રેડલાઇટ બંગલો ૩૨

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૨

અર્પિતાએ મા પર નજર રાખવાની વાત કરીને વિનયને મૂઝવણમાં મૂકી દીધો હતો. વિનયને હજુ બે દિવસ પહેલાં જ અર્પિતાના કાકાએ તેના ખેતર સંભાળવા અને નજર રાખવાનું કહ્યું હતું. અને આજે અર્પિતા તેની મા માટે કહી રહી હતી. વિનયને પહેલાં તો તેના લગ્ન માટે અર્પિતા તેની મમ્મીના પરિવારની તપાસનું કહી રહી હોય એમ લાગતું હતું. હવે પોતાની ભાવિ સાસુની હિલચાલ પર નજર રાખવાનું કહી રહી છે. શું અર્પિતાને પોતાની માના ચરિત્ર પર શંકા હશે? કોઇ મા પોતાની પુત્રી પર નજર રાખવાનું કહે તો એ વાત માની શકાય કે છોકરી અવળા રસ્તે જતી હોય તો અટકાવી શકાય. તો શું વર્ષાબેન કોઇ અવળા રસ્તે જઇ રહ્યાની અર્પિતાને શંકા છે? વિનયને સમજાતું ન હતું કે તું શું કરે. અર્પિતાને તે દિલથી ચાહતો હતો. તેણે પોતાનું કુંવારું શરીર પોતાને પ્રેમથી અર્પણ કરી દીધું હતું. વિનયને અર્પિતા માટે દિલમાં સાચી લાગણી હતી. એની સુંદરતા પાછળ ગામના ઘણાં યુવાનો પાગલ છે. પણ તેણે મને જ પસંદ કર્યો છે. અને મારા પર વિશ્વાસ રાખ્યો છે. હરેશકાકાને શંકા છે કે તેમના ખેતરમાં કોઇએ આગ લગાવી હતી. એ કુદરતી ઘટના ન હતી. હવે વર્ષાબેન માટે અર્પિતાને શું શંકા હશે? અર્પિતાને જવાબ આપતાં પહેલાં વિનય વધારે વિચાર કરવા લાગ્યો.

"અરે! વિનયબાબુ! ક્યાં ખોવાઇ ગયા? સુંદરતાની મૂરત સામે ઊભી છે અને તું કોઇ સપનામાં ખોવાયેલો લાગે છે. સપનામાં લગન તો કરી રહ્યો નથીને?" અર્પિતાએ વિનયને વિચારોમાંથી ઢંઢોળ્યો.

"હેં.." વિનય વિચારોમાંથી બહાર આવી ચોંકી ગયો.

"મારી સાથે લગ્નના સપના જોવામાં વાંધો નથી. પણ સુહાગરાત પહેલાં જ મનાવી લીધી છે એટલે અત્યારે કોઇ ઇચ્છા ના કરતો!" અર્પિતાએ તેના ચહેરા પરની ગંભીરતા જોઇ કહ્યું.

"અર્પિતા, હું તારી મા વિશે વિચારતો હતો. હું તેમના પર નજર રાખું કે તેમના વિશે તપાસ કરું એ ભાવિ જમાઇ તરીકે સારું ના લાગે."

"એમાં ડરવાની કોઇ વાત નથી. આપણે માના સારા ભવિષ્ય માટે જ આ કરવાનું છે. એ બહુ ભોળી છે. જલદી કોઇની વાતમાં આવી જાય છે...."

"હું સમજ્યો નહીં..."

"જો, આ વાત તારા અને મારા વચ્ચે જ રહેવી જોઇએ..." કહી અર્પિતા ઊભી થઇ અને ઝૂંપડીના દરવાજા પાસે જઇ આસપાસમાં કોઇ નથી તેની ખાતરી કરી આગળ બોલી:"વિનય, મને શંકા છે કે મા પર હેમંતભાઇનો ડોળો છે. એ ખરાબ માણસ છે. તેમને લલચાવી ફોસલાવી લાભ લઇ જાય એવી મને શંકા છે. એટલે તું આ બાબતે ખાસ ધ્યાન રાખજે. મને માની બહુ ચિંતા છે."

