Premna sapna - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમના સપના - 4

 

Part - 4

[પાંચમું દ્રશ્ય]

(ચિરાગ એકલો બેઠો છે ત્યાં દીયા આવે છે.)

દીયા : અરે ચિરાગ ! કાલે અચાનક ક્યાં જતી રહ્યો હતો ? મને તારી ચિંતા થતી હતી ખબર છે ?

ચિરાગ : મને માફ કરજે દીયા, તને કહ્યા વગર નીકળી ગયો હતો પણ જવું જરૂરી હતું. જો ના જતે તો કદાચ હું અહીં ના હોત.

દીયા : અહીં ના હોત ! મતલબ ?

ચિરાગ : મતલબ..... પછી કહું ?

દીયા : ના ! ના ! કહેવું જ પડશે. મે મારી વાત તને કહી દીધી છે તું મારાથી કેમ છુપાવે છે ? મે મારા જીવનની પુસ્તકના બધાં પાના તારી સમક્ષ ખુલ્લા કરી દીધા છે કે મારા માઁ-બાપ ગુજરી ગયા છે. એકલી જ રહું છે અને પપ્પાના પેન્શનથી મારુ ગુજરાન ચાલે છે. મે આગળ પણ ઘણી વાર તને પૂછયું પણ તેં તેનો જવાબ સુધ્ધાં આપ્યો નથી.

ચિરાગ : કંઈ વાત ?

દીયા : ચલ બોલ ? તું ક્યાંથી આવ્યો ? પહેલે તો તને જોયો નથી ? ક્યાં રહે ? શું કરે? ઘરમાં કોણ કોણ છે ? આખો દિવસ કામ ધંધા વગર ફર્યા કરે ? આ હરવા-ફરવામાં પૈસા ક્યાંથી લાવે ? કોઈ 2 નંબરનો ધંધો તો નથી કરતો ને ?

ચિરાગ : 2 નંબરનો ધંધો ? (હસે છે)

દીયા : તું કશાથી ભાગીને તો નથી આવ્યો ને ?

ચિરાગ : ભાગીને ? (ફરી હસે છે)

દીયા : ચિરાગ હસ નહિ, આઈ યમ સિરિયસ ..ચિરાગ, હું પણ સમાજમાં રહું છું આપણું મળવાનું સમાજને ખુચવા લાગે તે પહેલા તને પૂછવા માંગું છુ કે ..

ચિરાગ : શું ?

દીયા : કે તું મારી સાથે લગ્ન કરશે ?

(દીયાના લગ્નના સવાલથી ચિરાગની આંખોમાં ઉદાસી તરવરી ગઈ. વાતાવરણ વજનદાર બની ગયું. થોડી ક્ષણો એમ જ ખામોશીમાં પસાર થઈ ગઈ.)

દીયા : બોલ હવે, ચિરાગ તારી ચુપકી મારા સવાલનો જવાબ નથી.

ચિરાગ : હા દીયા ! હું સમજુ છું પણ મારુ ચુપ રહેવું પણ એક કારણ છે. સમાજ ભલે ગમે તે વિચારે પણ મેં સમાજને જોઈને નહિ પણ તને જોઈને પ્રેમ કર્યો છે. તારા બધાં સવાલ વાજબી છે પણ તેના જવાબ અત્યારે આપવા ઉચિત નથી પણ એટલું સમજ કે હું તને ધોકો નથી આપી રહ્યો. અગર ધોકો જ આપવાનો હોત તો શાં માટે દત્તુ જેવા ગુન્ડા સાથે લડાઈ કરત ? ઘરમાં એકલી જ રહે છે પણ મે કદી ઘરે નથી આવ્યો ? કદી અજુગતું વર્તન કર્યું ? દીયા મારા પર વિશ્વાસ રાખ.

દીયા : ચિરાગ, તારા પર વિશ્વાસ નહિ તારા પણ શ્રદ્ધા છે એટલે જ તો સમાજની પરવા વગર તને મળવા આવું છું. પણ તું લગ્ન માટેની તો ચોખવટ કર !

(વાતાવરણમાં ફરી ખામોશી પથરાઈ ગઈ. આ વખતે વધુ ઘેરી અને વધુ વેદના હતી.)

ચિરાગ : હા થોડા દિવસોમાં હું બધી જ ચોખવટ કરી દઈશ.

દીયા : થોડા દિવસોમાં એટલે ?

ચિરાગ : 4 દિવસ પછી વૅલેન્ટાઇન ડે ના દિવસે. તે વૅલેન્ટાઇન ડેની રાત્રે તને તારા બધાં સવાલોના જવાબ મળી જશે.

દીયા : 4 દિવસ પછી ? વૅલેન્ટાઇન ડેની રાત્રે ? ચિરાગ કંઈ સમજાતું નથી ? તું શું કહેવા માંગે છે મને કંઈ ખબર નથી પડતી ?

ચિરાગ : તને મારા પર વિશ્વાસ છે ને ?

દીયા : મારાથી પણ વધારે.

ચિરાગ : ઠીક છે તો આ 4 દિવસો મારી જીવનનાં યાદગાર દિવસો બનાવવામાં મારી મદદ કરશે ?

દીયા : કેમ 4 દિવસ પછી તું કશે જઈ રહ્યો છે ? ફોજી નથી ને ? કે રજા પતી કે પાછા ફોજમાં ? કે પછી કોઈ બિમારી જે મારાથી છુપાવે છે ?

ચિરાગ : ફોજી ? નહિ દીયા? આવું કશું જ નથી બસ.

