Hostelno Hobado ane disekshanma daandi books and stories free download online pdf in Gujarati

હોસ્ટેલનો હોબાળો અને ડીસેક્શનમાં દાંડી - 5

હોસ્ટેલનો હોબાળો અને ડીસેક્શનમાં દાંડી

(૫)

ઓરીએન્ટેશન પ્રોગ્રામ

સુરેન્દ્રનગર જેવા નગરપાલિકા ધરાવતા ટચુકડા શહેરમાંથી પહોચ્યા; મહાનગરપાલિકા ધરાવતા આંગળીના વેઢે ગણી શકાય એવા, ગુજરાતના પ્રખ્યાત નગરોમાના જામ નો પ્યાલો લઈને આવકારતા માદક પરંતુ મહેનતુ, કૈફીલું પણ કરકસરીયું, સાવજનું દિલ ધરાવતું પણ સૌમ્ય, રીલાયન્સનું હબ ગણાય એવું જ રીઅલ, જયાના માણસો એટલા પરોપકારી કે કોઈ મુસાફરે સરનામું પૂછ્યું હોય તો છેક મુસાફરને હોમડીલીવરી કરી આવે અને એ પણ કોઈપણ જાતના વળતરની અપેક્ષા વગર, દેશની ત્રણેય પાંખ સમી લશ્કરી સેના જેના રક્ષણ માટે રાતદિવસ પોતાની સહુલીયત નો વિચાર કર્યા વિના, પોતાના કમ્ફર્ટઝોન ને છોડીને જામ રણજીતસિહના પ્યારા એવા શહેરને સાચવે છે એવા જામનગરમાં,,,,, જામનગરનો પોતાનો જ અલગ કેફ છે કે માણસ જેવો માણસ તો શું, પણ ભગવાન શ્રીકૃષ્ણ પોતેય મથુરાને છોડીને ચાલ્યા આવ્યા, ને અહી સુવર્ણ સભ્યતાના ઈતિહાસની સોનાની નગરી દ્વારકા વસાવી. આવા ભગવાન પણ પોતાના ઘર છેક ઉત્તરભારતથી લઈને પોતાની કર્મભૂમિ તરીકે જામનગર જેવા શહેરને પસંદ કર્યું હોય તો હું તો વળી પશ્ચિમ ભારતની, એમાય ગુજરાતની, એમાય ખાલી ૨૦૦ કિમી દૂર આવેલા સુરેન્દ્રનગરથી જામનગર આવવાની તક મળી હોય તો છોડું કેમ?

***

૨૧ ઓગસ્ટના પહેલોવહેલો ઓરીએન્ટેશન પ્રોગ્રામ રાખેલો. સાદી ભાષામાં કહું તો બબ્બે વર્ષથી(ધોરણ ૧૧-૧૨) મગજનું દહીં કરીને આવેલા, એકદમ ઉત્સુક એવા વિદ્યાર્થીઓ પોતાના શહેરને છોડીને આવશે!તો તેઓને અહી શો શો લાભ થશે?પોતાની જિંદગીના યુવાનીના મોટાભાગના વર્ષો તેઓ આ શહેરને આપવાના છે, તો તેમને શું મળશે? આવું બધું જ્ઞાન આપે એટલે પિયર છોડીને સાસરે આવતી વહુને પોતાનું ઘર બહુ યાદ ન આવે અને આજ્ઞાંકિત વહુની જેમ સાસરિયાના કામકાજમાં ગૂંથાઈ જાય એ માટે વહુને પહેલીવહેલી સાસુ મીટીંગ લઈને બહુ સમજાવીને માહિતગાર કરવામાં આવે કે ‘વહુ બેટા, તમારા સસરાને આવું ગમેં હો!તમારે જે જોઈતું હોય એ વાપરજો!આપડા ઘરના આ રીવાજ છે!’ આવા કેટલાક છુટછાટ સાથે ના છણાવટભર્યા નિયમો, હકો અને ફરજો જણાવવામાં આવે. એટલે ‘હૂતો અને હુતી’ હારેય સાસુસસરાની સંસારની ગાડી પાટા પર દોડતી રહે. આવું જ ઓરીએન્ટેશન પ્રોગ્રામમાં હોય. જેમ ઘરના વડા સાસુ એમ અહીના પણ સાસુ હોય કોલેજના વડા. એમનું નામ નહિ લઉં પણ શાનમાં સમજી જાઓ. સાસુને તો કડક રહેવું જ પડે, કારણ કે કડક ચા નો જ ભાવ પુછાય, નરમ ચા નો તો કોઈ ભાવ પણ ન પૂછે!એમ અહી કોલેજના વડા પણ કડક. તોજ આવડી મોટી કોલેજના કેમ્પસનું તંત્ર વ્યવસ્થિત ચાલે. તોજ એમ. પી. શાહ મેડીકલ કોલેજનું નામ ભારતની સારી કોલેજોમાં આવતું હોયને!