અર્પિતાના સ્વરમાં ભીનાશ આવી ગઇ. એ રડવા જેવી થઇ ગઇ.

વિનય તેને ભેટી પડ્યો. "અર્પિતા, તું ચિંતા ના કરીશ. હું એમનું ધ્યાન રાખીશ. બસ? હવે ખુશને?"

"હા...તું પણ ખુશ થા!" બોલતી અર્પિતા તેને પકડીને ખાટલામાં પડી. તે એવી રીતે પડી કે વિનય તેના ઉપર આવી ગયો. ઘણા દિવસ પછી વિનયને અર્પિતા સાથે મસ્તી કરવાની તક મળી હતી. અર્પિતાએ તેની પકડ છોડાવવાનો ખોટો પ્રયત્ન કર્યો. વિનય તેને છોડતો ન હતો. ઘણા દિવસ પછી તેની બાંહોમાં આવી હતી. અર્પિતાએ પછી તેનો વિરોધ ના કર્યો અને પોતાની જાત સોંપી દીધી.

થોડીવારે બંને અળગા થયા. અર્પિતા કપડાં પહેરતા બોલી:"મને ખબર જ હતી કે હું આવીશ એટલે તું મને છોડવાનો નથી!"

"હાથમાં આવે પછી છોડવાનું મન થાય એવી નથી. અને તું ક્યાં જલદી આવે છે. કેટલા દિવસો પછી તો આવી છે. એટલે જ કહું છું કે ચાલને લગન કરી લઇએ."

"જો તું લગન કરીશને તો તારી ખેતી ભૂલી જવાનો છે એવું મને લાગે છે. આખો દિવસ મને હેરાન કર્યા કરીશ!"

"તું છે જ એવી!" કહી વિનય મૂછમાં જ મલકાયો.

"વિનય, હવે હું જઉં છું. મેં કહ્યું છે એ પ્રમાણે મા પર નજર રાખજે અને કંઇ પણ વાત હોય તો મને ફોન કરજે."

વિનયને ત્યાંથી નીકળીને અર્પિતા ઘરે પહોંચી. આજે ગામમાં છેલ્લો દિવસ હતો. કાલે સાંજની બસમાં રાજીબહેનના શહેરમાં પહોંચી જવાનું હતું. રચનાને પણ બસ ડેપોમાં આવી જવા કહ્યું હતું. ત્યાંથી બંને સાથે જ રાજીબહેનના રેડલાઇટ બંગલા પર જવાના હતા.

ઘરે વર્ષાબેન તેની રાહ જોઇને બેઠા હતા.

"અર્પિતા, ક્યાં અટવાઇ ગઇ હતી? બહુ વાર કરી." વર્ષાબેન ઘણીવારથી તેની રાહ જોઇ કંટાળ્યા હતા.

"આવતી જ હતી અને રસ્તામાં સ્કૂલની બે સહેલીઓ મળી ગઇ. ચાલ આપણે દવાખાને જઇ આવીએ. આરોગ્ય કેમ્પ ચાલતો જ હશે."

"અર્પિતા, તું ખોટી ચિંતા કરે છે. મારે કોઇ જરૂર નથી. હું એકદમ મસ્ત છું!" વર્ષાબેનની ઇચ્છા શરીરનું ચેકઅપ કરાવવાની ન હતી.

"મા, ઉંમર થાય એટલે અમુક રોગ આપોઆપ આવતા હોય છે. જો એને પહેલાંથી જ ઓળખી લઇએ તો સારવાર લઇને બચી શકાય. ડાયાબીટીસ તો કાલે ના હોય અને આજે થઇ જાય. આપણે સ્ત્રીઓએ તો લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ પણ તપાસતા રહેવું પડે. ઘણી વખત હિમોગ્લોબીન ઓછું થઇ જતું હોય છે. લોહીનો ટેસ્ટ સમયાંતરે જરૂરી છે. અને આપણે પૈસા ક્યાં ચૂકવવાના છે. ચાલ હવે પહોંચીએ...."

અર્પિતા માને લઇ આરોગ્ય કેન્દ્ર પર પહોંચી ત્યારે ખાસ ભીડ ન હતી. એક જ જણ હતું. મહિલા ડોક્ટરે વર્ષાબેનની તપાસ કરી અને લોહીનો નમૂનો લઇ કહ્યું:"આમ તો બધું બરાબર છે. લોહીનું પરિક્ષણ કરાવી જોઇ લઇએ."