દીયા : તો શું કામ કહે છે કે 4 દિવસો મારી જીવનના યાદગાર દિવસો બનાવી દે !

ચિરાગ : (નાનકડું હાસ્ય સાથે) દીયા મેં તારી બર્થડે પર ગિફ્ટ આપ્યું પણ તેં મને શું ગિફ્ટ આપ્યું ?

દીયા : બોલ શું ગીફટ જોઈએ ?

ચિરાગ : 4 દિવસો મારી જીવનના યાદગાર દિવસો બનાવી દેશે ? (લવપ્રપ્રોઝલ સ્ટાઇલમાં)

(દીયા પણ ચિરાગનો હાથ પકડીને બેસી જાય છે અને આંખનાં પલકારે ગિફ્ટ આપવાનું સ્વીકારે છે.)

ચિરાગ : જો દીયા ! આ 4 ચિઠ્ઠીઓમાં મારા 4 દિવસના સપના લખ્યા છે. આ સપના પુરા કરીને તું મને યાદગાર અને અમૂલ્ય ગિફ્ટ આપીશ ?

(બન્ને એકબીજાનો હાથોમાં હાથ રાખીને ઉભા થાય છે. દીયા એ 4 ચિઠ્ઠીઓ લે છે. ચિઠ્ઠીમાં લખેલા ચિરાગના સપના સાકાર કરાવતી દીયા સાથેનું ગીત)

(ચિઠ્ઠીની વિગતો - વાળમાં તેલ માલિશ, ઓફિસ જાય ત્યારે ટાઈ બાંધવી, સાઈકલ ચલાવવી, સંતાકૂકડી, દીયાનો ચોટલો બાંધી આપવો, મેંહદી લગાવવી, ઢાબા પર ખાવું)

(દીયા ચિરાગને આપેલુ વચન નિભાવવા માટે આ 4 દિવસો ચિરાગને આખુ જીવન યાદગાર રહે એટલો મબલક પ્રેમ વરસાવે છે. ચિરાગને પણ ખબર છે કે તેને ફરી દીયા સાથે આ દિવસો મળવાના નથી તેથી દીયાના પ્રેમની યાદોને મનમાં અને દિલમાં કેદ કરતો આ 4 દિવસો વિતાવે છે. આ 4 દિવસમાં ચિરાગ હરએક સપના સાકાર કરે છે જે કેટલા દિવસથી દિલના કોઈ ખૂણે સંતાડી રાખ્યા હતાં.)

[અંધારું]

[છઠ્ઠું દ્ગશ્ય]

(અંકલ ચિરાગની ઓફિસમાં છે. ઓફિસના ટૅલીફોન પર ફોન આવે છે.)

અંકલ : હૅલ્લૉ ?

સામેથી : હૅલ્લૉ ચિરાગ ?

અંકલ : ચિરાગ નથી. હું રાજેશ ! કંપનીનો મેનેજર બોલુ છું. તમે ?

સામેથી : સમીર ગાંધી, ગાંધી ટૅક્સટાઈલ.

અંકલ : ઑહ ! સમીર ગાંધી બોલો.

સમીર ગાંધી : ચિરાગ કઈ દુનિયામાં ફરે છે ? તેણે ધંધો-બંધો કરવો છે કે નહિ ?

અંકલ : કેમ શું થયુ ?

સમીર ગાંધી : તમે તો એવી રીતે પૂછો છો કે જાણે માર્કેટમાં ફરતી વાતો તમને ખબર જ ના હોય ?

અંકલ : અરે ! સમીરભાઈ એ બધી અફવાઓ છે. તેના પર ધ્યાન ના આપો.

ચિરાગ જૈન બહુ મોટું નામ છે તેનો આખી દુનિયામાં ફેલાયેલો બિઝનેસ તેની સાબિતી છે અને થોડા દિવસની ગેરહાજરી તેના બિઝનેસને જરા પણ આંચ નહિ આવવા દે. તમે ચિંતા ના કરો ચિરાગના કહેવા પ્રમાણે તે 2 દિવસમાં આવી જશે.

સમીર ગાંધી : 2 દિવસ તો તમારો અંદાજો છે ચોક્કસ જ આવશે તેની ગૅરૅન્ટી શું ?

સૂર્ય જેવી શક્તિએ પણ સાંજ થતા ઢળવું પડતું હોય તો માનવીનું શું ? ઠીક છે ચાલો 2 દિવસની પછી જોઈએ.

(ફોન કાપી નાખી છે. ફોનનું રિસીવર મૂકતાની સાથે અંકલના મોબાઈલ પર ફ઼ોન આવે છે.)

અંકલ : યા યા ડૅવીડ ! ચિરાગ વિલ કમ સુન આફટર ફ્યુ ડે ! ડોન્ટ વરી અબાઉટ ઇટ !

યસ યસ ! સ્યોર ! કોન્ફ઼ોર્મ ઓ.કે બાય (ફોન કટ થાય છે અને રઘુ આવે છે.)

રઘુ : સાહેબ ચિંતામાં લાગો છો ? કોનો ફોન હતો ?

અંકલ : અમેરિકાથી ડૅવિડનો.

રઘુ : હાય હાય ..શું આ બધી અફવા અમેરિકા સુધી પહોંચી ગઈ ?.

અંકલ : હા આ વિષ્ણુલાલે તો ચિરાગને બદનામ કરી મૂક્યો.

(અંકલના મોબાઈલ પર ફરી રીંગ આવે છે. અંકલ ફોન ઊચકે છે.)

