Satya Asatya - 17 in Gujarati Love Stories by Kajal Oza Vaidya books and stories PDF | સત્ય અસત્ય - પ્રકરણ - 17

સત્ય અસત્ય - પ્રકરણ - 17

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૭

સત્યજીતનાં લગ્ન ધામધૂમથી પૂરાં થઈ ગયાં. ડગલે ને પગલે એણે સોનાલીબેનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. રવીન્દ્રભાઈના અકાળ અવસાનનું બહાનું પણ આગળ ધર્યું, પણ સોનાલીબેન કશું સમજવા જ તૈયાર નહોતાં.

એમને માટે તો એકના એક દીકરાનું લગ્ન જીવનની સૌથી અગત્યની બાબત હતી.

સત્યજીતનાં લગ્નમાં મુંબઈ શહેરના લગભગ બધા જ વીઆઈપી અને ‘હુઝ હુ’ હાજર હતા...

ઠક્કર સાહેબે ઉજવણીમાં કોઈ કમી નહોતી રાખી. સંગીત સંધ્યા, મહેંદી, ડી.જે. નાઇટ, લગ્ન અને બંને ઘર તરફથી જુદું જુદું રિસેપ્શન... છ દિવસનો જલસો થયો.

ચારે તરફ માણસો-માણસોનાં ટોળાં, સોનાલીબેનનો ઉત્સાહ, ઠક્કર સાહેબની ઘેલછા પણ સત્યજીતના ચહેરા પર જાણે ઉદાસી થીજી ગઈ હતી. એ બધી જ પ્રવૃત્તિ કરતો રહ્યો. જેમ કહેવામાં આવ્યું તેમ કરતો રહ્યો. સોનાલીબેનનું મન રાખવા મહેંદીમાં ઊભો થઈને નાચ્યોય ખરો, પણ અમોલાના ગળામાં મંગળસૂત્ર પહેરાવતી વખતે એનો હાથ ધ્રૂજી ગયો. એક કાચી ક્ષણ માટે એને અમોલાની જગ્યાએ પ્રિયંકા દેખાઈ. મન કઠણ કરીને અમોલાની સેથીમાં સિંદુર ભરતી વખતે એણે જાતને કહી દીધું, “હવે આ જ મારી જિંદગીનું સત્ય છે. અગ્નિની સાક્ષીએ આની જવાબદારી લીધી છે મેં. એને સુખી ન કરી શકાય તો કંઈ નહીં, પણ એને દુઃખી તો નહીં જ કરું.”

એની જિંદગીનો એક નવો અધ્યાય શરૂ થઈ ગયો.

લગ્ન પછીની રાત્રે જેડબલ્યૂ મેરિયટમાં સ્યૂટ બુક કરાવાયો હતો. ફૂલોથી સજાવાયેલા સ્યૂટમાં સત્યજીત દાખલ થયો ત્યારે અમોલા ઘૂંટણથી વ્હેંત ઊંચી સ્પગેટી નાઇટી પહેરીને સોફા પર બેસીને સિગરેટ પીતી હતી. સત્યજીત એક ક્ષણ માટે અચકાયો. અમોલાએ હથેળી વાળીને એને અંદર આવવાનો ઇશારો કર્યો, “કમ ઇન બેબી... કોઈ દિવસ કોઈને સિગરેટ પીતા નથી જોયા કે શું ?”

“મારી પત્નીને સિગરેટ પીતી જોવી...”

“કમ ઓન... તારી જાતને રામ સાબિત કરવાનો પ્રયત્ન ન કર. હું સીતા નથી.” એણે એક પર બીજો ઘૂંટણ એવી રીતે ગોઠવ્યો કે ટૂંકી નાઇટી વધુ ટૂંકી થઈ જાય. સત્યજીત એની સામે જોતો રહ્યો. પાતળા પણ માંસલ પગ, માખણ જેવું શરીર અને મારકણી અદાથી એ એવી રીતે બેઠી હતી કે સાક્ષાત્‌ મેનકા દેખાતી હતી, “નજીક આવ. સિગરેટ પીવી કે ન પીવી એ વિશે દલીલો કરવા માટે આખી જિંદગી પડી છે.” એણે લિપસ્ટિક લગાડેલા એના હોઠ પર હળવેથી જીભ ફેરવી, “આજની રાત્રે તો બીજું જ કંઈક કરવાનું...”