તો આ ઓરીએન્ટેશન પ્રોગ્રામમાં મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા અને કરાવવા માટે ઈચ્છુક એવા વાલીઓ અને એમના ભૂલકાઓ આવી પહોચ્યા ૫૦ વર્ષ જૂની પ્રતિષ્ઠિત, છતાં એ વખતના કડીયાઓએ એવી બનાવેલી કે આજદિન સુધી એનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જુનું ન લાગે! એમ તો હાલમાં જુના કોલેજના મકાનની પાછળ હાઈ ટેક્નોલોજીનું ૧૦ માળનું બિલ્ડીંગ બની રહ્યું છે. જામનગરના ધારાસભ્ય અને સ્ત્રી અને બાળકલ્યાણ ખાતાના મંત્રી પ્રોફેસર વસુબેન ત્રિવેદી પણ આ ખાસ પ્રસંગે હાજરાહજૂર રહ્યા હતા. સૌપ્રથમ વાર જયારે મુન્નાભાઈ mbbs ફિલ્મમાં બેંચ વ્યવસ્થા જોયેલી ત્યારે ખુબજ રોમાંચિત થઇ ગયેલી કે આટલા બધા લોકો એક જ ક્લાસમાં બેઠા હોય અને બધાને સર, બોર્ડ અને સાથે સરનો અવાજ પણ સંભળાતો હોય. એવાજ પ્રકારની બેંચ વ્યવસ્થા જોઇને જે માન વધેલું મારા ખ્યાલથી કોઈ હીરોના ફેને એ હિરોને સાક્ષાત જોયો હોય ત્યારે જેમ રુવાડા ઉભા થઇ જાય એમ મારામાં થ્રિલ આવતી હતી. જોકે આ બેંચ પર એક વર્ષ જયારે અમે બેઠા અને બેચનો જે સાક્ષાત્કાર થયેલો એ તમને પછીના લેખોમાં વાચવા જરૂર મળશે, સાક્ષાત અને સાક્ષાત્કારનો ભેદ! લ્યો તમે પણ જોઈ લ્યો બેઠકવ્યવસ્થા.

