ગઈ!

માસ્તર તેના બરડે જોરથી સોટી વીંઝીને બોલી ઉઠ્યા, “તારા બાપાન કાલે નિશાળમાં લઇન આવજે, નકર નિશાળમાં પગ નહીં મૂકવા દઉં! સાલા નફ્ફટ રખડેલ...! જા...! ચોંટ જગ્યાએ...!!” કહ્યા બાદ પણ તેને નઠારા શબ્દે ધુતકાર્યો. છોકરાએ આંસુ ટપકતી આંખે તેની જગ્યા પર બેસવા પગ ઉપાડ્યા. એ ઊભો હતો ત્યાંના પ્લાસ્ટર પર તેના બંને પગલાંની પરસેવાથી છાપ પડી ગઈ હતી. માસ્તરે આખરી સોટી જોરથી તેના ઢગરા પર ફટકારી અને સોટી ભાંગી ગઈ!

હાથની લાલગુમ હથેળીઓમાં થતાં લબકારા અને ચચરાટ સાથે તેણે ઉનો નિ:શ્વાસ નીચે બેસતા છોડ્યો. ઉંધા હાથે તેણે આસું ભીના ગાલ અને આંખો લૂછી લીધી. ચોરીછૂપી દેખેલો જ્યોતિનો હસતો ચહેરો તેના માનસપટ પર ઉપસી આવ્યો. તેના હોઠ પર આછું દર્દીલું સ્મિત તરી આવ્યું. સોટીઓના મારનું દર્દ પોતે ખમી ખાધું એ વાતના દુ:ખ કરતાં, માસ્તરે તેને છોડી મૂકી એનો હાશકારો તેના હૈયે વધુ હળવાશ પાથરતો હતો. રડું નહતું આવતું છતાં સોટીના સોળનું દર્દ આંસુ ટપકાવી મુકતું હતું. જ્યોતિ તેના તરફ અનિમેષ નજરે જોઈ રહી હતી. એ છોકરાએ આંખો ખભેથી લૂછી લઈ જ્યોતિ તરફ જોયું. જ્યોતિએ સહાનુભૂતિ ભરેલી સજળ આંખો પર પાંપણ પલકાવી નજર ફેરવી લીધી.

નિશાળનો ઘંટ વાગ્યો.

નિશાળમાં જાણે જેલના કેદીઓ પૂર્યા હોય એમ વિદ્યાર્થીઓ થેલીઓ લઈને ભાગ્યા. ગુનેગારમાં નિલ્પા અને તેનો સાથ પુરાવનાર સહેલીઓ પણ દરરોજ કરતાં વહેલી નાસી ગઈ. બે મિનિટમાં આખી નિશાળ વિદ્યાર્થીઓથી ખાલીખટ થઈ ગઈ, સિવાય બે ગુનેગાર ઠરેલા નિર્દોષોથી.

જ્યોતિનું હૈયું એ છોકરાને ઘણા સવાલો પૂછવા ઊછળતું હતું, પણ ભારેભરખમ બની ગેયેલી જીભ કેમેય કરીને ઊપડતી નહતી. દરરોજ હાથમાં થેલી પકડીને જતા એ છોકરાએ એ દિવસે, દર્દથી ચચરતી હથેળી વાળીને થેલી બગલમાં દાબી દીધી. બંનેની આંખો ક્ષણભર માટે એકબીજાને મળી, ને તરત જ છોકરાએ દરવાજા તરફ નજર વાળી ચાલવા લાગ્યો. તેની પીઠ પર વળેલા પરસેવા સાથે ચોંટી ગયેલા બુશર્ટ પર આછા લાલ લીરા દેખાતા હતા. જેને જોઈને જ્યોતિની પાંપણો દર્દથી મીંચાઈ ગઈ! તેનું હૈયું ચચરતી વેદનાથી ભરાઈ ગયું. બરડે સોટીના અસહ્ય થઈ પડેલા સોળમાંથી લોહીના ઝીણા ટશિયા ફૂટતા હતા. તે દરવાજા બહાર નીકળ્યો.

સમીસાંજનું આછું અંધારું ગામના ગોદરે ઉતરી આવ્યું હતું. ડચકારા બોલાવતો રબારી ગાયોનું ગૌધન ચરાવી ગામમાં પ્રવેશી રહ્યો હતો. કેસરિયો સૂર્ય કંચનવર્ણ કિરણપુંજોની સોનેરી ચાદર આટોપી ક્ષિતિજે અસ્ત થઈ રહ્યો હતો. લાલાશ પડતાં વાદળો ભૂરા આકાશમાં લસોટાઇ વિખરાતા જતાં હતા. કલરવ કરતાં પક્ષીઓનું ટોળું માળામાં પાછું ફરી રહ્યું હતું. ગામ વચ્ચે આવેલા શિવ મંદિર આગળ આનંદમાં કિલ્લોલ કરતાં બાળકોનો કલશોર ગુંજી રહ્યો હતો. મંદિરના પ્રાંગણમાં આરતીનો ઘંટનાદ પણ શરૂ થઈ ગયો હતો.

જ્યોતિનું મન વિક્ષુબ્ધ હતું. અનેક સવાલો તેણે હોઠ વચ્ચે દબાઈ રાખ્યા હતા. ઘરે જવાના બદલે એ દિવસે તેનું હૈયું, તેને બીજા રસ્તે દોરી જવા મજબૂર કરી રહ્યું હતું. તે ચોરીછૂપી તેનો પીછો કરી એ ક્યાં રહે છે એ જોવા ઇચ્છતી હતી. છોકરો દોડતા પગે ગલીગુંચીમાં જઈને ક્યાં અદ્રશ્ય થઈ ગયો એની ખબર ન પડી. એ મૂંઝાયેલા મને ત્યાં ઊભી રહી ગઈ. તેના વિક્ષુબ્ધ મનમાં કેટલાયે પ્રશ્નો ઉઠતાં હતા : ‘એ તેના ઘરે જઈને શું જવાબ આપશે? હથેળીએ અને બરડે ઉઠેલા સોળનું શું કારણ જણાવશે? કેમ એણે જુઠ્ઠું બોલીને મને બચાવી લીધી હશે, અને પોતે માર ખાધો...?? એ કાલે એના બાપુજીને બોલાવશે? એનું નામ શું હશે?’ જેવા કેટલાયે પ્રશ્નો સાથે તેનો નિર્દોષ ચહેરો જ્યોતિના મનમાં ઘૂંટાઈ રહ્યો હતો. બહાર ઊભી રહી તેણે શિવની મૂર્તિ સામે હાથ જોડ્યા. સંવેદનશીલ હૈયાએ ‘તેને જલ્દી મટી જાય...’ એવી પ્રાર્થના કરી માથું નમાવ્યું. અંધારું થતાં તે ઉતાવળા પગે ઘરે જવા દોડી...

***

આ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવો 99136 91861 WhatsApp નંબર પર પણ આપી શકો છો.

લેખક – પાર્થ ટોરોનીલ