અંકલ : બોલીએ પાટીલ સાબ (બનાવટી હસીને)

પાટીલ સાબ : ક્યા બોલીએ, યે ક્યા બાત સૂન રહા હું ? ચિરાગ જૈન કા દિવાલા નિકલને વાલા હૈ ?

અંકલ : નહિ પાટિલસાબ ! ઐસા કુછ નહિ હૈ યે સબ ચિરાગ જૈન કે દુશ્મન હૈ જો માર્કેટ મે ઐસી અફવાયે ફૈલા રહા હૈ.

પાટીલસાબ : તો ચિરાગ જૈન સામને આકર સબકા મુંહ ક્યું નહિ બંધ કર દેતે ?

અંકલ : હા 2 દિન મેં સબકા મુહ બંધ હો જાયેગા.

પાટીલસાબ : ચલો દેખતે હૈ કૌન કિસકા મુહ બંધ કરતા હૈ ?

(ફોન કટ થાય છે.)

અંકલ : યાર વિષ્ણુલાલે તો જબરી અફવા ફેલાવી છે. દેશથી વિદેશ સુધી ચિરાગની ઇમેજ બગાડી નાંખી. જાણી જોઈને વિષ્ણુલાલ આવુ કરે છે. ચિરાગે તેને બિઝનેસ કમિટીના ઇલેક્શનમાં બહુ ભારી મતે હરાવ્યા હતાં. તે દિવસથી તે ચિરાગને પાડવા માટે કમર કસી રહ્યો હતો. આજે બાજી તેના પાસે છે તેથી તે તેનો ફાયદો ઉઠાવે છે પણ એક વાર ચિરાગને આવી જવા દે પછી તેને હું નહિ છોડીશ.

રઘુ : હા સાહેબ, ઈંટ કા જવાબ પથ્થર સે દેગે. પણ ચિરાગસર ક્યારે આવશે?

અંકલ : હા 5 દિવસનું કહીને ગયા હતા. 5 ના 10 દિવસ થયાં. કંઈ ખબર નથી પડતી ચિરાગ ક્યાં હશે ? કેવા હાલમાં હશે ? કોઈ પ્રોબલેમ તો નથી થયો ને જેના લીધે ચિરાગ વાયદા પ્રમાણે નહિ આવી શક્યો ?

રઘુ : આમાં ચિરાગસરના દુશ્મનોનો તો હાથ નથી ને ?

અંકલ : ખબર નથી. પણ મારુ દિલ કહે છે કે તે આવશે ! જરૂર આવશે. મને ચિરાગ પર વિશ્વાસ છે.

રઘુ : હા સાહેબ મને પણ.

[અંધારું]

[સાતમું દ્ગશ્ય]

(પાંચમો દિવસ ‘વૅલેન્ટાઇન ડે’ આવી ગયો છે. એ દિવસ આવી ગયો છે કે ચિરાગ માટે કાલથી યુવાનીનો દરવાજો હંમેશ ના માટે બંધ થઈ જશે અને તેના બીજા દિવસથી ચિરાગ પોતાના મૂળ રૂપમાં આવી જશે. ચિરાગ વૅલેન્ટાઇન ડે ઉજવણીનો સામાન અને દીયા માટેની ગીફટ લઈને તેની રાહ જોઈ રહ્યો છે. તેના મનોમંથનમાં હજારો સવાલો રમી રહ્યા છે. તે વિચારી રહ્યો છે કે દીયાને હકીકત કેવી રીતે કહું ? કેવી રીતે કહું કે તેને દીયાના સપનાનું ઘર છોડીને પોતાની દુનિયામાં જવાનું છે. શું દીયા મારી વાત સમજશે કે ધોકાબાજ કહીને ધુતકારી દેશે ? દીયા ચિરાગની પછાડથી આવીને આંખો બંધ કરી દે છે. ચિરાગ તરત ઓળખતાં કહી દે છે ‘દીયા’.)

દીયા : અરે યાર ! ઓળખવામાં ટાઈમ તો લગાડતે ?

ચિરાગ : દીયા, તું મારી ઓળખાણ છે તને ઓળખવામાં શેની વાર લાગે !

દીયા : ઓહ્હ !

(દીયા ચિરાગની બાજુમાં બેસી જાય છે.)

દીયા : એટલો પ્રેમ કરે છે ?

ચિરાગ : પ્રેમ ? હા તું એને પ્રેમ કહી શકે પણ મારા માટે તો સપનું છે ! રાત્રે જોયું સવારે યાદ આવ્યું અને બીજા દિવસે ભુલાઈ ગયું ?

દીયા : ચિરાગ, છેલ્લા કેટલાં દિવસથી જોઉં છું તું સાવ અલગ-અલગ વર્તન કરે છે.

છેલ્લા ચાર દિવસથી અનુભવ કરું છું કે જાણે તું મને ફરી પાછો મળવાનો જ નહિ હોય ! અને આજે પાંચમો દિવસ છે. તું મને કહતો હતો ને મારા બધા સવાલોના જવાબ પાંચમા દિવસે મળી જશે ? તો ક્યારે આપશે?

ચિરાગ : હા તને આજે બધાં સવાલોના જવાબ મળી જશે.

દીયા : તો પહેલા મારા એક સવાલનો જવાબ આપ.

ચિરાગ : કયો સવાલ ?

દીયા : તું મારા સાથે લગ્ન કરશે ?

ચિરાગ : ફરી એ જ સવાલ ? સાચા પ્રેમનું પ્રમાણપત્ર ફક્ત લગ્ન જ નથી.

