Murderer's Murder - 8 books and stories free download online pdf in Gujarati

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 8

મૃતદેહ પીએમ માટે રવાના થઈ ગયા પછી ઝાલાએ હુકમ કર્યો, “નોકર સહિત ઘરના તમામ પુરુષોની શેવિંગ કિટ મંગાવો. યુઝ એન્ડ થ્રો ન હોય તેવા મોટા ભાગના રેઝરમાં બ્લેડ વપરાતી હોય છે. જો કોઈ પુરુષ એવું રેઝર વાપરતો હોય તો તે કઈ કંપનીની બ્લેડ વાપરે છે એ જાણવું જરૂરી છે.”

ડાભીએ તેમ કર્યું. બધાની શેવિંગ કિટ ચેક કરવામાં આવી. મહેન્દ્રભાઈ, લલિત અને વરુણ મોંઘી જાતના યુઝ એન્ડ થ્રો રેઝર વાપરતા હતા. હા, રામુના સામાનમાં, જૂની પદ્ધતિનું, બ્લેડ બદલી શકાય એવું રેઝર મળ્યું. જોકે, તેની પેટીમાં વિલકિન્સન બ્લેડનું પેકેટ હતું, જયારે આરવીના બેડ પરથી મળેલી બ્લેડ પર સેવન ઓ’ ક્લોક લખ્યું હતું.

“શું આરવીને ડાયાબિટીસ હતો ?” ઝાલાએ લલિતને પૂછ્યું.

“બિલકુલ નહીં.”

“તો હમણાંથી તે બીમાર હતી ? ગઈ કાલે, આપે કે અન્ય ડૉક્ટરે આરવીને ઇન્જેક્શન માર્યું હોય એવું કંઈ ?”

“મેં આરવીને કોઈ ઇન્જેક્શન માર્યું નથી અને આરવી ગઈ કાલે અહીં જ હતી, તે કોઈ ડૉક્ટર પાસે ગઈ નથી.”

“કાલે કોઈ લંગડો કે જમણા પગે ઘવાયેલો માણસ ઘરે આવ્યો હતો ?” ઝાલાએ નવો પ્રશ્ન પૂછ્યો.

“હું હતો ત્યાં સુધી તો કોઈ આવ્યું નથી. મારી ગેરહાજરીમાં આવ્યો હોય તો ખબર નથી.” લલિતે રામુ સામે જોયું.

રામુએ બે પળ વિચાર કર્યો અને કહ્યું, “ના સાહેબ, એવું કોઈ આવ્યું નથી.”

હવે, ઝાલા રામુ તરફ ફર્યા, “એક વાત પૂછવાની રહી ગઈ. મિસિસ અભિલાષાના કહ્યા પ્રમાણે તેમણે અને આરવીએ રાત્રે કોલ્ડ ડ્રિંક પીધું હતું. પણ, તેઓ સાડા બારે ઊઠ્યા ત્યારે કોલ્ડ ડ્રિંક પીવાઈ ગયેલા ખાલી ગ્લાસ તેમના રૂમમાં નહોતા. કદાચ, આરવી તે નીચે મૂકી આવી હતી. આજે સવારે આપે જ તે ધોયા હશે !”

“નહીં સાહેબ, હું સવારે ઊઠ્યો ત્યારે ગ્લાસ ધોવાઈને ઊંધા વાળેલા હતા, મેં બરાબર કપડું મારીને યોગ્ય જગ્યાએ ગોઠવી દીધા.”

રામુનો જવાબ સાંભળી ઝાલાને આશ્ચર્ય થયું. તેમણે અભિલાષા સામે જોયું.

તે હજુ પણ રડી રહી હતી. સ્ત્રીને રડતી જોઈ પુરુષ વેદના અનુભવતો હોય છે અને તેમાંય સ્ત્રી સુંદર હોય તો વેદના અનેકગણી વધી જતી હોય છે. ઝાલાએ થોડી મૃદુતાથી પૂછ્યું, “મારો પ્રશ્ન જરા વિચિત્ર લાગશે, પણ... શું આરવી સિગારેટ કે ડ્રગ્સ લેતી હતી ?”

“શું બકવાસ કરો છો ?” અભિલાષાનો અવાજ ઊંચકાયો.

