Danak - 3 books and stories free download online pdf in Gujarati

ડણક ૩

ડણક

A Story Of Revenge.

ભાગ:-૩

(ઝરખ ના ટોળાં નો શિકાર કર્યા બાદ આજુબાજુ ના પંથક માં કાનો એક જાણીતું નામ બની જાય છે. હિરલ નામ ની એક યુવતી કાના ને મનોમન ચાહતી હોય છે પણ કાનો એને મચક નથી આપતો. મેળા માં ફરવા ગયેલાં કાના ને એક યુવતી મનોમન ગમી જાય છે પણ કાનો એને મળે એનાં પહેલાં એ યુવતી ક્યાંક ગાયબ થઈ જાય છે, કાનો અને ગાભુ એ યુવતી ને ગોતવા ના પ્રયાસ માં લાગી જાય છે.. હવે વાંચો આગળ. )

મેળા માં ઉભરાઈ રહેલાં માનવ મહેરામણ ની વચ્ચે એ યુવતી ને શોધવી એ કંઈ નાનું સુનું કામ તો નહોતું. પણ આ તો હૃદય માં ઉભરાતાં પ્રેમ ની વાત હતી, એનાં માટે તો રૂ ના ઢગલા માં થી સોય શોધવી પડે તો પણ ભારે ના પડે જ્યારે અહીં તો એક સાડા પાંચ ફૂટ ઊંચી જીવતી જાગતી છોકરી ને શોધવાની હતી એટલે ગમે તે કરી એને શોધીને જ રહીશું એવાં મક્કમ નિર્ધાર સાથે કાના અને ગાભુ ની જોડી લાગી ગઈ મેળા નો દરેક હિસ્સો ખૂંદી વળવા.

અડધો કલાક થવા આવ્યો હતો છતાંપણ એ યુવતી ની ભાળ ના મળતાં હતાશ થયેલાં ગાભુ એ કીધું.

"કાના ભાઈ લાગે છે એ નીકળી ગઈ હશે.. ઘરે જવા માટે.. "

"અરે એવું ના બોલ.. આજે એ ના મળે એ ચાલશે પણ જો એ કોણ છે ?ક્યાં ની છે? અને એનું નામ શું છે ? એટલું નહીં જાણું તો મારી રાતો ની નીંદર અને દિવસ ની શાંતિ ચોક્કસ હણાઈ જવાની"નંખાઈ ગયેલાં અવાજ સાથે કાના એ કહ્યું.

"પણ ભાઈલા.. ખોટી વાત કરી ને મન ને ક્યાં સુધી છેતરવાનું.. આખા મેળા નો કોઈ એવો ભાગ નથી જ્યાં આપણે તારા મન માં વસેલી એ રાધા ને ગોતી ના હોય પણ એ આપણી નજર માં ના આવી.. મતલબ કે એ નીકળી ગઈ હશે એનાં ઘરે જવા માટે અને આમ પણ સાંજ થવા આવી.. આપણે પણ હવે ઘર ની વાટ પકડવી જોઈએ.. જો હવે નસીબ માં લખેલું તો એ તને પાછી જરૂર મળશે.. "ગાભુ એ કહ્યું.

"સારું ત્યારે હાલ.. ઘોરી પણ બિચારાં ભૂખ્યાં થયાં હશે.. નીકળીએ હવે ઘરે જવા. "કાના એ ઉદાસ ચહેરે કીધું.

'હે ભોળાનાથ મારાં આ કાના નો એની રાધા સાથે સંગમ કરાવી દેજે' મેળા માં થી જતાં સમયે બાથેશ્વર મહાદેવ ના મંદિર ની ધજા ને નમન કરી ગાભુ એ એક અરજ કરી.

ત્યારબાદ પોતાનાં બાંધેલા બળદ ને થોડો ઘાસચારો ખવડાવી અને પાણી પીવડાવી કાનો અને ગાભુ નીકળી પડ્યાં પોતાનાં ગામ રાવટા જવા માટે.. કાનો તન થી હાલી નીકળ્યો હતો પણ હજુએ એનું મન તો આ મેળા ના એ ચકડોળ પર બેસેલી એ યુવતી નાં વિચારો માં જ અટવાયેલું હતું.

***

હજુ તો કાનો અને ગાભુ બળદગાડું લઈને થોડાં જ દૂર ગયાં હતાં ત્યાં રસ્તા પર એક નાનકડા વળાંક તરફ થી કોઈ મીઠો મધુર અવાજ આવી રહ્યો હતો.. જેના શબ્દો હતાં.

