એક્ટર ભાગ ૧

એક્ટર.

ભાગ ૧

પ્રસ્તાવના:-

દોસ્તો, એક ઉમર પછી જિંદગી આપણી પાસેથી એક્ટિંગ કરાવવાનું શરુ કરી મુકે છે અને આપણે ખબર પણ નથી હોતી, એક્ટિંગ કરતા કરતા ક્યારેક અકળાઈ જઈએ છીએ! બાળપણ સુવાળું હોય છે કેમકે એ સમયમાં એક્ટિંગ અસ્થાને હોય છે. જેની પાસેથી જિંદગી એક્ટિંગ કરાવે છે એવા એક યુવાનની પ્રેમ કહાની લખવા પ્રયાસ કર્યો છે, આશા રાખું છું કે આપને ગમશે. આપના પ્રતિભાવ જરૂર આપશો.

*** 

ભાગ ૧

સુનીલની ક્ષતવિક્ષત થયેલી બોડીનાં એકએક ભાગ તળાવમાંથી નીકળી રહ્યા. એ દ્રશ્ય જોઈ મારું કાળજું કંપી ઉઠ્યું. શૈલી બેહોશ થઇ ગઈ હતી. હું મારી જાતને સંભાળવા જરા પણ સક્ષમ ન હતો. તળાવના કિનારે સુનીલની પત્ની ઇન્દુભાભી, મોટાભાઈ કિશોરભાઈ અને કિશોરભાઈના પત્ની ઉર્મિલાભાભી મોટે સાદે આક્રંદ કરી રહ્યા. એ કિકિયારી વચ્ચે એક લેડી પોલીસ આવી અને શૈલીને સંભાળી. લગભગ છથી સાત કોન્સ્ટેબલ તળાવની બહાર અવલોકન કરી રહ્યા. ઘટના સ્થળની એકએક જગ્યાને બારીકાઇથી અવલોકન કરી રહ્યા. થોડી વારમાં એમ્બ્યુલેન્સ આવી અને સુનીલની ક્ષતવિક્ષત થયેલી બોડીને એક કપડામાં ઠાલવી અને એમ્બ્યુલન્સમાં મૂકી. સુનીલના છુટા પડેલા હાથમાં મારી ભેટમાં આપેલી ઘડિયાળ જોઈ મારું કાળજું કંપી ગયું, પોલીસ કોન્સ્ટેબલ મોટાભાઈ અને ભાભીને સાંત્વના આપી. મોટાભાઈ, ભાભી અને ઇન્દુભાભીની બાજુમાં એક કોન્સ્ટેબલ કાગળનું પેડ લઇને ઉભો હતો અને બીજો એક કોન્સ્ટેબલ મોટાભાઈને અને ઇન્દુભાભીને સવાલ કરી રહ્યો. મોટાભાઈ અને ઇન્દુભાભી કોઈ સવાલના જવાબ આપવાની સ્થિતિમાં ન હતા. એક ઇન્સ્પેકટરે એમને પૂછપરછ કરવા ના કહી અને બીજું કામ સોંપ્યું.

એક કોન્સ્ટેબલ માણસોના ટોળાને વિખેરી અને બધાને સ્થળ છોડી જવા કહી રહ્યો હતો, અન્ય બે કોન્સ્ટેબલ આજુબાજુના વિસ્તારમાં ઝાડીઓ ડંડાથી ફંફોળી રહ્યા હતા, બેહોશ થયેલી શૈલીના ચહેરા ઉપર પાણીનો છંટકાવ કરી હોશમાં લાવી શૈલીને મારા ઘરે લઇ ગયો, શૈલી થોડીથોડી વારે જોરથી ચીસ પાડી રડી પડતી, તો થોડી વારે ગુમસુમ થઇ જતી. હું જાણતો હતો પરિસ્થિતી ખુબ દયાજનક હતી, આ પણ સમય વિતી જશે, માનવીની લડાઈ પરિસ્થિતિ સાથે નથી હોતી સમય સાથે હોય છે, બસ એ વિતી જવો જોઈએ, પણ પરિસ્થિતિ જ માણસને અંદરથી હલાવી નાખે એવી હોય તો શું થાય? આજે મારી પરિસ્થિતી પણ કંઇક એવીજ હતી.

ખાટલા પર બીમાર પડેલી માને જગાડી અને દવા ખવડાવી સુવડાવી દીધી, બહાર હોલમાં સોફા પર શૈલીને સુવડાવી, શૈલી થોડીથોડીવારે ઝબકી જતી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડતી, શૈલી રડી રહી હતી ત્યાં બેડ ઉપર પડેલા મારા ફોનની રીંગ વાગી.

