Turning point in L.A. - 22 books and stories free download online pdf in Gujarati

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 22

ટર્નિંગ પોઇંટ ઇન એલ..

પ્રકરણ ૨૨

હજી તો મને ૨૧ જ થયાં છે

લોલક પાછું પલટાયું. પ્રિયંકા મેમની વાત તો સાચી છે. તેઓ પણ તેમનું નામ દાવમાં મૂકે છે ને? વળી આ પ્રોજેક્ટ માટે નાણાં પણ પાંચ ગણાં ખર્ચે છે..એક રોગના ઇલાજ તરીકે રજૂ થતી કથામાં ગલગલિયાં હશે કે નિદાન. પોલીસ પિતા માટે તેના મનમાં માન વધી ગયું. પુખ્તતા આવે સમયે મપાઈ જાય. વાત તૂટે પણ નહીં અને ક્યાંય અંધારામાં ના રહેવાય.. પહેલી વખત ૬ આંકડાની રકમ મળવાની હતી તેને એમ જ ના છોડાય..

સાહ્યબો પણ વીક ઍન્ડમાં આવવાનો હતો. જોકે તે તો ઝઘડવાનો જ છે પણ કોઈ નિરાકરણ પણ આવી જશે..

સાંજે પ્રિયંકાજીએ સમાચારપત્રનાં કટિંગોથી ભરેલ એક ફાઈલ આપી જેમાંથી કથા તેઓ બાંધી રહ્યાં છે. એલ એ.ની બે બહેનોની કથા હતી. અને તે કથાને સાયકોલૉજીસ્ટે કેવી રીતે સારવાર આપી વગેરે બાબતોથી ભરેલ ફાઇલ હતી. દૃશ્ય હજી લખાય છે એમ કહી ગુગલ પરનાં સંશોધનોની લિંક આપી હતી.. મડોના અને લેડી ગાગા ઉપર સૌથી વધારે સાહિત્ય હતું તેથી એટલું તો રામઅવતાર કળી શક્યા કે રૂપા મડોનાના ભારતીય સ્વરૂપમાં હતી અને લેડી ગાગાનું પાત્ર પરીનું હતું.

જાનકીને વાત કરતાં રામઅવતાર બોલ્યા, “પ્રિયંકાજીને ફોન કરી પૂછી લે કે મેડોના અને લેડી ગાગાનાં પાત્રો છે ? જો તેમ હોય તો કોઈ અફસોસની વાત નથી..સ્ક્રિપ્ટ લખાયા પછી નિર્ણય લઈએ તે ચાલશે?”

રૂપા કહે, “મારી છબી કરતાં પ્રિયંકાજીની છબી ઘણી મોટી છે. અને એક વાત સમજવી જરૂરી છે. કથા માંગે તેવાં દૃશ્યો આપવાં તે તો અભિનેત્રીની ફરજ છે. મને લાગે છે આ વાતને અહીં છોડી દઈએ. મારે લાખ ડૉલર છોડવા નથી. અને હજી તો સાહ્યબાની લટકતી તલવાર છે. મને લગન પછી કામ ના પણ કરવા દે.”

“મેડોનાનું અને લેડી ગાગાનું પાત્ર તો મ્યુઝિક માટે મોટાં નામો છે. ત્યાં નગ્નતા આવશે તે વિચાર મને તો બેવકૂફી ભરેલો લાગે છે.”

“પણ હવે ના કેવી રીતે પાડશું?” રામઅવતારે મનની ગૂંચ બતાવી..

જાનકી કહે, “એ કામ હું કરીશ. તમે લાલ લાઇટ બતાવી દીધી તેટલું પૂરતું છે.”

“પણ રોલ મડોનાનો છે તે તો જાણી લે.”

“રોલ ભારતીય મડોનાનો છે એટલે કથામાં નગ્નતા રોગ તરીકે હશે. કામુકતાને ઉશ્કેરે તેવું નહીં હોય. વળી ભારતનું સેન્સર બોર્ડ અમેરિકા જેટલું ઉદાર નહીં હોય.”

