Monica - 5 books and stories free download online pdf in Gujarati

મોનિકા ૫

મોનિકા

મિતલ ઠક્કર

પ્રકરણ-૫

દુબઇમાં મળેલા રાજને અવિનાશના મગજને ચકરાવે ચઢાવી દીધું હતું. અવિનાશને પત્ની મોનિકા અને ભાઇ રેવાનના સંબંધ પર શંકા ઊભી થવા લાગી હતી. રાજને મોબાઇલમાં બતાવેલા દિયર-ભાભીના અશ્લીલ વિડિયોની અસરથી તેનું મગજ ના વિચારવાનું વિચારી રહ્યું હતું. આખા દિવસનો થાક અને વિચારોના તોફાનને કારણે તેની હાલત બગડી રહી હતી.

નશાની હાલતમાં ઘરે પહોંચીને તેને ક્યારે ઊંઘ આવી ગઇ એનો ખ્યાલ જ ના રહ્યો.

અવિનાશ વહેલી સવારે ઊઠ્યો ત્યારે તેનું માથું થોડું ભારે હતું. તેણે તરત જ મોનિકાને ફોન લગાવ્યો. અવિનાશનું હેલો સાંભળી મોનિકા ખુશ થઇ ગઇ. "હાય અવિનાશ! શું કરે છે! તારા વગર ગમતું નથી."

"તું શું કરે છે?" અવિનાશે તેના વિશે જાણવા પ્રશ્ન પૂછ્યો.

"કંઇ નહીં. હમણાં જ ઊઠી. હવે નીચે ચા બનાવવા જઇશ."

"પપ્પા અને રેવાન શું કરે છે?"

"પપ્પા તો...." મોનિકા બેડરૂમની બહાર નીકળીને તેમના દરવાજા તરફ નજર કરી બોલી:"હજુ ઊઠ્યા લાગતા નથી. અને રેવાન નીચે બેઠો કોલેજ જવાની તૈયારી કરે છે."

"રેવાન તને પરેશાન તો કરતો નથી ને! થોડો મજાકીયો છે...." અવિનાશે પૂછી લીધું.

"ના. જરા પણ નહીં. બહુ સંસ્કારી છોકરો છે. તમે આવશો એટલે એક વાત કરીશ. બીજો કોઇ યુવાન હોત તો...." કહી મોનિકા અટકી ગઇ.

"ના. હમણાં જ બોલ. શું વાત છે?" અવિનાશને તેની વાત સાંભળવાની તાલાવેલી થઇ આવી.

મોનિકા ફરી પોતાના બેડરૂમમાં આવી અને રાત્રે તે ટીવી જોતાં જોતાં સૂઇ ગઇ હતી ત્યારે તેને રેવાને કેવી રીતે જગાડી તેની વાત કરી કહ્યું:"બીજો કોઇ હોત તો મારા શરીરનો સ્પર્શ કરી ઊઠાડી હોત. ક્યાં તો ઊંચકીને બેડરૂમમાં સૂવાડી આવ્યો હોત. પણ મારા પર પાણી છાંટીને ઊઠાડી. થોડું વિચાર્યા પછી મને તેના માટે ખરેખર માન થયું. સંબંધની મર્યાદા તેણે સાચવી જાણી..."

અવિનાશને મોનિકાની વાત સાંભળ્યા પછી ગઇકાલ રાતની પોતાની પછાત વિચારસરણી માટે અફસોસ થયો. રાજનની વાતમાં આવી પોતે થોડી જ ક્ષણોમાં ભાઇ અને પત્ની વિશે ન જાણે શું શું ધારી લીધું હતું. દિયર-ભાભીના પવિત્ર સંબંધ માટે તે ખોટી અને હિન કલ્પના કરી બેઠો હતો.

"સારું સારું...." પછી અવિનાશથી બોલાઇ ગયું:"મોનિકા મને માફ કરજે!"