તે મારો મિત્ર જેવો જ મારા બોસ દીપકનો ફોન હતો.

“બોલો દીપક.”

“શું થયું નીલ? સુનીલની ભાળ મળી? અને તું જોબ ઉપર ક્યારથી આવીશ?”

“સોરી દીપક, સુનીલ ઇસ નો મોર. સુનીલ તો ન મળ્યો પણ ગામના તળાવમાંથી એની બોડી મળી આવી.”

“ઓહ માય ગોડ! વેરી બેડ.”

“હું જોબ ઉપર ક્યારથી આવીશ એ હમણાં નહી કહી શકું દીપક, શૈલીની હાલત પણ ખરાબ છે, અને તને તો ખબર છે મારી મા પણ બીમાર છે.”

“ઓકે નીલ, નો પ્રોબ્લેમ, ટેક યોર ટાઈમ. મારા જેવું કામકાજ હોય તો કહેજે.”

“ચોક્કસ દીપક.”

દીપક સાથે મારી વાત પૂરી થઇ. એટલી ક્રુરતાથી સુનીલની હત્યા કોણ કરી શકે? સુનીલને એવી તો કોઈ સાથે દુશ્મની પણ ન હતી. સુનીલના છુટા પડેલા હાથ,પગ, માથું, લોહીથી ખરડાયેલું ધડ શૈલીએ જોયું હતું, ભલભલાનું કાળજું કંપી જાય. એ ઘટનાએ શૈલીના દિલ અને દિમાગ ઉપર ઘેરી અસર પહોંચાડી હતી. શૈલીએ સવારથી કશું ખાધું ન હતું, અને સુનીલને શોધવામાં બે દિવસથી વ્યાકુળ હતી. બે દિવસથી શૈલીની આંખને એક જોંકુ અને ખાવા પણ નહોતું મળ્યું. સતત બે દિવસ સુધી એ મારી સાથે બાઈકમાં બેસી અને આમ તેમ સુનીલને શોધવામાં અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાં વ્યસ્ત હતી. જયારે સુનીલની ભાળ મળી તો પણ કેવી? મને કંઈ સમજમાં નહોતું આવતું કે શું કરું? આ તરફ સુનીલના ઘરે માણસોની અવર જવર ચાલુ થઇ ગઈ હતી. સુનીલનું ઘર મારા ઘરને અડીને જ હતું, સુનીલની બોડીને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાઈ, એ હત્યા હતી કે શું એ અંગે યુદ્ધના ધોરણે પોલીસ તપાસનો ધમધમાટ શરુ થઇ ચુક્યો. ગામના એક મોભી કુટુંબનો ગર્ભશ્રીમંત પરિવારથી હતો સુનીલ. સુનીલના મોટાભાઈની ખુબ સારી વગ હતી એટલે સુનીલ સાથે જે થયું તે ટૂંક સમયમાંજ પગેરું મળી જવું જોઈએ. હું એ તરફ જાઉં કે અહીં શૈલીને અને માને સંભાળવામાં રહું. હું કોઈ નિર્ણય નહોતો લઇ શકતો. કોઈએ મારા જીગરજાન દોસ્તને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ફ્રીજમાંથી દૂધની તપેલ કાઢી ગરમ કરી શૈલીને દૂધ અને રોટલી ખાવા આગ્રહ કર્યો પણ શૈલી જાણે રબ્બરનું પુતળું બની ગઈ હતી. એક તરફ હતપ્રત થયેલી શૈલી અને બીજી તરફ મારી બીમાર માં બંનેને સંભાળતા ક્યાંક હું પાગલ ન થઇ જાઉં. મેં મારી જાતને ઢંઢોળી, થોડી હીંમત કરી માં અને શૈલી માટે જમવાનું બનાવ્યું અને માંને પણ જગાડી શૈલીને ખવડાવવા કહ્યું, આખી રાત હું જાગતો રહ્યો, થોડી થોડી થોડી વારે હું શૈલીને જોતો રહ્યો, અને શૈલીના માથા પર હાથ ફેરવતો. શૈલીનો મુરજાઈ ગયેલો ચહેરો જોઈ મને નટખટ અને નખરાળી શૈલી યાદ આવી ગઈ જે શૈલીને હું લંડનમાં પહેલી વાર મળ્યો હતો, અને એ પહેલી મુલાકાતમાં શૈલી મારા દિલ અને દિમાગમાં છવાઈ ગઈ હતી, એ પહેલીવાર મારા હ્રદયમાં પ્રેમના સ્પંદનો સ્ફુરિત કર્યા હતા. ઊંડો શ્વાસ લઇ હું આડો પડ્યો. મારા દિમાગમાં એ પ્રસંગ મુવી ની જેમ ચાલવા લાગ્યો.

