Ghar Chhutyani Veda - 4 books and stories free download online pdf in Gujarati

ઘર છૂટ્યાની વેળા - 4

ભાગ – ૪

સામે ઉભેલી અવંતિકાને જોઇને અનિલની આંખોમાં પણ આંસુ વહેવા લાગ્યા, આ જોઈ અવંતિકા પોતાના હાથ જોડી માફી માંગતી કહેવા લાગી :

“પ્લીઝ પપ્પા મને માફ કરી દો, આ બધું જે કઈ થયું છે એ મારા કારણે થયું છે, તમે આજે હોસ્પીટલમાં પણ મારે કારણે જ આવ્યા છો, પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, હું જીવનમાં ફરી આવું ક્યારેય નહિ કરું, તમારીથી દૂર જઈ અને મને સમજાયું છે કે માતા પિતાનો પ્રેમ શું હોય છે, મને માફ કરી દો પપ્પા.” બોલતા બોલતા અવંતિકા ચોધાર આંસુએ રડવા લાગી.

સુમિત્રા પણ અવંતિકાની પાછળ જ આવીને ઊભી હતી, તેને અવંતિકાની પીઠ ઉપર હાથ ફેરવતા કહ્યું :

“બેટા, તું સમયસર પાછી આવી ગઈ છે, હજુ સુધી કોઈને ખબર નથી આ વાતની, તારા પપ્પાને એજ વિચારે એટેક આવ્યો છે કે પોતે હવે સમાજમાં અને શહેરમાં પોતાનું શું મોઢું બતાવશે, પણ ભગવાનની કૃપા છે કે એ માઇનોર એટેક હતો અને તું પણ પાછી આવી ગઈ છું એટલું જ અમારા માટે પુરતું છું, તારા પપ્પાને રજા આપી દેશે પછી ઘરે જઈને આપણે બધી ચર્ચા કરીશું, અહિયાં હોસ્પીટલમાં બધી વાત કરવી ઠીક નથી. તું આવ મારી સાથે આપણે ડોક્ટરને મળી અને પૂછી લઈએ કે ક્યાં સુધી એમને રજા મળી શકે છે.”

અવંતિકા અને સુમિત્રા ડોકટરના કેબીનમાં જાય છે અવંતિકા માથું નીચું રાખીને ચાલી રહી છે, સુમિત્રાએ અવંતિકાનો હાથ પકડી રાખ્યો છે, બંને કેબીનમાં પ્રવેશે છે.

અવંતિકા : “ સર, મારા પપ્પાને ક્યાં સુધી રજા મળી શકશે ?”

ડૉ.મહેતા : “બહેન, તમે ઈચ્છો તો રજા આજે જ લઇ શકો છો, એમને નોર્મલ એટેક જ આવ્યો હતો, પણ તમારે એમની હવે કાળજી રાખવાની જરૂર છે, એમને કોઈ માનસિક તાણ હવે ના આપતા, કોઈ એવી વાત એમની સામે ના કરતા જેના કારણે એમને દુઃખ થાય, કારણ કે બીજીવાર પણ આ એટેકનો ખતરો માથા પર જ છે, આતો સમયસર સુમિત્રાબહેન એમને હોસ્પિટલ લઇ આવ્યા એટલે મોટી હોનારત ટળી ગઈ. પણ દરેક સમયે તમે બધા સાથે જ હોઈ શકો એ પણ ગેરેંટી નથી, કદાચ એ એકલા હોય અને ત્યાં આવું બને અને ઇમરજન્સી સારવાર પણ ના મળી શકે તો તકલીફમાં મુકાઈ શકે છે માટે એમને હવે કોઈ વાતનું ટેનશન ના થાય એની ખાસ કાળજી રાખજો..

સુમિત્રા : જી સાહેબ. અમે હવે એમની પૂરતી કાળજી રાખીશું. એમને કોઈ તકલીફ નહિ થવા દઈએ.

ડોકટર મહેતા એ નર્સને બોલાવી અનિલભાઈને રજા આપી દેવાનું કહ્યું, અને જરૂરી દવાઓનું લિસ્ટ અવંતીકાના હાથમાં આપ્યું. સુમિત્રા અને અવંતિકા બંને ડૉક્ટરના કેબિનની બહાર નીકળ્યા. સુમિત્રા કાઉન્ટર ઉપર હોસ્પિટલનું બિલ ભરવા માટે ગઈ અને અવંતિકા મેડિકલ સ્ટોરમાં દવા લેવા માટે.