લવમૅરેજ કરવાવાળાના પણ છુટાછેડા થતા હોય છે. સાચા પ્રેમમાં પ્રેમ કરવું નથી પણ પ્રેમ નિભાવવું મહત્વનું છે.

દીયા : ચિરાગ આ બધાં વાક્યો વાંચવા કે સાંભળવામાં સારા લાગે. પણ અનુભવ કરવું અઘરું છે. તને શું તકલીફ છે તે તો બોલ ? શું છુપાવે છે ? મારો પ્રેમ એટલો પણ કમજોર નથી કે હકીકતનો સામનો નહિ કરી શકે.

તારા લગ્ન પહેલે થઈ ચૂક્યા છે ?

સગાઈ થઈ ચૂકી છે ?

કોઈ ગુનો કર્યો છે ?

અનાથ છે ?

કે પછી કોઈ જીવલેણ બીમારી ? આવા કોઈપણ કારણની પરવા કર્યા વગર હું તને પ્રેમ કરુ છુ ! તો તને શું તકલીફ છે ?

(દીયાના પ્રશ્નો બંદુકની ગોળીના જેમ છૂટી રહ્યા હતા અને ચિરાગ ખુલ્લી છાતીએ ગોળીઓ સહન કરી રહ્યો હતો.)

ચિરાગ : તકલીફ તને સમજવાની નથી. તકલીફ તને સમજાવાની છે.

દીયા : ચિરાગ, એક વખત કહીને તો જો. તારી મુશ્કેલી મને આપીને તો જો.

તારા બધાં ગમ અપનાવી લઈશ એકવાર મને અજમાવી તો જો.

ચિરાગ : દીયા તને કેવી રીતે સમજાવું.

દીયા : કેમ તને મારા પર વિશ્વાસ નથી ? (પ્રશ્નની નદીને અનેક વહેણ ફૂટતાં હતાં કારણકે ચિરાગનાં સીમિટ જવાબો દીયાની તરસ છિપાવવા પર્યાપ્ત ન હતાં.)

ચિરાગ : તું મારા પર વિશ્વાસ રાખ દીયા, આજે વૅલેન્ટાઇન ડેની રાતના બાર વાગ્યા પહેલા તને બધી હકીકત કહી દઈશ. બસ તું મને ખોટો ના સમજતી.

દીયા : ઠીક છે હું બાર વાગ્યેની રાહ જોઈશ.

ચિરાગ : ઓ.કે તો ચાલો વૅલેન્ટાઇન ડે ઉજવણી કરીએ. તને ગીફટ ખૂબ ગમે છે ને ?

જો આટલાં બધાં ગીફટ તારા માટે જ તો લાવ્યો છું. હું આ વૅલેન્ટાઇન ડે યાદગાર કરવા માંગુ છુ.

(વૅલેન્ટાઇન ડે પાર્ટીની ઉજવણી ચાલુ થાય છે. કૅક લાવે છે અને કૅક ઉપર મીણબત્તીની જગ્યે દીવા મૂકે છે.)

દીયા : આ દીવાઓ ? આજે વૅલેન્ટાઇન ડે છે દિવાળી નહિ.

ચિરાગ : હા આજે દિવાળી નથી પણ આજે શુભપ્રસંગ તો છે ને ? આપણે શુભપ્રસંગમાં દીવાઓ સળગાવીને ઊજવીએ છે ને ! એટલે મીણબત્તી બુઝાવવા કરતા દીપ પ્રગટાવીને ઊજવીશું.

દીયા : હા વાત તો ખરી છે. આવો વૅલેન્ટાઇન ડે તો કોઈએ ના ઊજવ્યો હશે.

(ઉજવણી આરંભ કરતા એક દીવો ચિરાગ અને બીજો દીવો દીયા પ્રગટાવે છે. ચિરાગ દીયા સાથે એક એક પલ એવી રીતે ગુજારે છે જાણે તેના જીવનના આ છેલ્લા ક્ષણો હોય. આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી સમાપ્ત થાય છે.)

દીયા : આટલાં બધાં ગીફટ લાવ્યો છે પણ આપવોનો ક્યારે ?

(ચિરાગ ઘડિયાળમાં જુએ છે.)

દીયા : પ્લીઝ ! ચિરાગ મને હકીકત ક્યારે કહશે ? તારી આખોમાં મને જુદાઈનો દર્દ દેખાઈ રહ્યો છે. હું જોઈ રહી હતી કે તું ઉજવણી એવી રીતે કરી રહ્યો હતો જાણે આપણે બીજીવાર મળવાના જ નહિ હોય. પ્લીઝ ચિરાગ ! હવે ધીરજનો બાંધ તૂટી રહ્યો છે.

ચિરાગ : હા દીયા ! હકીકત કહેવાનો સમય આવી ગયો છે. આ હકીકત જેનાથી તને હજી સુધી વંચિત રાખી હતી. હવે તારાથી કંઈ છુપાવીશ નહિ. પણ દીયા હકીકત કહવાં પહેલા કહી દઉ છું છે આ વાત તને બનાવટી વાર્તા જેવી લાગશે અને તું વિચારશે કે આવા આધુનિક યુગમાં આ બધું પૉસિબલ નથી.

દીયા : નહિ વિચારું બસ !

ચિરાગ : દીયા, એક વચન પણ આપ કે વાત જાણ્યા પછી તું મને ખોટો નહિ ગણે ! કે ધોખેબાજનું ઉપનામ નહિ આપે ! કારણ કે કોઈને ધોકો આપવો કે જવાબદારીથી ભાગી જવું મારા લોહીમાં જ નથી. અગર હું દગો જ આપવાનો હોત તો સાચી હકીકત કહ્યા વગર જ ભાગી ગયો હોત. પણ હું તારી સામે છું કારણ કે હું પણ તને એટલો જ પ્રેમ કરુ છુ જેટલો તું કરે છે.