કોપિત અભિલાષાના ચહેરાની સુંદરતા જોવામાં ઝાલા બેઘડી બેધ્યાન થઈ ગયા. પછી સ્થળકાળનું ભાન થતા ફરી મૂળ વાત પર આવ્યા, “એ જાણવું ખૂબ અગત્યનું છે.”

“ના, મેં તેને વ્યસન કરતા જોઈ નથી.”

“એટલે તમારી ગેરહાજરીમાં લેતી હોય તો તમને ખબર નથી.” ઝાલા વાતનો કેડો છોડવા તૈયાર ન હતા.

“એ મારી બહેન હતી અને મને વિશ્વાસ છે કે તે એવું કંઈ નહીં જ લેતી હોય.” અભિલાષા અસ્વસ્થ થઈ ગઈ.

અભિલાષાની મુખમુદ્રા અને અભિવ્યક્તિની ઊથલપાથલ જોઈ ઝાલાને લાગ્યું કે પોતે સાચી દિશામાં જઈ રહ્યા છે. તેમણે ઘરના બધા સભ્યોને આ વિશે પૂછ્યું, પણ સૌ ચૂપ રહ્યા. જોકે, માણસના હોઠ સિવાયેલા હોય ત્યારે આંખો ઘણું કહી દેતી હોય છે.

ઝાલાએ ડાભી તથા હેમંતને આરવીના રૂમમાં શોધખોળ કરવા કહ્યું. તેઓ આરવીના રૂમમાં તપાસ કરી રહ્યા હતા ત્યારે ઝાલા નિખિલ પાસે ગયા, “બેટા, તારે સબ્વે સર્ફર્સ રમવી હતી ને ?” એમ કહી તેમણે તેને આરવીનો ફોન ધર્યો. નિખિલે ખુશ થઈ ફોન હાથમાં લીધો અને રમત કરતો હોય તેમ છ આંકડાનો નંબર લખી પાસકોડ ખોલી નાખ્યો. ઝાલાની ચપળ નજરે તે નંબર નોંધી લીધો. તેમણે, ખિસ્સામાંથી ડાયરી કાઢી 1 8 1 1 9 1 લખ્યું અને ડાયરી ફરી ખિસ્સામાં મૂકી.

થોડી વાર પછી ડાભી અને હેમંત ઝાલા સમક્ષ હાજર થયા. તેમને આરવીના પર્સમાંથી ઊંઘની ગોળીઓ, મેક-અપનો સામાન, ડ્રગ ઍડિક્ટ વાપરતા હોય એવી સિરીંજ, નીડલ અને ગોલ્ડ ફ્લૅકનું બોક્સ મળ્યા હતા.

“આ શું છે ?” ઝાલાએ ઘરના સભ્યોને સામાન બતાવ્યો. કોઈ એક પણ સભ્ય પાસે તેનો ખુલાસો ન હતો.

છેવટે પોલીસ ટુકડી, ઘરની બહાર નીકળી. તેમણે આરવીના પર્સમાંથી મળેલી વસ્તુઓ સિવાય બાથરૂમના કમોડમાંથી મળેલા અને મહેન્દ્રભાઈએ પીધેલાં ગોલ્ડ ફ્લૅકના ઠૂંઠા, જે બ્લેડથી નસ કપાઈ હતી તે બ્લેડ, મહાકાલ જ્યોતિષનું કાર્ડ, ફોરેન્સિક ટીમે શોધેલો નાનકડો વાળ અને આરવીનો આઇ ફોન કબજે કર્યા હતા.

“સાહેબ, શું લાગે છે તમને ?” ડાભીએ પૂછ્યું.

“હજુ કંઈ પણ કહેવું અઘરું છે ; ટ્રેલર જોઈને ફિલ્મની ધારણા બાંધી લેનારા લોકો ઘણી વાર છેતરાઈ જતા હોય છે. છતાં, આ હત્યા છે તે નક્કી છે.”

“સાહેબ, તમે કહ્યું તેમ ફરસ પર ઓછું લોહી જમા થયું હતું અને આવું તો જ થાય જો આરવીના મરી ગયા પછી તેના હાથની નસ કાપવામાં આવી હોય. ડૉક્ટર હોવા છતાં લલિતના ધ્યાન પર આ કેમ ન આવ્યું ?”

