Aakaro Nirnay - 2 books and stories free download online pdf in Gujarati

આકરો નિર્ણય - 2

"આકરો નિર્ણય"

ભાગ: 2

(મિત્રો, મારી પ્રથમ વાર્તાના પ્રથમ ભાગને આપ સૌએ પસંદ કર્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે આ વાર્તાનો બીજો ભાગ આપ સૌ વાંચકો સમક્ષ રજુ કરું છું. આશા છે કે આપને પસંદ આવશે. આપના પ્રતિભાવ અવશ્ય જણાવશો).

(આપ સૌએ જોયું કે કેવી રીતે ખ્યાતનામ કમ્પનીનાં એમ.ડી.ધનંજય શેઠે માત્ર પોતાનાં અભિમાન ખાતર અને કપટી, દગાખોર, ચમચા જેવાં લોકોની વાતોમાં ભેળવાઇ જઈને ઠંડા કલેજે પોતાનો ભુજ સ્થિત પ્લાન્ટ નાની અમથી મુશ્કેલીઓને લીધે બંધ કરવાનો નિર્ણય લીધો).

ધનંજય શેઠની સુચના મુજબ, જૂન મહિનાની દસમી તારીખે ભુજ પ્લાન્ટ કાયમ માટે બંધ કરવાનો હતો. આજે એ દસમી તારીખ આવી પહોંચી, જે દિવસે બસ્સો-અઢીસો મજુરોનાં ઘરનાં ચુલા ઓલવાઇ જશે, કેટલાંય બાળકોનાં શિક્ષણ અને કુટુંબનાં ભરણ પોષણનો પ્રશ્ન ઉભો થશે.

આજે દસમી તારીખે સવારે દસ વાગ્યે મુંબઈ સ્થિત કમ્પનીનાં કોર્પોરેટ ઓફિસના કોન્ફરન્સ રુમમાં ભુજ પ્લાન્ટ વિશે ચર્ચા કરવા સૌ ભેગા થયાં છે, જેમાં જે તે વિભાગનાં હેડ, કમ્પનીનાં માલિક જયંત શેઠ, એમ.ડી. ધનંજય શેઠ, એમનાં નાનાં ભાઈ વિશાલ શેઠ કોન્ફરન્સ રુમમાં દાખલ થયાં.

"ગુડ મોર્નિંગ ટુ એવરીવન, આજે હું આપ સૌને એક સરપ્રાઈઝ જણાવવા જઇ રહ્યો છું. આજે હું એ એલાન કરવા જઇ રહ્યો છું કે આપણે ચેન્નઈમાં આપણો નવો પ્લાન્ટ શરું કરવાનાં છીએ, જે આપણાં અન્ય ત્રણેય પ્લાન્ટ કરતાં વધારે પ્રોડક્શન ક્ષમતા ધરાવતો બનશે. અને આ પ્લાન્ટની ખરીદી, નામ ટ્રાન્સફર વગેરે કામ પુર્ણ થવાનાં આરે છે." ધનંજય શેઠએ મીટીંગની શરુઆતમાં જ આવી ઘોષણા કરીને સૌને અચંભિત કરી નાખ્યાં.

"ઇસ ઇટ ગુડ ફોર અસ, સર ? આઈ મીન સર પ્રોડક્શનની દૃષ્ટિએ તો ઠીક પણ આપે ચેન્નાઇ જ કેમ પસંદ કર્યું? કારણ કે આપણી પ્રોડક્ટની વધારે પડતી ડીમાન્ડ તો ગુજરાત, રાજસ્થાન, એમ.પી., મહારાષ્ટ્ર, હરિયાણા જેવાં રાજ્યોમાં છે, અને ચેન્નઈમાં આપણું કસ્ટમર માર્કેટ નહિવત છે". ટેક્નિકલ વિભાગનાં હેડ મી.મહેશ્વરી ધનંજય શેઠની સમક્ષ આટલું તો માંડ માંડ બોલી શક્યાં.