દીયા : ચિરાગ, મને તારી આંખમાં સચ્ચાઈ દેખાઈ રહી છે મને તારા પર વિશ્વાસ છે

ચિરાગ : થેન્ક યુ દીયા.

(ચિરાગ ઉભો થાય છે. પોતાની હકીકત વ્યકત કરવાનું આરંભ કરે છે.)

ચિરાગ : દીયા, મારી હાલની ઉમર 30 વર્ષ છે પણ આજ થી 10 દિવસ પહેલા 50 વર્ષની હતી.

દીયા : શું ? આજથી 10 દિવસ પહેલા તારી ઉમર 50 વર્ષની હતી ? મતલબ ?

જનરલી બધાની ઉમર આજથી ગણવા જાય તો મૂળ ઉમર કરતા ઓછી હોય છે ! અને 50 વર્ષ આ શું છે ?

ચિરાગ : (થોડું હસે છે જાણે દીયાના હાવભાવ પહેલેથી ખબર હોય) મને ખબર છે તને સમજવામાં તકલીફ થશે એટલે જ તો આખી વાત સંભાળવા વગર તને ખબર નહિ પડે.

દીયા : ઑ.કે સંભળાવ.

ચિરાગ : મારુ નામ ચિરાગ જૈન છે. ચિરાગ ઍક્સ્પૉર્ટ, ચિરાગ ટૅક્સટાઈલ વગેરે વગેરે ...નો માલિક.

દીયા : ચિરાગ જૈન ? નંબર વન બિઝનેસ મૅન ? બને જ નહિ તેની ઉમર તો 50 વર્ષની છે અને તારી ઉંમર તો.... ? (દીયા અચરજમાં પડતાં ચાલુ વાતમાં શબ્દો સરી પડ્યાં.)

ચિરાગ : દીયા મેં કહ્યુને .. આખી વાત જાણ્યા વગર તને ના ખબર પડે.

દીયા : ઓહ્હ ! ઑ.કે ઑ.કે સોરી

ચિરાગ : જો શરૂયાતથી કહુ, ધ્યાનથી સાંભળજે.

(ચિરાગ ભૂતકાળમાં સરી પડે છે.)

ચિરાગ : મારા ખાનદાનનો વારસાગત બિઝનેસ હતો. સૌથી આગળ વધવું અને ટોચ પર રહેવું આ પેઢીનો નિયમ હતો. મારા ખાનદાનને આગળ ચલાવવા માટે હું આખરી કુળદીપક હતો એટલે તો મારુ નામ પણ ચિરાગ રાખ્યું હતું.

(જોરદાર બેક ગ્રાઉન્ડ સાઉન્ડ સાથે ચિરાગ પોતાની વાત કરતો રહે છે અને દીયા વાત જાણવાની મનોઇચ્છાને કાનમાં રાખીને એકીટસે સાંભળે છે.)

ચિરાગ : આમ આવી રીતે મને મારી યુવાનીની ખોટનો અનુભવ થયો અને ખોટને પૂરવા ભગવાનના મંદિરે ગયો. એ મંદિર મારી ઓફિસની બાજુમાં જ છે અને ત્યાં મને હઠયોગી બાબા મળ્યા. દીયા ! ખબર તો પડે છે ને ? (સાચી લાગણી છલકાવતાં કહ્યું)

(દીયાના કપાળ ઉપરથી એકાદ કરચલી માંડ અદ્રશ્ય થઈ કારણકે ચિરાગે જણાવેલી વાતો બધી લકીરો ભૂસવા પર્યાપ્ત ના હતી.)

(ફરી એ જ જોરદાર બેક ગ્રાઉન્ડ સાઉન્ડ સાથે ચિરાગ પોતાની વાતો હાથના ઇશારે કરતો રહે છે.)

ચિરાગ : આવી રીતે બાબાએ 1 દિવસ બરાબર 1 વર્ષ મારી વાસ્તવિક ઉંમરમાં વધારા સાથે મે તે શરત મંજૂર કરી.

દીયા : ઑહ માય ગૉડ ! શરત મંજૂર કરી ?

ચિરાગ : હા ! કેમકે યુવાનીમાં જીવવાનું સપનું પણ મારું જ હતું અને કૂદી પડ્યો

યુવાનીના સરોવરમાં. રંગાવા લાગ્યો યુવાનીના રંગમાં.

