Satya Asatya - 21 books and stories free download online pdf in Gujarati

સત્ય અસત્ય - પ્રકરણ - 21

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૨૧

કોઈ કશું સમજી શકે તે પહેલાં પોતાની જ ઑફિસમાં પોતાની જ ખુરશીમાં ફસડાઈ પડેલા ઠક્કર સાહેબનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. એમણે મદદ માટે બૂમો તો પાડી, પણ મદદ એમના સુધી પહોંચી શકે એટલી રાહ જોવાની કદાચ ઠક્કર સાહેબની ધીરજ ન રહી...

સત્યજીતે અચાનક કરેલા હુમલાથી એમને એટલો મોટો આઘાત લાગ્યો કે એમના પ્રાણ જ નીકળી ગયા.

અમોલાને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે એને લાગ્યું કે ઈશ્વરે ફરી એક વાર એનું પલ્લું ભારે કરી નાખ્યું હતું. ઠક્કર સાહેબની બધી જ સંપત્તિ હવે કાયદેસર રીતે અમોલાની હતી. પંદર દિવસમાં બેસણા વગેરેની વિધિ પૂરી કરીને અમોલા તૈયાર થઈને ઑફિસ જવા લાગી ત્યારે સોનાલીબહેનને નવાઈ લાગી.

“તું ઑફિસ જઈશ?” સોનાલીબહેનના અવાજમાં હળવો ડર હતો.

“નહીં તો શું તમે જશો ?” પિતાના મૃત્યુ સુધી અમોલાનું જે રૂપ માત્ર એકાંતમાં જ જોવા મળતું હતું એ હવે એનું કાયમી સ્વરૂપ બની ગયું હતું. છેલ્લા પંદર દિવસમાં એણે એક વાર પણ સોનાલીબહેન સાથે સારી રીતે વાત નહોતી કરી. વકીલોને ત્યાં દોડાદોડી કરતી અમોલાને તબિયત સાચવવાની કે દવા લેવાની સલાહ આપવા જતાં સોનાલીબહેનને અપમાન જ સહેવું પડતું હતું. તેમ છતાં લાગણીશીલ સ્વભાવના સોનાલીબહેન પોતાની જાત પર કાબૂ રાખી શકતા નહોતાં.

આજે પણ એમણે પૂછતાં તો પૂછી નાખ્યું, પરંતુ અમોલાએ જે રીતે જવાબ આપીને એમનું મોઢું તોડી લીધું એ પછી એમને પારાવાર અફસોસ થયો. બટન દબાઈ ચૂક્યું હતું. હવે અમોલા ચૂપ નહોતી રહેવાની, “તમારો દીકરો મારા બાપની ઑફિસે પણ બેસવા માંડે એવું ઇચ્છો છો ? પોતાના બાપના પૈસા નથી તોય આટલી દાદાગીરી કરે છે એ. હવે જો મારા બાપની ઑફિસમાં બેસવા દેવાની ભૂલ કરું તો મારા જેવું મૂરખ બીજું કોઈ નહીં.”

“બેટા, તું મા બનવાની છે. નવું નવું કામ...” સોનાલીબહેને ડરતાં ડરતાં ફરી એક પ્રયત્ન તો કર્યો જ.

“હું પ્રેગનન્ટ છું, બીમાર નહીં.” અમોલા વધુ તોછડાઈથી કહ્યું, “ને મનેય મારા કામની આડે આ છોકરું નડશે તો અબોર્શન કરાવી નાખતા હું અચકાઈશ નહીં એટલું યાદ રાખજો.”

“આ શું બોલે છે ?”

“બરાબર બોલું છું. આ છોકરું તમને ગમે તેટલું વહાલું હોય, પણ મારા માટે અત્યારે મારા બાપની ફેક્ટરી વધારે અગત્યની છે. છોકરાં તો થયાં કરશે. એને માટે લોહી-પસીનો વહાવીને મારા બાપે ઊભું કરેલું આ સામ્રાજ્ય તમારા છોકરાના હાથમાં નહીં જવા દઉં એટલું યાદ રાખજો.