"સી, મહેશ્વરી આપ હવે આંતર રાષ્ટ્રીય સ્તરની વાતો કરો. આ રાજ્યની વાત રહેવા દો, આ બધી વાત બેબૂનીયાદ છે. ચેન્નઈમાં માર્કેટ કવર કરો, ત્યાં આપણી માર્કેટિંગ ટીમને કામે લગાડો. જે ક્યારેય નથી બન્યું એ ક્યારેય નહીં બને? આવા વિચારો મને જરા પણ પસંદ નથી. હર હંમેશ કાંઇક નવી અને ઝનૂનવાળી વાત કરો". ધનંજય શેઠે એક શ્વાસે આટલું કહી નાખ્યું.

"સર, આ બધું તો બરાબર છે પણ આપણો ભુજ પ્લાન્ટ બંધ થવાથી આપણી વિરોધી કમ્પનીઓએ માર્કેટમાં એવી અફવા ઉડાવી છે કે આપણું મેનેજમેન્ટ હાલ પ્લાન્ટ ચલાવવા માટે સક્ષમ નથી. એવામાં આપણે આપણાં ત્રણેય ચાલું પ્લાન્ટમાં જ યોગ્ય ધ્યાન આપીએ તો માર્કેટમાં ખોટી અફવા ફેલાતી અટકે અને વળી મી.મહેશ્વરીએ કહ્યું એ રીતે ચેન્નઈની માર્કેટ આપણાં માટે એકદમ નવી જ છે. તેનાં માટે રો-મટીરીયલ, મેન પાવર, મશીનરી વગેરેની વ્યવસ્થા પણ થોડી કઠીન રહેશે". વર્ષોથી માર્કેટિંગનાં હેડ અને અનુભવી એવાં મી.પરીખે આટલી વાત રજુ કરી.

હવે સૌ ધનંજય શેઠના જવાબની રાહ જોઇ રહ્યાં હતા.

"જુઓ મી.પરીખ, આપ ખરેખર મને ઓળખી જ નથી શક્યાં. અરે સાહેબ આપણાં ભુજ પ્લાન્ટની મશીનરી જ આપણે ચેન્નાઈ શિફ્ટ કરવાની છે. અને હાં, રહી વાત મેનપાવરની તો એચ.આર.વિભાગનાં મી.શ્રીમાળીને મેં સુચના આપેલી હતી તે મુજબ ભુજ પ્લાન્ટનાં મારા વિશ્વાસુ એવાં રવિ આહીર, જીતેન્દ્ર, મોહિત, રમેશ પટેલ વગેરે જેવાં વિશ્વાસુ લોકોને આપણે આપણા ચેન્નઈ પ્લાન્ટમાં ઉચ્ચ પગાર અને સારી પોસ્ટ પર ગોઠવણ કરવાની છે". ધનંજય શેઠ જાણે કોઈ રમત રમતા હોય એ રીતે એક પછી એક પાસાં ફેંકવા લાગ્યાં.

"ધનંજય, ભુજ પ્લાન્ટમાં આપણે જે ભુલ કરી હતી તે ભુલ ચેન્નઈ પ્લાન્ટમાં ન થાય તે માટે હું મી.બક્ષીને પુણે પ્લાન્ટમાંથી થોડાં સમય માટે ચેન્નઈ પ્લાન્ટનાં હેડ તરીકે ચાર્જ આપવાની સલાહ આપું છું". જયંત શેઠ આટલું બોલ્યાં.