એ પછી તો ડીનસાહેબ, વસુબેન, કોલેજના મુખ્ય માણસો, હોસ્ટેલના મુખ્ય વોર્ડન મેમ તથા વિવિધ વિભાગોના ઉપરી સાહેબ(HOD) વગેરે ઉપસ્થિત હતા જેઓને સાંભળવા માટે ૨૦૦ વિદ્યાર્થીઓ સાથે દરેકના વાલી, પૂરો હોલ હકડેઠઠ્ઠ ભરેલો. ઉભવાની જગ્યા માંડ હતી. કોલેજની તમામ પ્રવૃત્તિઓના થોડાક વિડીઓ દેખાડ્યા. વોર્ડનમેમ જામનગરના વખાણ ચાલુ કર્યા. મેડમ પોતે વડોદરા બાજુના હતા પણ પછી એમને અહી અભ્યાસ કર્યોને, એક સારી એવી સ્થિતિ પ્રાપ્ત કરી લગ્ન કર્યાને, ધીરે ધીરે પોતાની આખી જિંદગીના ૫૭ વર્ષ કેવી રીતે પસાર કર્યા એ એટલી લાંબી આત્મકથા ચાલી કે એમાં નર્મદની ‘મારી હકીકત’પુસ્તક ઓછી પડે. પછી બધાના ભાષણો ચાલુ થયા. એક એન્ટીરેગીંગનું નાટક પણ અમારા ભાવી સીનીયરોએ રજુ કર્યું. પછી તો ભાષણોમાં ડોક્ટરના પ્રોફેશનની વાતો ચાલી. ધીરે ધીરે ભાષણો આગળ આગળ વધતા હતા અને અમે ધીરે ધીરે મનમાંને મનમાં ઓપરેશન થીયેટરમાં ઘુસતા હતા. અમારી પર જવાબદારી વધી રહી હતી. અમે એવા પ્રોફેસનમાં દાખલ થવા જઈ રહ્યા હતા કે જે ભગવાનની અત્યાર સુધીની તમામ રચનામાંની સર્વોત્તમ રચના એટલે કે મનુષ્ય સાથે સોદો કરવાનો હતો. સોદો શેનો? જેમાં ભગવાને પોતાની તમામ બુદ્ધિ ચકાસેલી અને ભુલરહિત એવી કુદરતની હાઈટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવ્યો એવી તંદુરસ્તીનો સોદો. માણસ બીજા કરતા કેમ અલગ પડે છે?કારણ એનામાં જીવ છે!એની પાસે દુનિયાની સાત અજાયબીઓ નહિ, પણ કુદરતની રેડેલી અસંખ્ય અજાયબીઓ છે. જેમાંની ઘણીબધી તો માણસનેય ખબર નથી. ચારપગા પ્રાણીથી ઉત્ક્રાંતિ પામેલો બે હાથ, બે પગ, ધડ અને માથું ધરાવતો પ્રાણીએ ખાલી હાલીચાલી શકે એવું નહિ પણ, એ પ્રાણી હવે સામાજિક પ્રાણી બની ગયો કે એની પાસે અજાયબીઓ છે એ જોઈ શકે છે, બોલી શકીએ છીએ, હસી શકે છે, રડી શકે છે, સ્પર્શ કરી શકીએ છીએ.... એક પણ શબ્દ બોલ્યા વિના કોઈ આવીને હાથ પકડે તો ખબર પડે છે કે આ હાથ સહાનુભૂતિનો છે, આમાં પ્રેમ છે, આમાં ગુસ્સો છે, આપડે શ્વાસ લઇ શકીએ છીએ, અને સૌથી મોટી અજાયબી એ છે કે માણસ માણસને પ્રેમ કરી શકે છે, માનવતાનો પ્રેમ.

એકવાર એક મિકેનિક અને ડોક્ટર મળ્યા. મિકેનિકે કહ્યું આપડે બેય સરખું કામ કરીએ છીએ તોય તું શા માટે વધુ કમાય છે?તારી પાસે બગડેલી તંદુરસ્તી વાળો માણસ આવે એમ મારી પાસે બગડેલી સ્તિથીવાળું સ્કુટર આવે. તુય એને સમું કરેશ અને હુય સમું કરું છું. ફેર ક્યાં પડે છે? ત્યારે વિચક્ષણ બુદ્ધિવાળો ડોક્ટર કહે છે કે શું આ બધું કામ તું ચાલુ સ્કુટરે કરી શકે ખરો? અમારે આ બધું કામ માણસ જીવતો હોયને ત્યારે કરવાનું થાય. જમાનાનાં ખાધેલા એક ડોક્ટર પ્રોફેસરે સરસ કહ્યું કે, “જો તમે શાંતિથી, નૈતિક્તાથી અને સારી રીતે જો ફરજ બજાવો તો ડોકટરી એક એવો પ્રોફેશન છે કે જે તમને પહેલા તો પૈસા અપાવશે એટલે તમારી જીવનનું ગળું ચાલ્યું જાય, પછી નામ અપાવશે એટલે સમાજમાં તમારી ગણતરી થાય, છેલ્લું પણ અતિ મહત્વનું પુણ્ય અપાવશે એટલે કે દર્દીના દર્દને દૂર કરવાથી એનો આત્માતૃપ્ત થશે. આમ જો નૈતિકતાથી કર્મ કરે જાવ તો નામ, ઠામ અને રૂપિયા બધુય મળશે અને એ પણ સીધા રસ્તેથી. ”

હવે આગળ આ પ્રોગ્રામમાં બીજા શું શું કિસ્સાઓ બને છે એ જોવા માટે આગળનો લેખ વાંચવો પડશે.

(ક્રમશ:)