"અરે! તમારે શેની માફી માગવાની. તમે તમારી નોકરીના કામથી ગયા એમાં મને ના લઇ જઇ શક્યા. તમે આ ઘર માટે તો નોકરી કરો છો. ઘરનું હિત તમારા હૈયે છે. માફી તો મારે માગવાની કે હું તમારાથી રીસાઇ હતી. અને તમારી સાથે આવવાની પણ જીદ કરી હતી. તમારી પ્રગતિમાં આ ઘરની પ્રગતિ છે. હવે તો તમારે સુખે સુખી અને તમારા દુ:ખે દુ:ખી. પણ સાચું કહું? ઘણા દિવસો થયા! હવે જલદી આવો. તમારા વિના ગમતું નથી!"

"આ વિયોગ હજુ લંબાશે એમ લાગે છે....."

"કેમ? શું થયું?"

" તું જ બોલ, શું કરું? પેલો મેનેજરનો બચ્ચો બીજા દેશમાં નીકળી ગયો છે. કદાચ હજુ અહીં એક અઠવાડિયું લાગશે."

"પણ વીસ દિવસ થઇ ગયા છે. તમે તો પંદર દિવસનું કહેતા હતા. આજકાલ કરતાં દિવસો વધારતા જ જાવ છો." મોનિકાએ પહેલા તો નારાજગીથી કહ્યું. પણ પછી ટીખળના સ્વરમાં બોલી: "ત્યાં કોઇ દુબઇવાળી ગોરી મળી ગઇ તો નથી ને?!"

"તારા સામે અહીં કોઇ ઊભી રહે એવી નથી ડાર્લિંગ! હું બને એટલો જલદી આવવાનો પ્રયત્ન કરીશ." કહી અવિનાશે ફોન પૂરો કર્યો.

અવિનાશને પોતાની જાત પર જ ગુસ્સો આવ્યો. તેણે રાજનની વાતમાં આવી નશો કરીને કેવી હિન કલ્પના કરી હતી. છટ...તેને પોતાની જાત પર ફરી ધિક્કાર આવ્યો. પણ મોનિકા સાથે વાત થયા પછી હવે આધાર વિનાની એક શંકા મનમાંથી નીકળી ગઇ હતી એટલે મગજ શાંત થઇ ગયું હતું. મગજ હળવું થતાં તે તૈયાર થઇ ઓફિસ જવા નીકળ્યો. અને મેનેજર સાથે વાત કરી બને એટલું જલદી દેશ માટે નીકળવાનું વિચારવા લાગ્યો.

***

મોનિકાએ ચા પીતી વખતે અવિનાશના ફોનની વાત બળવંતભાઇ અને રેવાનને કરી. અને તેનું આવવાનું લંબાઇ ગયું હોવાનું કહ્યું ત્યારે બળવંતભાઇએ એટલું જ કહ્યું:"ચાલો જલદી કામ પતે અને આવી જાય તો સારું." અને તે પૂજાના રૂમમાં જતા રહ્યા.

પણ રેવાનને ભાઇ પર હવે ગુસ્સો આવ્યો. "ભાભી! આ તો ખોટું કહેવાય. પંદર દિવસનું કહી વીસ દિવસ કર્યા અને હજુ એક અઠવાડિયાનું કહે છે એ વધારે કહેવાય."

"શું થાય? એમની મજબૂરી છે. મેનેજરને અઠવાડિયા પછી મળવા માટે પાછા દુબઇ જવાનું શક્ય નથી. હવે આટલા દિવસ રોકાયા તો થોડું વધારે." મોનિકા મન મનાવી રહી હતી.

"ભાભી લાગે છે કે હવે તમે પણ આ પરિવારના સભ્ય બની ગયા. અમે વર્ષોથી આવું જ વિચારતા આવ્યા છે." રેવાનને ભાભીના વિચારો પ્રભાવિત કરી ગયા.

રેવાન હમણાંનો ભાભી સાથે બહુ વાત કરતો ન હતો. પરીક્ષા ચાલતી હતી એટલે તે વાંચવામાંથી ઊંચો આવતો ન હતો.