રામઅવતાર જોઈ રહ્યા હતા કે રૂપાના ગમા–અણગમા હવે પુખ્ત સ્ત્રીની જેમ બહાર આવી રહ્યા હતા. ગમે તેમ તો અમેરિકામાં જન્મેલી અને ઊછરેલી હતી તેથી વડીલ તરીકે જે ચિંતા વ્યક્ત કરવી જોઈએ તે વ્યક્ત કરી તેના અમલ વિશે આગ્રહ ન રાખવો તેવું તે સમજતો હતો.

જાનકીએ ફોન કરીને પ્રિયંકાને કહી દીધું કે રામઅવતારજીને આપના પર પૂરો ભરોસો છે. તમે બન્ને દીકરીઓને પૂરો ન્યાય કરશો.

બીજે દિવસે સેટ ઉપર ચિત્ર વિષે વધુ વાત કરતાં મેડોનાનું પોષાકનૃત્ય અને લેડી ગાગાનું પોષાકનૃત્ય બતાવ્યું અને કહ્યું, ભારતીય નૃત્ય આના કરતાં વધુ ભભકાદાર હશે. સોલી અને ડૉલી બે બહેનો છે પણ બન્ને ઉત્તર અને દક્ષિણ છે. સોલીનો રોલ રૂપા કરવાની છે અને ડૉલીનો રોલ પરી કરવાની છે. પ્રોજેક્ટની વધુ વિગતો આપવાની સાથે સાથે સાઇનિંગની રકમનો ચૅક અને કાગળિયાં સાઇન કરાવ્યાં. આ વખતે ફિલ્મમાં નૃત્ય સિક્વન્સ પહેલાં શૂટ થવાની હતી જે બે મહિના ચાલવાની છે. રૂપા તો ભારતીય નૃત્ય પદ્ધતિ તાલીમ સમયે શીખી હતી જ્યારે પરીને એક્સ્ટ્રા ક્લાસ લેવાના હતા. ત્રણ ગીત મ્યુઝિક સાથે ભારતથી આવી ગયાં હતાં. તેની પ્રેક્ટિસ કરાવવા ભારતથી નૃત્ય નિર્દેશક આવી ગયા હતા. બાકીનાં પાંચ ગીત તૈયાર થઈ રહ્યાં હતાં. નૃત્ય નિર્દેશક્ને મેડોનાનાં નૃત્યો બતાવી પ્રિયંકા મેમે કહ્યું હતું કે આપણાં નૃત્ય આ નૃત્યો કરતાં વધુ ભવ્ય અને તકનીકી રીતે શ્રેષ્ઠ હોવાં જોઈએ.

એક ગીતનું બન્ને બહેનો ઉપર સાથે અંગ્રેજીમાં ફિલ્મીકરણ કરવાનું હતું. તે ગીત બન્નેને યાદ કરવા આપ્યું અને મ્યુઝિક સાથે બન્ને સખીઓ તૈયાર થઈ રહી હતી. સાંજે ડ્રેસ આવી ગયો અને ડ્રેસમાં રિહર્સલ કર્યું. બીજે દિવસે ફરી એ જ રિહર્સલ. નૃત્યમાં જોઈતી નજાકત રૂપાથી આવતી હતી પણ પરી વારંવાર ભૂલ કરતી હતી. પ્રિયંકા જોઈ શકતાં હતાં કે નૃત્ય નિર્દેશક ખીજવાતો હતો.

લંચ પછી પરી એકલી નૃત્ય કરવાની હતી ત્યારે તેણે પરીને કહ્યું, “તું મનમાંથી ભય કાઢી નાખ. રૂપા સાથે તું સ્પર્ધા નથી કરતી પણ રૂપાના કરતાં અલગ તારી સ્ટાઇલ છે. તમે બન્ને એકમેકનાં પૂરક છો.” અને લેડી ગાગાની સ્ટિલ અપનાવવા કહ્યું.

