Redlite Bunglow - 23 books and stories free download online pdf in Gujarati

રેડલાઇટ બંગલો ૨૩

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૩

હરેશભાઇને અકસ્માત થયા પછી વર્ષાબેન નિરાશ જેવા થઇ ગયા હતા. એક લયમાં ચાલતું જીવન અને મનની સ્થિતિ ખોરવાઇ જતાં તે પરિસ્થિતિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બુલેટથી કોણે ટક્કર મારી એ વાતનું રહસ્ય પામવા હરેશભાઇ વ્યાકુળ બની જતા હતા. તેમનું મન સતત કહેતું હતું કે આ અકસ્માત ન હોય શકે. કોઇએ તેને મારવાનો પ્રયાસ કર્યો ન હતો. પણ એ ઇચ્છતો હતો કે હું ઘાયલ થાઉં. ઘરમાં આવીને ટાંટિયા તોડવાની તો કોઇની હિંમત થાય એમ ન હતી એટલે આ રીતે ઘાયલ કર્યો અને તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો. અક્સ્માત સમજીને કોઇ કંઇ કરવાનું નથી એવો કોઇની ગણતરી હશે પણ હું સાજો થાઉં એટલી વાર છે. એને છોડવાનો નથી. હરેશભાઇના મનમાં વિચારો સતત ચાલતા રહેતા હતા. આ તરફ હરેશભાઇ ઘાયલ થયા પછી વર્ષાબેનના માથે ચિંતા વધી હતી. હેમંતભાઇએ મદદનું કહ્યા પછી તેમને રાહત થઇ હતી. પોતાના બે બાળકો સાથે બે ખેતર સાચવવાની જવાબદારી વર્ષાબેન પર આવી ગઇ હતી. આખા કુટુંબનો આધાર ખેતી હતી એટલે વર્ષાબેનને ધ્યાન આપ્યા વગર ચાલે એમ ન હતું. હવે ઘર અને ખેતી બંને તેમણે જ સંભાળવાના હતા.

હરેશભાઇ ઘાયલ થયા એના બીજા જ દિવસે વર્ષાબેન હેમંતભાઇના ઘરે પહોંચી ગયા. હેમંતભાઇએ ઘાયલ હરેશભાઇની સમયસર મદદ કરી હતી. હવે ખેતીકામમાં પણ સહાય કરવાના હતા. અગાઉ વર્ષાબેનની હેમંતભાઇ સાથે અલપઝલપ મુલાકાત થઇ હતી. એ તેમને સારા માણસ લાગ્યા હતા. હેમંતભાઇને અનાજ અને શાકભાજી વેંચી આવવાનું કામ હરેશભાઇ સંભાળતા હતા. હવે તેમના પર જવાબદારી હતી. પહેલા જ દિવસે હેમંતભાઇએ તેમના મજૂરોને બોલાવી વર્ષાબેનની સામે જ કહી દીધું કે આવતીકાલથી તેમની ખેતીનું કામ પણ સંભાળવાનું છે. હેમંતભાઇએ વર્ષાબેનને દરરોજ સવારે તેમના ઘરે આવી મજૂરોને લઇ જવા કહી દીધું. વર્ષાબેનને તેમનું ધ્યાન રાખવા પણ સૂચના આપી.

હેમંતભાઇને મળીને વર્ષાબેન ઘરે આવ્યા ત્યારે બાળકો સ્કૂલેથી આવી ગયા હતા. સ્કૂલમાં હવે પહેલી પરીક્ષાની જાહેરાત થઇ હતી. અને બાળકોને ફી ભરવાનું જણાવવામાં આવ્યું હતું. સ્કૂલવાળા હવે ફી ના ભરનારને પરીક્ષામાં બેસવા દેવાના ન હતા. વર્ષાબેનની ચિંતા વધી રહી હતી. ફી ના ભરી શકાય તો પરીક્ષા ના અપાય અને બાળકોનું એક વર્ષ બગડી જાય એમ હતું. તેમને પહેલાં થયું કે અર્પિતાને કહીને રાજીબહેન પાસેથી ઉછીના માગી ફી ભરી દઉં. પણ પછી થયું કે રાજીબહેન પાસે હવે હાથ લંબાવવાનું યોગ્ય નથી. તેમણે ઘણી મદદ કરી છે. અર્પિતાનો બધો ખર્ચ ઉપાડી રહ્યા છે. હવે મદદ માગવામાં શરમ આવે એમ હતી. વર્ષાબેને અર્પિતાને ફોન કરી તેના ખબર અંતર પૂછ્યા ત્યારે હરેશભાઇ ઘાયલ થયા એ વાત તેનાથી છુપાવી. અર્પિતા કોલેજક્વીન સ્પર્ધામાં ભાગ લઇ રહી હોવાનું જાણ્યા પછી તેને અત્યારે ગામમાં બોલાવવાનું ઉચિત ના લાગ્યું. હરેશભાઇની પાસે પણ ફી માટે કહેવું કે નહીં તે નક્કી કરી શક્યા નહીં. એક તરફ ઘર ચલાવવાની ચિંતા હતી અને બીજી તરફ બાળકોની સ્કૂલ ફીની ચિંતા હતી.