અર્પિતાએ પણ પોતાના શરીરની તપાસ કરાવી લોહીનો નમૂનો આપ્યો.

બંને મા-દીકરી બેઠા. ત્યાં ડોક્ટરે કહ્યું:"લોહીનો રીપોર્ટ પછી લઇ જજો."

"કેમ આજે નહીં મળે?" અર્પિતાએ પૂછ્યું.

"સાંજે તપાસ કરજો. નહીંતર કાલે મળશે." કહી ડોક્ટર પોતાના કામમાં લાગી ગઇ.

વર્ષાબેન રસ્તામાં અર્પિતાને કહેવા લાગ્યા."હું કહેતી હતી ને કે મને કોઇ તકલીફ નથી."

"મા, લોહીનો રીપોર્ટ બરાબર આવે તો એમ કહી શકાય કે તને કોઇ રોગ નથી." અર્પિતાએ માને સમજાવ્યું.

***

વિનય આજે ખુશ હતો. અર્પિતાનો સાથ માણ્યા પછી તેના તનમનમાં ઉત્સાહ ઊભરાતો હતો. ખેતીમાં આજે કંઇ ખાસ કામ ન હતું. અર્પિતાના સાથથી તેનું દિલ ભરાઇ ગયું હતું. પણ પેટમાં ઉંદર દોડતા હતા. તેણે પહેલાં જમવાનું ભાતું કાઢ્યું. જમીને સહેજ આડો પડ્યો. ત્યાં તેને થયું કે હરેશકાકાને વચન આપ્યું છે તો હવે તેમના ખેતર પર ધ્યાન આપવું પડશે. તે ઊભો થયો અને હાથમાં જાડી ડાંગ લઇ હરેશભાઇના ખેતર તરફ નીકળ્યો.

થોડે દૂરથી તેણે જોયું તો ખેતરમાં બે મજૂર કામ કરી રહ્યા હતા. ખેતર સળગી ગયું હતું. આસપાસમાં બળેલું ઘાસ હજુ દેખાતું હતું. એટલે તેને એ ખેતર હરેશભાઇનું હોવાની ખાતરી થઇ ગઇ. વિનયે માથા પર ફેંટો બાંધી તેનો એક છેડો વારંવાર મોં પર આવે એનું ધ્યાન રાખ્યું હતું. જેથી મોંઢું ઢંકાતું રહે અને કોઇને પોતે જલદીથી ઓળખાઇ ના શકે.

બંને મજૂર સવારના કામ કરતા હતા. તેમના શરીર પરસેવાથી લથપથ હતા. કદાચ જમવાનું પણ બાકી હતું. વિનય એ બાજુ ફરતો ફરતો તેમની પાસે ગયો. અને એમને સંબોધીને કહ્યું:"ભાઇ, સમય હોય તો આ બાજુના ખેતરમાં કામ કરી આપીશ..."

અભણ અને નાસમજ એવા ગરીબ મજૂરો તેની સામે તાકી રહ્યા. વિનયને કોઇ શેઠ માની કહ્યું:"સાયેબ, અમુને તો આમાંથી જ ટેમ મલતો નથી...."

"તમારે દૂર જવાનું પણ નથી. અહીં જ તો કામ કરવાનું છે...." વિનયે બાજુના હરેશભાઇના ખેતર તરફ આંગળી ચીંધી કહ્યું.

"ના સાયેબ, આમારા શેઠનો હુકમ છે કે બીજાનું કામ ના કરવું..."

"તો પછી રહેવા દો..." કહી વિનય લાંબી વાત કરવા રોકાયો નહીં. તે નજીકમાં એક ઝાડ પાસે જઇ ખેતર પર નજર રાખવાનું વિચારતો ચાલવા લાગ્યો. ત્યાં તેના કાને બંને મજૂરોની વાત સંભળાઇ. અને તે ચોંકીને ઊભો રહી ગયો. પછી પગમાં કંઇક વાગ્યું હોય એમ વાંકો વળ્યો. નજીકમાં શેરડીનું ખેતર હતું. તે બેસી ગયો એટલે પેલા મજૂરોને દેખાય એમ ન હતો.