સોનાલીબહેન કશું બોલ્યાં નહીં. અમોલા સેન્ડલનો ટક... ટક અવાજ કરતી બહાર નીકળી ગઈ. એ દિવસથી સોનાલીબહેનના ઘરનો નિત્યક્રમ તદૃન પલટાઈ ગયો. અમોલા વહેલી સવારે નીકળી જતી. ઘણી વાર તો સત્યજીતની પણ પહેલાં એ ઘરની બહાર નીકળી જતી. રાત્રે પાછા ફરતા સાડા આઠ, નવ, સાડા નવ... કોઈ નિશ્ચિત સમય નહોતો. સત્યજીત નીચેના રૂમમાં જ રહેતો હતો. નોકરોને સૂચના આપવા સિવાય ઘરમાં એનો અવાજ ભાગ્યે જ સંભળાતો.

અમોલાની ગેરહાજરી વિશે કંઈ પૂછવાને બદલે એણે આ પરિસ્થિતિથી રાહત અનુભવવા માંડી હતી. સોનાલીબહેન એમના ઘરમાં પડી રહેલી તિરાડ જોઈ શકતાં હતાં, પરંતુ કશું જ કરી શકે તેમ નહોતાં. એ ક્યારેક સત્યજીતને સમજાવવાનો પ્રયાસ કરતાં. તો એ એકપણ શબ્દ બોલ્યા વિના એ સોનાલીબહેનની સામે જે દૃષ્ટિએ જોઈ રહેતો એ આંખોમાં રહેલી પીડા અને પ્રશ્નોને સહી શકવા સોનાલીબહેન માટે અસંભવ હતા. એ ક્યારેક અમોલા સાથે વાત કરવાનો પ્રયાસ કરતાં તો અમોલા એમનું અપમાન કરીને એમને ચૂપ કરી દેતી.

એના વધતા પેટ સાથે ઘરમાં એનું ગેરવર્તન પણ ધીમે ધીમે વધી રહ્યું હતું. ક્યારેક ક્યારેક અમોલા આખી રાત ઘરે પાછી ન આવતી. ડરી ગયેલાં સોનાલીબહેન ચારે તરફ ફોન કરે ત્યારે ખબર પડતી કે અમોલા ઠક્કર સાહેબના બંગલે જઈને નિરાંતે ઊંઘે છે !

ડૉક્ટર પાસે જવા માટે કે બીજી કોઈ પણ બાબત માટે અમોલા સોનાલીબહેન સાથે કોઈ વાત નહોતી કરતી. એ પોતાની જિંદગી તદૃન સ્વતંત્ર અને અલાયદી રીતે આ જ ઘરમાં રહીને પૂરેપૂરી સ્વચ્છંદતાથી જીવી રહી હતી. તો સામે પક્ષે એમનો દીકરો પોતાના જ ઘરમાં પરાયાની જેમ દિવસો કાઢી રહ્યો હતો.

*

એક દિવસ સોનાલીબહેને સત્યજીતને બાવડેથી પકડીને ઊભો રાખ્યો, “તું છૂટાછેડા કેમ નથી લઈ લેતો ?” એમનાથી ડૂસકું મુકાઈ ગયું.

“હું ક્યારેય છૂટાછેડા નહીં લઉં.” સત્યજીતના અવાજમાં અસહ્ય પીડા અને એક એવી ધાર હતી, જે સોનાલીબહેનના હૃદયને છેદીને આરપાર નીકળી ગઈ, “તમારે હવે રોજ રોજ થોડું થોડું મરતો જોવાનો છે. જોઈ શકાય તો જોતાં રહો, નહીં તો તમે પણ ક્યાંક જતાં રહો.” સત્યજીતે માની સાથે આંખ મિલાવ્યા વિના કહી દીધું, “મારા પૂજ્ય પિતાશ્રીએ એમના દેવાના બદલામાં ઠક્કરની છોકરીને વેચ્યો છે પોતાનો દીકરો. હવે હું એનો ગુલામ છું. એ મને આઝાદ કરે નહીં ત્યાં સુધી તો મારે આ ગુલામીમાં રહેવું જ પડશે.” સત્યજીતે ખૂબ જ શાંતિથી પોતાનું બાવડું છોડાવ્યું અને ઘરની બહાર નીકળીને પગથિયા ઊતરી ગયો.