બીજા દિવસે ઘરના થોડા કામ પતાવી બાળકોને સ્કૂલે રવાના કરી ઝટપટ ચાલતા વર્ષાબેન હેમંતભાઇના ઘરે પહોંચ્યા ત્યારે તે હાંફતા હતા. હેમંતભાઇનું ઘર ગામના સીમાડે જ હતું. વર્ષો પહેલાં ગામના છેવાડેની જમીન તેમના બાપદાદાએ મફતના ભાવે ખરીદી લીધી હતી. આ જગ્યાએ ખાસ વસ્તી ન હતી. પણ ખેતી માટે જમીન અનુકૂળ હતી. તેનો વિકાસ કરીને હેમંતભાઇ ઘણું કમાયા હતા. મોટા બંગલા જેવું ઘર બનાવ્યું હતું અને કાર વસાવી લીધી. તેમના જીવનમાં પૈસાનું સુખ હતું પણ પત્નીનું ન હતું. બે વર્ષ પહેલાં પત્ની કેસરને કોઇ વિચિત્ર બીમારી થઇ અને વધુ સારવાર મળે એ પહેલાં તો પરલોક સિધાવી ગઇ. કોઇ સંતાન ન હતું. હેમંતભાઇ એકલા જ હતા. ધીમે ધીમે વેપારમાં વ્યસ્ત થતા ગયા અને જીવન થાળે પડતું ગયું. બીજા લગ્ન માટે તે વિચારી રહ્યા હતા. પણ ગમે એવું પાત્ર મળ્યું ન હતું. વર્ષાબેન હેમંતભાઇના અંગત જીવન વિશે વિચારતા ત્યારે તેમની દયા આવતી. આજે તે હેમંતભાઇના ઘરે પહોંચ્યા ત્યારે તે દેખાયા નહીં. વર્ષાબેન શ્વાસ લેતાં સાડીના પાલવથી હવા ખાતાં ઓટલા પર બેઠાં ત્યાં જ હેમંતભાઇ આવી પહોંચ્યા.

"અરે વર્ષા! બહાર કેમ બેઠી છે. અંદર પંખામાં આવીને બેસ." વર્ષાબેનને હેમંતભાઇએ આવકાર આપ્યો.

"ના... હવે તમારા મજૂરો આવે એટલે સાથે નીકળું છું." થાકેલી અને ચિંતાગ્રસ્ત વર્ષાબેનના સ્વરમાં પણ થાક વર્તાતો હતો. તે હેમંતભાઇની નજર બહાર ના રહ્યું.

"મજૂરો તો તારી થોડીવાર રાહ જોઇ ખેતરે જવા નીકળી ગયા. તું બેસ હું તૈયાર થઇ આવું. આપણે કારમાં જઇએ. મારે એ બાજુ કામ છે તો તને ઉતારતો જાઉં....તું અંદર બેસ." કહી હેમંતભાઇ અંદર ગયા.

વર્ષાબેનને તાપ લાગતો હતો એટલે તે અંદર પંખા નીચે જઇને બેઠાં.

હેમંતભાઇ કપડાં બદલી આવ્યા. "વર્ષા, ચા પીશ ને?"

"ના મારે તો નથી પીવી..."

"આજે કામવાળો માણસ આવ્યો નથી. મને એમ કે તારી સાથે મને પણ પીવા મળશે." હેમંતભાઇ નિરાશ થઇ બોલ્યા.