"પ્લાન્ટ અને પ્રોડક્શનની તમામ જવાબદારી ભુજ પ્લાન્ટના હેડ મી.શર્મા જ સંભાળશે. અને હું મારી વાત પર મક્કમ છું. મેં આપ સૌને ચેન્નઈ પ્લાન્ટની રૂપરેખા બતાવવા માટે જ બોલાવ્યા છે. અને હાં, કોઇ પણ સંજોગમાં ભુજ પ્લાન્ટમાં બનેલી બાબતો ચેન્નઈ પ્લાન્ટમાં ન બને તે માટેની જવાબદારી આપ સૌ વિભાગનાં હેડની છે. મીટીંગ ઇઝ ઓવર".ધનંજય શેઠ આટલું બોલીને પોતાની ચેમ્બર તરફ જતાં રહ્યાં.

મીટીંગ પુર્ણ થયાં બાદ જયંત શેઠ ધનંજય શેઠની ચેમ્બરમાં પહોંચ્યા.

"ધનંજય, આ ચેન્નઈ પ્લાન્ટની સરપ્રાઈઝ શું યોગ્ય ગણાશે ? કારણ કે આપણે માર્કેટમાંથી ઘણી રકમ લીધેલ છે અને ભુજ પ્લાન્ટના આમ અચાનક બંધ કરવાનાં નિર્ણયને લીધે આપણાં કરોડો રૂપિયા ફસાયા છે. એવામાં આપણે ચેન્નઈ પ્લાન્ટ વિશે ફરીથી વિચારવું જ રહયું".જયંત શેઠ આટલું બોલ્યાં.

"પિતાજી, મેં કહ્યું ને કે જીવનમાં ઝનૂન તો હોવું જ જોઈએ. હું દુનિયાને બતાવવા માંગુ છું કે એક નાનાં એવાં પ્લાન્ટના બંધ થવાથી ધનંજયની ઈચ્છાઓ કાંઇ રોકાવાની નથી. અને હાં, માર્કેટની ચિંતા આપ રહેવા દો, એનાં માટે મેં આખી એક ટીમ રાખેલ છે". ધનંજય શેઠ ઘમંડથી આટલું બોલ્યાં.

"અચ્છા, તો હવે મારી એક વાત માનો, ચેન્નઈ પ્લાન્ટ - પ્રોજેક્ટ સ્ટેજથી જયાં સુધી રનિંગ સ્ટેજમાં ન આવે ત્યાં સુધીની પ્લાન્ટ હેડની જવાબદારી મી.બક્ષીને સોંપવામાં આવે. બોલો છે મંજુર ?" જયંત શેઠ બોલ્યાં.

"મી.બક્ષી, એ હવે બુઢ્ઢા થઈ ગયા છે. એમને તમે પુણેનાં પ્લાન્ટ પુરતા જ રાખો તો સારું. અને હાં, હું તો એમને વહેલી તકે રિટાયર્ડ કરવાનું વિચારી રહ્યો છું.અને તમે મી.બક્ષીને મારાં ડ્રીમ પ્રોજેક્ટ ચેન્નઈની જવાબદારી આપવા માંગો છો? નાં, આ નહીં બને". ધનંજય શેઠે સાફ શબ્દોમાં જયંત શેઠને જણાવી નાખ્યું.

ચેન્નઈ પ્લાન્ટનો ધનંજય શેઠનો ડ્રીમ પ્રોજેક્ટ શરૂ થયો અને એ પણ ભુજ પ્લાન્ટમાં કામ કરી ચૂકેલ પ્લાન્ટ હેડ મી.શર્મા, રો-મટીરીયલ સ્ટોરનાં ઈનચાર્જ રવિ આહીર, જીતેન્દ્ર, મોહિત, રમેશ પટેલ વગેરે જેવા સ્ટાફ સાથે. આ એજ લોકો હતાં કે જે ધનંજય શેઠની હાં માં હાં મિલાવીને શેઠની ખુશામત કરતાં અને કમ્પનીનાં હિત વિરૂદ્ધનાં કામો કરતાં જેમાં ભુજ પ્લાન્ટમાં બનતાં ચોરીનાં બનાવો પણ શામિલ હતાં.

ક્રમશ:

લેખક : સાગર બી.ઓઝા