“સાવ અંગત માણસ મૃત્યુ પામ્યો હોય ત્યારે આવા તર્ક સૂઝતા નથી હોતા, નજર સામે હોવા છતાં આવી વસ્તુઓ ધ્યાન બહાર જતી રહેતી હોય છે.”

“હમ્મ.”

“હવે, પેલા રાતપાળીવાળા ચોકીદારને ફોન કરી તેના ઘરનું સરનામું મેળવો. ગાડી સીધી ત્યાં જ લેજો, પૂછપરછ કરીને પોલીસ સ્ટેશન જઈશું.”

ડાભીએ ફોન જોડ્યો, દુર્ગાચરણનું સરનામું મળતા સૌ પોલીસ જીપમાં ગોઠવાયા. સોસાયટીની બહાર નીકળતી જીપમાંથી ડાભીએ નેપાળી સામે જોયું. તે રજિસ્ટરમાં કંઈક લખી રહ્યો હતો, કદાચ જીપનો બહાર જવાનો સમય નોંધતો હશે. અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ ડાભી બોલ્યા, “પેલો રામુ કહેતો હતો કે સોસાયટીમાં સાઠ બંગલા છે. તો એ સાઠ બંગલામાંથી જ કોઈ, બંગલા નંબર 5૦માં ઘૂસી, આરવીની હત્યા કરીને ચાલ્યું જાય તો રજિસ્ટરમાં તેની એન્ટ્રી કેવી રીતે મળે ?”

ડાભીની વાત સાંભળી ઝાલા ચમક્યા, ‘આ તો મને સૂઝ્યું જ નહીં !’ પરંતુ, મનમાં આવેલા વિચારને ચહેરા પર ન આવવા દઈ “બની શકે” એવો ઠંડો પ્રતિસાદ આપી તેઓ વિચાર કરવા લાગ્યા, ‘એ તો નક્કી છે કે આરવી મરી ગયા પછી તેને બ્લેડ મારવામાં આવી હતી. એટલે તેની હત્યા કોઈ અન્ય પદ્ધતિથી કરવામાં આવી હશે. પણ, જયારે આરવીનો જીવ લેવાનો પ્રયત્ન થયો ત્યારે તે જાગી કેમ નહીં ? તેણે હત્યારાનો પ્રતિકાર કેમ ન કર્યો ? તેણે બૂમાબૂમ કેમ ન કરી ?

આરવીના જમણા હાથની કોણી પાસે અન્ય વ્યક્તિએ ઇન્જેક્શન માર્યું હોય તો ય તે જાગી જાય. હા, કાંડાની નસ કાપવાની જેમ આરવીના મૃત્યુ પછી તેને ઇન્જેકશન મારવામાં આવ્યું હોય તો બધું ચુપચાપ પતી જાય. પણ, મરેલા વ્યક્તિને ઇન્જેક્શન મારીને કોઈને શું ફાયદો થાય ?

માટે, ગળે ઉતરે તેવો એક જ તર્ક બચે છે. તે એ કે આરવી નશીલા પદાર્થની બંધાણી હતી અને તેણે જાતે કોઈ નશાકારક દ્રવ્યનું ઇન્જેક્શન લીધું હતું. હવે, આરવી તે નશાની અસર હેઠળ હતી ત્યારે કોઈ તેની હત્યા કરીને તેના કાંડા પર બ્લેડ ફેરવીને ચાલ્યું ગયું. નશાથી બેભાન જેવી થઈ ગયેલી આરવી હત્યારાનો પ્રતિકાર ન કરી શકી અને કોઈ શોરબકોર કે ઝપાઝપી ન થયા.

પણ, મુખ્ય પ્રશ્ન એ છે કે આરવીની હત્યા કરી કોણે ? શું તે ઘરનો જ સભ્ય હતો ? એમ તો, ડાભીની શંકા ય સાવ ખોટી નથી ; સોસાયટીના કોઈ રહીશે આ કામ કર્યું હોય તેવું ય બની શકે. ચેસની રમતમાં નાનકડું પ્યાદું ય ચેકમેટ કરી જતું હોય છે !’

ક્રમશ :