યુવાનીના રૂપમાં તારી સાથે મુલાકાત થઈ. મુલાકાત પ્રેમમાં પરિવર્તન થઈ. તારા પ્રેમમાં સમયની કંઈ ખબર ના જ પડી. હું તને એટલી હદે પ્રેમ કરતો થઈ ગયો કે મને મારુ ભાવી યાદ ના રહ્યું કે હું તો ફકત યુવાનીમાં મહેમાન બનીને આવ્યો છું થોડા સમય પછી તો વતન ભેગું થવું પડશે. હું આ વાત તારાથી છુપાવવા માંગતો ન હતો પણ તને ગુમાવવામાં પણ નહિ માંગતો હતો. તારો પ્રેમ જ મારી આગામી જીવનનો સહારો હતો. હું પાંચ દિવસ માટે જ આવ્યો હતો. આ ઉધારીના પાંચ દિવસ તો તારી સાથે 5 સેકંડની જેમ સરી ગયા. હું તને બધી હકીકત કહેવા માંગતો હતો પણ હકીકત કહેવામાં પણ દિવસ ક્યાં હતાં. બાબાના શરત પ્રમાણે જો હું તને હકીકત કહી દેત તો બીજા દિવસે જ હું એટલો વ્રુધ્ધ થઈ જાત કે તું મને ઓળખી પણ ના શકત ! તેથી હું ફરી યુવાનીનો સમય વધારવા બાબા પાસે ગયો. બાબાને મે આપણા પ્રેમની વાત કરી. બાબાએ પણ પ્રેમ આગળ નમતી આપીને 1 દિવસ બરાબર 3 વર્ષોનો વધારાની શરતે બીજા 5 દિવસની મંજૂરી આપી. આજે 12 ના ટકોરે મારૂ ઉધારનું જીવન તારી સમક્ષ સમાપ્ત થઈ જશે. કાલેથી હું 75 વર્ષનો વ્રુધ્ધ થઈ જઈશ. (ચિરાગના ગળે ખખરી બાઝી ગઈ હતી બોલતી વખતે અવાજ ધ્રૂજતો હતો. તેના ગળામાંથી સળસળાટ નીકળતા શબ્દોમાં સહેજ રુકાવટ આવી.)

(દીયાએ ચિરાગની વાતો સાંભળતાં-સાંભળતાં ગંભીર ચહેરે એક સૅન્ટિમીટર જેટલું હાસ્ય બનાવી મુક્યું હતું જાણે તેને એમ લાગતું હતું કે તે મજાક કરતો હશે પણ તેની વાતો જેમ આગળ વધતી ગઈ તેમ તેમ ચહેરો ગંભીર બનતો ગયો. દીયાએ ચિરાગના શબ્દોને પૂર્ણ વિરામ આપવા તેનો હાથ તેના હોઠ પર મૂકી દીધો.)

દીયા : ચિરાગ તું મારા સાથે મઝાક કરે છે ને ? જે હોય તે હવે બધું બંધ કર.

તું મને ઉલ્લુ બનાવવા માંગતો હોય તો હું ઉલ્લુ બની ગઈ બસ. મારી સહનશીલતાની પરીક્ષા ના લે. તારી જીત થઈ બસ ! (બોલતાં દીયાનું ગળું રૂંધાઈ રહ્યું હતું.)

(ચિરાગે દીયાનો હાથ પોતાના હાથમાં રાખી આગળની હકીકત વધારી.)

ચિરાગ : ગણિતનો દાખલો ખોટો પડે પણ ગણિત નહિ. મરતો માણસ કોઈ દિવસ મઝાક નહિ કરે. જુઠ્ઠુ નહિ બોલે. દીયા હું મરી રહ્યો છું. કાલથી મારું શરીર એક ખોખું બનીને જીવશે. મને માફ કરજે દીયા પણ આ જ હકીકત હતી. આ હકીકત મારા દિલ પર બોજ હતી જે તને કહી દીધી હવે તું મને કંઈપણ સજા આપી શકે છે.

(આંસુના વહેણ સાથે શબ્દો વહી રહ્યાં હતાં અને હૃદય હચમચાવી દે તેવી દિલની દાસ્તાનનો અંત આવ્યો. ચિરાગની પાંપણો પર આંસુઓ ચોંટીને ચમકી રહ્યા હતા. હકીકત જાણ્યા પછી દીયાની આંખમાં વીજળી પડી હોય તેમ જોરદાર આશ્ચ્રર્યના ઝટકા સાથે તે સ્તબ્ધ બનીને ચિરાગ સામે તાકી રહી હતી. જાણે તેના માથે આભ તૂટી પડ્યું હોય.)

દીયા : હવે હું શું સજા આપુ ? તું જે તકલીફમાંથી પસાર થઈ રહ્યો છે તે શું સજા કરતાં ઓછી છે ? પણ તું જ્યારે બીજા 5 દિવસ માટે આવ્યો હતો ત્યારે જ આ બધી હકીકત કહવું હતું ને ? મને શાં માટે અંધારામાં રાખી ? (દીયા આખોંમાં આંસુઓનો વરસાદ વરસાતી બોલતી હતી.)

ચિરાગ : મને ખબર હતી કે તું આજ સવાલ પૂછશે ? પણ દીયા મને બીક હતી કે કદાચ તું સચ્ચાઈ જાણીને મને ખોટો સમજતે અને ક્દાચ મને છોડીને પણ જતી રહેત ! બીજી બીક એ પણ હતી કે હું કદાચ સાચી હકીકત તને કહી પણ દેત પણ તું હકીકત જાણ્યા પછી મારા પ્રત્યેનો તારો શુદ્ધ પ્રેમમાં દયા, લાચારી, સહાનુભૂતિ અને લાગણીનો ભેળસેળ થાત. મારે આ પાંચ દિવસ તારો નિખાલસ, નિઃસ્વાર્થ અને નટખટ પ્રેમની ગીફટ જોઇતી હતી.

દીયા : ઘણીવાર વિચારેલુ સાચું નથી હોતું ! હવે તો હકીકત જાણ્યા પછી મારો પ્રેમ તારા પ્રત્યે વધી ગયો છે તે પણ લાચારી કે દયાની ભાવનાથી નહિ. બલ્કે શ્રદ્ધા અને વિશ્વાસથી. હવે તું પોતાના સમયમાં ક્યારે પણ જશે ! જ્યાં પણ જશે ! હું તારી સાથે હોઈશ. તારી ઉમરનો વધારો મારા પ્રેમમાં ઘટાડો નહિ કરી શકે !