" હું તો ગઈ’તી મેળે

મન મળી ગયું એની મેળે મેળામાં

હૈયું હણાઈ ને ગયું તણાઈ જોબનના રેલામાં

મેળ મેળાવનાર મેળો, રંગ રેલાવનાર મેળો

મૂલે મુલાવનાર મેળો, ભૂલે ભુલાવનાર મેળો

ચિત્તનું ચકડોળ મારું આમતેમ ઘૂમતું ને

આંખ લડી ગઈ અલબેલામાં"

"અલી મીના આ સેજલી ને જો તો શું ભુત ઉપડ્યું છે કે ક્યારનીય આમ દિવાળીબેન ભીલ ના જેમ ગીતો ગાવા લાગી છે.. "એ ગીત ગાતી યુવતી નું નામ સેજલ હતું અને જોડે એની બે સખી મીના અને રેખા એને આમ અચાનક ગીત ગાતી જોઈ વાતો કરતી હતી.

"રેખા તું જ જઈને પૂછી લે એને "રેખા ની વાત સાંભળી મીના એ જવાબ આપ્યો.

"એ સેજલી તને આમ અચાનક શું થયું કે આજે આમ ગીતો ગાવા લાગી.. ?"રેખા એ ગીતો ગાતી સેજલ ને અટકાવતાં કહ્યું.

"અલી રેખા એમાં કારણ ના હોય, આતો મન માં આવ્યું તો ગાઈ દીધું.. અને હજુએ ઘર નો રસ્તો ત્રણેક કલાક નો તો છે જ.. જો મૂંગા મૂંગા જાશું તો ક્યારેય પાર નહીં આવે.. "સેજલ પોતાની આગવી અદા માં કહ્યું.

"એ વાત પણ તારી સંધિયે હાચી બુન.. પણ આમ આટલાં વર્ષો થી મેળામાં જાય છે તે તને કોઈ તારો મન નો માણીગર નથી મળતો.. ?" મીના એ પૂછ્યું.

"અરે મુકો ને એ બધી વાતો.. નસીબ માં લખ્યો હશે એ આવશે.. બાકી આ સેજલ ને સાચવી શકે એવો ભડ નો દીકરો મને તો હજુ સુધી નથી મળ્યો.. ભોલેનાથ ને અરજ કરું કે ક્યાંક તો મારાં લાયક કોઈક મળી જાય.. "આટલું કહી સેજલ ઉછળતી કૂદતી પોતાની જ મસ્તી માં આગળ વધી રહી હતી.

આ તરફ કોયલ જેવો મીઠો ટહુકતો અવાજ સાંભળી કાના એ પણ બળદ ને થોડી ગતિ માં દોડાવ્યાં.. વળાંક વળતાં જ કાના ની અને ગાભુ ની નજર ત્યાં જતી ત્રણ છોકરીઓ પર પડી.. અચાનક ગાભુ ના મોંઢે થી નીકળી ગયું.

"અલ્યા કાના આ તો પેલી ચકડોળ વાળી.. લાગે છે ભોળાનાથે મારી પ્રાથના સાંભળી લીધી છે.. હાલ બાપુ હાલ.. હવે તો એ છોરી ને મળી લે. "ગાભુ એ આનંદ ના અતિરેક માં કહ્યું.

એ યુવતીઓ વચ્ચે થઈ રહેલી વાતચીત કાના ના કાને પડી.. કાનો સમજી ગયો એ એનાં મન માં જે ચકડોળ વાળી યુવતી વસી ગઈ છે એનું નામ સેજલ છે. એ લોકો ની વાત જેવી પૂર્ણ થઈ એ સાથે જ કાના એ પોતાનાં આગવા અંદાજ માં સેજલે અધૂરું મૂકેલું ગીત ગાવાનું શરૂ કર્યું.

"મેળામાં આંખના ઉલાળા, મેળામાં પાયલ ઝણકાર

કોઈ ના જાણે ક્યારે વાગે કાળજળે આંખ્યુંનો માર

માણસના ભેળું મન મેળે ખોવાઈ જાય

રેલાતા રંગે રેલામાં

હૈયું હણાઈ ને ગયું તણાઈ જોબનના રેલામાં

મેળામાં… મેળામાં… મેળામાં"

પોતે અધૂરું મૂકેલું ગીત ગાતાં અને પોતાની પાછળ આવી રહેલાં બે યુવકો ને જોઈ સેજલ નો પિત્તો ગયો અને એ પાછી વળી અને કાના ના બળદગાડા ના આગળ હાથ લંબાવી ને ઉભી રહી અને ગુસ્સા ભર્યા અવાજ માં બોલી.