"એમ કહોને! હું બનાવી દઉં છું..." કહી વર્ષાબેન તરત જ ઊભા થયા. હેમંતભાઇએ તેમને રસોડું બતાવી બધી વસ્તુઓ શોધી આપી.

વર્ષાબેનની ચા પીને હેમંતભાઇ બોલ્યા:"મજા આવી ગઇ ચા પીવાની. પેલો કામવાળો તો આવી બનાવી શકતો નથી. આજે મને ઘણા સમય પછી કેસર યાદ આવી ગઇ. અદ્દલ એના જેવી જ ચા બનાવી છે..." હેમંતભાઇએ વર્ષાબેનના વખાણ કર્યા.

વર્ષાબેનના ચહેરા પર હજુ ચિંતાની રેખાઓ ખેંચાયેલી હતી. એ જોઇ હેમંતભાઇ બોલ્યા:"વર્ષા, તું ચિંતામાં લાગે છે... કોઇ તકલીફ છે?"

"ના, આમ તો કંઇ નથી. આ છોકરાંની ફી ભરવાની છે..." વર્ષાબેનથી કારણ અપાઇ ગયું.

"બોલ કેટલા ભરવાના છે? હું હમણાં આપી દઉં છું. પછી અનાજમાંથી વાળી લઇશ." હેમંતભાઇએ એવી રીતે કહ્યું કે વર્ષાબેન ના પાડી શક્યા નહીં. તે કોઇનું અહેસાન લેવા માગતા ન હતા. હેમંતભાઇએ પાછા લેવાની વાત કરી એટલે વર્ષાબેને ફીની રકમ કહી દીધી.

હેમંતભાઇએ તરત જ ફી ઉપરાંત થોડી વધુ રકમ આપી હિસાબની ડાયરીમાં લખી લીધું અને વર્ષાબેનની સહી કરાવી લીધી. ફીની ચિંતા ટળી એટલે વર્ષાબેનનો ચહેરો ખીલી ઉઠ્યો. ત્યારે હેમંતભાઇના દિલમાં પણ એક અજબ ખુશીની લહેર ફરી વળી.

હેમંતભાઇ વર્ષાબેનને તેમના ખેતર પર છોડી ગયા.

મજૂરોએ આખો દિવસ તેમના ખેતરમાં કામ કર્યું. વર્ષાબેનને થયું કે હેમંતભાઇની મદદથી તેમનો પાક નિષ્ફળ જતો અટકી જશે.

બે દિવસમાં તો વર્ષાબેનને હેમંતભાઇ દેવતા જેવા લાગવા લાગ્યા. તેમનો સરળ અને સાલસ સ્વભાવ ગમી ગયો. વર્ષાબેન તેમના માટે નાસ્તો બનાવીને લઇ જવા લાગ્યા. હેમંતભાઇના દિલની ખુશીની માત્રા વધી રહી હતી.

ત્રીજા દિવસે મજૂરો આવ્યા ન હતા. વર્ષાબેનને પાછા ઘરે જવું પડ્યું. તેમણે ઘરે પહોંચીને કેટલાક કામ પતાવવાનું શરૂ કર્યું.

બપોરે અચાનક હેમંતભાઇની કાર આંગણે આવીને ઊભી રહી. વર્ષાબેનને થયું કે હરેશભાઇની ખબર જોવા આવ્યા હશે. પણ હેમંતભાઇને પોતાના ઘરના ઓટલા પાસે આવીને ઊભેલા જોઇ તે બહાર આવી. અને કંઇ પૂછે એ પહેલાં જ તેમણે દુ:ખી સ્વરે કહ્યું:"વર્ષા, ખરાબ સમાચાર છે. તમારા ખેતરમાં આગ લાગી ગઇ. જલદી ચાલ..."

"હું હરેશભાઇને કહીને આવું...." વર્ષાબેનને હરેશભાઇની ચિંતા થઇ.

હેમંતભાઇએ કહ્યું:"હરેશને હમણાં કંઇ કહેવું નથી. તેને આઘાત લાગશે."

વર્ષાબેનને એ વાત યોગ્ય લાગી. તે બાળકોને સમજાવીને શાંતિથી રમવાનું કહી ઊંચા જીવે હેમંતભાઇની કારમાં બેસી ગયા.