ચિરાગ : અરે ! ગાંડી, તને ખબર પણ છે કાલથી મારી ઉમર કેટલી થઈ જશે? સાથે ઉભા પણ રહેશું તો સમાજને દાદા અને પૌત્રીની જોડી લાગશે !

દીયા : કંઈ પણ થાય હું તારી સાથે જ રહીશ. મેં પણ પ્રેમ સમાજને જોઈને નથી કર્યો યાદ છે ને તું જ કહેતો હતો ને ?

ચિરાગ : દીયા, જરા પ્રૅકટીલ થઈને વિચાર ? આ બધું ફિલ્મમાં શક્ય લાગે ! હકીકતમાં નહિ. આપણે એકબીજાને સાચો પ્રેમ કરીએ છીએ અને સાચા પ્રેમની સાબિતી સાથે જ રહીને આપી શકાય એ જરૂરી નથી. લોકો મળવા વગર અને લગ્ન કરવા વગર પણ સાચા પ્રેમને અમર રાખે છે. સાચો પ્રેમ પોતાના પ્રેમીને ખુશ રાખવામાં જ છે.

દીયા : પણ તું તો મને તું દુ:ખી કરીને જઈ રહ્યો છે ને ?

ચિરાગ : એ દુ:ખ નહિ તારી જીદ છે. તારી પાસે વિશાળ સમુદ્ર જેવું જીવન છે અને મારુ જીવન ખાબોચિયાં જેવું ! તેમ પણ હવે સુકાવવાને આડે છે. ખરેખર તું હકીકત સમજવા માંગતી નથી તો તું ક્યાંથી મારો પ્રેમને સમજવાની ?

દીયા : શું તારો પ્રેમ સમજવાનો. એક તરફી પ્રેમ. પોતે જ નિર્ણય લેવાનો ? બીજાનો વિચાર પણ ના કરવાનો ?

ચિરાગ : તારો જ વિચાર જ કર્યો છે દીયા ! મારો પ્રેમ એક તરફી નથી દ્વિતરફી છે જો ગીફટ તેની સાબિતી આપશે !

દીયા : ગીફટ ?

ચિરાગ : હા, મારા મનગમતાં સ્નેહી માટે તેની મનગમતી ગીફટ.

દીયા : કોઈ ગીફટ નથી જોઇતી.

(દીયા મોઢું ફેરવીને બેસી જાય છે.)

ચિરાગ : જ્યારે તારા લગ્ન થશે ત્યારે તારા માઁ-બાપને યાદ કરીને રડશે ત્યારે બે આંસુ મારા નામના પણ વહાવી દેજે દીયા......

(ચિરાગની આંખોમાં અશ્રુની રેલ આવે છે. દીયા ચિરાગ તરફ ભીની આંખે જુએ છે. ચિરાગ બાહો ફેલાવીને દીયાને બોલાવે છે. એક તરફ પ્રેમથી ભરાયેલું છલોછલ સરોવર હતું અને બીજી તરફ નકરી પ્યાસ હતી. આ બન્નેને જોડનાર સેતુની કમી હતી. દીયા ઘેલી થતી ચિરાગની બાહોમાં સમાઈ જઈ જોર-જોરથી રડીને ચિરાગની કમી જાહેર કરે છે. જાણે તેઓ બન્ને જ નહિ રડી રહ્યા હતા પણ ત્યાં ઉપસ્થિત એ સમય, ક્ષણ, હવા પણ તેમના રુદનમાં સુર મિલાવતા હોય.)

ચિરાગ : મારા ગયા પછી પણ હું તને ચાહીશ અને મારી ગેરહાજરી આ બધી ગીફટ મારા પ્રેમની હાજરી આપશે.

(ચિરાગ ગીફટ એક-એક કરીને ખોલે છે. ચિરાગ દીયા માટે દુલહનની લાલ સાડી અને શ્રુગાર કાઢે છે. ચિરાગના હાથોમાં લગ્નનું લાલ ઘરચોળું, કુમકુમ અને મંગલસૂત્ર જોઈ દીયાની આંખોમાં એક ખુશીનો એક ચમકારો થયો. કેમ ના થાય ? એક સ્ત્રી માટે આ જ તો અમુલ્ય આભુષણો હોય છે. આની જ તો સ્ત્રી મનોમન કલ્પના કરતી હોય છે. દુલહનની લાલ સાડી અને શ્રુગાર જોઈ દીયા ચિરાગ પર મબલક પ્રેમ વરસાવતી નજીક આવે છે. ચિરાગ દુલહનની લાલ સાડી ખોલીને દીયાને માથે ઓઢાડે છે. આ ઘટનાનું સાક્ષી વાતાવરણમાં લગ્નની શરણાઈ ગુંજી ઉઠે છે. હાથમાં બંગડી પહેરાવે છે વાળમાં ટિક્કો ખોસે છે અને બાકીનો સામાન દીયાના હાથોમાં આપી દે છે. દીયાએ સામાનમાં મંગલસૂત્ર અને કુમકુમ પણ જોય છે.)

દીયા : તારી દુલહનને તે તારા હાથે શણગારી તો દીધી પણ આ બધો શણગાર મંગલસૂત્ર અને કુમકુમ વિના અધુરો છે આને કેમ બાકી રાખ્યું ? (મંગલસૂત્ર અને કુમકુમ ઉપર હેતભર્યો હાથ પસરાવતી બોલી.)

