Turning point in L.A. - 14 books and stories free download online pdf in Gujarati

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 14

ટર્નિંગ પોઇંટ ઇન એલ..

પ્રકરણ ૧૪

ફક્ત વહાલ જ કરીશ

યુનિવર્સલ સ્ટુડિયોમાં ભણવાનું અને લંચ લીધા પછી સેટ ઉપર અભિનય વ. બધું નિયમિત થઈ ગયું. ધારણા કરતાં વધુ ઝડપે “પ્રેમદીવાની રાધા” આગળ વધી રહી હતી. પ્રિયંકા અને પદ્મજા બન્ને ખુશ હતાં. રિટેક ઓછા થતા હોવાનાં કારણોમાં રૂપાનું આગોતરું વાંચન અને પરીની કુનેહ સાથેસાથે કામ કરતી હતી પણ આ તો મેન્યુસ્ક્રિપ્ટ તૈયાર થતી હતી. એવું લાગતું હતું કે ઍડિટિંગ અને ટ્રિકસીન્સની જરૂર નહીંવત રહેશે.

અલય પણ વચ્ચે બે અઠવાડિયાં બે ફિલ્મીગીત શૂટ કરવા માટે આવ્યો. પરી ઇચ્છતી હોવા છતાં અલય બહુ આગળ ના વધ્યો. પણ રૂપા સાથે સ્ક્રિન ઉપર તે બહુ જ ખીલતો.. વિલન સાથે ફોન ઉપર ભારે ડરામણા પ્રસંગો સરસ રીતે ભજવાયા. લાગતું હતું કે સ્ક્રિપ્ટ પ્રમાણે પ્રોજેક્ટ ૨૯ વહેલો પતશે. કદાચ પ્રોજેક્ટ ૨૮ની લગોલગ પૂરો થઈ જાય તો નવાઈ નહીં.

અલય હતો ત્યારે એક વીકઍન્ડમાં અક્ષર લોસ એન્જેલસ આવ્યો. તેનું ભણવાનું સરસ ચાલતું હતું.. સાંજના ફિલ્મ જોવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. વડીલોની સંમતિ લઈને એકાંતોને માણવા અધીરું બનેલું યુગલ થિયેટર પહોંચ્યું અમેરિકામાં અમેરિકન મૂવી જોવા. અરધું થિયેટર ખાલી હતું. રૂપા વિચારતી હતી આ પરીક્ષાની ક્ષણ છે..હું તો કોઈ પહેલ નહીં કરું. તેના મનમાં ચાલતા ગજગ્રાહને કાબૂમાં રાખવા જાણે ઘીની જેમ ઓગળતાં વાર નહીં લાગતાં રૂપા અક્ષર સામે જોઈ રહી.

મનથી બન્ને પરિપક્વ હતાં..પણ લાગણીઓથી મજબૂર હતાં. તડપ તો બન્ને બાજુ સરખી હતી અને વડીલોનો વિશ્વાસ પણ તોડવો નહોતો. ગુગલના અને તબીબી વિજ્ઞાનને સહારે તેઓ મળતાં પણ જ્યાં લપસણી ભૂમિ આવે ત્યાં બન્ને વળી જતાં. શરીર સંવનનોને ઝંખતું પણ બીજી જ ક્ષણે આખી જિંદગી પડી છે ને,નો વિચાર આવી જતો અને મનની નબળાઈ શાંત થઈ જતી. પરસ્પરને જ્યારે ટેકો મળી જતો ત્યારે રૂપા કહેતી, સાથી તો આવો જ સમજુ અને ઠરેલ હોવો જોઈએ જે સરકે નહીં અને સરકતા સાથીને પણ સંભાળી લે.

ફિલ્મ શરૂ થઈ. અક્ષરે પણ મનથી એવું જ વિચારેલું કે રૂપા પહેલ નહીં કરે તો હું આગળ નહીં વધુ.