"એ તમારાં માં થોડાય સંસ્કાર જેવું છે કે નહીં?, કે આમ અમારી વાંહે વાંહે હાલી આવ્યાં છો.. ?"

સેજલ ને આમ ગુસ્સે જોઈ રેખા અને મીના પણ એની જોડે આવીને ઊભાં રહ્યાં.. આ તરફ કાના નું આખું શરીર તો આટલી નજીક થી સેજલ નાં અતિસુંદર ચહેરા ને જોઈ સુન્ન મારી ગયું.

લાંબો કાળો કમર સુધી આવતો ચોટલો, ચોટલા માં થી નીકળીને ચહેરા પર આવતી લટ, નાક માં સોનાની સુંદર નથ, હોઠ પર ચેહરા ની સુંદરતા ને બેવડું કરતું તલ નું નિશાન, લાલ અધરો ની જોડ, કાજળ આંજીને સજાવેલા બે તીખાં નયન નક્ષ, હાથ માં લાલ લીલા રંગ ની ખનકતી બંગડીઓ, મોરપીંછ ના રંગ માં રંગાયા હોય એવા લીલા અને વાદળી રંગ ના વસ્ત્ર પરિધાન અને ખન્ન ખન્ન કરતી પાયલ.. કાના એ એક નજર માં સૌંદર્ય ની પ્રતિમા સમી સેજલ ને પગ થી માથા સુધી નીરખી ને જોઈ લીધી.

સેજલ ની વાત સાંભળી એને યોગ્ય વળતો જવાબ આપવાનું નક્કી કરી ગાભુ બોલવા જ જતો હતો પણ કાના એ એને ઈશારા થી ચૂપ રહેવા કીધું.

કાના કે ગાભુ તરફ થી કોઈ પ્રત્યુત્તર ના મળતાં સેજલ વધુ ગુસ્સે ભરાઈ અને વધુ મોટો અવાજે બોલી.

"આમ લાગો તો છો સારાં ઘર નાં તો આમ આ રીતે પાછળ આવો એ સારું લાગે છે.. કેમ હવે કંઈ બોલતાં નથી.. ?'

"અમે કાંઈ બોલતાં નથી એનો મતલબ એવો નથી કે અમે ખોટાં છીએ.. અમને બાઈ માણહ ના મોંઢે લાગવાનું પસંદ નથી એટલે અમે કંઈ બોલ્યાં નહીં.. બાકી તમે તો અમારા ઉપર ચડી જ બેઠાં.. અને અમે એવું પણ કહી શકીએ કે તમો લોકો અમારી આગળ આગળ હાલ્યા જાઓ છો.. "કાના એ ગાડાં માં થી ઠેકડો મારી સેજલ ની સામે ઊભાં રહીને કહ્યું.

"હા હા આયો મોટો.. તારી મોંઢે લાગવું અમને પણ નથી પસંદ.. હાલ સેજલ આમ અજાણ્યાં માણહ ના જોડે આમ વગડે વાતો ના કરાય.. "મીના એ સેજલ નો હાથ ખેંચી ને કહ્યું.

"ઓળખવાનો મોકો આપતાં નથી ને અજાણ્યાં કે છે.. "કાના ધીરે રહીને બબડયો.

"શું કીધું લ્યા તે.. જોર થી બોલ ને.. આમ મન માં ને મન માં શું બકબક કરે છે. "મીના થી હાથ છોડાવી સેજલ કાના ની સામે ઉભી રહી આવેશ માં સેજલ બોલી.

"સામો જવાબ આપીએ એ પણ નથી ગમતું ને મન માં બોલીએ એ પણ નથી ગમતું.. કહેવું પડે તમારું.. કયા ગામ ના છો.. ?"કાનો સેજલ ને ચીડવાવાના મૂડ માં હોય એમ હસીને બોલ્યો.

"ગામ નું નામ જાણી ને શું કરીશ.. ફરિયાદ કરીશ પોલીસ સ્ટેશન માં જઈને.. જા કરી દે ફરિયાદ. સેજલ નામ છે મારું અને કિસા ગામ છે મારું.. "ચહેરા પર આવેલી લટને કાન ની પાછળ સરખી કરીને સેજલ બોલી.

"બહુ સરસ નામ રાખ્યું છે તમારા ફોઈએ. અમારે કંઈ ફરિયાદ નથી કરવી.. આતો હું રાવટા જતો હતો તો તમારું ગામ વચ્ચે પડતું હોત તો ત્યાં સુધી મારાં ગાડા માં બેસાડી લેત.. માણસાઈ નો સવાલ છે.. "કાનો બોલ્યો.