બે દિવસ પછી પરીક્ષા પતી ગઇ એટલે રેવાન હળવોફુલ થઇ ગયો. તેનું આ છેલ્લું વર્ષ હતું. તેણે ઘણી મહેનત કરી હતી. જો સારા ટકા આવે તો તેને કોલેજમાંથી જ પ્લેસમેન્ટ મળે એમ હતું. તેની કારકિર્દી માટે આ વર્ષ મહત્વનું છે એમ સમજીને જ તે વાંચતો હતો.

"ભાભી!" રેવાને કોલેજથી આવીને ખુશીથી બૂમ પાડી.

"હા આવી!" મોનિકા રેવાનની વાત સાંભળવા રસોડામાંથી બહાર આવી.

રેવાને હોલમાં આવીને મોનિકાના બંને હાથ પકડી લીધા. અને "પરીક્ષા પૂરી! મજા ભૈ મજા!" કહી તેને ગોળ ગોળ ફેરવવા લાગ્યો. મોનિકાએ પણ તેની સાથે ફુદરડી ફરવી પડી. નાના બાળકની જેમ તે ફુદરડી ફરી રહ્યો હતો. રેવાને તેને એટલી ગોળ ગોળ ફેરવી કે ચક્કર આવી ગયા. અને પડી જતી હતી ત્યાં રેવાને તેને પકડી લીધી. મોનિકાના નાજુક અંગો તેના શરીર સાથે ઘસાયા. મોનિકાને અસહજ લાગ્યું. રેવાને જાતને સંભાળી અને પછી મોનિકાને પડી જતી અટકાવી સોફામાં બેસાડી. પછી એ પણ હાંફતો સોફામાં બેસી ગયો. મોનિકા વધારે હાંફી રહી હતી. તેનો છાતીનો ભાગ ઝડપથી ઊંચો નીચો થઇ રહ્યો હતો. તેણે છાતી પર હાથ મૂકી દીધો. રેવાન તેને જોઇ જ રહ્યો હતો. તેની નજરમાં નિર્દોષતા હતી કે બીજું કંઇ એ શોધી રહી.

હાંફ ઓછી થયા પછી રેવાન ડરતાં ડરતાં બોલ્યો:"ભાભી સોરી! વધારે ફુદરડી ફરી લીધી. તમે ઓકે છોને?"

મોનિકાને થયું કે રેવાને જાણી જોઇને વધારે ચક્કર મરાવ્યા. જેથી તે સંતુલન ગુમાવે અને પોતાની સાથે અથડાઇ શકે. મોનિકાએ સપાટ અવાજમાં પૂછ્યું:"હું હવે ઓકે છું. પણ આવું નાના છોકરા જેવું ગાંડપણ કેમ સૂઝ્યું ?"

રેવાન ખુશીથી બોલ્યો:"શું કરું ભાભી? પરીક્ષા પૂરી થઇ એનો આનંદ વ્યક્ત કરવો હતો!"

"હા, પણ આમાં પડીએ અને કોઇને કંઇ વાગી જાય તો...." મોનિકાએ મીઠી વઢ આપી.

"ચાલો, દિલ અને દિમાગ સાથે બંને સલામત છીએ." કહીને રેવાન ફ્રેશ થવા પોતાના રૂમમાં જવા લાગ્યો.

સોફામાં ફસડાયેલી મોનિકા રેવાનને જતો જોઇ રહી. તેને થયું કે પોતાની કોલેજની પરીક્ષા પૂરી થઇ ત્યારે તેણે પણ ઘરે આવીને બહેન સાથે આવી જ ધીંગામસ્તી કરી હતી. આ ઉંમર જ એવી છે. ભણવાની ચિંતામાંથી મુક્ત થઇ ગયા એની ખુશી થાય એ સ્વાભાવિક છે. અને ઘરમાં તે આ રીતે બીજા કોની સાથે ખુશી વ્યક્ત કરી શકે?