ફિલ્મની અંદર હીરોહીરોઇન આગળ વધતાં હતાં. એક તબક્કે હીરો અને હીરોઇન જે તબક્કામાં હતા તેવી ક્ષણે અક્ષરે રૂપા સામે જોયું. રૂપા પણ વિચારતી હતી કે આ ઉન્માદની ક્ષણ છે. સદાશિવે કહેલ વાત તે યાદ કરતી રહી અને એ બબડી, “પપ્પા, અમે તમને લોકોને કહ્યું છે તેમ સમજીને ભણશું અને પાંચ વરસ તો સમજથી કાઢી નાખશું જોજો ને.”

અક્ષર તેના બડબડાટને સાંભળીને બોલ્યો, “એઈ રૂપલી, હજી હું પપ્પા નથી થયો...”

સહેજ શરમાતી રૂપા બોલી, “હું નબળી પડી જાઉં તો મને સંભાળી લેજે સાહ્યબા..મેં પપ્પાને તો કહ્યું છે પાંચ વરસ સુધી કશું નહીં.”

“હા, પણ અત્યારે આપણે ક્યાં કશું કરવાનાં હતાં..”

“હેં?”

“હા. અત્યારે તો તું કહીશ તો ફક્ત વહાલ જ કરીશ.”

“તો વહાલ કર ને?”

અક્ષર ગણગણ્યો. “છૂ લેને દો નાજુક હોઠોં કો” ... રૂપા સાંભળતી રહી અને શરમાતી રહી… ફિલ્મમાં એક ભ્રમર ગુલાબ ઉપર ફરતો હતો..

“સાહ્યબા, આપણે ચૅટ ઉપર વહાલ કરીએ તેવો અનુભવ નથી.”

“એટલે?”

લુચ્ચું હસતાં હસતાં રૂપા બોલી, “હું એ દિવસની રાહ જોઈશ કે જ્યારે આપણા મિલનને કોઈ બંધન ના હોય.”

જો તું કહીશ તો હું તો ડૉક્ટરીનું ભણું છું. મારી પાસે બધા રસ્તા છે. પણ હું તારું અને મારું ભણતર પૂરું થાય અને થોડુંક કમાતો થાઉં પછી જવાબદારી લેવામાં માનું છું. જાનકી માને હું લાભ લઈ ફરી જઈશ તેવું લાગે છે,, તો તેમનો ભય દૂર કરીને મળીશ.”

થોડીક ફિલ્મ ગઈ અને રૂપા ફિલ્મ જોવાને બદલે અક્ષરને જોવા માંડી. અક્ષરની નજર તેના ઉપર પડી તો તેણે નજર ન હટાવી અને પૂછ્યું, “સાહ્યબા, હું કેવી છું?”

અક્ષર કહે, “જેવી છું તેવી મારી છું.”

તેણે નજર હટાવ્યા સિવાય ફરીથી કહ્યું, “સાહ્યબા, હું કેવી છું?”

અક્ષર કહે, “તું બહુ સારી છું. તેથી તો મને વહાલી છું.”

થોડીક શાંતિ પછી અક્ષરે પૂછ્યું, “રૂપલી, હું કેવો છું?”

રૂપાની નજરમાં ટીખળ હતું. તે બોલી, “તું તો લુચ્ચો છું.”

ટીખળે ટીખળનું સ્થાન લીધું. અક્ષર ધીમેધીમે ગણગણવા માંડ્યો... “રૂપાનો સાહ્યબો લુચ્ચો..રૂપાનો સાહ્યબો લુચ્ચો. રૂપાનો સાહ્યબો લુચ્ચો.”

જોરથી તેના હોઠને હોઠથી દાબી દઈ રૂપાએ તેને બોલતો બંધ કર્યો. પછી તે બોલી, “સાહ્યબો મારો વહાલો.. સાહ્યબો મારો વહાલો...