રસ્તામાં હેમંતભાઇએ તેમને આગ બાબતે કહ્યું...તે ઘરે જમીને બેઠા હતા ત્યારે દૂર ધૂમાડો દેખાયો. નજીક જઇને જોયું તો તમારું ખેતર હતું. કોઇ હતું નહીં. આજે મજૂરો આવ્યા ન હતા અને બપોરનો સમય હોવાથી ત્યાં કોઇ ન હતું. મેં આસપાસમાંથી બે ત્રણ ખેડૂત મિત્રોને બોલાવીને હતું એટલું પાણી છંટાવ્યું. આગ આગળ વધતા અટકી ગઇ. પણ...

બંને ખેતર પર પહોંચ્યા ત્યારે આખું ખેતર આગમાં સ્વાહા થઇ ગયું હતું.

વર્ષાબેન ઉપર તો આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ હતી. જે ખેતરના પાક ઉપર આખું વર્ષ કાઢવાનું હતું એ આધાર પણ છીનવાઇ ગયો. એક પછી એક ફટકાથી તે ચિત્તભ્રમની સ્થિતિમાં પોક મૂકીને રડવા લાગ્યા. બાળકોને ભણાવવાની ચિંતા, હરેશભાઇની દયાજનક સ્થિતિ અને હવે આ અણધારી આગ પછી ખેતર પણ નકામું બની ગયું.

હેમંતભાઇએ તેમના માથે હાથ મૂકી શાંત થવા વિનંતી કરી."વર્ષા, આમ ભાંગી પડવાથી કામ નહીં ચાલે. જે થવાનું હતું એ થઇ ગયું. તું ચિંતા ના કરીશ. હું છું ને? કોઇ વ્યવસ્થા કરીશ. તું હમણાં મારા ઘરે ચાલ. આપણે આગળનું વિચારીએ...."

વર્ષાબેનને હેમંતભાઇના આશ્વાસનથી થોડી રાહત જેવું લાગ્યું. હવે હેમંતભાઇ સિવાય કોઇનો આશરો પણ ક્યાં હતો? હરેશભાઇ તો ખુદ તેમના આશરે હતા. વર્ષાબેન માનસિક રીતે છિન્નભિન્ન થઇ ગયા હતા. મગજ કામ કરતું ન હતું. ભવિષ્યની ચિંતા કોરી ખાઇ રહી હતી.

વર્ષાબેન હેમંતભાઇની સાથે તેમના ઘરે ગયા. પોતાના રૂમમાં વર્ષાબેનને આરામ કરવાનું કહી હેમંતભાઇ પાણી લઇ આવ્યા. વર્ષાબેન પાણી પીને અચાનક હેમંતભાઇને વળગીને રડવા લાગ્યા. "હવે હું શું કરીશ એ જ સમજાતું નથી. ખેતરનો પાક નથી થવાનો એટલે કોઇ ઉધાર ઉછીનું આપશે નહી. ભગવાન મારી આટલી આકરી પરીક્ષા કેમ લઇ રહ્યો છે? મારે કૂવો પૂરવાનો વખત આવશે કે શું?"

વર્ષાબેન માનસિક રીતે પડી ભાંગ્યા હતા.

હેમંતભાઇએ તેની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું:"આમ ભાંગી ના પડ. તું જરા પણ ચિંતા ના કરીશ. મેં તને કહ્યું ને કે હું બેઠો છું ત્યાં સુધી તને દુ:ખનો અનુભવ થવા નહીં દઉં... બસ સુખ જ સુખ આપીશ..."