"ના અમારા પગ માં હજુ એટલી તો તાકાત છે.. અને અમારું ગામ ખાલી છ ગાઉ દૂર છે.. અમે જાતે જતાં રહેશું અમારા ગામે.. તમારે માણસાઈ તમારા જોડે રાખો.. બાકી ક્યાં તમારા ગામ નો કાનો આહીર અને ક્યાં તમારાં જેવાં હલકી કક્ષા ના માણસો.. "મીના એ કાના ની વાત નો જવાબ આપતાં કહ્યું.

મીના ની વાત સાંભળી કાના ને બરાબર નું હસવું આવ્યું પણ એ પોતાની જાત ને થોડી સ્વસ્થ રાખી બોલ્યો..

"તમે જોયો છે કાના આહીર ને.. એની આગળ અમારું કંઈ ના આવે.. કાનો તો કાનો છે.. અમારી સરખામણી અમારી હારુ ના થાય હો.. !"

"હા હવે છાનોમાનો નિકળ તું તારા રસ્તે અને અમને પણ જવા દે.. તારે તો બળદ ગાડા માં બેસી ને જવાનું છે અને અમારે ટાંટિયા તોડી.. "અકળામણ ભર્યા સુર માં રેખા બોલી.

"સારું ત્યારે રામરામ.. નસીબ માં લખ્યું હશે તો ફરીથી મળીશું.. "બધાં ની તરફ હાથ જોડી કાનો બોલ્યો અને ગાડા માં બેસી ગયો.

"હા રામરામ.. "સેજલ દાંત કચકચાવીને બોલી.

પોતાનાં બળદ ને પુચકારતો કાનો પોતાનાં બળદગાડામાં બેસી ને નીકળી પડ્યો પોતાનાં ગામ રાવટા ના રસ્તે. હસતી મલકાતી સેજલ નું આ ગુસ્સા વાળું રૂપ એને વધુ દેખાવડી બનાવતું હતું એવું કાના ને લાગ્યું.

હજુ તો થોડી આગળ જ વધ્યા હતાં ત્યાં ક્યારનોય ચૂપ બેસેલો ગાભુ કાના ની તરફ જોઈ બોલ્યો.

"ભાઈલા આ તો પહેલી મુલાકાત માં જ બબાલ થઈ ગઈ.. હવે વાત ક્યાંથી આગળ વધશે.. એક તો એ છોરી હતી જ આગ થી ભભૂકતો જ્વાળામુખી અને તમે પણ એ છોરી ને હેરાન કરવામાં કંઈપણ કસર બાકી ના મૂકી. આગ જોડે રમવાનો તારો આ નાનપણ નો શોખ હજુ નથી ગયો. "

"ગાભુ તને નથી ખબર કે પ્રેમ ની શરૂવાત આ રીતે જ થાય.. મારાં તરફ નો ગુસ્સો એ જ્યાં સુધી એ મારા જોડે બદલો નહીં લઈ લે ત્યાં સુધી ઓછો નહીં થાય.. અને એ બહાને એના હૃદય અને મન માં કોઈ ને કોઈ રીતે આ તારા ભાઈ નો ચહેરો રમતો જ રહેશે.. "કાના એ હસીને કહ્યું.

"ભાઈ તું અને તારી વાતો.. તું જાણે ને જાણે મારો ભોળોનાથ.. "ગાભુ એ કાના ને બે હાથ જોડી કહ્યું.

"બાકી સેજલ તો એનાં નામ ની પ્રમાણે જ નદી ના પાણી જેવી ઉછળતી અને કૂદતી મસ્તી થી ભરેલી યુવતી છે.. એનાં જેવું રૂપ ના મેં કદી જોયું છે.. ના જોવા મળશે. હવે તો આ કાનો લગન કરશે તો સેજલ ની હારુ નહીંતો આજીવન કુંવારો રહેશે. "મક્કમ નિર્ધાર ભર્યા અવાજે કાના એ કહ્યું.

"પણ ભાઈ મને એમ કે તું બહુ સમજદાર છે પણ તું તો સાવ ડફોર નીકળ્યો.. "ગાભુ થોડાં અણગમા ના ભાવ સાથે બોલ્યો.

"અરે શું થયું લ્યા કે તું મને ડફોર કહે છે.. ?"ગાભુ ના મોંઢે પોતે ડફોર છે એ વાત સાંભળી એનું કારણ પૂછતાં કાના એ ગાભુ ને સામો સવાલ કર્યો.