સત્યજીત એની નજીક આવ્યો. એના હાથમાં સળગતી સિગરેટ લઈને સામે પડેલી એશ-ટ્રેમાં બુઝાવી નાખી. વાંકા વળીને સિગરેટ બુઝાવી રહેલા સત્યજીતને અમોલાએ ઘૂંટણમાં એવી રીતે પગ માર્યો કે સત્યજીત અમોલાના ખોળામાં પટકાયો. સત્યજીતના ગળામાં હાથ નાખી એણે એનો ચહેરો પોતાની નજીક ખેંચ્યો. સત્યજીત કશું સમજે તે પહેલાં એણે એક પ્રગાઢ ચુંબન કરી લીધું. અમોલાના મોંમાંથી આવતી સિગરેટની તીવ્ર દુર્ગંધ સત્યજીતના મગજ સુધી ધસી ગઈ. એને અજબ જેવો અણગમો ઉભરાઈ આવ્યો.

એણે જાતને છોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમોલાના હાથ એના શરીર પર સાપની જેમ સરકવા લાગ્યા હતા. કોઈ અસ્વસ્થતાના અભાનમાં સત્યજીત જિંદગીના એવા અનુભવમાંથી પસાર થઈ રહ્યો હતો, જેનું સુખ કે દુઃખ સમજવા જેટલી સભાનતા પણ એના મન કે શરીરમાં બચી નહોતી.

*

એ સાંજે પબમાં બેઠેલી પ્રિયંકા સાવ ઉદાસ અને ચૂપચાપ હતી. ખાસ એને મળવા માટે, એની સાથે સમય ગાળવા માટે આટલે દૂર સુધી ડ્રાઇવ કરીને આવેલો આદિત્ય જાત જાતના જૉક મારીને એને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ પ્રિયંકાનું ધ્યાન કોઈ વાતમાં નહોતું.

“આદિત્ય, હું સમજું છું કે તું જે કંઈ કરે છે તે મને ખુશ રાખવા માટે કરે છે, પણ અત્યારે તું કશું જ બોલ્યા વિના ચૂપચાપ મારી સાથે રહીશ તો મને વધારે સારું લાગશે.” એણે પોતાના સ્વભાવ મુજબ ચોખ્ખું કહી જ નાખ્યું.

“એક છેલ્લી વાત કહી દઉં ?” આદિત્યનો ચહેરો પણ ગંભીર થઈ ગયો. જવાબની રાહ જોયા વિના એણે કહી નાખ્યું, “અત્યારે ત્યાં એનાં લગ્ન થઈ રહ્યાં હશે... તું અહીં મારી સાથે બેઠી છે. બે જુદા સમયખંડોમાં, જુદા દેશકાળમાં જીવવા માંડેલા બે જણાની જિંદગીઓ જુદા રસ્તે જતી રહી છે એટલું સ્વીકારી લે.”

“એ નિર્ણય જ મારો હતો. મને દુઃખ નથી થતું.”

“તો પછી ઉદાસ શા માટે છે ?”

“ઉદાસ નથી, શાંત છું. થોડો સમય મારી જાત સાથે રહેવા માગું છું. સાચું કહું તો જે થયું છે તે સારા માટે જ થયું છે. હવે ત્યાં રહીસહી ઝંખનાઓ પણ લૂછાઈ જશે.”

“ખરેખર એમ થાય તો તું સુખી થઈ જઈશ.” આદિત્યએ ટેબલ પર પડેલા પ્રિયંકાના હાથ પર હાથ મૂકી દીધો, “નવેસરથી જિંદગી જીવવાનું શરૂ કરીએ ત્યારે સૌથી પહેલું કામ એ કરવું જોઈએ કે વીતેલા બધા દિવસોને એક પેટીમાં ભરીને લૉફ્‌ટ પર મૂકી દેવાના. સાવ નવું કોરું-કડકડતું પાનું લઈને નવી તારીખ લખવાની એના પર...”