ચિરાગ : મંગલસૂત્ર અને કુમકુમ તો બાકી જ રહશે. દીયા દિલની ઇચ્છા તો હતી કે તને દુલહનના રૂપ જોઉ ! પણ કંઈ નહિ જ્યારે તું લગ્ન કરશે તો આજ સાડી પહેરજે. હું તો સપનામાં છું કાલની ઊંધ તૂટવાની સાથે સપનું પણ તૂટી જશે પણ તું તો હકીકતમાં છે તું તારા સુખથી કેમ વંચિત રહે ?

દીયા : નહિ ! હું તારા સિવાય કોઈ સાથે નહિ પરણુ. તું પછી તેને જીદ સમજે કે પ્રેમ મને કંઈ પરવા નથી.

ચિરાગ : તો તું મારી મનની ઇચ્છા પુરી નહિ કરે ! એક કૈદીને પણ ફાસી લટકાવવા પહેલા મનની આખરી ઇચ્છા પુરી કરવામાં આવે છે તું મારી મનની ઇચ્છા પૂર્ણ નહિ કરે ? પ્રેમ કરવા કરતા પ્રેમ નિભાવવો અધરો છે આ હકીકત તું એ સાબિત કરી દીધી. તું એ પ્રેમ કરી લીધો પણ નિભાવવામાં અસક્ષમ નીવડી.

(આટલું બોલીને ચિરાગ જરા દુર થાય છે.)

દીયા : ઠીક છે ચિરાગ ! મારા સાચા પ્રેમની સાબિતી તને હસતા વિદાય કરવાની છે તો તે પરીક્ષા માટે પણ હું તૈયાર છું.

(ચિરાગને રોકવાની આજીજી કરતા-કરતા દીયાનાં શબ્દો સુકાઈ ગયા હતા. ચિરાગ દીયાના મોઢે સ્વીક્રુતિ મેળવતાં તેનો બાહો ફેલાવી આવકારે છે. દીયા દોડીને ચિરાગની બાહોમાં સમાઈ જાય છે.)

દીયા : બીજુ શું લાવ્યો ? તારી ગીફટ જ તારી યાદો બની રહશે.

ચિરાગ : તારા આવનાર બાળક માટે રમકડા ઝભલાં ....

(ઝભલાં, રમકડાને જોઈ દીયાની આખોમાંથી વહેતા આંસુંની ધારામાં વધારો થયો.)

ચિરાગ : દીયા મેં આપેલી વસ્તુ તને મારી યાદ અપાવશે. તું કદાચ મને ભૂલી જશે પણ તને ભૂલવામાં મારુ જીવન જશે.

દીયા : ચિરાગ, મેં તારી બધી વાત માની તું મારી એક વાત માનશે ?

ચિરાગ : બોલ દીયા, તારા માટે આજે જીવ જાય તો પણ ઓછું છે.

દીયા : હું ઇચ્છુ છું કે તું મને તારે હાથે મંગલસૂત્ર પહેરાવે અને મારી માંગ કુમકુમથી પુરે.

(થોડા સમય પછી આનંદના ઠંડા વાયરાએ આંખોમાંથી વહેતી નદીઓને સુકાવી દીધી. ચિરાગ દીયાની મનોચ્છા પૂર્ણ કરતા મંગલસૂત્ર પહેરાવી અને કુમકુમ હોઠ પર લગાવીને માંગ પર ચૂમીને માંગ પુરે છે.)

ચિરાગ : મને માફ કરજે દીયા. હું તારો સાથ આપી નહિ શકયો પણ હું વચન આપુ છું કે આગલાં જનમમાં આપણે એક થશું. (શરીરમાં ફરી ખેંચાણ આવ્યું અને પોતે ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યો.)

દીયા : હું પણ કેવી અભાગી છું ભગવાને પહેલીથી જ માં-બાપનો સહારો છીનવી લીધો હતો હવે મારી સામેથી મારો પ્રેમ જઈ રહ્યો છે પણ હું કંઈ નથી કરી શકતી ! કાલથી તું અહીં નહિ હોય ?

ચિરાગ : કાલે શું થશે એ કાલનો સૂરજ કહેશે એની ફિકર આજની રાતના ચંદ્ર ઉપર શા માટે થોપવી.

(બન્ને એકબીજાને આશ્વાસન આપતાં પરસ્પર ઓગળી ગયાં. આ વખતે બન્નેની આંખોમાંથી વહેતા આંસુમાં ભીષણ તીવ્રતા હતી.

12:00 વાગ્યાના ટકોરા થાય છે. ટન ..ટન....

ચિરાગ દિલ પર પથ્થર રાખી ઉભો થાય છે. તે દીયાથી જુદો થઈ રહ્યો છે. ચિરાગ તેનાથી તનથી છૂટો પડી રહ્યો છે પણ મન તો દીયાને હવાલે કરી દીધું છે. દીયા પણ આંસુનો ગુલદસ્તો આપીને વિદાય આપતા આંસુની વર્ષા કરતી રહે છે. 12:00 વાગ્યાના 12 ટકોરા વાગતા બંધ થતા અંધારું થઈ જાઈ છે.

દીયા જોરથી બૂમ પાડે છે ‘ચિરાગ....’

(ચિરાગ જતો રહ્યો છે. ત્યાં ફકત બે દીવાઓ પ્રકાશિત છે જે ચિરાગે અને દીયાએ પ્રકાશિત કર્યા હતાં. થોડી ક્ષણો પછી એક દીવો બુઝાઈ જાય છે. જે ચિરાગે પ્રગટાવ્યો હતો.)

[અંધારું]

Please send your feedback on email – sanjay.naika@gmail.com