"પેલી સેજલ ની બાજુ માં રહેલી પેલી છોકરીઓ જ્યારે કાના આહીર એટલે કે તારી તારીફ ના પુલ બાંધતી હતી ત્યારે બકી ના દેવાય કે તું જ કાનો આહીર છે.. "ગાભુ એ કાના ને ડફોર કહેવાનું કારણ આપતાં કહ્યું.

"એ તો હવે મારે પહેલાં સેજલ નાં મન માં રહેલી એની અકડ ઉતારવી છે પછી જ હું એને કહીશ કે મારું નામ કાનો છે.. પછી એ બનશે મારી સેજલ કાનાભાઈ આહીર"કાનો મૂછો ને તાવ આપી બોલ્યો.

"પણ હજુ તો એના મન માં તારા પ્રત્યે એક જ લાગણી છે નફરત ની તો એની જગ્યાએ પહેલાં પ્રેમ નાં બીજ અંકુરિત કરવા પડશે અને પછી વાત લગન ની.. "ગાભુ એ કાના નો મક્કમ નિર્ધાર સાંભળી ચિંતાતુર સ્વરે કહ્યું.

"બધું થઈ જશે.. હવે થી સેજલ ને સેજલ ભાભી કહેવાની ટેવ પાડી દે મારાં ગાભલા.. "ગાભુ ની પીઠ પર હાથ મારી કાના એ કહ્યું.

"બસ તે કહી દીધું બધું થઈ જશે એટલે બધું થઈ જશે.. આમ હાથ પગ વગર ની તારી વાતો પર ઘણી વાર મને વિશ્વાસ નથ આવતો મારો ભાઈલા.. આ ઝરખ નો શિકાર નથી.. આતો એક માથાફરેલ વિફરેલી સિંહણ નો શિકાર કરવાનો છે. "ગાભુ બોલ્યો.

"તારો ભાઈ પણ સિંહ થી ઓછો નથી ગાભલા.. લાગે છે તે એનાં ગામ નું નામ નથી સાંભળ્યું.. ?"કાના એ સવાલ કર્યો.

થોડું વિચાર્યા બાદ ગાભુ મગજ પર જોર આપી બોલ્યો..

"હા ભાઈ સાંભળ્યું છે એને કીધું હતું સેજલ મારું નામ અને કિસા મારું ગામ.. પણ એનાથી શું.. ?"ગાભુ ના ચહેરા પર હજુ કંઈ કેટલાય પ્રશ્નો છવાયેલા હતાં.

"કિસા ગાભુ કિસા.. કંઈ સમજાયું.. . "ગાભુ તરફ જોઈ આંખો ને મોટી કરી પોતાના હાથ ની આંગળીઓ ને કાના ના કપાળ પર ધીરે થી મારી કાના એ કહ્યું.

"હા ભાઈ સંધુયે સમજાઈ ગયું.. હવે બીજી મુલાકાત પણ ઝટ થશે તારી અને સેજલ ભાભી ની.. "ગાભુ ના ઉડેલાં ચહેરા પર ખોવાઈ ગયેલું નૂર પાછું આવી ગયું હોય એમ ખુશ થઈ ગાભુ બોલ્યો.

પછી ગાભુ એ જોરજોરથી ગીત ગાવા માંડ્યું.

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,

મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,

જનાવર જીવતાં ઝાલ્યાં રે,

મોર ક્યાં બોલે….. મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે....

ગાભુ ના કંઠે ગવાયેલું સુંદર લોકગીત સાંભળી કાના એ બળદ ને બાંધેલું દોરડું થોડું કસીને પકડ્યું અને બળદ ગાડા ને ભગાવી મૂક્યું પોતાનાં ગામ ની તરફ.. આજે કાનો બહુ ખુશ હતો કેમકે પ્રથમવાર કોઈ છોકરી એનાં પથ્થર હૃદય માં પ્રેમ ના બીજ રોપી ગઈ હતી.. બસ હવે જરૂર હતી એ બીજ ને પ્રેમ અને લાગણી નું ખાતર પાણી આપી એની માવજત કરી એને મોટું વૃક્ષ બનાવવાની.. !!

***

વધુ આવતાં અંકે...

કાના અને સેજલ વચ્ચે ની આ પ્રથમ મુલાકાત આગળ જતાં પ્રેમ માં પરિણમશે કે નહીં? કિસા ગામ નું નામ સાંભળી કાના અને ગાભુ નું આમ ઉત્સાહિત થવા નું કારણ શું હતું? જાણવા વાંચતા રહો પ્રેમ અને પ્રતિશોધ ની સુંદર નવલકથા " ડણક:A Story Of Revange નો નવો ભાગ આવતાં સપ્તાહે.

-દિશા. આર. પટેલ