અવંતિકા દવા લઈ અને સુમિત્રા પાસે આવી. બન્ને અનિલની કેબીન તરફ ચાલવા લાગ્યા ત્યાં જ સ્ટ્રેચર ઉપર એક ૫૦ -૫૫ વર્ષની ઉંમરના એક ભાઈને લઈને હોસ્પિટલનો સ્ટાફ ખુબ જ ઉતાવળમાં અંદર દાખલ થતો હતો, સાથે એ વ્યક્તિનો પરિવાર પણ આંખોમાં આંસુઓ સાથે પાછળ દોડી રહ્યો હતો, ડોક્ટર પણ ખુબ જ ઉતાવળા એ દર્દી પાસે પહોચ્યા, અવંતિકા અને સુમિત્રા આ દૃશ્ય જોઈ રહ્યા હતા, ડોકટરે એ વ્યક્તિને તપાસતા, I M SORRY, તમે થોડા મોડા પડી ગયા છો, જો થોડા વહેલા આવી શક્ય હોત તો એ બચી શકતા હતા, પણ હવે કઈ થઇ શકે એમ નથી.He Is No More...” કહી ડોકટર પાસે ઉભેલા તેમના પત્નીને આશ્વાસન આપી પોતાના કેબીન તરફ પાછા ફર્યા.

આ દૃશ્ય જોઈ અવંતિકા અને સુમિત્રાની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા, સુમિત્રાએ અવન્તીકાનો હાથ બરાબર જોરથી પકડી લીધો, સ્ટ્રેચર ઉપર સુઈ રહેલી વ્યક્તિમાં તે પોતાના પિતાની કલ્પના કરવા લાગી, સુમિત્રા પણ આ દૃશ્ય જોઈ પોતાના પતિ સાથે આવું નાં બને એવી ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી. પાસે રહેલી બેંચ ઉપર સુમિત્રા અને અવંતિકા બેસી ગયા, બંને જાણે એકબીજાને કંઇક કહેવા માંગતા હતાં પણ કોઈ બોલી શક્યું નહિ, અને સુમિત્રાએ જ પહેલ કરી અને અવંતિકાને ને કહી ધીધુ :

બેટા, હું આ પરિસ્થિતિ આપણા ઘરમાં આવવા દેવા નથી માંગતી, તે જે આ ભૂલ કરી હતી એના કારણે તારા પપ્પાને પણ હોસ્પિટલમાં આવવાનો વખત આવ્યો, પણ બીજીવાર આવું બનશે તો હું એ સહન નહિ કરી શકું, સારું છે હજુ તારા ઘર છોડવાની વાત કોઈને ખબર નથી, અને તું વેળાસર પાછી આવી ગઈ છું, એટલે સમાજમાં નામ બદનામ થતાં બચી ગયું છે, જો બધાને ખબર પડી ગઈ હોત તો અમે આ દુનિયામાં જ ના રહી શકતા. બોલતા બોલતા સુમિત્રાની આંખો ભીની થવા લાગી.

અવંતિકાએ તરત સુમિત્રાના હાથ પકડતા બોલવા લાગી :

મમ્મી, મેં ભૂલમાં આ પગલું તો ભરી દીધું, પણ હું જ્યારે ઘરેથી નીકળી ગયા બાદ મેં ખુબ વિચાર કર્યો, અને ત્યારે મારા મનમાં તમારી જ ચિંતા વધી અને એટલે જ મેં ઘરે પાછા ફરવાનો નિર્ણય કરી લીધો. હવે હું ફરી ક્યારેય આમ નહિ કરું.

પણ, તું ક્યાં ગઈ હતી, કોની સાથે ? અને એની સાથે જતાં પહેલા તે અમારો સહેજ પણ વિચાર ના કર્યો ??સુમિત્રા આંખોના ડોળા કાઢી પૂછવા લાગી.

મમ્મી, હું મારી કોલેજમાં સાથે ભણતા રોહન સાથે ગઈ હતી, એ ખુબ જ સારો છોકરો છે, અને ખુબ જ મહેનતુ પણ છે, પણ એ આપણી જેમ પૈસાવાળા નથી, અને આપણી જ્ઞાતિ પણ અલગ પડે છે, માટે પપ્પા આ સંબંધને ક્યારેય ના સ્વીકારતા, અને હું એને ખોવા નહોતી માંગતી, એટલે હું એની સાથે ચંડીગઢ ચાલી નીકળી, આખી રાત્રી અમે ટ્રેનમાં જ વિતાવી, ચંડીગઢમાં અમે રેન બસેરમાં રોકાયા હતા, અને ત્યાં મહિલાઓના ઉતારામાં હું સુઈ ગઈ ત્યારે મોડા સુધી તમારા વિચારો મેં કર્યા. મને તારી અને પપ્પાની ચિંતાઓ થવા લાગી, પપ્પાની સમાજમાં અને શહેરમાં જે નામના છે એ મારા કારણે માટીમાં મળી જશે, પપ્પા જ્યાં માથું ઊંચું રાખીને ચાલી શકતા હતા ત્યાં એમને નીચું જોઈ અને ચાલવાનો સમય આવશે, એ બધા વિચારે મારી આંખ પણ ના મીંચાઈ, અને મેં નક્કી કરી લીધું કે સવારે હું રોહનને આ વાતની જાણ કરી દઈશ, અને પાછા ઘરે જવા માટે નીકળી જઈશું, સવારે ઉઠી તૈયાર થઇ હું રોહનને મળી અને મેં મારા વિચારો રોહનને જણાવ્યા, રોહન પણ મારી વાત સાથે સંમત થયો અને મારે જેમ બને તેમ જલ્દી ઘરે પહોચવું હતું, રોહનના એક મિત્ર દ્વારા મેં પ્લેનની ટિકિટ કરાવી લીધી, જેના કારણે હું જલ્દી તમને લોકોને મળી શકું, મેં રોહનના મિત્રના ફોનથી જયારે હિમ્મત કરી તને ફોન કર્યો ત્યારે પપ્પા વિષે જાણી મારી ચિંતામાં ખુબ જ વધારો થઇ ગયો અને મેં નક્કી કર્યું કે પપ્પાનું મોઢું જોઇને જ હું પાણી મોઢામાં મુકીશ. રોહનનો બીજો એક મિત્ર અમને એરપોર્ટ લેવા આવી ગયો, અને એની કારમાં હું સીધી હોસ્પિટલ આવી ગઈ, મારો સામાન પણ મેં રોહન પાસે જ રહેવા દીધો છે. અવંતિકા પોતાનો ગુન્હો કબુલ કરતા સુમિત્રાને સમજાવવ લાગી.