“તે લખીશ જ.” પ્રિયંકાએ આત્મવિશ્વાસથી કહ્યું, “હું એની પાછળ મારી જિંદગી બરબાદ નહીં કરું.”

“બસ !” આદિત્યએ એનો હાથ ટેબલ પર પછાડ્યો, “હવે તું સમજી ગઈ. તું એની પાછળ તારી જિંદગી બરબાદ નહીં કરે તો એવું શા માટે ઇચ્છે કે એ તારી પાછળ પોતાની જિંદગી...”

“હું કંઈ ઇચ્છતી નથી. મહેરબાની કરીને સત્યજીતની વાતો બંધ કરી દે.” પ્રિયંકાનો અવાજ ઊંચો થઈ ગયો. ક્યારનો રોકી રાખેલો ડૂમો એના ગળા સુધી આવી ગયો.

“તો મારી વાત કરું ?”

“હું જરાય મજાકના મૂડમાં નથી.”

“હું પણ નથી અને મારી વાત કહેવાનો સૌથી સાચો સમય કદાચ આ જ છે.”

પોતાના હાથમાં પકડેલો પ્રિયંકાનો હાથ આદિત્યએ મજબૂતીથી પકડી લીધો, “હું તને ચાહવા લાગ્યો છું.” પ્રિયંકાની આંખો પહોળી થઈ ગઈ, “હમણાં ને હમણાં આ વાતનો જવાબ નથી જોઈતો મારે. તું આવતી કાલે, અઠવાડિયા પછી કે છ મહિના પછી પણ જવાબ આપી શકે છે.” એના ચહેરા પર એ જ શરારતી સ્મિત આવી ગયું, “તું ના પણ પાડી શકે છે. દોસ્ત છું તારો, ને રહીશ પણ તારી સાથે જિંદગી જીવવાની થાય તો કદાચ મારાથી વધારે નસીબદાર બીજું કોઈ નહીં હોય.”

“હું લગ્ન જ નથી કરવા માગતી.”

“લો બોલો !” એ ખડખડાટ હસી પડ્યો, “મેં તો લગ્નનું નામ જ નથી લીધું. તારી સાથે જીવવાની વાત કરી. આ દેશમાં તો લોકો લીવ-ઇન રહે છે. મજા પડે તો રહેવાનું, નહીં તો છૂટ્ટા...”

“જવાબદારી વગર મજા કરવી છે, કેમ ?” પ્રિયંકાની ભ્રમર સંકોચાઈ ગઈ, “મને હતું જ, અજાણ્યા દેશમાં અજાણી છોકરીની મદદ કર્યા પછી એની કિંમત તો માગવી જ પડે.”

“મૂરખ છે તું...” આદિત્ય ગુસ્સે થઈ ગયો હતો, પણ એણે જાત ઉપર સંયમ રાખવાનો ભયાનક પ્રયાસ કર્યો, “હું હમણાં આ ક્ષણે તારી જવાબદારી લેવા તૈયાર છું ને જિંદગીભર તારી પાસેથી કશું નથી જોઈતું મારે. એક દોસ્તને પત્ની બનાવી શકાય, તો પત્નીને દોસ્ત બનાવવાની મહેનત ન કરવી પડે એટલો જ ઇરાદો છે મારો.” એની આંખોના ખૂણા સહેજ ભીંજાયા ને અવાજ તરડાઈ ગયો, “તું છે જ એવી છોકરી પ્રિયંકા કે તને મળ્યા પછી, ઓળખ્યા પછી તારા પ્રેમમાં ન પડવું કોઈ પણ પુરુષ માટે લગભગ અશક્ય છે અને હું એક સામાન્ય પુરુષ છું... સીધોસાદો પટેલ.”

“આદિ... આઇ એમ સૉરી...” પ્રિયંકાને પોતાની ભૂલ સમજાઈ ગઈ.

“ઠીક છે બધું.” આદિત્યએ બંને હાથે આંખોના ખૂણા લૂછી નાખ્યા, “હું તને સુખી કરવા માગું છું. કોઈ પણ રીતે, કોઈ પણ કિંમતે.” એનો અવાજ હજી ધ્રૂજતો હતો, “જિંદગીભર સુખી રાખવા માગું છું, બસ !”