જયારે શૈલી પહેલીવાર મને લંડન યુનીવર્સીટીમાં મળી હતી. ચાર વર્ષ પહેલા તે દિવસે મારો કોલેજમાં પહેલો દિવસ હતો. કોલેજના આંગણમાંથી મને એક લેડીસ પર્સ મળ્યું હતું, જે પર્સમાં આઈ.ડી કાર્ડ સર્ટીફીકેટસ અને નવસો પાઉન્ડ રોકડા હતા. મારું મન લલચાયું હતું, આટલી મોટી મતબાર રકમ મેં ક્યારેય જોઈ નહોતી, અને શૈલીને હું તેણીના ક્લાસમાં જઈ ને આપી આવ્યો હતો. ત્યારે શૈલીને મેં પહેલી વાર જોઈ હતી, અને ત્યારે મારી શૈલી સાથે પહેલીવાર વાત થઇ હતી. જયારે હું શૈલીના ક્લાસમાં ગયો તેની બેંચ પર જઈ તેણીનો ચહેરો નીરખીને જોયો, જેવો આઈ.ડી કાર્ડમાં ફોટો હતો તેવોજ લાગતો , મેં પૂછ્યું હતું,

“હેલ્લો, આર યુ મિસ શૈલી ?”

“ઓહ યસ વોટ હેપ્પ્ન ડીયર ?” પહેલી વાર કોઈ સુંદર કન્યાના મુખમાંથી મારા માટે મીઠા શ્વરમાં ડીયર શબ્દો નીકળ્યો હતો,. બ્લેક એન્ડ વ્હાઈટ ચેક્સ વાળો શોર્ટ સ્કર્ટ અને વ્હાઈટ શર્ટ, ગાળામાં બ્લેક રંગની ટાઇ , ગોઠણથી થોડે નીચે સુધી સફેદ રંગના મોજા નીચે, હાઈ હિલ સેન્ડલ, આછા ભૂરા વાળ પ્યોર બ્રિટીશ સ્કીન અને હરણી જેવી આંખો, તેણીના અઈબ્રોસ તલવારની ધાર જેવા તીક્ષ્ણ, ગુલાબી હોઠ ઉપર આછા લાલ રંગની લીપ્સ્ટીક, ગાલ ઉપર આછું ગુલાબી બ્લસ, કોઈ જરૂર ન હતી મેક-અપની એમ કહી શકાય. જેવો શૈલીનો દેખાવ હતો તેવોજ અવાજ,

ક્લાસમાંથી પાછળથી કોઈ લેડીએ પણ શૈલીને આવાજ આપ્યો,

“ઓયે.. શૈલી કેમ આજે લેટ આવી?”

“અરે યાર સવારમાં મારું પર્સ ખોવાઈ ગયું, મારા અગત્યના ડોક્યુમેન્ટ્સ છે તેમાં, એજ ચિંતામાં એ શોધવા પાછી ઘરે ગઈ હતી,” શૈલીએ પાછળ જોઈ પોતાના માથામાં ટપલી મારતા કહ્યું,

શૈલીને ગુજરાતીમાં વાત કરતા સાંભળી મને ખુબ આનંદ થયો, એ ઘણા વર્ષોથી લંડનમાં રહેતી હોવા છતાં સારું ગુજરાતી બોલી લેતી. એમની ચાલતી વાતમાં વચ્ચે જ મેં કહ્યું,

”મેડમ એ પર્સ તમને શોધી આપું તો ?”

“તો તેમાં જેટલી પણ રોકડ રકમ છે તેમાંથી અડધી હું તમને આપી દઉં,” શૈલી એ મજાક કરતા કહ્યું,“સોરી તો હું તમારી કોઈ મદદ નહી કરી શકું, હું જાઉં છું,” મેં પણ મજાક કરતા કહ્યું, અને હું ક્લાસની બહાર નીકળ્યો, એ મારી પાછળ પાછળ આવી અને કહેવા લાગી,

“ ઓ....હેલ્લો મિસ્ટર......”