સારું કર્યું બેટા તું પાછી આવી ગઈ, પણ મારી એકવાત યાદ રાખજે, તારા પપ્પાને હવે ક્યારેય દુખ થાય એવું કઈ નાં કરતી, એ જેમ કહે એમ જ કરજે, અમે તારા મા બાપ છીએ, અમે ક્યારેય તારું ખોટું ના વિચારી શકીએ, જે કરીશું એ તારા સારા માટે જ હશે, તું અમારી એકની એક દીકરી છે, અને અમે તારા બાદ બીજું કોઈ સંતાન અમારા જીવનમાં આવવા નથી દીધું, કારણ કે, અમે તારો પ્રેમ વહેચવા નથી માંગતા, તારા પપ્પા પણ એજ કહેતા હતા કે મારી દીકરીને હું દીકરાની જેમ ઉછેરીશ, અને તારા આવવાથી જ તારા પપ્પાની પ્રગતિ થઇ હતી, ત્યારે અમે પણ માન્યું કે અમારા ઘરે સાક્ષાત લક્ષ્મીજી અવતર્યા છે. બસ બેટા મારી આટલી વિનંતી છે કે તારા પપ્પા તારા કારણે દુખી થાય એવું કોઈ કામ ના કરતી. અવંતિકાને સમજાવતા સુમિત્રા બોલી.

હા, મમ્મી હું તને વચન આપું છું, કે આજ પછી ક્યારેય કોઈ એવું કામ નહિ કરું કે તને અને પપ્પાને મારા કારણે દુઃખ પહોચે. અવંતિકા એક વિશ્વાસ સાથે એની મમ્મી ને કહ્યું.

હોસ્પિટલનો બધો વિધિ પતાવી અનીલ, સુમિત્રા અને અવંતિકા ટેક્ષી લઇ પોતાના ઘરે પાછા ફર્યા, ૩ દિવસ ઘરથી દુર રહેલી અવંતિકા જાણે વર્ષો બાદ પોતાના ઘરે પાછી ફરી રહી હોય એમ એને લાગવા લાગ્યું, એક બારીકાઇથી પોતાના ઘરને નિહાળતી રહી, તેને મનોમન નક્કી કરી લીધું કે હવે તે પોતાના મા બાપ જેમ કહેશે તેમ જ આગળ કરશે, પોતાના જીવનના તમામ ફેસલા એને પોતાના મમ્મી પપ્પા ઉપર છોડી દીધા.

ઘરે પહોચી અવંતિકાએ જમવાનું બનાવ્યું, બધા સાથે જમ્યા, પપ્પાને દવા આપી રાત્રે મોડા સુધી અનિલના રૂમમાં સુમિત્રા સાથે બેસી અવંતિકા પોતાના રૂમમાં પાછી ફરી, પોતાનો મોબાઈલ લઇ અને રોહનનો નંબર જોડ્યો...

રોહન : હેલ્લો, અવંતિકા.. કેમ છે તારા પપ્પાને ? બધું બરાબર છે ને ?

અવંતિકા : હા, પપ્પા હવે બરાબર છે, ચિંતા કરવા જેવું નથી. પણ એ બધી વાત હું તને પછી કહીશ કાલે સાંજે તું મને રીવર ફ્રન્ટ મળવા માટે આવજે, મારે તારી સાથે થોડી વાત કરવી છે, અત્યારે હું ફોન મુકું છું.

રોહન : ઓકે, હું કાલે સાંજે તને મળીશ, બાય...

વધુ આવતા અંકે.......

નીરવ પટેલ શ્યામ