હેમંતભાઇનો હાથ પીઠ પસવાર્યા પછી ધીમે ધીમે તેમની કમનીય કમર ફરતે ક્યારે સાપની જેમ વીંટળાઇ વળ્યો એની ખબર જ ના રહી. વર્ષાબેન પણ જાણેઅજાણે વૃક્ષને વેલ વીંટળાઇ જાય એમ વળગી રહ્યા. હેમંતભાઇએ વર્ષાબેન સાથેની ભીંસ વધારી અને તેના ગળે મળીને ચુંબન કર્યું. વર્ષાબેનનો પાલવ છાતી પરથી હઠી ગયો. ચોળીના બટન ખુલવા લાગ્યા. ખુલ્લા શરીર પર ફરતો હેમંતભાઇનો હાથ વર્ષાબેનને શાતા આપી રહ્યો હતો. હેમંતભાઇએ માનસિક રીતે પડી ભાંગેલા વર્ષાબેનને હળવેથી પલંગ પર સુવડાવી દીધા અને કાચી સેકન્ડમાં દરવાજો બંધ કરી તેની સાથે સૂઇ ગયા. વર્ષાબેને એક અજબ માનસિક અવસ્થામાં શરીરને ઢીલું મૂકી દીધું. હેમંતભાઇની વાતો અને અંગો પર થતો પૌરુષેય સ્પર્શ વર્ષાબેનને એક જુદા જ પ્રદેશની સફરે લઇ જઇ રહ્યા હતા. હેમંતભાઇ એક કામી પુરુષની ભૂમિકામાં આવી ગયા હતા. વર્ષાબેનને એક અલગ અનુભૂતિ થઇ રહી હતી. તે આંખો મીંચીને સ્વર્ગીય આનંદ માણી રહ્યા હતા. બધી જ ચિંતાઓ કપૂરની જેમ ક્ષણવારમાં ઊડી ગઇ હતી. શરીરમાં છેક ઊંડે સુધી એક સુખની અનુભૂતિને વર્ષાબેન માણી રહ્યા હતા. હેમંતભાઇને કેસર સાથેની પહેલી રાત યાદ આવી ગઇ. કેસરની જેમ વર્ષાબેને પોતાની જાત સોંપી દીધી હતી. બંને એકબીજામાં ઓતપ્રોત થઇ ગયા હતા.

એક કલાક પછી વર્ષાબેન જાણે ભાનમાં આવ્યા હોય એમ બેઠા થયા. બાજુમાં હેમંતભાઇ તેમને જોતાં મીઠું મીઠું હસી રહ્યા હતા:"બોલ, મજા આવીને? હવે કોઇ ચિંતા નથી ને?" પછી ગાદલા નીચેથી રૂપિયાની થોકડી કાઢી તેને આપતા કહ્યું:"આ રાખી લે. જરૂર પડે ત્યારે બીજા લઇ જજે. રાણીની જેમ રહેજે.."

વર્ષાબેને કંઇક વિચારીને રૂપિયા લઇ લીધા અને શરમથી લાલ થઇ ઝટપટ કપડાં પહેરી લીધા. વર્ષાબેનને થયું કે તે એક નવી જ દુનિયાની સફર કરીને આવ્યા છે. તેમના અંગેઅંગમાં ખુશી હતી. મન સંતોષથી પરિતૃપ્ત થઇ ગયું હતું. મન અને માથા પરનો બધો ભાર ઉતરી ગયો હતો.

વર્ષાબેન કંઇ બોલ્યા વગર ઊઠીને દોડતા પોતાના ઘરે આવી ગયા. બંને બાળકો નિર્દોષ રીતે રમકડાં રમતા હતા. વર્ષાબેનને થયું કે તે હેમંતભાઇના હાથનું રમકડું તો બની ગઇ નથી ને?

વર્ષાબેનના ગયા પછી હેમંતભાઇએ મોબાઇલ હાથમાં લીધો અને કોઇને પોતાના ઘરે આવી જવાનું કહ્યું. પછી નોટોની બે થોકડી બનાવી જુદા જુદા કવરમાં મૂકી તેની રાહ જોવા લાગ્યા.

***

રચનાની તબિયત સારી ન હતી એટલે અર્પિતા એકલી જ કોલેજ આવી હતી. તે જતી હતી ત્યારે મીનાએ તેને બોલાવી હતી. અને બાજુમાં લઇ જઇ જ્યારે "મને એ કહે કે અમારો ધંધો બંધ કરવા પોલીસને તેં જ જાણ કરી હતી ને?" એવો સીધો સવાલ કર્યો ત્યારે અર્પિતા ચોંકી ગઇ હતી. લોહીનો વેપાર કરતી અર્પિતાની સ્થિતિ ત્યારે કાપો તો લોહી ના નીકળે એવી થઇ ગઇ હતી.

મીનાએ તેને પહેલા જ સવાલથી ભીંસમાં લીધી હતી. અર્પિતા ક્ષણભર મીના સામે જોઇ રહી પછી સ્વસ્થ થતાં બોલી:"પોલીસની કઇ વાત તું પૂછે છે? મને ખબર નથી."

