Tamaru chali javu books and stories free download online pdf in Gujarati

તમારું ચાલી જવું

જેને ઋતુઓ ની રાણી કહી શકાય તેવી વર્ષાઋતુ કે જેના આગમન ની કાગડોળે પશુઓ તથા માનવી રાહ જોતા હોય છે, અને જેના આગમન થી સૌને શાતા મળે છે તથા ચારેકોર હરિયાળી છવાઈ જાય છે, તેવી સૌની પ્રિય વર્ષાઋતુ ને હું ચાહું તો પણ પસંદ નથી કરી શકતો, કારણ કે આ જ ઋતુ માં  મેં મારું સર્વસ્વ કહી શકાય તેવા મારા દાદાજી શ્રી વિષ્ણુંદાસ તોલારામાણી ને ગુમાવ્યા હતા.

                       તા.૧૨ જુલાઈ ૨૦૧૦ નો દિવસ જયારે શરૂ થયો ત્યારે તો રોજ ની જેમ જ સામન્ય દિવસ હતો, એ દિવસો માં મારા દાદાજી ને શ્વાસ ની તકલીફ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સવારે ૧૦ વાગ્યા ની આસપાસ દાદાજી ની તબીયત થોડી બગડી પરંતુ સારવાર આપતા બપોર પછી તબિયત માં થોડો સુધારો જોવા મળ્યો. હું આખો દિવસ હોસ્પિટલમાં દાદાજી ની પાસે જ હતો, સાંજે લગભગ ૮ વાગ્યા ની આસપાસ ઘરે જઈ ને જમવાનું લઈ આવાનું હતું, દાદાજી એ મને પાસે બોલાવી ને કહ્યુ કે, બેટા,તું ઘરે જા..ઘરે જમી અને અમારા બધા મારે જમવાનું લેતો આવ...મારી દાદાજી પાસે થી ખસવા ની સહેજ પણ ઈચ્છા નહોતી પરંતુ ,મારી ઈચ્છા થી પણ ઉપર દાદાજી ની આજ્ઞા હતી. જેને માનવી જ રહી, જેમ હું ઘરે ગયો અને એ પાછળ જ દાદાજી પોતાની અનંત ની યાત્રા ઉપર હંમેશ ને માટે ચાલી નીકળ્યા....દાદાજી સરકારી શાળા માં શિક્ષક હતા, હું જયારે 3-4 વર્ષ નો હતો તે વખતે જ્યારે તેમનો શાળા એ જવાનો સમય થાય ત્યારે હું સાથે જવા જીદ કરું કે રડું એવું ના થાય માટે તેઓ એક યુક્તિ કરતા મારી માતા ને કહેતા જાવ અને તેને બહાર ફેરવી લાવો..હું જયારે બહાર ફરવા જતો એ પાછળ દાદાજી શાળા એ જવા માટે નીકળી જતા, મને ખબર નહોતી કે દાદાજી આટલા વર્ષો પછી પણ આ જ યુક્તિ નો પ્રયોગ કરી અનંત ની યાત્રા પર પ્રયાણ કરશે....

મને ખબર નહોતી કે ઘરે જતી વખતે મેં એમને જે નિહાળ્યા અને એમણે મારી ઉપર જે અભિજ્ઞ દ્રષ્ટિ કરી... અમારી જે વાતચીત થઈ તે આ જીવન ની મારી એમના સાથે ની છેલ્લી વાતચીત હશે..!
                 
                 જે દિવસ ની સવાર આટલી સામાન્ય હતી,તે જ દિવસ ની રાત મારા માટે તથા મારા આખા કુટુંબ માટે આફત બની ને આવશે તેની કલ્પના પણ નહોતી. તે વરસાદ ની રાતે મેં કાંઈ એવુ ગુમાવી દીધું હતું જેની ભરપાઈ આ જીવન માં થવી અશક્ય છે. તે સમયે રડાય પણ કઈ રીતે કારણ કે છાના રાખવા માટે જે હાથ કાયમ માથે ફરતો તે હવે સદાય માટે હટી ગયો હતો. 
                 
                દાદાજી ને છેલ્લા છ મહિના શ્વાસ લેવા માં થોડી તકલીફ થતી હતી, ઘરે જયારે દાદાજી ને શ્વાસ ચડતો ત્યારે તેઓ વારંવાર એક જ વાત કહેતા કે, "જેકી નું ભણતર પૂરું કરાવજો, તેને ડોક્ટર બનાવજો" ( તે સમયે હું બી.એચ.એમ.એસ ના ત્રીજા વર્ષ માં હતો ) હવે વાચકો ને ખ્યાલ હશે કે માણસ ને શ્વાસ ચડતો હોય તે જ સમયે બોલ-બોલ કરવા માં આવે તો શું થાય..? શ્વાસ વધી જાય. તેઓ પણ તે વાત ને સારી રીતે જાણતા હતા, છતાં તેઓ ને એવું હતું કે રખે ને આ શ્વાસ ચડે છે ને તે સમયે કઇ થઈ જાય ને આનું ભણતર અધૂરું ના રહી જાય, તે માટે થઈ ને ઘર ના સભ્યો ને આ વાત ખાસ કહેતા. જયારે માણસ નો શ્વાસ રૂંધાતો હોય, એક એક શ્વાસ માટે તમારે મહેનત કરવી પડતી હોય તે ક્ષણે પોતાનો જીવ નો વિચાર કરવા ને બદલે અન્ય નું કલ્યાણ કરી જવાની ભાવના તો કોઈ મહાપુરુષ જ કરી શકે.
       
                  
                      ઈશ્વર ના અનુગ્રહ થી જ આવા વીરલ પુરુષ, નિઃસ્વાર્થ પ્રેમ ના ઝરણાં સમાન મહામાનવ નું સાનિધ્ય આ જીવન માં પ્રાપ્ત થયું.તેમની સાથે વિતાવેલ,ભલે ટૂંકો પણ ખૂબ જ ભવ્ય સમયગાળો એ મારા જીવન નો અમૂલ્ય વારસો બની રહેશે.હું આજે મારા જીવન માં જે કાંઈ પણ મેળવી શક્યો છું,તેના માટે હું મારી લાયકાત થી વધુ મારા દાદાજી ના આશીર્વાદ અને તેમની કૃપા ને જ જવાબદાર ઠેરવું છું.


તમારું ચાલી જવું 
જીતવું શક્ય નથી,જીરવવું બને તો બને....