મજૂરોની વાત સાંભળી તેને રહસ્ય સમજાઇ ગયું. મજૂરો એવી વાત કરતા હતા કે હેમંતભાઇ તેમની પાસે બહુ કામ કરાવે છે. પણ પૈસા એવા સારા આપે છે એટલે કામ કરી રહ્યા છે. એમને એ વાતનું દુ:ખ હતું કે જે ખેતરને તેમણે આગ લગાવી હતી એ જ ખેતરમાં તેમણે ફરી કામ કરવાની નોબત આવી હતી. અને ખેતરને પાછું હરિયાળું કરવા વધારે મહેનત કરવી પડતી હતી. હેમંતભાઇએ બૈરાના મોહમાં ખેતરને આગ લગાવીને હેરાન કરી નાખ્યા હોવાનો મજૂરોનો સૂર હતો.

વિનયને એ સમજતા વાર ના લાગી કે હરેશકાકા અને વર્ષાબેનના ખેતરમાં હેમંતભાઇએ આગ લગાવી હતી. તેમણે વર્ષાબેનને પામવા આ કાવતરું રચ્યું હોય શકે. એ કારણે જ અર્પિતાએ તેની મા પર નજર રાખવાની વાત કરી હશે?

તે વિચાર કરતો ખેતરમાંથી બહાર નીકળીને ઝટપટ ઘર તરફ આવવા નીકળ્યો. ત્યાં એક કાર તેને જોઇને ઊભી રહી. વિનય ઊભો રહી ગયો. તેણે જોયું તો કારમાંથી હેમંતભાઇ ઉતર્યા. અને તેની તરફ જ આવતા હતા. વિનયે હાથમાંની ડાંગની પકડ વધારી અને સાવધાન થઇ ગયો.

***

અર્પિતા સાંજ પડવાની રાહ જોતી હતી. તેને થતું હતું કે માનો આરોગ્ય તપાસનો રીપોર્ટ આજે મળી જાય તો સારું. તે હાથમાં એક થેલી લઇ આરોગ્ય કેમ્પ પર પહોંચી ત્યારે ડોક્ટર નીકળવાની તૈયારીમાં હતા. અર્પિતાએ રીપોર્ટ માટે વાત કરી. ડોક્ટરે કાલે આવી જવા કહ્યું. અર્પિતાએ તેમને વિનંતી કરી કે કાલે સાંજે તે કોલેજ માટે શહેરમાં જતી રહેવાની હોવાથી આજે મળી જાય તો સારું રહેશે. ડોક્ટરે તરત દવાખાનામાં જઇ બંનેનો રીપોર્ટ આપી દીધો. સાથે તાકીદ કરી કે આવતીકાલે સવારે રીપોર્ટ માટે ચર્ચા કરવા આવજે. અર્પિતાએ તેમને પોતાની થેલીમાં લાવેલા ઘરનાં થોડા શાકભાજી આપ્યા. ડોકટર બહેને પહેલાં તો ના પાડી પણ પછી અર્પિતાના આગ્રહને કારણે લઇ લીધા.

ડૉક્ટરના ગયા પછી અર્પિતાએ કવર ખોલી સૌથી પહેલાં માનો રીપોર્ટ વાંચ્યો. રીપોર્ટ વાંચીને તેને ધરતી ગોળગોળ ફરતી લાગી. તેને જે શંકા હતી એ સાચી પડી. તે વિચારવા લાગી. માને આ રીપોર્ટની વાત કરવી કે નહીં?

***

વિનય અને હેમંતભાઇ વચ્ચેની મુલાકાતમાં શું થશે? વર્ષાબેનના આરોગ્ય તપાસના રીપોર્ટમાં શું આવ્યું હશે? રચના અને અર્પિતાને બે દિવસ બહાર મોકલવા પાછળ રાજીબહેનનો ઇરાદો શું હતો? એ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.

***

Rate & Review

Verified icon

Tejas Shah 3 weeks ago

Verified icon
Verified icon

Shilpa 2 months ago

Verified icon

Meenaz 2 months ago

Verified icon