“નીલ નામ છે મારું,”

“હા તો તમને શું ઇનામ જોઈએ છે ?”

“તમારું પર્સ હું તમને શોધી આપું, તમે મને એક કપ કોફી પીવડાવશો?.” તેણી નો મજાકિયો સ્વભાવ જોઈ મેં પણ મજાકમાં ઓફર કરી.

“ઓહ એટલીજ વાત ને? આજે સાંજે તમને ફક્ત કોફી જ નહી ડીનર પણ કરાવીશ, પણ અત્યારે હું ક્લાસ બંક નહી કરું સોરી. બાય ધ વે તમાંરા જેવા હેન્ડસમ અને ચાર્મિંગ બોય સાથે મને ડીનર કરવામાં પણ કોઈ તકલીફ નથી, બી અ ફ્રેન્ડ?”

એમ કહી શૈલીએ હાથ લંબાવ્યો અને મેં પણ શૈલીના કોમળ હાથ મારા હાથમાં લીધો, અને મને જે અનુભૂતિ થઇ તે આજે પણ હું વિચારું છું તો મારા શરીરમાં કંપારી ઉઠે છે.

તેણીનો કોમળ હાથ મારા હાથમાં જ હતો જાણે કોઈ ગુલાબનું ફૂલ મારા હાથમાં આવી ગયું હોય,

“બ્યુટીફૂલ તો તમે પણ કમ નથી, હા મેક-અપની જરૂર નથી, મેક-અપ કરીને ખોટું વજન વધારી આવ્યા છો,” મેં હસતા હસતા કહ્યું,

“અહીં ભણવા આવ્યા છો કે ફલર્ટ કરવા ?” શૈલીએ હસતાં હસતાં પૂછ્યું.

“તમે બધું અત્યારેજ પૂછી લેશો કે! સાંજ માટે કંઈ બાકી પણ રાખશો ?”

એમ કહી મારી બેગમાંથી પર્સ કાઢી શૈલીને આપ્યું તેણી પર્સ જોઈને ખુશ થઇ ગઈ.

“ઓહ! થેંકસ નીલ તમને ખબર નથી તમે આજે મારું કેટલું મોટું કામ કર્યું છે,”

“ઓકે હવે, આમ વાતવાતમાં તમે કહેવાની જરૂર નથી, તું મને તું કહીશ તો ચાલશે.” મેં કહ્યું.

“ઓકે ડીયર જેમ તને સારું લાગે તેમ, સાંજે મળીયે, બાય ધ વે હું પાર્ટ ટાઈમ ફોટોગ્રાફી કરું છું, લે આ મારું કાર્ડ છે મને ફોન કરજે, હું નીકળું મારું લેકચર છૂટી જશે. ”

એટલું કહીને એ નીકળી ગઈ હતી, જતા જતા બદ્તમીજી કરતી ગઈ, કે ફોન કરજે, એ પણ સારું થયું, મારી પાસે નંબર માંગ્યા હોત તો મારી બેઈજ્જતી થાત, કારણ કે હું નવો નવો આવ્યોજ હતો અને મારી પાસે ફોન ન હતો, સુનીલ પાસે ફોન હતો તે એકજ ફોનમાં ચાલતું, અને હું તેણીને સુનીલના ફોનમાંથી જ ફોન કરતો, છ મહિનામાં અમારી વચ્ચે ગાઢ મિત્રતા થઇ ગઈ હતી, કોલેજમાં પણ અમારું ચક્કર ચાલે છે એવી વાતો થવા લાગી હતી, શૈલીના માંબાપ કે પરિવારમાં કોઈ ન હતું. દસ વર્ષ પહેલા એના માબાપનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને ત્યારથી એના ફોઈ એને લંડન લાવ્યા હતા, શૈલીને મન તો એના ફોઈ જ માં અને બાપ બધુજ હતા. શૈલીની મારી સાથે મિત્રતા થઇ ત્યારથી એ ખુબ ખુશ રહેતી અને એની નાનીનાની વાતો પણ મને કહેતી. રોજ સાંજે એ મારા રૂમ પર આવી જતી,

ક્રમશ:

-નીલેશ_મુરાણી.

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯

ઈમેઈલ:- nileshmurani@gmail.com

***

Rate & Review

Verified icon

SWATI Desai 8 months ago

Verified icon
Verified icon

Parul Chauhan 11 months ago

Verified icon

Bhoomi Surani 11 months ago

Verified icon

Viral Vaghasiya 11 months ago