“આદિત્ય, હજી ખરેખર મેં લગ્ન વિશે નથી વિચાર્યું, પણ તને સાચું કહું ?” પ્રિયંકાની આંખો પણ સહેજ ભીની થઈ ગઈ. એના અવાજમાંથી, એની આંખોમાંથી એના હૃદયની સચ્ચાઈ ટપકતી હતી, “હું જિંદગીમાં ક્યારેય પણ કોઈની પણ સાથે જીવવાનું નક્કી કરું તો એના પહેલું નામ તો તારું જ આવે.”

“એટલે બીજાં નામો પણ છે.” આદિત્યએ વાતને હળવી કરી નાખી, “કહી દે મને એ બધાં નામો, એકેએક જણ વારાફરતી તારી પાસે આવીને રાખડી બંધાવી જશે.”

“તું પણ !” ભીની આંખે પ્રિયંકા હસી પડી.

“બસ, હસતી રહે. તું ઉદાસ થાય છે તો મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.” આદિત્યના શબ્દોનું સત્ય એની આંખોમાં દેખાતું હતું, “પ્રેમ-બ્રેમ બધા ફાલતુ શબ્દો છે. ખોટેખોટા ચગાવી માર્યા છે, પણ એક વાત કહી દઉં તને. તારા વિના જીવવું પડશે તો બહુ અઘરું પડશે મને હોં...” એણે ટેબલ પર પડેલો પ્રિયંકાનો હાથ ફરી એક વાર મજબૂતીથી પકડી લીધો.

*

અડધી રાત્રે જાગીને ઓરડાની ફ્રેન્ચ વિન્ડોમાંથી સ્વિમિંગ પુલ અને ગાર્ડન જોઈ રહેલો સત્યજીત આવી આવીને સરકી જતા વિચારોને પકડવા મથતો હતો. એનું મન ક્ષુબ્ધ થઈ ગયું હતું. એનેસ્થેસિયાની અસર નીચે ચામડી બહેરી થઈ જાય એવી રીતે એના મનને કોઈ સંવેદનાઓની અસર નહોતી થતી.

પલંગમાં ચોળાયેલાં ફૂલો અને ચોળાયેલી ચાદર પર ઘસઘસાટ ઊંઘતી અમોલાના હાથની મહેંદી લાલચટ્ટક દેખાતી હતી. એના લીસા-સીધા વાળ એના ચહેરાને અડધો ઢાંકીને આસપાસ વિખરાયા હતા. ઓઢેલી ચાદરમાંથી એના ગોળ-લિસા ખભા અને અડધી પીઠ આકર્ષક લાગતા હતા ને છતાંય એની તરફ જોઈ રહેલા સત્યજીતને અમોલા તદૃન અજાણી, કોઈ ફોટોગ્રાફમાં સૂતેલી સુંદરી હોય એવી નિર્જીવ વસ્તુ જેવી લાગતી હતી.

“આ સ્ત્રી સાથે આખી જિંદગી જીવવું પડશે ? આ મારાં સંતાનોની મા થશે ? રોજ રાત્રે મારા બેડરૂમમાં, મારા પલંગ પર, મારી બાજુમાં આ સૂઈ જશે... મારા ઘરમાં એક છત નીચે સાથે રહેશે...” એને કપાળ પર પરસેવો વળવા લાગ્યો હતો, “ઓહ ગોડ ! મેં આ શું કરી નાખ્યું ?” એને વિચાર આવ્યો ને સાથે જ એને સમજાયું કે એણે આવનારી જિંદગીનાં કોણ જાણે કેટલાં વર્ષો અમોલાના હાથમાં કઠપૂતળી બનવા માટે સોંપી દીધાં હતાં...

(ક્રમશઃ)

Rate & Review

Hiral Shah

Hiral Shah 7 days ago

Rohina Barad

Rohina Barad 2 weeks ago

The Urban Tutors

The Urban Tutors 3 months ago

Hina Thakkar

Hina Thakkar 3 months ago

Ketan

Ketan 5 months ago