એ જ સાંજે સોનાલીબહેને અમોલાને પણ પૂછી જોયું, “તમને ન જ ફાવતું હોય તો છૂટા પડી જાવ. આમેય એકબીજાની સાથે રહીને એકબીજાને ત્રાસ આપવાનો શો અર્થ છે?”

“કમ ઓન મોમ...” લિપસ્ટિક લગાડેલા અમોલાના બે હોઠની વચ્ચે એની શ્વેત દંતપંક્તિ દેખાતી હતી. છ મહિના ઉપર ચડેલા દિવસોને કારણે એનું શરીર ભરાયું હતું. એ વધુ સુંદર દેખાતી હતી, “આટલો સમજદાર, સહનશીલ અને શાંત વર મને બીજો ક્યાંથી મળવાનો ? હું તો બહુ ખુશ છું આ લગ્નથી. મારા ડૅડ જિનિયસ હતા.” એણે નફટાઈથી સોનાલીબહેન સામે આંખ મારી, “પરણેલીની પરણેલી ને છૂટ્ટીની છૂટ્ટી... આવું બીજે ક્યાં મળવાનું ?”

“ને આ બચ્ચું ? એનું શું થશે ?”

“કેમ, તમે છો ને ? તમારે દીકરાનું બાળક જોઈએ છે ને ? આપી દઈશ તમને. કર્યા કરજો મોટું.” આટલું કહીને અમોલા પણ ઘરની બહાર નીકળી ગઈ.

અને એ આખો દિવસ સોનાલીબહેને રવીન્દ્રભાઈના ફોટાની સામે બેસીને રડવામાં વીતાવી નાખ્યો.

*

આદિત્ય મોટેલ પર ગયા અઠવાડિયાનાં અકાઉન્ટ્‌સ ચૅક કરી રહ્યો હતો. ત્યાં એના ટેબલ પર પડેલા ફોનમાં રિંગ વાગી, “હાય પટેલ...” પ્રિયંકાના અવાજમાં કંઈક જુદો જ રણકો હતો.

“શું થયું ? આજે વહેલી છૂટી થઈ કે શું ?” આદિત્યએ ઘડિયાળ જોઈ. પ્રિયંકાએ ઘરથી દોઢેક કલાકના ડ્રાઇવની દૂરી પર એક બહુ જ જાણીતી અને મોટી સ્કૂલમાં હાયર ગ્રેડ્‌સમાં ભણાવવાની જૉબ લઈ લીધી હતી. એની સ્કૂલ બે વાગ્યે પૂરી થતી.

“છૂટ્ટી લઈ લીધી.” એણે આનંદથી કહ્યું, “જલદી ઘેર આવ. આપણે સાથે જમીએ.”

“પણ હું અહીંયા અકાઉન્ટ્‌સ...” આદિત્યએ કહેવાનો પ્રયત્ન કર્યો, પછી કોણ જાણે કેમ પ્રિયંકાને નારાજ કરવાની ઇચ્છા ન થઈ. એટલે એણે વાક્ય પૂરું કરવાને બદલે બીજું જ કંઈ કહ્યું, “તું અહીંયા આવ, આપણે બહાર લંચ કરીએ.”

“ના, ઘરે આવ.”

“ઓ.કે.” પ્રિયંકા ભાગ્યે જ આવી જીદ કરતી. આજે એણે જે રીતે આગ્રહપૂર્વક ઘરે આવવાનું કહ્યું, જે રીતે રજા લઈ લીધી એ રીતે આદિત્યને લાગ્યું જ કે કોઈ ખાસ વાત હોવી જોઈએ. વાતને વધુ ખેંચવાને બદલે એણે બાકીનું કામ પછી કરવાનું નક્કી કરીને ફટાફટ સિસ્ટમ શટડાઉન કરી. પોતાની કેબિન લૉક કરી. બહાર નીકળીને ગાડીમાં બેઠો અને ઘર તરફ હંકારી ગયો.