મોનિકા ઘણી વખત રેવાનના વર્તન અને વાતચીત બાબતે શંકા-કુશંકાના ચક્રમાં અટવાઇ જતી હતી. ઘડિયાળના લોલકની જેમ તેના વિચારો સારી અને નરસી બાજુ ઝૂલતા રહેતા હતા. ક્યારેક રેવાનનું વર્તન સહજ લાગતું તો ક્યારેક તેની નિયત પર શંકા જતી. મોનિકાને સમજાતું ન હતું કે સાચું કયું માનવું.

મોનિકાએ આજે રેવાનની ભાવતી પૂરણપોળી અને કઢી બનાવ્યા હતા. રેવાન ખુશ હતો. બળવંતભાઇને પણ જમવામાં મજા આવી. થોડીવાર ટીવી પર સમાચાર જોઇ રેવાન સાથે દેશ-દુનિયાની વાતો કરી તે પોતાની રૂમમાં જતા રહ્યા.

"ભાભી આજે તમે મારા પર મહેરબાન લાગો છો!" જમીને ટીવી જોતી મોનિકાને રેવાન કહી રહ્યો હતો.

"કઇ બાબતે કહો છો દિયરજી?"

"મારી ભાવતી વાનગી બનાવીને મારી ખુશીમાં સામેલ થયા એટલે!"

"અરે! તમારી ખુશીમાં તો આજે મને ચક્કર આવી ગયા હતા!"

"ચાલો બહાર ખુલ્લી હવામાં ચક્કર મારી આવીએ. મન અને મગજ શાંત થઇ જશે."

"ના બાબા ના! આજે તો થાકી છું. ઊંઘ આવે છે." મોનિકા પોતાના બેડરૂમમાં જવા દાદર ચઢતા બોલી:"ગુડનાઇટ!"

"ગુડનાઇટ ભાભી! અને કંઇ કામકાજ હોય તો મને કહેજો. તમે દોડાદોડ ના કરતા. કંઇ તકલીફ હોય તો અડધી રાતે જગાડજો." રેવાન દાઢી પર હાથ ફેરવતાં બોલ્યો.

"હવે ઊંઘવાનું જ છે." કહી મોનિકા ભાગવા જ લાગી.

"કહો તો લોરી સંભળાવવા આવું!"

"તમારી લોરી મારી ઊંઘ ઉડાડી દેશે."

"તો તમે લોરી ગાવ. મને તો ઊંઘ આવી જશે."

મોનિકાને થયું કે રેવાનને જો હા પાડશે તો તેના ખોળામાં ઊંઘવા આવી શકે છે. એટલે બોલી:"ના હું તો ઊંઘવા ચાલી..."

મોનિકાએ બેડરૂમમાં જઇ દરવાજો બંધ કરી દીધો અને કપડાં બદલીને સૂઇ જ ગઇ.

મોનિકાને થાક એટલો લાગ્યો હતો કે બેડ પર પડતાની સાથે જ સૂઇ ગઇ.

મોનિકા ઘસઘસાટ ઊંઘી રહી હતી. અચાનક મોનિકાને ઊંઘમાં લાગ્યું કે તેની કમર અને છાતી પર કોઇનો હાથ ફરી રહ્યો છે. તે ગભરાઇને બેઠી થઇ ગઇ. તેણે અંધારામાં જોયું તો બાજુમાં બેસીને કોઇ દાઢીવાળો તેના શરીર પર હાથ ફેરવી રહ્યો હતો. તે હેબતાઇ ગઇ હતી. તેના મોંમાંથી ચીસ નીકળતી ન હતી. અચાનક તેના મોં પર પુરુષનો હાથ દબાયો. મોનિકાને થયું કે રેવાનની આ હિંમત? તે અડધી રાતે અંદર ઘૂસી આવ્યો? અને મારા શરીર સાથે અડપલાં કરી રહ્યો છે?

વધુ હવે પછી...