અર્પિતાના જવાબથી મીનાને થયું કે તેને પોલીસની રેડ અંગે ખબર લાગતી નથી.

"તને ખબર નથી? પેલા રેસ્ટહાઉસવાળા અમારા ધંધાના સ્થળ પર પોલીસની રેડ પડી હતી તે?"

"ના..." અર્પિતા હજુ અજાણી જ બની રહી હતી.

"તો પછી નક્કી અમારી ગેંગની જ કોઇ છોકરીનું કામ છે. મને એમ કે તું તે દિવસે અમને બીજો ધંધો કરવા સલાહ આપવા આવી હતી એટલે તેં જ કંઇક કર્યું હશે. એની વે, પણ જે થયું એ સારું જ થયું છે...હું આ બાબતે તારી સાથે વાત કરવા તને એકલી શોધતી હતી. આજે રચના નથી આવી એટલે સારું થયું."

અર્પિતાને મીનાની વાતથી નવાઇ લાગી. તેણે મીનાને આગળ બોલવા દીધી.

"અર્પિતા, આ રેડ પડી ત્યારથી અમારો ધંધો બંધ છે. રાજીબહેને અમને એક અઠવાડિયાની રજા આપી દીધી છે. અત્યારે અમને લાગે છે કે અમે હવે વેશ્યાનું નહીં પણ વિદ્યાર્થીનીનું જીવન જીવી રહી છે. માનસિક અને શારીરિક શાંતિનો અનુભવ કરી રહી છે. હવે લાગે છે કે આ દુનિયામાંથી બહાર નીકળવું જોઇએ. તું કહે તો અમે તને કોઇ પણ વાતે સાથ આપવા તૈયાર છે."

અર્પિતાને થયું કે રાજીબહેનની આ ચાલ પણ હોય શકે. મીનાને કહીને મારા પોતાના વિરુધ્ધના વિચારો જાણવા પ્રયત્ન કરી રહી હોય. તે વિચારીને બોલી:"પણ હું એમાં શું કરી શકું?"

"જો તું પ્રિંસિપલની નજીક છે. અને આ ધંધાથી તું નારાજ છે એ મને પહેલી મુલાકાત વખતે જ સમજાઇ ગયું હતું. એ વખતે હું પૈસા પાછળ આંધળી બની હતી. પણ પૈસો સર્વસ્વ નથી. આ શરીર અને મન સર્વસ્વ છે એ સમજાવા લાગ્યું છે. શરીર અને મન ચૂંથાય છે પછી ગમતું નથી. અમને છૂટકારો અપાવવા તું કોઇ પ્રયત્ન કરે એવી અમારી લાગણી છે. હું બધી છોકરીઓ તરફથી ખાતરી આપું છું કે તું જે નિર્ણય લઇશ એમાં અમારો સાથ હશે."

મીનાએ તેને પ્રિંસિપલ પાસે વારંવાર જતા જોઇ હતી એટલે તેમની મદદથી રાજીબહેનનો આ ધંધો બંધ કરાવવાનો વિચાર જાણી અર્પિતાને મનોમન હસવું આવ્યું. મીના જાણતી નથી કે પ્રિંસિપલ રાજીબહેનને સાથ આપી રહ્યા છે.

"હું વિચાર કરીશ. તું કોલેજક્વીન સ્પર્ધા પછીના કોઇ દિવસે મને મળજે. આપણે ચર્ચા કરીશું. હમણાં હું બહુ બીઝી છું." કહી પોતાના પત્તા મીના સામે ખોલ્યા વગર અર્પિતા કોલેજમાં જતી રહી હતી.

અર્પિતા એ વાતથી ખુશ હતી કે હવે મીના અને તેની સહેલીઓ તેને સાથ આપવા તૈયાર છે. પણ અત્યારે કોલેજક્વીન સ્પર્ધા માટે રમેલી ચાલ સફળ કરવાની જરૂર હતી.

***

હેમંતભાઇએ કોને ફોન કર્યો? અને કયા કામના રૂપિયા આપવાના હતા? મીના અને તેની સહેલીઓને રાજીબહેનની ચુંગાલમાંથી છોડાવવા અર્પિતા કઇ ચાલ ચાલશે? અર્પિતાએ રચનાને પિલ્સ આપી ગ્રાહક પાસે કેમ મોકલી હતી? એ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.