એ જેવો ઘેર પહોંચ્યો કે ડ્રોઇંગરૂમમાં ગોઠવેલા ઢગલાબંધ ફૂલો જોઈને એને નવાઈ લાગી.

“શું થયું છે ? કેમ આટલી ખુશ છે ?”

“પટેલ...” પ્રિયંકા જ્યારે બહુ જ ખુશ હોય, મજાકના મૂડમાં હોય કે આદિત્યને ચીડવવો હોય ત્યારે એને પટેલનું સંબોધન કરતી. એ નજીક આવી. એણે આદિત્યના ગળામાં હાથ નાખ્યો. પોતાના અંગૂઠા પર ઊંચા થઈને એક પ્રગાઢ ચુંબન કર્યું, “મારે તમને થેન્ક યુ કહેવું છે.”

“મેન્શન નોટ...” આદિત્યએ એકદમ નડિયાદી પટેલના લહેકામાં જવાબ આપ્યો, “શેને માટે થેન્ક યુ કહેવું છે?” એને હજી સમજાતું નહોતું.

પ્રિયંકાએ થોડું શરમાતા, થોડું હસતા અત્યંત રોમાંચિત આંખો સાથે આદિત્યનો હાથ પકડીને પોતાના પેટ પર મૂક્યો, “હું પ્રેગનન્ટ છું. મેં હમણાં જ રિપોર્ટ કન્ફર્મ કર્યો.”

“વ્હોટ ?!” આદિત્ય એને એટલા જોરથી ભેટ્યો કે પ્રિયંકાનો શ્વાસ રુંધાઈ ગયો.

“છોડ...છોડ...” હાંફતા- ઉધરસ ખાતાં પ્રિયંકાએ બૂમો પાડી, “પટેલ... જડ પટેલ... એક પ્રેગનન્ટ સ્ત્રી સાથે કઈ રીતે વર્તવું એ પણ નથી આવડતું.”

“અનુભવ નથી ને... હવે નેક્સ્ટ ટાઇમ પ્રેગનન્ટ થઈશ ત્યારે આવું નહીં કરું બસ ?” આદિત્યએ કહ્યું અને પ્રિયંકાએ મારવા માટે ઊંચો કરેલો હાથ પોતાના હાથમાં લઈને ચૂમી લીધો, “થેન્ક યુ તો મારે તને કહેવાનું. મારા એક નાનકડા અંશને તારા શરીરમાં પાંગરવા દઈને તું મને જે આપી શકીશ એ માટે હું તને જે આપી શકીશ એ માટે હું તને જેટલી વાર થેન્ક યુ કહું એ ઓછું છે.” આદિત્યની આંખો ભરાઈ આવી હતી. એણે ખૂબ વહાલથી પ્રિયંકાને ફૂલની જેમ બે હાથમાં ઊંચકી લીધી, “આજથી હું મોટેલથી વહેલો આવીશ અને સાંજની રસોઈ હું બનાવીશ.” એણે કહ્યું, “તારે હવે કંઈ નહીં કરવાનું. આરામ કરવાનો. તારું ધ્યાન રાખવાનું.”

“સ્ટૂપીડ... હું બીમાર નથી, પ્રેગનન્ટ છું.” પ્રિયંકાએ કહ્યું અને આદિત્યએ ફરી એક વાર એના ગાલ પર ચુંબન કર્યું.

“જાણું છું, પણ મારે તારી પ્રેગનન્સીને એક એવો અનુભવ બનાવી દેવી છે કે તું વારંવાર પ્રેગનન્ટ થવાનું પસંદ કરે.” બંને જણા હસતાં રહ્યાં. એ દિવસે સાચે જ આદિત્યએ રસોઈ બનાવી. કંસાર રાંધ્યો અને મુંબઈ ફોન લગાડીને પ્રિયંકાના માતા-પિતાને શુભ સમાચાર પણ આપી દીધા.

(ક્રમશઃ)