શુક્રવારે સાંજે સાહ્યબો આવ્યો..ત્યારે ઍરપૉર્ટ ઉપર તેને લેવા જવા રૂપાએ ટેસ્લા લીધી અને બન્ને સખી સાથે પહોંચી. ઍરપૉર્ટ પરથી ગાડીમાં બેસતાં સાહ્યબો બોલ્યો, “મારું ડાબું અંગ અને જમણું અંગ લઢે છે, પણ કદી વિચાર્યું છે કે માર તો મને પડે છે.”

“અમે કેવી વિપદામાંથી પસાર થઈએ છીએ તેની સમજ પડે છે?” પરી બોલી.

ટેસ્લાની ચાવી સોંપતાં રૂપા બોલી, “લે સાહ્યબા, તું ગાડી ચલાવ અને અમારો ન્યાય કર. અમે ભટકી ગયાં છીએ અને માનીએ છીએ કે તારા અમે પહેલાં ગુનેગાર છીએ.”

“પહેલાં તો રૂપારાણી, અભિનંદન! ટેસ્લા ગાડીનાં અને પરી સાથેના નવા સંબંધોનાં..તેથી તેને નવી કારકિર્દી મળી હીરોઇન તરીકેની...

“જ્યોતિષજ્ઞ અનિલ શાહ કહે છે, બુધ, શનિ અને કેતૂ જેવા નપુંસક જ્યારે જન્મકુંડળીમાં નબળાં સ્થાનોએ યુતિ કરે ત્યારે આવું બને. પરીને તો હું ઢીબવાનો છું. બહેન તરીકે મારી રૂપાને જ બોટી? સાયકોલૉજિસ્ટ જિપ્સી પરેરા કહે છે, આ માનસિક વિકાર છે જે સરળતાથી મટી શકે છે.”

પરી અક્ષરના આવા પ્રતિભાવથી વધુ લજ્જિત થઈ. રૂપા તેને બહુ લજ્જિત કરવાને બદલે સહજ બનાવતાં બોલી, “મને તો મારી દોસ્તનું આ સ્વરૂપ ગર્વ આપે છે.. મારા બે દીવાનાં છે. મને બન્ને ગમે છે.”

અક્ષર કહે, “ના. મારે મારી બહેનને ભટકતી બચાવવી છે. પ્રભુએ તેને સંપૂર્ણ શરીર આપ્યું છે. મનની નબળાઈઓને કાબૂમાં કરીને આ જીવન સાચી રીતે જીવવાનું છે.” કુટુંબવ્યવસ્થાને બહુ સંવેદનશીલ કે બહુ બુદ્ધિશાળી લોકો પોતાની રીતે પોતાના હિત માટે તોડમરોડ કરતા હોય છે. તે લોકો બહુધા એકાકી જિંદગી જીવતા હોય છે. મારે તો એક જ બહેન છે અને મને ભાણેજા અને ભાણજી પણ જોઈએ છે..અને મને અલય પણ ગમ્યો છે...” રૂપા જોઈ રહી હતી, અક્ષરની ચિંતા મોટાભાઈ તરીકે સાચી હતી.

“દાદા, બધા જ પ્રશ્નોનું નિરાકરણ આજે જ કરી નાખશો?”

“હા. હજી એક વધુ પ્રશ્ન છે અને તે આ રૂપારાણી.”

“કેમ? મેં શું કર્યું છે?”

“તું એટલી બધી રૂપાળી છે કે બધાંને મોહિત કરી નાખે છે, તેથી હવે મારે તને એકલી નથી રહેવા દેવી..હું અહીં પાછો આવું છું અને આ ચલચિત્ર તારા વધુ દીવાનાઓ પેદા કરે તે પહેલાં હું વરવા માગું છું.”

“શું? શું? શું કરવા માગે છે?”

“લગ્ન કરવા માગું છું મારી પાગલ રાણી... હવે તને એકલી રાખવામાં મને વિના કારણ સજા થાય છે.”

“હજી તો મને ૨૧ જ થયાં છે...”

ટેસ્લાને ઘરમાં વાળતાં વાળતાં તે બોલ્યો, “રેસિડન્સી મને અહીંની કાયઝર હૉસ્પિટલમાં મળી ગઈ છે અને હવે એટલું તો કમાઈ શકીશ કે રૂપારાણીને રાખી શકું.”

***