ચાલ ક્યાંક બહાર જઈએ..પિક્ચરને પડતું મેલી યુગલ કૉફી પીવા બહાર નીકળ્યું. આખું થિયેટર ખાલી હતું. ચારે તરફ સુમસામ હતું. પોપકોર્નનો ફેરિયો આવ્યો ત્યારે તેની પાસે કૉફી મંગાવી અને મજાકમાં પૂછ્યું, “રૂપા તારો હીરો અલય કેવો છે?”

“કેમ અચાનક અલય?”

“સારો હોય તો વાંધો નહીં પણ તને સતાવતો હોય તો કહી દે હું આવીને તેની છુટ્ટી કરી દઈશ.”

“ના ભાઈ ના. તે તો મારાથી બે ફૂટ દૂર ચાલે છે.”

“વળી તારા ગામનો છે ને?”

“હા. સરસ છે અને પરીને ગમે છે.”

“શું વાત કરે છે?”

“હા, પણ તારે અત્યારથી મોટાભાઈ બનવાની જરૂર નથી. એ લોકોની ગાડી પાટે ચઢશે તો હું તને કહીશ.”

“તે તો સ્ટ્ર્ગલર છે ને?”

“હા. પરી પણ સ્ટ્ર્ગલર જ છે ને? મારી જેમ ...”

“હા. ઍક્ટિંગ અને પુરુષે તો દસબાર પિક્ચર થાય તે પહેલાં પ્રેમની વાતો તો વિચારવી પણ ના જોઈએ.”

“હા. એ કેરિયર કૉન્શ્યસ છે તેથી તો પરીબહેનને ભાવ ના આપ્યો.”

“શું બન્યુ હતું તે તો કહે!”

“હું જેમ તને જોતી હતી તેમ પરી અલયને જોતી હતી. અને મને ખબર પડી ગઈ.’

“પછી?”

અલયની હાજરીમાં જ મેં એને પૂછ્યું, “કેમ અલી, મારો હીરો તને ગમે છે?”

તેણે શરમથી હા ભણી અને અલય સામે જોયું ત્યારે અલય બોલ્યો, અંગ્રેજીમાં એક કહેવત છે..

Work while you work and Play while you play,

That is the way of life to be happy and gay!

પછી તે બોલ્યો. “પરી, આપણી કારકિર્દી હજી હમણાં શરૂ થઈ છે. રૂપા અને અક્ષરની જેમ આપણે પણ રાહ જોવી જોઈએ ને?”

પરી ત્યારે સહેજ દ્વિધામાં બોલી, “તે બન્ને તો પાંચ વર્ષથી મળે છે..જ્યારે હું તો તને જોઈને પ્રેમમાં હજી એક મહિનાથી જ પડી છું.”

અલય પરી સામે જોતો રહ્યો...તેના મસ્તકમાં હજાર વિચારો આવ્યા અને પછી બોલ્યો.. “પરી, થોડોક સમય જવા દે. પહેલાં આપણે મિત્ર તરીકે એકમેકને ઓળખીએ. પછી વડીલોને મળવા દે.. મારે અને તારે પણ કોઈ બંધનોથી બંધાવું ન જોઈએ… કુદરતી રીતે હું પગ ઉપર ઊભો ન રહું ત્યાં સુધી ધીરી બાપુડિયાં...”

અક્ષરને અલય માટે માન થઈ ગયું. “કયાં છે અલય? મારે તેને મળવું છે પરીની હાજરીમાં.”

“ના, ના. પરી મને મારી મારીને ધોઈ નાખશે.. તેણે આ વાત તને કહેવાની ના પાડી છે.”

“સારું. પણ અલય ક્યાં મળશે?”

“આપણા હોલિવૂડ સ્ટ્રિટના ફ્લૅટમાં..”

“મળશે?”

“હા.”

અક્ષરે જાનકી માને ફોન કરીને કહ્યું, “મા, તમારી રૂપા સાથે હું અલય ને મળવા જઉં છું. સાંજે ત્યાં આવીને અમે જમશું.”

***